Sunday, March 28, 2021

ક્ષમસ્વ – હરેશ ધોળકિયા

‘રામાયણ’ આપણું એવું પ્રાચીન મહાકાવ્ય છે જેનું પેઢી દર પેઢી હસ્તાંતરણ મૌખિક રીતે થતું આવ્યું છે. ‘રામાયણ’નું સૌથી પ્રચલિત સ્વરૂપ વાલ્મીકિ રામાયણ રહ્યું છે. પરંતુ આપણા દેશના દરેક પ્રાંતમાં જે તે સમયની સાંપ્રત પરિસ્થિતિ અનુસાર રામાયણપઠન કરનાર કથાકારો તેને પોતાની રીતે મૂલવતા આવ્યા છે. સ્વાભાવિક છે કે ‘રામાયણ’નું કથાવસ્તુ મૂળતઃ તેનાં મુખ્ય પાત્ર રામની આસપાસ ગુંથાતું હોય. રામ સિવાયનાં અન્ય મુખ્ય પાત્રોને યાદ કરીએ તો સીતા, લક્ષ્મણ, રાવણ કે હનુમાનથી આગળ યાદી ભાગ્યે જ લંબાય. કથાવસ્તુમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય પણ તે પાત્ર વિષે સીધી રીતે બહુ કહેવાયું ન હોય એવાં અનેક પાત્રો છે. આ બધાં પાત્રો માટે કથાવસ્તુમાંની તેમની ભૂમિકાની સાથે સુસંગત એક ખાસ છાપ પણ સામાન્ય વાંચકનાં મનમાં અંકિત થયેલી હોય છે.

એવાં બે પાત્રો છે મહારાજ દશરથની ત્રીજી પત્ની કૈકેયી અને તેની દાસી મંથરા. કે કૈકેયી એવી વીરાંગના હતી જે દશરથની સાથે યુધ્ધમાં સાથે રહેતી. એવાં એક યુદ્ધમાં તેણે પોતાની આગવી સૂઝ વડે દશરથના રથનાં ધરીમાંથી નીકળી પડેલા પૈડાંને પોતાની આંગળી મૂકીને કાર્યરત રાખેલું. આથી ખુશ થઈને મહારાજા દશરથે તેને બે વરદાન માંગવા કહેલું. કૈકેયીએ ત્યારે ને ત્યારે વરદાન માંગવાને બદલે યોગ્ય સમયે પોતે એ માંગશે એમ જણાવ્યું. એ અનુસાર રામના રાજ્યાભિષેકની જાહેરાત થવા સાથે તેણે, તેની કુટિલ મનોભાવના ધરાવતી – તેને કારણે મહદ અંશે શરીરે પણ કુબડી બતાવાતી – તેની ખાસ દાસી મંથરાની ચડામણીથી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને રાજગાદી મળે તેવાં વરદાન માંગેલાં.

તુલસી કૃત રામાયણ તેમ જ 'રામાયણ’નાં અન્ય અનેક લોકકથા સ્વરૂપમાં સ્વીકારાયું છે કે કૈકેયીને રામ માટે અનન્ય પુત્રપ્રેમ હતો. તેમને એ પણ ખ્યાલ હતો કે રામનાં જીવનનો મૂળ હેતુ આર્યાવર્તમાં ધર્મનાં પુન:સ્થાપનનો
છે. આ વાતને હરેશ ધોળકિયા તેમની તાજેતરમાં પ્રકાશિત થયેલી ‘લઘુ’ નવલકથા ‘ક્ષમસ્વ’ માં રજૂ કરે છે. જો કે પુસ્તકનાં નિવેદનમાં હરેશ ધોળકિયા કહે છે તેમ તેમને કોઈ ‘ગેબી’ શક્તિએ પ્રેરણા આપી અને તેમના હાથે આપોઆપ જ કૈકેયીના પાત્રની અલગ જ કેફીયત કહેતી વાર્તા લખાતી ગઈ.પ્રસ્તુત નવલકથા ‘ક્ષમસ્વ’નો પ્રારંભ કૈકેયી દ્વારા માંગવામાં આવેલાં બે વરદાનના ઘટનાક્રમથી થાય છે, પણ તેનો સંદર્ભ અલગ છે. આમ થવા પાછળના તર્કને પણ લેખકે પ્રારંભમાં જ સ્પષ્ટ કરી દીધો છે. તેઓ કૈકેયીનાં પાત્રનાં મનોજગતને સ્વાભાવિક ક્રમમાં વિકસવા દેવા માટે, કલ્પનાના માધ્યમ વડે નવલકથાના સ્વરૂપમાં આ આગવી કેફીયત કહે છે.

હરેશ ધોળકિયાનાં પાત્રાલેખનો વર્ણનો વડે નથી વિકસતાં. તે માટે તેમણે ઘટનાક્રમની ગૂંથણી અને પાત્રો વચ્ચેના સંવાદોને માધ્યમ તરીકે લીધાં છે. વળી, મૂળતઃ પોતે વાર્તાનો જીવ ન હોવાથી, તેમના પાત્રો વચ્ચેના સંવાદોમાં શબ્દોની કાવ્યમય રસિકતા પણ સ્વાભાવિકપણે નથી. તેમ છતાં, ૧૪૨ જેટલાં જ પાનાંમાં કહેવાયેલી આ નવલકથા કૈકેયીનાં પાત્રના, ઓછા જાણીતા પાસાને પુરેપુરો ન્યાય મળી રહે તે રીતે રજૂ કરે છે.

કૈકેયીનાં પાત્રની નકારાત્મક ભૂમિકા સામાન્ય વાચકના મનમાં એટલી દૃઢ થઈ ગઈ છે કે પ્રસ્તુત નવલકથાનાં વીસ પ્રકરણમાં ઉઘડતા કૈકેયીનાં સાવ અલગ વ્યક્તિત્ત્વને વાચકનું મન કદાચ સમજી શકે એમ બને, પણ મનથી સ્વીકારી ન શકે એ શક્ય છે. એટલે તર્કબધ્ધ લખવા કેળવાયેલો હરેશ ધોળકિયાનો ‘સ્વ’ તેમને લેખક તરીકે પણ સમગ્ર નવલકથાના ઘટનાક્રમને તર્કબધ્ધ રજૂ કરવા પ્રેરતો જણાય છે. તે ઉપરાંત, લેખક એકવીસમા પ્રકરણમાં બધાં પાત્રોને એકઠાં કરીને પોતપોતાની મુંઝવણો અને મંતવ્યો રજૂ કરવાની તક આપે છે. તેમાં કૈકેયી સિવાયનાં જે જે પાત્રોએ તેને ‘કુટિલ’, ‘સ્વાર્થી’ વગેરે કહી હતી તે કૈકેયીની ક્ષમા માગે છે. સામે કૈકેયી પણ પોતાના આદર્શને નક્કર સ્વરૂપ આપવા માટે પોતે પસંદ કરેલા માર્ગ માટે ક્ષમા પ્રાર્થે છે.

સમગ્ર નવલકથામાં ‘રામાયણ’ જેવાં મહાકાવ્યને કહેવા માટે ભારેખમ શબ્દો અને સંબોધનો વાપરવાને બદલે લેખકે પોતાની સરળ શૈલીનો જ પ્રયોગ કર્યો છે. સંવાદો ટુંકા છતાં સરળ છે. છતાં કથાવસ્તુમાં પાત્રોનાં આપસી સંબંધોને છાજે એવી ગરિમા જળવાઈ છે. ઉદાહરણ સ્વરૂપ એક સંવાદ જોઈએ –

અવતરણ શરૂ -

કૈકેયી હાથ જોડીને બોલી, “અને મને માફ કરશો ?”

કૌશલ્યા અને સુમિત્રા બોલ્યાં, “કૈકેયી, તને માફ કરવાની અમારી લાયકાત નથી. છતાં કહીએ કે છીએ કે “ક્ષમસ્વ”. તું મહાન છો. તું અદભૂત છો. તું જ રામને અવતાર બનાવનાર છો. તેથી આત્યંતિક પ્રિય છો. તું જ અમને માફ કર.”

અવતરણ પુરૂં.

હરેશ ધોળકિયાનું પ્રકાશિત લેખન વિષયવૈવિધ્ય અને સંખ્યાત્મક દૃષ્ટિએ વિપુલ છે. પણ તેમનાં લગભગ દરેક પુસ્તકો બસો પાનાંની અંદર અંદર જ પુરાં થઈ જાય છે. તેમની આ નવમી નવલકથા છે. દરેક નવલકથાનો વિષય અને તેની રજૂઆત સાવ બીનપરંપરાગત કહી શકાય તેવી છે. તે કારણે તેમની નવલકથા ‘પસંદ’ કરવાવાળો વર્ગ પણ બીનપરંપરાગત વાચકનો રહ્યો છે. લગભગ એક જ બેઠકે પુરી થઈ શકે તેવી કથાની ગતિ અને કથનની લંબાઈ છે.

ક્ષમસ્વની અન્ય વિગતોઃ

લેખકહરેશ ધોળકિયા

પૃષ્ઠસંખ્યા+૧૪૬ કિંમતરૂ. ૧૭૦/-

પ્રાપ્તિસ્થાન: ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ ૩૮૦૦૧ -મેઈલgoorjara@yahoo.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રૉઃ

નિવાસસ્થાન ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

No comments: