Sunday, September 8, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૧૯

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૮-૧૯૫૯
સપ્ટેમ્બર મહિનો જયકિશન (ડાહ્યાભાઈ પંચાલ) – જન્મ : ૪ નવેમ્બર ૧૯૨૯ – અવસાન: ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧-
અને હસરત જયપુરી (મૂળ નામ ઈક઼્બાલ હુસૈન) - જન્મ : ૧૫ એપ્રિલ, ૧૯૨૨ – અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯ -ની અવસાન તિથિઓનો મહિનો છે. ૧૯૪૯થી શરૂઆત થયેલ શંકર જયકિશનનાં ગીત-સંગીતની 'બરસાત'માં હસરત જયપુરી અને શૈલેન્દ્રના બોલ સૌ શ્રોતાઓને એક આહલાદક અનુભવમાં ભીજવતા રહ્યા. શૈલેન્દ્રના મૃત્યુ પછી આ આંનંદનો રંગપટ ઘણે અંશે ફીકો પડી ગયો એમ તેમના ચાહકોનો એક મોટો વર્ગ માને છે. સામાન્યતઃ ફિલ્મનાં ગીતો માટેની સીચ્યુએશન આ ચારે જણા ભેગા મળીને સાંભળે અને પછી સંગીતકારોમાંથી કે ગીતકારોમાંથી જેને એ સીચ્યુએશન માટે ગીત સ્ફુરતું હોય તે એ ગીતની રચના સંભાળી લે એવી વ્યવસ્થા જોવા મળતી.

જોકે એ સમયના 'જાણકારો'નો એક વર્ગ માનતો હતો કે ગીતની ધુન શંકરની છે કે જયકિશનની છે તે નક્કી કરવું હોય તો તેને ગીત શૈલેન્દ્રનું છે કે હસરત જયપુરીનું છે તે નજરથી જૂઓ - શૈલેન્દ્રનું ગીત હોય તો (મોટા ભાગે) ધુન શંકરની અને હસરત જયપુરીના બોલ હોય તો ગીતરચના જયકિશનની.

આપણને આ માન્યતાનાં સાચજૂઠ સાથે સંબંધ નથી. આપણે તો તેનો આધાર લઈને હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલા ગીતોને દર સપ્ટેમબર મહિને આપણા આ મંચ પર યાદ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. અત્યાર સુધી આપણે ૧૯૪૯-૧૯૫૪ અને ૧૯૫૫-૧૯૫૭નાં વર્ષોનાં કેટલાંક ગીતોને યાદ કરી ચૂક્યાં છીએ. આજે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં ૧૯૫૮ અને ૧૯૫૯નાં વર્ષોનાં વિસારે પડેલા ગીતોને આપણે સાંભળીશું.

૧૯૫૮

૧૯૫૮નાં વર્ષમાં શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલ બે ફિલ્મો જ પ્રદર્શિત થઈ હતી. એ ફિલ્મોનાં ગીતોમાં પણ હસરત જયપુરીને ફાળે આવેલાં ગીતોનું પ્રમાણ - 'બાગ઼ી સિપાહી'માં ત્રણ અને 'યહુદી'માં એક -સામાન્ય કરતાં થોડું ઓછું હોય તેમ જણાય. પણ યોગાનુયોગ એવો છે કે આ બધાં ગીતો માટે પાર્શ્વસ્વર લતા મંગેશકરનો છે.

શરાબ-એ-ઈશ્ક઼ કે આગે કડવે પાનીકા….મુસ્કુરાતી ઝિંદગીકો છોડ કે ન જા- બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ગીતનો પ્રારંભ એક અલગ શેરથી કરવાની હસરત જયપુરીની આગવી શૈલીથી ઉપાડ થતાં ગીતને (શંકર( જયકિશનની અનોખી વાદ્યસજ્જાની સર્જનાત્મકતા પૂર્વાલાપને નિખારે છે. ગીતની લયમાં થતા બદલાવની સાથે સાથે ગીતની ધુન ખાસ્સી મુશ્કેલ અનુભવાય છે. 

દિલ લગાનેવાલે મત સુન મેરી કહાની - બાગ઼ી સિપાહી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

પર્દા પર ગીત ભલે કોઈ અન્ય ગાયિકા ગાય છે, પણ એના ભાવ મુખ્ય અભિનેત્રી, મધુબાલા,નાં દિલમાંથી ઊઠે છે તે તો આપણને સમજાઈ જાય છે. લતા મંગેશકરે ગીતના ભાવમાં કરૂણ રસને ઘૂટ્યો છે. 

આંસુકી આડ લેકે તેરી યાદ આયી - યહુદી (૧૯૫૮) – ગાયિકા: લતા મંગેશકર

ફિલ્મનું હસરત જયપુરીએ લખેલૂં એક માત્ર ગીત, અન્ય ગીતોની સરખામણીમાં કદાચ સૌથી ઓછું યાદ કરાતું ગીત કહી શકાય. ઢોલકના તાલને મધ્ય-પૂર્વનાં વાદ્યસંગીતમાં વણી લેવાયેલ છે. આ ગીત પણ શંકર જયકિશનનાં ગીતોનિ સરખામણીમાં થોડું ઓછું સુગેય જણાય છે. 

૧૯૫૯

૧૯૫૯નાં વર્ષમાં શંકર જયકિશનની એ સમયની વર્ષની સરેરાશ જેટલી – સાત - ફિલ્મો છે. દરેક ફિલ્મમાં હસરત જયપુરીની સંખ્યા પણ ઘણી સપ્રમાણ છે. તેને કારણે ત્યારે, અને આજે પણ, વધારે જાણીતાં અને લોકપ્રિય ગીતોને છોડી દેવા છતાં પણ આપણી પાસે ગાયકો, વિષય અને રજૂઆતનાં વૈવિધ્યમાં જરા પણ ખોટ ન પડે એટલી વિપુલ સંખ્યામાં ગીતો મળી શક્યાં છે.

બન કે પંછી ગાયે પ્યારકા તરાના - અનાડી (૧૯૫૯) – ગાયિકા: લતાં મંગેશકર અને સાથીઓ

હીરો અને /અથવા હીરોઈન પોતાનાં મિત્રો સાથે પિકનિક માટે સાઈકલ પર નીકળી પડે એ સીચ્યુએશન એ સમયની ફિલ્મોમાં બહુ પ્રચલિત હતી. 'સાઈકલ પર ગવાતાં' ગીતોનો એક ખાસ પ્રકાર પણ એ કારણે ફૂલ્યો ફાલ્યો હતો. મોજમસ્તીભર્યાં આ ગીત ઉપરાંત નિર્ભેળ રોમાંસથી નીતરતું, હસરત જયપુરીનું યુગલ ગીત - વો ચાંદ ખીલા વો તારે હંસે- આજે પણ ચાહકોના હોઠો પર રમે છે. 

જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ - છોટી બહેન (૧૯૫૯) – ગાયક: મુકેશ

ગાયક, ગીતકાર અને સંગીતકાર (અનુક્રમે મુકેશ, હસરત જયપુરી અને શંકર જયકિશન) એ દૃષ્ટિકોણથી જોઈએ તો કરૂણ ભાવનાં આ ગીતમાં કંઈ અસામાન્ય ન જોવા મળે. ગીતનું અસામાન્ય તત્ત્વ રહેમાન પરદા પર ગીત ગાય છે પણ એટલું અસામાન્ય કદાચ ન કહેવાય. ખરેખર અસામાન્ય તો ગીતની સીચ્યુએશન - નકારાત્મક ભૂમિકા ભજવી રહેલ પાત્રની પશ્ચાતાપની ભાવના - છે.

ઓ કલી અનારકી ના ઈતના સતાઓ, પ્યાર કરનેકી કોઈ રીત તો બતાઓ - છોટી બહેન (૧૯૫૯) – ગાયકો: મન્ના ડે અને આશા ભોસલે

મન્ના ડે અને આશા ભોસલેને યુગલ ગીત માટે એક કરવાં એ બાબત શંકર જયકિશનનાં સંગીતની બહુ ઓછી બનતી ઘટના છે, પણ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવતાં પાત્રોમાં રહેમાન અને શ્યામા આવું (ફિલ્મો માટે પરંપરાગત ઢાળમાં ફિલ્માવાયેલુ) સામાન્યત હીરો અને હીરોઈન જ ગાતાં હોય એ ગીત પરદા પર ગાય તે તો ખરેખર ભાગ્યે જ બનતી સીચ્યુએશન હશે. .

મૈં રંગીલા પ્યારકા રાહી દૂર મેરી મંઝિલ - છોટી બહેન (૧૯૫૯)- ગાયકો: સુબિર સેન અને લતા મંગેશકર

મહેમૂદ અને શોભા ખોટેની જોડીએ પર્દા પર ઘણાં સફળ ગીતો ગાયાં છે, પણ મહેમુદ માટે સુબિર સેનના સ્વરનો પ્રયોગ કરવાની હિમ્મત દાખવવા માટે (શંકર)જયકિશનને દાદ દેવી પડે ! 

કહાં હૈ કહાં હૈ કન્હૈયા - કન્હૈયા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

'કન્હૈયા'માં હસરત જયપુરીને ફાળે બે ગીત જ આવ્યાં છે. પ્રસ્તુત કરૂણ ભાવનાં ગીતની સામે તેમણે બીજું ગીત - કન્હૈયા ઓ કન્હૈયા આજ આના ખ્વાબ મેં - મિલનની આશાઓને વાચા આપતા બોલમાં લખેલ છે અને (સંકર) જયકિશને તે સ્વપ્ન ગીતની શૈલીમાં, પ્રલંબિત પૂર્વાલાપ વાદ્યસજ્જા સાથે સ્વરબધ્ધ કરેલ છે.ગીતનો સંબંધ કન્હૈયા સાથે છે એટલે મુખ્ય વાદ્યરચના તેમ જ 'કાઉન્ટર મેલડી'નાં સહસંગીતમાં વાંસળીનો પ્રચુર માત્રામાં પ્રયોગ પણ કરી લીધો છે.

દેખ આસમાનમેં ચાંદ મુસ્કરાયે - શરારત (૧૯૫૯) – ગાયકો: કિશોર કુમાર, ગીતા દત્ત

શંકર જયકિશન અને ગીતા દત્ત સાથે હોય એ એક બહુ વિરલ ઘટના કહી શકાય, તેમાં પોતાના પ્રિય વૉલ્ત્ઝ તાલમાં અંતરાની શરૂઆતમાં પોતાનાં પ્રિય તાલ વાદ્ય ઢોલકનો પ્રયોગ કરીને અંતમાં ફરીથી પાશ્ચાત્ય તાલવાદ્ય અપર આવી જવાનો વધારાનો પ્રયોગ પણ એટલો જ સહેલાઈથી વણી લેવાયો છે.

તુને મેરા દિલ લિયા, તેરી બાતોંને જાદુ કિયા, હાયે ના જાને યે ક્યા કર દિયા, યે તેરે પ્યારકી જીત હૈ - શરારત (૧૯૫૯) – ગાયકો: ગીતા દત્ત અને કિશોર કુમાર

(શંકર) જયકિશને ગીતા દત્તને તેમના અસલ મિજાજમાં ખીલવ્યાં છે. 

દેખા બાબુ છેડ કા મજ઼ા મીઠા મીઠા દર્દ દે ગયા - શરારત (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

શેરીમાં ગીત ગાનાર ફિલ્મનાં મુખ્ય પાત્રના મનના ભાવને વ્યક્ત કરતું હોય એ તે સમયમાં ખાસ્સો પ્રચલિત ગીત પ્રકાર હતો. સંગીતકાર માટે પણ હાર્મોનિયમના સહજ ઉપયોગમાં અવનવા પ્રયોગો કરી બતાવવાનો પડકાર ઝીલી લેવામાં અનોખો આનંદ આવતો હશે તે તો આવાં દરેક ગીતમાં સહેલાઈથી ધ્યાન પર ચડે છે. 

તેરા જલવા જિસને દેખા વો તેરા હો ગયા, મૈં હો ગઈ કિસીકી કોઈ મેરા હો ગયા - ઉજાલા (૧૯૫૯) – ગાયિકા: લતા મંગેશકર

પ્રસ્તુત ફિલ્મમાં આટલું જ બીજું રમતિયાળ ગીત છે હો મોરા નાદાન બાલમા ન જાને દિલકી બાત. બન્ને ગીતના મૂળ ગત ભાવ સાવ અલગ છે જે બોલમાં બહુ માર્મિકપણે પ્રતિબિંબિત થાય છે. .

ફિલ્મોના સ્વાભાવિક ક્રમમાં આપણે હવે એવી રીતે આગળ વધીશું કે આપણા દરેક અંકને એ વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની આપણી પ્રથા પણ આપોઆપ જળવાઈ રહેશે.

શી ને ખેલા હી સે આજ ક્રિકેટ મેચ, એક નજ઼રમેં દિલ બેચારા હો ગયા એલબીડબ્લ્યુ - લવ મેરેજ (૧૯૫૯) – ગાયક: મોહમ્મદ રફી અને સાથીઓ

ક્રિકેટનું મેદાન, દેવ આનંદનું ક્રિકેટ રમવા માટેનાં પરંપરાગત પહેરવેશમાં હોવું, ક્યાંક ક્યાક ક્રિકેટના પારિભાષિક શબ્દોના સુચક પ્રયોગ - એ બધાંની આડમાં ગીતકાર અને સંગીતકારે પરિણય પહેલાં મીઠી છેડછાડનાં ગીતોના પ્રકારને બહુ અસરકારક રીતે રમી લીધો છે.

લો ખું સે ખું જૂદા હુઆ - મૈં નશેમેં હૂં (૧૯૫૯) - ગાયક: મોહમ્મદ રફી

હસરત જયપુરી - (શકર) જયકિશનનાં ખાતાંમાં મોહમ્મદ રફીનાં કેટલાંક સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો જમા બોલે છે. આ ગીત વડે તેમાં બેકગ્રાઉન્ડ ગીતના પ્રકારનાં વૈવિધ્યનો ઉમેરો થાય છે.

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આપણી આ સફર હજુ ચાલુ છે...

No comments: