'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનાં સહુથી પહેલાં પુસ્તક "માણસવલા કચ્છી માડુ: કીર્તિ ખત્રી'માં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને તેમની સાથે સંપર્કમાં આવેલે વ્યક્તિઓના દૃષ્ટિકોણથી જોવા મળ્યાં. તે પછી કચ્છની પ્રાકૃતિક / ભૌગોલિક વિશેષતાઓને લગતા વિષયોનાં વિવિધ પાસાંઓ વિષે આવાં બહુમુખી વ્યક્તિત્વધારી કીર્તિભાઇએ જાતે ભમીને કરેલા અભ્યાસનાં તારણો અને મતવ્યો થકી કચ્છનો આપણે વિગતે પરિચય કર્યો.
'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનું બીજાં પુસ્તક "જોયું, જાણ્યું, લખ્યું"નો પરિચય આપણે, આજે, ગ્રંથમાળાના લગભગ અંતમાં, કરી રહ્યાં છીએ.
પુસ્તકશ્રેણીના સંપાદક, માણેકલાલ પટેલ, તેમના સંપાદકીય લેખમાં પુસ્તકના થીમનો પરિચય આ શબ્દોમાં કરાવે છે :
'જોયું, જાણ્યું, લખ્યું'નાં કુલ ૩૪૧ પાનામાં ૬૯ લેખો છે. તેમાંથી કેટલાક લેખો અહીં વિગતે પરિચય માટે પસંદ કરેલા છે.
"અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિનું રોમાંચક પગેરું" (પૃ. ૪૧ -૪૫) - નવેમ્બર, ૨૦૦૦૨.
'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનું બીજાં પુસ્તક "જોયું, જાણ્યું, લખ્યું"નો પરિચય આપણે, આજે, ગ્રંથમાળાના લગભગ અંતમાં, કરી રહ્યાં છીએ.
પુસ્તકશ્રેણીના સંપાદક, માણેકલાલ પટેલ, તેમના સંપાદકીય લેખમાં પુસ્તકના થીમનો પરિચય આ શબ્દોમાં કરાવે છે :
”કીર્તિભાઇએ કચ્છ બહાર ભારત તેમ વિદેશમાં પ્રવાસ કર્યા પછી લેખશ્રેણીઓ લખી છે એ અનોખી છાપ ઊભી કરે તેવી છે. (તત્કાલીન) વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથેના પત્રકાર કાફલામાં સામેલ થઇને કમ્બોડિયા અને ઈસ્લામાબાદના પ્રવાસે તેઓ ગયા હતા ત્યારની કે તે પછી ભારતના ત્રિપુરા, અરૂણાચલ કે મણિપુર જેવા ઇશાની રાજ્યોની પ્રવાસ શ્રેણીઓમાં સ્થળનાં વર્ણન નહીં, પરંતુ પ્રજાની પીડાની અને સમસ્યાઓની વાત, તેમાં ઊંડા ઊતરીને કરી છે. ભારતની એકેએક બોર્ડર અને તેની આસપાસ રહેતા લોકોની પરેશાની અને સમસ્યાઓને વાચા આપી છે”.'કચ્છમિત્ર'ના તંત્રી તરીકે તેમને કચ્છની બહાર ફરવાનું થયું તે વિષેના દરેક લેખ એક એક અલગ પુસ્તક્નો વિષય બની શકવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ છતાં કીર્તિભાઇએ એ વિપુલ, રસપ્રદ માહિતી અને સમસ્યાઓને એક લેખ સ્વરૂપે જ રજૂ કરેલ છે. આ પુસ્તકમાં સમાવાયેલા ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો પરના લેખો તો તેમણે પોતાના જોખમે અને હિસાબે ખેડેલા પ્રવાસોની ફળશ્રુતિ છે.’
'જોયું, જાણ્યું, લખ્યું'નાં કુલ ૩૪૧ પાનામાં ૬૯ લેખો છે. તેમાંથી કેટલાક લેખો અહીં વિગતે પરિચય માટે પસંદ કરેલા છે.
"અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિનું રોમાંચક પગેરું" (પૃ. ૪૧ -૪૫) - નવેમ્બર, ૨૦૦૦૨.
‘ઇતિહાસકારોના તારણ અનુસાર બૌદ્ધ-હિન્દુ સંસ્કૃતિઓ એક સમયે તિબેટ, સિલોન, બ્રહ્મદેશ, જાવા, બાલી, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને છેક મધ્ય અમેરિકા સુધી વિસ્તરી હતી...હિન્દુ અને બૌદ્ધ ધર્મ..ના ફેલાવાની ..નોંધપાત્ર બાબત એ હતી કે ક્યાંયે ધર્મપરિવર્તન બળજબરી કે બળના પ્રયોગથી નથી થયું કે નથી ક્યારે કોઇ કત્લેઆમ થઇ...અંકોરવાટના અજોડ મંદિરથી માંડીને નાનામાં નાનાં હિન્દુ કે બૌદ્ધ ધર્મસ્થાનોના શિલ્પ-સ્થાપત્યમાં ભારતીય અને પૌર્વાત્ય શૈલીનો સંગમ જોવા મળે છે. એવું જ પ્રજાજીવનમાં પણ ડોકાય છે…. અરે, રાજા નોરોદોમ સિંહાનુકના શાહી રાજમહેલમાં મહિનામાં બે વાર, હિન્દુ વિધિ અનુસાર પૂજન થાય છે. ધોતિયું પહેરેલા 'મહારાજ' રાજમહેલ પરિસરમાં દેખાય એ સામાન્ય ચિત્ર છે...એક સાથી પત્રકારે માહિતી આપી કે થાઇલૅન્ડમાં તો મકાન બાંધકામ શરૂ કરતાં પહેલાં તેની લગોલગ એક ખૂણામાં નાનકડું મંદિર બંધાય છે. જેમાં બુદ્ધ અને બ્રહ્માની મૂર્તિઓ મુકાય છે.. આપણે..(ત્યાં) ખેડબ્રહ્મા કે પુષ્કર સિવાય બીજે ક્યાંય બ્રહ્માના મંદિર વિશે જાણ્યું નથી....લાઓસ, કમ્બોડિયા, થાઇલૅન્ડ બૌદ્ધધર્મી છે, પરંતુ ઇંડોનેશિયા તો ઇસ્લામિક દેશ છે..ઇંડોનેશિયાની સત્તાવાર ભાષા 'બહાસા'...માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના શબ્દોનો મોટી સંખ્યામાં સમાવેશ થયેલો છે...(જેમ કે) ડિફેન્સ વિભાગને આપણે સંરક્ષણ વિભાગ તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઇંડોનેશિયામાં એ 'આયુદ્ધ' નામે પ્રચલિત છે....ધર્મ ઇસ્લામ હોય કે બૌદ્ધ, પણ સંસ્કૃતિ ભારતીય છે...ફ્નોમપેન્હ અને વિયેનશીએનમાં રસ્તાઓ પર ફરીએ તો આપણને એમ જ લાગે છે કે જાણે ત્રિપુરા, મેઘાલય કે આસામના કોઇ વિસ્તારમાં ફરીએ છીએ.'"લાઓસવાસીઓની હિજરત કચ્છને ભૂલાવે એવી છે !" (પ. ૫૭)
‘વર્ષોથી દુષ્કાળ સહિતની કુદરતી આપત્તિઓની વણજારનો ભોગ બનતાં કચ્છીમાડુએ રોજીરોટીની ખોજમાં હિજરત કરી છે...અત્યારે એની કુલ વસ્તી ૧૪ લાખની છે તો એથી દોઢ-બમણા કચ્છી મુંબઇ, ભારતના અન્ય પ્રદેશો ઉપરાંત વિદેશમાં સ્થાયી થયા છે. આપણે માનીએ છીએ કે આવી હિજરતનો જોટો વિશ્વમાં ક્યાયે જોવા મળે તેમ નથી, પરંતુ લાઓસ આપણાથી આગળ છે...સંભવતઃ લાઓસ એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની કુલ વસ્તીથી વધુ લોકો વિદેશમાં છે...ક્ચ્છીઓની હિજરત કુદરતસર્જિત છે, જ્યારે લાઓસવાસીઓની હિજરત માનવસર્જિત છે.’"ભોરિંદો-સુરિંદો અને જોડિયા પાવાની રમઝટ !" (પૃ. ૭૪) - ૬-૧-૨૦૦૪
‘ઇસ્લામાબાદના આલીશાન ઝીણા કન્વેન્શન સેન્ટરના..ઑડિટોરિયમમાં સાર્ક શિખર સંમેલન શરૂ થયું એ પહેલાં..એક મોટા પરદા પર સાંસ્કૃતિક કાર્યક્રમનાં વીડિયો ચિત્ર રજૂ થઇ રહ્યાં હતાં, તેમાં સિંધના કલાકાર ભોરિંદો, સુરિંદો તેમજ જોડિયા પાવાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા....ક્ચ્છમાં બન્ની તેમ જ અન્ય વિસ્તારોમાં ભોરિંદોવાદન પ્રખ્યાત છે તેમ જોડિયા પાવા પણ જુદા જુદા કાર્યક્રમોમાં જોવા મળે છે...સુરિંદોના સૂર હવે ભાગ્યે જ સાંભળવા મળે છે.જાણવા મળ્યું કે સુરિંદો તો સિંધમાં આજેય પ્રખ્યાત છે અને વાજિંત્રનું ઉત્પાદન પણ થાય છે. વીડિયોના પરદે એ પણ જોવા મળ્યું.’“પાક નકશામાં જૂનાગઢ” (પૃ.૮૦-૮૧) - ૨૯-૪-૨૦૦૪
‘૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સાર્ક શિખર પરિષદ ઇસ્લામાબાદમાં મળી હતી, ત્યારે મહેમાન પત્રકારોને 'પાકિસ્તાન: બેઝિક ફેક્ટ્સ' શીર્ષક સાથેની એક પુસ્તિકા આયોજકોએ આપી હતી...જેના નીચેના ભાગમાં એક ખાસ ચોકઠામાં સૌરાષ્ટ્રનો નકશો મુકાયો છે. ચોકઠાની ઉપરના 'જૂનાગઢ માણાવદર' શીર્ષક લગાવેલું છે અને જૂનાગઢ જિલ્લાની હદ પાકિસ્તાનની હદ હોય એ રીતે દર્શાવેલી છે....સાર્ક પરિષદને ચાર મહિના વિત્યા પછીયે ભારતે પાકિસ્તાન સમક્ષ આ પ્રશ્ને કોઇ વાંધો નોંધાવ્યો હોય એવું સત્તાવાર જાણવા મળ્યું નથી.’"સરહદી થાંભલો ફાડીને પીપળો રે ઊગ્યો....વાત જમ્મુ સરહદના રસપ્રદ સ્થળની" (પૃ.૯૭/૯૮) - ૪-૭-૨૦૦૮
‘જમ્મુ-કાશ્મીરની સરહદ પર કેટલાંક સ્થળ બંને દેશમાં લોકપ્રિય છે.... જમ્મુ શહેરથી ચાળીસેક કિ.મી. દૂર પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પર પીપળાને જોઇને...કવિ વેણીભાઇ પુરોહિતની પ્રખ્યાત કાવ્ય રચનાની 'ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો..' પંક્તિ સહેજે યાદ આવી જાય... પણ આ પીપળાની કહાની કંઇ ઔર છે..જમ્મુથી માંડ પાંત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર સૂચેતગઢ નજીક સીમા સુરક્ષા દળની ઓક્ટ્રોય ચોકી આવેલી છે...અહીં જૂના રાજાશાહીના જમાના સરહદી થાંભલા આવેલા છે….(આવા એક થાંભલામાંથી ઊગ્યા પછી તેને આખેઆખો ગળીને વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી ચૂક્યો છે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પીપળો)… જેમ કચ્છરાજે સિરક્રીકના મુખથી છેક લખપત સુધીના કાદવવાળા વિસ્તારમાં થાંભલા બનાવ્યા હતા તેમ અહીં પણ એ જમાનાના થાંભલા મોજૂદ છે.’“સ્ત્રી સમાનતા ને અધિકારમાં ઓમાન ઘણું આગળ છે !”(પૃ. ૧૦૪-૧૦૭) ૧૫-૮-૨૦૧૦
‘...વિશેષ ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ ઇસ્લામિક દેશમાં પુરુષ જેટલા જ સમાન અધિકાર મહિલાઓને આપવામાં આવ્યા છે. પરિણામે યુનિવર્સિટીઓમાં યુવાનો કરતાં યુવતીઓની ટકાવારી વધી ગઇ છે...સિક્કાની બીજી બાજુ એ છે કે મહિલાઓએ તેમને મળેલી તક ઝડપી લીધી અને બે દાયકામાં જ શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું....અખાતના કે આરબ જગતના કોઈ પણ દેશમાં સ્ત્રી અધિકારની આવી આદર્શ સ્થિતિ બીજે ક્યાંયે નહીં હોય...’“અનોખી શક્તિપીઠ ઇમ્ફાલની માતૃબજાર” (પૃ.૧૫૯-૧૬૪) ૨૦-૨-૨૦૧૧
‘ (મણિપુરની રાજધાની) ઇમ્ફાલમાં સવાસો-દોઢસો વર્ષ જૂની..એક મહાબજાર છે, તેમાં ૩૦૦૦ સ્ટોલ છે, અને તેની તમામની માલિકી મણિપુરી ગૃહિણીઓની છે... દુકાનદાર માલિકણ અવસાન પામે તો વારસો પુત્રીને મળે. એ પુત્રી પરિણીત હોવી જોઇએ. સંભવતઃ તેથી આ બજાર 'ઈમા કૈથેલ" એટલે કે માતૃ બજાર નામે પ્રચલિત છે...નાની સાંકડી ગલીઓમાં ભરચક ગીરદીમાં તૈયાર કપડાંથી માંડીને વાસણ જેવી ઘરવખરીની ચીજો અને શાકભાજીથી માંડીને માછલી જેવી ખાદ્યવસ્તુઓના ધૂમ વેપાર સાથે જીવન ધબકતું રહે છે...અંગ્રેજોનું શાસન ભારત પર ભલે બે સદી સુધી રહ્યું હોય પણ મણિપુર પર માત્ર (૧૮૯૧ થી ૧૯૪૭)૫૬ વર્ષ જ અંગ્રેજોનું રાજ રહ્યું..આઝાદીની ચળવળ વખતે કે રાજ્યના જુલમ કે ગેરવહીવટ સામે જંગે ચડવામાં મણિપુરની નારીએ દુકાનો-બજારો બંધ કરીને શેરીઓમાં નીકળી પડવામાં પાછીપાની કરી નથી...એ વાતની નોંધ લેવી કોઇએ કે અહીંની નારી આટલી સક્રિય હોવા છતાં તેનો સમગ્રતયા સમાજ મેઘાલય જેવો માતૃપ્રધાન નથી...(પરંતુ) મેઘાલયમાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હોવા છતાં ત્યાંની નારીએ મણિપુરી સ્ત્રીઓની જેમ સામૂહિક હિત કે સામાજિક ન્યાય માટે ચળવળો ચલાવી નથી...મણિપુરી નારી..નાગરિક અધિકારો માટે કેમ લડતી થઇ એ સવાલનો જવાબ ભૂતકાળની પરંપરા અગર રિવાજમાં રહેલો છે. છેક ૧૮૦૦ના સમયમાં ..રાજ્યના પુખ્તવયના દરેક પુરુષે વર્ષના અમુક દિવસો સુધી વિના વળતરે રાજને સેવાઓ આપવી. ફરજિયાત મફત મજૂરી નામે ઓળખાતી વેઠપ્રથા..ને કારણે ઘરમાંથી પુરુષની લાંબા સમયની ગેરહાજરીએ સ્ત્રીને બહાર નીકળી કુટુંબના ભરણપોષણ ખાતર કમાવાની ફરજ પડી...૧૯૭૫માં - દારૂ, ચરસ-ગાંજો અને અન્ય કેફી પદાર્થોના નશાની નશાબંધી -'નિશાબંદી' નામે ચળવળ રમણીદેવીના નેજા હેઠળ માતૃ બજારની મહિલાઓએ શરૂ કરી..સામાન્ય સ્ત્રીઓ વિસ્તાર વાઇઝ જૂથ બનાવીને રાત્રિ પહેરો ભરવાનું શરૂ કર્યું. જો કોઇ પુરુષ દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર ધાંધલ કરતો દેખાય તો તેની પીટાઇ પણ મહિલાઓ કરતી.પછી દેશી દારૂ વેચનારાનાં પીઠાં પર જઇને જાહેરમાં દારૂ નાશ કરવાનું પગલું લેવાયું. આખરે ૧૯૯૧માં મણિપુરને ડ્રાય સ્ટેટ જાહેર કરાયું...૧૯૮૦..માં સશસ્ત્ર દળોને ખાસ સત્તાઓ આપતો ધારો મણિપુરમાં અમલી બન્યો.. આ ધારા હેઠળ એક સ્થાનિક નેતાને ઉગ્રવાદી હોવાની શંકાઓ પરથી લશ્કરે પકડી લીધો.. પણ મહિલાઓના મોરચાએ તેને છોડાવ્યો..એક કિસ્સામાં અર્ધલશ્કરી દળના જવાને એક સ્ત્રી પર બળાત્કાર કરતાં તેનું અવસાન થયું..આ સમયે રમણીદેવીના નેજા હેઠળ બાર જેટલી મહિલાઓએ આસામ રાયફલના મુખ્યમથક સામે 'નિઃવસ્ત્ર' દેખાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી.. … ભૂગર્ભ ઉગ્રવાદી જૂથો દ્વારા ખંડણીની માગણી કરાય છે ત્યારેય આ મહિલા મશાલચીઓ તેનો વિરોધ કરે છે.. ખૂંચે તેવી બાબત એ છે કે મહિલા અધિકારની રક્ષા માટે તો જાગૃત નથી...અને તેનો એકરાર પણ કરે છે........'“આફ્રિકાના આર્થિક જંગમાં ભારત હજુયે ચીનને મહાત કરી શકે" (પૃ.૨૧૬-૨૨૨) ૧૬-૯-૨૦૧૨
‘વૈશ્વીકરણના યુગમાં ચીનના અતિક્રમણને પગલે ભારત-આફ્રિકી દેશો વચ્ચેના સંબંધો એક નવા અને અનિશ્ચિત મોડ પર આવી ગયા છે. ખાસ તો માળખાંકીય સુવિધાઓનાં બાંધકામના ક્ષેત્રે ચીનની અતિઝડપી પેશકદમીએ અમેરિકન અને યુરોપિયન રાષ્ટ્રોનેય હંફાવી દીધાં છે...આવી સ્પર્ધામાં ખરેખર મરો તો નાના અને મધ્યમ કદના વેપારીઓ તેમ જ વ્યવસાયકારો અને નોકરિયાતોનો છે..હવે તો ભય વ્યક્ત થઇ રહ્યો છે કે રોજી-રોટી માટે 'ઊંધો પ્રવાહ' શરૂ થવાની શક્યતા છે...જો કે ઊર્જા અને ખનિજક્ષેત્રે બધું જ ..ઢસડી જવાના ચીનના ઇરાદા સામે હવે આફ્રિકી દેશોના નેતાઓ પણ લાલબત્તી ધરવા લાગ્યા છે...ઉપરાંત બધાં કામો પર, માત્ર અને માત્ર ચીની શ્રમિકોને જે રોજી આપવા સામેય સ્થાનિક વિરોધ જાગવા માંડ્યો છે...વળી રાજ્યવ્યવસ્થાને સંબંધ છે ત્યાં સુધી લોકશાહીની જાળવણી અને માનવ અધિકાર જેવા ક્ષેત્રો માટે અમેરિકા (પણ જોઇએ છે)...ઇતિહાસ પર નજર કરતાં ભારતનાં મૂળિયાં ઊંડાં જોવા મળે છે...(છેલ્લાં કેટલાંક વર્ષોથી) આફ્રિકાના આર્થિક- સામાજિક વિકાસમાં ..શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી માંડીને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં ભારતની સહાયથી અનેક દેશો સર્વાંગી અને ટકાઉ વિકાસ હાંસલ કરી શકશે...આ પ્રકારના પ્રોજેક્ટોમાં અને તાલીમ કાર્યક્રમોમાં ભારતને ચીન કરતાં વિશેષ લાભ મળે છે એ ભાષાનો છે...બાકી રહી છે પ્રજાની વાત. જે ભારતીઓ વર્ષોથી આફ્રિકામાં સ્થિર થયા છે તેઓ સ્થાનિક લોકો પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરે અને સાથેસાથે રંગભેદ તદ્દન ભૂલી જઇને તેમની સાથે ભળી જાય એ જરૂરી છે....’"ભુજની મેઘતૃષ્ણા, લંડનની સૂર્યતૃષ્ણા" (પૃ.૨૬૩-૨૬૫)
'જુલાઇ ૨૦૧૩ના અંતિમ સપ્તાહમાં લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવમાં ભગ લેવાનો યોગાનુયોગ મોકો મળ્યો, ત્યારે "કચ્છથી આવ્યા છો, વરસાદ પડ્યો કે કેમ?" આ સવાલ જે પણ ઓળખીતા મળતા હતા એ પૂછતા હતા..વિદેશમાં સ્થાયી થયા પછીયે કચ્છી સમાજ જેમ પોતાના વતનને ભૂલ્યો નથી તેમ પાણીની અછતને ય ભૂલ્યો નથી...વિધિની વિચિત્રતા તો જૂઓ કે આવા મલકનો માડુ બેવતન થઇને જ્યાંવસ્યો છે એ લંડનના લોકોને સૂર્યતૃષ્ણા સતાવે છે.....“નિરોણાની ખરકી સ્વિત્ઝર્લેન્ડની કાઉબેલ બન્નીનું ભરત જર્મનીની કુકુઝ ક્લૉક” (પૃ. ૨૯૩ - ૨૯૮) ૨૨-૯-૨૦૧૩
'રણની અસહ્ય ગરમી કે બર્ફીલી પહાડીઓની કાતિલ ઠંડીએ માનવીને બક્ષેલી સમયની મોકળાશ અનેક કામણગારી કલા-કારીગરીના વિકાસનું નિમિત્ત બની છે....ભરબપોરે શરીર દઝાડતા સૂર્યના તાપને લીધે ભૂંગામાં ભરાઇ રહેવું પડે..એવા સંજોગોમાં..પ્રવૃત્તિના એક ભાગરૂપે સ્ત્રી વર્ગે સોય-દોરાનો સહારો લીધો અને એક વિશિષ્ઠ ભાતીગળ કસબનો ઉદ્ભવ કચ્છ અને રાજસ્થાન જેવા રણપ્રદેશમાં થયો....આવું જ થયું હોવાનો અહેસાસ કાંઇક જર્મનીના બર્ફીલા, બ્લેક ફોરેસ્ટ,ના વિસ્તારમાં થયો...શિયાળામાં અહીં ચોમેર બરફની ચાદર અને હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય છવાઇ જાય, જનજીવન ઠૂંઠવાઇ જાય..અહીં પણ થીજી ગયેલા સમયનો સદ્ઉપયોગ કરવાના પ્રયાસોની ફળશ્રુતિરૂપે 'કુકુઝ ક્લૉક', યાને 'કોયલ ઘડિયાળ' હાથેથી બનાવવાનો કુટિર ઉદ્યોગ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે...બન્નીનું ભરત અને જર્મનીની કુકુઝ ક્લૉકની ખોજ અસહ્ય ગરમી અને કાતિલ ઠંડીએ બક્ષેલી સમયની મોકળાશને આભારી છે, પણ હસ્તકલાની પંચતીર્થી સમી નિરોણાની ખરકી અને સ્વિત્ઝર્લેન્ડની કાઉ-બેલ એટલે કે ગાયઘંટીની પરંપરા, પશુપાલનના વ્યવસાયના એક સાધનરૂપે, વૈશ્વિક છે.'કીર્તિભાઇના લખાણોમાં 'ઉદ્દેશની સ્પષ્ટતા, મુદ્દાની તાર્કિકતા, વિશિષ્ટ શૈલી, સંદર્ભો સહિતની રજૂઆત,ખૂબ ઝીણું કાંતીને સમસ્યા કે વિષયના મૂળ સુધી જવાની ખાસિયત અને પંડિતાઇના ભાર વિનાની ભાષાનું પ્રભુત્વ' પ્રસ્તુત પુસ્તકમાં બહુ જ ખીલેલું જોઇ શકાય છે. ભવિષ્યમાં આ પ્રકારના પુસ્તકમાં જો ફોટોગ્રાફ્સ જેવી સામગ્રી પણ સમાવવામાં આવે તો એ પુસ્તક ઘણું વધારે ગ્રાહ્ય પણ બની રહેશે..
કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com
વેબ ગુર્જરી પર ૯ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ
No comments:
Post a Comment