Sunday, November 16, 2025

લોકકલાવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન - સંપાદક હરેશ ધોળકિયા

 

કલાતીર્થ ટ્ર્સ્ટ દ્વારા કલા, કસબ અને સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનના હેતુથી 'કલાગંગોત્રી' શ્રેણી અંતર્ગત ૨૭ પુસ્તકો અને ૧ સંશોધન ગ્રંથ મળીને અત્યાર સુધી ૨૮ ગ્રંથમાળાઓ પ્રકાશિત કરાયેલ છે. શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંપાદિત 'લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન' 'કલાગંગોત્રી' શ્રેણીનું ૨૯મું પુસ્તક છે.

રામસિંહજી રાઠોડ[1]નો જન્મ પિતા કાનજીભાઈ અને માતા તેજાબાઈના પરિવારમાં ૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ કચ્છના ભુઅડ ગામે થયો હતો. દહેરાદૂનની ઈમ્પીરીયલ ફોરેસ્ટ કૉલેજમાં વનવિદ્યાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રામસિંહજીભાઈ ૧૯૩૮માં કચ્છ રાજ્યના જંગલ ખાતામાં રેન્જ ફોરેસ્ટ ઑફિસર તરીકે નિમાયા. તેમની નોકરી સાથે સાથે રામસિંહજીભાઈએ કચ્છની ઉસર અને રમણીય એવી બંને પ્રકારની ભૂમિનો એક લાખ માઈલ જેટલો પ્રવાસ કર્યો. તેમની આ સફર દરમ્યાન તેમણે કચ્છનાં લોકસમૂહ, જંગલો, રણ, ડુંગરાઓ, ભૂપૃષ્ઠ, ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્ત્વ તેમજ કચ્છના લોકજીવન, લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકથાઓનો પ્રત્યક્ષ પરિચય અને ઊંડો અભ્યાસ કર્યો.

તેમનાં અનુભવો અને અવલોકનોને  રામસિંહજીભાઈએ 'કુમાર' માસિકમાં 'કચ્છનું સંસ્કૃતિ દર્શન' લેખમાળા રૂપે દસ્તાવેજિત કર્યાં. એ લેખમાળામાં તેમણે અનેક નવાં પ્રકરણો અને તસવીરો ઉમેરીની ૧૯૫૯માં 'કચ્છ સંસ્કૃતિ દર્શન' ગ્રંથ પ્રકાશિત કર્યો. તેમની કચ્છના વિવિધ પંથકોને ખુંદી વળતી રઝળપાટ દરમ્યાન તેમની કચ્છની કલા અને સંસ્કૃતિ વિશે જે અસંખ્ય નમૂનાઓ મળ્યા તેનો રામસિંહજીભાઈ વ્યવસ્થિત સંગ્રહ કરીને, એકલપંડે,  'ભારતીય સંસ્કૃતિ દર્શન' નામે સંગ્રહાલય ઊભું કર્યું.

રામજીભાઇનો ૨૫  જૂન ૧૯૯૭ના રોજ દેહવિલય થયો. પરંતુ તેમણે સળગાવેલી સંગ્રહાલય અને લેખનીની મશાલ અખંડ જલતી રહી છે.  

'લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન'માં રામસિંહજીભાઈ રાઠોડે વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં લખેલા કચ્છ વિશેના હજુ સુધી અગ્રંથસ્થ રહેલા માહિતી લેખોને સંગ્રહિત કરાયા છે. દરેક લેખ સાથે સંદર્ભિત રામસિંહજીભાઈનાં ચિત્રો અને/ અથવા અન્ય ફોટોગ્રાફ પણ સમાવી લેવાયા છે. આમ આ પુસ્તકનું ફલક અઢાર પ્રકરણોમાં વહેંચાય છે.

'કચ્છનું લીપણ શિલ્પ'માં કચ્છની પરંપરાગત લીપણકળાને તાદૃશ કરવાની સાથે રબારીઓની કાછેલા અને ઢેબરિયા તેમજ મેર અને બારોટ પ્રજાઓનાં લીપણની અલગ અલગ શેલીઓને બહુ ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે.

કચ્છની નૈઋત્યબાજુએ, ભુજથી લગભગ ૮૫ કિ. મી. દૂર આવેલાં તેરા ગામના દરબારગઢનાં જનાનખાનાંના એક ખંડમાં  ચારેય દિવાલોમાં સમગ્ર રામાયણને જે કંદોરાબદ્ધ પટ્ટીમાં આલેખાયાં છે તેનું બહુ જ વિગતે, સચિત્ર, વર્ણન, 'તેરાનાં ભીતચિત્રમાં સંપૂર્ણ રામાયણનું આલેખન'માં વાંચવા મળે છે.

કચ્છના ઇતિહાસ સાથે સંકળાયેલાં મંદિરો અને ખુલ્લા પડેલા અનેક પુરાતન અવશેષોને રામશિંહજીભાઈએ 'કચ્છનાં કીર્તિમંદિરો' કહ્યાં છે. આ લેખમાં કચ્છનાં ભૌગોલિક સ્થાન અને આકારને સાંકળી લેતાં કચ્છઓ પ્રાચીન ઇતિહાસ, પુરાતન તવારીખ, મધ્યયુગનો ઇતિહાસ, એક અલગ ભૌગોલિક એકમ અને વિશિષ્ટ ભૂસ્તરનું મહત્વ જેવાં વિવિધ પાસાંઓની ઝાંખી જોવા મળે છે. આ દરેક પાસું સંશોધનકારો અને પુરાતત્વવિદો માટે અખૂટ ખજાનો પુરો પાડી શકે છે.

કચ્છનાં આગવાં ભૌગોલિક સ્થાન, ભૂપૃષ્ઠ રચના, ભૂમિ-બંધારણ, હવામાન જેવાં કુદરતી પરિબળોએ કચ્છને અનેક ખનિજો બક્ષ્યાં છે, કચ્છને અનેક કુશળ નાવિકો અને વહાણ બાંધકામના સ્થપતિઓ અને કસબીઓ આપ્યા છે, તો ભારતની બહુ મોટા પ્રમાણમાં મીઠાની જરૂરિયાત પુરી પાડે એવો ઉદ્યોગ પણ આપ્યો છે.  આ બધાં ભૌગોલિક પરિબળોએ કચ્છની વનસ્પતિ, વન્ય પ્રાણીઓ અને પશુ-પક્ષીઓની પણ એક બહુ સમૃદ્ધ સૌન્દર્ય સૃષ્ટિ બક્ષી છે તેને 'કચ્છની સંસ્કૃતિશ્રી'માં બહુ જ રસપ્રદ રીતે દસ્તાવેજ કરાયેલ છે. સંસ્કૃતિની વાત આવે એટલે લોક - સમાજ, લોકોનાંસકાર, રહેણી - કરણી, રિવાજોની વાત તો હોય જ. રામસિંહજીભાઈએ આ વિષયો સંબંધી માહિતી પોતાની કચ્છની અનેક સફરોમાંથી જાતે એકઠી કરી છે. 

મહેરામણથી અને રણથી વિછોડાઈને કચ્છની ભૂમિએ પગરણથી જે સાંસ્કૃતિક એકીભાવે ભાગ ભવવ્યો છે તેવા ઇતિહાસની આગવી વિગતો 'કચ્છના ઇતિહાસ'માં બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી આવરી લેવાઈ છે. કચ્છના ઇતિહાસનું એક મહત્વનું દર્શન તેના ૪૩૮ વર્ષના જાડેજા વંશના ૧૮ રાજવીઓનાં મુખ્ય કાર્યોનું છે. 'જાડેજેંજી વારી - કચ્છી રાજવંશ'માં તેનાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ઝલક જોવા મળે છે. 'કચ્છના રંગીલા મહારાવ લખપતજી' સ્વર્ગે સિધાવતાં એમની પાછળ 'શુભ દિલવાળી' પંદર રખાયતો એમની પાછળ જશશીલને વરી (સતી [!]) થઈ હતી. પણ લખપતજીને નવેય પરણેતરમાંથી એક પણ રાણી આવી પ્રેમભાવના દર્શાવી શકી નહોતી. લખપત્જી અને તેમની પાછળ સતીઓ થયેલી પ્રેમદાઓનું સ્મારક લખપતજીની છતેડી શિલ્પસ્થાપ્તયનો એક અનોખો નમૂનો હતી. ૨૦૦૧ના ભૂકંપમાં છતેડીનો ઘણો ભાગ ખંડેર થયો હતો, જોકે હવે તેનું પુનઃનિર્માણ કરાયું છે. 

કચ્છનાં મુખ્ય શહેર  'ભુજ'નું કચ્છની રાજધાની તરીકે તોરણ વિ.સં. ૧૬૦૫માં બંધાયું. એ પછીનાં ૪૦૦ વર્ષનો ઇતિહાસક્રમ રામસિંહજીભાઈએ આ ચિત્રાંકનમાં જે સ્પષ્ટતાથી આલેખ્યો છે તેનાથી એ ઇતિહાસનું સુરેખ દસ્ત્વાજીકરણ તો થયું જ છે, પણ તે સાથે રામસિંહજીભાઈની સંશોધક અને ઇતિહાસકાર તરીકેની સૂઝ અને કાળજી પણ સ્પષ્ટ થઈ રહે છે.

પુસ્તકનાં બૅક કવર પર શ્રી રવિશંકર રાવળનાં ટાંકવામાં આવેલાં કથનમાં કહ્યું છે કે 'કોઈ કલાકૃતિ અપ્રાપ્ય હોય, જૂની પુરાણી કે ઐતિહાસિક હોય કે બારીક કારીગીરીવાળી છે એમ જાણી એના મોહમાં ન પડવું. આપણે તો એવી કૃતિઓ શોધવી કે જેમાં મહાન આત્માનું દર્શન થાય કે મહાન ભાનવા વ્યક્ત થાય. એ દૃષ્ટિએ બહુબધી તસવીરો અને રસપ્રદ વિગતો સાથે આ પુસ્તક સંશોધક અને ઇતિહાસકાર તરીકેનું રામસિંહજીભાઈ રાઠોડનાં દર્શનનું એક પાસું રજૂ કરવામાં એક અગત્યનું સિમાચિહ્ન બની રહે છે. જોકે,   અહીં તો તેમાંથી પણ આ પુસ્તકનું માત્ર વિહંગાવલોકન જ કરી શકાયું છે.

પુસ્તકની વિગતોઃ

લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન

સંપાદકઃ હરેશ ધોળકિયા

પ્રથમ આવૃતિ - ૨૦૨૫ । પૃષ્ઠ - ૧૯૦ । મૂલ્ય - અમૂલ્ય

પ્રકાશકઃ રમણિક ઝાપડિયા, કલાતીર્થ ટ્રસ્ટ, સુરત ૩૯૫ ૦૦૪ 

             સંપર્કઃ મો. + ૯૧ ૯૮૨૫૬ ૬૪૧૬૧ । ઈ - મેલઃ kalatirth2021@gmail.com,                                                ramnikgkp@gmail.com


[1] રામસિંહજી રાઠોડ - જયકુમાર ર. શુક્લ

No comments: