શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૫-૧૯૫૬ (આંશિક)
રાજ કપૂરની બીજી ફિલ્મ, બરસાત (૧૯૪૯, માટે તેમણે સંગીતની બાગડોર
શંકરના હાથમાં સોંપી. શંકરે પહેલું કામ જયકિશનનને પોતાના સાથી તરીકે લેવાનું
કર્યું, અને એ રીતે શંકર જયકિશન્ની જોડી
બની. ફિલ્મ સંગીતનો '૪૦, '૫૦ અને છેક '૬૦ના દાયકા સુધીનો એ સમય, નૌશાદ, એસ ડી બર્મન, સી રામચંદ્ર, વસંત દેસાઈ, સલીલ ચૌધરી, ઓ પી નય્યર, રોશન, મદન મોહન, રવિ જેવા એકબીજાને ટક્કર મારી શકે એવા, પોતપોતાની આગવી શૈલી અને સ્થાન ધતાવતા સંગીતકારોનો સમય હતો.
ઉત્કૃષ્ટ સ્પર્ધાના એવા એ સમય કાળમાં શંકર
જયકિશને પોતાનું આગવું સ્થાન જમાવ્યું, અને એ જ સમયમાં આ જોડીએ
ગુણવત્તા તેમજ વાણિજ્યિક સફળતાની આગવી
કેડી કંડારતી ૧૯૫ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું.
શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) નું પદ્ય તેમના મૂળ સ્વભાવને અનુરૂપ, સામાન્ય માનવીની સાથે વધારે નજદીક હતું. શંકર જયકિશન અને શૈલેન્દ્ર-હસરત જયપુરીની અદ્વૈત દેખાતી ટીમમાં શૈલેન્દ્રની રચનાઓ શંકર સ્વરબદ્ધ કરે અને હસરત જયપુરીની જયકિશન કરે એવી એક સહજ સમજૂતી હતી. આ ચારે વચ્ચેનાં મિત્રતાનાં ગાઢ બંધનને જરા પણ અસર કર્યા સિવાય આ ગોઠવ્ણ મૂળ તો દરેકની પોતાની સ્વાભાવિક પસંદ અને શૈલીને અધારે વધારે થતી એમ કહી શકાય. ફિલ્મની વાર્તા સાંભળવાને જ તબક્કે શંકર અને જયકિશનની વચ્ચે ક્યાં ક્યાં ગીત મુકી શકાય અને સીચ્યુએશનની માંગ અનુસાર બેમાંથી કોણ એ ગીત વધારે સારી રીતે રચી શકશે તે નક્કી થઈ જતું. સામાન્યપણે, શંકર વધારે સવેદનાના ભાવ સાથેનાં ગીતો પસંદ કરતા, જે શૈલેન્દ્રના સ્વભાવને વધારે અનુકૂળ રહેતાં, જ્યારે જયકિશન ઓછા ગંભીર અંદાજમાં વાત કહી જતાં ગીતો પસંદ કરતા, જે હસરત જયપુરીને પણ વધુ અનુકૂળ રહેતાં.
શૈલેન્દ્રનાં ગીતોની
શંકર(જયકિશન)ની સંગીત રચનાઓમાં તેમનાં ઓછાં પરિચિત ગીતોને ફિલ્મ રિલીઝનાં વર્ષવાર
યાદ કરવાનો ઉપક્રમ આપણે ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ કરેલ છે. અત્યાર સુધી વર્ષ
૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩
૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)
૨૦૨૦ માં ૧૯૫૪
નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે
સાંભળ્યાં છે.
આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં
ગીતોની શંકર(જયકિશન)ની વર્ષ ૧૯૫૫ અને આંશિક ૧૯૫૬ની
ઓછી સાંભળેલી સંગીત રચનાઓ યાદ કરીશું. શંકર જયકિશનની કારકિર્દી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેમને વધારેને વધારે
ફિલ્મો મળવા લાગી. તેઓએ કદાચ ખાસ ધ્યાન રાખ્યું હશે એટલે દરેક વર્ષની ફિલ્મોના
વિષયોનું વૈવિધ્ય પણ વધતું જ ગયું છે. ૧૯૫૬માં તો આ જોડીએ ૭ ફિલ્મોમાં સંગીત
આપ્યું,
જેમાં તેમણે ૬૧ ગીતોની રચના કરી. આ ગીતોમાં શૈલેન્દ્રને
ફાળે ૪૬ અને હસરત જયપુરીને ફાળે ૧૫ ગીતો આવ્યાં.
સીમા (૧૯૫૫)
‘સીમા’માં શૈલેન્દ્રએ લખેલાં ત્રણ અને
હસર્ત જયપુરીએ લખેલાં ત્રણ મળીણે કુલ છ ગીત હતાં, જેમાંથી હસરત જયપુરીનું એક ગીત બે ભાગમાં હતું, તો શૈલેન્દ્રનું 'તુ પ્યાર કા સાગર હૈ' ફિલ્મમાં બે અલગ સંદર્ભમાં રજુ થયું છે. જોકે
ફિલ્મનાં એક પણ ગીતને વિસરાતાં ગીતો કહેવાની હિંમત આજે પણ કરી શકાય તેમ નથી, એટલે એમ ગીત જ અહીં મુક્યું છે જે મને ખુબ જ પ્રિય
ગીતોમાંનું એક છે.
મન મોહના બડે જૂઠે ….. હાર કે હાર નહીં માને - લતા મંગેશકર
રાગ જયજયવંતી પર આધારીત આ ગીતમાં વાદ્ય સજ્જા પર શંકર અને
જયકિશન બન્નેની અસરોનું સંમિશ્રણ છે.સાંભળવામાં ગીત એટલું બધું સરળ જણાય છે પરંતુ
તેનાં ગાયનની અદાયગી ગીતના ભાવને રજૂ કરવામાં કેટ્લું મુશ્કેલ રહ્યું હશે એ વાતનો
અંદાજ એ વાત પરથી આવી શકશે કે નુતને ગીતનાં રેકોર્ડીંગ વખતે લતા મંગેશકર એ કામ કેમ
કરે છે ખુબ જ ધ્યાનપૂર્વક નિહાળ્યું હતું,
જેથી પરદા
પર તેઓ તેને યોગ્ય ન્યાય આપી શકે.
શૈલેન્દ્ર પણ
સાદગીમાં ગહન વાત કહી જવાની તક
છોડતા નથી -
બને થે ખિલાડી પિયા, નીકલે અનાડી,
મો સે બેઈમાની કરે, મુજ઼સે હી રૂઠે
… … … … …
… … … … …
તુમ્હારી યે બંસી કાન્હા, બન ગઈ ફાંસી
તાન સુના કે મોરા , તન મન લૂટે
આડ વાત: 'સીમા'
શીર્ષકની બીજી ફિલ્મ ૧૯૭૧માં આવી હતી, જેમાં પણ સંગીત શંકર જયકિશનનું હતું.
શ્રી ૪૨૦ (૧૯૫૫)
આર કે ફિલ્મ્સ નિર્મિત
ફિલ્મોમાં ‘શ્રી ૪૨૦’નું એક
આગવું સ્થાન હંમેશ રહ્યું છે. ફિલ્મમાં ૯ ગીતો હતાં જેમાંથી ૭ ગીત શૈલેન્દ્રએ અને
૨ હસરત જયપુરીએ લખ્યાં છે. એ કહેવાની તો ભાગ્યે જ જરૂર હશે કે બધાં જ ગીતોની
લોકપ્રિયતા આજે પણ બરકરાર છે.
શામ ગયી રાત આયી, અબ તો સનમ આ જા, તારોંકી બારાત આયી કે બલમ
આ જા- લતા મંગેશકર
ગીતનો ઉપાડ જે
પૂર્વાલાપથી થાય છે તે ટુકડો ગુજરાતી ગરબાના તાલમાં છે, તેને કારણે એટલો ટુકડો એ જ રીતે ગરબાના તાલ પરથી ઉપડતાં ભોલી સુરત દિલ કે ખોટે (અલબેલા, ૧૯૫૧) જેવો પણ ક્યાંક આભાસ થાય. એટલા ટુકડા પછી તરત જ
શંકર જયકિશનની ઓળખ સમી ઢોલકની સંગત શરૂ થઈ જાય છે.
આખું ગીત ખુબ જ
માધુર્યભર્યું છે, હા ફિલ્મનાં બીજાં ગીતો જેટલી સરળ ધુન કદાચ ન કહી
શકાય. આવું એ સમયે આર કે ટીમને પણ લાગ્યું હશે, કેમકે ગીતને ફિલ્મમાં સમાવાયું નથી.
હલાકુ (૧૯૫૬)
ડી ડી કશ્યપ દ્વારા
દિગ્દર્શિત, હ'લાકુ' ઈરાનના પ્રાચીન ઈતિહાસનાં રાજવી હલાકુ પર આધારીત છે. 'હલાકુ'નું મુખ્ય પાત્ર પ્રાણ અદા કરે છે. ફિલ્મની વાર્તાનાં
કેન્દ્રમાં હલાકુને તેની પ્રજામાંની સામાન્ય વર્ગની મોહક સૌંદર્ય ધરાવતી કન્યા
માટે જાગેલું આકર્ષણ અને એ કન્યાના બીજા
કોઈ યુવાન માટેનો પ્રેમ છે.ફિલ્મમાં ૮ ગીતો હતાં, જે પૈકી ૫ શૈલેન્દ્રએ અને ૩ હસરત જયપુરીએ લખ્યાં છે.
શૈલેન્દ્ર રચિત પાંચમાંથી
એ સમય જાણીતાં થયેલાં ત્રણ (યુગલ) ગીતો, આ જા કે ઈંતજ઼ારમેં જાનેકો હૈ
બહાર ભી અને દિલકા ન કરના ઐતબાર કભી મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરોમાં છે તો અજી ચલે આઓ, તુમ્હેં આંખોંસે દિલને બુલાયા લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરોમાં છે.
યે ચાંદ યે સિતારે, યે સાથ તેરા મેરા. શબ-એ-જ઼િન્દગી કા ન હો સવેરા, ઓ દિલરૂબા, ઓ દિલરૂબા - લતા મંગેશકર
શંકર જયકિશન અને
શૈલેન્દ્રએ ગીતની બાંધણીમા ફિલ્મનાં કથાનકની મધ્યપશ્ચિમ એશિઆની સંસ્કૃતિની અસરને
વણી લીધેલ છે. શંક્રર જયકિશને તાલ, અંતરા તેમ જ
કાઉન્ટર મેલોડીમાં મૃદુ તાર વાદ્યનો પ્રયોગ કરેલ છે.
તેરી દુનિયા સે જાતેં હૈ છુપાયે ગમ અપના, લિયે જાતેં હૈ આંખોંમેં કીસીકે પ્યારકા સપના - લતા મંગેશકર
ફિલ્મનાં વાતાવરણને
અનુરૂપ સંગીત સર્જન કરવા માટે ફરી એક વાર શંકર જયકિશન તેમની પોતાની જાણીતી શૈલીને
બદલે તેમના માટે અલગ કહી શકાય તેવી ધુનનો પ્રયોગ કરે છે.
કમનસીબે ગીતને ફિલ્મમાં
નથી સમાવાયું.
કિસ્મત કા ખેલ (૧૯૫૬)
કિશોર સાહુ દ્વારા દિગ્દર્શિત અને લિખીત, કિસ્મત કા ખેલ ટિકિટબારી પર એટલી હદે પીટાઈ ગઈ કે ફિલ્મની
રીલો સાથે તેનાં ગીતો પણ ઉકરડે ગયાં. ફિલ્મમાં ૭ ગીતો હતાં જે પૈકી શૈલેન્દ્રએ ૫
અને હસરત જયપુરીએ ૨ ગીતો લખ્યાં છે.
આડવાત
'કિસ્મત કા ખેલ' સુનીલ દત્તની ચોથી જ ફિલ્મ હતી. તે પહેલાં તેઓ રેલ્વે
પ્લેટફોર્મ (૧૯૫૫), કુંદન (૧૯૫૫) અને એક હી
રાસ્તા (૧૯૫૬)માં જ જોવા મળ્યા હતા.
કિસ્મત કા ખેલ હૈ જનાબ-એ-આલી … આપકે પાસ હૈ મોતી ખઝાને ઔર
અપની જેબ ખાલી - લતા મંગેશકર
એ સમયમાં જરા સરખું છીડું મળે એટલે એક ગીત માટેની જગ્યા તો
બની જ જતી.અહીં, નાયિકા (વૈજયંતિમાલા) અને નાયક
(સુનિલ દત્ત) વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરતાં લાગે છે. ટિકિટ ચેકર ટિકિટ ન હોય
તો પૈસા ભરી દેવાનું કહે છે, જેના જવાબમાં નાયિકા ગીત
ગાઈને પૈસા માગી આપવાનો પ્રસ્તાવ કરે છે. અને સારા એવા ભરચક્ક હશે એવા કોચમાં ગાયિકાને નૃત્ય કરવાની જગ્યા પણ થઈ જાય છે !
ન બુરે ન ભલે હમ ગરીબ ગમ કે પલે, તુમ ક્યા જાનો બસ્તી હમારી રાજા, લાડલી જ઼િંદગી અપને આંસુંઓ મેં ઢલી … - લતા મંગેશકર
આ ગીત પોતાની બસ્તીની જાનદાર રજુઆત મટે ગવાય છે. આ એ બસ્તી
છે જ્યાં અનોખી (વૈજયંતિ માલા)નું 'રાજ' છે અને પ્રકાશ (સુનિલ દત્ત) આશરો મેળવે છે.
આવી સીચ્યુએશન શૈલેન્દ્ર જેવા ગીતકારોને ખીલવા માટે
પુરેપુરી તક આપે છે, જેમકે ગીતના એક માત્ર
અંતરામાં તેઓ કહે છે કે -
હમારી ભી ગલીમેં મુસ્કરાએ ચાંદની
બાદલ જ઼ુમકે ગાયે રસીલી રાગિની
તુમ્હારે મહલ સે કુછ કમ
નહીં યે બસ્તી હમારી
અર્ઝ હૈ આપસે ઔર આપસે, ભેદકી બાત હૈ અપનોં સે કહી જાતી હૈ…… બાલમ આયેગા - લતા મંગેશકર
ગીત આમ તો શેરીમાં ભજવાતા
નૃત્યનાટિકાના ખેલ સ્વરૂપે છે, જેમાં વૈજયંતીમાલા એક
વધારે નૃત્ય ગીત વડે બાલમ આવવાની ખાનગી વાત પ્રેક્ષકોને કહે છે.
શૈલેન્દ્રએ પણ અહીં
સાખીનો પ્રયોગ કરી લીધો છે ! શંકર જયકિશને શેરી ગીતમાટે આવશ્યક હાર્મોનિયમની
હાજરીનો સાખી માટેનાં વાદ્ય સંગીતમાં આગવી અદાથી ઉપયોગ કરી લીધો છે …..
તુ માને યા ન માને બાલમ અનજાને, બેદર્દી તેરે લિયે… નાચે મેરી જ઼િંદગી - લતા મંગેશકર, સાથીઓ
આ ગીત પણ શેરીમાં ગોઠવેલ
નાની નૃત્ય નાટિકાના ખેલ સ્વરૂપે જ છે, પરંતુ તેની સાથે
ઊભો કરેલ સંનિવેશ બહુ કૃત્રિમ બની રહ્યો છે. પરિણામે શંકર જયકિશને પ્રયોજેલ મધ્યપશ્ચિમ એશિયાની
સંસ્કૃતિની ધુનનો પ્રયોગ પણ ખાસ અસર કરી શકતો નથી જણાતો.
ચલો લે ચલું મૈં તારોંમેં
રંગ રંગીલે ગુલઝારોંમેં - આશા ભોસલે
અહી હવે નાયિકા શેરી ખેલ
કરતાં કરતાં મોટાં સ્ટેજ પર નૃત્યો કરી બતાવવાની ક્ષમતા સુધી પ્રગતિ કરી ચુકેલ છે.
મોટી ટિકિટો ખરીદીને શૉ જોવા આવતાં પ્રેક્ષકોના મોભાને શોભે તેવી ભવ્ય વાદ્યસજ્જા
વડે ઉઘડતા પૂર્વાલાપ સાથે શંકર જયકિશને
ગીતની બાંધણી કરી છે.
બસંત બહાર (૧૯૫૬)
શંકર જયકિશને ૧૯૫૬માં વિધ વિધ વિષયો પર કરેલી ફિલ્મોમાં 'બસંત બહાર' તો બહુ જ અનોખો પ્રયોગ હતો. પેઢીઓથી જ્યોતિષીના
વ્યવસાયમાં રહેલાં કુટુંબનો પુત્ર સંગીત તરફ ખેંચાય છે.તેના સંધર્ષની વાત રજુ કરવા
માટે શાસ્ત્રીય સંગીત કેન્દ્રમાં રહે તે રીતે ફિલ્મની વાર્તા ગોઠવઈ હતી.
'બૈજુ બાવરા'નાં સંગીતની અપ્રતિમ સફળતાના માપદંડ સામે ખરા ઉતરવાની
આ કસોટી હતી. સફળતા મળે તો હંમેશ માટે પ્રથમ હરોળમાં સ્થાન અને નિષ્ફળતા મળે તો
કાયમ બીજી હરોળમાં જ સ્થાન નિશ્ચિત હતું.
'બસંત બહાર'નાં ૯ ગીતો શંકર જયકિશને ઝીલેલા પડકારને રજુ કરે
છે. આ ૯ માંથી શૈલેન્દ્રનાં આઠ ગીતો હતાં.
નવમું હસરત જયપુરીનું મૈં પિયા તોરી તુ માને યા ન માને પણ બાકીનાં ગીતોથી એક તસુ પણ પાછળ નહોતું. શૈલેન્દ્રના આઠ ગીતો - કેતકી ગુલાબ ચંપક બન ઝૂલે ( મન્ના ડે, ભીમસેન જોશી), સુર ના સજે ક્યા ગાઉં મૈં અને ભય ભંજના વંદના સુન
હમારી (મન્ના ડે); નૈન મિલે ચૈન કહાં (મન્ના ડે, લતા મંગેશકર); બડી દેર ભયી અને દુનિયા ન ભાયે (મોહમ્મદ રફી અને જા જા જા જારે બાલમવા (લતા મંગેશકર)- ઉત્કૃષ્ટ રચનાઓ થવાની સાથે બહુ લોકભોગ્ય પણ બન્યાં. અહીં
અલગથી રજુ કરવા પુરતું જ આ ગીતોમાંથી એક
ગીતને,
પરાણે, અલગ તારવ્યું છે –
કર ગયા રે કર ગયા રે કર ગયા મુઝપે જાદુ સાંવરિયા… - આશા ભોસલે, લતા મંગેશકર
મુખડાની બીજી પંક્તિ 'યે ક્યા કિયા રે ગઝબ કિયા
રે ચોરકો સમજી મૈં સાધુ' ને બીજી પ્રેમવિહ્વળ
પ્રેમિકાના મોઢેથી ન બોલાવીને બંને પ્રેમિકાઓની એક જ વ્યક્તિ માટેના પ્રેમની
હરિફાઈના ભાવને ઉઠાવ અપાયો છે. બોલકી પ્રેમિકા માટે આશા ભોસલેનો અને મનમાને મનમાં
હિજ઼રાતી પ્રેમિકા માટે શંકર જયકિશને લતા મંગેશકરનો સ્વર વાપર્યો છે તો શૈલેન્દ્રએ
બન્નેના ભાગે આવતા બોલમાં સ્વભાવની આ લાક્ષણિકતાને વણી લીધી છે.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ
- અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment