Monday, February 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૧/૪ ǁ યૂસુફ ખાનના જીવનની અંગત વાતો

-પરિચયકર્તા  - અશોક વૈષ્ણવ
દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869


હિંદી ફિલ્મ જગતના એક બહુ જ ખ્યાત વ્યક્તિત્વ, દિલીપ કુમાર, પર આ પહેલાં બે પુસ્તકો લખાયાં છે -બન્ની રુબેનનું Dilip Kumar: Star Legend of Indian Cinema અને લૉર્ડ મેઘનાદ દેસાઇનુંNehru’s Hero: Dilip Kumar In The Life Of India .

જો કે DILIP KUMAR - THE SUBSTANCE AND THE SHADOW - An Autobiographyપુસ્તક લખાવાનાં બીજ પણ એ વાતમાં જ છે કે દિલીપ કુમાર વિષે જે કંઇ લખાયું છે તેમાં મૂળ વાતના તોડમરોડ કે ગેરમાહિતી વધારે રહ્યાં છે. સરવાળે, હાર્દ સમા યૂસુફ ખાન વિષે તો ખાસ કંઇ જાણવા મળ્યું જ નથી, અને એટલે છાયા સમા, હિંદી ફિલ્મ જગતના સર્વકાલીન મહાન કલાકારો પૈકી બહુ જ અગ્રીમ સ્થાન ધરાવતા, દિલીપ કુમાર વિષે તો કંઇ કેટલીય કપોળકથાઓ જ ઘુમરાયા કરે તે કદાચ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં બહુચર્ચિત, પરદા પર અનેક સ્વરૂપે જોવા મળેલ, પોતાના જીવનકાળમાં જ દંતકથા સમાન બની રહેલા અભિનેતાનું અધિકૃત, દિલની ગહરાઈમાંથી ફૂટી નીકળેલ, ઝકડી રાખે તેવું આત્મકથાનક વૃત્તાંત પ્રકાશિત થાય તો તેના વિષે વધારે વિગતે જાણવાની ઉત્સુકતા થાય જ.

આપણે અહીં ન તો આ પુસ્તકની કે ન તો અભિનેતા દિલીપ કુમારની પરદા પરની કામગીરીની સમીક્ષા કરીશું. આપણે તો આખું પુસ્તક વાંચ્યા બાદ તેમાંથી જે જે વાતો તારવીને નોંધી લેવા જેવી જણાઈ છે તેની અહીં પરિચયાત્મક નોંધ ટપકાવવી છે, જેના વડે ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ પેશાવર (તે સમયના હિંદુસ્તાનમાં), એક બહુ જ સાલસ, નેક, ખુદાપરસ્ત પઠાણ યુગલ - મોહમ્મદ સરવર ખાન અને આયેશા બીબી-ને જન્મેલ ૧૧ બાળકો પૈકી ચોથા બાળક મોહમ્મદ યૂસુફ ખાનનાં હાર્દ અને તેમાંથી વટવૃક્ષ થયેલ છાયા, દિલીપ કુમારને,તેમની પોતાની નજરથી, સમજવાની કોશિશ કરીશું.

પુસ્તકને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય તેમ છેઃ
  • દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ;
  • સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન, અને
  •  સાથી કલાકારો તેમ જ સગાસંબંધીઓની યાદો.
આપણે આપણી આ પરિચયાત્મક નોંધને આ મુજબ ભાગોમાં વહેંચીને દર અઠવાડિયે એક એક ભાગને માણીશું.આ પરિચયમાં, પુસ્તકમાંનાં પ્રકરણોનાં શીર્ષકો ઘાટા અંગ્રેજી અક્ષરોમાં રાખ્યાં છે.
૦-૦-૦

ફળોના વેપારીના પુત્ર યૂસુફખાનની ભારતીય ફિલ્મ જગતના કિવદંતિ સમાન મહાન અભિનેતા દિલીપ કુમાર સુધીની સફર

image


પુસ્તકના આમુખ/Forewordમાં સાયરા બાનુની કેફિયત દ્વારા દિલીપ કુમારનાં વ્યક્તિત્વનાં કેટલાંક ખાસ પાસાંનો પરિચય થાય છે :
§ દિલીપ કુમાર વાચનના જબરા શોખીન છે. તેમનું વાચન બહુ આયામી છે. પદ્ય સાહિત્ય, શાસ્ત્રીય સંગીત અને નૃત્ય તેમના ખાસ શોખના વિષય છે.

§ તેમનું વ્યક્તિત્વ પ્રદેશો, ધર્મો અને નાતજાતનું મોહતાજ નથી રહ્યું. કોઈની પણ નબળી બાજુ તો તેમને દેખાતી જ નથી.

§ તેમની બિનસાંપ્રદાયિક માન્યતાઓ તેમના દિલના ઊંડાણમાંથી પેદા થયેલી છે. દરેક ધર્મ, જાત, સમુદાય કે પંથ માટે તેમને એક સરખું માન છે. તેમના બહુ જ નજદીકના મિત્રોમાં પારસીઓ આગવું સ્થાન ધરાવે છે.

§ પોતાના કુટુંબ માટે તેમને બહુ જ લગાવ છે.

§ કુદરત સાથે માણવાનો એક પણ મોકો ચૂકવાનું તેમને બિલકુલ પસંદ નથી.

§ આખું કુટુંબ સાથે હોય અને તેઓ પતંગ ઉડાડતા હોય તે તેમના માટે દૈવી આનંદ છે. જાત જાતના પતંગો અને માંજાઓના ખજાનાની તેઓ તેમના અંગત પોષાકના જેટલી જ માવજત રાખે છે.


દિલીપ કુમારે વર્ણવેલા આ આત્મકથાનકને પુસ્તકના દેહે મૂર્ત કરનારાં ઉદયતારા નાયર બહુ જાણીતાં લેખક અને પત્રકાર તો છે જ, પણ તે સાથે તેઓ દિલીપકુમાર દંપતીનાં બહુ જ લાંબા સમયનાં સારાં મિત્ર પણ છે. સ્વાભાવિક જ છે કે આ પુસ્તક કરવાની તકને તેઓ તેમના પ્રવેશાત્મક સંપાદકીયને A Dream Come True/ સાચું નીવડેલું સ્વપ્ન કહે. દિલીપ કુમારે પોતાની દાસ્તાન કહેવાનું કબૂલ્યા પછી પણ તેમની પાસેથી જ તેમની અંતરંગ બાબતો વિષે વિગતે કઢાવવી એ પડકાર તો લેખિકાની સામે હતો જ, પણ તે સાથે તેમણે જે કંઈ કહ્યું તે બહુ જ શુદ્ધ ઉર્દુમાં કહેવાયું હતું, તેને સ્વાભાવિક પ્રવાહમાં વહેતી અંગ્રેજીમાં રજૂ કરવું તે પણ એટલું જ મુશ્કેલ કામ નીવડ્યું હતું. આ અનુભવમાં તેમને દિલીપ કુમારની એક સાચા વ્યાવસાયિકની લગનથી ફિલ્મ બનાવવાના સંચાલનના કૌશલ્યને અંકે કરવાની પદ્ધતિ તેમ જ ખ્યાતિ પામેલા કળાકારની સામાજિક જવાબદારીઓ અંગેની સભાનતા ખાસ આકર્ષે છે. આન(૧૯૫૨)માં એ પહેલાં મુખ્ય ભૂમિકાઓ ભજવતા પ્રેમનાથને નેગેટિવ ભૂમિકા આપવાની વાતને ફિલ્મની જાહેરાતની મુખ્ય ધરી બનાવવી કે "તેમણે કોઇ બાબતે દેખાડો નથી કર્યો, પછી એ કોઈ માટે માન કે સાથી કલાકાર માટે ની ચિંતા હોય".. કે સ્ક્રિપ્ટનો તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાના કિરદારને બરાબર સમજીને પોતાની આસપાસની ઘટનાઓને એ પાત્રને અનુરૂપ બનાવવા જેવી તેમની માર્મિક ખૂબીઓ વગેરે તેમની વ્યાવસાયિક સજ્જતાને પુસ્તકમાં સારી રીતે રજૂ કરવામાં લેખિકા સફળ રહ્યાં છે.

પહેલાં આઠ પ્રકરણમાં યૂસુફ ખાનના દિલીપ કુમારમાં રૂપાંતરણની ભૂમિકાનું સવિસ્તર વર્ણન કરાયું છે.

એ સમયનાં વિભાજન પહેલાંનાં હિંદુસ્તાનના ઉત્તરપશ્ચિમી સરહદી પ્રાંતના રળીયામણા શહેર , પેશાવરના કિસ્સા ખ્વાની બજારના ઘરમાં યૂસુફખાનના જન્મ /Birthની તારીખ ઇતિહાસને ચોપડે જરૂર નોંધાઈ હશે - ફિલ્મજગતના ભવિષ્યના ધ્રુવતારકની યાદમાં નહીં, પણ તે દિવસે ત્યાંની સોની બજારમાં લાગેલી ભીષણ આગને કારણે. આગ અને તોફાન જેવા ખાસ સંજોગોમાં જન્મેલો દૌહિત્ર અસામાન્ય છે તેવી નાનીની માન્યતાને, તે પછી થોડા જ દિવસોમાં આવી ચડેલા એક ફકીરની, આ બાળક 'બહુ નામના કમાશે અને અપ્રતિમ સિદ્ધિઓ પામવા સર્જાયેલ છે એટલે બૂરી નજરોથી તેને હંમેશાં બચાવતાં રહેજો’, એવી ભવિષ્યવાણીએ પાકું સમર્થન પૂરૂં પાડ્યું હતું. બૂરી નજરથી ઓજલ રાખવાના દાદીના અવનવા અને જડબેસલાક પ્રયત્નોને કારણે બાળક યૂસુફ શાળામાંથી જ એકાંતપ્રિય બનતો ગયો અને તેને સચિત્ર પુસ્તકોની કાલ્પનિક દુનિયા વધારે ગોઠવા લાગી હતી.

કુટુંબનાં સૂત્રધાર માતામહી અને એમનો દૌહિત્ર (The Matriarch and Her Brood) અભિન્ન હતાં. બાળકના ઉછેરના સમયમાં, તેને દુનિયાની બૂરી નજરથી બચાવી રાખવાના એમણે જે પ્રયાસો કર્યા તેની બાળક યૂસુફના કુમળા મન પર જે અસરો થઈ તે દિલીપ કુમારના પ્રબુદ્ધ મનમાંથી તેની કારકીર્દીના શરૂઆતના સમયમાં ભજવેલા કરૂણ પાત્રોમાં ઝલક પામી, જેને કારણે તેમને કારકીર્દીના બહુ જ શરૂના તબક્કામાં જ 'કરૂણાંતિકાના રાજા' (Tragedy King)નું બિરૂદ પણ મળી ચૂક્યું હતું. શાળામાં યૂસુફના અતડાપણાની અસર તેના ઘરમાંના બાળપણના વ્યવહારો પર પડી નહોતી, પણ પરદા પર કરુણ રસને વહાવતા તેમના મન પર જે અસરો પડી તેણે તેમને માનસચિકિત્સકની મદદ લેવા મજબૂર જરૂર કરી દીધા હતા.

યૂસુફના બાળપણની શરારતો અને સાહસો /Escapades and Adventuresને કારણે દિલીપ કુમારની (ફિલ્મોની) વાર્તા કહેવા સમજવાની સૂઝને જરૂર ચેતના મળી હશે. નાનો યૂસુફ દરરોજ પિતાની આંગળી પકડીને શહેરના ચોકમાં જતો અને કોઇને કોઇ મૌલાનાએ માંડેલી વાતને રસપૂર્વક સાંભળતો. વાત સાંભળવાની મજા માણ્યા બાદ ઘરે આવી, પોતાની ફળદ્રુપ કલ્પનાના રંગ તેમાં ઉમેરીને એ વાતોનાં પાત્રોના પાઠ પણ તે હોંશે હોંશે કરતો. વર્ષો બાદ આ અનુભવો દિલીપ કુમારને ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળવાની બેઠકોમાં વાર્તાની ખુબીઓને સમજી લેવામાં બહુ મદદરૂપ થઈ. તેમનાં નાની તેમના જીવનનું પહેલું સેન્સર બૉર્ડ બન્યાં. સગડીના અંગારાની ગરમી માણતાં કુટુંબીજનો ભાત ભાતની વાતોની મજા માણતાં. એ બેઠકોમાં ઘરની સ્ત્રીઓ અને છોકરાંઓ પણ હોય. એટલે જો કોઇ વાત તેમની હાજરીમાં કરવા જેવી ન હોય, તો નાનીનું કડક મનાઈ ફરમાન ફરી વળતું. પોતાના એકાંતના સમયમાં બાળ યૂસુફ તેનાં માબાપને મળવા આવતાં લોકોની સાંભળેલી વાતોની નકલ કરીને પોતાના અભિનયના પ્રયોગો કરીને સમય પસાર કરતો. આ મુલાકાતીઓમાં યૂસુફના પિતા, આગાજી,ના મિત્ર બશવેશ્વરનાથ કપૂરનો દેખાવડો એવો મોટો દીકરો પણ હતો. એ જ, યુવાન દિલીપ કુમારના ભવિષ્યના મિત્ર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર !

થોડા સમય બાદ વિશ્વ યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગ્યાં એટલે ધંધાના વિકાસની નવી તકના એક નવા પ્રકરણની શરૂઆત(Off To Bombay: A New Chapter Begins) કરવા યૂસુફના પિતાજી મુંબઈ ગયા. મુંબઈ તરફની ફ્રંટીઅર મેલની મુસાફરી દરમ્યાન, તેમના ઘણા હિંદુ તેમ જ મુસ્લિમ મિત્રો સ્ટેશને સ્ટેશને તેમના માટે નાસ્તા અને ભાત ભાતનું ખાવાનું લઈને મળવા આવતાં હતાં. જ્યારે ટ્રેન સ્ટેશને ઊભી રહેતી ત્યારે વેચવાવાળાઓ 'હિંદુ ચાય, હિંદુ પાની, મુસ્લિમ ચાય, મુસ્લિમ પાની'ની ટહેલ નાખતા જોવા મળતા. જો કે મુસાફર ખાન કુટુંબ તો આવા કોઇ ફરક વિષે સભાન નહોતું. કિશોર યૂસુફ આવાં હુંફ અને પ્રેમના વાતાવરણમાં ઉછરી રહ્યો હતો. શરમાળ ઘણો, પણ નાખુશ તે બિલ્કુલ નહોતો. હવે (૧૯૩૭માં) તેના માથાના વાળનો ટકલો ન કરી દેવાતો. કાળાં ઘુંઘરાળાં ઝુલ્ફાં તેને ત્યાં આવતી ઔરતો માટે ખાસ આકર્ષણ બની રહેતું. આને કારણે તેનાં અમ્માજી નજર ઉતારવાની વિધિઓમાં જ વ્યસ્ત રહેતાં. આજે ૯૨ વર્ષે પણ, જ્યારે કોઇ મુલાકાતી તેમની તબિયત કે દેખાવ માટે બે સારા શબ્દો કહે કે જે દિવસે તેમના હસ્તાક્ષર માગનારાઓની ભીડ વધારે થઈ હોય કે વધારે પડતાં વખાણ થયાં હોય ત્યારે તેમનાં પત્ની, સાયરા બાનુ, પણ એવાં જ વિધિવિધાનો કરતાં રહે છે !

કિશોરાવસ્થાનાં ઉછેરનાંવર્ષો / The Growing Up Years દરમ્યાન ખાન કુટુંબ મુંબઈથી લગભગ ૧૮૦ કિ.મી. દૂર, ગિરિ મથક દેવલાલી રહેવા ગયું. અહીં લશ્કરનું થાણું હતું, એટલે યૂસુફને શાળામાં અંગ્રેજોની જેમ અંગ્રેજી વાંચતાંબોલતાં શીખવા મળ્યું.તેને ફુટબૉલમાં પણ એટલી હદે દિલચશ્પી જાગી કે તેને તો મોટા થઈને ફુટબોલના શિરતાજ ખેલાડી બનવું હતું. જો કે તેના પિતાજીની દિલી તમન્ના હતી કે પુત્રના નામની સાથે બ્રિટિશ રાજનો ખિતાબ લાગે. યૂસુફ જ્યારે મુંબઈની ખાલસા કૉલેજમાં ભણવા ગયો ત્યારે તેને રાજ કપૂરની સાથે કૌટુંબિક મિત્રતાની દોર સાંધવાની તક મળી. રાજ ક્પુરને ક્રિકેટનો ગાંડો શોખ હતો. આ મિત્રતા આગળ જતાં એક જ વ્યવસાયમાં પ્રવૃત્ત બે વ્યક્તિ વચ્ચેનાં આત્મીય સંબંધથી આગળ વધીને આપસી ભરોસો અને માન પર આધારિત આગવું બંધન બની રહી. યૂસુફ હવે તેના પિતાજીને મદદરૂપ થવાની કોશિશ કરી રહ્યો હતો, એવામાં નિયતિ કંઇ ક નવું જ નક્કી કરી રહી હતી.

પુનાના અંતર્વિરામે(The Poona Interlude) હવે વીસીમાં પ્રવેશેલા યૂસુફને પોતાના પગ ઉપર ઊભા રહેવાની તક અને હિંમત આપી. એ પણ જીવનનો બહુ મહત્ત્વનો અનુભવ રહ્યો. એ સમય દરમ્યાન જે થોડી સ્વતંત્રતા ચાખવા મળી તેને કારણે પિતાની આકાંક્ષાઓ પૂરી કરવા અને તેમનો વારસો સ્વીકારી લેવા તે માની જશે કે કેમ તે વિષે પિતાને હવે થોડી શંકા હતી.

સંજોગોએ બદલેલી કરવટોને કારણે ઠાઠમાઠથી રહેવાની કક્ષાએ પહોંચેલ દીકરો મુંબઇ પરત આવ્યો (The Return of The Prodigal). કુટુંબની જે અવર્ણનીય સલામતી અને હુંફ, તેમજ જાણીતા વાતાવરણને તે ઝંખતો હતો તે અહીં તેને પોતાનામાં સમાવી લેવા હાથ ફેલાવી રહ્યું હતું.

મુંબઇ આવ્યા પછી હવે યૂસુફ કોઈક અર્થપૂર્ણ વ્યવસાયની શોધમાં લાગી ગયો. સંજોગવશાત, એક દિવસ તેની મુલાકાત પિતાજીના એક ઓળખીતા ડૉ. મસાણી સાથે થઇ ગઇ. તે પછી, એક પછી બીજી ઘટના બનતી ગઈ અને યૂસુફને પહેલી જ મુલાકાતમાં બોમ્બે ટૉકીઝનાં માલિક અને તે સમયનાં ખૂબ જ ખ્યાતનામ કલાકાર અને ફિલ્મ નિર્માતા દેવિકારાણીએ મહિને રૂપિયા ૧૨૫૦ના પગારથી કામે રાખી લીધો ! યૂસુફના જીવનના આ વળાંક/ The Turning Point પર તેની મુલાકાત અશોક કુમાર સાથે પણ થઈ જે જીવનપર્યંતની મિત્રતામાં પાંગરી રહી.

ફિલ્મ જગતમાં દાખલ થયા પહેલાનાં જીવનની અંતરંગ વાતો કહેતાં આ પ્રકરણો ઉપરાંત પુસ્તકના અંતમાં દિલીપ કુમાર કૌટુંબિક બાબતો / Family Mattersની વાત પણ રજૂ કરે છે, જેમાં તેમણે તેમના જીવનમાં અફસોસજનકઅને જીવનમાંથી ભૂંસી નાખવા જેવી બાબતો વિષે સતત પુછાતા રહેતા સવાલોનો જવાબ આપ્યો છે. આવો એક કિસ્સો છે તેમનાં પરાણે 'ભરાઇ પડવા'નો - આસ્મા રહેમાન સાથેના 'બીજાં લગ્ન'નો. દિલીપ કુમાર તેને કોઈ પણ મનુષ્યનાં જીવનની કાચી ક્ષણમાં થતી કેટલીક ભૂલો પૈકી એક ભૂલ ગણે છે. અંગતપણે બહુ જ ધક્કો લાગ્યા છતાં, પોતાના પતિ માટે અપાર શ્રદ્ધા હોવાને કારણે, સાયરા બાનુએ આ મામલે તેમનો બરાબર સાથ આપ્યો. આ સમયે એક વાત એ પણ ઊછળી હતી કે આ બધું થવા માટે સાયરા બાનુને બાળક ન થવું પણ કારણભૂત હતું. પણ હકીકત એ છે કે ૧૯૭૨માં આઠ મહિનાની ગર્ભાવસ્થા બાદ કેટલીક તબીબી મુશ્કેલીઓને કારણે તેમને મૃત બાળકનો જ્ન્મ થયો હતો.

પોતાનાં ભાઇઓ બહેનો પણ પોતાનાં જીવનમાં ખૂબ જ આગળ વધે અને નામ રોશન કરે તે માટે દિલીપ કુમારે કરેલા પ્રયત્નોની યાદ પણ તેમને લાગણીવશ કરી મૂકે છે. દિલીપ કુમાર બાહુ દુલારથી લત મંગેશકરને ‘નાની બહેન’ કહે છે.લતા મંગેશકરે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સમક્ષ જાહેરમાં અય મેરે વતનકે લોગો ગાયું તેની આગલી સાંજે જ દિલીપ કુમારને ફોન પર અલ્લાહ તેરો નામ સંભળાવ્યું. એ દિલીપ કુમારના જીવનની ધન્ય ઘડી હતી; તેમને ડૂમો ભરાઇ આવ્યો હતો.

૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ આપણે આ પરિચયાત્મક લેખમાળાના બીજા મણકા - દિલીપ કુમારની ફિલ્મ જગતની કારકિર્દીની પહેલી અને બીજી ઇનિંગ-ની વાત કરીશું.
Post a Comment