Thursday, March 3, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પહેલું વર્ષ - ૨ - ભય વિના પ્રીતિ નહીં (!) અને ગુંચવાયા વગર માર્ગ નહીં (?)

 


એન્જિનિયરિંગના સ્નાતક કક્ષાના અભ્યાસમાં અને તે પછીની કારકિર્દીમાં રસ હોવાને કારણે કેટલાં વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લેતાં હશે એવું તો કોઈ સર્વેક્ષણ થયું હશે કે કેમ તે તો મારી જાણમાં નથી ! પરંતુ, હા, જે 'સફળ' વિદ્યાર્થી હોય તો તેણે તેના એ મોભાને અનુરૂપ એન્જિનિયરિંગમાં જ જવું જોઈએ એ તો એ સમયની એક સ્વીકૃત માન્યતા જરૂર હતી. કેટલાંક માટે એન્જિનિયરિંગની ડિગ્રીનું સામાજિક વર્તુળોમાં ઉચ્ચ સ્થાન પણ મહત્ત્વનું હશે એમ પણ માની શકાય.

અલગ અલગ કારણોથી પ્રેરાઈને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને કૉલેજમાં આવ્યા પછી એ અરમાનો, આદર્શો કે પ્રેરણાઓનો સામનો જ્યારે પહેલાં જ વર્ષની વાસ્તવિકતાઓ સાથે થતો હશે ત્યારે મનમાં કેવી કેવી લાગણીઓ જન્મી હશે એ વિચાર આ તબક્કે મારા મનમાં ઘોળાયા કરે છે. મારાં પોતાના એ સમયના પ્રતિભાવો તો મારા મનમાં સ્પષ્ટ થતા જાય છે, પરંતુ મારી પોતાની યાદોને રજૂ કરતાં પહેલાં થોડા અન્ય વિચારો જાણવા વધારે માહિતીપ્રદ રહેવાની સાથે રસપ્રદ પણ બની રહેશે.

આનંદની વાત છે કે મારી ટહેલના પ્રતિભાવ સ્વરૂપે મારી પાસે ત્રણ અન્ય પ્રતિભાવો આવેલ છે. બે પ્રતિભાવો અમારાથી 'સિનિયર' અને એક પ્રતિભાવ મારા સહપાઠીનો છે. બન્ને 'સિનિયર' એ સમયનાં ઈન્ટર સાયન્સ / એફ વાય બી એસસી કર્યા પછી ત્રણ વર્ષના એન્જિનિયરિંગના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ છે.

સુરેશ જાની[1]ને એન્જિનિયરિંગનાં એમનાં પહેલાં જ વર્ષની યાદો બહુ સ્પષ્ટ છે. તે પછી છએક દાયકામાં અપેક્ષાઓ અને વાસ્તવિકતાઓના અનેક સામનાઓના વાળાઢાળાઓ અનુભવી ચુકેલા સુરેશભાઈ એ સમયના તેમને એટલી સ્વસ્થ,નિષ્પક્ષ, દૃષ્ટિએ જોઈ રહ્યા છે કે એ 'સુરેશ જાની' તેમને ત્રીજો પુરુષ એકવચન કળાય છે.

“૧૯૬૧ – જૂન

જૂન મહિનાના એ યાદગાર દિવસે તમે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વ્યાખ્યાન ખંડમાં પહેલી વાર પગ મૂક્યો. એ વખતમાં સૌથી વધારે માંગ વાળી મિકે. એન્જિ. શાખામાં અને માદરે વતન અમદાવાદમાં જ પ્રવેશ મેળવવા તમે સદભાગી થયા હતા. બીજા મિત્રોને કાં તો વિદ્યાશાખા કે કોલેજના સ્થળની બાબતમાં સમાધાન કરવું પડ્યું હતું.

પણ તમારા દિલમાં આ બાબત કશો ઉમંગ ન હતો. ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સના આખા વર્ષ દરમિયાન તમે ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રના મનગમતા વિભાગમાં ઘણે ઊંડે સુધી ચાંચ ડૂબાડવા પ્રયાસ કર્યો હતો. બીજા બે સમરસિયા મિત્રોની સંગતમાં તમારો આ રસ કેળવાયો હતો. તમારું સ્વપ્ન હતું – આઈન્સ્ટાઈન કે હાઈસનબર્ગની જેમ એ ક્ષેત્રમાં નામના મેળવવી.  અરેરે! કુટુંબમાં આની ખબર પડતાં, ‘આખી જિંદગી માસ્તરગિરી’ કરવાનો? ‘ અને એવાં અનેક દબાણોને વશ થઈ, તમારે  એ સપનું સંકેલી લેવું પડ્યું હતું. પણ અંતરનો એ ડંખ શૂળની જેમ સતત ભોંકાયા કરતો હતો.

“પહેલું વ્યાખ્યાન શરૂ થયું અને એ શૂળના દર્દની સાથે ગોટપિટ ગોટપિટ ભાષામાં તમને એક પણ વાક્ય ન સમજાયાનું દર્દ ઊમેરાઈ ગયું. તમારું અંગ્રેજી વાંચન સારું હોવા છતાં, સળંગ ગુજરાતી માધ્યમમાં ભણેલા તમે કદી આટલા લાંબા સંભાષણ માટે ટેવાયા ન હતા. રાતે ઘેર આવીને તમારી આંખો આંસુથી ઊભરાતી રહી. ‘સરસ્વતીચન્દ્ર’ની કુમુદ સુંદરીની જેમ ‘ પડ્યું પાનું નિભાવી લેવા’ તમે મજબૂર બની ગયા.

“ધીમે ધીમે એ ડૂમો શમવા લાગ્યો, પણ એકાદ મહિના પછી એની અસર તમારી તબિયત પર જણાવા લાગી. સામાન્ય શરદીમાંથી ઊંટાટિયા જેવી અસહ્ય ઉધરસે તમને ઘેરી લીધા. છેવટે સારવાર માટે તમારે કોલેજ જવાનું બંધ કરવું પડ્યું. ભારેખમ દવાઓથી એ હુમલો ખળાયો તો  ખરો, પણ બહુ અશક્તિનો દોર શરૂ થઈ ગયો.  

“ત્રણ મહિનાની લાંબી ગેરહાજરી પછી, બીજી ટર્મમાં સાઈકલ પર કોલેજ જવાની તાકાત જ ન હતી, આથી તમે પાંચ પૈસા કન્સેશનની ટિકિટ પર મ્યુનિ. બસમાં કોલેજ જવાનું શરૂ કર્યું. જતી વખતે તો બેસવાની જગ્યા મળી જતી, પણ પાછા વળતાં થાકેલાં મન અને શરીર પર આખે રસ્તે ઊભા રહેવાની સજા રોજની રામાયણ બની ગઈ.

“અંતરનો હાયકારો પોકારી પોકારીને ‘જીવન ઝેર બની ગયું.’ના ગાણાં ગાતું રહેતું. પણ ધીમે ધીમે વ્યાખ્યાનોમાં સમજ પડવા લાગી. મોટા ભાગના વિષયોમાં રસ પણ પડવા માંડ્યો. પણ બાકી રહેલા ટર્મ વર્કનું શું? બધી લેબોરેટરીઓ,  ડ્રોઈંગ, અને ખાસ તો શારીરિક શ્રમ માંગી લેતા વર્કશોપના જોબમાં તો ન પૂરી શકાય તેવી ખાધ હતી. ટર્મ ગ્રાન્ટ નહીં થાય અને જિંદગીમાં પહેલી વાર ડ્રોપ લેવો પડશે – એવા ભયનો ઓથાર પણ સતત  ઝળુંબી રહયો  હતો.

“પણ, ‘નિર્બલ કે બલ રામ’ એ ન્યાયે તમારા સહાધ્યાયીઓની બેનમૂન મદદ તમને મળતી રહી. વર્કશોપમાં શિક્ષકોની પણ સહાનુભૂતિના સબબે બેળે  બેળે જોબ બનતા ગયા. એ સહૃદયી શિક્ષકો અને જિંદાદિલ મિત્રોનાં નામ તો યાદ નથી, પણ એમની સહાય અને હમદર્દીની સુખભરી યાદનું પોટલું  જીવનભરની જણસ બની રહ્યું.

“છેવટે અભિમન્યુના બધા કોઠા જીતાયા અને સૌ  સંઘર્ષોના અંતિમ પરિપાક રૂપે તમે પહેલા વર્ષની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. “

ઔપચારિક દૃષ્ટિએ જરૂર મારા 'સિનિયર' પણ કૉલેજ કાળનાં એ વર્ષો દરમ્યાન એક જ વિસ્તારના સહરહેવાસી હોવાને કારણે વધારે તો મારા મિત્ર, દિલીપ વ્યાસ[2], પોતાનાં પહેલાં વર્ષને, એમની સાહજિક રીતે, તાર્કિક દૄષ્ટિકોણથી, યાદ કરે છે –

જો તમે તેજસ્વી વિદ્યાર્થી હો તો એસ એસ સી પછી સાયન્સ (કૉલેજ)માં જવું અને ત્યાં પણ તમે સફળતા મેળવો તો ક્યાં તો મેડિસિન કે નહીં તો એન્જિનિયરિંગમાં સ્નાતક થાવ એ પ્રકારનાં પ્રચલિત ચલણ સિવાય એલ ડીમાં હોવાનું મારી પાસે કોઈ અન્ય કારણ નહોતું. એ સિવાય, બીજાં એક કારણથી પણ હું ખોટી જગ્યાએ હતો. એ સમયે પ્રી-સાયંસ પછી એન્જિનિયરિંગના નવા અભ્યાસક્રમમાં હજુ મર્યાદીત સંખ્યામાં જ પ્રવેશ અપાતો હોવાથી,  (સાવ છેલ્લા ક્રમમાં ગણાતા) સિવિલમાં મને મળતો પ્રવેશ મેં જવા દેવાનું પસંદ કરી ને એફ વાય બી એસસીનો વૈકલ્પિક માર્ગ મેં પસંદ કરીને ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં મિકેનીકલમાં પ્રવેશ લીધો હતો. અમારી બૅચ ત્રણ વર્ષના અભ્યાસક્રમની છેલ્લી બૅચ હતી એટલે, તમને કદાચ યાદ હશે તેમ, નવા અભ્યાસક્રમમં હવે વધારે તેજસ્વી વિદ્યાર્થી આવતા થયા હોવાથી અમારી બૅચનું સ્થાન  સાવકાં સંતાન જેવું હતું. અમારી તરફ અપાતાં એ ઓછાં ધ્યાનની મારા પર તો ખાસ અવળી નીવડી.

ત્યાં સુધીનો મારો બધો જ અભ્યાસ તે સમયની 'શ્રેષ્ઠ' વર્ગની ગણાતી સંસ્થાઓમાં થયો હતો. મારૂં પ્રાથમિક શિક્ષણ રાજકોટની જાહેર શાળામાં થયો. ધોરણ પાંચથી આઠનો અભ્યાસ ત્યાંની વિરાણી હાઈસ્કુલમાં થયો. શાળાએ આવતાં જતાં પણ તમારૂં વર્તન કેવું છે તેની પર ચાંપતી નજર રહે એટલું કડક વિરાણીનું એ સમયનું શિસ્તનું ધોરણ હતું. તે પછી અમે અમદાવાદ આવ્યાં અહીં અગીયારમા ધોરણ સુધી સીએન (વિદ્યાલય)માં અભ્યાસ કર્યો, જે પણ એ સમયનાં તેનાં શિક્ષણ અને શિસ્તનાં ધોરણો માટે અગ્રિમ હરોળની શાળા ગણાતી. સાયન્સ કૉલેજનો મારો અભ્યાસ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં થયો. અહીં તો જો તમે ફિઝિક્સના બે (જ)  પિરિયડમાં ગેરહાજર રહ્યા તો ફાધર બ્રેગાંઝાનો ચેતવણી પત્ર સીધો વાલીના હાથમાં જ હોય.  દ્વિ-માસિક પરીક્ષા પછી ફાધર ડી'સોઝા, વિષયવાર માર્ક્સનો હિસાબ ધરાવતો મોટો બધો ચોપડો લઈને ક્લાસમાં આવે અને દરેક વિદ્યાર્થીને ઊભાં કરીને તેની પ્રગતિ (કે અવગતિ)નો અહેવાલ, સોંસરવો ઉતરી જાય એવાં કડક સ્વરમાં,જણાવે.

આટલું લાંબું પૂર્વકથન કરવાનું કારણ એટલું જ કે જૂના અભ્યાસક્રમમાં તો કૉલેજમાં હાજરી આપવી એ જ વિદ્યાર્થીની મુનસફી પર આધારિત હતું. આમ શિસ્તનાં આવાં ઢીલાંઢફ ધોરણે જ મને સાવ ટાઢો પાડી દીધો. સરેરાશ કરતાં ઉંચા સ્તરના વિદ્યાર્થી હોવાને કારણે મને આમ પણ સારા (કહી શકાય એટલા) માર્ક્સ તો ખાસ કોઈ મુશ્કેલી વગર જ આવી જતા. આમ પણ પહેલે નંબરે જ આવવું એવી તો મારી આકાક્ષાઓ ક્યારેય રહી નથી. એટલે પારિસ્થિતિકી તંત્ર દ્વારા મળતાં ચાલક બળ અને મારી સીમિત સ્વપ્રેરણાનો પ્રભાવનો  અભાવ મારા માટે ઘોર નિષ્ફળતાકારક પરવડ્યાં.[3] એફ ઈમાં, બે જ વિષયમાં, તે પણ થોડા જ માર્ક્સ પુરતું કરીને, હું 'ફેલ' થયો ! એ પછીનાં મારાં બાકીનાં વર્ષો , મનેકમને, હેમખેમ રીતે પસાર થઈ ગયાં.'

સ્વાભાવિક છે અમે લોકો પણ મહદ અંશે આવી જ પશ્ચાદભૂમિકાઓની નિપજ હતા. એટલે અમારામાંના ઘણાને આવાજ  અનુભવો પણ થયા હોઈ શકે છે. જોકે એ સમયની અમારી કંઈક અપરિપક્વતા અને કંઈક સરેરાશ કરતાં વધારે ક્ષમતા અને એન્જિનિયરિંગમાં તો થોડુંઘણું આમ તો હોય તેવી અંદરની લાગણીઓનાં ચાલક બળને કારણે ન તો એ સમયે કે ન તો તે પછી આ બાબતે અમારા વચ્ચે કોઈ ચોક્કસ ચર્ચાઓ થઈ હોય એમ યાદ નથી આવતું.

ડરામણા કે ગુંચવાડાભર્યા અનુભવો સિવાયના રસપ્રદ કે માર્ગદર્શી કે પછી માર્ગનિર્ણાયક અનુભવો પણ પહેલાં વર્ષમાં થયા હતા એવી બે યાદો હજુ મારી સામે છે. એક છે મારા સહપાઠી અશોક ઠક્કરની અને બીજી છે મારી ખુદની.

પણ, એ વાત હવે પછીના મણકામાં જ ઉખેળીએ તો ?

કેમકે, આટલું વાંચીને મારા અન્ય સહપાઠીઓને  પોતાના અનુભવો આપણી સાથે વહેંચવાનું મન થઈ આવે એવી રાહ જોવાની લાલચ મને જરૂર છે !! 



[1] સુરેશ જાનીની સ્નાતક થયા પછીની કારકિર્દી (તે સમયનાં ) એઈસી (અમદાવાદ ઈલેક્ટ્રિસિટિ કંપની લિ.) સાથે યશસ્વી રહી.તે પછી તેઓ અમેરિકામાં સ્થાયી થયા. પોતપોતાની નિવૃત્તિઓ પછી બ્લૉગ લેખનના અમારા પોતપોતાના શોખે અમને વેબ ગુર્જરીના માધ્યમ પર એક સાથ કરી આપ્યા. તેમની એલ ડીની યાદોએ અમને / આપણને 'એક જ કૉલેજના ભૂતપૂર્વ 'વિદ્યાર્થીના સંબંધોના તાંતણે પણ જોડી આપ્યા છે.

[2] દિલીપ વ્યાસ પણ હવે તો અમેરિકાના 'નાગરિક' પણ એલ ડીમાં તેમનો અભ્યાસ સમય ત્રણ વર્ષના અભ્યાસક્રમની છેલ્લી બૅચનો. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય બન્યા પછી થોડાં વર્ષો રાજ્ય સરકારની વડી કચેરી અમદાવાદમાં હાલમાં જે સરકારી પોલીટેકનિક છે તેમાં બેસતી. તેની બરાબર સામે સરકારી કર્મચારીઓ માટે બનેલ એચ અને એલ કોલોનીઓમાં એ સમયના  પાંચથી સાત વર્ષના ઉમરના તફાવતનાં સમકાલીન ગૃપના કિશોરો અને યુવાનોની સામુહિક પ્રવૄત્તિઓમાં સાથે રહેતાં રહેતાં સારી મિત્રતાના સ્તર સુધી પણ પહોંચી ગયા હતા.

[3] દિલીપની આ યાદોએ મને પણ યાદ કરાવ્યું છે કે અમારા પણ કેટલાક સહપાઠીઓ પણ પહેલાં વર્ષમાં આંશિક રીતે નિષઅલ તો રહ્યા હશે. કંઈક સંજોગોની અને કંઈક પ્રેરણાની ખામીને કારણે અમુક વિષયોમાં રહેતી જતી કચાશ મને પણ પછીનાં વર્ષોમાં થોડી કનડી હતી, જેની વાત આગળ જતાં કરીશું.

2 comments:

સુરેશ જાની said...

Thank you very much. This series has linked various people who were otherwise totally unconnected. It was LDEC that formed the base of our professional careers .

સુરેશ જાની said...

Thank you very much