Sunday, August 6, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : અન્ય લેબ્સ અને મૌખિક પરીક્ષાની 'ગર્મ હવા'

 

મટીરીઅલ્સ ટેસ્ટીંગ, કે (આઇ સી) એંન્જિન્સ, કે (બાબા આદમના જમાનાનાં) બોઇલર જેવી બીજી પ્રયોગશાળાઓમાં અમારી ભૂમિકા તો તીરે ઊભીને દૃશ્યાવલિઓ માણતા પેક્ષકો જેવી જ હતી. પ્રયોગ કર્યા છે તેમ કહેવાય એટલે અમુક રીડીંગ્સ નોંધીને તેના પરથી સુત્રો વડે ગણતરીઓ કરીને અમુક તમુક તારણો કાઢી  લેવાનાં એટલું જ અમારે ભાગે રહેતું!

જોકે, (બીજા અને ત્રીજા વર્ષના છેલ્લા) સમેસ્ટરના અંતમાં  મૌખિક પરીક્ષાનો સમય આવે એટલે અમારા ક્લાસનાં વાતાવરણમાં વીજળીની લહેરો દોડવા લાગી જતી. આખો વર્ગ આઠ દસ વિદ્યાર્થીઓનાં જૂથોમાં વહેંચાઈ જાય, આંખો બંધ કરીને કોપી મારેલાં જર્નલોનાં પાનાંઓ ફડફડવા લાગે અને દરેક જૂથમાં એક કે બે મિત્રો 'માર્ગદર્શક ગુરુ'ની ભૂમિકા આવીને કયા પ્રયોગોમાંથી કેવા કેવા સવાલો પુછાઈ શકે તેની યાદી , ધાણી  ફૂટે એમ, બોલતા જાય. આખા વર્ગમાંથી જેમના જેમના આગળનાં વર્ષના વિદ્યાર્થીઓ સાથે સંપર્કો હોય તે લોકો પણ મૌખિક પરીક્ષાની પ્રશ્નાવલીઓ જાણી લાવ્યા હોય તે પણ હવે ચર્ચામાં ઉમેરાય. જૂથનો દરેક સભ્ય પોતાથી બનતી બધી કોશિશ કરીને જવાબો ખોળે અને જૂથ સમક્ષ રજૂ કરે. કયો જવાબ સૌથી વધારે સાચો ગણવો એ અંગેની ચર્ચામાં 'હું સાચો'ની ગરમાગરમી હોય, 'આવા તે જવાબ હોય !'ની ઠઠ્ઠા મશ્કરીઓ પણ હોય અને 'લો, આટલું પણ ન આવડ્યું'ની નિરાશા પણ હોય. અને તેમ છતાં અમુક સવાલોના 'સાચા' જવાબ વિશે કોઇ સહમતિ ન થાય તો કોઇ એકબે ને બીજાં જૂથોની મદદ લઈને એ જવાબો મેળવી લાવવાની જવાબદારીઓ સોંપાય.

મૌખિક પરીક્ષાનું સમય પત્રક આઠ કે દસ દિવસને આવરી લેતું હોય. રોલ નંબરના ઉતરતા ક્રમ મુજબ દરરોજ અમુક અમુક વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવાય. પણ પહેલા જ દિવસથી આખો ક્લાસ પરીક્ષા ખંડની બહાર હાજર હોય. જે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી બહાર આવે તેને ગોળના ગાંગડાને મંકોડાઓ ઘેરી વળે એમ બીજા બધા ઘેરી વળે અને ગણતરીની સેકંડોમાં જ તેને પુછાયેલા પ્રશ્નો હવામાં વીખરાઈ જાય. ફરીથી નાનાં નાનાં જૂથોમાં 'કયો જવાબ સાચો'ની રેપીડ ફાયર ચર્ચા થાય અને ફરીથી બીજો વિદ્યાર્થી બહાર આવે તેની ઘડીઓની ગણતરી શરૂ થાય. તેમાં પણ જો કોઈ વિદ્યાર્થી 'બહુ વધારે સમય માટે' કે સાવ  જ થોડા સમય માટે' પરીક્ષા ખંડમાં રહે તે તેને પુછાયેલા પ્રશ્નો અને તેના જવાબોના આધારે 'રહ્યો કે ઉડ્યો'નું મૂલ્યાંકન પણ બહાર પડી જાય!

લગભગ અચુકપણે એક પ્રથા તો જોવા મળતી જ - જેની પરીક્ષા પતી ગઈ હોય એમાંના ઘણા વિદ્યાર્થીઓ પણ એ દિવસની બધી જ પરીક્ષાઓ પતી ન જાય ત્યાં સુધી સ્થળ પરથી ખસતા નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓ તો પછીના દિવસોમાં પણ આવે. આમ થવા પાછળ, માત્ર ઉત્સુકતા હતી, કે છૂપો ભય હતો, કે ભ્રાતૃભાવની ભાવના હતી તે ન તો ત્યારે જાણવાની પરવા કરેલી કે નથી તો આજે સમજાતું !

જોકે, અમારાં 'મિત્રમંડળ'ના લગભગ બધાના જ નંબરો છેલ્લાં ગ્રૂપમાં રહેતા એટલે અમે તો બધા દિવસે હાજર હોઈએ જ. તેમાં પણ પાછો મારો નંબર તો વળી સાવ છેલ્લો હોય. એટલે હું પરીક્ષા આપીને બહાર ન આવું ત્યાં સુધી બાકીના બધા હાજર તો રહે જ. બસ, પછી હળવા થઈને ક્યાં તો હોસ્ટેલ ભણી જઈએ, કે પછી ક્યાં તો સાઈકલ સ્ટેંડ પાસે ઊભા રહીને અમારી વચ્ચે સામાન્યપણે થતી  'અભ્યાસેતર' ચર્ચાઓ કરીને મૌખિક પરીક્ષાને પાછળ મુકીને આગળ તરફની મંઝિલ પર ચાલી નીકળીએ…..

જોકે, મને યાદ છે ત્યાં સુધી મૌખિક પરીક્ષાને કારણે કોઈ 'ફેઈલ' નહોતું થતું. હા, મોટા ભાગના વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ ૫૦ % ટકાની આસપાસ રહેતા, અને આખા વર્ગના માર્ક્સ ઘંટ આકારના આલેખની જેમ ઓછામાં 'પાસીંગ' માર્કસથી લઈને વધારેમાં વધારે ૬૦-૭૦%ની આસપાસ રહેતા.

દરેક વર્ષની અમારી બેચની પરિસ્થિતિ પણ આવી જ રહી અને મને યાદ છે ત્યાં સુધી લગભગ બધાં જ વર્ષોમાં આવી જ રહેતી. એટલે હવે નવાઈ નથી લાગતી કે  'પ્રેક્ટિકલ્સ'ને વિદ્યાર્થી આલમ કેમ હળવાશથી લેતી અને શિક્ષકોની પણ માનસિક ભૂમિકા 'આનાથી વધારે તો શું થાય' એવી જ કેમ રહેતી હશે !

હવે પછી 'મારા હોસ્ટેલના દિવસો'થી યાદગીરીઓની આ સફર પુરી કરતાં પહેલાં એક મણકામાં 'પાચ વર્ષની અન્ય અભ્યાસેતર પ્રવૃતિઓ'ની યાદ મમળાવીશું.  

2 comments:

Vasant said...

You have narrated voice od EACH student. Thank uou for articulating mental status of students about practical examinations.

Vasant said...

Enjoyed narrations.