હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૨
આ ચાર વ્યક્તિઓની ટીમમાં પોતપોતાના
સાથીઓની વહેંચણી પોતપોતાની સ્વભાવગત લાક્ષણિક્તાઓને અનુસરીને થઈ હોય તેવી સંભાવનાઓ
ઘણી જ હતી. શંકર અને જયકિશન વચ્ચે ફિલ્મનાં ગીતોની વહેંચણી સીચુએશનની માગ અને પોતાની
શજ પસંદ અનુસાર નક્કી થઈ જતી. તે પછી શંકર મોટા ભાગે શૈલેન્દ્રએ લખેલાં ગીતોની
સંગીતરચના કરે અને જયકિશન હસરત જયપુરીએ લખેલાં ગીતોની. પરંતુ કામની વહેંચણીને
ચારેચારના અંગત સંબંધો પર ક્યારે પણ અસર નથી કરી. તેમની બધાંની મિત્રતા તેમજ અંગત
વ્યવહારો સરખાં જ ઘનિષ્ઠ હતાં. ૧૯૭૧માં જયકિશનના અવસાન સમયે હસરત જયપુરીએ લખ્યું
કે ગીતોંકા કન્હૈયા ચલા ગયા.
૨૦૧૭
માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,
૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,
૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯, અને
૨૦૨૦માં
વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં
ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
આજના અંકમાં આપણે હસરત જયપુરીનાં
(શંકર) જયકિશને સંગીતવધ્ધ કરેલાં વર્ષ ૧૯૬૨ની ફિલ્મોનાં ગીતોને યાદ કરીશું.
ગીતોને પસંદ કરવામાં, સામાન્યતઃ, પ્રમાણમાં ઓછાં જાણીતાં રહેલાં ગીતોને પ્રાધાન્ય આપ્યું
છે. ફિલ્મોની રજુઆતનો ક્રમ ફિલ્મનાં અંગ્રેજી નામના અક્ષરો મુજબ અંગ્રેજી
બારાખડીના ક્રમમાં કરેલ છે.
૧૯૬૨
૧૯૬૨નાં વર્ષમાં શકર જયકિશને સંગીતબદ્ધ કરેલ ૬ ફિલ્મો આવી હતી. એ ફિલ્મોમાં હસરત
જયપુરીને ફાળે ૨૧ ગીતો આવ્યાં. લગભગ દરેક ગીત તે સમયે લોકપ્રિય થયું હતું, તો તેમાંનાં ઘણાં ગીતો આજે પણ એટલાં જ
લોકપ્રિય રહ્યાં છે.
નશીલી રાત હૈ સારે ચરાગ ગુલ કર દો, ખુશીકી રાતમેં
ક્યા કામ હૈ જલનેવાલોંકા…...લો આયી મિલનકી રાત સુહાની રાત….નૈનોંસે કિસીકે નૈન મિલે
હાથોંમેં કીસીકા હાથ - આશિક઼ (૧૯૬૨) - લતા મંગેશકર
(શંકર)જયકિશન અને હસરત જયપુરીની રચનાઓની ઓળખ સમી લાક્ષણીકતાઓને રજૂ કરતો ગીતનો
ઉપાડ વાયોલીન સમુહના તીવ્ર ટુકડાથી શરૂ થતા પૂર્વાલાપ અને સાખીથી થાય છે, તે પછી કાઉન્ટર મેલૉડીના સુરોની સંગાથે મુખડાના બોલ વહી નીકળે છે.
ગીતના પ્રારંભમાં સાખીથી લઈને દરેક બોલમાં લગ્ન પ્રસંગની દેખીતી ખુશીને વ્યક્ત
કરવાની સાથે ગીત ગાઈ રહેલાં પાત્ર
(પદ્મિની)ના પ્રેમભગ્ન હૃદયની અનુભવાતી વ્યથા, ખુબ સંવેદનશીલ છતાં સમૃદ્ધ વાદ્યસજ્જા, વાદ્યસજ્જામાં
દરેક વાદ્યના સુરમાં બન્ને ભાવોનું સંમિશ્રણ વગેરે જેવાં દરેક અંગ (શંકર) જયકિશન
અને હસરત જયપુરીની રચનાઓની દરેક લાક્ષણિકતાઓને રજુ કરે છે. અંતરાના જે બોલમાં એ
વ્યથા વધારે તીવ્ર ભાવમાં વ્યક્ત થતી હોય તેને લતા મંગેશકરના ઊંચા સુરમાં લઈ જવા
સિવાય આખાં ગીતમા લતા મંગેશકરના સુરમાં આનંદ ને વ્યથાનો ભાવોને એક સાથે પ્રતિબિંબ
કરી શકવાની (શંકર) જયકિશનની આગવી કલ્પનાશક્તિ ગીતને બહું ઉંચા સ્તરે લાવી મૂકે છે.
પ્યારકા સાઝ ભી હૈ દિલકી આવાઝ ભી હૈ, મેરે ગીતોંમેં તુમ હી તુમ હો મુઝે નાઝ ભી હૈ…. છેડા મેરા દિલને તરાના તેરે પ્યારકા, જિસને સુના ખો ગયા, પુરા નશા હો ગયા - અસલી નક઼લી (૧૯૬૨) મોહમ્મદ રફી
અ ગીત (શંકર) જયકિશની સંગીત બાંધણી અને હસરત જયપુરીનાં ગીતોની શૈલીનો બીજો એક
પ્રતિનિધિ નમુનો કહી શકાય - સાવ સરળ ભાવમાં વહેતા બોલ અને ધુન પણ એટલી જ સરળ છતાં વાદ્ય પસંદગી અને વૈવિધ્યમાં સમૃદ્ધ વાદ્યસજ્જા અને કાઉન્ટર
મેલોડીનો સંગાથ - પરિણામે, સાંભળતાંવેંત ગમી જાય એવી
રચના.
અસલી નક઼લીમાં કુલ ૭ ગીતો હતાં, જેમાંથી ૫ ગીતોને હસરત જયપુરીએ અને બે શૈલેન્દ્રએ લખ્યાં હતાં. હસરત જયપુરીનાં અન્ય ગીતો - બહુ જ રોમેન્ટીક મોહમ્મદ રફી-લતા મંગેશકરનું યુગલ ગીત, તુઝે જીવનકી ડોર સે બાંધ લીયા હૈ, રમતિયાળ બાળ ગીત ગોરી જરા હસ દે તુ હસ દે જરા (મોહમ્મદ રફી) અને લાખ છુપાઓ છુપ ન સકેગા રાઝ યે ગહરા (લતા મંગેશકર) ફિલ્મનું શીર્ષક ગીત - છે. આમ (શંકર) જયકિશન અને હસરત જયપુરીની સર્જનાત્મક વૈવિધતાની પુરી ઓળખ મળી રહે છે. એ ઓળખને પુરી કરવા આપણે એક વધારે ગીત સાંભળીશું -
એક બુત બનાઉંગા ઔર પુજા કરુંગા, અર્રે મર જાઉંગા
પ્યાર અગર મૈં દુજા કરૂંગા - અસલી નક઼લી (૧૯૬૨) -
મોહમ્મદ રફી
ગીતની માત્રાં બંધ બેસાડવામાં અઘરો પડે એવો શબ્દ 'બુત'
હસરત જયપુરીએ પ્રયોજ્યો અને (શંકર) જયકિશને તેને એક સરળ
બાંધણીમાં વણી પણ લીધો. મુખડાના બોલમાંથી 'અર્રે મર જાઉંગા પ્યાર.'ને દરેક અંતરાના અંતના
બોલમાં દોહરાવીને પ્રેમિકાને પોતાના પ્રેમ છલકતા મનોભાવથી વાકેફ કરતાં ગીતનાં
માધુર્યને અને તેના સિવાય બીજું કોઈ પોતાનાં જીવનમાં નથી અને નહીં હોય એવા
પ્રેમીના ભાવને સ્પષ્ટપણે વ્યક્ત કરતા અંતરાઓના બોલ દ્વારા (શંકર) જયકિશન અને હસરત
જયપુરીએ ખુબ જ સરળતાથી સાચવી લીધેલ છે.
બીજાં ગીતોની સરખામણીમાં થોડું ઓછું
લોકપ્રિય થયેલ આ ગીત, એક થોડો નવો પ્રયોગ હોવા છતાં કર્ણપ્રિય તો
જરૂર છે જ.
નજ઼ર બચાકે ચલે ગયે વો, વરના ઘાયલ કર દેતા, દિલ સે દિલ ટકરા જાતા તો દિલમેં અગ્નિ ભર દેતા….- દિલ તેરા દીવાના (૧૯૬૨) - મોહમ્મદ રફી
આ ગીતમાં મને જે બહુ જ પસંદ પડે છે તે (શંકર)જયકિશનની જ આગવી શૈલી કહી શકાય
એવો પૂર્વાલાપનો પહેલો જ સુર છે. કંઈ કેટલાંય ગીતોમાં આવા અદભુત કલ્પનાશીલ ટુકડાઓ
આપણા ધ્યાનમાં આવે તે પહેલાં તો સંગીત આગળ વધી ગયું હોય, પણ જરા યાદ કરીએ તો એ એક ઉઘડતા ટુકડાની અસર આપણાં દિલોદોમાગ પર અચુક છવાઈ
રહેતી હોય છે.
હા,
શમ્મી કપૂરનાં ચાહકોને આ ગીત જરૂર પસંદ પડ્યું હશે કેમકે
ગીત દરમ્યાન પ્રયોજાયેલ એકકોએક હરકત શમ્મી કપૂરની ગીતની પરદા પર ગાવાની અદાઓનાં
અદ્દલ પ્રતિબિંબ છે.
દિલ તેરા દીવાનામાં ૭ ગીતો હતાં, જેમાંથી હસરત જયપુરીએ ૩ અને શૈલેન્દ્રએ ૪ ગીતો લખ્યાં હતાં. હસરત જયપુરીનું બીજું ગીત ધડકને લગતા હૈ મેરા દિલ તેરે નામ પે, શમ્મી કપૂર માટે બન્યું હોવા છતાં પરદા પર માત્ર અને માત્ર મહેમૂદમય બની રહે છે. પરંતુ, ફિલ્મનાં દિલ તેરા દિવાના હૈ સનમ અને મુઝે કિતના પ્યાર હૈ તુમસે (બન્ને ગીતો શૈલેન્દ્રનાં હતાં)ની લોકપ્રિયતાના ચકાચૌંધ કરી દેનાર પ્રકાશમાં
માસૂમ ચહેરા યે ક઼ાતિલ નિગાહેં, કે મારે ગયે હમ
બેમૌત બિચારે - દિલ તેરા દીવાના (૧૯૬૨) - મોહમ્મદ રફી, લતા મંગેશકર
કમનસીબે ઢંકાઈ ગયું. પરંતુ મારા જેવા ઘણાએ, શંકર જયકિશનનાં કંઇક અંશે હટકે શૈલીનાં ગીતોની સાથે, આ ગીતની યાદ પણ મનમાં સંગ્રહી રાખી છે. ગીતની બાંધણી મોહમ્મદ રફીને સહજ એવા
થોડા ઊંચા સુરમાં છે જેની સાથે સુર મેળવતાં લતા મંગેશકરને જયકિશનની શૈલીની આ
ખાસીયત વિશે હંમેશાં (મીઠી) ફરિયાદ રહી હતી.
ખો ગયા હૈ મેર પ્યાર, ઢુંઢતા હું મૈં મેરા પ્યાર - હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨) - મહેન્દ્ર કપૂર
એ સમયની પ્રચલિત પ્રણાલી મુજબ ફિલ્મનાં
મોટા ભાગનાં ગીતો મુખ્ય પાત્રો જ પરદા પર ભજવતાં. તે સાથે મુખ્ય પાત્રોની મુંઝવણને
અનુસરીને કોઈ ત્રીજી વ્યક્તિ ગીત ગાતી હોય એ પ્રયોગ પણ જુદાંજુદાં સ્વરૂપે ખેડાતો
રહ્યો છે. શંકર જયકિશને પણ આવાં ઘણાં, બહુ જ સુંદર, ગીતો આપ્યાં છે.
પરંતુ અહીં (શંકર) જયકિશનની કલ્પનાશીલ
પ્રયોગાત્મકતા મહેન્દ્ર ક્પૂરના સ્વરને રજૂ કરવા સુધી સીમિત નથી રહેતી. હીરોના મનમાં
ચાલતાં મનોમંથનની તીવ્રતાને રજૂ કરવા ઊંચા સુરમાં કરાયેલ ગી્તની બાંધણી, સમગ્રતયા જ, નવી કેડી કોતરે છે.
હરિયાલી ઔર રાસ્તામાં ૧૧ ગીતોમાંથી હસરત જયપુરીને ફાળે સંખ્યાની દૃષ્ટિએ ૪ ગીતો જ આવ્યાં છે. પરંતુ (શંકર) જયકિશનની ઓળખ સમી શૈલીમાં રચાયેલા આનંદ અને કરૂણ જેવા અલગ જ ભાવને રજૂ કરતાં દ્વિ-વર્ઝન ગીત, બોલ મેરી તક઼દીરમેં ક્યા હૈ, અને ભારેખમ ઉર્દુ શબ્દથી જ ઉપાડ લેતાં ઈબ્તિદા-એ-ઈશ્કમેં હમ સારી રાત જાગેની સફળતાને કારણે હસરત જયપુરીનું યોગદાન પણ ખુબ જ નોંધપાત્ર ગણાયું હતું
યે ઉમર હૈ ક્યા રંગીલી, યે નજ઼ર હૈ ક્યા નશીલી, પ્યારમેં ખોયે ખોયે નૈન, હમારા રોમ રોમ બેચૈન….
હમારા ભી જમાના થા - પ્રોફેસર (૧૯૬૨) - મન્ના ડે, આશા ભોસલે, ઉષા મંગેશકર
મુખડાના બોલ પરથી એમ જ લાગે કે આખું ગીત આવા જ રમતિયાળ શબ્દોની છંદમય ગોઠવણી
હશે. પરંતુ, હસરત જયપુરીની શૈલીની આ જ ખુબી હતી કે આવાં સાવ જ
હસતાં રમતાં ગીતના બોલમાં પણ તેઓ ગહન સંદેશો વણી લઈ શકતા, જેમકે
જીવન ક્યા હૈ હસતે
રહના, મન મૌજોમેં બહતે રહના
ચુપકે બૈઠો માને ન
હમ
ચુપકે બૈઠો માને ન
હમ બાતેં વો પુરાની
યે ઉમર હૈ ક્યાં
રંગીલી
અય ગુલબદન ….ફુલોંકી મહક કાંટોકી ચુભન, તુઝે દેખ કે કહેતા હૈ મેરા મન, કહીં આજ કિસીસે મુહોબ્બત ના હો જાયે - પ્રોફેસર (૧૯૬૨) - મોહમ્મદ રફી
ખુલ્લી વાદીયોમાં પ્રેમાલાપના સુર
લહેરાવતું આ ગીત વાયોલિન સમુહ અને મેંડોલીન જેવાં રણ્ઝણાટ પેદા કરતાં વાદ્યોની
સજાવટ વડે અને મોહમ્મદ રફીની શમ્મી કપૂરીયા નજ઼ાકતભરી હરકતોંથી યુવાનોનાં દિલોને
સ્પર્શ્યું ન હોત તો જ નવાઈ કહેવાય !
પરંતુ ગીતની રચનાની છુપી ખુબી તો એ
છે કે આજે પણ આ ગીત સાંભળીએ તો મન હળવુંફુલ થઈ જાય છે ….
આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મોહબ્બતમેં હમકો ન ઈતના સતાઓ - પ્રોફેસર (૧૯૬૨) - મોહમ્મદ રફી, લતા મંગેશકર
શંક્રર જયકિશને જે રાગમાં અનેક અદ્ભુત રચનાઓ સર્જી છે એવા રાગ શિવરંજનીમાં
ગુંથાએલી આ રચના બે ઘડી તો શંકર(જયકિશન)-શૈલેન્દ્રની અન્ય રચનાઓની જ યાદ કરાવી દે !
શંકર અને જયકિશનનાં અદ્વૈતસમાં જોડાણે આપેલાં અનેક કાલાતીત ગીતોના અંતની શરૂઆત
આ જ સમયમાં ક્યાંક થઈ હશે એમ હવે પશ્ચાદદૃષ્ટિએ કહી શકાય તેમ જણાય છે.
ચાઉ ચાઉ બંબઈયાના ઈશ્ક઼ હૈ મર્ઝ પુરાના, દિલકી ડફલી સે સભી ગાતે હૈ યે ગાના - રંગોલી (૧૯૬૨) - મન્ના ડે, સાથીઓ
ગીતની સીચ્યુએશન હીરોનાં દર્દને ભુલાવવા ભલે સ્થુળ પણ કોમેડી વાતાવરણ સર્જવાની
છે. તેને અનુરૂપ, અનોખે બોલને મુખડાના છંદમાં બેસાડતાં બેસડતાં પણ હસરત
જયપુરી માંહેનો કવિ 'દિલકી ડફલી' જેવા કાવ્યાત્મક રૂપકને વણતાં વણતાં, મુખડાના અંત
સુધીમાં તો 'સભી ગાતે હૈ યે ગાના' દ્વારા પોતાનો સંદેશ રજૂ કરવાનો ઈરાદો જાહેર કરી દે છે.
અંતરાના તો બોલમાં ગમગીનીને દુર કરવાના ગીતની બાંધણીના પ્રયાસમાં પણ હસરત
જયપુરી પ્રેરણાત્મક સંદેશો વણી લેવાની તક ચુકતા નથી -
હમને જહાં ભી દેખા, મિલે હૈં દિલોંકે રોગી
અપના હી રાગ આલાપે, શાયદ મોહબ્બત હોગી
તેરે મેરે દિલકા
જુદા હૈ અફસાના
દુનિયામેં જબ તક
રહેના
ગ઼મ કો ન આને દેના
બન જાના મસ્ત
કલંદર
જીના હો હંસકે
જીના
બડી બડી
અખીંયોંમેં આંસુ નહીં લાના
હસરત જયપુરી-(શંકર)જયકિશનની રચનાઓના આ ગાંભીર્યપુર્ણ હળવાં ગીત સાથે આપણે આજે વિરામ લઈ છીએ, પરંતુ હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આપણી આ સફરને આગળ પણ ચાલુ રાખીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ
- અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment