Sunday, November 9, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – નવેમ્બર, ૨૦૨૫

 

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો હાફ ટિકિટ (૧૯૬૨) 

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) અન્ય સંગીતકારોની સરખામણીમાં પ્રચલિત પ્રણાલીઓ અને પ્રવાહોથી અલગ કૅડી કંડારનારા સંગીતકાર ગણાતા. એ સંદર્ભમાં  શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)  પણ કૅડી કંડારનારા ગીતકાર જ ગણાય. બન્ને માટે ગીતના બોલ કરતાં ગીત માધુર્ય વધારે પવિત્ર રહેતું. એટલે સ્વાભાવિક જ છે કે ગીતના ભાવને રજુ કરવા માટેના બન્ને માર્ગ એક સુર બની રહેતા.


શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોનો સંગાથ આંકડાઓની દૃષ્ટિએ કદાચ બહુ માતબર ન ગણાય એમ માનનારો વર્ગ પણ એમ તો જરૂર સ્વીકારે છે કે હિંદી ફિલ્મ સંગીત માટે આ સંગાથ અનોખી કેડી કંડારનારો બન્યો છે. 

નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,

૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦

૨૦૨૨માં ૧૯૬૧  (ચાર દિવારી)

૨૦૨૩માં ૧૯૬૧ (મેમ દીદી) અને

૨૦૨૪માં ૧૯૬૧ (સપન સુહાને)નાં

ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

૧૯૬૨માં સલીલ ચૌધરીએ 'હાફ ટિકિટ' એ એક જ ફિલ્મ માટે સંગીત આપ્યું હતું.

હાફ ટિકિટ (૧૯૬૨)



'હાફ ટિકિટ' મધુબાલાની અંતિમ ફિલ્મોમાંની એક અને કિશોર કુમાર સાથેની છેલ્લી ફિલ્મ છે. ૧૯૬૨માં ટિકિટ બારી પર રૂ. ૧ કરોડનો વકરો કરીને તે વર્ષની ૧૨મી સૌથી વધુ વકરો કરનારી ફિલ્મ હતી.

પૂર્ણતઃ કોમેડી ફિલ્મ માટે એક સાથે કામ કરવાનો સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનો પણ આ વિરલ પ્રસંગ હતો.

ચીલ ચીલ ચીલ્લા કે કજરી સુનાયે - કિશોર કુમાર 

ગીતની ગાયકીમાં કિશોર કુમારે કોમેડીને અનુરૂપ નખરાં કરવામી તક પુરેપુરી માણી છે. શૈલેન્દ્રએ પણ પહેલી કડીમાં સ્થૂળ પ્રતિકો વડે અને બીજી કડીમાં મુડીવાદી વ્યવસ્થા સામે કટાક્ષના ચાબખા વીંઝી લેવામાં કસર નથી કરી.



વોહ એક નિગાહ ક્યા મિલી તબીયત બદલ ગઈ - કિશોર કુમાર, લતા મંગેશકર 

કૉયર સમુહગાનના જે કોમેડી ગીતને અનુરૂપ પ્રયોગો કર્યા છે તેમાં સલીલ ચૌધરીની આગવી છાપ નીખરી રહે છે. 



આ કે સીધી લગે દિલ પે જૈસે ક઼ટાર - કિશોર કુમાર, સ્ત્રી - પુરુષ સ્વરોમાં 

કિશોર કુમાર પોતાના સ્વાભાવિક અંદાજમાં પ્રાણ માટે અને 'સ્ત્રી' વેશમાં રહેલા પોતા માટે સ્ત્રૈણ સ્વરમાં ગાય છે.



અરે લે લો જી હાય દિલ ક હીરા સચ્ચા - કિશોર કુમાર 

ખાસ્સી ઝડપી લયમાં કોમેડી ગીતને રજૂ કરવાનો પ્રયોગ.



આંખોંમેં તુમ દિલમેં તુમહો તુમ્હારી મરઝી માનો કી ના માનો - કિશોર કુમાર, ગીતા દત્ત 

શૈલેંદ્ર રોમેન્ટિક મુડને હળવેથી રજૂ કરે છે. સલીલ ચૌધરી પણ પોતાની આગવી શૈલીને મસ્તીખોર પ્રેમના મુડમાં વણી લે છે. 



ચાંદ રાત તુમ હો સાથ - કિશોર કુમાર, લતા મંગેશકર

યૉડેલિંગ માટે કિશોર કુમારને મોકળું મેદાન આપવાની સાથે સલીલ ચૌધરી પોતાના આગવા સ્પર્શ સાથે ક્લબ ગીતને રજૂ કરે છે.



અરે વાહ રે મેરે માલિક ખૂબ હૈ તેરે ખેલ - કિશોર કુમાર 

ગાવામાં અઘરૂં પડે એવું ફિલ્મનું કે માત્ર ગીત. 

કિશોર કુમારના તીણા સ્વરનો પ્રયોગ ફિલ્મમાં પોપટ ગાતો હોય એવું બતાવવા કરાયો છે.



શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં ગીતો હજુ ચાલુ જ રહે છે ......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: