Friday, November 6, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્રનાથનાં યુગલ+ ગીતો - પૂર્વાર્ધ

imageimage
અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ)નાં અનોખાં સહકાર્ય સ્વરૂપ સૉલો ગીતો (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) નો આપણે વિગતે પરિચય કરી ચૂક્યાં છીએ.
આપણી ફિલ્મોમાં યુગલ ગીતોનું સ્થાન હંમેશાં બહુ મહત્ત્વનું રહ્યું છે. ફિલ્મમાં સીચ્યુએશનની જરૂરિયાત મુજબ પ્રેમના ઇઝહાર, પરિણયની ખુશી કે વિરહની વેદના વ્યક્ત કરવામાં સૉલો ગીતો જેટલી જ ચીવટ ગીતકારો અને સંગીતકારો યુગલ ગીતમાટે પણ દાખવતા રહ્યા છે. યુગલ ગીતોમાં પુરુષ અને સ્ત્રી ગાયકોનાં ગીતો, સ્વાભાવિક રીતે, વધારે પ્રચલિત રહ્યાં છે. પુરૂષ અને સ્ત્રી ગાયિકાના અવાજની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓમાં રહીને ગીતની ધુનની સજાવટ કરવામાં આવતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં યુગલ ગીતો પણ બહુ જ સફળ થતાં રહ્યાં છે. સુરેન્દ્રનાં કેટલાંક યુગલ ગીતોએ તેમને અઢળક લોકચાહના અપાવી છે.

સુરેન્દ્રએ અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ+ ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય. બીબ્બો (૬ ગીતો), માયા બેનર્જી (૩ ગીતો), વહીદન બાઈ (૪ ગીતો) જ્યોતિ (૬ ગીતો), હુસ્ન બાનો (૩ ગીતો), સરદાર અખ્તર (૧ ગીત) અને ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' એમ છ ગાયિકાઓ સાથેનાં કુલ ૨૪ યુગલગીતો પૈકી ગાયિકા-અભિનેત્રી બીબ્બો સાથેનાં અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો આપણે આજે આ પૂર્વાર્ધમાં માણીશું.

બીબ્બો સાથેનાં યુગલ ગીતો
Surendra and Bibbo in Dynamite (1938)

લાહોરના એક ધનપતિ શાંતિ સાગર દ્વારા ‘ક્રેક ક્લબ’નો આરંભ કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધી તે ધમધમતી રહેતી. સાંજના સમયે મોટે ભાગે ગાયનનો કાર્યક્રમ થતો, જેમાં સુરેન્‍દ્રના ભાગે ગાવાનું આવતું. એક વખત આ મિલનમાં કોઈકના નિમંત્રણથી એક યુવતીનું આગમન થયું. તેનું નામ હતું ઈશરત સુલતાના. પહેલવહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’માં તેણે એક ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ‘રંગીલા રાજપૂત’(૧૯૩૩), ‘સૈરે પરીસ્તાન’(૧૯૩૪), ‘પ્યાર કી માર’(૧૯૩૫) જેવી ફિલ્મોમાં તેણે નાયિકાની ભૂમિકા કરી હતી. એ પછી મુંબઈ છોડીને તે લાહોર આવી ગઈ હતી.
લાહોર આવ્યા પછી તેણે પોતાના ‘રેઈનબો પિક્ચર્સ’નો આરંભ કર્યો હતો અને ‘કઝ્ઝાક કી લડકી’(૧૯૩૭)નું નિર્માણ કર્યું હતું. પોતાના સૌંદર્ય અને મધુર અવાજ માટે તે આખા લાહોરમાં જાણીતી હતી. આધુનિક અભિગમ અને ખુશમિજાજને કારણે તે ‘કૉલેજ બૉય’ના ઉપનામે ઓળખાતી હતી. તેનું મૂળ નામ હતું બેગમ બીબ્બો.
થોડા સમય પછી સુરેન્‍દ્રને ફિલ્મોમાં તક મેળવવા માટે મુંબઈ આવવાનું થયું. યોગાનુયોગે બીબ્બોએ પણ મુંબઈના ફિલ્મક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. 'મનમોહન'માં બન્ને નાયક-નાયિકા તરીકે ચમક્યાં અને તેમની જોડી અતિ લોકપ્રિય બની રહી.

'મનમોહન' (૧૯૩૬)માં સંગીતકાર અશોક ઘોષના અનિલ બિશ્વાસ મદદનીશ હતા, એ દૃષ્ટિએ સુરેન્દ્ર અને અનિલ બિશ્વાસનાં જોડાણનો પાયો અહીં ઘડાયો. આ ફિલ્મમાં સુરેન્દ્ર અને બીબ્બોનાં એક યુગલ ગીત -'તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા' - ની શરૂઆતમાં બીબ્બો જે અદાથી 'મૈં અંદર આ સકતી હૂં' કહે છે તેને કારણે - પણ અનહદ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મનું આ જોડીનું બીજું યુગલ ગીત 'ખીઝાંને આકે ચમનકો ઉજ઼ાડા' સાવ જ અલગ વતાવરણ ખડું કરે છે. 'મનમોહન'માં સુરેન્દ્ર અને બીબ્બો - એક રંગીન પોસ્ટકાર્ડ તસ્વીર
પુજારી મોરે મંદિરમેં આઓ – જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર ઇન્દ્ર

આ ગીતમાં ૧૯૩૦ના દાયકાનાં ગીતની પૂરેપૂરી છાંટ છે - સંગીતનો ઉપયોગ માત્ર ગાયકો અને ધુનને સંગત આપવા જેટલો જ છે.

પ્રેમકા પુષ્પ ખિલા ઘર મેરે, પ્રેમકી આઈ હવા ઘર મેરે - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

કલિયાં રસીલી સૈયાં, ભંવરા જવાન હૈ - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

ઓ જાદુગર મતવાલે, યે કૈસે ઢંગ નિરાલે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

બ્રિંદાબનમેં કભી ન જાના - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી


સુરેન્દ્ર અને બીબ્બો - 'ગ્રામોફોન' સિંગરનાં એક દૃશ્યમાં


મૈં તેરે ગલેકી માલા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી

માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો
સુરેન્દ્ર અને માયા બેનર્જી - 'મહાગીત'

૧૯૧૪માં જન્મેલાં, માયા બેનર્જીએ મુંબઈ આવ્યા બાદ ૧૯૩૭થી ૧૯૩૯ સુધીની સાગર મુવીટોનની ફિલ્મોમાં અભિનય કરવાની સાથે પોતાનાં ગીતો પણ ગાયાં હતાં. ૧૯૪૦ પછી કરેલી ફિલ્મોમાં તેમણે અન્ય ગાયિકાઓના અવાજને પ્લેબેકમાં લીધો હતો.

આયેં હૈ ઘર મહારાજ, મૈં લાઉં ફૂલોકે હાર - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

જા રે સખી સાજનસે કહ દે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર પંડિત ઈન્દ્ર ચંદ્ર

મધુર મિલનકા ચિત્ર બનાયે,પ્રેમકે રંગસે રંગ ડાલે - કોમરેડ્સ (જીવનસાથી)(૧૯૩૯) – ગીતકાર: કન્હૈયાલાલ ચતુર્વેદી

અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોની સફરમાં આપણે મધ્યાંતર પાડીશું. ૨૮ નવેમ્બર, ૨૦૧૫ના ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
સાભાર નોંધઃ
  • આ લેખને શ્રી બીરેન કોઠારીએ તેમના ખજાનામાંની તસ્વીરો અને માહિતી વડે બહુ જ સમૃદ્ધ કરી આપેલ છે.
  • Songs of Yoreના લેખ -Anil Biswas’s songs for Bombay Saigal: Surendra -ની ભૂમિકા મૂળ પ્રેરણાસ્ત્રોતની રહી છે.

No comments: