Sunday, November 13, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર, ૨૦૨૨

 શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતોચાર દિવારી (૧૯૬૧)

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) તેમનાં સંગીતની રચના કોઈ ગણતરીથી નહોતા કરતા, પણ પોતાના ભાવને, પોતા માટે, રજુ કરવા કરતા હતા. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) નાં પણ ફિલ્મ ગીતોના બોલ એ ગીત માટેની સિચ્યુએશનના સંદર્ભની તેમની પોતાની સમજના ભાવોની પોતાની કવિ સહજ સ્વાભાવિક અનુભૂતિ વ્યક્ત કરતા.


શૈલેન્દ્રનાં શંકર જયકિશન સાથેનાં મિલનને કદાચ નિયતિ દ્વારા ગોઠવાયેલ આકસ્મિક સંજોગ ગણી શકાય, પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય.  બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી.  તો, તૈયાર ધુન પર પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિમાં પોતાની સ્વાભાવિક અનુભૂતિને નીખારી શકવાની અને બંગાળી ભાષાના તેમના પરિચયે શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોના સંગાથને હિંદી ફિલ્મ સંગીત માટેની એક ખુબ ભાગ્યશાળી સફર બનાવી રાખી. 

નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭, અને

૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારુ આજના અંકમાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત વર્ષ ૧૯૬૧નાં ગીતો સંભળીશું. ૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર કે બન્નેની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળીશું.

ચાર દિવારી (૧૯૬૧)

ચાર દિવારીનું કથાવસ્તુ તો ભારતીય નારીનું જીવન તો પોતાનાં પતિના સુખદુઃખનાં સહભાગી બનવામાં પોતાની ઓળખને ઓગાળી દેવા માટે જ સર્જાયું છે એવા સમાજના પારંપારિક પરિપ્રેક્ષ્યમાં ઘુંટાય છે. પરંતુ તે સિવાય હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે શશી કપૂરની પહેલવહેલી ફિલ્મ અને તેમની અને નંદાની જોડીની અનેક સફળ ફિલ્મોની સફરનાં પહેલાં સોપાન તરીકે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં ફિલ્મની ઓળખ વધારે યાદ કરાય છે. 

ગોરી બાબુલ કા ઘરવા અબ હૈ બિદેશવા, સાજનકે ચરણોંમે અબ હૈ ઘર તેરા - લતા મંગેશકર અને સાથીઓ

કન્યા વિદાયના પારંપારિક દૃશ્યોને ફિલ્મનાં પાત્રોમાંગોઠવી રજૂ કરવાં અને એક ગીત અચુક મુકવૂ એ સામાજિક પૃષ્ઠભૂ પર બનતી ફિલ્મોમાં બહુ અસરકારકપણે વપરાતો મસાલો હતો. પરંતુ  શૈલેન્દ્ર આ ઘટનાની તક ઝડપી લઈને ફિલ્મનાં શીર્ષકની રજુઆત કરી લેવાની સાથે ફિલ્મની વાર્તાનાં હાર્દને મુખડાની પહેલી જ પંક્તિમાં જ  વણી લે છે.  તે પછી આગળ જતાં આ ભાવને પોતાની આગવી શૈલીમાં ઘુંટે છે –

હો ગોરી ચાર દિવારી અંગના અટારી

યેહી તેરી દુનિયા યે જગ હૈ તેરા

કૈસે મનાઉં પિયવા ગુન એક હુ મેરે નાંહી, આઈ મિલનકી બેલા ઘબરાઉં મન માંહી - મુકેશ

પોતાના (પ્રિયતમ) પતિનાં ઘર / જીવનમાં પગ મુકવાની ક્ષણે પરંપરાગત, આદર્શ, ભારતીય નારીનાં મનના ભાવોને શૈલેન્દ્ર વાચા આપે છે.

જોકે શૈલેન્દ્રનો કવિ જીવ લગ્ન જીવનની આ ક્ષણે એક નારીના મનમાં ઉઠતા સહજ ભાવોને પણ ઝડપી લેવાની તક પણ ચુકતો નથી –

સાજન મેરે આયે

ધડકન બઢતી જાયે

નૈના ઝુકતે જાયેં

ઘુંઘટ ઢલતા જાયે

તુઝસે ક્યું શરમાયે

આજ તેરી પરછાઈં

સલીલ ચૌધરીએ પણ મુકેશના સ્વરની કરૂણામય મુલાયમતાને આ અવઢવને વ્યક્ત કરવા એટલી અસરકારક સહજતાથી ગીતની બાંધણીમાં વણી લીધી છે કે આ ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં કોતરાઈ ગયું છે.

આડ વાત:

સલીલ ચૌધરી પોતાની ધુનોને અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવોને રજુ કરવામાં માહીર હતા એ વાત તો હવે બહુ જાણીતી છે. અહીં પણ આ ધુનને તેમણે તેમના દુરદર્શન સાથેના સમયકાળમાં બીતે દીનોં કે સપને હમેં યાદ આને લગે હૈં (ગાયિકા અરૂંધતી હોમ-ચૌધરી, ગીતકાર યોગેશ) સ્વરૂપના ગૈરફિલ્મી ગીતમાં રજૂ કરી છે. 

ઝુક ઝુક ઝુક ઝુમ ઘટા આયે એરે, મન મોરા લહારાયે - લતા મંગેશકર

શ્રાવણનાં ઘેરાતાં વાદળોથી ભારતીય નારીમાં રહેલી યુવાન સ્ત્રીના મનમાં પણ એ વર્ષાની છાંટની લહેરોમાં તેનાં મનની અંદર મઘમઘતી ખુશીઓની પુરેપુરી અસર સલીલ ચૌધરીનાં મનમાં રહેલ સંગીતને પણ ઝણઝણાવી રહે છે. તેમનાં પ્રિય વાદ્ય, વાંસળી,ની આસપાસ રચેલું તેમણે વાદ્ય સર્જન ખુશીની એ છાંટ અને ફોરમને અથતથ વ્યકત કરી રહે છે.

અકેલા તુઝે જાને ન દુંગી…. બાંકે છૈયા…..મૈં સંગ સંગ ચલુંગી - લતા મંગેશકર

લગ્ન જીવનમાં પ્રવેશોસ્તુક કન્યા - પછી ભલેને લગ્ન પછી તેને પતિવ્રતા સતી બની જવાનું હોય -પણ મનમાં કોડ તો તેના જીવનસાથીની સાથે હમકદમ થવાના જ સેવે! આ અનુભૂતિઓને જેટલી શુધ્ધતાથી શૈલેન્દ્રના બોલ ઝીલી લે છે એટલી જ શુદ્ધ સંવેદનશીલતા સલીલ ચૌધરીની સંગીત બાંધણીમાં જળવાઈ રહે છે.

નીંદ પરી લોરી ગાયે માં જ઼ુલાયે પાલના, સો જા મેરે લાલના …..મીઠે મીઠે સપનોં મેં ખો જા મેરે લાલના - લતા મંગેશકર

એ સમયની હિંદી ફિલ્મોમાં હાલરડાં પણ બહુ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો હતો. દરેક સંગીતકાર પોતાની સર્જન સજ્જતાની પરખ કદાચ આ પ્રકારનાં હાલરડાંની ધુનમાં તેમની ઠલાવાયેલી સર્જન શક્તિની પરથી કાઢતા હશે એટલી હદે અમુક હાલરડાં તો ચિરસ્મરણીય બની ગયાં છે.

સલીલ ચૌધરી પોતાના પ્રયોગો મોટા ભાગે બંગાળી સંગીતમાં કરતા. ત્યાં એમણે પ્રયોજેલી અનેક ધુનોને તેઓએ અજબ કલ્પનાશક્તિથી તેમનાં હિંદી ગીતોની રચનાઓમાં પ્રયોજેલ છે.

અહીં તેમણે ૧૯૫૩માં રચેલ એક બંગાળી ગૈરફિલ્મી ગીત પ્રાણતરેર ગાન અમર[1] (વનવગડાનું ગીત મારૂં છે; ગાયિકા ઉત્પલા સેન)ની ધુન અહીં હાલરડાંની બાંધણી રૂપે સમગ્ર વાતાવરણ પર છવાઈ જાય છે.

હમકો સમજ બૈઠી હૈ યે દુનિયા દિવાના…. પર મૈં અગર પાગલ હું તો યે દુનિયા હૈ પાગલખાના  – મુકેશ

દુનિયા જેને પાગલ સમજે છે તેની નીજી મસ્તી દુનિયાને જ પાગલખાનું સમજી બેસે એવી અદભૂત, મોજીલી કલ્પના તો શૈલેન્દ્રને જ આવે. તેમણે આ તક ઝડપી લઈને એ જ મસ્તીના ભાવમાં તેમનાં દિલમાંથી ઉઠતા સમતાવાદી સમાજના આદર્શને પણ રજુ કરી લીધેલ છે.



હવે પછીના મણકામાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત 'મેમ દીદી'નાં ગીતો માણીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.




[1] ઉત્પલા સેનના સ્વરમાં અમર થઈ ગયેલું ગીત 'પ્રાણતરેર ગાન અમર' ંઊળે તો જાણીતાં સવિન્દ્ર સંગીત ગાયિકા કણીકાના સ્વરમં રેકોર્ડ થયેલું. પરંતૂ સલીલ ચૌધરી તેમનાં પુસ્તક 'જિબો ઉજિબોન' માં લખે છે તેમ વિશ્વ ભારતીએ કણિકાને રવિન્દ્ર સંગીત સિવાયનાં ગીતો ગાવાની અનુમતિ ન આપી.પરિણામે રેકોર્ડ થયેલું એ ગીત ક્યારે પણ પ્રકાશિત ન થઈ શક્યુ. તે હવે ઉત્પલા સેનના સ્વરમાં સાકાર થયું.એક અફવા અનુસાર કણીકાની ક્યારે પણ પ્રકાશિત એ રેકોર્ડ ક્યાંક અસ્તિત્વમાં તો છે. કોઈ જબરા ચાહકને હાથ એ ચડી જાય અને આપણે તેને સાંભળી શકીએ એવી આશા તો સેવી જ શકાય !!-  Other Singers @ World of Salil Chowdhury

No comments: