Sunday, October 15, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ઓક્ટોબર ૨૦૨૩

 

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૬ (૩)

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું. 


'બરસાત' (૧૯૪૯) માં આ ટીંમે ફિલ્મ સંગીતમાં એક નવો પ્રવાહ જ વહેતો કર્યો. એ સમયે ઉત્તર ભારતીય મૂળના સંગીતકારો પર ઉત્તર ભારત, તેમાં પણ પંજાબની, લોક સંસ્કૃતિ પર નોંધપાત્ર પ્રભાવ હતો.  એ સમયના મુખ્ય ગીતકારો ફારસી/ઉર્દુ પ્રચુર ગીતો લખતા. આવા પ્રચલિત વાતાવરણમાં શંકરના તેલુગુ ઉછેરના સંકારો અને જયકિશનના પાશ્ચાત્ય સંગીત અભ્યાસુ ઝોક તરફની કારણે આ જોડીનાં સંગીતે ભારતીય લોક ગીતો અને પાશ્ચાત્ય વાદ્યસજ્જાનું એક અનોખું જ વાતાવરણ ખડું કર્યું. શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીઓએ આ નવા પ્રવાહને પોતપોતાની રીતે સીંચી. તે ઉપરાંત બરસાત (૧૯૪૯) અને આવારા (૧૯૫૧)ની સફળતા બાદ શંકર જયકિશને વર્ષે સાત સાત  આઠ આઠ ગીતોવાળી, અને અલગ અલગ નિર્માણ ગૃહોની, બબ્બે ત્રણ ત્રણ ફિલ્મો પણ કરવા માંડી. પરિણામે તેમનાં સંગીતમાં વૈવિધ્યનું તત્ત્વ પણ વધતું ગયું. દરેક ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો સફળ રહે તે માટે તેઓ ખુબ મહેનત પણ કરતા.  લાગલગાટ પંદર વીસ વર્ષો સુધી આટલી બધી મોટી સંખ્યામાં આટલું બધું વૈવિધ્યપૂર્ણ, અને સફળ પણ, કામ કરતા રહેવાની તેમણે એક બહુ જ અનોખી કેડી કોતરી આપી. 

શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી હતી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સાંભળવાની જે તક મળી એ જ મારા માટે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક) અને,

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) 

                                             નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

૧૯૫૬નું વર્ષ સંકર જયકિશન માટે  તેમની મહેનતનાં ફળ રૂપ અત્યંત વ્યસ્ત અને સફળ વર્ષ હતું. આ વર્ષે તેમણે  સાત ફિલ્મો કરી. આ દરેક ફિલ્મની વાર્તા સાવ અલગ હતી એટલે ફિલ્મનાં દરેક ગીત માટે તેમણે નવો જ દૃષ્ટિકોણ સામે રાખવાનો થતો હતો. તેમ છતાં દરેક ફિલ્મનાં લગભગ ગીતો એ સમયે તો સફળ રહ્યાં જ,  તેમજ આજે પણ યાદ કારાય છે. ૨૦૨૧ના મણકામાં આપણે શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલી ત્રણ ફિલ્મો, હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત બહાર,નાં ચુંટેલાં ગીતોની અને ૨૦૨૨ના મણકામાં ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને રાજહઠ એમ બીજી ત્રણ ફિલ્મોનાં ગીતોની યાદ તાજી કરી હતી.

હવે આજના મણકામાં તેમની ૧૯૫૬નાં વર્ષની સાતમી ફિલ્મ 'પટરાણી'નાં ગીતો સાંભળીશું.

પટરાણી (૧૯૫૬)



૧૯૫૩માં 'બૈજુ બાવરા' જેવી ઐતિહાસિક પૂષ્ઠભૂ પર શાસ્ત્રીય સંગીત પ્રચુર વિષયવાળી બેહદ સફળ પામેલી ફિલ્મના નિર્માતા પ્રકાશ પિક્ચર્સે હવે ગુજરાતના ઇતિહાસની પૃષ્ઠભૂવાળી વાર્તા પર રચિત 'પટરાણી' માટે શંકર જયકિશન પર પસંદગી ઉતારી. શંકર જયકિશનની સંગીત ક્ષમતાનું એક બહુ મોટું પ્રમાણ હોવા ઉપરાંત એક નવા જ  વિષય માટે સંગીત આપવાનો આ જોડી માટે આ બહુ મોટો પડકાર પણ હતો. જોકે, તેઓએ પોતાનાં પોર્ટફોલીઓના પાયાને વધારે વિશાળ બનાવવા માટે આવા પડકારો સામે ચાલીને ઝીલી લેવાની અપનાવેલી વ્યૂહરચના સાથે આ ફિલ્મ કરવી એ નિર્ણય સુસંગત પણ હતો.  

ફિલ્મમાં ૧૧ ગીતો હતાં. ફિલ્મના વિષયને કારણે જે પૈકી ૧૦ ગીતો શંકરે પોતા પાસે રાખ્યાં, એટલે એ દસ ગીતો લખ્યાં શૈલેન્દ્રએ.

અરી કોઈ જાઓ રી પિયા કો બુલાઓ ગોરીકી પાયલ બાજે છમ છનનછમ - લતા મંગેશકર, ઉષા મંગેશકર, મીના મંગેશકર, કોરસ

લગ્નની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સહેલીઓ દ્વારા દુલ્હનની મિઠી છેડછાડનું આ ગીત  કોરસ નૃત્ય ગીતનો એક બહુ પ્રેક્ષણીય નમૂનો છે.



ચંદ્રમા મદ ભરા જ઼ૂમે બાદરમેં વો ખુશી અબ કહાં મુઝ બિરહનકે ઘરમેં - લતા મંગેશકર 

આમ તો ઊંચા સુરમાં વિરહની પીડા વ્યક્ત કરતું આ ગીત છે. ગીતમાં પૂર્વાલાપમાં અને પછીથી કાઉંટર મેલોડીમાં સરોદનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે.

આ સરોદને વગાડનાર છે લલ્લુભાઈ. લલ્લુભાઈ એક સમયે પ્રકાશ પિક્ચર્સના મુખ્ય સંગીતકાર હતા. પરંતુ પછી કૃષ્ણ રાવ વ્યાસ અને નૌશાદ જેવા સંગીતકારોને સંગીત નિદર્શન સોંપાવા લાગ્યું એટલે લલ્લુભાઇની આર્થિક સ્થિતિ કથળતી ગઈ.  (શંકર) જયકિશનમાં પોતાનાં અમુક સંગીત માટે શ્રેષ્ઠ રીતે વાદ્ય કોણ વગાડી શકશે તે પારખવાની અજબ સૂઝ હતી. એટલે આકાશપાતળ એક કરીને પણ એ વાદકને જ તેઓ એ કામ સોંપતા. વળી તેઓ તેમના સાથીદારોને યોગ્ય મહેનતાણું સમયસર ચુકવાય એ બાબતે પણ બહુ સજાગ હતા. એટલે 'પટરાણી'માં સહાયક સંગીતકાર તરીકે લલ્લુભાઈને બોલાવીને તેમણે એક કાંકરે બે પક્ષી માર્યાં. લલ્લુભાઈને થોડી આર્થિક મદદ મળી અને શંકર જયકિશનને આ ફિલ્મને અનુરૂપ ગીતોની બાંધણી અને વાદ્યસજ્જા ગોઠવવામાં લલ્લુભાઈની નિપુણતાનો પુરેપુરો લાભ મળ્યો. અહીં સરોદ વાદન પણ લલ્લુભાઈએ જ કરેલ છે. 



દુલ્હન ગોરી ઘુંઘટમેં મુસ્કરાએ દેખોજી કહીં ઉનસે ભી શરમાએ - સમુહ ગાયકો

દુલ્હનને લગ્ન મડપમાં લાવવાની વિધિ દર્શાવતો એક નાનો પ્રસંગ જ છે, પરંતુ શંકર જયકિશને તેને માટે લગ્નગીતના ઢાળમાં માત્ર સમુહ ગાયકોના જ સ્વરમાં આ રચના કરી . અને એટલી જ પંક્તિઓ પણ શૈલેન્દ્ર પાસે જ લખાવી. અમુક સંવાદો બાદ માત્ર સંગીત જ પ્રસંગને આગળ ધપાવે છે. પોતાનાં સંગીતમાં ઝીણામાં ઝીણી બાબત પ્રત્યે તેઓ આટલી ચીવટ દાખવતા.



કભી તો આ સપનોંમેં આ કે જાનેવાલે - લતા મંગેશકર 

શંકર જયકિશનના પ્રિય રાગો પૈકી ભૈરવીમાં આ ગીતની બાંધણી કરવામાં આવી છે. 



ન જાને તુમ કૌન મેરી આંખોમેં સમા ગયે..... સપનોંમેં મેહમાન બનકે મેરે દિલમેં આ ગયે - લતા મંગેશકર 

નાનપણથી સ્વપ્નાંઓમાં છવાઈ ગયેલ મૂર્તિને માટે પ્રેમની કબુલાતનો આનંદ ગીતમાં છલકાય છે. 



ઓ બલમા તુમ બેદર્દી .... મુંહ દેખી પ્રીત તુમ્હારી હમને દિલ સે પ્યાર કિયા  - લતા મંગેશકર 

અહીં પણ જેને નજરે જ જોયા છે એવા પ્રેમીની સાથે મીઠી ફરિયાદની વાત છે.  



ઊંચે મહલમેં રહનેવાલે કભી તો ઈધર દેખ લે .... દિલ દીયા દર્દ રહા સીને મેં - લતા મંગેશકર 

વિરહનાં ગીત માટે શંકર જયકિશને તેમની આગવી છાપ સમી વાદ્યસજ્જામાં ગીતની બાંધણી કરી છે.  પરંતુ પિયાનો સાથે સિતાર કે વાયોલિનના સમુહોના સુર ફિલ્મની વાર્તાના મૂળ ભાવને અનુરૂપ જ બની રહે છે..



પાવન ગંગા સર પે સોહે માથે પે ચંદ્ર છત્ર છટા પ્યારી રે - લતા મંગેશકર

આ નૃત્ય ગીત શિવની સ્તુતિ રૂપે મુકાયું છે. શરૂઆતના પૂર્વાલાપમાં નૃત્યના તાલને બોલમાં રજુ કરનાર પુરુષ ગાયકનું નામ નથી ખબર પડી. તે જ રીતે, સ્વાભાવિકપણે, સમુહ ગાયકો પણ ગીતમાં સાંભળવા મળે છે.

શંકર જયકિશને ગીતની બાંધણી તરાના શૈલીમાં કરી છે. અમુક શબ્દોને પુનરાવર્તિત કરીને રાગને રજુ કરવાની શૈલી તરાના તરીકે ઓળ્ખાય છે, જેના શોધક તરીકે અમિર ખુશરૂને શ્રેય મળે છે, ઉસ્તાદ આમીર ખાં સાહેબે તરાનાને પોતાના અંદાજમાં રજૂ કરીને તેને વધારે પ્રચલિત કરેલ ગણાય છે. તેમણે અનેક રાગોને આ શૈલીમાં પ્રસ્તુત કરેલ છે, તે પૈકી રાગ હંસધ્વનિમાં તરાના સંભળીએ



આ શૈલીને મળતો પ્રકાર કર્ણાટકી સંગીતમાં તિલ્લાના કહી શકાય જે સામાન્યતઃ નૃત્ય સમારોહના  અંતમાં વપરાય છે. શંકર જયકિશને આ પ્રકાર 'ચોરી ચોરી (૧૯૫૬)માં પ્રયોજેલ છે.



રાજા પ્યારે મત કરો પ્યાર .... ઈસ દુનિયામેં યહી ચીઝ અનમોલ - લતા મંગેશકર, ઉષા મંગેશકર, કોરસ

રાજાના મનને બહેલાવવા માટે નૃત્ય સંગીતના કાર્યક્રમો યોજાતા રહેવાની પ્રથા બહુ સામાન્ય હતી.



 રંગ રંગીલે પગીયા બાંધે આયે રિતુ રાજ.... ડાલીયોં પર કલીયાં નાચે તાલી બજા - લતા મંગેશકર, કોરસ

નૃત્ય ગીતમાં કોરસનો એક વધુ અભિનવ પ્રયોગ .... 



આટલાં વૈવિધ્ય સભર સંગીતને લોકપ્રિયતાનાં રૂપમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હશે એમ જરૂર માની શકાય.

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની આ શ્રેણી હજૂ આગળ ચાલતી રહેશે......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: