Showing posts with label Raghav Behl. Show all posts
Showing posts with label Raghav Behl. Show all posts

Tuesday, February 2, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : આંતરરાષ્ટ્રીય તખ્તો : ‘થશે’ કે ‘નહીં થાય’?



૧૮મી જાન્યુઆરી, ૨૦૧૬નાપ્રકાશિત થયેલ પહેલા ભાગમાં  આપણે રાઘવ બહ્‍લની ભારતની મહાઆર્થિકસત્તાપદ તરફની મંજિલ માટેની પૂર્વભૂમિકાથી અવગત થયાં હતાં. ૨૧મી સદી દરમ્યાન ભારત મહાઆર્થિકસત્તા બની શકશે કે નહીં તે માટે આંતરરાષ્ટ્રીય તખ્તાનાં પરિબળોના ૨૦મી સદીના સાનુકુળ પ્રવાહોનાં રાઘવ બહ્‍લે અલગ અલગ પ્રકરણ રૂપે કરેલ વિશ્લેષણની આપણે આજે વાત કરીશું.

From Falling Towers to Falling Tickers \ધરાશાયી થતી ગગનચુંબી ઈમારતોથી લઈને શેરબજારના ગગડતા ભાવોમાં બહ્‍લ મહાઆર્થિકસત્તાના યુગનાં મંડાણ થતાં જૂએ છે. ૯/૧૧ની ઘટનાની એક સાવ અણઅપેક્ષિત આડ અસર એ થઈ કે  ઉભરતાં અર્થતંત્રો માટેના વિકાસ માટેના દરવાજાઓ ખૂલવા સામે જે કંઇ શક્ય અવરોધો હતા તે બહુ ઝડપથી દૂર થવા લાગ્યા. એ પછી સાત વર્ષ બાદ, પડી ભાંગવા માટે જે હવે અતિ મોટી સંસ્થાઓ બની ચૂકી છે/too big to fall એવી, એક સમયની મહવૃક્ષ સમી લેહમૅન બ્રધર્સ જેવી ઈન્વેસ્ટમેન્ટ બેંકનાં ઉખડી પડવાએ નવાં જ ભૂરાજનૈતિક વ્યવસ્થાથી આકાર પામતાં આંતરરાષ્ટ્રીય આર્થિક સમીકરણોના હિસાબ માંડ્યા. ૯/૧૧ પછીના ત્રણ સૌથી વધારે બોલાતા ત્રણ શબ્દો 'આતંકવાદ સામેની લડાઈ'નું સ્થાન હવે 'મેડ ઈન ચાઈના'એ લેવા માંડ્યું હતું. વિશ્વનાં બજારોમાં ઠલવાતા ચીનમાં બનતા સસ્તા માલસામાન અને ચીનની રાષ્ટ્રીય બચતની આંતરરાષ્ટ્રીય નાણાં બજાર પર સીધી અને આડકતરી અસરો હવે આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અભ્યાસ અને અહોભાવના વિષયોનું ચારે બાજૂ ચલણ થતું ગયું. મુક્ત બજાર વ્યવસ્થાનાં પોતપોતાનાં આગવાં મોડેલ વિકસાવીને ૨૦૦૮ની મહામંદીની અસરોમાંથી આ BRIC(S) દેશો બહુ વહેલા, અને પ્રમાણમાં ઓછાં નુકસાનથી, બહાર આવી ગયા હતા. આમ, વૈશ્વિકરણને પ્રવેગ આપનારાં ચાલક બળ તરીકે  BRIC(S) દેશોના સમૂહની ઓળખાણ થવી એ પણ કોઈ સંયોગ માત્ર જ નહોતો. 
ચીનની વ્યાપાર અને રાજદ્વારી ઘટનાઓમાં વધતી જણાતી પકડના જવાબ રૂપે લોકશાહી દેશોના વધતા જતા સૂરમેળ માટે જવાબદાર ગણી શકાય તેવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર Raring to Go \આગળ ધસવા આતુરનું પ્રકરણ ભાર મૂકે છે. જો હિતસંબંધ એક થતા જણાતા હોય તો એક સરખી શાસન વ્યવસ્થા જેવી સામ્યતા ધરાવતા અલગ અલગ દેશો કેમ એકતાલમાં વર્તી શકે તેનું પ્રતિક પરમાણુ ઉર્જા માટે જેનો બહોળો ઉપયોગ થાય છે તેવી વિરલ મૃદ્‍ ધાતુઓ \Rare Earths બની ગઈ.ચીનના પોતાના ખનિજ સ્ત્રોતો વિશ્વના સમગ્ર સ્ત્રોતોનો ત્રીજો ભાગ હોવા છતાં, કુલ પુરવઠાનો લગભગ ૯૦ % જેટલો હિસ્સો ૨૦મી સદીના અંત સુધીમાં ચીન પૂરૂં પાડતું થઈ ગયું હતું. ચીનની પકડનો ખરો અંદાજ સપ્ટેમ્બર, ૨૦૧૦માં જાપાન સાથે થયેલ ઘટનાક્રમથી બધાંની આંખે ચડી ગયો. સત્તાવાર રીતે પુરવઠા પર કોઈ જ પ્રતિબંધ નથી નખાયો એવા ચીનના ભારપૂર્વકના દાવા છતાં, જાપાન માટેની વિરલ મૃદ્‍ ધાતુઓની નિકાસમાં બહુ જ નોંધપાત્ર અને એકદમ ચિંતાજનક, ઘટાડો થવા લાગ્યો. વિશ્વના વિરલ મૃદ્‍ ધાતુઓના વિપુલ વપરાશકાર દેશોને  આની પાછળ વિરલ મૃદ્‍ ધાતુઓની આંતરરાષ્ટ્રીયવ્યાપાર વ્યવસ્થા અને  ભાવો પર ચીનની પગદંડો જમાવવાની દાનતની દહેશત અનુભવાઈ. મજાની વાત એ બની  કે, આના પ્રતિભાવમાં અમેરિકા અને વિશ્વના અન્ય જે દેશોએ પોતાનું વિરલ મૃદ્‍ ધાતુઓનું ઉત્પાદન વધારવાનું શરૂ કરી દીધું, એ બધા જ દેશોમાં લોકશાહી શાસનવ્યવસ્થા હતી. આ દેશોના અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો સારા એવા સુમેળપૂર્ણ હતા તે પણ એક મહત્ત્વનું પરિબળ ગણી શકાય. આમ વિરલ મૃદ્‍ ધાતુઓના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચીનનાં ભારી થઈ ગયેલ પલડાંની સામે સંતુલન સાધવામાં વિરલ મૃદ્‍ ધાતુઓના ઉત્પાદક દેશોની લોકશાહી શાસન વ્યવસ્થાની સામ્યતાએ, અજાણતાં જ, ત્રાજવાની દાંડીની ભૂમિકા ભજવી નાખી.
વિરલ મૃદ્‍ ધાતુઓ જેમ આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવાહોનું પ્રતિક બની રહી, તેમ ૨૦મી સદીના અંત અને ૨૧મી સદીના પહેલા દાયકા દરમ્યાન બ્રહ્મદેશના રાજકીય મંચ પર બનતી ઘટનાઓ થકી, ચીનની સામે વિશ્વના અન્ય દેશોનાં રચાતાં આંતરરાષ્ટ્રીય ભૂરાજનૈતિક જોડાણોની ગતિવિધિઓનું આલેખન લેખક  Neutral No More \હવે પછી તટસ્થ (દેશ)નહીંપ્રકરણમાં કરે છે. ૨૦મી સદીના મધ્ય ભાગ પછીથી બ્રહ્મદેશના સંબંધો ભારત અને ચીનની વચ્ચે લોલકની જેમ ઝૂલતા રહ્યા હતા. બ્રહ્મદેશની ૧૯૯૦ની ચુંટણીઓનાં પરિણામોને હડસેલી નાખવાનાં ત્યાંના લશ્કરી શાસકોનાં પગલાંના પ્રતિભાવરૂપે બ્રહ્મદેશને ફરીથી લોકશાહી શાસનવ્યવસ્થા તરફ પાછા વાળવા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર અને આર્થિક પ્રતિબંધોનો આશરો લેવામાં આવ્યો. આને કારણે કુદરતી સંપત્તિથી સમૃદ્ધ એવા ભૌગોલિક પડોશી દેશમાં પોતાની વગ વધારવા માટે ચીન જે ખુલ્લી બારી શોધતું હતું તે તેને મળી ગઈ. જો કે એ સમય દરમ્યાન ભારતે પણ 'વ્યૂહાત્મક યથાર્થવાદી નીતિ'ને વિકસાવી, જેને પરિણામે લશ્કરી શાસનવ્યવસ્થા હેઠળનાં બ્રહ્મદેશ સાથે ભારતના રાજકીય અને વ્યાપારિક સંબંધો, મર્યાદિત ધોરણે પણ, ચાલુ જ રહ્યા. બ્રહ્મદેશના પહાડી ઈલાકાઓમાં ચીનપ્રેરિત માઓવાદી ઉગ્રવાદી બહારવટાંઓનાં ઉંબાંડીયાંઓએ બ્રહ્મદેશના લશ્કરી શાસકોની ઉંઘ હરામ કરવા માંડી હતી.એટલે ધીમે ધીમે તેમણે દેશની જરૂરિયાતોના બાહ્ય સ્ત્રોતો માટેની જાળ વિસ્તારવાનું શરૂ કરવા માંડ્યું હતું. આ પ્રવાહી સંજોગો દરમ્યાન, ભારતે પણ એક બાજૂ આપખુદ શાસન અને બીજી બાજૂ લોકશાહ તરફી પરિબળો સાથેના સંબંધોમાં સમતુલા જાળવી રાખી. ૨૦૧૧ સુધીમાં, બ્રહ્મદેશમાં ઔપચારિક રીતે લશ્કરી શાસનનો અંત થયો અને, બહારના લોકોની દૃષ્ટિએ ભલે નામની પણ કંઈક અંશે, બિન-લશ્કરી શાસન વ્યવસ્થાનાં મંડાણ થયાં.નવી સરકારે જરા પણ સમય ખોયા વગર જ દેશનાં અર્થતંત્ર પરની ચીનની સાંકળોના અંકોડા ખોલવાનું શરૂ કરી દીધું. એક સમયના સામ્યવાદી રશિયન સમવાય સંધના વિઘટન પછી રશીયન રીંછની બાથની અસરમાંથી છટકી શકેલા કઝાખસ્તાન જેવા દેશોની જેમ, હવે બ્રહ્મદેશ પણ એકાધિકજોડાણોવાળા નટબજાણીયાના ખેલમાં પાવરધું થવા લાગ્યું હતું. તાજેતરની ચુંટણીઓમાં ઔંગ સૈન સૂ કીનાં નેતૃત્વવાળા NLD પક્ષના નિર્ણાયક વિજય પછી તો બ્રહ્મદેશમાં લોકશાહી તરફી પરિવર્તન હવે સુસ્પષ્ટ બની ચૂક્યું છે.  
આમ વિરલ મૃદ્‍ ધાતુઓવાળી બાવડાં ફુલાવવાની ઘટનાની જેમ બ્રહ્મદેશની ઘટનાઓ પણ ચીનના દુસ્સહસવાદની સામે લોકશાહી દેશો વડે લેવાયેલાં સંકલિત પગલાંઓની અસરકારકતાને બળવત્તર કરે છે. આ સંદર્ભમાં, ભારતની વર્તમાન સરકારની જાપાન, ઓસ્ટ્ર્લિયા, સિંગાપોર, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ભુતપૂર્વ સોવિયેત સંઘના દેશો કે મધ્ય એશિયાના દેશો સાથે હકારાત્મક, સક્રિય, આર્થિક-વ્યાપારી સંબંધોની પહેલનો લંબાવેલો હાથ એક બાજૂ ચીનના એશિયા-પેસિફિક વિસ્તારોમાં વધતા પ્રભાવને ખાળવા માટેની, અને બીજી તરફ ભારતનાં આર્થિક હિતોની વાડને વધારે મજબૂત કરવાની, બહુ મહત્ત્વની દૂરગામી ચાલ કહી શકાય.
A Region at Sea\ડહોળે ચડેલો મહાસાગરમાં ૨૧મી સદીની મહાઆથિકસત્તાઓનાં આપસી વર્ચસ્વ માટેની હરિફાઈનો મુખ્ય મંચ દક્ષિણ ચીન સમુદ્ર પ્રદેશ છે, તો હિંદી મહાસાગર તેમાં પેટામંચના પાઠમાં છે.  ચીનની ખનિજ તેલની આયાતોનો ૮૦% જેટલા હિસ્સાએ દક્ષિણ ચીન સમુદ્રના ખીચોખીચ ભરેલ મલાક્કા સામુદ્રધુનીમાંથી પસાર થવું પડે છે, જેને કારણે ઐતિહાસિક રીતે જળમાર્ગી વ્યાપાર માટે આ પ્રદેશનું ચીન માટેનું મહત્ત્વ સ્વાભાવિક છે. આવાં દૂરગામી વ્યૂહાત્મક કારણોસર ચીન પોતાનો પ્રભાવ દક્ષિણ ચીન કે પૂર્વ ચીન જળવિસ્તારો ઉપરાંત હિંદી મહાસાગર પર વધારવા ઉત્સુક છે. આ માટે બાંગ્લાદેશ, શ્રી લંકા કે પાકિસ્તાનનાં ચોક્કસ બંદરોનો વિકસાવવા માટે તેણે પોતાની બધી (રાજકીય-આર્થિક) તાકાત કામે લગાડી દીધી છે.
ચીનની વધતી જતી દરિયાઈ તાકાતે આ સમુદ્રવિસ્તારના વિયેતનામ, સિંગાપોર કે મલયેશિયા જેવા આ દરિયાઈ વિસ્તારોના કાંઠાળ દેશોને પણ પોતાનાં નૌકાદળોની ક્ષમતા વધારવા પ્રેર્યાં છે. આ પ્રદેશમાં થતા નાના નાના વિખવાદોમાં, ભારત આ બધા દેશોને ચીનની સામે, ભલે બહુ સીધી રીતે નહીં પણ, હુંફ ભરતું રહે છે.
ચીનનાં દક્ષિણ ચીન સમુદ્રમાંની ગતિવિધિઓએ ૨૧મી સદીનાં જોડાણોને બ્રહ્મદેશ કે વિરલ મૃદ્‍ ધાતુઓ જેવી ઘટનાઓ જેમ જ ચકાસણીની એરણે ચડાવેલ છે. લોકશાહી દેશોની ટીમ માટે ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ડરાવવા- હટાવવાનું કામ વિરલ મૃદ્‍ ધાતુઓની સમસ્યાના નીવેડા કે બ્રહ્મદેશને પોતા તરફ કરવા જેટલું આસાન નથી પરવડ્યું. એક બાજૂ ચીનમાં જ મોટા ભાગનાં લોકો દૃઢપણે માને છે કે  આ વિસ્તાર પર તેમનો સાર્વભૌમત્વનો હક્ક સાવે સાવ કાયદેસરનો છે. તો બીજી બાજૂ તેઓ એમ પણ માને છે કે આ વિસ્તારમાં અમેરિકાની હાજરીની કાયદેસરતાનાં ધોરણે તો નથી જ, પણ અહીં હક્કદાવા કરતા બીજા હરીફ દેશોને પોતાની વિરુદ્ધ ચડામણી કરવા માટે જ છે.…. જોકે, એશિયા પેસિફિકનાં જળમાંના આ પ્રકારનાં (રાજકીય) ઘર્ષણો્ને લશ્કરી અંજામ સુધી ખેંચી જવા જેટલું ચીન હજૂ ઉત્સુક નથી બન્યું તે સારી વાત છે.
મહાઆર્થિકસત્તાઓના આ દૌરમાં ચીનના પગપેસારા સામે અમેરિકા જેટલું અસરકારક નીવડે તેના કરતાં વધારે અસરકારક ભારત-જાપાનના મજબૂત થતા જતા આર્થિક સંબંધોના દિવાલનું ચણતર પરવડશે. બાહ્ય દૃષ્ટિએ જોતાં એશિયાની બે મોટી લોકશાહીઓ વચ્ચે બહુ સામ્યતાઓ નથી જોવા મળતી, પણ તેમનાં સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોનાં જોડાણોનાં મૂળ સદીઓ પુરાણાં છે.
જો કે બહુ નિશ્ચિતપણે જાપન અને ભારત આગળ પડતાં રહીને ચીનને વિશ્વાસ દેવરાવતાં રહ્યાં છે કે તેમનો સહયોગ ચીનને ખાળવા માટે નથી. જેમ જેમ તેમનું જોડાણ દૃઢ થતું ગયું છે તેમ તેમ જાપાન-ભારતની સાજેદારીની ભાષા ઓછીને ઓછી સાવધ થતી જોવા મળી રહી છે….તો સામે પક્ષે, પોતાનાં નજ્દીકનાં જોખમોના પડકારને સામે ઢાલ તરીકે વાપરવા માટે ચીને વધારે ને વધારે બાબતોને આવરી લેતી પશ્ચિમાભિમુખ અભિગમની નીતિને અપનાવવાનો માર્ગ અખત્યાર કરવાનું શરૂ કરેલ છે.
આજની તારીખમાં હવે એટલું તો નિશ્ચિત થ ઈ ચૂક્યું છે કે આજની મહાસત્તાઓએ હરીફો કે સાથીઓ વચ્ચે પસંદગી કરવાપણું રહ્યું નથી. આજે એક વાતે જે સાથે હોય તે બીજી વાતે હરીફ પણ થાય; તો બીજી બાજૂએ સાવ રસ ન લેતો દેખાવા છતાં તે સાથી પણ નીવડે, કે પછી, હરીફ પણ !  આવા બેધારી સંબંધો  નિભાવવા માટે એકસમાન વિચારસરણી ધરાવતા મનાતા દેશો વચ્ચે બહુ જ અનોખું ટીમવર્ક, તેમ જ તેમની નીતિઓ, હિતો અને વાણી-વર્તનમાં બહુ જ ધ્યાનપૂર્વકનું સંકલન, આવશ્યક બની રહે છે.
Aligned With India, But Allied With Pakistan \ હાથ પકડ્યો ભારતનો, પણ સાથ પાકિસ્તાનનોહંમેશાં અમેરિકન મહાવિરોધાભાસ \The Great American Paradoxરહ્યો છે. ૯/૧૧ની ઘટનાઓ સાથે સંકળાયેલ ઓસામા બિન લાદેનનું અમેરિકા વડે ઠેકાણે પાડી દેવું, અમેરિકાની અફઘાનિસ્તાનમાં પરાણે પરોણા જેવી હાજરી અને એવી બીજી કેટલીય ઘટનાઓને પરિણામે પાકિસ્તાનના લોકોમાં અમેરિકા માટેની લાગણી તળીયે ડૂબી ચૂકી છે. તો સામે. અમેરિકામાં પણ પાકિસ્તાનીઓ માટે બહુ માન નથી રહ્યું. અમેરિકા-પાકિસ્તાન જોડાણમાં પડેલી દરારને કારણે ભારતમાં આશ્ચર્ય ઓછું અને હરખ વધારે અનુભવાય છે. સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓએ ભારત-અમેરિકાનાં સમાંતર ચાલતાં રહેતાં વ્યૂહાત્મક હિતોને એક કરવાની દિશામાં ઝડપ લાવી દીધી છે. ભારત મિત્ર થાય પણ સાથી ક્યારેય નહીં, અને પાકિસ્તાન સાથી બને પણ મિત્ર નહીં એ મતલબની પહેલેથી કહેવાતી વાયકા હવે જાણે શીર્ષાસનની અવસ્થામાં આવી ગઈ - પાકિસ્તાન હવે નહોતું ગણાતું મિત્ર કે ન તો સાથી, અને ભારત અચાનક જ બંને પાઠમાં ગોઠવાઈ ગયું.
ઓસામા બિન લાદેનનાં મોત અને અફઘાનિસ્તાન સંબંધિત ભાવિ અનિશ્ચિતતાઓ એ અમેરિકા -પાકિસ્તાનના સંબંધોને વધારે ખુલ્લામાં લાવી મૂક્યા છે.બંને વચ્ચે સૌથી વધારે તંગદીલી કરતો રહેતો હોય તેવો મુદ્દો છે પાકિસ્તાન પાસેનાં અણુશસ્ત્રો - કે એમ કહો કે પાકિસ્તાનની અણુશસ્ત્રોને સલામત રાખી શકવાની ક્ષમતા.  ઈસ્લામી કટ્ટરવાદીઓ માટે તો વિશ્વના એક માત્ર અણુશસ્ત્ર ધરાવનાર મુસ્લિમ દેશ તરીકે પાકિસ્તાન તો સાવ મોસાળ ગણી શકાય. આ સંજોગોમાં પાકિસ્તાન કેટલી હદે તેનાં અણુશસ્ત્રોને આવાં પરિબળોથી બચાવી રાખી શકશે એ વાતે અમેરિકામાં ચિંતાની માત્રા ઘણી ઊંચી રહે છે...પોતાની ધરતી પર આતંકવાદના અડ્ડાઓને પનાહ દેવાની બાબતે પાકિસ્તાનની સતત આંખ આડા કાન કરવાની દાનતે અમેરિકાને ભારતના પડખામાં ધકેલવામાં મદદ કરી છે.અમેરિકા જ્યારે અફઘાનિસ્તાનમાંથી નીકળી જવાની વાટ પકડવાની તૈયારી કરે છે ત્યારે તેનાં પેંગડાંમાં ભારતનો જોડો સહુથી વધારે બંધબેસતો જણાય છે. જો કે, હજૂ સુધી ભારતે અફઘાનિસ્તાનને માત્ર સારા પડોશી તરીકે માનવહિત કે આર્થિક બાબતોમાં જ મદદ કરાવાનું વલણ અપનાવ્યું છે.અફઘાનિસ્તાનમાં જો  પરિસ્થિતિ એક હદથી વધારે ડામાડોળ રહ્યા કરે તો ભારત - પાકિસ્તાન વચ્ચે ફરીથી લડાઈ સુધી વાત પહોંચી શકે તેવી દહેશત પણ કેટલાક રાજકીય નિરીક્ષકો સેવી રહ્યા છે, અને જો તેમાં પાકિસ્તાનમાંના  ઉગ્રવાદી કે ભારત માટે ભારોભાર વેરની ભાવના ધરાવનાર શાસક વર્ગનું પલડું ભારે થાય તો એકબીજાં સામે અણુશસ્ત્રો પણ ખેંચાઇ જવા સુધી વાત વણસી શકે એ વાત આ દહેશતને વધારે ઘેરી બનાવે છે. પાકિસ્તાનની ભારત-વિરોધી દહેશતને ઠંડી પાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે બંને દેશો વચ્ચે વ્યાપાર વધારવાનો અને એકબીજાંની સામાન્ય પ્રજાને આમનેસામને હળવામળવામાં સરળતા વધારવાનો. વધારે કપરો વિકલ્પ છે ભારત-પાકિસ્તાનની વાટોઘાટો થકી કાશ્મીર મુદ્દાનો કાયમી ઉપાય, જે બંને દેશોને પોતપોતાની સરહદો પરની લશકરી જમાવટ ઓછી કરી નાખવા સુધીના વિશ્વાસનું વાતાવરણ પેદા કરી આપે.જો કે આ બધું શક્ય બને તેના કરતાં ઉત્તરે બેઠેલ ચીનનો વધતો જતો પગદંડો વધારે જલદી કામ કરી આપે એમ પણ બને. અફઘાનિસ્તાનના ઉકળતા ચરૂમાં પાકતી ખીચડી માટે ચીન બહુ લાંબા સમયથી બાજૂએ બેસીને પોતાનો ડોળો ફેરવી રહ્યું છે; જેમ જેમ અમેરિકા બહાર જતું જાય તેમ તેમ જો ચીન વધારે ને વધારે સક્રિય ભાગ ભજવવાની ભુમિકામાં આવતું જોય તો બધાં જ સમીકરણો બદલી જઈ શકે છે. ચીનને પણ તેના મુસ્લિમ લહુમતિ પ્રાંતોમાં આતંકી ગતિવિધિઓ આયાત થવાનો ડર પણ છે, જેને કારણે તે પણ આતંકવાદ સાથે કડક હાથે કામ લેવા બાબતે પાકિસ્તાન પર દબાણ તો કરતું જ રહેશે.
આમ અમેરિકા, ચીન અને ભારત વચ્ચે મહાઆર્થિકસતાઓની ધરી બને શકે તેવા મંચની ભૂમિકા આવનારાં વર્ષોમાં અફઘાન-પાકિસ્તાન થિયેટર પૂરી પાડી શકે છે. દક્ષિણ ચીન સમુદ્ર  કે હિંદી મહાસાગરનાં થિયેટરમાં તો આ પાત્રો એકબીજાંની હરિફાઈનાં શસ્ત્રો ખખડાવવાના પાઠમાં છે, જ્યારે અફઘાન-પાકિસ્તાન થિયેટરમાં ઈસ્લામી કટ્ટરવાદી તાકાતો આ ત્રણ સત્તાઓનાં વ્યૂહાત્મક હિતોને એકઠાં કરી આપવામાં ફાળો આપી શકે છે. જો આ બાબત શક્ય  થાય તો, તેને પરિણામે આ આખા વિસ્તારમાં આર્થિક વિકાસ પણ શક્ય બને, અને આ વિકાસની પાછળ આ સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સલામતી તો આવે જ, જે માત્ર પાકિસ્તાન કે અફઘાનિસ્તાન માટે જ નહીં પણ ભારત માટે, અને કદાચ આ વિસ્તાર સાથે ભૂરાજનૈતિક રીતે સંકળાયેલ અન્ય ઘણા દેશો માટે, ફાયદાનો સોદો પરવડી શકે છે.

હવે પછીના ૧૬-૨-૨૦૧૬ના હપ્તામાં આપણે અમેરિકા અને ભારતની વચ્ચે આપસી સામ્યતાઓ તેમજ બંને વચ્ચેનાં વ્યૂહાત્મક જોડાણને મજબૂત કરી શકે તેવાં પરિબળો વિષે વાત કરીશું.

Monday, January 18, 2016

મહા આર્થિકસત્તાઓ/ Super Economies : નવી સદીમાં સત્તાનાં નવાં સમીકરણોનું ગતિશાસ્ત્ર



મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત, ચીન અને વિશ્વનું ભાવિ
ISIN: 978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-
પોતાના શસ્ત્રાગારમાં એકબીજાની સામે મોં ફાડીને ઊભાં રહેલાં મહાવિનાશક શસ્ત્રોના ખડકલા કરતી મહાસત્તાઓનો હવે નથી રહ્યો, પણ આજનો સમય છે એકબીજા સાથે પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ અનેક તાણેવાણે સંકળાયેલ સમાજોનો. ઊભરતાં રાષ્ટ્રોના એકબીજા સાથેનાં આર્થિક, ભૂરાજનૈતિક તેમ જ માહિતી આદાનપ્રદાનનાં જોડાણોએ વૈશ્વિક અર્થકારણને એક સક્રિય બજાર બનાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નવાં આર્થિક સમીકરણો ટુંકા ગાળાના રાજકીય સંબંધોને લાંબા ગાળાનાં નવાં પરિમાણોની નવી દિશાઓમાં દોરી રહેતાં હોય તેમ પણ હવે જોવા મળે છે.  કેટલાં લાંબાં અંતર સુધી આણ્વિક શસ્ત્રાગ્રને પહોંચાડી શકે તેવાં આંતરખંડિય પ્રક્ષેપાત્રો તેની પાસે છે કે શસ્ત્રાગારમાં અણુ બોંબની સંખ્યા કેટલી છે જેવાં ગઈ સદીનાં મહાસત્તાની તાકાતનાં સુચકોને બદલે હવે એકંદર ઘરેલુ ઉત્પાદનના વૃદ્ધિ દર, તેનો વૈશ્વિક અર્થકારણમાં ફાળો કે વસતીમાં યુવાનોની સખ્યા જેવાં નવાં સુચકો મહાઆર્થિકસત્તાઓની ઓળખ બનવા લાગ્યાં છે.
રાઘવ બહ્‍લનું ભાવિદર્શન ૨૧મી સદીમાં કેટલીક ગણી ગાંઠી મહા આર્થિકસત્તાઓની આણ વર્તાતી જોઈ રહ્યું છે. આ મહાઆર્થિકસત્તાઓનો વૃદ્ધિ દર ઘણો ઊંચો હશે, વૈશ્વિક એકંદર ઘરેલુ ઉત્પાદનમાં તેમનો સિંહફાળો હશે, વૈશ્વિક વેપારમાં તેમનું અગ્રેસર સ્થાન હશે, તેઓ શસ્ત્રોના ખણખણાટથી નહીં પણ આર્થિક નેતૃત્ત્વ વડે મહત્ત્વનાં પરિવર્તનો લાવવામાં સક્રિય હશે.
નવી સદીમાં સત્તાનાં નવાં સમીકરણોનું ગતિશાસ્ત્ર
બીજાં વિશ્વયુદ્ધે  વિશ્વની ભૂરાજનૈતિક ચોપાટ પર નવાં ચોકઠાંઓ ગોઠવીને મહાસત્તાઓના યુગનો નવો ખેલ આંરભી આપ્યો. ૧૯૫૦થી લગભગ ૧૯૮૦નાં અંત સુધીનો સમય સોવિયેત રાષ્ટ્રઘટક દેશો અને અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રો વચ્ચે શીત યુધ્ધનાં વર્ષો તરીકે ઇતિહાસને ચોપડે એક મહત્ત્વનાં પ્રકરણ તરીકે જાણીતો છે.  સામ્યવાદની સામે મૂડીવાદ કે લોકશાહી જેવી રાજકીય રીતે અલગ પડતી વિચારસરણીઓ હેઠળ આણ્વિક શસ્ત્રોમાટેની હોડ તો બંને પક્ષો માટે એકબીજાંને શેહ દેવા માટે સર્વસામાન્ય મ્હોરૂં હતી. ૧૯૮૯માં બર્લિનની દિવાલના તૂટી જવા બાદ શીત યુદ્ધનાં વળતાં પાણી થઈ ગયાં. તેની સાથે સાથે દ્વિધ્રુવીય સત્તાની સાઠમારીના યુગનો પણ પડદો પડી ગયો. વીસમી સદીનાં હવે પછીનાં વર્ષોમાં અમેરિકાનો ડંકો વિશ્વની એકમેવ મહાસત્તા તરીકે રણકતો રહેવાનો હતો. 
૯/૧૧ના હુમલા અને ૨૦૦૮ના નબળાંસ્તરનાં ધીરાણોsubprime -નાં ત્સુનામી મોજાંએ અમેરિકાના પ્રથમ દરજ્જાનાં સ્થાનને ખાસ્સું હચમચાવી કાઢ્યું હતું. ૨૧મી સદીના પ્રારંભમાં BRIC(S) અર્થતંત્રોએ હવે વૈકલ્પિક આર્થિકસત્તાઓ તરીકે કાઠું કાઢવાનું શરૂ કરી દીધેલ હતું. વીસમી સદીની સત્તાની લગામ જો રાષ્ટ્રની અમલદારશાહીના હાથમાં હતી, તો તેની લશ્કરી તાકાત સામેના પર પ્રભાવ પાડવા માટેનું એક મહત્ત્વનું  પરિબળ હતું. હવે એકવીસમી સદીમાં બજારની તાકાત નવાં પ્રભાવક પરિબળ તરીકે ઊભરી રહેલ હતી, લશ્કરી તાકાતને બદલે હવે આર્થિક નૈપુણ્ય હવે  વૈશ્વિક કાર્યસૂચિ નક્કી કરવા માટેનું વધારે સક્ષમ પરિવર્તક બની રહેલ હતું. યુદ્ધજહાજો અને પ્રક્ષેપાત્રો વડે ગઈ સદીની મહાસત્તાઓ જે કંઇ સિદ્ધ કરવા માગતી હતી તે આજની મહાઆર્થિકસત્તાઓ  આર્થિક નેતૃત્વ, બહુપક્ષીય વેપાર વાર્તાવિચારણાઓ, એકબીજા સાથે વાણિજ્યની શરતો કે નાણાંવિનિમય દરથી માંડીને પર્યાવરણ નિયમન નીતિ નક્કી કરવા માટે સુધીની બાબતો માટેની સંકુલ વાટાઘાટો વડે સિદ્ધ કરવા માગે છે.
પોતાને જે જોઇએ છે તે બળજબરી કે અવેજ ચુકવણી વડે મેળવવાને બદલે આકર્ષણના ઉપયોગને જૉસેફ નૈ 'સૉફ્ટ પાવર'[1] કહે છે. આ પ્રકારના સૉફ્ટ પાવરની તાકાતને મહાઆર્થિકસત્તાઓ બરાબર પીછાણે છે અને પોતાની આર્થિક અને સાંસ્કૃતિક અસ્કયામતોના પ્રભાવને બરકરાર રાખવા આ પ્રકારના સૉફ્ટ પાવરને બરાબર કામે લગાડવામાં માહિર પણ છે.
૯/૧૧ અને ૨૦૦૮ની નાણાંકીય મહામંદી પછીથી અમેરિકા તેની મહાઆર્થિકસત્તાની આર્થિક તેમ જ ભાવનાત્મક અગ્રણીની ભૂમિકા ફરી મેળવી ચૂક્યું છે. મોટા ભાગની આર્થિક કે ઉત્પાદન અને માહિતી ટેક્નોલોજીની મૂલ્ય-સાંકળની નીચેની કક્ષાને લગતી પ્રવૃત્તિઓ બીજા દેશોમાં ચલાવવા છતાં પણ અમેરિકા નેનો ટેક્નોલોજી કે ત્રી-પરિમાણીય મુદ્રણ, ડીજીટલ ઉત્પાદન સેવાઓ, અદ્યતન સૉફ્ટવેર કે સંમિશ્રિત માલસામગ્રીઓ / composite materials જેવી ઉચ્ચ ટેક્નોલોજીનાં વિવિધ ક્ષેત્રોમાં અમેરિકા પોતાની સરસાઈ જાળવી શક્યું છે. તે જ રીતે તેમનાં મોટાં શહેરોનાં કથળતાં જતાં માળખાંકીય સેવાઓનાં સ્તરની સુધારણા કે નવસર્જન માટે જાહેર-ખાનગી ભાગીદારીના સંયુક્ત પ્રયાસો જેવા રાજકીય સામાજિક જાહેર જીવનના કૂટ પ્રશ્નો માટે સાવ અભિનવ પ્રયોગોને ઘડી કાઢવામાં અને તેના સફળ અમલ કરવાની પહેલમાં પણ તે અગ્રેસર રહ્યું છે. તેની સામે જાપાન કે યુરોપનાં એક સમયનાં વિકસિત રાષ્ટ્રો એક યા બીજા પ્રકારના માળખાંગત નિગ્રહમાં જ અટવાતાં રહ્યાં છે.
બીજાં બધાં ઉભરતાં અર્થતંત્રોમાંથી ચીને મહાઅર્થસત્તાનું બિરૂદ અંકે કરી લેવામાં સફળતા મેળવી છે. છેલ્લાં ૪૦ વર્ષમાં પહેલી વાર ખરીદ શક્તિ સમકક્ષતા મુજબ સમાયોજિત તેનું એકંદર ઘરેલુ ઉત્પાદન અમેરિકાનાં સમકક્ષ એકંદર ઘરેલુ ઉત્પાદનને વટાવી ગયું છે. ચીનના બહુ વધારે પડતા ઝડપથી થયેલ આર્થિક વિકાસની તાજેતરમાં બહાર આવેલ કેટલીક તિરાડોએ અમેરિકા વિરૂદ્ધ ચીનની ચર્ચાની આગમાં ઈંધણ પૂરવાનું કામ કર્યું છે. અમેરિકાનાં વિશ્વ મહાસત્તા તરીકેનાં પ્રભુત્વની ચિંતાઓને મોટા ભાગના પાશ્ચાત્ય અર્થશાત્રીઓ ભારપૂર્વક નકારી જરૂર કાઢી શકે છે, પણ ચીનના પડકારને તેઓ એટલા જ ભારપૂર્વક  અવગણી નથી શકતા એ બાબતની નોંધ તો લેવી જ ઘટે.
જેમ વીસમી સદીમાં વૈશ્વિક મંચ પર યુરોપનો દબદબો રહ્યો હતો તેમ એકવીસમી સદીમાં હિંદી મહાસાગર વૈશ્વિક મંચનાં લશ્કરી કે આર્થિક ચર્ચા, વિવાદો કે વિગ્રહોનાં કેન્દ્રસ્થાને રહેશે તે બહુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. છેલ્લાં ૫૦૦ વર્ષમાં પહેલી વાર વિશ્વ પરનો પ્રભાવ એશિયામાંથી ઉદ્‍ભવતો જોવા મળી રહ્યો છે.
એમ કહી શકાય કે અત્યારના આ સંજોગોમાં ભારત બહુ યોગ્ય જગ્યાએ, બહુ જ ઉચિત સમયનાં સ્થાન પર આવી ઊભું છે. રાજકીય અંતિમોના વિવાદો, ભ્રષ્ટાચાર અને  ગરીબ-તવંગર વચ્ચે વધતાં જતાં અંતર જેવાં નકારાત્મક પરિબળો[2]ની ચોટને કારણે લંગડાતાં રહેવા છતાં, ૨૦૧૪ના નરેન્દ્ર મોદીનાં નેતૃતવની સરકારને કેન્દ્રમાં મળેલા નિર્ણાયક જનમતને રાઘવ બહ્‍લ  ભારતની મહાઆર્થિક સત્તાપદની દોડમાં બહુ મહત્ત્વની, સકારાત્મક, ઘટના ગણાવે છે. ચીનના મહાઆર્થિકસત્તા તરીકેના ઉદયને કારણે, જાણ્યેઅજાણ્યે, ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક દૃષ્ટિકોણ વધારે એકનજર થતા ગયા છે.
ભારતની મહાઆર્થિકસત્તાપદ ભણીની સંભાવ્ય સફરને રાઘવ બહ્‍લે પ્રસ્તુત પુસ્તકમાં અલગ અલગ પ્રકરણ રૂપે કરી છે, જેનો પરિચય આપણે ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ કરીશું. 


[1] Joseph Nye on Soft Power
  
[2]  Will India become a Superpower? – Ramchandra Guha