Sunday, September 3, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૬ - સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન [૧]ફિલ્મનાં એક સૉલો ગીતને એ જ ફિલ્મમાં  સૉલો, અથવા યુગલ કે એવાં કોઈ બીજાં સ્વરૂપે પ્રયોજવામાં બહુ વિવિધ પ્રકારના પ્રયોગો થતા રહ્યા છે. આપણે  આ પ્રકારના પ્રયોગોને શ્રેણીબધ્ધ લેખો દ્વારા સાંભળી રહ્યાં છીએ.
અત્યાર સુધી પુરૂષ કે સ્ત્રી સ્વરનાં સૉલો ગીતોનાં અનુક્રમે પુરુષ કે સ્ત્રી સૉલો વર્ઝન પ્રકારનાં ગીતો અને પુરૂષ સ્વરનાં સૉલો ગીતનાં યુગલ કે કોરસ વર્ઝન પ્રકારનાં કેટલાંક ગીતો આપણે સાંભળી ચૂક્યાં છીએ.
હવે પછી આપણે સ્ત્રી સ્વરનાં સૉલો ગીતનાં એ જ ફિલ્મમાં પ્રયોજાયેલાં યુગલ કે કોરસ ગીતોને સાંભળીશું.
ધીરે સે આ જા રે નિંદીયાં નિદીયાં આ જા રે આ જા - અલબેલા (૧૯૫૧) સંગીતકાર: સી. રામચંદ્ર ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
લતા મંગેશકરના સ્વરનું સૉલો ગીત ફિંદી ફિલ્મનાં 'હાલરડાં' ગીતોના પ્રકારમાં બહુ અગ્રીમ સ્થાન શોભાવતું રહ્યું છે. સી. રામચંદ્ર અને માસ્ટર ભગવાનની અત્યાર સુધીની ફિલ્મોમાં ગીતો બહુ હલકાં ફુલકાં ગીતોને પાશ્ચાત્ય સંગીતની ધૂન પર પેશ કરવાના પ્રયોગો કરતા હતા. 'અલબેલા'માં પણ આવાં હલકાં ફુલકાં ગીતો તો હતાં જ, પણ સામે છેડે આવાં ખુબ સંવેદનશીલ ગીતો પણ હતાં. મજાની વાત એ છે કે બન્ને પ્રકારનાં ગીતો એ સમયે ખૂબ જ લોકપ્રિય થયાં હતાં.
ગીતનું બીજું વર્ઝન લતા મંગેશકર અને ચીતળકરના યુગલ સ્વરોમાં છે. ગીતની ધુનમાં ફેરફાર કર્યા સિવાય લય અને વાદ્ય સજાવટ વડે ગીતના ભાવમાં ફરક કરાઈ શકાયો છે.
ચાહે કિતના મુઝે તુમ બુલાઓગે....બોલ ન બોલ અય જાનેવાલે - અરમાન (૧૯૫૩) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
સૉલૉ વર્ઝનમાં અશા ભોસલેના સ્વરમાં ઉપરછલ્લાં રૂસણાંના અકથ્ય આનંદ સ્વરૂપે વ્યક્ત થતો જણાય છે.
 
તલત મહમુદ સાથેનું યુગલ વર્ઝન કરૂણ ભાવનું ગીત છે, જેમાં અધૂરા રહેલા પ્રેમસંબંધની વ્યથા બન્ને પાત્રોના હોઠ પર આવી રહી છે.

નઈ ઝીંદગીસે પ્યાર કરકે દેખ - શિકસ્ત (૧૯૫૩) સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર
પહેલું વર્ઝન લાતા મંગેશકરના સ્વરમાં છે.સહેલીઓ સાથે ઝીંદગીના નવા પાઠ અનુભવવાની મજા માણવાની વાત છે એટલે એ સખીઓ કોરસમાં સ્વર પૂરાવે છે.
બીજાં વર્ઝનમાં આખું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે, જેમાં નાયક ગીત દ્વારા પ્રેરણાત્મક સંદેશ કહે છે. સ્વાભાવિક છે કે આ સંદેશ તે એક ખાસ વ્યક્તિને પહોંચાડવા માગે છે. ગીત દરમ્યાન નાયિકા પોતાના વ્યથામય ચહેરા સાથે ગીતને સાંભળે છે અને એક તબક્કે લતા મગેશકરના સ્વરમાં પોતાનો સૂર પણ એમાં પૂરાવવાની કોશીશ કરે છે.
ફિલ્મમાં યુગલ ગીત પહેલાં આવતું હશે એમ જણાય છે. બન્ને વર્ઝનના ભાવમાં ફરક જરૂર અનુભવાય છે.

બાત ચલત નઈ ચુંદરી રંગ ડાલી
આપણે લેખની શરૂઆતમાં એક જ ફિલ્મમાં પ્રયોજાયેલાં સ્ત્રી અવાજનાં સૉલો ગીત અને તેનાં યુગલ ગીત વર્ઝનની જે શરત મૂકી હતી તેના કરતાં આ ગીતો થોડાં અલગ પડે છે.
સ્ત્રી સ્વરમાં સૉલો ગીત ગીતા દત્તના સ્વરમાં છે - ફિલ્મ 'લડકી' (૧૯૫૩) - સંગીતકાર ધનીરામ
જ્યારે યુગલ ગીત છે 'રાની રૂપમતી'(૧૯૬૯)નું. ગીતના ગાયકો છે મોહમ્મદ રફી અને કૃષ્ણ રાવ ચોનકર. સંગીતકાર છે એસ એન ત્રિપાઠી.
બન્ને ગીતોને જોડતી કડી મુખડાના શબ્દો સિવાય ગીતને ફિલ્મનાં પરદા પરનાં દૃશ્યોમાં ભારત ભુષણની હાજરી છે !
સુન સુન સુન સુના ઝાલિમા હમ કો તુમ સે પ્યાર હો ગયા.....જા જા બેવફા કૈસા પ્યાર કૈસી પ્રીત રે તૂ ન મનકા મીત રે - આર પાર (૧૯૫૪) - સંગીતકારઃ ઓ પી નય્યર 
એક જ ધૂન હોય પણ ભાવ સાવ જ અલગ સામાના છેડાના હોય અને એ કારણે ગીતના શબ્દો પણ અલગ જ હોય તેવો આ એક અનોખો પ્રયોગ છે.
મોહમ્મદ રફી અને ગીતા દત્તના સ્વરોનું યુગલ ગીત તો બેહદ મશુહૂર હતું, છે. ગીતનાં પાત્રોને ફ્રેમમાં રાખવા માટે કારની બારી માંથી તેમને દર્શકો સમક્ષ રજૂ કરવાનો પ્રયોગ પણ બહુ અનોખો છે. 
કોઈ કારણસર સંબંધમાં તિરાડ પડી હશે. હવે પ્રિયતમાને એ યુગલ ગીતમાં તેણે તોફાની અંદાઝમાં કરેલ 'બેવફા' શબ્દ બદલાયેલાં પરિપ્રેક્ષ્યમાં પીડે છે.
'તનુ વેડ્સ મનુ રીટર્ન'માં આ સૉલો ગીતને બહુ જ નવા અંદાજમાં યાદ કરાયું છે.

મરના તેરી ગલીમેં જીના તેરી ગલી મેં - શબાબ (૧૯૫૪)- સંગીતકાર નૌશાદ - ગીતકાર શકીલ બદાયુની
રેકોર્ડ પર સાંભળવા મળતું ગીત તો લતા મંગેશકરનું સૉલો ગીત જ છે. જે આપણે સૌએ બહુ જ પસંદ પણ કર્યું છે.
ગીતની અહીં મૂકેલી ક્લિપમાં દેખાય છે કે નાયક બહાર બેસીને આ ગીત સાંભળે છે અને સ્વાભાવિક છે કે તેને ગીતની રચના મનમાં વસી જાય છે. ફિલ્મમાં બતાવાયું છે કે નાયક પોતાનાં ગરીબ મિત્રો સમક્ષ આ રચના (૩.૦૭) ગાઈ સંભળાવે છે, એટલા પૂરતું આ મોહમ્મદ રફી સાથેનું યુગલ વર્ઝન બની રહે છે.

અય માલિક તેરે બંદે હમ - દો આંખેં બારહ હાથ (૧૯૫૭)- સંગીતકાર વસંત દેસાઈ ગીતકાર ભરત વ્યાસ
૬ કેદીઓના ગંભીર ગુનાઓની સજા ભોગવતા બાર હાથને એક આદર્શવાદી જેલરની બે આંખો આત્માથી કોઈ માનવી ગુન્હેગાર નથી હોતોની દૃષ્ટિથી જૂએ છે અને તેમનાં જીવનને એક નવી દિશા આપવા પ્રયત્ન કરે છે.પહેલું વર્ઝન એક સમૂહ સ્વરોમાં ગવાયેલ પ્રાર્થના છે.
લતા મંગેશકરનાં સૉલો વર્ઝનમાં એ પ્રાર્થના એ જિંદાદીલ જેલરનાં જીવનને બચાવી લેવાની આજીજી સ્વરૂપે રજૂ થાય છે.
નયી મંઝિલ નયી રાહેં નયા હૈ મહેરબાં અપના ન જાને જા કે ઠહરેગા કહાં યે કારવાં અપના  - હિલ સ્ટેશન (૧૯૫૭)- સંગીતકાર: હેમંત કુમાર ગીતકાર: એસ એચ બિહારી
લતા મંગેશકરનાં સૉલો અને હેમંત કુમાર સાથેનાં યુગલ ગીતમાં અંતરાના શબ્દોમાં ફરક કરીને ગીતના ભાવમાં ફેર કરાયો છે. ફિલ્મમાં યુગલ ગીત પહેલાં ફિલ્માવાયું હોવું જોઈએ એમ જણાય છે.
પ્યાર પર બસ નહીં હૈ  મેરા લેકિન તૂ બતા દે કે તૂઝે પ્યાર કરૂં કે યા ન કરૂં - સોનેકી ચિડિયા (૧૯૫૮) - સંગીતકાર ઓ પી નય્યર – ગીતકાર : સાહિર લુધ્યાનવી
આશા ભોસલેના સ્વરનું સૉલો ગીત નાયિકાના મનના વિચારો વ્યક્ત કરે છે.
તલત મહમૂદ અને આશા ભોસલેના સ્વરનાં યુગલ ગીતમાં આશા ભોસલેના ભાગે તો ગણગણાવીને હોંકારો ભણવાની ભૂમિકા આવી છે. પણ એટલાં દ્વારા પણ મનના ભાવ કેટલા પ્રબળ સ્વરૂપે વ્યક્ત થાય છે!
ફિલ્મમાં તલત મહમુદે જ ગીતને પર્દા પર અભિનિત કરેલ છે.

આડવાત:
આ ફિલ્મ સુધી ઓ પી નય્યરની છાપ મસ્તીલાં, પંજાબી ઠેકાની અસરવાળાં ગીતોના રચયિતા તરીકે જામવા લાગી હતી. એ છાપથી બિલ્કુલ હટીને તેમણે આ ફિલ્મનાં બધાં જ ગીતોમાં સંવેદનોની સૂક્ષ્મતાને એટલી સરળતાથી વણી લીધી હતી. કદાચ તેને કારણે જ તેમનું સ્થાન હવે માનભર્યું પણ બન્યું હતું. જો કે સ્પર્ધામાં ચિરસ્થાયી બની રહેવા તેમણે પોતાની છાપ તો સૂરીલા તાલના ગીતોનાં સંર્જક તરીકેની જ રાખી, પણ તે સાથે માનથી નામ લેવાતા સંગીતકારોમાં પણ તેમનાં સ્થાનને આંચ ન આવે એવં ગીતો પણ તેઓ આપતા રહ્યા હતા.

પ્યાસ કુછ ઔર ભી ભડાકે દે ઝલક દિખલાકે....તૂઝકો રૂખ-એ-રોશનસે પરદા હઠાના હોગા - લાલા રૂખ (૧૯૫૮) – સંગીતકાર: ખય્યામ ગીતકાર: કૈફી આઝમી
આશા ભોસલેના સ્વરનાં સૉલો ગીતમાં નાયિકાની છૂપી આશ અસરકારકતાથી વ્યક્ત થઈ છે.
તલત મહમૂદ સાથેનાં યુગલ ગીતમાં હવે એ ઈંતઝારની ભાવનાની ઉત્કટતા અનુભવાય છે.

ફરી એક આડવાત:
હિંદી ફિલ્મ જગતમાં ખય્યામ, જયદેવ જેવા અનેક સંગીતકારોમાંની લાંબી યાદી છે જેમાં તેમની પ્રતિભાને માન ખૂબ મળ્યું , પણ સાથે સાથે મળવી જોઈએ એટલી વાણિજ્યિક સફળતા મળી નહીં. એ સમયનાં માતબર નિર્માણ સંસ્થાઓએ તેમને પોતાની ફિલ્મોનાં નિયમિત ઘટક તરીકે સ્થાન ન આપ્યું. જો કે જે જે સંસ્થાઓએ પ્રયોગશીલ ફિલ્મો કરી ત્યારે તેમને જરૂરથી યાદ કર્યા. ફિલ્મ જગતની ફટકિયા નિયતિએ આવી ફિલ્મોને ફાળે એક ચોક્કસ વર્ગની માન્યતા બક્ષી, પણ સામાન્ય દર્શકોને તે ટિકિટબારી પર ન લાવી શકી.

કલ કે ચાંદ આજ કે સપને - નયા સંસાર (૧૯૫૯) – સંગીતકાર: રવિગીતકાર: શૈલેન્દ્ર
આપણે સૉલો ગીતનાં એ જ ફિલ્મમાં પ્રયોજાયેલાં સૉલો વર્ઝનનાં ગીતો સાંભળ્યાં ત્યારે જોયું હતું કે આ પ્રકારનાં ગીતોનો બહુધા પ્રયોગ એક સમયની ખુશીનાં બીજા સમયના ગ઼મનાં પ્રતિબિંબને ઝીલવામાં થતો આવ્યો છે. અહીં એ જ પ્રયાસ આપણને સ્પષ્ટપણે જોવા મળે છે.
ફિલ્મનાં કથાનકમાં પહેલાં ફિલ્માવાયું હશે એવાં લતા મંગેશકર અને હેમંત કુમારનું યુગલ ગીત ઉજળાં ભવિષ્યની સુખદ કલ્પનાને રજૂ કરે છે.
લતા મંગેશકરનાં સૉલો ગીતમાં એ અપેક્ષાની અનુભવાયેલી નિરાશાની કરૂણા છે.


સ્ત્રી સ્વરનાં સૉલો ગીતોનાં યુગલ કે કોરસ ગીતોની આ સફરમાં આજે હવે આપણે આવતા અંક સુધીનો વિરામ લઈશું.
Post a Comment