Sunday, November 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર,૨૦૧૮શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો (૧)

સલીલ ચૌધરી (૧૦ નવેમ્બર, ૧૯૨૨ - ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫) એ બીનપરંપરાગત સંગીત રચના સર્જનની શૈલીના સંગીતકાર તરીકે વધારે જાણીતા છે. તેમણે આસામી અને બંગાળી લોકધુન સાથેનો નાભી સંપર્ક જાળવીને, બાખ, બીથોવન, મોઝાર્ત જેવા સંગીતકારોની રચનાઓ દ્વારા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત પ્રત્યે પોકાનું આકર્ષણ જીવંત રાખીને અને ભારતીય શાસ્ત્રીય રાગોને આગવી ઓળખ આપીને પોતાનાં સંગીતને સાવ નવા અવતારમાં પેશ કર્યું. તેઓ અનેક વાદ્યોના જ માત્ર નિપુણ ન હતા, પણ ૧૯૪૦-થી '૫૪-૫૫ની એમની કલકત્તા નિવાસની પહેલી ઈનિંગ્સ દરમ્યાન એક વાર્તા લેખક, ગીતકાર, પટકથા લેખક, વૃંદગાન સંચાલક તેમ જ સંગીત રચયિતા તરીકે પણ જાણીતા થઈ ચુક્યા હતા. 'દો બીધા ઝમીન'ની સાથે શરૂ થયેલ તેમની મુંબઈ નિવાસની હિંદી ફિલ્મ સંગીત સાથેની બીજી ઈનિંગ્સના પ્રારંભમાં જ તેમનો પરિચય એવાજ એક અનોખા, સંવેદનશીલ, કવિ અને છેલ્લાં ચારેક વર્ષમાં ગીતકાર તરીકે હિંદી ફિલ્મ જગતમાં એક ચોક્કસ સ્થાન બનાવી રહેલા ગીતકાર શૈલેન્દ્ર સાથે થયો.


શૈલેન્દ્રનો બંગાળી ભાષાનો મહાવરો હોય કે તેમના પૂર્વજીવનમાં તેમનો શ્રમજીવી વર્ગ સાથેનો ઘરોબો હોય કે કવિતા પ્રત્યે જીવનોભિમુખ વાસ્તવિક અભિગમ હોય, પણ સલીલ ચૌધરી સાથે તેમનો સંગાથ ઘણો લાંબો, ફળદાયી, સફળ અને અનોખો રહ્યો એ બાબત બધે બધાં જ સહમત થાય છે. સંખ્યાની દૃષ્ટિએ શંકર જયકિશન પછી સૌથી વધારે ગીતો શૈલેન્દ્રએ સલીલ ચૌધરીનાં સંગીતમાં લખ્યાં છે. ગીતની સીચુએશનના સંદર્ભની સીમાઓમાં રચી શકાતાં ફિલ્મનાં ગીતોની મર્યાદામાં પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રએ પોતપોતાની આગવી મૌલિકતાને અકબંધ રાખીને નવા નવા પ્રયોગો પણ કર્યા છે. સલીલ ચૌધરી મોટા ભાગે પહેલાં ધુન બનાવીને પછી ગીતના બોલ લખાવવાનું પસંદ કરતા, તેમ છતાં શૈલેન્દ્રનાં ગીતોના કાવ્યસભર ભાવમાં એ બંધનની જરા સરખી છાંટ પણ નથી વર્તાતી.


'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ની લેખમાળામાં આપણે હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે જાણીતા અમુક અમુક કલાકારોનાં ગીતોને તેમની જન્મ/અવસાન તિથિના ઉપલક્ષ્યમાં દર વર્ષે કે લેખના હિસાબે શ્રેણીબધ્ધ સ્વરૂપે યાદ કરવાનો ઉપક્રમ આપણે કરતાં રહ્યાં છીએ. સલીલ ચૌધરીના જન્મ મહિના નવેમ્બરમાં આપણે તેમણે રચેલાં શૈલેન્દ્રનાં ગીતોને યાદ કરીશું. સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ લગભગ ૭૫ જેટલી હિંદી ફિલ્મોમાંથી શૈલેન્દ્રએ તેમના માટે જે ચોથા ભાગથી પણ વધુ ફિલ્મો માટે ૧૦૮ જેટલાં ગીતોને લખ્યાં છે તે ગીતોને આ વાર્ષિક શ્રેણીમાં યાદ કરીશું. ફિલ્મોની વર્ષવાર રજૂઆતના ક્રમને અનુસરતાં રહીને, જે ગીતો આજે પણ આપણા હોઠે છે તેવાં ગીતોની નોંધ લેતાં જઈને વિસરાતાં ગીતોને વધારે નજદીકથી યાદ કરવાનો આપણો અભિગમ રહેશે.

દો બીધા જમીન (૧૯૫૩)

આ ફિલ્મની પટકથા સલીલ ચૌધરીએ તેમની જ વાર્તા 'રીક્ષાવાલા"પરથી લખી છે. બહુ શરૂઆતના વિચાર મુજબ તો સલીલ ચૌધરીની ભૂમિકા આટલેથી જ પુરી થઇ ગઇ હોત, પરંતુ નિયતિએ તેમની ઝોળીમાં ફિલ્મનું સંગીત પણ ભરી નાખ્યું. એ જ વર્ષમાં બીમલ રોય દિગ્દર્શિત 'બિરાજ બહુ' માટે પણ સલીલ ચૌધરીની જ સંગીતકાર તરીકે પસંદગી થઈ હતી. ફિલ્મમાં ગીતકાર તરીકે શૈલેન્દ્રની પસંદગી કેમ થઈ હશે તે વિષે બહુ આધારભૂત નોંધ જાણવા નથી મળતી. આપણને, જોકે, તે બાબતે બહુ સંબંધ પણ નથી ! ફિલ્મનાં ચારે ચાર ગીતો એકદમ અનોખાં હતાં, દરેકની પોતપોતાની આગવી સર્જનકહાની પણ અનેક દસ્તાવેજોમાં નોંધ પામેલ છે. આ ચારમાંથી ત્રણ ગીતો આજે પણ ગુંજતાં સાંભળવા મળે છે:

આજે અહીં આપણે જે ગીતને વિગતે સાંભળવાનાં છીએ તે પણ છે તો આટલું જ જાણીતું અને લોકપ્રિય.એ છે એક હાલરડું, એટલે વળી એકદમ જ માર્દવભર્યું પણ છે. હાલરડું હોવા છતાં ગીતના બોલની પસંદગીમાં શૈલેન્દ્રનો આગવો સ્પર્શ પણ વર્તાય છે, એવાં આ ગીત - આજા રી તુ આ નીંદીયા તુ આ - ની એક વિશેષતા એવી છે જેને કારણે તેનો અલગથી ઉલ્લેખ કરવાની તક મળે છે. બિમલ રોય એ સમયમાં અશોક કુમારના નિર્માણમાં બની રહેલી 'પરિણીતા' પણ દિગ્દર્શન કરી રહ્યા હતા. બન્ને ફિલ્મો સાથે સંકળાયેલા હૃષિકેશ મુખર્જીએ 'પરિણીતા"ની મુખ્ય અભિનેત્રી મીના કુમારીને આ હાલરડું પરદા પર ગાવા રાજી કરી લીધાં હતાં, જેને પરિણામે માત્ર અમુક જ ગીત કે પ્રસંગ માટે કોઈ પણ ફિલ્મમાં કામ કરવાનો આ મીના કુમારીની કારકીર્દીનો એક માત્ર દાખલો બની રહ્યો.નૌકરી (૧૯૫૪)

એક નેપાળી ધુન પર આધારીત છોટા સા ઘર હોગા બાદલોંકી છાઓંમેં (ગાયકો: કિશોર કુમાર, શીલા બેલ્લે)ની અભૂતપૂર્વ લોકપ્રિયતાએ આ ફિલ્મના બીજાં ગીતોને પોતાના પડછાયામાં જાણે સંતાડી દીધાં છે. આ ગીતનાં કરૂણ ભાવનાં વર્ઝન માટે સલીલ ચૌધરીએ હેમંત કુમારનો સ્વર વાપરવાનું ઉચિત ગણ્યું છે.

એક છોટીસી નૌકરીકા તલબગાર હું - કિશોર કુમાર, શંકર દાસગુપ્તા, શ્યામલ મિત્ર

ભણીને આજીવીકાની શોધમાં તૃષાર્ત યુવા વર્ગની અપેક્ષાઓને શૈલેન્દ્રએ એટલા યથાર્થ ભાવમાં ઝીલી છે કે આજના યુવા વર્ગને કંઠે પણ આ ગીત અપ્રસ્તુત નહીં જણાય. સલીલ ચૌધરી પણ હળવા મિજ઼ાજની રચનાઓ રમતી મુકવાની તેમની કાબેલિયત સિધ્ધ કરે છે.

અરજી યે હમારી મરજી હમારી, જો સોચે બીના ઠુકરાઓગે બડે પછતાઓગે - કિશોર કુમાર

ગીતનો ઉપાડ નોકરી અરજી અસ્વીકાર કરવાની વાતથી થાય છે પણ મૂળ આશય તો 'સામનેવાલી ખીડકી' પાસે પોતાના પ્રેમની દરખાસ્ત રજૂ કરવાનો છે. સલીલ ચૌધરી જેવાની સંગીતમય રજૂઆતમાં શૈલેન્દ્રની કાવ્યમય કલ્પના ભળે તો આ પ્રકારની અરજીએ તો સ્વીકારાવું જ પડે !


ઝૂમે રે કલી ભંવરા ઉલઝ ગયા કાંટોમેં - ગીતા દત્ત

પરંપરાગત સમાજના રૂઢિચુસ્ત સમયમાં જ્યારે એક નવયૌવના એકલી એકલી પોતાના પ્રેમનો ઈકરાર કરતી હોય ત્યારે દિલના છલકાતા ભાવમાં જે દબાયે ન દબાતો ઉલ્લાસ છતો થતો હોય તેને તાદૃશ કરવા માટે સલીલ ચૌધરીએ ગીતા દત્તના ભાવવાહી માર્દવ સ્વરના મુલાયમ સ્પર્શને પ્રયોજે છે. શૈલેન્દ્રના બોલ પણ ગીતના ભાવને વ્યકત કરવામાં લેશ માત્ર ઊણા નથી પડતા.


ઓ મન રે ન ગમ કર, યે આંસુ બનેંગે સિતારે...., જુદાઈમેં દિલ કે સહારે - લતા મંગેશકર

સલીલ ચૌધરીએ એક જગ્યાએ કહ્યું છે કે લતા મંગેશકર માટે તેમને એટલો ભરોસો રહેતો કે તે જે ગીત ગાવાનાં હોય તે મારાથી બીજાં ગીતો કરતાં કંઈક વધારે અઘરાં જ બની જતાં. નોકરીની શોધ માટે જતા નાયકની જિંદગીમાં હવે જે ગતિની અપેક્ષા છે તેને પ્રસ્તુત ગીતમાં દિગ્દર્શક ટ્રેનની ગતિનાં રૂપક વડે બતાવે છે. એ દૃશ્યોને સલીલ ચૌધરીએ પૂર્વાલાપમાં હાર્મોનિકા અને અંતરાનાં સંગીતમાં વાયોલિન અને ફ્લ્યુટના ઉપયોગ વડે વણી લીધેલ છે જ્યારે ગીત તેમની આગવી (અઘરી) શૈલીમાં ગવાય છે. નોકરીની શોધ માટે નીકળેલા પ્રેમીને શુભેચ્છા દેતાં દેતાં નાયિકાના મનમાં અનુભવાતી જુદાઈની વ્યથા ગીતના બોલમાં વ્યક્ત થાય છે.અમાનત (૧૯૫૫)

આ ફિલમનાં બે ગીતને હું (કમ સે કમ સલીલ ચૌધરીના ચાહકોની દૃષ્ટિએ) જાણીતા ગીતો તરીકે વર્ગીકૃત કરવાનું ઉચિત ગણીશ –
- હેમંત કુમાર અને ગીતા દત્તના સ્વરમાં ગવાયેલું યુગલ ગીત હો જબસે મીલી તોસે અખીયાં જિયરા ડોલે હો ડોલે આસામી લોક ધુન પર આધારીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો જે લાગણીને વાચા ન આપી શકે તેને કોઈ અન્ય પાત્ર પાસે ગીતના સ્વરૂપે રજૂ કરવાના પ્રકારનાં આ ગીતમાં ગીત ગાઈ રહેલાં પુરુષ ને સ્ત્રી વચ્ચે નદીના તટથી અર્ધી નદીના પ્રવાહનું જે લાં…બું અંતર છે તે અંતરના ભાવથી પુરાઈ જતું હોવાની કલ્પના છે. જે બે વ્યક્તિ આ ભાવ ખરેખર વ્યક્ત કરવા માગે છે તે ભૌતિક રીતે નજદીક હોવા છતાં પોતાના ભાવ વ્યક્ત ન કરી શકવાનાં અંતરથી જુદાં છે.
- આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું મેરી વફાયેં તુમારી જફાએં આંસુ લીખેંગે ફસાના મેરે પ્યારકા (અહીં કોઈના વતી કોઈ દ્વારા) પ્રેમીની નિર્દોષ મજાકની મસ્તીનું ગીત છે. ઓ પી નય્યરનાં આશા ભોસલેના ગીતોના પછીથી વહી નીકળેલા ધોધના પ્રવાહમાં તણાઈ જતું જણાતું આ ગીત આશા ભોસલેના ચાહકોને તરત જ યાદ આવી જશે.
ચેત રે મુરખ ચેત રે અવસર બીત જાયે રે - મન્ના ડે, આશા ભોસલે

એક વૃધ્ધ અને તેનાં રાહદર્શક સાથી તરીકે કિશોર બાળા ભિક્ષા માગવા નીકળે અને સાથે સાથે જીવન જીવવાનો મહત્ત્વનો સંદેશો પણ કહેતાં જાય એ પણ એ સમયની હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત ગીત પ્રકાર હતો. પુરુષ સ્વર માટે પાર્શ્વગાયક તરીકે મન્ના ડે એ ચોકઠાંમાં એવા ફસાઈ ગયા હતા કે તેમણે એમાંથી બહાર નીકળવા માટે બહુ મહેનત કરવા ઉપરાંત નસીબની યારીની પણ રાહ જોવી પડી હતી. 


છલ છલ પાની હમારી જિંદગાની યે ચલ કે રૂકના જાને ના - મન્ના ડે, આશા ભોસલે, સાથીઓ

કુવામાંથી ડબલાંઓની રેંટ વડે સીચાતા પાણીના નાની-સી નીકમાં વહેતા પ્રવાહને જિંદગીના ધસમસાટનાં રૂપક તરીકે દિગ્દર્શકે પ્રયોજ્યું છે. પોતાની કલ્પનાના ભવિષ્યના આદર્શ સમાજની કલ્પના વ્યકત કરવા માટે શૈલેન્દ્રને મળી ગયેલી તકનો તેમણે ગીતના બોલના ખોબલે ખોબલે લાભ લુંટ્યો છે. પાણીના મુકત પ્રવાહની ગતિને સલીલ ચૌધરીએ ગીતની ધુનમાં ઝીલી લીધી છે. 


બાંકી અદાયેં દેખના જી દેખના દિલ ન ચુરાયે દેખનાજી - ગીતા દત્ત

હૃદયની અંદરથી ઊઠતા કુમાશભર્યા મારકણા ભાવની ગીતમં રજૂઅત કરવી હોય તો એ સમયના સંગીતકારોની પહેલી પસંદગી ગીતા દત્ત રહેતાં. 'મેરી વફાયેં'વાળી સીચ્યુએશન કરતાં અહીં ભૂમિકા બદ્લાઇ ગયેલી જણાય છે. ચાંદ ઉસ્માનીએ મલકાતાં મલકાતાં પિયાનો સંભાળી લીધો છે અને કદાચ એમના જ મનના ભાવનું પ્રતિબિંબ આશા માથુર ગીતમાં ઝીલે છે.


જબ તુમને મહોબ્બત છીન લી, ક્યા મિલેગા બહારોંસે - આશા ભોસલે

પ્રેમનાં ઘુંટાતાં રહેતાં દર્દને વાચા આપતાં ગીત માટે સલીલ ચૌધરીએ આશા ભોસલે પર કેમ પસંદગી ઉતારી હશે તે તો જાણવામાં નથી આવ્યું, પણ આશા ભોસલે આટલી મુશ્કેલ તર્જ઼ને અણ પૂરેપૂરો ન્યાય આપી શક્યાં છે તે વાત તો પહેલી નજરે ધ્યાન પર આવે જ છે. આ કક્ષાનાં ગીત બીનપરંપરાગત શૈલીનાં વ્યાકરણની દૃષ્ટિએ કે કર્ણપ્રિયતાની દૃષ્ટિએ સાંભળવું ગમે, પણ એક સામાન્ય ચાહક માટે તે ગણગણવું અતિમુશ્કેલ છે.અને જે ગીત ગણગણી નથી શકાતું તે લોકજીભે પણ નથી ચડતું ! 


આવાઝ (૧૯૫૬)

મહેબુબ ખાન નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક ગીતકાર ઝીઆ સરહદી હતા. ફિલ્મમાં શૈલેબ્દ્ર ઉપરાંત બીજા ત્રણ ગીતકાર હતા. ફિલ્મનાં કુલ ૧૦માંથી ત્રણ ગીત શૈલેન્દ્રએ લખ્યાં છે. દિલ તેરે લિયે ડોલે રે, ધિતાંગ ધિતાંગ બોલે રે (ગીતકાર પ્રેમ ધવન), દિલ દીવાના દિલ મસ્તાના માને ના અને આરા રમ તારા રમ દુનિયા કે કૈસે ગમ (ગીતકાર ઝીઆ સરહદી) ફિલ્મનાં જાણીતાં થયેલાં ગીતોમાં ગણી શકાય. આ ત્રણેય ગીત શૈલેન્દ્રનાં લખેલાં નથી. -

બાબા તેરી ચીરૈયા,જાયે અનજાનેકી નગરીયા - લતા મંગેશકર

દીકરીનાં લગ્ન લેવાયાં હોય ત્યારે તેની બહેનપણીઓ જુદા પડવાની ગમગીનીને ગીતોમાં વણીને કન્યાને લગ્નની વિધિઓ માટે તૈયાર કરતી જાય એ આપણે ત્યાંની બહુ સ્વીકૃત પ્રથા છે. ગીતનાં અંતરાનાં સંગીતમાં સલીલ ચૌધરીએ વરપક્ષની આવી રહેલ બારાતની બેન્ડ પાર્ટીના સુરને આવરી લેવાનો સ-રસ પ્રયોગ કરેલ છે.

આપણી આ શ્રેણીના દરેક લેખનો અંત વિષય-સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી કરવાની પરંપરા સાથે આજના અંકના છેલ્લાં બે ગીત બરાબર બંધ બેસી જાય છે.

આયી બારાત બાજે ગાજે સે... આજ મેરા દુલ્હા કમ નહીં કીસી રાજે સે - એસ બલબીર અને સાથીઓ સાથે

અહીં બારાતીઓમાં આવેલા વરરાજાના મિત્રોએ વરરજાને ખભે ઉપાડી લેવાની સાથે સાથે આ ગીત પણ ઉપાડી લીધું છે.થોડી ઝીણવટથી જોતાં જણાય છે કે પહેલાંના ગીતમાં જે બહેનપણી હતી તે હવે લગ્ન મડપમાં કન્યા બનવાની છે.

લો ભોર હુઈ પંછી નીકલે...તલાશમેં દાને દાનેકી,ઈન્સાન ભી ઘર સે નીકલા, ધુન રોટી કમાને કી - મોહમ્મદ રફી

ગીત શ્રમજીવી વર્ગની ભાવનાઓને વાચા આપે છે. ઝીઆ સરહદી ખુદ પણ મવાળવાદી વિચારસરણી ધરાવતા હતા, પણ અહીં તેમણે જવાબદારી શૈલેન્દ્રને સોંપી છે, જેને શૈલેન્દ્રએ જરા સરખી પણ ગુમાવી નથી. ગીત ફિલ્મમાં ક્રેડીટ ટાઈટ્લ્સની અનોખી રજૂઆત સાથે ફિલ્મના વિષયની પૂર્વભૂમિકા બાંધી આપે છે. મોહમ્મદ રફીએ ગીતને જે સુંવાળપભર્યા સુરમાં ગાયું છે તે વાત પણ ખાસ ધ્યાન પર આવે છે.

આ ચાર ફિલ્મોનાં શૈલેન્દ્રએ લખેલં સલીલ ચૌધરીનાં સંગીતબધ્ધ કરેલ વિષય અને રજૂઆતની વૈવિધ્યતા પ્રચુર આટલાં ગીતોથી આજના લેખને સમાપ્ત કરીશું. હવે પછીનો એંક એક વર્ષ પછી આવશે તે ઈંતજ઼ાર કદાચ બહુ લાંબો લાગે, પણ આવાં અને આટલાં ગીતોને આટલાં વર્ષે માણવાં હોય તો તેને ફરી ફરી સાંભળવાં પડે, અને એટલે એક વર્ષનો સમય ઉપયુક્ત જણાય છે.

No comments: