Monday, March 9, 2015

દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ૩ /૪ ǁ સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન

-પરિચયકર્તા - અશોક વૈષ્ણવ

તારીખ ૯ ફેબ્રુઆરી અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા બે મણકામાં આપણે દિલિપ કુમારનાં આત્મકથાનક પુસ્તકના પરિચય રૂપે, અનુક્રમે, 'યૂસુફ ખાનના જીવનની અંગત વાતો' અને  'દિલીપ કુમારની પરદા પરની પહેલી અને બીજી ઇનિંગ્સ' વિષે વાત કરી હતી. આજના આ ત્રીજા મણકામાં તેમનાં પત્ની સાયરા બાનુ સાથેના જીવનની મધુરી પળોના આપણે પણ ભાગીદાર થઇએ.દિલીપ કુમાર : હાર્દ અને છાયા - આત્મકથા ǁ ઉદયતારા નાયરને કરેલ બયાન
પાકું પૂઠું | 230 x 150 | 450 પૃષ્ઠ | ISBN 9789381398869

સાયરા બાનુ સાથે લગ્ન અને સહજીવન
imageimage
મારી જિંદગીની સ્ત્રી / The Woman In My Life, લગ્નનો દિવસ / The Big Day, ઉજવણીઓ / Celebrations Galore, સાયરાની સાર સંભાળ / Taking Care Of Saira અને પતિ-પત્નીની ટીમ / The Husband And Wife Team શીર્ષક હેઠળનાં પાંચ પ્રકરણમાં દિલીપ કુમાર અનુક્રમે લગ્ન માટેનો પ્રસ્તાવ, લગ્ન સમયનું ખુશહાલ વાતાવરણ , લગ્નવિધિઓ , દાંપત્યજીવન અને સાયરા બાનુ સાથે કરેલી ચાર ફિલ્મોની વાત બહુ જ લાગણીથી, વિગતે કરે છે.
દિલીપ કુમારનાં મોટાં બહેનનું સાયરા બાનુનાં મા, નસીમ બાનુ, માટે આમંત્રણ સદાય ખુલ્લું જ રહેતું. એવી એક સાંજની મુલાકાત વખતે તેની શાળાની રજાઓમાંથી બ્રિટનથી આવેલી સાયરા પણ નસીમ બાનુ સાથે ખાન કુટુંબના ઘરે આવેલ. આન જોયા પછી સાયરાના મનમાં દિલીપ કુમાર માટે પ્રેમની આંધી ચડી હતી. કદાચ એટલે જ તેણે શુદ્ધ ઉર્દુ અને પર્શિયન શીખવા માટે ખાસ તાલીમ પણ લીધી હતી. જો કે શરૂઆતના આ તબક્કામાં દિલીપ કુમારે આ લગાવને બહુ મહત્ત્વ નહોતું આપ્યું.
થોડાં લંબાણે પડ્યા પછી ૧૯૬૬માં રજૂ થયેલ દિલ દિયા દર્દ લિયામાં સાયરા બાનુને નાયિકા તરીકે લેવાના પ્રસ્તાવને દિલીપ કુમારે એટલે રોળીટોળી નાખ્યો હતો કે એ તો પોતાથી 'સાવ અડધી ઉમર'ની જ છે.જંગલી (૧૯૬૧)દ્વારા ફિલ્મોને પરદે સફળ પદાર્પણ કર્યા બાદ સાયરા બાનુની આગળ વધી રહેલી કારકિર્દી ફાલવા લાગી અને એ રાજ કપૂર, દેવ આનંદ, સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર, જોય મુખર્જી, મનોજ કુમાર જેવા તે સમયના બધા જ પ્રમુખ પુરુષ કલાકારો સાથે કામ કરી ચૂક્યાં હતાં. દિલીપ કુમારની સામે ભૂમિકા કરવા માટે ઘણા પ્રસ્તાવો પણ આવતા રહેતા હતા. એવો એક પ્રસ્તાવ હતો, કાશ્મીરની લોકકથા પર આધારિત પ્રણયકથા પર અધારિત ફિલ્મ હબ્બા ખાતુન માટે. જો કે દિલીપ કુમારે તે ફિલ્મમાંથી ખસી જવાનું નક્કી કર્યું કારણ કે હબ્બા ખાતુનના ખાવિંદ, યૂસુફ ચકના કંઈક અંશે નકારાત્મક પાત્રમાં તે પોતાને બંધબેસતા જોઇ શકતા નહોતા. તેમના વિચારમાં પોતાની આ જોડી માટે એક ચોક્કસ વિષય જરૂર રમતો હતો, પણ સમય ખેંચાતો જવાને કારણે સાયરા બાનુ દિલીપ કુમારથી ચીડાયેલાં હતાં. 'નમ્ર, સભ્ય અને ખાનદાન રીતભાતથી પેશ આવતી સુંદર યુવતી ગુસ્સાથી તંગ થતી જતી વાઘણ બનતી જતી હતી..'
રામ ઔર શ્યામમાં પણ જોડિયા ભાઇઓમાંના ભીરુ ભાઇની સામેની નાયિકા માટે પણ તેમનું નામ સુચવાયું હતું. જો કે ફિલ્મના નિર્માતાને દિલીપ કુમારે અભિપ્રાય આપ્યો હતો કે એ પા ત્રમાટે તો કામણગારી આભાવાળી બિંદાસ લાગતી, શરીરે થોડી ભરેલી, યુવતી શોભે તેમ છે, જ્યારે સાયરા એ માટે થોડી દુબળી અને સરળ, સીધી સાદી દેખાય છે. આમ એ ભૂમિકા માટે આખરે મુમતાઝની પસંદગી કરાઈ.
imageરામ ઔર શ્યામના ઝપાટાબંધ થઇ રહેલા શૂટિંગ દરમ્યાન દિલીપ કુમારને નસીમ બાનુ તરફથી સાયરા બાનુના જન્મ દિવસની ઉજવણીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું. નસીમ બાનુના ઘરના વિશાળ બાગમાં દાખલ થતાં જ દિલીપ કુમારની નજર 'શ્વાસ અધ્ધર કરી નાખે' એવી સુંદરતાની સ્વામિની સાયરા બાનુ પર અટકી ગઈ. કાલ સુધી પોતાથી સાવ નાની લાગવાને કારણે જેને પોતાની સામે નાયિકા તરીકે સ્વીકારવામાં અચકાટ થતો હતો તે યુવતી ઓચિંતી પૂર્ણ સ્ત્રીત્વને આંબી ગઇ હતી અને નરી આંખોની સામે ઘણી વધારે સુંદર દેખાતી હતી. આશ્ચર્યમાં વિભ્રાંત દિલીપ કુમાર એક ડગલું આગળ વધ્યા અને સાયરાનો હાથ થામી લીધો. સમય થોડી વાર માટે થંભી ગયો. એ પછી દિલીપ કુમારને સમજતાં એક ક્ષણ પણ ન લાગી કે 'નિયતિએ પોતા માટે નક્કી કરી રાખેલ જીવનસાથી આ જ છે, ભલે ને પરદા પર સાથે લેવામાં તે નનૈયો ભણતા રહ્યા હોય.' આ યુવતી પોતાના ખાનદાની મૂળમાં ઊંડે સુધી પાંગરેલી સંપૂર્ણ ભારતીય સ્ત્રી દેખાતી હતી.
'આઝાદ'નાં શૂટિંગ સમયે દિલીપ કુમારનો ભેટો એક જ્યોતિષી સાથે થઇ ગયો હતો. એ જ્યોતિષીએ ભવિષ્ય ભાખતાં કહ્યું હતું કે દિલીપ કુમાર તેમની ચાલીસીમાં પરણશે; તેમની પત્ની તેમનાથી અડધી ઉમરની હશે, ચાંદ જેવી સુંદર એવી એ યુવતી તેમના જ વ્યવસાયમાં કામ કરતી હશે. લગ્ન પછી તરત જ તેના પર દિલીપ કુમારનાં કર્મોની ઘાત રૂપે લાંબી, લગભગ મરણતોલ માંદગીમાં સપડાઇ પડશે. જો કે તે વિષે તેને પોતાને જરા પણ કચવાટ નહીં હોય.' ભવિષ્યવાણીનો પહેલો ભાગ તો સાચો પડ્યો, બીજો ભાગ પણ શું સાચો પડશે?
પણ, આ બધી વાતોને અંતે, મહત્ત્વનું તો એ જ રહ્યું કે દિલીપ કુમારે સાયરા બાનુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી જ દીધો. આ સમાચાર ચારે તરફ જંગલની આગની જેમ ફેલાઈ ચૂક્યા !image
તેમનાં લગ્ન ૧૧ ઑક્ટોબર ૧૯૬૬ના રોજ સંપન્ન થયાં. પહેલા પ્રેમના ઝણઝણાટ પછી પણ લગભગ બે દાયકા સુધી કુંવારા રહેવાનું જ નક્કી કરતા રહ્યા પછી તેમને દાંપત્ય જીવનમાં કદમ રાખતી વખતે ધાસ્તી કે ખટકો હતો ખરો? દિલીપ કુમારનો જવાબ ભારપૂર્વકનો નકાર છે. એમને તો સ્વર્ગીય ચૈનની પ્રશાંત સ્વસ્થતા અને પરમ શાંતિ અનુભવાતી હતી, કારણ કે હવે પોતાનું જ કહી શકાય એવાં સાથે તેતેમની જિંદગી વહેંચી શકવાના હતા.

તેમને નજીકથી ઓળખતાં બધાં જ માટે લગ્નનો આ નિર્ણય અચરજનો વિષય તો હતો જ, પરંતુ તે કોઇ ભૂલ તો નથી કરી રહ્યા ને, એવું તો એક માત્ર નૌશાદ જ એમને સીધે સીધું પૂછી શક્યા હતા. દિલીપ કુમાર તેમની માન્યતામાં બહુ ચોક્કસ હતા કે તેમનો આ નિર્ણય ખાસ્સા એવા આંતરમંથન બાદ લેવાયેલો પુખ્ત નિર્ણય હતો. નિકાહ બહુ જ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો. તેમનાં બધાં જ નજીકનાં સગાં અને મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધેલો. રાજ કપૂરે તો એક ક્ષણના અચકાટ વિના દિલીપ કુમાર લગ્ન કરે તો ભાંખોડિયાં ભરીને તેમના ઘરે આવવાની બાધા પણ પૂરી કરી.

તેમના ભુટાનના હનીમૂન સમયે લાકડાની કેબીનમાં તાપણાંના ધુમાડાથી ગુંગળાવાને કારણે સાયરા બાનુ અચાનક જ બહુ ગંભીરપણે બીમાર પડી ગયાં. પેલા જ્યોતિષીની આગાહી સાવ ખોટી તો નહોતી તેનાં એંધાણ તો નથી દેખાતાં ને!

લગ્ન જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં દિલીપ કુમારનાં કૌટુંબિક વાતાવરણે પણ સાયરા બાનુની તબિયત પર અવળી અસર કરી હતી. એ તણાવને કારણે આંતરડામાં ચાંદાં પડી ગયાં. લંડનની એક સૌથી મોટી ઇસ્પિતાલમાં વિશ્વ પ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટેરો્લૉજિસ્ટની સારવાર હેઠળ તેમને ખસેડવાં પડ્યા. સાયરાની તબિયત ચમત્કારની જેમ સુધરવા લાગી, અને ત્યાં એકાદ મહિનાની સારવાર અને આરામ બાદ તેમણે પૂરબ ઔર પશ્ચિમ માટે શૂટિંગમાં કામ કરવાનું પણ શરૂ કર્યું. ફિલ્મના નિર્માતા મનોજ કુમારે આ સમય દરમિયાન બહુ જ ધીરજ અને સમજપૂર્વક સાયરા બાનુ સાજાંનરવાં થાય તેની રાહ જોઇ હતી. આ અહેસાનના બદલા સ્વરૂપે દિલીપ કુમારે મનોજ કુમારનાં ક્રાંતિ (૧૯૮૧)માટે વાર્તાનો સાર સાંભળીને જ કામ કરવાની હા પાડી દીધી હતી.

પાછા ફર્યા પછી પતિપત્ની સાયરા બાનુનાં પાલી હિલના ઘરમાં રહેવા ગયાં. સાયરા બાનુને હજી પણ ખાસ સંભાળ અને ખોરાકની જરૂર હતી જે તેમને નસીમ બાનુની નિગરાનીમાં જ મળી શકે તેમ હતું. બહુ થોડા સમયમાં સાયરાએ દિલીપ કુમારની જીવનશૈલી અને ગતિ સાથે તાલમેળ કરી લીધો. 'લાંબા સમયના સુખશાંતિપૂર્ણ રહેતા લગ્નજીવનમાં પણ, દંપતીની બધી જ શુદ્ધ દાનત છતાં, બંને સાથીદારો માટે એકબીજાંને નિભાવવાં એ આસાન કામ નથી.' આ દંપતીને પણ તેમના અનેક વાળાઢાળા આવ્યા છે, પરંતુ બંને વચ્ચે દેખાતા વ્યક્તિત્વોના બાહ્ય તફાવત છતાં, તેઓએ સાથેની પળોને માણી છે. જે છોકરીને પોતાની ટાપટીપ કરવામાં કલાકો જતા તેણે, હવે સાવ જ બદલી જઇને, ગૃહસ્થીની અને દિલીપ કુમારના જીવનની, બાગડોર સંભાળી લીધી હતી. સાયરા બાનુની જન્મજાત સાદગી અને હૃદયની ઋજુતા દિલીપ કુમારને અંતરથી સ્પર્શી રહી છે. પતિ-પત્ની ટીમ / The Husband-Wife Team તરીકે દિલીપ કુમારને પત્નીમાં કડી મહેનત કરવાની અને ત્રુટિરહિત કામ કરવાની અદમ્ય ભાવના દૃષ્ટિગોચર થવા લાગી હતી. અદાકારીને લગતાં સલાહ સૂચન તે સ્વીકારવા તૈયાર રહેતાં અને જે જે દૃશ્યોમાં તેમણે સાથે કામ કરવાનું હતું તેમાં તેમના માર્ગદર્શનને પણ તે બહુ જ સારી રીતે અમલમાં મૂકી શકતાં હતાં. બંને જણાંએ ગોપી (૧૯૭૦), સગીના(૧૯૭૪) જેનું મૂળ બંગાળી સ્વરૂપ સગીના મહાતો ૧૯૭૦માં રજૂ થયું હતું), બૈરાગ (૧૯૭૬) અને દુનિયા (૧૯૮૪) એમ ચાર ફિલ્મોમાં સાથે કામ કર્યું.

હવે પછી, ૨૩ માર્ચ, ૨૦૧૫ના રોજ આ પરિચયમાળાનો અંતિમ મણકો 'સંસ્મરણો' વાંચી શકાશે.
Post a Comment