Saturday, December 6, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)


હિંદી ફિલ્મ જગતના બે બહુ જ લોકપ્રિય રોમૅન્ટિક નાયકો, દેવ આનંદ અને શમ્મી કપુર, એક સરખા પ્રકારની દસ પરિસ્થિતિઓમાંથી પસાર થતી વખતે જે અલગ રીતે રજૂ થતા જોવા મળતા રહ્યા છે તેમાંની ૪ પરિસ્થિતિઓ આપણે આ લેખના પહેલા ભાગમાં માણી ચૂક્યાં છીએ. હવે આગળ....

#૫# અમીર યુવક 'આમ છોકરી'ના પ્રેમમાં પડે, ત્યારે...

અમીરીગરીબીનાં અંતરે તો કંઈ કેટલીય પ્રેમકહાણીઓમાં પ્રાણ પૂર્યા છે.

તુઝે જીવનકી ડોર સે બાંધ લિયા હૈ, તેરે ઝુલ્મો સિતમ સર આંખો પર - અસલી નકલી (૧૯૬૨) | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
અમીર યુવકે 'આમ' છોકરીનું દિલ જીતવા 'મધ્યમ વર્ગ'ના થવાનો સ્વાંગ ભજવવો પડે, પણ આપણી ફિલ્મોમાં મધ્યમ વર્ગનાં છોકરા -છોકરી બાગોમાં ગીત તો ફાંક્ડાં જ ગાય !

 મુઝે કિતના પ્યાર હૈ તુમસે, અપને હી દિલસે પૂછો તુમ, જિસે દિલ દિયા હૈ વો તુમ હો, મેરી ઝિંદગી તુમ્હારી હૈ - દિલ તેરા દિવાના (૧૯૬૨) - સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર

પહેલાંની પરિસ્થિતિમાંથી દેવ આનંદને કાઢીને શમ્મી કપુરને મૂકી દો એટલો જ ફેર કરવો પડે આ ફિલ્મમાં; અને હા, હીરોઈનો પણ બદલવી પડે ! એ જ સંગીતકાર બંને ગીતોમાં છે, પણ બંને હીરોની ઈમેજને બંધ બેસતી ધૂન બનાવવાની હથોટી આ બંને ગીતોને અલગ જ અંદાજ બક્ષે છે.


#૬# ચીડાઈ ગયેલી પ્રેમિકાને ગીત ગાઈને રીઝવવી '૬૦ના દાયકાના લગભગ દરેક હીરો એકેએક ફિલ્મમાં 'રૂઠી હુઈ હસીના"ને મનાવવાની કળામાં માહિર હતા.

માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગવારા નહીં - પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) | સંગીતકાર : સચીન દેવ બર્મન - ગાયક : કિશોરકુમાર


નાયક નાયિકાને ખીજવી ખીજવીને રીઝવી લે છે. દિગ્દર્શક વિજય આનંદે ગીતનાં ફિલ્માંકનમાં સાઈકલ અને બેડમિન્ટન રૅકૅટને પણ મહત્ત્વનાં પાત્ર બનાવી દીધાં છે.

 દિવાનેકા નામ તો પૂછો કામ તો પૂછો ચાહે ફિર ન મિલના - એન ઈવનીંગ ઈન પૅરિસ | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી

શમ્મી કપુરનાં તોફાનોને વાચા આપવા આપવામાં રફી 'લાઉડ' બની ગયા હતા - ગીતના અંતમાં રફી સાહેબનાં ઊંચા સૂરનો લાં….બો આલાપ સાંભળજો - એવી લાગણી એક વર્ગમાં ઘર કરવા લાગી હતી, જેને પરિણામે નાયકોની બદલતી પેઢીમાં કિશોર કુમાર થોડાં વર્ષો પછી મોખરાનું સ્થાન મેળવી શક્યા એવી વિચારધારા પણ '૭૦ના દાયકામાં બળવત્તર બની એમ કહેવાય છે.


#૭# અજાણ્યાં લોકોની સાથે નાયિકાની પહેચાન કરાવવી

આ પરિસ્થિતિ માટે શમ્મી કપુરનું જે ગીત પસંદ કર્યું છે તેની પાછળ જ એક બહુ રસિક કહાની છે. એટલે ક્ર્મ ઉલટાવી પહેલાં શમ્મી કપુરને જોઈએ.

'તીસરી મંઝિલ' માટે પહેલાં તો દેવ આનંદ નક્કી થયા હતા. પણ સંજોગવશાત ફિલ્મ આવી શમ્મી કપુરના ફાળે. દિગ્દર્શક નાસીર હુસૈને 'દિવાના મુઝસા નહીં', 'તુમને મુઝે દેખા', ‘ઓ મેરે સોના રે સોના' તો દેવ આનંદ માટે પણ એ જ સ્વરૂપે રાખ્યાં હોત, પણ 'આજા જા મૈં હું પ્યાર મેરા' કે ' ઓ હસીના ઝુલ્ફોંવાલી'ને દેવ-સ્પર્શ આપવો પડ્યો હોત !

જો કે 'દેખીયે સાહીબોં,વો કોઈ ઔર થી' [તીસરી મંઝિલ (૧૯૬૬) | સંગીતકાર - રાહુલ દેવ બર્મન | ગાયક મોહમ્મદ રફી]ને પણ દેવ સા'બ તેમની ઝૂમતી અદામાં ન્યાય તો આપી શકત.



યે હી તો હૈ વોહ, યહી તો હૈ - સોલવાં સાલ (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી

એકદમ ચુલબુલું, મીઠડું ગીત.

આ બંને ગીતોમાં, લગભગ દસ વર્ષોમાં રફી સાહેબની શૈલીમાં આવેલા બાહ્ય બદલાવની આલબેલ સંગીતકારની બદલી રહેલી પેઢીમાં પણ સંભળાય છે. તેમની કારકિર્દીના છેલ્લા દસકામાં રફી સા'બને પાછળ પાડી દેનારાં પરિબળોમાં નાયકોની બદલતી પેઢીની સાથે સંગીતકારોની પણ બદલતી પેઢીએ પણ કંઈક અંશે ફાળો તો ભજવ્યો. 
  
#૮# પ્રેમિકાનું મન જીતવા છોકરીઓની પિકનિકમાં

'૫૦ અને '૬૦ના દાયકાઓમાં પાર્ટીઓ અને પિકનિકો એ શહેરી યુવાન સમાજના આધુનિક હોવાનાં પ્રમાણપત્ર તરીકે ફિલ્મોમાં દર્શાવાતાં. પ્રેમને પાંગરવા માટે પિકનિક અને પ્રેમને જાહેર કરવા કે તૂટેલા સંબંધની જાહેરમાં ખાનગી રજૂઆત માટે પાર્ટી આદર્શ 'ફોર્મ્યુલા' પરિસ્થિતિ ગણાતી .
યે દુનિયાવાલે પૂછેંગે - મહલ (૧૯૬૯) | સંગીતકાર : કલ્યાણજી આનંદજી | ગાયક : કિશોર કુમાર

પિકનિક હોય કે પાર્ટી, નાયક (કે નાયિકા) સામેનાં પાત્ર માટે ગીત ગાય તેને માટે મિત્રો (કે મહેમાનો) સાંભળ્યા છતાં ન સમજ્યાં કરીને પૂરેપૂરી સગવડ કરી આપતાં.


 તુમ સે અચ્છા કૌન હૈ, લેલો જિગર લો જાન લો - જાનવર (૧૯૬૫) | સંગીતકાર : શંકર જયકિશન | ગાયક : મોહમ્મદ રફી

જો કે આ ગીતમાં બહેનપણીઓ હોંશેહોંશે નાયકની મદદમાં નીકળી પડી છે.
 આડ વાત :
લાલ છડી મૈદાન ખડી (જાનવર), મેઘા રે બોલે ઘનન ઘનન (દિલ દેકે દેખો) કે અય ગુલબદન (પ્રોફેસર) જેવાં ગીતો પરથી શમ્મી કપુર તો છોકરીઓની પિકનિકમાં ભળી જવામાં નિપુણ ગણી શકાય એવાં પાત્રોમાં બહુ સ્વાભાવિકતાથી ગોઠવાઈ જતો હોય તેવું લાગે છે ને ! Smile
#૯# ક્લબ, ખલનાયકો અને છદ્મવેશમાં નાયક

હિંદી ફિલ્મોમાં હંમેશાં બનતું આવ્યું ,છે તેમ હીરોના વેશપલટાને કારણે ખલનાયકો તેને ઓળખી ન શકે, પણ પ્રેક્ષકને તો આ પરિસ્થિતિમાં મજા પડી જ જાય.

ગુસ્તાખ નઝર ચહેરેસે હટા - જાલી નોટ (૧૯૬૦) | સંગીતકાર - ઓ પી નય્યર | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે

નાયક પોલીસ અફસર છે એટલે વેશ પલટો કરીને ગુંડાઓની વચ્ચે પહોંચી તો જાય છે, પણ ચુલબુલી નૃત્યાંગના હંમેશની જેમ વચ્ચે પડે, એટલે આપણા નાયક પણ ગીત ગાઈ લે, થોડુંઘણું ક્લેરીનેટ પણ વગાડી લે.

ધોખા ખાયેગી ન યારોંકી નઝર - સીંગાપોર (૧૯૬૦) | સંગીતકાર : શંકર જયકિશન |ગાયકઃ મોહમ્મદ રફી


અહીં પણ આમ તો પરિસ્થિતિ સરખી જ છે, પણ આ વખતે હીરો શમ્મી કપુર છે, એટલે તે પણ બે ઘડી નાચવાગાવાની મોજ પણ માણી લે છે.
 


#૧૦# નિરાશાને શરાબના નશામાં ડુબાડી દેવી

દેવ આનંદે શરાબીની દાર્શનિક, મોજમજા, ગાંડીઘેલી કે ઉદાત્ત કે અહીં રજૂ કરી છે તેવી ગમને શરાબના જામમાં ડુબાડી દેવાવાળી ભૂમિકાઓ ઘણી કરી છે. જેની સરખામણીમાં શમ્મી કપુરની તો ગમમાં ડૂબેલા શરાબીનું આ એક પાત્ર જ યાદ આવે છે.

દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ (૧૯૬૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન |ગાયક : મોહમ્મદ રફી

ફિલ્મનાં પોતાનાં પાત્ર સાથે તેની પ્રેમિકાને છેતરવાની હદ સુધી પહોંચી ગયેલા નાયક માટે થતા અણગમાને પણ ગીતની ભાવુક રજૂઆત જાણે નશામાં ડુબાડીને હળવો કરી નાખે છે અને એ માટે ગીતકાર, ગાયક, સંગીતકાર અને દિગ્દર્શકને દાદ તો દેવી જ પડે !

હૈ દુનિયા ઉસીકી , જમાના ઉસીકા, મહોબ્બતમેં જો હો ગયા હો કિસીકા - કાશ્મીરકી કલી (૧૯૬૪) | સંગીતકાર : ઓ પી નય્યર |ગાયક : મોહમ્મદ રફી

અહીં ફરક માત્ર એટલો છે કે નાયકે ગમના દરિયામાં જાતે જઈને ડૂબકી નથી મારી, સંજોગો તેને ડૂબકીઓ ખવડાવી રહ્યા છે. એટલે પોતાના પ્રેમ માટેના આંસુભર્યા પસ્તાવાને બદલે અહીં નાયકને પોતાના એ પ્રેમ માટે ગર્વ છે.







"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર 

No comments: