એપ્રિલ ૧૯૨૧માં ચાંપશીભાઈ ઉદેશીએ શરૂ કરેલ ગુજરાતી સામયિક 'નવચેતન' તેના એપ્રિલ ૨૦૨૧ના અંકથી તેનાં સક્રિય જીવનકાળનાં એક સોમાં વર્ષમાં પવેશ કરે છે.
સો વર્ષનો આંકડો આમ પણ નાનો નથી. તેમાં પણ ચાંપશીભાઈએ તો એકલા હાથે, સ્વખર્ચે આ સાહસ માંડ્યું હતું. ક્યાંક એવું વાંચ્યાનું પણ
યાદ છે કે શ્રી રવિશંકર રાવળે તેમને એ સમયે જ આવું 'જોખમ' ન ખેડવાની સલાહ આપી હતી, એવા સંજોગોમાં આ આંકડો એક અકલ્પનીય
સિમાચિહ્ન બની રહે છે.
'૬૦ના દાયકામાં અમે જે સરકારી
કોલોનીમાં રહેતાં હતાં તેમાં વસતાં પંદરેક કુટુંબોએ મળીને એક સર્ક્યુલેટીંગ
લાયબેરી શરૂ કરેલ. જેમાં 'નવચેતન', 'અખંડ આનંદ', 'આરામ'. 'ચાંદની', ‘સરિતા’, 'આરસી' જેવાં
મુખ્યત્વે નવલિકાભિમુખ સામયિકો આવતાં. મને યાદ
છે કે 'નવચેતન'ની ત્યારે પણ માંગ ઘણી રહેતી. અમારી ઉમર તો એ વાર્તાઓનું
સાહિત્યિક સ્તર કે વાર્તાતત્ત્વની ખુબીઓ સમજવા જેવડી નહોતી, એસ એસ સી સુધી ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા છતાં પણ એ
બધાં વાંચનને કારણે - ભાષાની શુદ્ધતા અને વિષય સામગ્રીની રસજ્ઞતા એમ બન્ને સંદર્ભે
- 'સારાં' ગુજરાતીનો પાયો મનને એક ખૂણે જરૂર પડ્યો એટલું તો આજે સમજાય
છે.
એ સમયે પણ ચાંપશીભાઈ ફિલ્મોના રીવ્યૂ લખતા. અમને તો તેઓ જે રીતે ફિલ્મોનાં
છોતરાં કાઢી નાખે તેમાં જ રસ રહેતો કેમકે એ જ ફિલ્મો અમે તો હોંશે હોશે જોઈ પણ
આવ્યા હોઇએ. આજે સમજાય છે કે એ ફિલ્મોમાં છોતરાં કાઢવા સિવાયના 'મસાલા' સિવાય કંઈ જ હોતું નહીં, અને અમે એ પણ એ ફિલ્મો મૂળ તો તેનાં ગીત સંગીતને જોરે જ
જોતા.
'૮૦-'૯૦ના દાયકામાં જ્યારે તે સમયની સામયિકોની સ્થિતિઓ વિશે થતી
ચર્ચાઓ વાંચતા કે સાંભળતા ત્યારે સમજાવા લાગ્યું કે સંપાદક તરીકે 'નવચેતન'માં શું રજૂ કરવું તે
વિશે ચાંપશીભાઈનાં ધોરણો કેટલાં સ્પષ્ટ હોવાની સાથે સાથે કેટલાં ઊંચાં અને અને 'કડક' હતાં.
આ સામયિકોના શ્રેષ્ઠ સમયમાં પણ તેમાં જે પ્રકારનું વાંચન પીરસાતું તે વાંચનારો
વર્ગ તો બહુ નાનો જ હતો. એટલે તે સમયે પણ
આ સામયિકોના વેંચાણનો આંકડો આમ પણ અધધધ કહી શકાય એવો તો નહીં જ હોય. વળી મોટા
ભાગના પ્રકાશક-તંત્રીઓ તેને સફળ વાણિજ્યિક ઉપક્રમ બનાવવાની દિશામાં વિચારવાની વાતે
તેમનાં આદર્શ અને સ્વમાનની અવહેલના પણ કદાચ ગણતા. એટલે મોટા ભાગનાં સામયિકોના બે
આર્થિક છેડા મંડ માંડ જ ભેગા થતા હશે. તેમાં પણ, ગુજરાતી વાંચકના બદલાતી
અભિરુચિઓ, સંસ્થાપકોની વધતી વય અને સામયિકોની કથળતી જતી આર્થિક પરિસ્થિતિને કારણે એ
બધાં જ સામયિકો ધીરે ધીરે બંધ પડતાં ગયાં.
ચાંપશીભાઈ પછી તેમના જ સહતંત્રી જેવા મુકુંદ શાહે 'નવચેતન'ને ખુબ જહેમતથી, એ જ સ્તરે ચલાવ્યું.
આજે પણ કેટલાંક સુજ્ઞ ગુજરાતીઓની આર્થિક મદદ અને ગાંઠનાં ગોપીચંદનના જોરે
શ્રી હેંમંત શાહ (મો. નં.+૯૧ ૯૮૭૯૧ ૪૭૯૩૩) તંત્રીની ભૂમિકામાં, શ્રી
યશવન્ત મહેતાની સંપાદકની ભૂમિકાના સહયોગથી, 'નવચેતન'ને ધબકતું રાખી રહ્યા છે.
તેમની નિષ્ઠા, ધૈર્ય અને ખમીરને શત શત
સલામ.
ગુજરાતી ભાષાને જ જીવંત કેમ રાખવી એ ચર્ચાઓને આરે જ્યારે આપણે આવી ઊભાં છીએ
ત્યારે ગુજરાતી ભાષાની આવી એક અતિ મહત્ત્વની ઐતિહાસિક ગણી શકાય એવી કડીના 'નવચેતન' મોટાભાગના જૂના અંકો તો
આજે અપ્રાપ્ય હશે. પણ જે કંઈ ઉપલબ્ધ છે તેને ડિજિટલ સ્વરૂપમાં સાચવવામાં અને 'નવચેતન' હજુ પણ આ જ ખુમારીથી તેની
આગવી કેડી પર આગળ વધતું રહે તે માટે આ લેખ લખવા કે વાંચવાથી કે તેના નિયમિત ગ્રાહક
થવાથી પણ ઘણું વધારે આપણે બધાંએ કરવાનું રહે છે………...
No comments:
Post a Comment