Sunday, October 14, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર,૨૦૧૮


 શૈલેન્દ્રનાં ગીતોની શકર(જયકિશન)ની સંગીત રચનાઓ : ૧૯૪૯-૧૯૫૩

આપણે વિસરાતી યાદો.. સદા યાદ રહેતાં ગીતોની આ લેખશ્રેણીંમાં શૈલેન્દ્ર રચિત શંકર જયકિશન સિવાયના સંગીતકારોનાં ગીતોની લેખમાળા દર વર્ષે કરી રહ્યાં છીએ. એવી જ લેખમાળા આપણે હસરત જયપુરીની પણ કરી રહ્યાં છીએ. હસરત જયપુરીની તો વળી (શંકર) જયકિશને સંગીતબધ્ધ કરેલાં ગીતોની લેખમાળા પણ અલગથી કરી જ રહ્યાં છીએ.આમ બાકી રહે છે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ. ઓક્ટોબર મહિનો શંકર (સિંહ રઘુવંશી)ના જન્મદિવસ (જન્મ: ૨૫ ઓક્ટોબર ૧૯૨૨ – અવસાન: ૨૬ એપ્રિલ, ૧૯૮૭)નો મહિનો છે એટલે દરેક વર્ષના ઓક્ટોબર મહિને શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની યાદોને તાજી કરવા માટે આનાથી વધારે સારો મોકો ક્યાં મળે!
ઉપર – ડાબે: શંકર, જમણે: જયકિશન
નીચે - ડાબેથી જમણે: હસરત જયપુરી, શૈલેન્દ્ર, દત્તારામ , સેબાસ્ટીઅન
 હિંદી ફિલ્મ જગતમાં શંકર જયકિશન અને તેમની સાથે હસરત જયપુરી અને શૈલેન્દ્રનું પદાર્પણ રાજ કપૂરની 'બરસાત' (૧૯૪૯)થી થયું. જાણકારોએ નોંધ્યું છે તેમ શૈલેન્દ્ર જ્યારે આ ગાડીમાં ચડ્યા ત્યારે તો બે ગીતોની જ સીચ્યુએશન ખાલી રહી હતી. જેમાંથી પહેલી સીચ્યુએશનમાં તો તેમણે પોતાની હવે પછીથી આગવી કહેવાશે એવી સ્ટાઈલમાં ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લીધું
બરસાતમેં.. સજન હમ સે મિલે તુમ, બરસાતમેં - બરસાત (૧૯૪૯) = લતા મંગેશકર, સાથીઓ

શૈલેન્દ્રને ફાળે બીજું ગીત આવ્યું પતલી કમર હૈ તિરછી નજર હૈ. શંકર જયકિશને એ ગીતને, પાશ્ચાત્ય ધુનને ભારતીય સંગીતમાં રજૂ કરવાની હવે પછી જે તેમની લાક્ષણિક શૈલી તરીકે પ્રચલિત થવાની હતી તેવી રીતે, સજાવ્યું.

આ ગીતમાં ગાયક તરીકે શંકર જયકિશનનાં સંગીત વિશ્વનું એક મહત્ત્વનું પરિમાણ મુકેશ પણ રજૂ થઈ ગયા. તેમનાં સંગીત વિશ્વનાં ત્રીજાં મહત્વનું પરિમાણ એવા મોહમ્મદ રફીને રાજ કપૂરના સ્વર તરીકે 'બરસાત'માં રજૂ કરાયા હતા. જો કે આપણી આ લેખમાળાના આપણે નકી કરેલા વ્યાપને અનુરૂપ શંકરજયકિશન-શૈલેન્દ્ર - મોહમ્મદ રફી સંયોજનનો પહેલો આસ્વાદ માણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે.

નૈયા તેરી મઝધાર - આવરા (૧૯૫૧) - મોહમ્મદ રફી, સાથીઓ
'આવારા'થી રાજ કપૂરના પાર્શ્વસ્વર તરીકે મુકેશ પ્રસ્થાપિત થઈ ચૂકયા હતા. રાજ કપૂર માટે જરૂર લાગી ત્યારે શંકરજયકિશને મન્નાડેના સ્વરનો પણ પ્રયોગ કર્યો. આમ આર કે ફિલ્મ્સમાં મોહમ્મદ રફીનાં ગીતો માટે કોઈ ખાસ સ્થાન ન દેખાય, પણ શંકરજયકિશને 'આહ' અને 'જિસ દેશમેં ગંગા બહેતી હૈ' સિવાય આર કે ફિલ્મ્સની ‘મેરા નામ જોકર’ સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીનું આગવું ગીત જરૂર વણી લીધું છે.

પવિત્ર સીતામાઈકો તુને દિયા બનવાસ - આવારા (૧૯૫૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, સાથીઓ
ગીતના પ્રરાંભમાં સીતાજીને તેમની ગર્ભાવસ્થાના આખરી તબક્કામાં રાજધર્મનાં પાલન માટે કરીને રામે કરેલા ત્યાગનાં રૂપક્ને રજૂ કરાયું છે. તે પછીથી ફિલ્મના કથાવસ્તુના પાયામાં ઊચ્ચ વર્ણનું સંતાન ઊચ્ચ થાય અને નિમ્ન વર્ણનું સંતાન નિમ્ન નીવડે એવી રૂઢીગત સ્વત:સિધ્ધ મનાતી માન્યતા રહેલી છે તેની પણ નાટ્યાત્મક રજૂઆત કરવામાં આવી છે.

અનમોલ પ્યાર બિન મોલ બીકે - બાદલ (૧૯૫૨) - લતા મંગેશકર
શરૂઆતનાં વર્ષોમાં, તો ખાસ, જોવા મળે છે કે શંકર જયકિશનનાં ગીતોનું પલડું લતા મંગેશકરનાં ગીતો તરફ ઘણું વધારે નમતું હતું. સમજી વિચારીને આમ કરવામાં આવતું હતું કે સંજોગો એવી રીતે બનતા હતા તે વિષે કંઈ ચોક્કસ નથી જાણવામાં આવતું.

ઈલ્લા બેલે... દિન હૈ પ્યારે પ્યારે - કાલી ઘટા (૧૯૫૧) - લતા મંગેશકર
કુદરતનાં સાન્નિધ્યમાં માણવા મણતા પરિણયના સહઆનંદને તાદૃશ જીલવા માટે ઈલ્લા બેલે જેવા અનોખે બોલનો અનોખો પ્રયોગ કરાયો છે. ગીતની વાદ્યસજ્જામાં વણી લેવાયેલ એકોર્ડીયનના સુરને તાદૃશ કરવા માટે હીરોને એકોર્ડીઅન સાથે લઈને ફરતો બતાવાયો છે ! ફિલ્મનાં શીર્ષકને ગીતમાં વણી લેવાની તક શૈલેન્દ્રએ પહેલા અંતરાની પંક્તિઓમાં ઝડપી લીધી છે.

દેખો આયા હૈ કૈસા ઝમાના - દાગ (૧૯૫૨) = લતા મંગેશકર, સાથીઓ
અહીં મરાઠી લોકગીતની ધુનને વણી લેવાયેલ છે.

કયા બતાઉં મોહબ્બત હૈ ક્યા - પરબત (૧૯૫૨) - મોહમ્મદ રફી, લતા મંગેશકર, ગીતા દત્ત
શંકર જયકિશને ગીત દત્તના સ્વરનો, પ્રમાણમાં, બહુ ઓછો પ્રયોગ કર્યો છે, તેમાં વળી પાછું મોહમ્મદ રફી, લતા મંગેશકર અને ગીતા દત્તનું ત્રિપુટી ગીત તો વળી હિંદી ફિલ્મોમાં જવલ્લે સાંભળવા મળતી ઘટના છે. આવા અનોખા મોકા માટે શંકર જયકિશને પૂર્ણતઃ સૉફ્ટ ધુનનો અનોખો પ્રયોગ કર્યો છે, જે ગીતા દત્તના સ્વરનાં સહજ માર્દવને વધુ સારી રીતે ન્યાય આપી શકે છે. !

ઓ ઓ માય ડીઅર આઓ નીઅર = નગીના (૧૯૫૨) =મોહમ્મદ રફી, શમશાદ બેગમ
હિંદી ફિલ્મોનાં ચાહકો 'નગીના'ને જેનાં પ્રિમિયરમાં નુતનને હજૂ નાબાલીગ ઉમરનાં હતાં એટલે પ્રવેશ નહોતો મળ્યો, દિલીપકુમારના ભાઈ નાસીરખાન પાકીસ્તાનથી પાછા 'ભાગી આવ્યા હતા' તે પછીની પહેલી ફિલ્મ, કે ફિલ્મના નિર્માતાના સી એચ આત્મા માટેના લગાવને માન આપી ખુબ સફળ રીતે કરેલ શંકર જયકિશનના પ્રયોગો કે એ જોડીનાં રહસ્ય ઘુંટતા ગીતોના ખાસ પ્રકારના, પહેલવહેલાં, બહુ જ અદ્‍ભૂત પ્રયોગવાળી ફિલ્મ તરીકે ઓળખતા આવ્યાં છે. આવી ફિલ્મમાં જોડકણાં જેવાં શબ્દો વાપરેલ, હલકાં ફુલકાં ગીતો પણ ફિલ્માવાયાં હોઈ શકે એ પણ નવતર ઘટના જ કહી શકાય.અહીં રજૂ કરેલ ગીત ઉપરાંત બીજું એવું ગીત પણ ફિલ્મમાં હતું - રફી, લતાના યુગલ સ્વરોનું 'હમસે કોઈ પ્યાર કરોજી’. બન્ને ગીતો ગોપ અને મોહના પર ફિલ્માવાયાં છે.

૧૯૫૩નાં વર્ષમાં શંકર જયકિશને સંગીતબધ્ધ કરી હોય એવી ૯ ફિલ્મો રજૂ થઈ હતી. એ દૃષ્ટિએ જોતાં તો ૧૯૫૩નાં વર્ષનાં જ ગીતોના આધારે એક આખી પૉસ્ટ્ની સામગ્રી મળી રહે. એવું કરવાને બદલે મેં અહીં એ પૈકી ત્રણ ફિલ્મોનાં ગીતોને આજની આપણી આ પૉસ્ટમાં સમાવવાનું વિચાર્યું. આ માટેનાં કારણો આવાં કંઈક છે –
- બે ફિલ્મોમાંની દરેક ફિલ્મમાંથી એક એક ગીત એવું મળે છે જે આજના લેખ પૂરતું ગાયકોનાં અને ગીતના મૂડનાં વૈવિધ્યમાં ઉમેરો કરે છે.
- ત્રીજી ફિલ્મમાં બે ગીતો મોહમ્મદ રફીએ ગાયેલ છે. બન્ને ગીતોની પોતપોતાની ખૂબીઓ તો છે જ, તે ઉપરાંત આપના દરેક લેખનાં સમાપનમાં વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીત મૂકવાની આપણી પ્રસ્થાપિત પ્રથાનું પણ અનુપાલન શક્ય બને છે.
છોટી સી યે જિન્દગાની રે ચાર દિનકી કહાની હૈ તેરી, હાય ગ઼મકી કહાની હૈ તેરી - આહ (૧૯૫૩) - મુકેશ
આ ગીતમાં મુકેશે ગાડીના કોચવાનની ભૂમિકા પણ ભજવી છે.
ગીતના ગાયક, ગીતકાર અને બે સર્જકોમાંના એક સર્જકને ખબર નહીં હોય કે આ ગીત તેમનાં જીવનની પણ ભવિષ્યવાણી છે.
અહીં જે ક્લિપ મૂકી છે તે ફિલ્મના બદલાવેલ સુખદ અંતની છે.

દુઃખદ તરફ વ્લઈ જતી ગીતની ક્લિપ અહીં જોઈ શકાય છે.

ચાહે નૈના ચુરાઓ ચાહે દામન બચાઓ પ્યાર હો કે રહેગા - આસ (૧૯૫૩) - તલત મહમૂદ, લતા મંગેશકર
હિંદી ફિલ્મોમાં જ્યારે પ્રેમી અને પ્રેમિક સીધો જ કોઈ સંવાદ કરી શકતાં ન હોય ત્યારે તેમના ભાવને રજૂ કરવા કોઈને કોઈ શેરી ગીત ગાનાર તેમની મદદે અચૂક આવી જતાં હોય છે ! ફિલ્મોમાં આ પ્રકારને પણ બહુ કળાપૂર્વક વિકસાવાયો છે.

અને હવે આજની પૉસ્ટનાં સમાપનનાં મોહમ્મદ રફીના ગીતો -
નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
આ ગીતમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રને ભવિ પેઢીને પોતાનાં ભવિષ્યને મેળવવાની આદર્શ જીવનરીત કહેવા માટે ખીલવા મળ્યું છે, મોહમ્મદ રફીને મોટી ઉમરના પુરુષના સ્વરમાં ગાવાના અનુભવને માણવાની મોકળાશ મળી છે, આશા ભોસલેને બાળકોના સ્વરની સ્વાભાવિકતા જીવંત કરી બતાવવાની તક મળી છે અને શંકર જયકિશને બન્ને ગાયકોના સ્વરમાં આલાપને અંતરામાં પ્રયોજીને પોતાની અનોખી સર્જનાત્મકતા રજૂ કરવાની તક મળી છે.

તુમ્હારે હૈ તુમ સે દયા માગતે હૈ તેરે લાડલોંકી દુઆ માંગતે હૈ - બુટ પોલિશ (૧૯૫૩) - આશા ભોસલે અને સાથીઓ સાથે
મુખડા સુધી તો ગીત એક અનાથશાળા માટેના ફાળા ઉઘરાવવાનું સામાન્ય ગીત જણાય છે. પણ અંતરામાં કરાયેલ વાંસળીના ટુકડાઓના પ્રયોગ, બન્ને અંતરાના માર્મિક શબ્દો અને તેની સાથે રફીના સ્વરના ઉતાર ચડાવ ગીતને હિંદી ફિલ્મોનાં ભિક્ષુક ગીતોના પ્રકારમાં એક અનેરાં સ્થાને પહોંચાડી દે છે.
આડવાત :
અનાથાશ્રમના સંચાલક તરીકે જે કળાકાર ગીત ગાય છે તે વીતેલા જમાનાના મૂંગી ફિલ્મોના યુગના સૂપર સ્ટાર માસ્ટર નિસ્સાર છે. એવા મોટા ગજાનાં કળાકારને પણ હિંદી ફિલ્મોના અવળાં નસીબની બદૌલત જીવનના આખરી પડાવ સમયે મુંબઈમાં હાજી અલીની દરગાહ પાસે ખરેખર ભીખ માગવાના દિવસો પણ જોવા પડ્યા હતા.

શંકર (જયકિશન) રચિત શૈલેન્દ્રનાં ગીતોની આ યાદ સફર આપણે દરેક ઓક્ટોબરમાં ચાલુ રાખીશું.

આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.
 

















































No comments: