એન. વેન્કટરામન
અનુવાદ - અશોક વૈષ્ણવ
અંક ૨થી આગળ
૧૯૫૧માં ફિલ્મીસ્તાનના બૅનર હેઠળ બની રહેલી 'આનંદ મઠ' ફિલ્મનું સંગીત નિદર્શન સંભાળવા માટે હેમેન ગુપ્તા તરફથી હેમંત કુમારને આમંત્રણ મળ્યું. કોલકત્તામાં તે પહેલાં હેમેન ગુપ્તાએ હેમંત કુમારના શરૂઆતના સમયની ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
હેમેન ગુપ્તા સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી લડવૈયા હતા. ૧૯૨૮માં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પ્રસ્થાપિત થયેલ બેન્ગાલ વોલંટીયર્સના તે સક્રિય સભ્ય હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે સાત વર્ષ જેલની સજા ભોગવ્યા બાદ તેઓ છૂટ્યા ત્યારે તેમને ન્યુ થિયેટર્સના વસ્ત્રપરિધાન વિભાગમાં દેબકી બોઝના સહાયક તરીકે નોકરી મળી. આ માટે નેતાજીએ જ તેમની ભલામણ કરી હતી. તેમણે તે પછી તરત જ ન્યુ થિયેટર્સ છોડ્યું અને ત્રણ બંગાળી અને એક હિંદી ફિલ્મમાં દિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત થયા. તેમની બંગાળી ફિલ્મો - 'અભિજાત્રી' (૧૯૪૭), 'ભુલી નાઈ' (૧૯૪૮) અને 'બિયાલિશ' (૧૯૫૧)-માં સંગીતકાર તરીકે હેમંત કુમાર હતા. 'ભુલી નાઈ' અને 'બિયાલ્લીશ' સિવાયની બીજી બે બંગાળી ફિલ્મો - 'સંદીપન પાઠશાલા' (૧૯૪૯) અને અને 'સ્વામી' (૧૪૯ -માં પ્રદીપ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા તો સાથે સંગીતકાર તરીકે હેમંત કુમાર હતા.
કોલકત્તા છોડવા માટેના સ્વાભવિક ખચકાટ પછી, હેમંત કુમારે હેમેન ગુપ્તાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. માર્ચ ૧૯૫૧માં પ્રદીપ
કુમાર અને હેમેન ગુપ્તા સાથે તેઓ બોમ્બે આવ્યા. શરૂશરૂમાં તો તેઓ હેમેન ગુપ્તાને
ઘરે જ રહ્યા. શશધર મુખર્જીએ તેમને ફિલ્મીસ્તાનમાં માસિક રૂ. ૧૫૦૦ /-ના પગારની
નોકરી અપાવાની દરખાસ્ત મુકી. તે સમયે કોલકત્તામાં તેમની માસિક આવક આનાથી લગભગ બમણી
હતી. થોડા સમય બાદ તેઓ પોતાનાં પત્ની બેલા, પુત્ર જયંત અને બેલાનાં ભાઈ બહેનોને મુંબઈ લઈ આવ્યા. પહેલું કામ રહેવા માટે ઘર
શોધવાનું હતું. એમના એક મિત્ર નિહાર મુખર્જીએ તેમને પોતે બોરીવલીમાં જે ઘરમાં ભાડે
રહેતા ત્યાં હેમંત કુમારને મહિને રૂ. ૬૦/-ના ભાડાથી પેટા-ભાડુત તરીકે જગ્યા
આપવાનું કહ્યું. હેમંત કુમારનાં ખીસ્સાંને એટલું જ ભાડું પરવડે તેમ હતું, એટલે તેમણે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. અહીં એ જ માળ પર
રહેતાં બે બીજાં કુટુંબની સાથે તેમણે
બાથરૂમ અને સંડાસ વાપરવાનાં હતાં.
ગીતોની પસંદગી અને રેકોર્ડીંગ તે પછી તરત શરૂ થયાં. 'આનંદમઠ' ફિલ્મ હોય એટલે સૌ
પહેલું ગીત તો બંકિમચંદ્રનું 'વંદે માતરમ' જ હોય એ સ્વાભાવિક
છે. ગીતને ફિલ્મમાં બે વર્ઝનમાં રજૂ કરાયું છે. આજે કદાચ હવે બહુ જાણીતી વાત છે કે
હેમેન ગુપ્તાએ લતા મગેશકરે ગાયેલ પંક્તિઓ વીસેક રીટેક પછી ઓકે કરી હતી. એમાં ભુલ
લતા મંગેશકરની જરા પણ નહોતી, પણ હેમેન ગુપ્તા ફિલ્મમાં પર્દા પર ઘોડાઓના ડાબલાના તાલ સાથે ગીતનો તાલ
બેસાડવા માગતા હતા. આટલા બધા રીટેક થવાને કારણે હેમંત કુમાર થોડા નર્વસ હતા કે લતા
મંગેશકરને ક્યાંક ઓછું ન આવી જાય ! જોકે લતા મંગેશકરે ખુબ જ ખેલદીલીથી સાથ આપ્યો
હતો. આ આખી ઘટનાનું એક પરિણામ એ આવ્યું કે લતા મંગેશકર અને હેમંત કુમારના
વ્યાવસાયિક સંબંધો ખુબ ગાઢ બન્યા.
'આનંદ મઠ'નાં બીજાં ગીતોમાં ગીતા દત્ત પાર્શ્વગાયક હતાં. તેમના સ્વરમાં એક સૉલો અને બે યુગલ ગીતો હતાં. એક સૉલો ગીત રાજકુમારીએ પણ ગાયું છે.
'આનંદ મઠ'ને મંજૂર કરવામાં
એ સમયે સેન્સર બૉર્ડને બહુ વાંધા જણાયા હતા. એટલે ફિલ્મમાં ઘણી કાપકૂપ પણ થઈ., જેને પરિણામે
ફિલ્મ સરવાળે થોડી નબળી પડતી અનુભવાઈ હતી. એ વર્ષની ટિકિટ બારી પરની સૌથી વધારે
સફળ દસ ફિલ્મોમાં 'આનંદ મઠ' હતી, પણ એ સફળતા તેને મળવી જોઈતી હતી તેના કરતાં ઘણી ઓછી જ હતી. એ ફિલ્મ સુધી હેમંત
કુમાર હજુ 'હેમંત કુમાર' નહોતા બન્યા, એટલે ફિલ્મનાં ટાઈટલ્સમાં એમનું નામ 'હેમંત કુમાર મુખર્જી' હતું.
જય જગદીશ હરે… - આનંદ મઠ (૧૯૫૨) - હેમંત કુમાર, ગીતા દત્ત, સાથીઓ – ગીતકાર: મહાકવિ જયદેવ
દુર દુરથી હેમંત કુમારનો , મંદ, ગંભીર
સ્વર સંભળાય છે
‘હરે મુરારે મધુ કૈટભ હરે , ગોપાલા ગોવંદ મુકુંદ શૌરે’
પછી અવાજ હવે થોડો નજદીક આવતો જાય છે ……
‘પ્રલય પયોધિ જલે ,
ધ્રૂતવાન અસી વેદમ, વિહિત વહિત્ર ચરિત્રમ
અખેદમ’
ગીતા દત્ત ઉંચા,
મધુર, સુરમાં બોલ ઉપાડી લે છે,
‘કેશવા ધ્રુતા મીના શરીર જયતે જય જગદીશ હરે
પૃથ્વી કપૂર હવે સામે આવી ગયા છે અને હેમંત કુમારના બુલંદ સ્વરમાં શ્લોક
ઉચ્ચારણ ચાલુ રાખે છે ...અને સાથે ગીતનો ઉપાડ થાય છે.
'આનંદ મઠ' પૂરી કર્યા પછી હેમંત કુમારને કલકત્તા પાછા જતાં રહેવુંહતું. શશ્ધર મુખર્જીએ એમને સમજાવ્યાં નૌશાદ કે એના જેવું નામ અહીં બનાવો પછી જજો. કદાચ એ જ કારણ હશે કે હેમંત કુમારે ફરી એક વાર 'આન' (૧૯૫૨)નાં નૌશાદનાં ગીતો - મોહબ્બત ચૂમે જિનકે હાથ અને ટકરા ગયા તુમસે વો દિલ હી તો હૈ - નાં કવર વર્ઝન રેકોર્ડ કર્યાં.
૧૯૫૪માં હેમંત કુમારની રાહ જોવાનાં મીઠાં ફળ પાકવાની ઋતુ આવી. ફિલ્મીસ્તાનની ચાર ફિલ્મો
- 'સમ્રાટ',
'શર્ત', 'નાગીન' અને 'જાગૃતિ'
-અને 'ડાકુ
કી રાની' અને 'કશ્તી'
/'ફેરી' એમ બે અન્ય મળીને કુલ છ ફિલ્મો ૧૯૫૪માં
હેમંત કુમારનાં સંગીત નિદર્શન હેઠળ રજૂ થઈ. 'સમ્રાટ' અને 'ડાકુ કી રાની'ને ટિકિટ બારી પર ઘોર નિષ્ફળતા મળી. પરંતુ 'કશ્તી'એ
તેમને હિંદી ફિલ્મ સંગીતના સમુદ્રમાં તરતા રાખ્યા.
'કશ્તી'
હેમેન ગુપ્તાની સ્વનિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ હતી. 'આનંદ
મઠ'ની સફળતા પછી હેમેન ગુપ્તા ફરી એક વાર પ્રદીપ કુમાર અને ગીતા બાલીની જોડી જ
લેવા માગતા હતા. પરંતુ પ્રદીપ કુમાર 'અનારકલી' અને 'નાગિન'માં વ્યસ્ત હતા,
એટલે તેમની જગ્યાએ ફિલ્મમાં દેવ આનંદ આવ્યા. હેમંત કુમારનો
૭ વર્ષનો પુત્ર જયંત અને હેમેન ગુપ્તાની ૩ વર્ષની પુત્રી જયશ્રીએ પણ ફિલ્મમાં
અનુક્રમે માસ્ટર બાબુ અને બેબી બુલાના નામે કામ કર્યું હતું. ફિલ્મનાં ૪ ગીતો
હેમેન ગુપ્તાનાં પત્ની રત્ના ગુપ્તાના અને
બે ગીતો ગીતા દત્તના સ્વરમાં રેકોર્ડ થયાં છે. ફિલ્મનું કથાવસ્તુ ચીલાચાલુ વાર્તાઓથી
ખુબ અલગ હતું. ફિલ્મને વિવેચકોની ખુબ સરાહના મળી. મોસ્કો ફિલ્મ ફેસ્ટીવલમાં પણ તે
ખુબ વખાણાઇ.
ઓ માઝી રે, નાવ બઢા લે માઝી જોર લગા લે-
કશ્તી (૧૯૫૪) - હેમંત કુમાર, સાથીઓ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
બંગાળની 'માંઝી' ગીતોની
લોક શૈલીના ઢાળમાં રચાયેલું આ શીર્ષક ગીત હેમંત કુમારના ઊંચા સ્વરમાં આલાપ જેવા
ઉપાડથી શરૂ થાય છે અને કોરસ સ્વર કાઉન્ટર મેલોડીમાં સુર પુરાવે છે. સાથે સાથે
ફિલ્મનાં ટાઈટલ્સ પર્દાપર આવતાં રહે છે.
‘શર્ત’ માં દીપક અને નવાં નવાં શ્યામા અને શશીકલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મમાં બિભૂતિ મિશ્રનું દિગ્દર્શન બહુ સરાહનીય રહ્યું. એસ એચ બિહારી અને રાજેન્દ્ર કૃષ્ણનાં ગીતોની હેમંત કુમારની સ્વર સજાવટ એટલી લોકપ્રિય નીવડી કે ટિકિટ બારી પરની સફળતાના માપદંડ પર ફિલ્મ સાતમા ક્રમે રહી હતી.
ન યે ચાંદ હોગા ન
તારે રહેંગે મગર હમ હંમેશાં તુમ્હારે રહેંગે - શર્ત (૧૯૫૪) - હેમંત કુમાર અને ગીતા દત્તના સ્વરોનાં બે વર્ઝનમાં – ગીતકાર: એસ એચ બિહારી
બન્ને ગીત આજે પણ એટલાં જ લોકજીભે રમે છે.
૧૯૫૪માં વર્ષમાં હેમંત કુમારના સહાયક તરીકે રવિ 'નાગિન'થી જોડાયા. સી રામચંદ્રને ફિલ્મીસ્તાન સાથે થયેલા અણબનાવને કારણે 'અનારકલી' પુરૂં કર્યા પછી તેમણે ફિલ્મીસ્તાન છોડ્યું હતું. એ સંજોગોમાં તેમના સંગીત એરેન્જર અલ્ફાન્સો પણ હેમંત કુમારની ટીમમાં જોડાયા.
૧૯૫૪ની હેમંત કુમાર સંગીત નિદર્શિત ફિલ્મોમાં 'નાગિન'નાં
સંગીતની અદ્ભૂત લોકપ્રિયતા સફળતાનાં શિખર સમાન હતી. 'નાગિન' વિષય પરની ફિલ્માં મદારીની બીનનાં તાનનું મહત્ત્વ અનેરું હોય એ સ્વાભાવિક છે.
હેમંત કુમાર એ બીનને અનોખી રીતે પેશ કરવા માગતા હતા, હેમંત
કુમારને જાણવા મળ્યું કે કલ્યાણજીના નામના એક યુવાને 'નાગ
પંચમી (૧૯૫૩)માં કંઈક નવી જ રીતે આ ધુન વગાડી હતી. બસ, તે પછીથી કલ્યાણજીની ક્લે વાયોલિન સાથે રવિએ કરેલી હાર્મોનિયમની અનોખી સંગતે 'નાગિન'ની પ્રખ્યાત 'બીન' ધુને
ઈતિહાસ સરજી દીધો.. ફિલ્મના દિગ્દર્શક નંદલાલ જશવંતલાલને આ
ધુનના ફિલ્મમાં થીમ સંગીત તરીકે ઉપયોગમાં એકવિધતા જણાતી હતી, શશધર મુખર્જીને પણ આટલો બધો ઉપયોગ ઓછો પસંદ હતો. પરંતુ હેમંત કુમારે તેમને
મનાવી લીધા. ફિલ્મ રીલીઝ થયા બાદ થોડા દિવસોની ઢીલાશ પછી ફિલ્મનાં સંગીતે જ ટિકિટ
બારી પર નાંણાંનો મુશળધાર વરસાદ વરસાવ્યો. એ વર્ષે 'ઉડન ખટોલા' (નૌશાદ) અને 'આઝાદ'
(સી રામચંદ્ર)ની સામે હેમંત કુમારને 'નાગીન' માટે,
કારકિર્દીનો એક માત્ર, ફિલ્મફેર એવૉર્ડ મળ્યો.
કાશી દેખી મથુરા
દેખી, દેખે તિરથ સારે, કહીં ના મન કા મિત મિલા તો આયા તેરે દ્વારે.. તેરે દ્વાર ખડા એક
જોગી - નાગિન (૧૯૫૪) - હેમંત કુમાર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
સાધુસંતો દ્વારા ગવાતાં ભજનોની શૈલીની હેમંત કુમારે ગીતમાં બહુ સરળ, છતાં, કર્ણપ્રિય, પ્રયોગ કર્યો છે.
ફિલ્મનાં લતા મંગેશકરનાં ધુમ પ્રચલિત થયેલાં ગીતોની સાથે આ ગીત પણ સારી એવી
લોકચાહના મેળવી રહ્યું હતું.
ફિલ્મીસ્તાનની 'જાગૃતિ' બાળકને કેન્દ્રમાં રાખતી દેશપ્રેમની ફિલ્મ હતી. એ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવૉર્ડ 'જાગૃતિ'ને મળ્યો હતો
દે દી હમેં આઝાદી
બીના ખડગ બીના ઢાલ સાબરમતીકે સંત તુને કર દીયા કમાલ - જાગૃતિ (૧૯૫૪) - આશા ભોસલે, સાથીઓ – ગીતકાર: પ્રદીપજી
ફિલ્મનાં બાળકલાકાર પર ફિલ્માવાયેલાં ગીતો માટે હેમંત કુમારે આશા ભોસલેના
સ્વરનો સફળ પ્રયોગ કર્યો.
'જાગૃતિ'નાં ગીતોની સફળતાએ હવે હેમંત કુમાર મુખર્જીને હિંદી ફિલ્મ સંગીત વિશ્વમાં 'હેમંત કુમાર' તરીકે સફળ સંગીતકારોની હરોળમાં સ્થાન અપાવી દીધું.
સાથે સાથે , હેમંત કુમાર હવે પાર્શ્વ ગાયક તરીકે પણ લોકપ્રિય થવા લાગ્યા હતા. ૧૯૫૧થી ૧૯૫૫
દરમ્યાન તેમણે જે કંઇ પાર્શ્વગાયન કર્યું તે મોટા ભાગે યુગલ ગીતોના સ્વરૂપે જ
રહ્યું. મુંબઈ આવ્યા બાદ તેમણે જે સૌ પહેલું યુગલ ગીત ગાયું તે સઝા (૧૯૫૧) માટે
હતું.
આ ગુપચુપ પ્યાર કરેં ચુપચુપ આંખેં ચાર કરેં - સઝા (૧૯૫૧) - સંધ્યા મુખર્જી સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
આ ગીતે એસ ડી બર્મન અને હેમંત કુમારના આગવા સંબંધનાં મૂળીયાં નંખાયાં જેમાંથી હેમંત કુમાર દેવ આનંદના પાર્શ્વગાયક તરીકે
ઊભર્યા.
આ મૂળમાંથી એક ખુબ મધુર ફળોવાળાં વૃક્ષનો જન્મ થયો, જેનો પહેલો ફણગો હતો ૧૯૫૨ની 'જાલ’.
યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલકી દાસ્તાં - જાલ (૧૯૫૨) - હેમંત કુમારનું સૉલો
અને લતા મંગેશક્રર સાથે યુગલ ગીત – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
હેમંત કુમાર હિંદી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે એક ચોક્કસ
ઓળખ ઊભી કરવા માટે ગીતને શ્રેય આપે છે.
‘અનારકલી’ (૧૯૫૩) નાં સફળ ગીતોમાં હેમંત - લતાનું યુગલ ગીત પણ અગ્રસ્થાને છે.
જાગ દર્દ-એ-ઈશ્ક઼ જાગ દિલકો બેકરાર કર - અનારકલી (૧૯પ૩)
- લતા મંગેશકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર –
ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
આ યુગલ ગીત આજે પણ સિનેસંગીતનાં ચાહકોને મંત્રમુગ્ધ કરે છે.
અનારકલી (૧૯૫૩) સાથેની હેમંત કુમારના સબંધની આગવી કહાની છે. બે એક ગીત કર્યા પછી સી રામચંદ્રને કંઈક આડું પડ્યું અને તેઓ ફિલ્મીસ્તાન છોડી ગયા. ફિલ્મની રીલીઝ તારીખ નક્કી હતી એટલે શશધર મુખર્જીએ હેમંત કુમારને બાકીનં ગીતો પુરાં કરવા કહ્યું. તેમને તત્કળ તો પોતાનાં એક જુનાં બંગાળી ગીતની ધુન પરથી અય બાગ-એ-સદા આહિસ્તા ચલ રેકોર્ડ કરી લીધું. એ દરમ્યાન સી રામચંદ્રને તેમને ગમે તેમ કરીને મનાવી લીધા અને બાકીનાં ગીતો તેમની પાસે જ પુરાં કરાવ્યાં. સી રામચંદ્રએ હેમંત કુમાર પાસે ઉપર સાંભળ્યું તે યુગલ ગીત અને બીજું એક સૉલો ગીત ગવડાવ્યાં
ઝિંદગી પ્યારકી દો ચાર ઘડી હોતી હૈ, ચાહે થોડી ભી હો યે ઉમ્ર લંબી હોતી હૈ - અનારકલી (૧૯પ૩) - સંગીતકાર: સી રામચંદ્ર –
ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
સલીમ અને અનારકલી ચોરીછુપીથી રાતના થોડા કલાક મળતાં રહે છે.
એ ઘડીનું મધુર વર્ણન આ બેકગ્રાઉન્ડ ગીતમાં વણી લેવાયું છે.
૧૯૫૪નું વર્ષ હેમંત કુમારનાં અંગત જીવનમાં પણ યાદગાર વર્ષ હતું. પહેલાં બોરીવલીથી બાંદ્રા અને પછી બાંદ્રાથી ખાર એમ બે ભાડે ઘરો તેઓએ બદલ્યાં હતાં. ખારમાં તેમના દક્ષિણ ભારતીય પડોસી, નારાયણ સ્વામી,એ પોતાનું ઘર તેમને ખુબ વ્યાજબી ભાવે વેચવાનો પ્રસ્તાવ મુક્યો નારાયણ સ્વામી પાછા પોતાને 'દેશ' જવા માગતા હતા. 'નાગિન'ની સફળતાને કારણે જે કંઇ બચત થઈ હતી તે ખાલી થઈ ગઈ, પણ હેમંત કુમાર પોતાનાં 'ઘરનાં ઘર' ભેગા થયા. ૧૯૫૪માં જ તેમનાં બીજાં સંતાન,દીકરી,રાનુ, નો પણ જન્મ થયો. જેને આપણે રાનુ મુખર્જીનાં નામે એક ગાયક તરીકે ઓળખીએ છીએ. .
આપણે હેમંત કુમારનાં ૧૯પ૧થી ૧૯૫૪ દરમ્યાનના બંગાળી સંગીત
તરફ પણ એક નજર કરી લઈએ.
આ સમય દરમ્યાન, તેમને બંગાળી ફિલ્મમાં સંગીત નિદર્શન માટે કોઇ કામ નહોતું મળ્યું. બંગાળી
ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પણ બહુ જૂજ જ કામ મળ્યું. દુર્ગા પુજા ઉપર તેઓએ
નિયમિતપણે ગૈર ફિલ્મી ગીતોની કે રવિન્દ્ર સંગીતની રેકોર્ડ બહાર પાડતા તેને કારણે જ
બંગાળી સંગીતમાં તેમની હાજરી રહી.
'અનારકલી' અને નાગિન'ની જબરદસ્ત સફળતા
પછી તેમને બંગાળી ફિલ્મ 'શાપ મોચન' (૧૯૫૫) માટે આમંત્રણ મળ્યું. સુધીર મુખર્જી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ
ફિલ્મ રોમાંટીક સંગીતમય ફિલ્મ હતી. ફિલ્મમાં ઉત્તમ કુમાર અને સુચિત્રા સેન મુખ્ય
ભૂમિકામાં હતાં. ફિલ્મમાં હેમંત કુમારનાં ચાર સૉલો, એક શ્યામલ મિત્રાનું સૉલો, શાસ્ત્રીય રાગ પર આધારિત ચિન્મોય લાહિરી અને પ્રતિમા
બંદોપાધ્યાયનું યુગલ ગીત અને ફિલ્મનાં ટાઈટલ્સમાં જેને વણી લેવાયેલ તે પંડિત ડી વી પલુસકરના સ્વરમાં એક ખયાલ રેકોર્ડ
કરાયાં હતાં. ફિલ્મ, અને ગીતો,ની સફળતાને પ્રતાપે હેમંત કુમારની ફરી એક વાર બંગાળી ફિલ્મ જગતમાં નોંધ લેવાવા
લાગી.
બોસો આચી પોથો છેયે (બેઠો છું હું પથ પર) - શાપ મોચન (૧૯૫૫) -
ગાયક અને સંગીતકાર હેમંત કુમાર - ગીતકાર બિમલ ચંદ્ર ઘોષ
આ ફિલ્મનાં હેમંત કુમારે ગાયેલાં ગીતોની સફળતા બાદ હેમંત
કુમાર બંગાળી ફિલ્મોમાં ઉત્તમ કુમારના પાર્શ્વ સ્વર તરીકે પ્રસ્થાપિત થઈ ગયા.
નિર ખોતો છોટો નાઈ (નુકસાન કંઈ નાનું નથી)- ઈન્દ્રાણી (૧૯૫૮) - ગીતા દત્ત સાથે - સંગીતકાર નચિકેત ઘોષ - ગીતકાર ગૌરીપ્રસન્ન મજુમદાર અને એઈ મેઘલા દિને એકલા ઘોરે થાકે ના તો મોન (વરસાદના દિવસે ઘરે મનને એકલું ગોઠતું નથી ) - શેષ પ્રાજનતા (છેલ્લું ડહાપણ) (૧૯૬૦) - ગાયક અને સંગીતકાર હેમંત કુમાર - ગીતકાર ગૌરીપ્રસન્ન મજુમદાર એ ૧૯૫૫થી ૧૯૬૦નાં વર્ષોમાંના હેમંત કુમારે ગાયેલાં બંગાળી ફિલ્મી ગીતોનાં પ્રતિનિધિ ગીતો કહી શકાય તેવાં ગીતો છે.
આમ '૫૦ના દાયકાનાં મધ્ય સુધીમાં હેમંત કુમાર મુખર્જી હવે બંગાળી અને હિંદી ફિલ્મ
જગતમાં હેમંત કુમાર તરીકે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂક્યા હતા.
હિંદી ફિલ્મોમાં પણ હેમંત કુમારને '૫૦ના દાયકાના ઉત્તરાર્ધમાં પણ નિયમિત કામ મળતું રહ્યું. 'ઇન્સ્પેક્ટર' (૧૯૫૬) કે 'મિસ મેરી' (૧૯૫૭) જેવી ફિલ્મો સિવાય બીજી ફિલ્મો
ટિકિટ બારી પર ભલે બહુ સફળ ન રહી, પણ એ બધી જ ફિલ્મનાં ગીતો સંખ્યામાં અને ગુણવત્તામાં એટલાં અને એવાં છે કે
તેમને અલગથી યાદ કરીએ તો જ યથોચિત ન્યાય કરી શકાય. સમાંતરે, પાર્શ્વ ગાયક તરીકે અન્ય સંગીતકારો પણ
હવે તેમને નિયમિતપણે યાદ કરતા હતા. એસ ડી બર્મને કે સી રામચંદ્રે તો તેમનો
પાર્શ્વગાયક તરીકે સ્વર વાપરવાનું શરૂ કર્યું જ હતું, પણ
અનિલ બિશ્વાસ, નૌશાદ, સંકર જયકિશન, મદન મોહન, સલિલ ચૌધરી , ચિત્રગુપ્ત જેવા એ સમયના બીજા સફળ
સંગીતકારો સાથે પણ તેમણે યાદગાર ગીતો ગાયાં. જ્યારે જ્યારે હેમંત કુમારને ગાયક
તરીકે બીરદાવાયા છે ત્યારે ત્યારે અન્ય સંગીતકારો સાથે તેમણે ગાયેલાં આ વર્ષોનાં
અનેક સફળ ગીતો યાદ કરાતાં રહ્યાં છે. આમ તો આ પણ અલગ અભ્યાસનો અને અલગથી માણવાનો
વિષય છે પરંતુ અહીં હેમંત કુમારે ગાયેલં અન્ય સંગીતકારો માટેનાં બે ગીતોને યાદ
કર્યાં છે.
રૂલા કર ચલ દિયે હંસી બન કે જો આયે થે... ચમન રો રો કે કહેતા હૈ ….કભી ગુલ
મુસ્કરાયે થે - બાદશાહ (૧૯૫૪) - સંગીતકાર
શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
ફિલ્મ સફળ ન રહી પણ ગીત ચિરકાલીન બની ગયું હોય તેવાં ગીતોમાં શંકર જયકિશન અને
શૈલેન્દ્રની આગવી શૈલીમાં રચાયેલું આ ગીત આગલી હરોળમાં સ્થાન મેળવતું રહ્યું છે.
ખો ગયા જાને કહાં આરઝૂઓંકા જહાન….મુદ્દ્તેં ગુજરી મગર યાદ હૈ વો દાસ્તાન - મોહર (૧૯૫૯) - સંગીતકાર મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મદન મોહન અને હેમંત કુમારના ચાહકોને ખરેખર મુદ્દતો વીતી ગઈ તો પણ આ ગીત યાદ
છે.
હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિના આ અધ્યાયના ત્રણ મણકાનાં પહેલાં ચરણના અંતમાં હેમંત કુમારની ૧૯૬૦ સુધી કારકિર્દીનાં હિંદી, બંગાળી અને અન્ય ભાષાઓનાં ગીત વિશ્વ પર એક વિહંગ નજર કરીએ –
હિંદી ફિલ્મો
- સંગીતકાર તરીકે - ૧૯૫૨ થી ૧૯૬૦ - ૩૬ ફિલ્મો, ૩૧૬ ગીતો, જે પૈકી તેમણે પોતે ૩૬ સૉલો સહિતનાં લગભગ ૯૦ ગીતો ગાયાં.
- અન્ય સંગીતકારો સાથે, પાર્શ્વ ગાયક તરીકે - ૧૯૪૨-૧૯૬૦ - લગભગ ૯૩ ફિલ્મોમાં ૧૬૪ ગીતો
- ગૈર ફિલ્મી ગીતો -૧૯૪૬-૧૯૬૦ - ૨૬ રેકોર્ડ્સ, લગબહ્ગ ૫૦ ગીતો, જે પૈકી તેમણે પોતે સ્વરબ્ધ્ધ કરેલ અને ગાયેલ ૯ રેકોર્ડ્સ અને લગભગ ૧૬ ગીતો
બંગાળી ગીતો
- સંગીતકાર તરીકે - ૧૯૪૭- ૧૯૬૦ -૩૦ ફિલ્મો અને લગભગ ૧૨૩ ગીતો, જે પૈકી તેમણે પોતે ગાયેલાં ૫૪ ગીતોમાંથી ૪૦ સૉલો ગીતો છે.
- અન્ય સંગીતકારો સાથે, પાર્શ્વ ગાયક તરીકે - ૧૯૪૦-૧૯૬૦ - ૭૭ ફિલ્મોમાં લગભગ ૧૨૪ ગીતો
- ગૈર ફિલ્મી ગીતો - ૧૯૩૭-૧૯૬૦ - ૮૪ રેકોર્ડ્સ, ૧૫૬ જેટલાં ગીતો, જે પૈકી તેમણે ખુદ સંગીતબધ્ધ કરેલ ૧૬ રેકોર્ડ્સ, ૩૧ જેટલાં ગીતો
આ ઉપરાંત 'ચિત્રાંગદા' (૧૯૪૮) માં 'આનંદ'નાં પાત્ર માટે તેમણે સ્વર આપ્યો હતો. પંકજ મલ્લિક સાથે તેમણે બંગાળી નાટક 'મેસ નં. ૪૯'નું પણ સંગીત
સંભાળ્યું હતું.
તેમણે જાહેરાતો માટે પણ ૧૧ જેટલાં બંગાળી કે હિંદી ગીતો ગાયાં હોવાનું
નોંધાયેલ છે, પણ ઑલ ઈન્ડીયા રેડીયો પરનાં તેમનાં ગીતોની જેમ એ બધાં ગીતો આજે લગભગ અપ્રાપ્ય
છે.
અન્ય ભાષાઓમાં
સંગીતકાર તરીકે - ૧ તમિળ ફિલ્મ, ૭ ગીત (એ રામા રાવ સથે)
અન્ય સંગીતકારો સાથે,
પાર્શ્વ ગાયક તરીકે -
- મરાઠી - ૩ ફિલ્મ, ૩ ગીત
- આસામી - ૧ ફિલ્મ, બે ગીત
- તમિળ - ૧ ફિલ્મ , ૧ ગીત
ગૈર ફિલ્મી ગીત
ગુજરાતી - ૧ ગીત
૧૯૬૦ સુધી આટલો અસરકારક અને મજબૂત મંચ ઊભો કરી શક્ય અબદ '૬૦ અને ૭૦ના
દાયકાં તેમની કારકિર્દીએ કેવા વળાંક લીધા તેની વાત હવે પછીનાં ચરણમાં કરીશું.
જાતે જાતે તેમનું એક વધારે ચીરકાલીન ગીત યાદ કરી લેવાની લાલચ રોકી નથી શકાતી -
જાને વો કૈસે લોગ
થે જિનકે પ્યાર કો પ્યાર મિલા, હમને તો બસ કલિયાં માંગી કાંટોકા હાર મિલા - પ્યાસા (૧૯૫૭) - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર સાહિર લુધ્યાનવી
સંદર્ભ સ્વીકૃતિ
1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik
Chattopadhyay; Saptarshi Prakashan,Kolkata, 2013
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha
Ghosh; Sahityam, Kolkata, 1999
3. Hemanter Ki Manta by Subhas Mukhopadhyay
4. Hemen Gupta: His Life and Times: Feature Article by Aniruddha
Bhattacharjee, Cinemaazi.com
5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty;
Assistance Sanjay Sengupta
શ્રી એન
વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ,
Hemantayan – Part 1નો આંશિક અનુવાદ
શ્રી એન વેન્ક્ટરામનનું
વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com
No comments:
Post a Comment