સંગીતકાર સાથેની પહેલી
ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૧
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમનાં જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે.
અત્યાર સુધીમાં આપણે
ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ.
આ વર્ષે
૧૯૫૯થી ૧૯૬૩ના ચોથા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૫૯-૧૯૬૦નાં વર્ષનાં મોહમ્મદ રફીના
સંગીતકાર સાથેનાં પહેલાં સૉલો ગીતની વાત આપણે જુલાઈ ૨૦૧૯ના અંકમાં કરી
હતી. આજે હવે ૧૯૬૧નાં વર્ષની ચાત કરીશું. આ લેખમાં ફિલ્મોની નોંધનો ક્રમ તેમનાં નામના બારાખડીના ક્રમ
અનુસાર રાખેલ છે.
'૬૦ના દસકામાં
ગીતોની લોકપ્રયતા અને તેનઈ ચાહકના મનમાં યાદ રહેવાની આવરદાનો અનુબંધ, '૫૦ના દાયકાની
સરખામણીમાં, નબળો પડતો
અનુભવાયો છે. આ માટે પ્રેક્ષકોના બદલતાં જતાં રસરૂચિ, સંગીતની મૂળભૂત
બાંધણીમાં થતા જતા ઝડપી ફેરફારો, અમુક સફળ સંગીતકારોનો એક વર્ષમાં આવતો વિપુલ ફાલ અને
ફિલ્મનિર્માણમાં નવી ટેક્નોલોજીના ઉમેરણ સાથે વધતા જતાં ખર્ચને કારણે ફિલ્મ
નિર્માણનું મૂળતાઃ કળાને બદલે એક વ્યવસાય બનતાં જવું જેવાં અનેક પરિબળો કારંણભૂત
ગણવામાં આવી રહ્યાં છે. મોહમ્મદ રફીનાં ૧૯૬૧નાં એ સમયે લોકપ્રિય થયેલાં ગીતોમાં પણ
આવી શરૂઆત થતી જોવા મળે છે.
૧૯૬૧
૧૯૬૧નામ
વર્ષમાં મોહમ્મદ રફીના ૭૧ સૉલો ગીતો રેકોર્ડ થયાં છે.
તે પૈકી જે
ગીતો તે સમયે લોકપ્રિય થયાં હતાં તેની આપણે નોંધ લઈએ -
શંકર જયકિશન - આસ કા પંછી (ચાર દિનોંકી છુટ્ટી હૈ ઔર ઉનસે જાકે મિલના હૈ); બોય ફ્રેન્ડ (ધીરે ચલ.. અય ભીગી હવા, મુઝે અપણા યાર બના લો, સલામ આપકી મીઠી નઝરકો સલામ); જબ પ્યાર કિસીસે હોત અહૈ (જિયા જિયા હો કુછ બોલ દો, તેરી ઝુલ્ફોંસે જુદાઇ નહીં તો માંગી થી); જંગલી (ચાહે કોઈ મુઝે જંગલી કહે, આઈયા સુકુ સુકુ, અહેસાન તેરા હોગા મુઝ પર); સસુરાલ (તેરી પ્યારી પ્યારી સુરતકો, વલાહ યાર લૂટ ગયે હમ તો)| ચિત્રગુપ્ત - બડા આદમી (અખિયાં સંગ અખિયાં લાગે,અગર દિલ કીસી સે લગાયા ન હોતા)| સલીલ ચૌધરી - છાયા (યા કહ દે હમ ઈન્સાન નહી); કાબુલીવાલા (ઓ સબા કહેના મેરે દિલદાર કો); માયા (કોઈ સોનેકે દિલવાલા, સનમ તૂ ચલ દિયા રસ્તા મેરે બીના, ઝિંદગી હૈ ક્યા સુન મેરી જાન) | નૌશાદ - ગંગા જમુના (નૈન લડ જઈ હૈ)| રવિ - ઘરાના (હુસ્નવાલે તેરા જવાબ નહી) ; નઝરાના (બાજી કિસીને પ્યાર કી) | જયદેવ - હમ દોનો (મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયા, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા) | મદન મોહન - સંજોગ (દો ઘુંટ મૈને પી) |ગ઼ુલામ મોહમમ્દ - શમા (વોહ ઈસે સાદગી કહે યા દીવાનગી કહે)| ખય્યામ - શોલા ઔર શનબમ (જાને ક્યા ઢૂંઢતી રહેતી હૈ)
હવે આપણે
આપણા મુખ્ય વિષય તરફ વળીએ. ૧૯૬૧નાં વર્ષમાં છ સંગીતકારોએ મોહમ્મદ રફીનું સૉલો ગીત
સૌ પ્રથમ વાર બનાવ્યું છે. એ પૈકી ત્રણ સંગીતકારો એવા છે જે ખુબ પ્રતિભાશાળી હોવા
છતાં કિસ્મતે તેમને વ્યાવસાયિક સફળતાથી દૂર રાખ્યા. એક સંગીતકારે ‘સંગીતકારના સહાયક સ્ફળ નથી થતા' એ વણલખ્યા નિયમને ખોટો પાડીને પોતાની આગવી, સફ્ળ, કેડી કંડારી, જ્યારે બે
સંગીતકારો દક્ષિણની રીમેક ફિલ્મના સંગીતકારની હેસિયતથી અહીં રજૂ થાય છે.
એસ મદન
આ
પ્રતિભાશાળી સંગીતકારને હિંદી ફિલ્મોમાં સફળતા ન મળી, પરંતુ પંજાબી
ફિલ્મોમા તેમને યથોચિત માન મળ્યું. હિંદી ફિલ્મ સંગીતની વક્રતા છે કે એસ મદનમાં
કેટલાંય પંજાબી ગીતની ધૂન હિંદી ફિલ્મોમાં ધરાર નકલ કરાઈ છે.
યે કૈસી
દીવાર હૈ દુનિયા - બટવારા – ગીતકાર: મજરૂહ
સુલ્તાનપુરી
ભાઈઓ વચ્ચે
પડી ચૂકેલા બટવારાની વ્યથાને મોહમ્મદ રફી બેકગ્રાઉન્ડ ગીતમાં વ્યકત કરે છે.
પી નાગેશ્વર રાવ
તેલુગુ ફિલ્મના ક્ષેત્રે નાગેશ્વર રાવ બહુ જાણીતું નામ
હતું.
નારાયણકી ઈસી મૂર્તિ સે હોગા ગોવિંદા - ભગવાન બાલાજી –
ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'
હિંદીમાં ડબ થયેલી / રીમેક થયેલી દક્ષિણ ભારતીય ફિલ્મમાં
મોહમ્મદ રફીનું એક ગીત બેકગ્રાઉન્ડ ગીત તરીકે અચૂકપણે જોવા મળે !
રાહુલ દેવ બર્મન
રાહુલ દેવ બર્મન (જન્મ
-૨૭ જુન ૧૯૨૯ । અવસાન - ૪ જાન્યુઆરી, ૧૯૯૪)
જ્યારે હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રે
સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાનું પગલું ભરી રહ્યા હતા ત્યારે હિંદી ફિલ્મ સંગીતનો 'સુઅવર્ણ કાળ' તેની
મધ્યાને પહોંચી ચૂક્યો હતો. તેમના પિતા સચિન દેવ બર્મન સહિતના '૪૦ના દશકાના અંતમાં અને '૫૦ના દાયકાની શરૂઆતમાં જેમના પ્રવેશ પછી હિંદી ફિલ્મ
સંગીતનો સુવર્ણ યુગ ખીલ્યો ગણાય છે એવા કેટલાય સંગીતકારોની પોતપોતાની શૈલીથી હવે
કિશોરાવસ્થામાં પ્રવેશી રહેલ '૫૦ની
પેઢીને સંગીતના એક નિશ્ચિત વાતાવરણમાં પળોટી ચૂકી હતી. આવાં ઊંચી ગુણવતાયુક્ત
લોકપ્રિય ગીતોનાં પારિસ્થિતિક વાતાવરણમાં રાહુલ દેવ બર્મને બહુ ટુંક સમયમાં પોતાની
ઓળખ કાયમ કરી લીધી. લક્ષ્મીકાંત પ્યારેલાલ
સાથે તેમણે પહેલાંની પેઢીના સંગીતકારોએ પેટાવેલી હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગની
મશાલ આગળ લઈ જવાની જવાબદારી પોતાના ખભે લઈ લીધી.
આમ ચુમ તામ ચુમ - છોટે નવાબ – ગીતકાર:
શૈલેન્દ્ર
બાળ નવાબને માનસીક રીતે અણવિકસિત રાખીને રાજ્ય શાસનને પડાવી
લેવાની દાનતના કાવાદવાને કારણે મહેમુદે ભજવેલ પાત્ર શારીરીક રીતે યુવાન થઈ ચુકવા
છતાં પણ હજુ માનસીક સ્તરે બાળક જ છે. 'છોટે' રહી ગયેલા 'નવાબ'ની હાલતનો ચિતાર ગીતમાં સુપેરે ઉજાગર કરાયો છે.
ઈલાહી તુ સુન લે હમાલી દુઆ - છોટે નવાબ – ગીતકાર:
શૈલેન્દ્ર
ફિલ્મનાં બીજાં રમતિયાળ ગીતોની સાથે મોહમ્મદ રફીના સ્વરનું
આ પ્રસ્તુત ગીત અને લતા મંગેશકરના સ્વરનું ઘર આજા ઘિર
આયે બદરવા પહેલી જ ફિલ્મથી આર ડી બર્મનનાં
સંગીતનાં ઊંડાણ તરફ દિશાસંકેત કરે
છે.
સી અર્જુન
સી અર્જુને તેમની કારકીર્દીની શરૂઆત બુલો સી રાનીના સહાયક
તરીકે કરી હતી. સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની પહેલવહેલી ફિલ્મ,'રોડ નં ૩૦૩' (૧૯૬૦)તેમણે મોહમ્મદ
રફીનાં ઉગલ ગીતોની રચના જરૂર કરી હતી,
પણ મોહમ્મ્દ રફીના સ્વરમં તેમનું પહેલું સૉલો ગીત આપણને 'મૈં ઔર મેરા ભાઈ' (૧૯૬૧)માં સાંપડે
છે. તેમનું 'પુનર્મિલન
(૧૯૬૪)નું મોહમ્મદ રફીનું સૉલો પાસ બૈઠો તબિયત બહલ
જાયેગી રફીનાં ચિરસમરણીય ગીતોની પહેલી હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી
ચુક્યું છે. ધાર્મિક ફિલ્મ 'જય સંતોષી
મા' (૧૯૭૫)- મૈં તો આરતી ઉતારૂં
રે - ઉષા મંગેશકર-ની બેહિસાબ,
અણધારી, સફળતામાં
સી અર્જુનનાં સંગીતનું યોગદાન હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસનું એક ખાસ નોંધપાત્ર
પ્રકરણ ગણાય છે.
હો ગોરી ઝુલ્મ કરે ઝુલ્ફ
કા બીખર જાના - મૈં ઔર મેરા ભાઈ – ગીતકાર: જાન
નિસ્સાર અખતર
મોહમ્મદ રફીની હવે બહુ જ
જાણીતી બની ચૂકેલ શૈલીમાં આ રમતિયાળ ગીત ખીલી ઊઠે છે.
ઈન્સાન કિતને યુગ બીતે
યુંહી રહા નાદાન - મૈં ઔર મેરા ભાઈ – ગીતકાર: જાન
નિસ્સાર અખતર
ગીતના બોલ અને મોહમ્મદ
રફીની ગીતની અદાયગી આ ગીત બેકગ્રાઉન્ડ ગીત હશે તે વિના મહેનત જાણ કરી રહે છે.
અરૂણ રાઘવન
મોહમ્મદ રફીનું એક જ ગીત રેકોર્ડ કરનારા ૪૮ સંગીતકારોની વિગત
જોતાં તેમાં દક્ષિણની ફિલ્મોના રીમેકના પ્રકારનો ફાળો મોટો જણાય છે. અરૂણ રાઘવન એ
૪૮ સંગીતકારો પૈકી એક સંગીતકાર છે.
ચલી હૈ રાજભવનસે ... યુગ યુગ સે અન્યાય - મેરા સુહાગ –
ગીતકાર: વિનોદ શર્મા
દક્ષિણ ભારતની રીમેક ફિલ્મોમાં મોહમ્મદ રફીને ફાળે આવતાં
બેકગ્રાઉન્ડ ગીતનો ક્રમ જળવાઈ રહ્યો છે.
એસએલ મર્ચન્ટ, શ્રી રામ
દક્ષિણ ભારતની ફિલ્મોમાં
એસ એલ મર્ચન્ટ અને શ્રી રામ બહુ જાણીતાં નામ ગણાય.
કૈસા હૈ શ્રાપ હાયે
રે...હાયે રે ક઼િસ્મત - સતી રેણુકા – ગીતકાર: ભરત
વ્યાસ
અપેક્ષા મુજબ આ ગીત પણ
બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત જ છે.
પુત્રહીન કો પિતા...જનની
જનની મહિમા હૈ - સતી રેણુકા – ગીતકાર: ભરત
વ્યાસ
ફિલ્મનૂં રફીને ફાળે
આવેલું બીજું સૉલો પણ બેકગ્રાઉન્ડ ગીત છે.
ડી દિલીપ
દિલીપ ધોળકિયાએ હિંદી
ફિલ્મોમાં સંગીતકાર / સહાયક તરીકે કામ કરવા માટે ડી દિલીપ
તખલ્લુસનો પ્રયોગ કર્યો છે. હિંદી ફિલ્મ સંગીતની વક્રતાને પરિણામે ડી દિલીપ પહેલાં
એસ એન ત્રિપાઠી , અને પછી
ચિત્રગુપ્તના સહાયક તરીકે અને તે પછી લક્ષ્મીકાંત પ્યારેલાલના મુખ્ય એરેંજર તરીકે
વધારે જાણીતા છે. હિંદી ફિલ્મોમાં તેમણે એસ એન ત્રિપાઠી જેવા સંગીતકારોનાં કેટલાંક ગીતો પણ ગાયાં છે. તેમનાં
પોતાનાં નિદર્શનમાં તેમણે એક જ ગીત,
ખનકે કંગના ખન ખન
રે, છમકે ઘુંઘરૂ છન છન
રે (સૌગંધ, ૧૯૬૩)માં
મોહમ્મદ રફી અને લતા મંગેશકર સાથે પોતાનો સુર પુરાવ્યો છે.
અપને લિયે જિયે તો જ઼માનેમેં ક્યા જિયે - સૌગંધ - ગીતકાર પ્રેમ ધવન
આ ફિલ્મ પણ દક્ષિણની
ફિલ્મની રીમેક જ છે, પરંતુ
દિલીપ ધોળકિયાને સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાની પહેલવહેલી તક પણ આ ફિલ્મ
દ્વારા જ મળે છે.
આ ગીત પણ અન્ય રીમેક ફિલ્મોનાં ગીતોની જેમ છે તો બેકગ્રાઉન્ડ ગીત જ, પણ તે ફિલ્માવાયું
છે શિવાજી ગણેશન પર.
ખાસ નોંધ :
૧૯૬૩નાં વર્ષમાં
દિલીપ ધોળકિયા એક ગુજરાતી ફિલ્મ,
સત્યવાન સાવિત્રી,નું સંગીત
નિર્દર્શન પણ સંભાળે છે. તેમાં મોહમ્મદ રફીનું સૉલો ગીત એટલું અદ્ભૂત છે કે જો તે
હિંદી ફિલ્મમાં હોત તો જરૂર ખુબ વધારે વિશાળ સ્તરે લોકચાહના મેળવત.–
મીઠડી નજરૂં વાગી, એ ઝુકી ઝુકી શરમાય, મલકી હૈયું નચવી
જાય - સત્યવાન સાવિત્રી - ગીતકાર ભાસ્કર વોરા
ગુજરાતી ફિલ્મમાં
મોહમ્મદ રફીનાં આ પહેલાં સૉલોને અહી રજૂ કરવાની લાલચ રોકી શકાય તેમ નથી.
૧૯૬૧નાં વર્ષમા મોહમમદ રફીનાં આટલાં ગીતો ધ્યાનથી સાંભળવા માટે આજના અંકમાં
આપણે વિરામ લઈશું. ચોથા પંચવર્ષીય
સમયખંડનાં બાકીનાં બે વર્ષ,
૧૯૬૨ અને ૧૯૬૩,ની વાત
આપણે ૧૫ ડીસેમ્બરના રોજ કરીશું.
વતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ
રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર
મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના
પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ
છે.
૨૦૧૯નાં
જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના 'વિસરાતી
યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના
બારેય અંકને એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે વિસરાતી
યાદો..સદા યાદ રહેતાં ગીતો -૨૦૧૯ પર ક્લિક કરો.
No comments:
Post a Comment