Sunday, October 9, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૨૨

 શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૬ (આંશિક)

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) એમ એ ચારના ખુબ જ જાણીતા ચતુષ્કોણની બાજુ બાજુનાં પાસાંઓનાં અનોખાં મજબુત જોડાણથી સર્જાયેલાં અનેક ગીતો હિંદી સંગીતના પ્રેમીઓને દીર્ઘ કાળથી પ્રફુલ્લિત કરતાં રહ્યાં છે.

'૫૦ના દાયકામાં ફિલ્મોમાં સરેરાશ ૫ થી ૧૦ ગીતો રહેતાં હતાં. એ સમયના મોટા ભાગના સફળ સંગીતકારો દરેક ફિલ્મમાં ત્રણ કે ચાર સફળ ગીતો આપી શકતા, તે સમયે શંકર જયકિશન પાસે જાણે એવી જડીબુટ્ટી હતી કે લગભગ બધી જ ફિલ્મોનાં બધાં જ ગીતો હિટ નીવડતાં. પરિણામે ટુંક સમયમાં જ, તેમના સમકાલીનો જ્યારે વર્ષની એક કે બે ફિલ્મો કરતા હતા ત્યારે સૌથી વધારે ફી માંગવા છતાં, શંકર જયકિશન વર્ષની ત્રણ થી પાંચ ફિલ્મો - ત્રીસથી ચાલીસ પિસ્તાલીસ ગીતો - પર કામ કરતા થઈ ગયા.

શરૂ શરૂમાં તો શંકર અને જયકિશન મોટા ભાગે સાથે મળીને જ બધું કામ કરતા, પણ આટલાં બધાંવધતાં ગયેલાં કામના ભારણને પહોંચી વળવા બન્નેએ, પોતપોતાની સ્વાભાવિક ક્ષમતા અનુસાર,  કામને વહેંચી લેવાનું શરૂ કરવું પડ્યું એવું ફિલ્મ સંગીતના એ સમયના વિવેચકો નોંધે છે. એ કામના ભાગલાની સાથે સાથે બન્ને એ પોતપોતાની પસંદ અનુસાર ગીતકારોને પણ વહેંચી લીધા. એ ગોઠવણ અનુસાર શંકર અને શૈલેન્દ્ર અને જયકિશન અને હસરત એમ બે ટીમ બની ગઈ. એમ પણ કહેવાય છે કે જયકિશનનાં લગ્ન બાદ તેઓ મોટા ભાગનું કામ ઘરેથી કરતા અને શંકર તેમના સંગીત સ્ટુડીઓ પરથી કામ કરતા.

જોકે ફિલ્મ વિવેચકો એટલુ તો જરૂર સ્વીકારતા હતા કે સંજોગોના આવા ખેલ છતાં શંકર અને જયકિશનનો આપસી તાલમેલ એવો હતો કે અંતિમ સ્વરૂપે બહાર પડેલ ગીત કોણે બનાવ્યું હશે તે તો અટકળોનો જ વિષય રહેતો. રેકોર્ડીંગના સમયે બન્ને એકબીજા દ્વારા તૈયાર કરીલી મૂળ રચનામાં પોતપોતાની શૈલી અનુસારના આગવા સ્પર્શના ચમકારા પણ સહેલાઈથી ઉમેરી દેતા. એમ પણ કહેવાય છે કે સંજોગોની માંગ અનુસાર બન્ને સાથીઓ પોતાના ગીતકારોની અદલબદલ પણ કરી લેતા. 

વિવેચકો અને દર્શકો બન્નેની આવી અઢળક ચાહના મેળવેલી શંકર જયકિશન અને શૈલેન્દ્ર-હસરતની ટીમના શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સંભળવની જે તક મળી એ તો મારા માતે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

૧૯૫૩માં ૬ ફિલ્મો અને ૧૯૫૪માં ૫ ફિલ્મોનાં પુર પછી ૧૯૫૫માં થોડી રાહત થઈ ત્યાં તો ૧૯૫૬માં ફરી શંકર જયકિશનને ફાળે ૭ માતબર ફિલ્મો આવી પડી. ૨૦૨૧માં રજુ થયેલા પહેલા અંશિક ભાગમાં આ ૭ પૈકી ત્રણ ફિલ્મો -હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત બહાર-નાં ચુંટેલાં ગીતોની યાદ તાજી કર્યા બાદ હવે આજના મણકામાં બીજી ત્રણ ફિલ્મો - ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને રાજહઠ-નાં ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીતોની યાદ તાજી કરીશું.

ચોરી ચોરી (૧૯૫૬)


ફિલ્મનું પોસ્ટર જોતાંવેંત જ એટલો તો ખ્યાલ આવી જાય છે કે એ સમયની સફળ જોડી રાજ કપૂર અને નરગીસનૉ રોમેન્ટિક વાર્તામાં જ્હોની વૉકર અને ભગવાનની કૉમેડીની છોળંછોળ હશે. જોકે બન્ને કૉમેડીયનોનૉ કૉમેડી થોડી નકારાત્મક ભૂમિકા ભજવયા પછી પ્રેમી પંખીડાંને મદ્દરૂપ પણ થઈ જ જાય છે.

જોકે શંકર જયકિશનને પોતાનો કરતબ દેખાડવા માટે જેટલી તકો મળી છે તેમનો એ લોકોએ બેનમૂન ઉપયોગ કરી લીધો છે. શૈલેન્દ્રનું યે રાત ભીગી ભીગી ફિલ્મ ઇતિહાસનાં શ્રેષ્ઠ રોમેન્ટિક યુગલ ગીતોમાં અગ્રસ્થાને છે તો જહાં મૈં જાતી હું વહીં ચલે આતે હો મારાં અતિપ્રિય યુગલ ગીતોમાં આગળ પડતાં સ્થાને છે.

તુમ અરબોંકા હેર ફેર કરનેવાલે રામજી સવા લાખકી લાટરી ભેજો અપને ભી નામ જી - મોહમ્મદ રફી, લતા મંગેશકર

દેખીતી રીતે તો આ ગીત ભગવાન હોય એટલે તેમને એક ગીત ફાળવવું જ જોઈએ એ ફોમ્યુલાની શરત પુરૂં કરતું ગીત ગણાય, પણ શૈલેન્દ્રના બોલ ગીતને જેટલું રસપ્રદ બનાવે છે તેટલું જ શંકર (જયકિશન)ની ધુન અને બન્ને અંતરાનાં સંગીતની વાદ્ય સજ્જા ગીતને કર્ણપ્રિય પણ બનાવે છે.


મનભાવન કે ઘર જાએ ગોરી ઘુંઘટમેં શરમાએ ગોરી હમેં ના ભુલાના …. - લતા મંગેશકર, આશા ભોસલે

હિંદી ફિલ્મોમાં કન્યા વિદાયના પ્રસંગની જગ્યા હોય એટલે જે ગીત મુકાય તેમાં સંગીતકાર અને ગીતકારે પોતાની આગવી સૂઝ તો દર્શાવવી જ પડે. અહીં પણ શંકર (જયકિશન) ગીતને એક નૃત્ય ગીતની જેમ મુકીને એક કાંકરે બે પ્રકારની ધુનનો પ્રયોગ કરી લેવાનો પ્રયોગ પણ કરી લીધો છે. 



ન્યુ દિલ્હી (૧૯૫૬)


એક ઉત્તર ભારતીય નવયુવાનની દિલ્હીમાં નોકરી મળ્યાથી રહેવા માટે ભાડે ઘરની શોધ પ્રાંતવાદની ગલીઓમાં અટવાઈ જાય છે એ વિષય પરની વાર્તા જ્યારે યુવાન (કિશોર કુમાર)ને એક 'મદ્રાસી' છોકરી (વૈજયંતીમાલા)ને ઊંબરે જઈને ટકે છે તે પછી દર્શકોને રમૂજ , વિમાસણો, પ્રેમ અને ગેરસમજણોની પરંપરામાં ઘુમતી કરે છે.

જોકે કિશોર કુમાર હોય એટલે જે તેમના સ્વરમાં ગવાયેલાં ગીતો અને વૈજયંતિમાલા માટે વિવિધ પ્રકારનાં નૃત્ય ગીતો માટે શંકર જયકિશનને મોકળું મેદાન મળી રહે છે. એ ગીતોમાંના અરે ભાઈ નિકલ કર આ ઘર સે, નખરેવાલી…. દેખનેમેં દેખ લો કિતની ભોલી ભાલી, મિલતે હી નજ઼ર આપ મેરે દિલમેં સમા ગયે (બધાં ગીતોના ગાયક કિશોર કુમાર) કે તુમ સંગ પ્રીત લગાઈ રસિયા (લતા મંગેશકર) જેવાં ગીતો આજે પણ યાદ કરાય છે.

ઝિંદગી બહાર હૈ મોહબ્બત કી બહાર - લતા મંગેશકર

ફિલ્મમાં આ ગીત 'નખરેવાલી'ની પાછળ પાછળ જ ફિલ્માવાયું છે.

ગીતની ધુન અને વાદ્ય સજ્જા પર શકર (જયકિશન)ની આગવી નૃત્ય ગીત રચના શૈલીની અસર પુરેપુરી છે,. તે સાથે જ, ભારતીય તાલવાદ્યની સાથે પાશ્ચાત્ય વદ્યો સાથેનાં અંતરાનાં સંગીતમાં જે વૈવિધ્ય છે તેમની વિશાળ ફલક પર ફેલાયેલી સર્જનાત્મકતાની સાહેદી પૂરે છે. 



બારી બરસી ખટ્ટન ગયા તે ખત કે લે આયા સોટ્ટી - લતા મંગેશકર, કોરસ

આમ તો આ પંજાબી લોક નૃત્ય જ છે , પણ શંકર (જયકિશન)એ તેને કેવી અનોખી ધુનમાં રજુ કર્યું છ એતે સમજવા માટે પહેલાં એક પંજાબી ફિલ્મમાં તેનું પારંપારિક રૂપ જોઈએ

અને પછી શંકર (જયકિશન)ની રજુઆત સાંભળીએ.


ગોરી તેરે સપનોંકે સજના આયે તેરે અંગના કર લે સોલા સિંગાર, હો જા જાને કો અબ તૈયાર લે કે ડોલી ખડે હૈ કહાર - લતા મંગેશકર, સાથીઓ

એક વધારે કન્યા વિદાય ગીત જે શંકર (જયકિશન) ફરી એક નવાં રૂપમાં રજુ કરે છે.



રાજહઠ (૧૯૫૬)



રાજહઠ સોહરાબ  મોદી નિર્મિત ઐતિહાસિક પૃષ્ઠભૂ પર વિકસતી બે પ્રેમીઓની દાસ્તાનની ફિલ્મ હતી. સોહરાબ મોદીને અનુકૂળ બે રજવાડાંઓનાં પેઢીઓથી ચાલ્યાં આવતા વેરની કથા અને પ્રદીપ કુમાર અને મધુબાલાને અનુકૂળ આવે તેમ એ બે રજવાડાનાં સંતાનો વચ્ચે ખીલતાં પ્રણય અંકુર કહાની ટિકિટ બારી પર તો સફળ થઈ જ હતી.

ઐતિહાસિક સંદર્ભોને અનુસાર સંગીત નિયોજનના સંન્નિષ્ઠ પ્રયાસો પર શંકર (જયકિશન)ની વિશાળ (પાશ્ચાત્ય) વાદ્ય સમુહની ગીત રચનાઓની સફળતાની ફોર્મ્યુલાનાં સંમિશ્રણવાળાં ગીતો ક્યાક પરાણે મુકેલાં પણ લાગે, પણ આખરે તો જે ટિકિટ બારી પર ચાલ્યું એ જ સારૂંનો ન્યાય જ પ્રવર્તી રહે છે. 

માત્ર ગીતના બોલ અને સંગીતને જ ધ્યાનમાં લેતાં ફિલ્મનાં શૈલેન્દ્રનાં ગીતો - ચલે સિપાહી ધુલ ઉડાતે (મન્ના ડે સાથીઓ), મેરે સપનેમેં આના રે (લતા મંગેશકર), નાચે અંગ અંગ રે તેરે આગે (લતા મંગેશકર, સાથીઓ - તેમ્જ હસરત જયપુરીનાં અન્ય ગીતો આજે પણ સંભળવાં ગમે છે.

આ જા આ જા નદીયા કિનારે … તારોંકી છૈયા પુકારે - લતા મંગેશકર , સાથીઓ

ગીતના પૂર્વાલાપને ધ્યાનથી સાંભળીશું તો તેમાં શંકર જયકિશનનાં કોઈ બીજી ફિલ્મનાં ગીતની ધુન હોવાનો અંદેશો જ્ણાય છે, જોકે એ ગીત મને ઊંડે ઊંડે હૈયે સંભળાય છે પણ હોઠ પર નથી આવી રહ્યું !

લગભગ દરેક સારા સંગીતકાર કોઇ ગીત માટે બે ત્રણ ધુન તો બનાવતા જ હોય છે. પણ શંકર જયકિશનની ફિલ્મો અને ગીતોમાં તેમનીઅનેક દુનો જે રીતે સમાઈ છે અને પછી ક્યાંક બહુ જ અસરકારક રીતે ફરી  નવી રચના રૂપે બહાર આવી છે તે તો ખરેખર નોંધપાત્ર વિશેષતા જ કહી શકાય. આર કે ફિલ્મ્સ માટેની આવી ધુનોનો બહુ મોટો સંગ્રહ રાજ કપુર પાસે હતો જે તેમણે મેરા નામ જોકર બાદ પણ અન્ય સંગીતકારો પાસે ઉપયોગમાં લીધો હતો એમ કહેવાય છે.


કહાં સે મિલતે મોતી આંસુ મેં મેરી તક઼દીર મેં  - લતા મંગેશકર

હિંદી ફિલ્મોમાં દરેક પ્રેમ કથામાં કોઈને કોઈ અડચણ તો આવે જ અને તેને કારણે બે પ્રેમીઓ વચ્ચે જે વિયોગ સર્જાય તે કરૂણ ગીતો માટે બહુ યોગ્ય તક બની રહેતી.


પ્યારે બાબુલ સે બિછડ કે….ઘરકા અંગના સુના કર કે ગોરી કહાં ચલી ઘંઘટમેં…. - લતા મંગેશકર. સાથીઓ

શંકર જયકિશનની સર્જનશક્તિની વિપુલતા વિશે જો કોઈ પ્રમાણપત્રની જરૂર પડે તો કોઈ પણ એક વિષય પરનાં તેમનાં ગીતો તપાસી જવાં જ પુરતાં છે.

પ્રસ્તુત વિદાય ગીતમાં તેમની સંગીત રચનાઓની એક અન્ય વિશેષતા પણ ધ્યાન પર લઈએ.- અન્ય સંગીતકાર જ્યારે ધીમી લયમાં કે મંદ્ર સપ્તકમાં કોઈ ગીત રચવાનું પસંદ કરે એવા ભાવનાંગીતમાં શંકર જયકિશન પ્રમાણમાં વધારે ઝડપી લય કે ઉંચા સુરનો જ અચુક પ્રયોગ કરતા જોવા મળશે!


આ ગયી લો આ ગયી મૈં ઝૂમતી ….હો અખિયોં કો અખિયોં સે ચુમતી - લતા મંગેશકર

હિંદી ફિલ્મોમાં મહદ અંશે વપરાતો છદ્મવેશનો અહીં પ્રયોગ જોવા મળે છે.

પોતાના પ્રેમીને મળવા માટે વિરોધી દળનાં રાજ્યમાં પ્રવેશ કરવ અમાટે મધુબાલા ગ્રામીણ યુવતીનો વેશ અજમાવે છે.

આવા કિસ્સાઓમાં થતું હોય છે તેમ પ્રેક્ષકને એ પાત્ર બરાબર ઓળખાય પણ ફિલ્મનાં પાત્રોને જરા પણ ગમ ન પડે. એટલે જે પાત્ર સાથે સંદેશ વ્યવાહર સાધવો હોય તેને ઉદ્દેશીને એક ગીત મુકવામાં આવે.

અહીં મધુબાલા સાથે સારંગી જેવાં લોક વાદ્યમાં સજ્જ એક અન્ય જોડીદાર પણ જોવા મળે છે. શંકર જયકિશને  પણ લોક વાદ્યોનો ઉપયોગ જરૂર કર્યો છે પણ વિશાળ ઑર્કેસ્ટ્રા સાથે ગીત રચના કરવાની તેમની ઓળખ સમી કાર્યપદ્ધતિ અહીં એ વાદ્યોના પ્રયોગને એટલી હદે ઢાંકી દે છે કે સમગ્ર ગીતની રચના ફિલ્મના સમય કાળ સાથે સુસંગત નથી જણાતી !


૧૯૫૬નાં વર્ષ માટે શૈલેન્દ્રનાં ગીતોની શંકર (જયકિશન)દ્વારા કરાયેલી ગીતરચનાઓની એક વધુ ફિલ્મ - પટરાણી - બાકી રહે છે. પરંતુ તેમાં ગીતોની જે સંખ્યા છે અને ફિલ્મના વિષયનુંજે અલગપણું છે તે એક સ્વતંત્ર પૉસ્ટ માટેની સામગ્રી બની રહે તેમ છે, એટલે તેના વિશેની વિગતે વાત હવે પછીના (ઓક્ટોબર ૨૦૨૩ના) મણકામાં કરીશું.




આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: