Monday, November 9, 2015

'મોટે ભાગે વણલખાયેલ' વિષયોનાં વાચનનો સંતોષ આપતું પુસ્તક: ‘સાર્થક જલસો - ૫’ - નવેમ્બર ૨૦૧૫


ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી, દીપક સોલિયા અને ધૈવત ત્રિવેદીની સંપાદન ટીમ સાર્થક પ્રકાશનના અર્ધવાર્ષિક સામયિક 'સાર્થક જલસો' – ૫’ને રજૂ કરતાં તેના કદને નહીં પણ પ્રકારને ધ્યાનમાં લઈને તેને 'પુસ્તક' તરીકે ઓળખાવવાનું વધુ મુનાસિબ સમજે છે.

'સાર્થક જલસો'ના પાંચમા પુસ્તકનાં પાનાંઓ પર પથરાયેલા 'મોટે ભાગે વણલખાયેલ' વિષયો પરના લેખો પર એક સરસરી નજર કરવી રસપ્રદ બની રહેશે.

'આંખોના અંધકારને ચીરતો સમાનુભૂતિનો ઉજાસ'માં આશિષ કક્કડ અંધજનમંડળ, અમદાવાદ (+૯૧ ૭૯ ૨૬૩૦૪૭૦)ના 'વિઝન ઇન ડાર્કનેસ'ના, હવે કાયમી ધોરણે થતા, એક અનોખા પ્રયોગના પોતાને થયેલા અનુભવની વાત કહે છે. એ અનુભવને અંતે તેઓ જોઈ શક્યા છે કે પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનોને એમની દૃષ્ટિનો અભાવ નથી નડતો, આપણી સહૃદયતાનો અભાવ નડે છે.

એક સાથે સળંગ ત્રણ લેખ 'અનામત'ના સંદર્ભ રજૂ થયા છે. આમ આ વખતનો આ અંક કંઈક અંશે પ્રાસંગિક પણ બની રહ્યો છે. ચંદુ મહેરિયાએ '’અનામત : ઇતિહાસ જાણો, ગેરસમજ ટાળો'માં તેમની લાક્ષણિક શૈલીમાં અનામતનાં તથ્યોને લગતી, અત્યારે ચાલી રહેલી સાચીખોટી માન્યતાઓને સાચી દિશામાં વાળી શકાય તે બરની માહિતી રજૂ કરી છે. પ્રશાંત દયાળ અનામત જેવા સંવેદનશીલ વિષયની સામાજિક તાણાવાણાની ગૂંથણીને સહજ કેમ કરી શકાય તેનો એક રસ્તો 'વાત અનામતની...'માં સૂચવી જાય છે. નીરવ પટેલનું કાવ્ય - 'પટેલલાડુ' - આજના સામાજિક માહોલમાં 'માનવ બિરાદરી' ને બદલે દેખીતું મધ્યસ્થ સ્થાન લેતું, 'પટેલ બિરાદરી' (કે પછી કોઈ પણ કોમ કે જાતની બિરાદરી)નું ધ્યેય-ઐક્ય સમાજને જોડવાને બદલે કેમ તોડી નાખવાનું કામ કરી નાખી શકે તે તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ઉર્વીશ કોઠારીએ 'ઐતિહાસિક ભૂલોનો અંબાર : એટેનબરૉની "ગાંધી"’માં એટેનબરૉના એકનિષ્ઠ સમર્પણભાવને સ્વીકારવાની સાથે ૧૯૮૨માં રજૂ થયેલી ફિલ્મ 'ગાંધી'માં તરત દેખાય અને ખટકે તેવા ૧૬ હકીકતદોષની વિગતવાર છણાવટ કરી છે. આ માટે ફિલ્મનાં જે દૃશ્યોનો ઉલ્લેખ છે તેની સાથે 'ગાંધી' ફિલ્મની સીડી પર મળતી નકલમાં એ દૃશ્ય કઈ જગ્યાએ જોવા મળશે તે જણાવવાની ચીવટ પણ લેખમાં રાખવામાં આવી છે.

'સૌરાષ્ટ્રની ભાષા: લખાતી ભાષા, બોલાતી ભાષા, બઘડાસટી બોલાવતી ભાષા'માં ધૈવત ત્રિવેદી સૌરાષ્ટ્રની ભાષાનાં 'ગુજરાતી' બોલાય એમ જ લખાય એવાં નોખાપણાનાં ઉદાહરણો વડે સૌરાષ્ટ્રના છલકતા મિજાજને તાદૃશ્ય કરી આપે છે. સાથે સાથે, એ બોલીના આગવા ઉચ્ચારોની શાસ્ત્રીય કેફિયતને પણ એ લોકબોલીની મીઠાશ સાથે ભેળવી નાખવામાં તેઓ સફળ રહ્યા છે.

'ઓએસિસ: એક ઝરણું જ્યારે ઘૂઘવતી નદી બન્યું' પહેલી નજરે એક યુવાન વયની ' સામાન્ય, ગભરુ' છોકરના, તેનાં ઘડતરના મુગ્ધ કાળ દરમ્યાન યુવાનો માટે ચાલતી એક સેવાભાવી સંસ્થામાં ગાળેલાં વર્ષોના સ્વાનુભાવોની સ્મરણગાથા લાગશે. લેખિકા ક્ષમા કટારિયાની ઉત્કટ લાગણીઓની પણ તેમાં ઝલક મળે છે. પરંતુ, થોડું ઉંડાણથી જોતાં, પહેલી વાત જે નજરે ચડે છે તે છે, આ સમગ્ર કથાનકમાં જળવાઈ રહેલો હેતુલક્ષી સાક્ષીભાવ. બીજી જે વાત ધ્યાન ખેંચે છે તે દેશના નવસર્જનનાં ઘડતરના અમૂર્ત કહી શકાય તેવા આદર્શને સામાજિક પરિપ્રેક્ષ્યમાં ચરિતાર્થ કરવાની ભાવના ધરાવતી સંસ્થાને પણ તેના અસ્તિત્વના પાયા હચમચાવી નાખી શકે તેવા વિરોધવંટોળોનાં બયાન. ઓએસિસની પ્રવૃત્તિઓને કારણે પોતાનાં (સ્થાપિત) હિતોને નુકસાન થવાની જેમને શક્યતાઓ જણાઈ તેઓ અતિ આવેશમય વિરોધ કરે તે તો સમજાય પણ સંસ્થાની કામ કરવાની નીતિ કે પદ્ધતિથી જાણ્યેઅજાણ્યે દુભાયેલી વ્યક્તિઓ, સંસ્થાનાં સ્વયંસેવક સભ્યોનાં જ પરિવારજનો સાથેના સંઘર્ષ પણ તેમાં ભૂમિકા ભજવી ગયા હોઈ શકે તે બાબત વાચકને પણ ઝંઝોડી નાખે છે. જલસો - ૫નાં ૩૫ થી ૭૦ પાનાંઓમાં રસાળ શૈલીમાં કહેવાયેલ આ રોમાંચક કથાનકને માણવા સમજવા માટે પ્રસ્તુત લેખ નિરાંત જીવે વાંચવો પડે. આ સમગ્ર અનુભવને લેખિકા જ્યારે આજે પશ્ચાદવર્તિ અવલોકનની એરણે ચડાવે છે ત્યારે તેમને જણાય છે કે "ઓએસિસ સાથેનાં એ વર્ષોથી એક જુદી જ ક્ષમા બની, એવી ક્ષમા કે જે મને વધુ સ્વીકાર્ય છે." લેખ વાંચતાં વાંચતાં તેના અંત તરફ જઈએ ત્યારે સ્વાભાવિકપણે જ બધાંને સવાલ થાય કે ઓએસિસ (આજે) છે કે નહીં? લેખિકાનો જવાબ છે: "હા, છે..અને કદી નહોતું એટલું ફૂલ્યુંફાલ્યું છે."[i]

જ્યારે પોતાનાં સ્વજન સાથેની ચિર વિદાયની સ્મૃતિ પર વર્ષોની ધૂળ ચડી જાય ત્યારે પણ પોતાનાં વડીલની યાદને કેટલાં માનથી, કેટલા પ્રેમથી, કેટકેટલા આત્મિય પ્રસંગો થકી ફરીથી જીવંત બનાવી શકાય તે વાતનો પુરાવો અમિત જોશીના 'ડાહીજીજી : ઉંબરાથી મોભ સુધીનું છત્તર'માં જોવા મળે છે. .

વિનોદ ભટ્ટ કેમ એક સિદ્ધ હાસ્યલેખક બની શક્યા તે બરાબર સમજાય છે, તેમણે 'આ છે વિનોદ ભટ્ટ'માં પોતાનાં જ જીવનની સમયરેખા પરનાં સિમાચિહ્નોને જે હળવાશથી સંવાર્યાં છે તે પરથી. આજ પહેલાં કદાચ જાહેરમાં ભાગ્યે જ જોવામળ્યા હોય એવા તેમના ફોટોગ્રાફ્સ આ આત્મકથાનકને વાચક માટે પણ ચિરસ્મરણીય બનાવી મૂકે છે.

પશ્ચાદાવલોકનોની સફરમાંથી ઋતુલ જોશી 'સર્વેલન્સ સંસ્કૃતિ : કહીં પે નિગાહેં કહીં પે નિશાના' દ્વારા જાહેર જગ્યામાં અંગત માહિતી અને અંગત ક્ષણોની બારીકીથી જે નોંધ લેવાતી રહે છે તેવી આજની વાસ્તવિક દુનિયામા ખડા કરી દે છે. જો કે હવે તો માત્ર સીસીટીવી જ આપણી અંગત જિંદગીને જાહેર કરવાનું સાધન નથી રહ્યું. નાનાંમોટાં દરેકના હાથમાં ડીજીટલ કેમેરાસાથે સજ્જ મોબાઈલ ફોન પણ આ બાબતે એક નવા જોખમ તરીકે ઊભરી ચૂક્યા છે. ફરક માત્ર એટલો કે એક કાયદાની રૂએ નાગરિક સુરક્ષા માટે કામ કરે છે (!?) અને બીજું વ્યક્તિસ્વાતંત્ર્યની અભિવ્યક્તિ સ્વરૂપે (?!). બંનેનાં જોખમો કદાચ જ એટલાં કહી શકાય!જે કોઈ એમ માનતું હોય કે પોતાના પર જાસુસી કરી શકાય તેવું પોતે કંઈ જ નથી કરતાં તેવાં લોકોનાં પણ રૂંવાડાં ઊભાં કરી દેવા માટે ઋતુલ જોશીએ ૨૦૦૬ની ફિલ્મ, 'ધ લાઈવ્સ ઑફ અધર્સ',ની વાત પણ અહીં કરી છે.

'ગાંધીના 'આધ્યાત્મિક વારસ' વિનોબાને પામવા-સમજવાની મથામણ'ને સમજવા માટે રમેશ ઓઝાને માત્ર કટોકટીને 'અનુશાસન પર્વ' લેખવા વિષે વિનોબાજીની ભૂમિકા કે તેમની ભૂદાનયાત્રા જેવા સંદર્ભ પર્યાપ્ત નથી લાગતાં. માત્ર દસ વર્ષની ઉંમરે, ૧૯૦૫માં બ્રહ્મચર્ય અને રાષ્ટ્રસેવાનાં વિનોબાજીએ લીધેલ વ્રત અને તેમના ગૃહત્યાગનાં ૧૯૧૬નાં ભારતીય રાજકારણનાં નિર્ણાયક વર્ષોથી રમેશભાઇ તેમની શોધ આરંભે છે. તેઓ નોંધે છે કે ગાંધીજીની હત્યાથી ત્યારે વિનોબાજીને થયેલી પીડા ગાંધીજીને ગુમાવવાની નહોતી, પણ અહિંસાની પરમ કસોટીના સમયમાં ગાંધીજી સાથે તેઓ નહોતા તેની હતી. તે પછીનાં વર્ષોમાં આગળ જતાં તેઓ એ પણ નોંધે છે કે જેમ ભારતભરના નેતાઓને ગાંધીજીના વ્યક્તિત્વનો ચકરાવામાં નાખી દેતો પરિચય ૧૯૧૫માં થયો તેમ 'ગાંધીજી તો ગયા, હવે આગળ કેમ વધવું' એ વિશે સહચિંતન કરવા મળેલી ૧૯૪૭ના માર્ચ મહિનાની બેઠકમાં તે સમયના એકઠા થયેલા પચાસેક જેટલા અગ્રણી રાજપુરુષો,રચનાત્મક કાર્યકરો અને ચિંતકોને વિનોબાજીનો પહેલો પરિચય થયો. ૧૩ વર્ષ પદયાત્રા કરીને પવનારમાં વિનોબાજી પાછા ફર્યા ત્યારે જયપ્રકાશ નારાયણ અહિંસક સમાજની રચના માટે શરૂ થયેલ સર્વોદય આંદોલનને બિહારમાં અમલમાં મૂકી રહ્યા હતા. રમેશભાઈ એ અંગે બંનેના વિચારોમાં પાયાના ફરકની પણ નોંધ લે છે. ૬ જુલાઈ,૧૯૭૫ના રોજ વિનોબાજીને મળવા ગયેલા વસંત સાઠે સાથેની ચિઠ્ઠી પર લખેલી વાતચીત દરમ્યાન વિનોબાજીએ પર્વ નીચે રેખા ખેંચીને 'અનુશાસન પર્વ?' લખ્યું. રમેશભાઈનું કહેવું છે કે અહીં મૂકાયેલું પ્રશ્નચિહ્ન લખીને વિનોબાજીએ કટોકટી વિષેની પોતાની ભૂમિકાને સુસ્પષ્ટ કરી નાખી હતી. વિનોબાજી એવા કોઈ પણ કાર્યમાં નિમિત્ત નહોતા બનવા માગતા જે સામાજિક ભેદ પેદા કરે.વિનોબાજી હંમેશાં કહેતા કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારાં પરિબળો છે, જ્યારે અધ્યાત્મ અને વિજ્ઞાન જોડનારાં પરિબળો છે.વિનોબાજીનાં આખરી બાર વર્ષમાં તેમણે પોતાનાં કાર્યક્ષેત્રને સમેટ્યું. અહિંસક સમાજની રચના માટેની જે તાત્ત્વિક સામગ્રી વિનોબાજીએ વિકસાવી આપી તે ચિરંતન છે. રમેશભાઈ તારણ કાઢતાં કહે છે કે વિનોબા ભાવેને ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક વારસદાર કહ્યા તેમાં એમની કોઈ ભૂલ નથી.

'સાર્થક જલસો'નાં દરેક અંકમાં પ્રવાસવર્ણન અનોખો રંગ પૂરી આપે છે. લંડનસ્થિત રાજવી કોઠારીનો, હરિતા ત્રિવેદી દ્વારા અનુવાદીત, ૧૪ દિવસમાં ૬૦૦ કિલોમીટરના સાઇકલપ્રવાસનો (સાર્થક જલસો માટે અનુવાદિત) જાતઅનુભવ - વિયેટનામ, કમ્બોડિયા અને થાઇલેન્ડ : પેડલની પાંખે, જિજ્ઞાસાની આંખે - સાઈકલનાં પેડલ પર પગ મૂક્યા પહેલાંનાં બે અઠવાડિયાં પહેલાંની વ્યાકુળતા અને અસ્વસ્થતાની લાગણીના પોતીકાપણાની લાગણીમાં પરિવર્તનની પણ દાસ્તાન છે.

દીપક સોલિયા 'ખૂન અને ગણિત : તમારા જીવનમાં ખૂની ઘટના બનવાની સંભાવના કેટલી ?'માં 'ખૂન કિયા નહીં જાતા, હો જાતા હૈ?' અને ‘ખૂનની એવરેજ કેવી રીતે જળવાય છે?' જેવા સવાલોના જવાબો શોધવા 'સંભાવનાની તર્કપૂર્ણ થિયરી'સાથે આપણો પરિચય કરાવે છે.આ વિષય પર અતિ ઊંડે સુધી સંશોધન કરનાર જૉન વોન ન્યૂમાન પણ સંભાવના ગણિતમાં કોઈ ભેદી તર્ક જેવું કંઇક છે ખરું અને એ દિશામાં વધારે કામ કરવું પડે એ વાત તો સ્વીકારતા હતા. આ ભેદી તર્કની ઘટનાને સમજાવવા દીપક સોલિયાએ આપણને સમજાય નહીં છતાં જેની રોજેરોજ હાજરી અનુભવાય તેવાં બે બહુ જ રસપ્રદ ઉદાહરણો રજૂ કર્યાં છે. પહેલું ઉદાહરણ છે - માનવીય અંડકોષનું ફલીકરણ કુદરત એટલી સતત સફળતાથી કરતી રહે છે કે પેડો આવશે કે જલેબી તે યક્ષપ્રશ્ન સાથે સંકળાયેલ સૃષ્ટિનું સંતુલન જળવાયેલું જ રહે છે. એવી રીતે બીજાં ઉદાહરણમાં પચાસ વાર ઉછળેલો સિક્કો ભલે હેડ પર જ પડ્યો હોય પણ એકાવનમી વાર સિક્કો હેડ કે ટેઈલ બંને તરફ એક સરખી શક્યતાથી ઢળી શકે છે.

સંજય શ્રીપાદ ભાવેએ પ્રસ્તુત કરેલ 'મળતાં મળે એવા વંચિતોના વકીલ: ગિરીશ પટેલ' સાથેનો દીર્ઘ ઇન્ટરવ્યૂ ગિરીશ પટેલનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરી રહે છે.સમગ્ર ઇન્ટરવ્યૂ દરમ્યાન ગિરીશ પટેલ આપણી સમક્ષ 'કરોડપતિ' વકીલ કે ન્યાયમૂર્તિ થવાને બદલે જેમણે ધારાશાસ્ત્રી તરીકે શ્રમજીવીઓ, ગરીબો, મહિલાઓ, લઘુમતીઓ અને લોકશાહી અધિકારો માટે લડતા રહેલા જાહેર જીવનના સક્રિય બૌદ્ધિક તરીકે ઊભરી આવે છે.

ઉંમરલાયક વયમાં પ્રવેશેલી દીકરી અને રજોનિવૃત્તિકાળમાં પ્રવેશેલી માની બે પેઢીઓ વચ્ચેમાત્ર જીવનના જુદા જુદા તબક્કામાં હોવાને કારણે જીવન તરફના દૃષ્ટિકોણમાં સ્વાભાવિકપણે જ ફરક પડતો હોય તો પણ માને સમજવી એ દીકરી માટે પડકાર જ નીવડે. 'તું તારી મમ્મી જેવી છે: ભારતીય મા-દીકરીની વિટંબણા'માં દીકરી જેની અપેક્ષા મા પાસેથી રાખે તેવી પ્રેમ, વહાલ, લાડ, કાળજી જેવી બાબતોની અપેક્ષા માને પણ દીકરી પાસેથી હોય તે સમજવાની પ્રક્રિયાની વાત આરતી નાયર બહુ જ લાગણીશીલ ઘટનાઓની મદદથી કરે છે.

વીસમી સદીના અંત સુધીમાં ફિલ્મ જગતમાં સમૃદ્ધિની ભરતીઆવી હતી તેનો લાભ લેવાનું સંગીતકારો માટે પણ શક્ય બન્યું હતું. 'સંગીતકારોનું 'ભાવ' વિશ્વ : ત્યારે અને અત્યારે' માં ફિલ્મસંગીત ઈતિહાસકાર નલિન શાહ ૧૯૪૦ના દસકામાં જેમને નામે ટિકિટબારી પર સિક્કા પડતા એવા ખેમચંદ પ્રકાશ કે વિખ્યાત વાંસળીવાદક પન્નાલાલ ઘોષને ચણા મમરા જ લઇ શકાય તેટલાં મહેનતાણાં માટે કેટકેટલા પાપડ તોડવા પડતા હતા તે યાદ કરે છે. જો કે એવા સમયમાં પણ આર સી બોરાલ કે ગુલામ હૈદર જેવા કેટલાક અપવાદો પણ હતા. સંગીતકારોને તેમની લોકપ્રિયતાની કમાણી વાણિજ્યિક સ્વરૂપે પણ ફળી હોય એવા નૌશાદ, શંકર જયકિશન કે ઓ પી નય્યર જેવા થોડાક સંગીતકારો વીસમી સદીના મધ્યના ફિલ્મ સંગીતના સુવર્ણ કાળ તરીકે ઓળખાતાં વર્ષો દરમ્યાન જોવા મળે છે. બાકી એ જમાનામાં મોટાભાગના સંગીતકારો તો 'મુંબઈના ફિલ્મઉદ્યોગની ચૂહાદોડ'માં નિર્માતાઓના પ્યાદાં જેવા હતા. આ લેખ ફિલ્મસંગીત વિષેના નલિન શાહના, સાર્થક પ્રકાશન દ્વારા શીઘ્રપ્રકાશ્ય આગામી અંગ્રેજી પુસ્તક ‘Melodies, Movies & Memories’ ના એક પ્રકરણનો બીરેન કોઠારીએ કરેલો અનુવાદ છે.

આજે 'કોરાધાકોર' ગાંધીનગર સચિવાલયની કેન્ટીનમાં મિત્રો સાથે બેસીને ચંદુભાઈ મહેરિયા ગરમાગરમ ગોટા સાથે ચાની ચૂસકીની મજા માણી રહ્યા છે ત્યારે તેમને તેમના દલિત-શ્રમિક ઘરમાં,મીણીયાથી ઢાંકેલ છાપરામાંથી પણ પડતા ચૂવામાં ભીંજાતા ,તે બાપ અને ભાઈઓ સાથેના અનુભવો યાદ આવે છે. ચંદુભાઈનાં મનોપટ પર 'મને ભીંજવે તું'ની દૃશ્યાવલિ ખૂલતી જાય છે અને વાચકનાં રૂવેરૂવાંને પણ તરબોળ કરતી જાય છે.' હા, આજે રાજપુરની (એ) ચાલીઓમાં શ્રમિકો-દલિતોનાં પાકાં ઘરો થયાં છે. થોડી સગવડો વધી છે. પણ હજીયે ચોમાસુ દિવસોમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ભૂવા એમ ને એમ જ રહ્યા છે.'

આ સાથે 'સાર્થક - જલસો - ૫'નું વાંચન તો સમાપ્ત થાય છે. પરંતુ દેશના શ્રમિક-વંચિત બાંધવોની કથામાં 'સ્માર્ટ' સુખદ વળાંકો આવશે, અને કોઈ પણ જગ્યાએ બુનિયાદી સગવડતાઓની કમી ભૂતકાળ બની રહેશે, એ આશા સાથે સાહિર લુધ્યાનવીના શબ્દો દોહરાવીએ..

વો સુબહ હમીં સે આયેગી...

'સાર્થક જલસો'ના લેખ બિનજરૂરી, શબ્દાળુ, લંબાણના નહીં હોય તે નીતિથી હવે તેના નિયમિત વાચકો સારી પેઠે અવગત છે.'સાર્થક જલસો - ૫'ના આ પરિચયાત્મક રીવ્યૂમાં પણ એ જ અભિગમ સ્વીકાર્યો છે. દરેક લેખની પૂરેપૂરી મજા માણવા માટે આમ પણ આખો અંક તો તમે વાંચવાનાં જ છો ને ?

આ અંક પ્રાપ્તિ સ્રોત - બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com)

ઓનલાઈન મેળવવા માટે ની વધારે વિગતો www.sarthakprakashan.com પર જોઈ શકાય છે.
++++++++++++++++++
[i]પરિચાયકની નોંધ : વધુ માહિતી માટે ઓએસિસની વેબસાઈટ Oasis Movementની મુલાકાત લઈ શકાય છે.
Post a Comment