Sunday, June 4, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : વર્કશોપ [૨]

એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટેની વર્કશોપની આવશ્યકતાના આદર્શો અને વાસ્તવિકતાઓ

વિજ્ઞાન કે એન્જિનિયરિંગ કે મૅડીસિન જેવા વ્યાવસાયિક  અભ્યાસક્રમોમાં 'પ્રેક્ટિકલ્સ' દ્વારા વિદ્યાર્થી 'થિયરી'માં જે ભણે તેને પ્રાયોગિક રીતે સિદ્ધ કરવા શું અને કેમ કરવું જોઈએ તે શીખે છે.  'ડ્રોઇંગ' ' 'સર્વેયિંગ' જેવા 'પ્રેક્ટિકલ્સ' એન્જિનિયરિંગના અભ્યાસ દરમ્યાન પણ મહદ અંશે આ જરૂરિયાત પુરી કરવાની સાથે વિદ્યાર્થીને વ્યાવહારિક જગતની નજદીક લઈ જવાની ભૂમિકા પણ ભજવે છે.  પરંતુ 'વર્કશોપ્સ' આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને થિયરીમાં શીખેલ 'વિજ્ઞાન'નાં જ્ઞાનને વાસ્તવિક જગતમાં અમલમાં મુકવા માટે હાથ વડે કામ કરી શકવાની 'કળા'ના અનુભવને  'આવડત'માં કેમ ઉતારવો તે શીખવાડવાની, અને તેને આત્મસાત કરવાની, આવશ્યકતાને પુરી કરવા માટે પ્રયોજાયેલ છે. પરંતુ અભ્યાસક્રમને જે રીતે આલેખવામાં આવે છે કે તેનો અમલ કરવામાં આવે છે, તેમાં ક્યાંક એવી મહત્ત્વની કડી ખૂટે છે કે અન્ય પ્રેક્ટીકલ્સની જેમ વિદ્યાર્થીઓ, અને કંઈક અંશે શિક્ષકો, 'આ પણ એક 'કામ' છે જેને ફરજિયાત પુૠં કરવાનું છે' એવા મનોભાવથી જોતા  જણાય છે. તેમાં વળી, જેમણે એન્જિયરિંગમાં દાખલ થવા પહેલાં હાથના ઉપયોગથી કંઈ જ 'બનાવ્યું' નથી એવા મારા જેવાઓને તો 'આવડત' અને 'મનોભાવની કેળવણી' તો ભેંસ આગળ ભાગવત જ પરવડે. આટલું ઓછું હોય તેમ, સાચી યા ખોટી રીતે ઘર કરેલી માન્યતા કે 'આપણે તો 'એન્જિનિયર' છીએ, હાથ તેલગ્રીસથી મેલા કરવા એ તો કારીગરનું કામ છે' આ મનોભાવ પરિસ્થિતિમાં ઈંધણ પુરીને આગ ભડકાવવાનું કામ કરે છે.

આ બધી સાંયોગિક ચર્ચાઓને કારણે ધ્યાન ખસેડ્યા સિવાય વિદ્યાર્થીને હાથ વડે કામ કરવાની કળાની આવડત શીખવા માટે અને ઉત્પાદન પ્રક્રિયામાં વ્યવહારમાં વપરાતી અલગ અલગ કાર્યપદ્ધતિઓ અને તેને આનુષાંગિક યંત્રો અને ઉપકરણોથી પરિચિત થવા માટે વર્કશોપ્સ એક આદર્શ સ્થળ અને તક છે એ વિશે બેમત ન હોઈ શકે તેનો તો સ્વીકાર કરવો જ રહ્યો.. 

એ સમયે એલડીમાં વર્કશ્પ્સ તરીકે સુથારી, ફિટિંગ, મશીન શોપ અને લુહારી જેવી 'શોપ્સ' હતી. વિદ્યાર્થીઓએ, તેમને આપવામાં આવેલ કાચા માલમાંથી આ શોપ્સનાં કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ 'જોબ' બનાવવાના રહેતા. જેમણે કોઇ પણ ઉપકરણને હાથમાં જ પહેલી વાર પકડ્યું હોય એવ મારા જેવા વિદ્યાર્થોને તો દરેક જોબ એક નવી અજમાયશ અને તેમાંથી નિપજતી ભૂલોની પરંપરા હતો. એ દરેક 'જોબ' શા માટે બનાવવો જોઈએ અને કેમ કરીને બનાવવો જોઈએ તેની જે કંઈ અને જેવી સમજણ અપાતી હશે તે સમજવું એ પણ શરૂઆતમાંતો અમારા માટે એક અજમાયશ જ નીવડતી હતી. 

વર્કશોપ્સના ઈંન્સ્ટ્રકટરો મોટા ભાગે આઈટીઆઈ પાસ કરેલ બહુ અનુભવી કારીગરો રહેતા.  ઘણા કિસ્સાઓમાં તો તેઓ તેમનાં અન્ય કુટુંબીજનો સાથે સુથારી કામ જેવા પોતપોતાના વ્યવાસાયો પણ કરતા હતા. એક તો સરકારી નોકરીની સુરક્ષા અને બીજી બાજુ હવે પગારમાં થતા વાર્ષિક વધારા સિવાય અન્ય કોઈ પ્રગતિની ખાસ શક્યતાઓ નહીં એટલે કદાચ એ લોકોને અમારા જેવા શિખાઉઓને દર વર્ષે કક્કો શીખડાવવામાં બહુ રસ નહીં હોય. તેમાં પાછું લગભગ બધા જ વિદ્યાર્થીનો પ્રેક્ટિક્લ્સ તરફનો નિરસ અભિગમ તેમનાં આ માનસને ઘુંટવામાં વધારે ભાગ ભજવતો હોય એમ બની શકે !  એવી પણ એમ માન્યતા જતી કે કારીગર જ હોવા છતાં ભવિષ્યના એન્જિનિયરો પર બૉસગીરી કરવાની તક પણ તેમને આ સિવાય ક્યારે મળે ? જોકે મને પોતાને આવું ખાસ લાગ્યં  નહોતું એ વાત પણ એટલી જ સાચી હતી.  એવી પણ અફવાઓ સાંભળવા મળતી કે જૉબ 'પાસ કરાવી લેવો' હોય તો ખાનગીમાં તેમની પાસે જ બનાવડાવી લેવાની 'દક્ષિણા'નો વ્યવહાર પણ કરી શકાય તેમ હતું !  મેં તો એમ પણ જોયું હતું કે જો અમે લોકો બહુ જ સાચી લગનથી તેમની પાસે શીખવા જતા તો અમને તેઓ ખુબ જ મદદ પણ કરતા. આ બધામાં સાચું ખોટું શું તે જાણવામાં ન તો મને ત્યારે રસ હતો કે ન તો આજે છે. પરંતુ, કોઈ પણ સંસ્થામાં સત્તાની સાઠમારી કે આડા વ્યવહારોનાં દુષણો કેમ કામ કરવા લાગી જતાં હોઈ શકે એ સમજવામાં આ વાતનું મહત્ત્વ આજે સમજાય છે. એકંદરે જોતાં, એ લોકોના વ્યવહારોની સબળી નબળી બધી બાજુઓને ધ્યાનમાં લીધા પછી પણ અમને વર્કશોપ્સની "કળા" શીખવવામાં  તેમનાં યોગદાનનાં મહત્ત્વને માન તો આપવું ઘટે. 

મને એમ પણ ખાસ યાદ નથી આવતું કે કોઈ પણ જૉબ પુરો કરવા માટે અમને અમુક ચોક્કસ સમય મર્યાદા પહેલેથી જણાવાતી કે નહીં. પણ હા, ક્યાં તો ઈંસ્ટ્રક્ટરો દ્વારા સુચવાતી કે ક્યાં તો વિદ્યાર્થીઓએ પોતાના મનથી નક્કી કરેલ  એક અવૈધ સમય માર્યાદા રહેતી એવું જરૂર યાદ આવે છે.  ખેર, એટલું તો સ્પષ્ટ જ છે કે કંઈ શીખવા કરતાં જેટલો જલ્દી બને તેટલો જૉબ પુરો કરી નાખવાની દાનત અમારા પર વધારે હાવી રહેતી. તો સામે અમારી બહુ વધારે પડતી ઉતાવળને ઈંસ્ટ્રક્ટરો તરફથી ઉત્તેજન ન મળતું એમ પણ યાદ આવે છે.  ઉતાવળ કરવામાં અમે જે કંઈ શીખવું જોઈએ એ નથી શીખતા એવો ભાવ આવાં માનસ પાછળ હશે કે કેમ તે તો ચોક્કસપણે નથી ખબર, પણ બહુ જલ્દી કરીએ તો કંઈક ને કંઈક ભુલ બતાવીને કામ ફરીથી કરવું પડતું એટલું યાદ છે. પરિણામે, અમે લોકો પણ અંદાજ બાંધી લેતા  કે ક્યારે જોબ બતાવવા જશું તો બહુ ભુલો કાઢ્યા સિવાય જોબ પાસ થઈ જશે ! હા, આજે પાછળ વળીને જોતાં એમ લાગે છે કે  ઘણી બાબતોમાં તેઓ અમને પાછા કાઢતા તે એ જૉબની આવશ્યકતાનાં હાર્દને સમજવા માટે ખરેખર જરૂરી પણ હતું.

આજે મારે એ પણ સ્વીકારવું છે કે જોબ પાસ કરાવવાની એ અવૈધ સમય મર્યાદાને કારણે મને વર્કશોપ્સનાના ઘણા ક્લાસમાંથી ગુટલી મારવાની આદત પડી ગઈ હતી.  અમારા જેવા પાછળ પડી ગયેલાઓ મટે છેલ્લે છેલ્લે વધારાના વર્ગો ગોઠવાતા. તે સમયે સમય ઓછો હોય એટલે જૉબને પાસ કરવામાં બહુ ખટખટ ન થતી, એટલે એ વ્યવસ્થા ઘણાઓને વધારે અનુકૂળ રહેતી. કામમાં બહુ સંપૂર્ણતાના આગ્રહને બદલે ખપ પુરતું બરાબર થાય એટલો સમય આપીને કામ જલદી પુરૂં કરી લેવાની જ મને તો ટેવ હતી એટલે સમયનો ઓછો બગાડ થતો હોવાથી મને પણ આ વ્યવસ્થા ગોઠી ગઈ હતી. 

વર્કશોપ્સમાં જે જૉબ કરાડવવામાં આવતા તે જે પ્રકારનાં 'જોઈંટ્સ' હતા અને તેના જુદા જુદા ઉપયોગો માટે તેમાં 'લિમિટ્સ કે ફિટ્સ'ની કેટલી આવશ્યકતા કેમ હોવી જોઈએ એ બધું તો જ્યારે થિયરીમાં ભણવામાં આવ્યું ત્યારે વર્કશોપમાં તે કેમ સિદ્ધ કરવું એ સમજવાનું હતું એ વાતનું મહત્ત્વ સમજાયું.

સમય અને ઉમરની સાથે આવતી સમજબુદ્ધિના પ્રતાપે આજે હવે એ બધી હસ્તકળાઓ શીખવાનું કૉલેજ પછી કેટલું મહત્ત્વનું નીવડી શકે તે  સમજાય છે.  એ સમયે ભલે ધ્યાન પર નહોતું આવ્યું પણ વર્કશોપ્સના એ અનુભવોને કારણે ઓછાં લોકપ્રિય જણાતાં કૌશલ્યોનું પણ ઉત્પાદન પ્રક્રિયામાં, તેમજ સંસ્થાના સમગ્ર તંત્રના સરળતાથી  કામ કરતાં રહેવામાં, અગત્ય શું છે તે તો મગજમાં જરૂર નોંધાઈ ગયું હતું. કોઈ પણ કામ સફળતાથી સિદ્ધ કરવા માટે માત્ર બુદ્ધિ નહીં પણ હાથની કારીગીરી અને મહેનત પણ કેટલાં જરૂરી છે તે પણ સમજાયું તો હતું જ.  એ સમયે અપ્રત્ય્ક્ષ લાગ્તી આ સમજને કારણે વ્યક્તિગત વિકાસમાં તો મદદ મળી જ છે, પણ સમાજના સંતુલિત વિકાસ માટે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ સમગ્ર સાંકળની દરેક ક્ડીની આવશ્યકતા અંગેના અભિગમને વિકસાવવામાં પણ તેનું ઘણું  યોગદાન રહ્યું છે તેનો પણ આજે સ્વીકાર કરૂં છું. 

આ સમજનો મને સીધો ફાયદો મારી પછીની સક્રિય કારકિર્દીમાં મળ્યો.  બન્ને પક્ષે માન પણ સચવાય, આપસી વિશ્વાસ મજબુત બને અને છતાં બન્ને પક્ષની સબળી બાજુઓનો ગુણાકાર જ કેમ થાય એ રીતે કારીગરો, ફોરમેન અને પહેલી હરોળના સુપરવાઈઝરો સાથે વ્યવહાર કેમ  રાખવો એ વિશે મને સારી ફાવટ આવી ગઈ હતી. 

તે ઉપરાંત, આગળ જતાં જ્યારે જ્યારે મને મશિનિંગ, ફોર્જિંગ, કાસ્ટીંગ, હોટ અને કોલ્ડ ફોર્મિંગ કે મેટ્રોલોજી જેવી ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે કામ પડ્યું ત્યારે કૉલેજ દરમ્યાન અધુરી રહી ગયેલી તડપને પુરી કરવાની એ દરેક તક મેં બહુ જ લગનથી ઝડપી લીધી.  પરિણામે મને એ આ પ્રક્રિયાઓ વિશે ઘણું વધારે જાણવાનું પણ મળ્યું. તેનો સીધો ફાયદો એ થયો કે મારી સક્રિય કારકિર્દી દરમ્યાન મને સોંપવામાં આવેલ પ્રક્રિયાની સાંકળ અને તેમાંથી નીપજતાં પરિણામો સાથે કામ લેવાની મારી જવાબદારીઓનું વહન હું ઘણી સારી રીતે કરી શક્યો. 

આજે હવે પશ્ચાદ દૃષ્ટિ કરતાં એ સમયનાં કૉલેજના અભ્યાસક્રમનાં માળખાં અને મારી પોતાની મર્યાદાઓની સાથે એલડીના સમગ્રપણે રહેલા અનુભવ અને જીવનમાં યોગદાન સાથે વર્કશોપ્સ અને ત્યાંનાં વાતાવરણની અસરનાં મિશ્રણની  એક વ્યાવસાયિક તરીકેના મારાં માનસનાં ઘડતરરૂપે  મારાં જીવનમાં ઘણું અદકેરૂં મહત્ત્વ રહ્યું એવી સ્પષ્ટ લાગણી અનુભવાય છે. 

દિલીપ વ્યાસે વર્કશોપની મમળાવેલી તેમની યાદોમાંથી સાભાર.


વર્કશોપ્સના અનાપેક્ષિત આડપેદાશો સમા ફાયદોઓની યાદો વિશે હવે પછી

No comments: