Sunday, October 8, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - વિગતો યાદ ન રહી હોય એવી ઘટનાઓ : મન પર, કોઈ ખૂણે, ઊંડી છાપ પડી ગયેલી કેટલીક અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ

 

આપણી આસપાસ અનેક ઘટનાઓ સતત બનતી જ રહી છે. સ્વભાવિક છે કે આપણને તેમાંની મોટા ભાગની ઘટનાઓ સાથે કોઈ જ સંબંધ નત હોય એટલે એવી ઘટનાઓ બનીને જતી રહે તો આપણને તેની ખબર સુદ્ધાં ન હોય. કેટલીક ઘટનાઓ આપણાં ધ્યાન પર આવે, પણ આપણે તેની નોંધ લઈએ. આ પૈકી કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે, જેમનું આપણા જીવન સાથે કોઈ મહત્ત્વ ન પણ હોય પરંતુ આપણા મનના કોઈ ખૂણે એ કોઈ ઊંડી છાપ મુકી જાય છે જે યોગ્ય સમય આવે ત્યારે ફરી જીવંત થાય છે.  

એલ ડીના એ સમયના અમે નજદીકી મિત્રો બધા જ જૂદા જૂદા સ્વભાવ, પસંદ અને સંપર્ક્રો ધરાવતા હતા. એટલે સ્વાભાવિક છે કે એ દરેકના જીવનમાં આવી કંઈ કેટલીય ઘટનાઓ બનતી રહે. કોલેજ સમય દરમ્યાન અમે બધા બહુ નજદીક હતા એટલે એ કલાકો દરમ્યાન થતી આવી ઘટનાઓમાંથી ઘણી ઘટનાઓમાં અમે બધા સહભાગી બની જતા.  આજે હવે યાદ કરતાં એમાની  કેટલીક  ઘટનાઓની મને અહીં ખાસ નોંધ લેવાનું મન થાય છે.


આવી એક પ્રવૃત્તિ જેની મેં અગાઉ વિગતે વાત કરી છે તે પ્રિયદર્શી શુક્લના ઘરે જૂની ફિલ્મોનાં ગીતોની રેક્રર્ડ સાંભળવાની અને પછી તેમાંની ઘણી ફિલ્મોને વર્કશૉપના પિરિયડ છોડી છોડીને થિયેટરમાં જોવા જવાની.

બીજી એવી પ્રવૃત્તિ હતી જેને કારણે મારો બેડમિંટન અને શતરંજ સાથે પરિચય થયો. અહીં પણ કારણભૂત નિમિત્ત પ્રિયદર્શી શુક્લ જ હતો. તેનો એક મિત્ર, ગૌરાંગ મહેતા, ચેસ અને બેડમિંટનનો ઉઇનિવર્સિટી કક્ષાનો ખેલાડી હતો સ્વાભાવિક છે તેની બધી જ મેચો જોવા તો અમે જઈએ જ. મને તો એ રમતો રસ પડવા લાગ્યો હતો, એટલે તેની પ્રેક્ટિસ સેશન જોવા પણ અમે ખાસ જતા. ત્યાં વળી, કોઈ કોઈ વાર, ટેબલ ટેનિસ પર પણ હાથ મારી લેતા.  આમ નવી નવી રમતોમાં રસ તો જાગ્યો પણ તેથી વધારે રમતની તકનીકી બાબતોમાં પણ રસ જાગ્યો. આ રસને કારણે ભવિષ્યમાં ઘણીવાર તાણની પરિસ્થિતિઓમાંથી મોકળાશ મેળવવામાં મદદ મળી છે. 

ગૌરાંગના સંપર્કોની પાંખે અમે અમદાવાદમાં રમાયેલી  એ સમયે  ઘણી 'મોટી ક્રિકેટ મેચોને પેવેલિયનમાં બેસીને 'નિકટ'થી નિહાળવાની મજા મણી છે. આવી એક જીવનભર યાદ રહી હાય એવી મેચ હતી સોબર્સના વડપણ હેઠળ ભારત આવેલી વેસ્ટ ઇંડીઝની ટીમ અને વેસ્ટ ઝોનની ટીમ વચેની મેચ. મેચ માણવાના રોમાંચમાં અનેક ગણો વધારી મુક્યો હતો દિલીપ સરદેસાઈ, ફારૂખ એંજિનિયર, રુસી સુરતી ,સોબર્સ, કન્હાઈ, હૉલ જેવા ખેલાડીઓને રમત જોવા મળવાની તકનો. આવો  લ્હાવો તો અવિસ્મરણીય જ બની રહે ને ! 

અમે લોકો અશોક ઠક્કરને ઘરે પણ ઘણી વખત જતા. તેમનાં માતાજીને હાથે બનાવાયેલાં વિધ વિધ નાસ્તા ખાવા મળતા તે પોતે જ એક સ્વર્ગીય આનંદ હતો.  તેમના પિતાજી જોડે, ભલે મહદ અંશે, ઔપચારિક વાતો થતી તે પણ મને બહુ અસર કરતી. અશોક ઠક્કરના પિતાજીએ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જેલવાસ વેઠ્યા હતા એટલી જ જે ખબર હતી તેનાથી પણ તેમની સાથે વાતો કરવામાં એક અનોખી અનુભૂતિ થતી. 
અશોક ઠક્કર જ્યારે અમેરિકામાં સ્થિર થવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે મને તેમના પિતાજીએ જેલવાસ દરમ્યાન ખરીદેલ ચાર પુસ્તકો સાચવવા આપેલાં.  તે પૈકી ત્રણ હતાં જવાહરલાલ નેહરુનાં પુસ્તકો - મારું હિંદનું દર્શન: ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા, જગતના ઇતિહાસનું રેખાદર્શન :ગ્લીમ્પસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરીઅને ઇન્દુને પત્રો :લેટર્સ ફ્રોમ એ ફાધર ટુ હિઝ ડોટરઅને ચોથું  પુસ્તક હતું ગાંધીજીની આત્મકથાઃ સત્યના પ્રયોગો. 

વિધિની વક્રતાનો ખેલ એવો થયો કે હું અને અશોક ઠક્કર તે પછીથી સીધા ૩૫ - ૪૦ વર્ષે, એલ ડીનાં ૭૫ વર્ષની ઉજવણીના પ્રસંગે, મળ્યા. એ સમયે હું તેમની અનામત તેમને પાછી સોંપી શકું એ હાલતમાં નહોતો. મારા પિતાજીએ ૧૯૬૦ના દાયકામાં ગુજરી બજારમાંથી સોધી શોધીને ખરીદેલ કેટલાંય અમૂલ્ય પુસ્તકો સાથે આ ચાર પુસ્તકો મેં જીવની જેમ સાચવેલાં. પરંતુ વાતાવરણની માર ખાઈ ખાઈને એ બધાં પુસ્તકોની હાલત એવી થઈ ગઈ હતી કે એક પાનું ખોલવા જાઓ તો ચારપાંચ પાનાં ફાટીને હાથમાં આવે. એટલે ત્રણ ચાર વર્ષ પહેલાં  દિલ પર પથ્થર મુકીને મારે એ પુસ્તકો પસ્તીમાં કાઢી નાખવાં પડેલાં. અમે જ્યારે મળ્યા ત્યારે એ વાતે અશોક ઠક્કરની માફી માગવાની પણ મારામાં હિંમ્મત નહોતી. આજે અહીં એ વાતની નોંધ લઈને હું અશોક ઠક્કરની માફી માગું છું.

 

હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરીશું.

 

No comments: