જે વાતની કદી પણ
કલ્પના ન કરી હોય તે ,અચાનક,
આપણી નજર સામે થતી જોવી તે સમયની લાગણી એટલે
"શૉક" - 'આંચકો'.
આવા - માનસીક, સામાજીક, રાજકીય ,
ઐતિહાસિક - 'આંચકા'ની અનેકાનેક ઘટનાઓ પર દસ્તાવેજી કે લાગણીમય કે સાહિત્યિક કે ફિલ્મકથાનક
સ્વરૂપનાં વૃતાંતો થતાં રહ્યાં છે.'આંચકો' માત્ર આવી જાય,તેટલાંથી પણ ઘણી વાર વાત અટકી નથી જતી.એના પર અધારીત, કે એની સાથે સંકળાયેલ,
કેટકેટલી, જેની અસર દેખીતી રીતે
પ્રમાણમાં ઓછી જણાતી હોય એવી, ઘટનાઓ પછી પણ થયા જ કરતી
હોય તેવું પણ જોવા મળે છે. ભૂસ્તરીય પરિભાષામાં આવી મુખ્ય - અતિ પ્રભાવશાળી -
ઘટના ["શૉક" / 'આંચકો']પછીથી થયે રાખતી ,પ્રમાણમાં ઓછા પ્રભાવવાળી,ઘટનાઓ "આફ્ટર
શૉક" - 'પશ્ચાદ આંચકા'
- તરીકે ઓળખાય છે.
"શૉક", કે "આફ્ટર શૉક"ની, અસરો અતિ પ્રભાવશાળી / તિવ્ર થી માંડીને સાવ હળવી માત્રામાં થઇ શકતી હોય છે. આ અસર દુખદ કે પછી સુખદ હોઇ શકે, તે વિનાશક કે નવસર્જક હોઇ શકે, કે પછી ભૌતિક હોય કે પારભૌતિક હોઇ શકે કે પછીથી શારીરીક કે માનસીક હોઇ શકે છે. તે જ રીતે આ પ્રક્રિયા, અને પ્રક્રિયાનાં પરિણામો,નો વ્યાપ માત્ર વ્યક્તિથી લઇને કુટુંબ સુધી કે પછી સમાજ સુધી કે રાષ્ટ્ર સુધી કે વિશ્વ સુધી પણ પ્રસરતો જોવા મળી શકે છે. તો વળી આ પરિણામો થોડા સમય પૂરતાં જ કે પછી લાંબા સમય સુધી અસર કરતાં રહેતાં હોય એવું પણ અનુભવાતું હોય છે.
"શૉક", કે "આફ્ટર શૉક"ની, અસરો અતિ પ્રભાવશાળી / તિવ્ર થી માંડીને સાવ હળવી માત્રામાં થઇ શકતી હોય છે. આ અસર દુખદ કે પછી સુખદ હોઇ શકે, તે વિનાશક કે નવસર્જક હોઇ શકે, કે પછી ભૌતિક હોય કે પારભૌતિક હોઇ શકે કે પછીથી શારીરીક કે માનસીક હોઇ શકે છે. તે જ રીતે આ પ્રક્રિયા, અને પ્રક્રિયાનાં પરિણામો,નો વ્યાપ માત્ર વ્યક્તિથી લઇને કુટુંબ સુધી કે પછી સમાજ સુધી કે રાષ્ટ્ર સુધી કે વિશ્વ સુધી પણ પ્રસરતો જોવા મળી શકે છે. તો વળી આ પરિણામો થોડા સમય પૂરતાં જ કે પછી લાંબા સમય સુધી અસર કરતાં રહેતાં હોય એવું પણ અનુભવાતું હોય છે.
આવો એક (મહા)'આંચકો',
૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧નારોજ વહેલી
સવારે, સમગ્ર ધરતીને ધણધણાવી
નાખે તેવા ભયાનક અને વિનાશક ભૂકંપના સ્વરૂપે, કચ્છને ભાગે
અનુભવવા અને ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડી જણાતી
હતી કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમયસુધી તો માની લીધું
હશે. પરંતુ ,
તે પછીના દાયકામાં, આવું કચ્છ
સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થઇ ગયું છે.
ભૂકંપ પછીની
પરિસ્થિતિ અને તેમાંથી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો
સમયોચિત થતાં રહ્યાં હશે.પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ, એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો,
તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીનાં અને
સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. આપણને આ સમયે “'૪૭ના ભાગલા"ની પીડા યાદ આવે. તે વિષય પર થયેલાં જૂદાં જુદાં સ્વરૂપનાં
સાહિત્ય સર્જનોએ એ પીડાને વાચા આપી અને અને એ સમયની લાગણીઓને ઇતિહાસ માટે
જાળવી રાખી.
તેમના મગજમાં કોઇ
એક સમયથી એવું એક કથાવસ્તુ મંડરાઇ રહેલું હતું જેને વ્યક્ત કરવા માટે નવલક્થા
જેવું કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ જણાતું હતું. તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં
કહ્યું છે તેમ,
"એક દિવસ.." મગજમાં આખું કથાવસ્તુ "તાદ્દશ્ય"
થઇ ગયું. પરંતુ તેને પ્રકાશનયોગ્ય ઓપ આપવામાં ખાસો સમય નીકળી ગયો.તેઓ આને માટે
તેમની નિબંધકાર,
ચિંતક અને પ્રશિક્ષક તરીકેના ભૂમિકાઓને કારણે ઘડાઇ ગયેલ
તર્કબુધ્ધિનિષ્ઠ દિનચર્યાને કારણભૂત ગણાવે તો છે. પરંતુ તેમનો આવાં બિનપરંપરાગત
વિષયની રજૂઆત માટે મનમાં રહેતો સ્વાભાવિક સંશય,
પ્રસ્તાવનાના અંતમાં તેમનાં આ કથન - "ખબર નથી આવું શક્ય હશે કે નહીં, પણ કલ્પના કરી છે"માં, ઊંડે ઊંડે ડોકું કરી
લે છે.
પુસ્તકની
પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની 'આંચકો-આપવાની-શક્યતા' જ આગંતુક 'આંચકા'નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં,જાણ્યે અજાણ્યે,
કારણભૂત બને છે. આમ,"આફ્ટરશૉક'
જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું
ચિંતન-લેખના લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં
ઝલકતું રહસ્ય,
એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, 'હવે શું થશે'ના, ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ.
કથાના પહેલા
હિસ્સાનો નાયક,
એક યુવાન સિવિલ ઇજનેર, પોતાની સ્વરૂપવાન,પ્રેમાળ અને ઘરરખ્ખુ પત્ની અને એક બાળકના ઘરસંસારથી અને પોતાની પૂર્ણ કળાએ
વિકસતી જણાતી વ્યાવસાયિક કારકીર્દીથી ખુશ છે. અને તેમ છતાં વિધિની અકળ કરામતથી, એક વડીલ ગ્રાહકનાં ઘરનાં બાંધકામ દરમ્યાન તે અવશપણે તેના ગ્રાહકની યુવાન
પૂત્રી તરફ આકર્શાય છે.
આમ, કથાની શરૂઆતથી જ,
લેખક્ની રજૂઆતની શૈલિને કારણે તેઓ જે કંઇ પ્રત્યક્ષ કહે છે, તેનાથી વધારે તો વાચક પોતે પોતાના મનમાં કથામાં 'હવે પછી શું?'ના તાણાવાણા માંડે છે. હજૂ વાચક ક્યારે પહેલો 'આંચકો'
આવશે તેના ઇંતઝારમાં પડે એટલી વારમાં તો કથાનક આપણને ૨૦૦૧ના
એ ભૂકંપનો 'શૉક'
આપી દે છે.
હરેશભાઇ પોતે
સ્વભાવે તર્કશીલ નિબંધકાર છે, એટલે તેમના દ્વારા
કલ્પનાઓને કોઇ સ્વાભાવિક સાહિત્યકાર જેટલો છૂટો દોર નથી અપાયો જણાતો, તો સામે પક્ષે, તેમનાં વર્ણનો એક તાર્કીક નિબંધ જેટલાં
માત્ર હકીકતપ્રચુર પણ નથી અનુભવાતાં. તો વળી તેમનાં વર્ણનનો પટ, તર્કને કારણે,
ક્યાંય એટલો સાંકડો પણ નથી થઇ જતો કે પોતે જે પ્રવાહને જે કિનારે ઉભેલ છે ત્યાંથી
લેખકના મનમાં ચાલી રહેલ 'હવે શું'ના સામેના કિનારા પરની ગતિવિધિને વાચક કળી શકે. તો વળી તટ એટલો વિશાળ પણ નથી
જણાતો કે સામેનો કિનારો સંભાવનાઓની શક્યતાના તર્કની દ્રષ્ટિ મર્યાદાની બહાર પણ જતો
રહે.
આમ વાચક પણ
લેખકની સાથે સાથે ભૂકંપના આંચકાથી ધણધણે છે, તેનાથી થયેલા
વિનાશની ભયાનકતાથી થરથરે છે, નાયકનાં જીવનમાં આવી
પડેલ પરિવર્તનની કમકમાટી અનુભવે છે, નાયકની સાથોસાથ
હતોત્સાહ પણ થઇ જાય છે,નાયકની સાથે દિવસો સુધી સ્મશાનભૂમિમાં ખોરાક અને લાગણીઓનાં લાંઘણ કરે છે,બાળકસહજ નિર્દોષ અભિગમ અને સાચા અર્થમાં સાધુની નિસ્પૃહ કર્મભાવનાની મદદથી
જીવનના વેરણ છેરણ થઇ ગયેલ ટુકડાઓને એકઠા કરીને, નાયકની સાથે, જીંદગીનો નવો દાવ માડે છે.
કથાનો પ્રવાહ હવે
ભૂતકાળ અને વર્તમાનમાંથી બહાર આવીને નાયક ના પૂત્રના રૂપમાં, ‘નવા નાયક’નાં
જીવનના મચ પર ચોપાટ બીછાવે છે. વાર્તાઓમાં થાય તેમ પુનાની માહિતિ ટેક્નૉલૉજીની
કૉલૅજમાં ભણતા નવનાયક પુત્રની ઓળખાણ એક 'મંદ મંદ આકર્ષણ વેરતાં સૌદર્ય અને સમજણવાળી' યુવતી સાથે થાય છે. કાલ્પનિક કથાઓનાં અનુભવી વાચક માની લે તેમ એ બન્ને વચ્ચેની
આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં પણ પળોટાય છે. નાના પ્રસંગોની ખૂબજ તાર્કિક માવજતથી આ
પ્રેમની ઉત્કટતા અને લાગણીનાં બંધનનું ઉંડાણ સ્વાભાવિકપણે વધતાં રહે છે, તે પણ વાચકની અપેક્ષાના દાયરામાં જ થતું જાય છે. અનુભવી વાચક હવે એ તાણ પણ
અનુભવે છે કે આટઆટલાં દુઃખો સહન કરીને નાયકનાં જીવનમાં માંડ કરીને સુખના દિવસો
પાછા આવતા જણાય છે ત્યાં લેખક, કુદરતમાં થાય છે તેમ, કંઇ નવી મુશ્કેલીઓ તો નહીં ઉભી કરે ને!
બસ તે સાથે જ શરૂ
થઇ જાય છે "આફ્ટરશૉક'ની શ્રેણી.થોડા થોડા,
અચોક્કસ સમયના અંતરે, અચોક્કસ
માત્રામાં આવતા પણ મૂળ "શૉક"સાથે અભિન્ન સંબંધ ધરાવતા ભૂસ્તરીય
"આફ્ટ્રશૉક'
જેવા જ અને એટલા જ 'આફ્ટરશૉક"નું
શ્રેણીબધ્ધ અવતરણ આપણી કથામાં પણ થવા લાગે છે. કથાનું પોત પણ ભયની કમકમાટી અને આશાની જીજીવિશા વચ્ચે ફંગોળાતુ રહે છે.
આપણે જો અહીં
તેની વિગતવાર વાત માડીએ તો કથામાં રહસ્યની ઉત્સુકતાનો જે આંતરપ્રવાહ વહે છે તેનો
રસભંગ થાય. એટલે પુસ્તકનાં વાચનમાં, વાચકને પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની મનોવૈજ્ઞાનિક
સ્થિતિના આધારપર, કથા માણવાની જે મજા છે તેને મોળી નહીં પડવા દઇએ.
કથાનકનો દરેક
વળાંક કે દરેક પ્રસંગ વાચક પોતાની આગવી દ્રષ્ટિથી, લાગણીથી માણે છે,
હવે પછીના ધટનાક્રમનો અપેક્ષિત ઇંતઝાર કરે છે. જો ઘટના તેની
અપેક્ષા મુજબ થાય તો તેનાં માટેનાં કારણોમાં તે અને લેખક જૂદાં પડતાં દેખાય અથવા
તો ઘટનાક્રમ અપેક્ષા પ્રમાણે થાય જ નહીં તેવું જોવા મળે. આલ્ફ્રૅડ હિચકૉકની
કથાઓમાં જેમ ધારેલા સવાલ નથી હોતા,સવાલોના જવાબો ધારણાથી
નવી જ તરાહ માડતા જોવા મળે અને ઘટનઓ જ્યારે ધારી હોય ત્યારે ન થાય અને થાય તો
ધારેલી હોય તે રીતે ન થાય,
તેવી જ શૈલિ આપણને આ લઘુ નવલમાં પણ, જાણ્યેઅજાણ્યે, પ્રયોગ થયેલી જોવા મળે
છે.
તેને કારણે કથાનો
ભૌતિક અંત આવી ગયો છે તેવું તો પુસ્તકનું હવે કોઇ જ પાનું વાંચવાનું બાકી નથી
તેવું સમજાય ત્યારે જ આવે છે.તે સમયે પણ આપણે લેખક સાથે સહમત ન થતાં હોઇએ અને સંમત
હોઇએ તો તો તેમનાં અને આપણાં કારણો જરૂર જૂદાં હોવાનાં. કથા પૂરી થાય છે, પણ જીવન તો અટકતું નથી. આમ, આપણે હવે શું થવું જોઇએ,શા માટે થવું જોઇએ અને તેની શું અસરો થશે તે વિચારોમાં પરોવાયેલાં રહીએ છીએ.
આમ, પુસ્તકનાં શિર્ષકની સાર્થકતા જેટલી કથાનકમાં છે, તેટલી જ તેના અંતમાં પણ જળવાઇ રહે છે. શ્રી હરેશ ધોળકિયાએ નવલકથા લેખકની
ભૂમિકા તો સુપેરે નિભાવી છે, પરંતુ સાથે સાથે તેમની,
આગવું વિચારવાની અને ગમે તેટલો વિવાદાસ્પદ વિષય હોય પણ
પોતાનો અભિપ્રાય એકદમ સ્પ્ષ્ટપણે રજૂ કરવાની તેમની છાપ છે તેને બરકરાર રાખી છે.
- આફ્ટરશૉક, 'નવલ'કથા
-
ISBN 978-93-81315-73-6
-
પહેલી આવૃતિ, ફેબ્રુઆરી,૨૦૧૨
-
મૂલ્યઃ રૂ. ૧૨૫/-
No comments:
Post a Comment