Sunday, September 10, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૧૭હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો
સપ્ટેમ્બર મહિનામાં જયકિશન (જયકિશન ડાહ્યાભાઈ પંચાલ, ૪ નવેમ્બર, ૧૯૨૯ - ૧૨ સ્પ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (ઈક઼બાલ હુસૈન, ૧૫ એપ્રિલ, ૧૯૨૨ - ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓ આવે છે. 

શંકર જયકિશન અને શૈલેન્દ્ર - હસરત જયપુરી હિંદી ફિલ્મનાં ગીતોનાં ચાહકોનાં દિલોમાં એક નામની  જેમ જ કોતરાઈ ગયા છે. જો કે, એમ કહેવાતું કે જયકિશન મોટા ભાગે હસરત જયપુરીએ લખેલાં ગીતોની ધુન સજાવતા. આમાંના અનેક ગીતો ચાહકોના હોઠો પર આજે પણ રમતાં રહ્યાં છે. બસ, આટલા વિચાર પરથી આજની પૉસ્ટના વિષયનું બીજ વવાયું.
આ ટીમના ફિલ્મ જગતના પદાર્પણથી શરૂ કરીને તેમની વિપુલ ફળદાયી સફરમાં તેઓએ રચેલાં એવાં પણ ગીત હશે જે આપણી યાદમાં ક્યાંક વિસારે પડેલાં હોઈ શકે....તેમની કારકીર્દીની ૧૯૪૯માં શરૂ થયેલી યાત્રાના વર્ષવાર ઉતરતા ક્રમમાં મેં શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ ૧૪ ફિલ્મોનાં હસરત જયપુરીએ લખેલાં લગભગ ૬૭ ગીતોનાં શીર્ષકો પર નજર કરી. આમાંથી મને ૧૩ ગીતો એવાં જણાયાં જેની ધુન મને શીર્ષક જોતાંવેંત યાદ ન આવી. આજે (શંકર)જયકિશન અને હસરત જયપુરીનાં આવાં વિસારે પડેલાં ગીતોની યાદ આજે તાજી કરીશું
આજે પસંદ કરેલાં ગીતો પર નજર કરતાં એક બાબત આપનાં ધ્યાન પર આવશે કે ઘણાં ગીતો લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં છે. જો કે આનું એક મુખ્ય કારણ એ હોઈ શકે કે શંકર જયકિશન મોટા ભાગે સ્ત્રી-સ્વરનું ગીત રચતા ત્યારે એ સમયનાં ગાયિકાઓમાં તેમની પહેલી પસંદ લતા મંગેશકર રહેતાં. ૧૯૪૯થી ૧૯૫૩નાં વર્ષો દરમ્યાન રજૂ થયેલી આ ૧૪ ફિલ્મોનાં શંકર જયકિશન- લતા મંગેશકરનાં ગીતોની કુલ સંખ્યા ના પ્રમાણમાં અહીં રજૂ કરેલાં ગીતો બહુ ઓછાં પ્રમાણમાં છે એ વાતની અહીં નોંધ લેવી જ જોઈએ. 

જો કે આપણે અહીં બરસાત (૧૯૪૯)નાં ગીત મૈં જીંદગીમેં હરદમ રોતા હી રહા હૂં ગણતરીમાં નથી લીધું, એટલું ધ્યાનમાં લીધા પછી એક બીજી પણ રસપ્રદ વાત સામે આવે છે. આપણે આપણી દરેક પૉસ્ટનો અંત મોહમ્મદ રફીનાં ગીતથી કરતા રહ્યા છીએ. આજના વિષયને અનુરૂપ એવું  (શંકર)જયકિશન-હસરત જયપુરીનું-આજનું ૧૪મું- ગીત મળ્યું છે છેક ૧૯૫૪ની ફિલ્મમાંથી.

ચાલો, હવે સાંભળીએ આજ માટે પસંદ કરેલાં (શંકર) જયકિશન+હસરત જયપુરીનાં ગીતો અને વિસારે પડતી યાદને સાથે મળીને તાજી કરી લઈએ:
પ્રેમનગરમેં બસનેવાલોં, અપની જીત પર હસનેવાલોં - બરસાત (૧૯૪૯) - લતા મંગેશકર
મુખડો, અંતરા અને અંતરા વચ્ચેનાં સંગીતના પરિચિત ઢાંચાની દૃષ્ટિએ આને કદાચ ફિલ્મનું ગીત ન કહી શકાય. પરંતુ રાજ ક્પૂર જેવા અભિનવ સર્જનાત્મક દૃષ્ટિ ધરાવતા દિગ્દર્શકો આવાં ગીત જેવાં દૃશ્યશ્રાવ્ય માધ્યમ દ્વારા બહુ સચોટ રીતે ઘણી વાર સીચ્યુએશન વિષેનો તેમનો દૃષ્ટિકોણ રજૂ કરતા આવ્યા છે. આવા કિસ્સાઓ  સંગીતકાર અને ગીતકાર માટે બહુ પડકારદાયક પરવડતા હોય છે. આપણે જોઈસાંભળી શકીએ છીએ કે શંકર જયકિશન અને હસરત જયપુરીએ તેમની ભૂમિકાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર જાલ મિસ્ત્રીએ દૃશ્યોને સિલ્વૅટ ફ્રેમમાં રજૂ કરીને આખી સીચ્યુએશનને ખરા અર્થમાં કાવ્યમય કરી નાખી છે.
 
ખુશી કી ક઼ૈદમેં.... રોતા હૈ મેરા દિલ, કિસકો પુકારૂં ક્યા કરૂં - બાદલ (૧૯૫૧) - લતા મંગેશકર
ગીતનો પ્રારંભ ઊંચા સ્વરોમાં ગવાયેલ સાખીથી થાય છે. ગીતનો પ્રારંભ સાખીથી કરવાની શૈલી, આગળ જતાં, આ જોડીની પોતાની આગવી શૈલી બની રહી. ગીતનું ફિલ્માંકન સદ્યયૌવના મધુબાલા પર કરવામાં આવ્યું છે.
જિંયેગે જબ તલક હમ ઉનકી યાદ આયેગી ... મૈંને ક્યા કિયા, સિતમે યે મૈંને ક્યા કિયા - કાલી ઘટા (૧૯૫૧) - લતા મંગેશકર
ગીતની ધુન અને બાંધણી ઠીક ઠીક મુશ્કેલ છે. તેમ છતાં ગીતનું માધુર્ય જળવાઈ રહ્યું છે.
તૂમકો અપની ઝીંદગીકા આસરા સમજ઼ે થે હમ...દિલ બેક઼રાર હૈ મેરા દિલ બેક઼રાર હૈ - નગીના (૧૯૫૧) - સી એચ આત્મા
ફિલ્મના નાયક નાસીરખાન માટે સી એચ આત્માના સ્વરને પાર્શ્વગાયનમાં ઉપયોગ કરવાનો ખૂબ જ હિંમતભર્યો પ્રયોગ શંકર જયકિશને કર્યો છે, અને બહુ સફળ પણ રહ્યા છે. 
ઓ પ્યાર ભરી ઈન આંખોંને...આજા તુઝકો યાદ કિયા - પર્બત (૧૯૫૨)- લતા મંગેશકર, ગીતા રોય
શંકર જયકિશને તેમની કારકીર્દીમાં ગીતા રોય/દત્તનો જવલ્લે જ ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત યુગલ ગીતમાં બન્ને ગાયિકાના સ્વરની સ્વાભાવિકતાને અનૂકુળ પડે તેવી સ્વરબાંધણી પ્રયોજાયી છે. વાદ્યગુંથણીના પણ ઘણા ટુકડાઓમાં વિવિધ વાદ્યોને ખાસ ઢબે પ્રયોગ કરી લેવાની જયકિશનની શૈલી પણ નજરે ચડ્યા વિના નથી રહેતી.
અબ તો આ જાઓ બલમ....ફુર્કત કે મારે રો દિયે - પૂનમ (૧૯૫૨) - લતા મંગેશકર
દરેક અંતરાનો ઉપાડ ઠીક ઠીક ઊંચા સ્વરમાં કરવાની સાથે અંતરાની વાદ્યગુંથણીમાં સમૂહ વાયોલિનનો પ્રયોગ ધ્યાનાકર્ષક રહે છે. ગીત યુવાન કામિની કૌશલ પર ફિલ્માવાયું છે.
અપને બિમાર-એ-ગ઼મકો દેખ લે, હો સકે તો આ કે દેખ લે....આજા રે અબ મેરા દિલ પુકારા - આહ (૧૯૫૩) - મૂકેશ, લતા મંગેશકર
ગીતનું મૂળ વર્ઝન ત્યારે પણ બહુ લોકપ્રિય થયું હતું, અને આજે પણ તેની ચાહના બરક઼રાર છે. તેમ છતાં અહીં તેને સ્થાન આપવાનું કારણ છે તેનાં વિવિધ વર્ઝનનાં ફિલ્માંકનમાં દિગ્દર્શનના અનોખા સ્પર્શથી ફિલ્મનાં કથાનકની વાતની રજૂઆતને સાવ નવા જ અંદાજમાં પેશ કરવાની રાજ કપૂરની નિપુણતા. પ્રસ્તુત વર્ઝનની શરૂઆતની પંક્તિઓ મૂળ વર્ઝનના અંતિમ અંતરાની છે. (એ જમાનાના) જીવલેણ રોગ ટીબીની સારવાર અર્થે નાયકને લાંબા સમય સુધૂ પ્રેમિકાથી દૂર થવાનું છે. એ અલગ પડવાની ઘડી પહેલાંની અપેક્ષા આ અંતરામાં વ્યક્ત થાય છે.  
બીજાં વર્ઝનની શરૂઆત જ ત્યાંથી કરીને નાયક પોતાની અંતિમ પળોમાં પ્રેમિકાને મળવા જવા માટેનો પોતાનો કૃતનિશ્ચય ઘૂટે છે. લતા મંગેશકરનો આલાપ નજ્દીક થતાં મિલનની પાછળ પાછળ દોડી રહેલાં મૃત્યુના ઓસાયાની દર્શકોને યાદ કરાવે છે.
અહીં રજૂ કરેલ લિંકમાં બન્ને વર્ઝનને એક સાથે મૂકાયાં છે, જેને કારણે બન્ને પરિસ્થિતિઓમાં ગીતનો સદર્ભ પણ આપણને સ્પષ્ટ બની રહે છે. 
ફિલ્મમાં ગીતનાં વર્ઝનનો એક ત્રીજો ટૂકડો પણ છે - જનાઝા મેરા નીકાલ આયે...આજા રે અબ મેરા દિલ પુકારા - પણ તેની સ્વતંત્ર વિડીયો ક્લિપ મળી શકી નથી.
હમકો છેડતા હૈ દિલ....કૌન જાને ક્યા હૂઆ, તુમને બાત બાત મેં ક્યા જાદૂ કર દિયા - આસ (૧૯૫૩) - લતા મંગેશકર
આનંદના ભાવને વ્યકત કરતું ગીત. તાલ વાદ્યનો બહુ જ હળવો પ્રયોગ ગીતના ભાવને માત્ર ધુનની અભિવ્યક્તિથી જ વધારે ઉભારે છે.
આજકી રાત કભી ખત્મ ન હોને પાયે....વો આયેંગે ખુશી બનકર, બહારેં સાથ લાયેંગે, મેરે ઘર મેં મુહબ્બત કે નઝારે મુસ્કરાયેંગે - ઔરત (૧૯૫૩) - લતા મંગેશકર
દ્રૂત લયની મદદથી છલકી પડતી ખુશીને વ્યક્ત કરવામાં આવી છે.
તારોં કો દિલ કી બાત સુનાઈ તમામ રાત...મૈં બહારોંકી નટખટ રાની, સારી દુનિયા મુઝ પે હૈ દિવાની - બૂટ પૉલીશ (૧૯૫૩) - આશા ભોસલે
શ્રમિક લોકોનાં મનોરંજન માટે કરાઈ રહેલા નાચનાં ગીતમાં પણ અંતરા વચ્ચે  સંગીતકારે બહુવિધ વાદ્યસજ્જાને આબાદ વણી લીધી છે. વચ્ચે વચ્ચે ફ્લ્યૂટના ટુકડા વાતાવરણનાં રંગીલા મિજાજમાં હોંકારા ભરે છે. માત્ર ફિલ્મનાં સંગીતની જરૂરિયાતને જ ધ્યાનમાં રાખીને શંકર જયકિશને લતાના સ્વરનો ઉપયોગ ન કર્યો હોય એવા બૂટ પૉલિશ જેવા દાખલા અપવાદરૂપ જ હશે !(સૂરજ, મેરા નામ જોકર જેવી ફિલ્મોમાં લતા મંગેશકરની ગૈરમૌજૂદગી અમુક ચોક્કસ મતભેદોને કારણે હતી.)

ગીત પર જેના પર ફિલ્માવાયું છે તે અભિનેત્રી ચાંદ બર્કે છે. 
હમ ઉનકે પાસ આતે હૈં વો હમસે દૂર જાતે હૈં, તડપકર દાસ્તાં અપની બહારોં કો સૂનાતે હૈં - નયા ઘર (૧૯૫૩) - તલત મહમૂદ
જ્યારે જ્યારે શંકર જયકિશને તલત મહમૂદના સ્વરનો ઉપયોગ કર્યો છે ત્યારે તેમની પોતાની સ્વાભાવિક શૈલી અને તલતના સ્વરની નૈસર્ગિક અભિવ્યક્તિને બહુ જ અસરકારતાથી એકસૂત્રે વણી લીધી છે. તલત મહમૂદનાં આ ગીતમાં એટલું માધુર્ય અનુભવાય છે કે તેને વિસારે પડેલાં ગીત તરીકે વર્ગીકૃત કરવામાં ક્ષોભ  થાય છે. 
ચમકે બીજુરિયા ગરજે મેઘ, મત જારે બલમ પરદેસવા - શિકસ્ત (૧૯૫૩) - આશા ભોસલે, સમુહ વૃંદ
આશા ભોસલેનો ઉપયોગ નાચમુઝરા કે સ્ત્રી યુગલ ગીતો સિવાય પણ આટલો મિઠાશથી શંકર જયકિશને કર્યો હોય એવાં ઉદાહરણો એટલાં ઓછાં હશે કે આ ગીતને આપણી કાયમ યાદમાં રાખી લેવું જોઈએ ! 
જાગે મેરા દિલ સોયે જ઼માના - બાદશાહ (૧૯૫૪)- અપરેશ લાહિરી
શંકર જયકિશન તેમની કારકીર્દીમાં સુબીર સેન જેવા નવા જ ગાયકોને પ્રયોજવાના પ્રયોગો કરતા રહ્યા છે. અહીં તેમણે બંગાળમાં ખુબ જ જાણીતા એવા અપરેશ લાહિરીને રજૂ કરવાનો પ્રયોગ કર્યો છે. તે ઉપરાંત આ ફિલ્મનાં અનુક્રમે શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલ બીજાં પુરુષ ગીતો - રૂલા કર ચલ દિયે અને આ નીલ ગગન તલે પ્યાર હમ કરે - તેમણે હેમંત કુમારના સ્વરમાં રજૂ કર્યાં હતાં, જે આજે પણ ચાહકોને યાદ છે.
આ લાહિરી અટકને કારણે આપણને '૯૦ના દાયકામાં ધૂમ મચાવી ચૂકેલા બપ્પી લાહિરીની યાદ આવે તો જાણ્યેઅજાણ્યે પણ તે સકારણ છે. અપરેશ લાહિરી બપ્પી લાહિરીના પિતા છે. અપરેશ લાહિરી અને તેમનાં પત્ની બંસરી લાહિરી બંગાળી સંગીત જગતમાં શાસ્ત્રીય ગાયન અને વાદ્યવાદ્યકો તરીકે સુખ્યાત હતાં

આડવાત :
'બાદશાહ' વિકટર હ્યુગોની મૂળ ફ્રેંચમાં ૧૮૩૧માં લખાયેલ નવલકથા Hunch Backof Notre Dame પરથી પ્રેરિત થયેલી કહેવાય છે. આ નવલકથાને હોલીવૂડમાં પણ ફિલ્મનાં સ્વરૂપે ઢાળવામાં આવી હતી.

આપણી દરેક પૉસ્ટના અંતમાં આપણે પૉસ્ટના વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનું વિસારે પડતું ગીત યાદ કરતાં હોઈએ છીએ. આજે આપણી પાસે છે, ૧૯૫૪ની ફિલ્મ 'પૂજા'નું
સોચ ન મનવા... હાયે ગ઼મ કે મારોકા જમાનેમેં કોઈ ન સાથ દેગા
પ્રસ્તુત ગીતમાં ગીતના ઉપાડમાં શંકરજયકિશન-હસરત જયપુરી દ્વારા કરાતા સાખીના પ્રયોગથી આપણે હવે સુપરિચિત થ ઈ ચૂક્યાં છીએ, પરંતુ અહીં સાખીની ગાયકીની પશ્ચાદભૂમાં પિયાનાનો પ્રયોગ જયકિશનની અભિનવ પ્રયોગ શૈલીની સાદેહી પૂરી પાડે છે.

આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: