Saturday, December 27, 2014

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૧:

:: અનોખા પ્યારનાં ગીતોનાં ગાયનના અનોખાં વૈકલ્પિક સ્વરૂપ
clip_image002clip_image003


અનિલ બિશ્વાસ હિંદી ફિલ્મ સંગીતના પ્રાતઃ કાળ અને સુવર્ણકાળના સંધિકાળના સમયના એક એવા સંગીતકાર છે જેમણે ગીતોની બાંધણી, ગાયન શૈલી અને વાદ્યસજ્જામાં આમૂલ પરિવર્તનો કરીને ફિલ્મ સંગીતને ચિરયૌવન બક્ષે તેવી સંસ્કૃતિ ઘડી આપી. એ સમયે જે કેટલાંક પાર્શ્વગાયકોએ ફિલ્મ સંગીત ક્ષેત્રે પ્રવેશ કર્યો તેમાંનાં મુકેશ, તલત મહમૂદ અને લતા મંગેશકર જેવાં ગાયકોની નૈસર્ગીક લાક્ષણિકતાઓને નીખારવા માટેનો સંગીન પાયો પણ તેમણે નાખી આપ્યો.

કહેવાય છે કે અનિલ બિશ્વાસ ગાયકના અવાજની રેન્જને ધ્યાનમાં રાખીને ધૂન તૈયાર ન કરતા, પણ ધૂનની માંગ મુજબ ગાયકના ગળાંમાથી અવાજ કઢાવી રહેતા. તેમની આ પદ્ધતિનો સહુથી વધારે લાભ લતા મંગેશકરને મળ્યો એમ કહી શકાય. કુદરતી રીતે જ બહુ જ મોટી રેંજ ધરાવતો અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલિમ લતા મંગેશકરના દૈવી બક્ષિસ સમા અવાજને અનન્ય ઉંચાઇઓ લઇ જવા માટે પૂરતાં ન થઇ રહ્યાં હોત જો તેમને અનિલ બિશ્વાસ જેવા ઘાટ ઘડનારનો સ્પર્શ ન મળ્યો હોત. તો સામે પક્ષે અનિલ બિશ્વાસ પણ લતા મંગેશકરના અવાજની ખૂબીઓને બહુ જ શરૂથી જ પારખી ગયા હતા, એટલે પોતાની ધૂનોની દરેક ખૂબીઓને શત પ્રતિ શત ન્યાય મળે તે માટે એમણે લતા મંગેશકર સાથે બહુ જ દિલથી મહેનત કરી (અને લતા મંગેશકર પાસે એવી મહેનત કરાવી).

ગુલામ હૈદરે લતા મંગેશકર પાસે ૧૯૪૮માં 'મજબૂર' માટે ગીત ગવડાવ્યાં. તે પછી અનિલ બિશ્વાસે 'અનોખા પ્યાર' અને 'ગજરે' જેવી ફિલ્મોમાં લતા મંગેશકરને સમાંતર તક આપી. જો કે લતા મંગેશકર તેમનાં અનિલ બિશ્વાસસાથેના સંગાથની શરૂઆત ૧૯૪૯ની ફિલ્મ 'ગર્લ્સ સ્કૂલ'થી થયેલ ગણાવે છે. ફિલ્મ પ્રકાશિત થવાના સમયની આ ટેક્નીકાલીટીઓને નઝર અંદાજ કરીએ તો પણ આ ફિલ્મોમાં જોવા મળતી લતા મંગેશકરના અવાજમાંની 'નુરજહાં-અસર' તો ૧૯૫૦ની 'આરઝૂ' સુધીમાં ક્યાંય ઓગળી ને, ભવિષ્યમાં પાર્શ્વગાયનમાટે એક માત્ર માપદંડ બની રહેવાનો હતો તે, 'લતા મંગેશકર અવાજ' તરીકે પાંગરી ચૂકેલ જોવા મળે છે.

ખેર, આપણે સંગીતની આ બારીકીઓની ચર્ચામાં નહીં જઇએ. આપણે તો અનિલ બિશ્વાસના સ્વરનિયોજનમાં બનેલી ૩૦ ફિલ્મોનાં કુલ્લ ૧૨૩ ગીતોમાંથી જેટલાં પણ ગીતો મળશે તેમને વર્ષના ક્રમમાં ફિલ્મવાર રજૂ કરીશું. આમ આ લેખ એક નાની સી લેખમાળા બની રહેશે. અનોખા પ્યાર (૧૯૪૮)
 
મેરે ફૂલોમેં છીપી હૈ જવાની – ગીતકાર : બેહઝાદ લખનવી


ફિલ્મમાં નલીની જયવંત પર ફિલ્માવાયેલાં ગીતો માટે લતા મંગેશકરના અવાજનો ઉપયોગ કરાયો હતો...અહીં સંગીતમાં અને ગાયિકાના અવાજમાં પણ યુવાની ફુટતી અનુભવાય છે..

ઘડી ઘડી પૂછો ના જી, કીસસે મેરી પ્રીત હૈ - ગીતકાર : ગોપાલ સિંઘ ‘નેપાલી’

ગીતમાં શબ્દોના ભાવને તાનના ઉતાર ચડાવ વડે કેટલી અદાથી રજૂ કરાયા છે..


જીવન સપના ટૂટ ગયા - ગીતકાર : ઝીયા સરહદી

અનિલ બિશ્વાસ ગીતની સિચ્યુએશન મુજબ ધુનમાં જે પ્રયોગ કરવા પડે તે કરતાં અચકાતા નહીં...

આ ગીત સાંભળ્યા બાદ મુકેશના અવાજમાં ગવાયેલું જોડીદાર ગીત સાંભળીશું તો આ વાત તરત જ સમજાઇ જાય છે..



ભોલા અનાડી મેરા બલમા ન જાને - ગીતકાર : ઝીયા સરહદી

ફિલ્મમાં જે ગીતો નરગીસ પર ફિલ્માવાયાં હતાં તે મીના કપુરના અવાજમાં સાંભળવા મળે છે, પરંતુ એ જ ગીતોને રેકોર્ડ પર લતા મંગેશકરના અવાજમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે. મીના કપુરનાં ગીતો લતા મંગેશકરના અવાજમાં શા માટે રેકોર્ડ થયાં તે વિષે ઘણી વાતો થતી રહી છે, પરંતુ આ બન્ને વર્ઝન માટે અનિલ બિશ્વાસે લય કે સૂરમાં કે વાદ્યસજ્જામાં જે ફેરફારો કર્યા છે તેને જ આપણે તો માણીએ... યાદ રખના ચાંદ તારોં, ઈસ સુહાની રાત કો - ગીતકાર : ઝીયા સરહદી


આ ગીત મીના કપુરના અવાજમાં


મેરે લિયે વો ગમ-એ-ઇન્તઝાર છોડ ગયે - ગીતકાર : બેહઝાદ લખનવી


મીના કપુરના અવાજમાં



એક દિલ કા લગાના બાકી થા જો દિલ લગાકે દેખ લિયા - ગીતકાર : ઝીયા સરહદી


હવે મીના કપુરના અવાજનું ફિલ્મમાંનું ગીત



અય દિલ મેરી વફામેં કોઇ અસર નહીં હૈ - ઈરા (શ્રીમતિ રોશન)નાગરથ સાથે - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં નલીની જયવંત અને નરગીસ આ ગીત દ્વારા પોતપોતાની લાગણીઓ અનુક્રમે લતા મંગેશકર અને મીના કપુરના અવાજમાં વ્યક્ત કરે છે



અબ યાદ ના કર ભૂલ જા અય દિલ વો અફસાના - મુકેશ સાથે - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં મુકેશની સાથે મીના કપુરનો સ્વર હતો..



૧૯૪૮ અને ૧૯૪૯માં અનિલ બિશ્વાસ અને લતા મંગેશકરની બીજી ચાર ફિલ્મો પણ આવી હતી, જે હવે આપણે હવે પછીના અંકમાં ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સાંભળીશું.

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૭ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ છે.

No comments: