Tuesday, October 16, 2012

શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ – “આફ્ટર શૉક”

જે વાતની કદી પણ કલ્પના ન કરી હોય તે ,અચાનક, આપણી નજર સામે થતી જોવી તે સમયની લાગણી એટલે "શૉક" - 'આંચકો'. આવા - માનસીક, સામાજીક, રાજકીય , ઐતિહાસિક - 'આંચકા'ની અનેકાનેક ઘટનાઓ પર દસ્તાવેજી કે લાગણીમય કે સાહિત્યિક કે ફિલ્મકથાનક સ્વરૂપનાં વૃતાંતો થતાં રહ્યાં છે.'આંચકો' માત્ર આવી જાય,તેટલાંથી પણ ઘણી વાર વાત અટકી નથી જતી.એના પર અધારીત, કે એની સાથે સંકળાયેલ, કેટકેટલી, જેની અસર દેખીતી રીતે પ્રમાણમાં ઓછી જણાતી હોય એવી, ઘટનાઓ પછી પણ થયા જ કરતી હોય તેવું પણ જોવા મળે છે. ભૂસ્તરીય પરિભાષામાં આવી મુખ્ય - અતિ પ્રભાવશાળી - ઘટના  ["શૉક" / 'આંચકો']પછીથી થયે રાખતી ,પ્રમાણમાં ઓછા પ્રભાવવાળી,ઘટનાઓ "આફ્ટર શૉક" - 'પશ્ચાદ આંચકા' - તરીકે ઓળખાય છે.
"શૉક", કે "આફ્ટર શૉક"ની, અસરો અતિ પ્રભાવશાળી / તિવ્ર થી માંડીને સાવ હળવી માત્રામાં થઇ શકતી હોય છે. આ અસર દુખદ કે પછી સુખદ હોઇ શકે, તે વિનાશક કે નવસર્જક હોઇ શકે, કે પછી ભૌતિક હોય કે પારભૌતિક હોઇ શકે  કે પછીથી શારીરીક કે માનસીક હોઇ શકે છે. તે જ રીતે આ પ્રક્રિયા, અને પ્રક્રિયાનાં પરિણામો,નો વ્યાપ માત્ર વ્યક્તિથી લઇને કુટુંબ સુધી કે પછી સમાજ સુધી કે રાષ્ટ્ર સુધી કે વિશ્વ સુધી પણ પ્રસરતો જોવા મળી શકે છે. તો વળી આ પરિણામો થોડા સમય પૂરતાં જ કે પછી લાંબા સમય સુધી અસર કરતાં રહેતાં હોય એવું પણ અનુભવાતું હોય છે.
આવો એક (મહા)'આંચકો', ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧નારોજ વહેલી સવારે,  સમગ્ર ધરતીને ધણધણાવી નાખે તેવા ભયાનક અને વિનાશક ભૂકંપના સ્વરૂપે, કચ્છને ભાગે અનુભવવા અને ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડી જણાતી હતી કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમયસુધી તો માની લીધું હશે. પરંતુ , તે પછીના દાયકામાં, આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થઇ ગયું છે.
ભૂકંપ પછીની પરિસ્થિતિ અને તેમાંથી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે.પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ, એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. આપણને આ સમયે '૪૭ના ભાગલા"ની પીડા યાદ આવે. તે વિષય પર થયેલાં જૂદાં જુદાં સ્વરૂપનાં સાહિત્ય સર્જનોએ એ પીડાને વાચા આપી અને અને એ સમયની લાગણીઓને ઇતિહાસ માટે જાળવી રાખી.
તેમના મગજમાં કોઇ એક સમયથી એવું એક કથાવસ્તુ મંડરાઇ રહેલું હતું જેને વ્યક્ત કરવા માટે નવલક્થા જેવું કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ જણાતું હતું. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, "એક દિવસ.." મગજમાં આખું કથાવસ્તુ "તાદ્દશ્ય" થઇ ગયું. પરંતુ તેને પ્રકાશનયોગ્ય ઓપ આપવામાં ખાસો સમય નીકળી ગયો.તેઓ આને માટે તેમની નિબંધકાર, ચિંતક અને પ્રશિક્ષક તરીકેના ભૂમિકાઓને કારણે ઘડાઇ ગયેલ તર્કબુધ્ધિનિષ્ઠ દિનચર્યાને કારણભૂત ગણાવે તો છે. પરંતુ તેમનો આવાં બિનપરંપરાગત વિષયની રજૂઆત માટે મનમાં રહેતો સ્વાભાવિક સંશય, પ્રસ્તાવનાના અંતમાં તેમનાં આ કથન - "ખબર નથી આવું શક્ય હશે કે નહીં, પણ કલ્પના કરી છે"માં, ઊંડે ઊંડે ડોકું કરી લે છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની 'આંચકો-આપવાની-શક્યતા'  આગંતુક 'આંચકા'નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં,જાણ્યે અજાણ્યે, કારણભૂત બને છે. આમ,"આફ્ટરશૉક' જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખના લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય, એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, 'હવે શું થશે'ના, ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ.
કથાના પહેલા હિસ્સાનો નાયક, એક યુવાન સિવિલ ઇજનેર, પોતાની સ્વરૂપવાન,પ્રેમાળ અને ઘરરખ્ખુ પત્ની અને એક બાળકના ઘરસંસારથી અને પોતાની પૂર્ણ કળાએ વિકસતી જણાતી વ્યાવસાયિક કારકીર્દીથી ખુશ છે. અને તેમ છતાં વિધિની અકળ કરામતથી, એક વડીલ ગ્રાહકનાં ઘરનાં બાંધકામ દરમ્યાન તે અવશપણે તેના ગ્રાહકની યુવાન પૂત્રી તરફ આકર્શાય છે.
આમ, કથાની શરૂઆતથી જ, લેખક્ની રજૂઆતની શૈલિને કારણે તેઓ જે કંઇ પ્રત્યક્ષ કહે છે, તેનાથી વધારે તો વાચક પોતે પોતાના મનમાં કથામાં 'હવે પછી શું?'ના તાણાવાણા માંડે છે. હજૂ વાચક ક્યારે પહેલો 'આંચકો' આવશે તેના ઇંતઝારમાં પડે એટલી વારમાં તો કથાનક આપણને ૨૦૦૧ના એ ભૂકંપનો 'શૉક' આપી દે છે.
હરેશભાઇ પોતે સ્વભાવે તર્કશીલ નિબંધકાર છે, એટલે તેમના દ્વારા કલ્પનાઓને કોઇ સ્વાભાવિક સાહિત્યકાર જેટલો છૂટો દોર નથી અપાયો જણાતો, તો સામે પક્ષે, તેમનાં વર્ણનો એક તાર્કીક નિબંધ જેટલાં માત્ર હકીકતપ્રચુર પણ નથી અનુભવાતાં. તો વળી તેમનાં વર્ણનનો પટ, તર્કને કારણે, ક્યાંય એટલો સાંકડો પણ નથી થઇ જતો કે  પોતે જે પ્રવાહને જે કિનારે ઉભેલ છે ત્યાંથી લેખકના મનમાં ચાલી રહેલ 'હવે શું'ના સામેના કિનારા પરની ગતિવિધિને વાચક કળી શકે. તો વળી તટ એટલો વિશાળ પણ નથી જણાતો કે સામેનો કિનારો સંભાવનાઓની શક્યતાના તર્કની દ્રષ્ટિ મર્યાદાની બહાર પણ જતો રહે.
આમ વાચક પણ લેખકની સાથે સાથે ભૂકંપના આંચકાથી ધણધણે છે, તેનાથી થયેલા વિનાશની ભયાનકતાથી થરથરે છે, નાયકનાં જીવનમાં આવી પડેલ પરિવર્તનની કમકમાટી અનુભવે છે, નાયકની સાથોસાથ હતોત્સાહ પણ થઇ જાય છે,નાયકની સાથે દિવસો સુધી સ્મશાનભૂમિમાં ખોરાક અને લાગણીઓનાં લાંઘણ કરે છે,બાળકસહજ નિર્દોષ અભિગમ અને સાચા અર્થમાં સાધુની નિસ્પૃહ કર્મભાવનાની મદદથી જીવનના વેરણ છેરણ થઇ ગયેલ ટુકડાઓને એકઠા કરીને, નાયકની સાથે, જીંદગીનો નવો દાવ માડે છે.
કથાનો પ્રવાહ હવે ભૂતકાળ અને વર્તમાનમાંથી બહાર આવીને નાયક ના પૂત્રના રૂપમાં, નવા નાયકનાં જીવનના મચ પર ચોપાટ બીછાવે છે. વાર્તાઓમાં થાય તેમ પુનાની માહિતિ ટેક્નૉલૉજીની કૉલૅજમાં ભણતા નવનાયક પુત્રની ઓળખાણ એક 'મંદ મંદ આકર્ષણ વેરતાં સૌદર્ય અને સમજણવાળી' યુવતી સાથે થાય છે. કાલ્પનિક કથાઓનાં અનુભવી વાચક માની લે તેમ એ બન્ને વચ્ચેની આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં પણ પળોટાય છે. નાના પ્રસંગોની ખૂબજ તાર્કિક માવજતથી આ પ્રેમની ઉત્કટતા અને લાગણીનાં બંધનનું ઉંડાણ સ્વાભાવિકપણે વધતાં રહે છે, તે પણ વાચકની અપેક્ષાના દાયરામાં જ થતું જાય છે. અનુભવી વાચક હવે એ તાણ પણ અનુભવે છે કે આટઆટલાં દુઃખો સહન કરીને નાયકનાં જીવનમાં માંડ કરીને સુખના દિવસો પાછા આવતા જણાય છે ત્યાં લેખક, કુદરતમાં થાય છે તેમ, કંઇ નવી મુશ્કેલીઓ તો નહીં ઉભી કરે ને!
બસ તે સાથે જ શરૂ થઇ જાય છે "આફ્ટરશૉક'ની શ્રેણી.થોડા થોડા, અચોક્કસ સમયના અંતરે, અચોક્કસ માત્રામાં આવતા પણ મૂળ "શૉક"સાથે અભિન્ન સંબંધ ધરાવતા ભૂસ્તરીય "આફ્ટ્રશૉક' જેવા જ અને એટલા જ 'આફ્ટરશૉક"નું શ્રેણીબધ્ધ અવતરણ આપણી કથામાં પણ થવા લાગે છે. કથાનું પોત પણ ભયની કમકમાટી  અને આશાની જીજીવિશા વચ્ચે ફંગોળાતુ રહે છે.
આપણે જો અહીં તેની વિગતવાર વાત માડીએ તો કથામાં રહસ્યની ઉત્સુકતાનો જે આંતરપ્રવાહ વહે છે તેનો રસભંગ થાય. એટલે પુસ્તકનાં વાચનમાં, વાચકને પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની મનોવૈજ્ઞાનિક સ્થિતિના આધારપર,  કથા માણવાની જે મજા છે તેને મોળી નહીં પડવા દઇએ.
કથાનકનો દરેક વળાંક કે દરેક પ્રસંગ વાચક પોતાની આગવી દ્રષ્ટિથી, લાગણીથી માણે છે, હવે પછીના ધટનાક્રમનો અપેક્ષિત ઇંતઝાર કરે છે. જો ઘટના તેની અપેક્ષા મુજબ થાય તો તેનાં માટેનાં કારણોમાં તે અને લેખક જૂદાં પડતાં દેખાય અથવા તો ઘટનાક્રમ અપેક્ષા પ્રમાણે થાય જ નહીં તેવું જોવા મળે. આલ્ફ્રૅડ હિચકૉકની કથાઓમાં જેમ ધારેલા સવાલ નથી હોતા,સવાલોના જવાબો ધારણાથી નવી જ તરાહ માડતા જોવા મળે અને ઘટનઓ જ્યારે ધારી હોય ત્યારે ન થાય અને થાય તો ધારેલી હોય તે રીતે ન થાય, તેવી જ શૈલિ આપણને આ લઘુ નવલમાં પણ, જાણ્યેઅજાણ્યે, પ્રયોગ થયેલી જોવા મળે છે.
તેને કારણે કથાનો ભૌતિક અંત આવી ગયો છે તેવું તો પુસ્તકનું હવે કોઇ જ પાનું વાંચવાનું બાકી નથી તેવું સમજાય ત્યારે જ આવે છે.તે સમયે પણ આપણે લેખક સાથે સહમત ન થતાં હોઇએ અને સંમત હોઇએ તો તો તેમનાં અને આપણાં કારણો જરૂર જૂદાં હોવાનાં. કથા પૂરી થાય છે, પણ જીવન તો અટકતું નથી. આમ, આપણે હવે શું થવું જોઇએ,શા માટે થવું જોઇએ અને તેની શું અસરો થશે તે વિચારોમાં પરોવાયેલાં રહીએ છીએ.
આમ, પુસ્તકનાં શિર્ષકની સાર્થકતા જેટલી કથાનકમાં છે, તેટલી જ તેના અંતમાં પણ જળવાઇ રહે છે. શ્રી હરેશ ધોળકિયાએ નવલકથા લેખકની ભૂમિકા તો સુપેરે નિભાવી  છે, પરંતુ સાથે સાથે તેમની, આગવું વિચારવાની અને ગમે તેટલો વિવાદાસ્પદ વિષય હોય પણ પોતાનો અભિપ્રાય એકદમ સ્પ્ષ્ટપણે રજૂ કરવાની તેમની છાપ છે તેને બરકરાર રાખી છે.

  • આફ્ટરશૉક, 'નવલ'કથા
-          લેખકઃ હરેશ ધોળકિયા, hareshdholakia@yahoo.com
-          પ્રકાશકઃ આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., મુંબઇ  / અમદાવાદ ǁ www.rrsheth.com
-          ISBN 978-93-81315-73-6
-          પહેલી આવૃતિ, ફેબ્રુઆરી,૨૦૧૨
-          મૂલ્યઃ રૂ. ૧૨૫/-

Tuesday, September 25, 2012

સોફિયા લૉરેન - કેટલીક દુર્લભ તસવીરો

લાઇફ સામયિકની વેબસાઇટ લાઇફ.કૉમ પર સોફિયા લૉરેનની ૧૮ જવલ્લે જ જોવા મળતી અને શિષ્ટ તસવીરો પ્રસિધ્ધ થયેલ છે.

તે પૈકી કેટલીક તસવીરો અહીં રજૂ કરી છે.

 

Tuesday, August 21, 2012

ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમનો લેખ - "નથી છતાં છેની નક્કરતા"


ઑગસ્ટ ૧૯,૨૦૧૨નાં 'જન્મભૂમિ પ્રવાસી'ની 'મધુવન' પૂર્તિના શ્રી શ્રીકાંત ગૌતમના નિયમિત કૉલમ "રાગ રંગ"માં તેમણે એક બહુ જ ફિલ્મોમાં કરાયેલા એક બહુ જ અનુઠા પ્રયોગ- નથી છતાં છેની નક્કરતા -ની વાત  કરી છે. 

આ લેખમાટે ઉદાહરણ સ્વરૂપે પસંદ કરાયેલ પાંચે પાંચ ફિલ્મોને આપણે વખાણી છે, કદાચ આ લેખના હાર્દની વાત આપણે અભાનપણે નોંધી પણ હશે, પણ તેનો ઔપચારિક પરિચય ભાઇશ્રી શ્રીકાંતભાઇ, આપણને એ વાર્તાઓમાં આપણને પસંદ આવેલાં કોઇપણ અંગ કરતાં વધારે રસપ્રદ રીતે કરાવે છે. તેથી કેસર કેરીના રસમાં અમૃતનાં ટીપાં નાખ્યાં હોય તેવો અનુભવ લેખ વાંચતાં વાંચતાં થાય તો જરા પણ નવાઇ પમાડવા જેવું નથી.

'રાગ રંગ'માં પ્રસિધ્ધ થતા દરેક લેખમાં ફિલ્મ જગતની બારીકીઓને એક નવી જ દ્રષ્ટિએ જોવામાં શ્રીકાંતભાઇની નિપુણતા અને તેમની એ નવદ્રષ્ટિને અનુરૂપ ઉદાહરણોને તેટલાં જ માધુર્યથી રજૂ કરવાની કળાને 'નથી છતાં છેની નક્કરતા' એક અનોખી ઉંચાઇએ લઇ જાય છે.

મધુવન પૂર્તિમાંનો એ લેખ અહીં વાંચી શકાશે.


 

Tuesday, July 31, 2012

Between the Assassinations - Aravind Adiga --- 'બે હત્યાઓ વચ્ચે' : અરવિંદ અડીગા


Between the Assassinations / 'બે હત્યાઓ વચ્ચે' જેવું આકર્ષક શિર્ષક અને Aravind Adiga /અરવિંદ અડીગા જેવું જાણીતું લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં કવર પરથી પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. - "શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે."-  હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોઆ અને કલિકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં "કિટ્ટુર"ની.
લેખકે કિટ્ટુરના શાબ્દિક નકશામાં જાતિ, ધર્મ, વ્યવસાય અને પૂર્વગ્રહોની એવી ભાતીગળ રંગોળી પૂરી છે, જેનાં પરિપાકરૂપે આપણી સમક્ષ શહેરની નૈતિક જીવનકથા પથરાઇ રહે છે. માનચિત્રકાર ને છાજે તેવી ચોકસાઇ - "મદ્રાસ મૅલમાંથી બહાર પગ મુકતાંની સાથે જ સ્ટેશનની ઇમારતની કમાનો કિટ્ટુર પરની તમારી પહેલી દ્ર્ષ્ટિને બાંધી લે છે" - અને એક નવલકથાકારની માનવતા -"આખી સમસ્યા જ અહિયાં છે..આપણાં બધામાં એક પશુ વસે છે."-ને વણી લેતી આ વાર્તાઓ, શહેરના ઐતિહાસિક સ્થળોની તબક્કાવાર લેખની છે. આ વાર્તાઓનો સમયકાળ છે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓ વચ્ચેનાં સાત વર્ષ. તેની સાથે સાથે તે સમયની સામાજીક પ્રવાહોની કાલ્પનિક ઘટનાઓને, વેધક નજર અને ઝીણવટભરી  માવજતથી, લેખકે વણી લીધી છે.
આમ દરેક વાર્તા તેનાં અલગ અલગ રંગનાં, બહુવિધ સંસ્કૃતિ, જાતિ અને ધર્મનાં વાતાવરણમાં પરોવાયેલ, પાત્રોની જીવનકથા તરીકે રજૂ થાય છે.આ બધી વાર્તાઓમાં કેન્દ્રવર્તી સૂર સત્તાસાથેના- ગરીબ અને તવંગર વચ્ચે,નોકર અને માલિક વચ્ચે, ઊચ્ચ વર્ણ અને નીચલાં વર્ણ વચ્ચે, બહુમતી અને લઘુમતી વચ્ચે,લાંચિયા નોકરશાહી અને મહેનતકશ પ્રજા વચ્ચે - સંબંધો અને આવા સંબંધોથી પેદા થાત સ્વાભાવિક તણાવ જણાય છે.
આ સાત દિવસનાં પર્યટનની વાર્તાઓની ખૂબ જ ટુંકી રૂપરેખા પર એક નજર કરીએઃ
i. “DAY ONE: THE TRAIN STATION,”/ 'પહેલો દિવસઃ રેલવે સ્ટેશન'એ ઝિયાઉદ્દીન નામના મુસ્લિમ છોકરાની વાત છે, જે તેની નાનીમોટી ચોરી કરી લેવાની ટેવને કારણે પંકાયેલો હોવા છતાં તેના ગ્રાહકો અને સાથીદારોમાં પ્રિય છે.'અમે મુસલમાન એવું કદિયે ન કરીએ એ એનો તકિયા ક્લામ રૂપ જવાબ. પણ તે એક આતંકવાદી મુસ્લિમનો હાથો બની જાય છે.
ii. “DAY TWO: THE BUNDER” / ' બીજો દિવસ: બંદર' એ બંદરના ઇલાકાના આટાપાટાને ભૂલાવડાવે,તેવાં અબ્બાસીનાં સંકુલ વ્યક્તિત્વવાળાં પાત્રને રજૂ કરે છે, પોતાની કપડાંની ફૅકટરી ચલાવવા લાંચરૂશ્વતનો સહારો પણ લે, લાંચિયા સરકારી કર્મચારીઓને દિલથી ધિક્કારે, અંધારામાં આંખો ફોડીને કામ કરતી મજૂરણોમાટે ભારોભાર અનુકંપા પણ રાખે અને જુગારીમોત્રો સાથે શરાબની મહેફિલ પણ માણે તેવી અકળ માનસીકતાઓ વાર્તાને રસદાર બનાવી રાખે છે. 
iii. “DAY TWO (AFTERNOON): LIGHTHOUSE HILL”/ ' બીજો દિવસ (બપોર): દીવાદાંડી ટેકરી' એ એક રીઢા દલિત પુસ્તક વિક્રેતા, ઝેરોક્ષ,ની વાત છે જે પાઠય્પુસ્તક કે ગાઈડ કે પ્રવેશ-પરીક્ષાઓની માર્ગદર્શિકાઓથી માંડીને રાજકીય સાહિત્યનાં પુસ્તકોની બિનકાયયદેસરની નકલ વેચાવાની દુકાન દીવાદાંડીમાં જ માંડતો હોય છે.પ્રકાશકોના ઉચ્ચ વર્ણના વકીલની ફરિયાદોને આધારે  છાસવારે ભોગવવી પડતી હવાલાતની હવા પણ, એના બાપે જીંદગીભર ઊપાડેલ મેલાંની વેઠ કરતાં તો, તેને ઓછી આકરી લાગે છે. 'સેતાનીક વર્સ'/ The Satanic Verses,ની નકલ વેચતાં ભોગવવી પડેલ અટકાયત દરમયાન પોલિસની મારથી તેના પગ ભાંગી જાય છે, પણ 'ઝેરોક્ષ'કરેલી ચોપડીઓ વેચવાનો નિર્ધાર નથી ભાંગતો.
iv. “DAY TWO (CONTINUED) OUR SCHOOL” / ' બીજો દિવસ (ચાલુ): અમારી શાળા'માં આપણને લેખકની શૈલિનો પરિચય,બ્રાહ્મણ બાપ અને નીચી હોયકા જાતની માના દીકરા ,શંકર,ના પાત્રમાં થાય છે. ચારે બાજૂથી મળેલી અસ્વિકૃતિના ગુસ્સાથી ધુંધવાયેલો શંકર પોતાની કૉલેજમાં હાથથી બનાવેલો અડઘણ બોંબ ફોડીને પોતાના ગુસ્સને વાચા તો આપે છે, પણ તેને તેના ઇરાદામાં સફળતા મળે છે ખરી? 
v.“ DAY TWO (EVENING): LIGHTHOUSE HILL (THE BASE OF THE HILL)” / ' બીજો દિવસ (સાંજ): દીવાદાંડી ટેકરી [ટેકરીનું તળીયું] પણ સેંન્ટ અલ્ફૉસૉ જુનિયર બોય'સ સ્કૂલના સહાયક હેડમાસ્ટર મી. ડી'મેલોનાં 'કડકાઇ વગર છોકરાંવ સીધાં ન રહે' માન્યતાની હાસ્યસભર વાત છે.
vi. “DAY THREE: ANGEL TALKIES” / 'ત્રીજો દિવસઃ ઍન્જલ ટૉકિઝ' એક પ્રમાણિક પત્રકાર ગુરૂરાજ કામથને તેના લાંચરૂશ્વત, રમખાણો અને ગુન્હાખોરીને ખુલ્લ પાડવાના પ્રયાસોને 'ચુપ' કરી દેવાની રમતોની વાત છે. જો કે કામથ તો તેનાં, ''સત્યમેવ જયતે'ની શમા પ્રજ્વળીત રાખેલ, ભવિષ્યનાં સ્વપ્ન સમાં નિશાચર, અખબારની કલ્પનામાં વિચરી રહે છે.
vii. “DAY FOUR: THE COOL-WATER WELL JUNCTION” / ચોથો દિવસ: ઠંડા-પાણીના કુવાનો ચોક એ ગાંજાના બંધાણી, બાંધકામની સાઇટ પર કામ કરતા સુથાર, રામચંદ્રન, અને તેની નાની દીકરી - પોતાનાથી નાનાભાઇની મોટી બહેન - સૌમ્યા,ની કથા છે. પોતાનાં છોકરાં ભીખ માગીને પણ પોતાની લતને પોષે છે તે બાપને ગમે છે. પરંતુ એ જ દીકરીની, તેની પાસે બીજા કોઇ પૈસા નથી તેવી, કાકલુદીઓ પર એ જ બાપ વિશ્વાસ નથી કરતો.
viii. “DAY FIVE: VALENCIA (TO THE FIRST CROSSROAD)” / " પાંચમો દિવસ: વૅલેન્સીઆ (પહેલા ચાર રસ્તા ભણી)એ અગિયાર ભાંડરૂઓમાંની નવ બેનો પૈકી આઠમી દીકરી હોવાને કારણે બાપ પાસે પરણાવવાના પૈસા ન હોવાથી, કુંવારી રહી ગયેલી, ઢળતી ઉંમરની, બ્રાહ્મણ સ્ત્રી,જયમ્મા,ના એક ક્રિશ્ચિયન વકીલ ગ્રૂહસ્થને ઘરે રસોયણ તરીકેના, અનુભવની વાત છે.જીંદગીમાં કાયમ પ્રમાણિકતાથી જીવેલ જયમ્મા દરેક ઘરે રસોયણ તરીકે ખાલી હાથે આવે છે અને ખાલી હાથે બીજે જતી રહી છે, પરંતુ વકીલ હવે બેંગ્લોર સ્થળાંતર કરી જવાના હોવાથી, પોતાનાં કપડાંનું એક પોટલું લઇને નીકળી પડેલી જયમ્મા, પહેલી વાર ઘરના છોકરાનો દડો સાથે લઇ લે છે. તે 'ગુના'ને કારણે ગુંચવાઇ ગયેલી જયમ્મા, એમ માનીને સંતોષ લે છે કે, આ ગુનાની સજા તરીકે તેણે આવતા જન્મમાં ક્રિશ્ચિયન તરીકે અવતાર લેવો પડશે! 
ix. “DAY FIVE (EVENING): THE CATHEDRAL OF OUR LADY OF VALENCIA / પાંચમો દિવસ (સાંજ): આપણી લેડી ઑફ વૅલેન્સીઆનું દેવળનો નાયક જ્યોર્જ ડી'સૉઝા બાંધકામની સાઈટ પરથી છૂટા કરવાને કારણે, મચ્છર મારવા માટૅ ડીડીટી છાંટતા દહાડિયામાંથી, જેનો વર દુબઇ જઇ વસ્યો છે તેવી, શ્રીમતી ગૉમ્સના ડ્રાઇવરસુધીની કક્ષાએ પહોંચી જાય છે. નોકરીની વણકહ્યી શરતો પૂરી કરતો રહેતો હતો ત્યાં સુધી, પોતાની અપરિણીત બેનને પણ એ ઘરમાં જ રસોયણની નોકરી અપાવી શકવા જેટલો ભરોસાપાત્ર નોકર, પોતાની નજીવા પ્રલોભનથી લક્ષ્મણરેખા ઓળંગવાની ભૂલ કરીને રાતોરાત, પોતાની બહેન સાથે, દેવળમાં રહેવાની સ્થિતિમાં પહોંચી જાય છે.
x. “DAY SIX: THE SULTAN’S BATTERY” / ‘દિવસ છઠ્ઠોઃ સુલતાનની બેટરીએક કહેવડાવતા જાતીયવિજ્ઞાનવિદ, રત્નાકર શેટ્ટી,નાં જીવનની કરૂણ વાસ્તવિકતાનો ચિતાર છે. ખાંડની ટીકડીઓને, જાતીય રોગના રામબાણ ઇલાજ તરીકે, વેચીને પોતાની ચાર દિકરીઓના લગ્નનો વેંત કરી રહેલા રત્નાકરની સમક્ષ તેની મોટી દીકરી માટેનો મુરતિયો, ફટાકડાના વેપારીનો દીકરો, જ એક એવો કોયડો બનીને આવી ઉભે છે કે તેના મનમાં સવાલ થઇ આવે છે - આ છોકરાને આ રોગ સામે લડવામાં રત્નાકર જ મદદ કરે તેવું કોણે અને શા માટે નક્કી કર્યું.
xi. “DAY SIX (EVENING): BAJPE / દિવસ છ્ઠ્ઠો (સાંજ) : બાજપેપણ કરૂણ વાત છે જેમાં, જેને બાળક નથી એવું એક દંપતિ,  ગિરીધર રાવ અને કામિનિ, તે સમાજવાદીઓની સંગતમાં પોતના ગમને ભૂલવા પ્રયત્ન કરે છે. તેની સાથે ઔદ્યોગિકી શહેરીકરણને લીધે બાજપેની વનરાજીનું નિકંદન કાઢીને ત્યાં સરદાર પટેલ સ્ટેડીયમની, જાહેર જનતાને લાભાર્થે, આકાર લેતી પરિયોજના કથાને વધુ સાંપ્રત બનાવવામાં મદદ કરે છે.
xii. “DAY SEVEN: SALT MARKET VILLAGE / દિવસ સાતમો: સૉલ્ટ માર્કેટ ગામની વાત ના કેન્દ્રસ્થાને સામ્યવાદી કૉમરૅડ થિમ્મા અને તેનો શિષ્ય મુરલી છે. લેખકે માર્ક્સ-માઓવાદીઓ દ્વારા ગામડાંની ગરીબ પ્રજાનું થતું અહિત પણ સાથે સાથે વળી લીધું છે.
સામાન્ય રીતે અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો  તળપદી અનુભવોને અંગ્રેજી માતૃભાષી વર્ગને ઉદ્દેશીને લખાઇ હોય તેવી શૈલિમાં અંગ્રેજીનો પ્રયોગ કરતાં જણાતાં હોય છે, તેથી તેઓ ને બુકર વિગેરે ઇનામકરામ તો મળી રહે છે પરંતુ  તેમાંથી આપણને ભારતીય સમાજની અસલ કથા વાંચ્યાનો એટલો, અને એવો, અહેસાસ નથી થતો, જેટલો, અને જેવો, કોઇપણ 'દેશી' ભાષામાં લખાયેળી કથા વાંચીને થતો હોય છે..અરવિંદ અડીગાનું અંગ્રેજી, ભારતીય લઢણવાળું, સ્વાભાવિક બની રહ્યું છે.  પુસ્તકને માત્ર વાંચવાલાયકમાંથી, માણવાલાયક કક્ષાએ લઇ જવામાં, તેમ જ ભારતીય પૃષ્ઠભુમિનો માત્ર ઉપયોગ કરી લેવાને બદલે ભારતીય સામાજિક જીવનની વાત તરીકે જાળવી રાખવામાં આ તળપદી અંગ્રજીનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે તેવું આ લેખના લેખકનું માનવું છે.

Saturday, June 30, 2012

શા માટે હું અનુવાદ કરૂ છું /// Why I translate

TED Blog | Video: Why I translate

ઇન્ટરનૅટના ગુજરાતી ભાષાના સહમુલાકાતીઓને આ વિડિયો દ્વારા તેમને જે પસંદ પડે તે ટીઇડી વાર્તાલાપોના ગુજરાતીમાં અનુવાદ કરવાનો આ સાંભળી / જોઇને પાનો ચડે તેવી અભ્યર્થના.
ગુજરાતી ભાષાની આવનારી પેઢીઓમાટે ગુજરાતી ભાષા અને સાહિત્ય અને જીવનશૈલિને ડીજીટ્લ સ્વરૂપે પહોંચાડવામાં આવા અનુવાદ ઉદ્દીપકની ભૂમિકા ભજવી શકે.