Showing posts with label એસ ડી બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો. Show all posts
Showing posts with label એસ ડી બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો. Show all posts

Sunday, February 25, 2018

સચિન દેવ બર્મન અને મન્ના ડે - યુગલ ગીતો



સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં સૉલો ગીતોના વૈવિધ્યપૂર્ણ રંગપટને આપણે આ પહેલાં
૨૬ નવ્મ્બર, ૨૦૧૭ અને ૨૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ માણી ચૂક્યાં. એ રંગપટમાં જ્યાં સુધી આ જોડીએ હિંદી ફિલ્મોને ભેટ કરેલ યુગલ ગીતોની રચનાઓના રંગ ન ભળે ત્યાં સુધી એ રંગપટ અધૂરો જ રહે.
આજે આપણે એ દૂશ્યાવલીને પૂરી કરીશું.
આન મિલો આન મિલો શ્યામ સાંવરે - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી
બાળ પારો (બેબી નાઝ)ના મનના અકથ્ય ભાવોને ગીતકારે એક સાધુ (નાના પળસીકર) અને સાધ્વી (દુલારી)ના સ્વરોમાં વણી લીધેલ છે. બંગાળની પ્રખ્યાત બાઉલ લોક શૈલીમાં ગીતની સ્વરબાંધણી કરવામાં આવી છે.
સાજનકી હો ગઈ રે ગોરી - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી
પાત્રો પહેલાંનાં ગીતનાં જ છે માત્ર પારો (સુચિત્રા સેન) હવે યુવાન થઈ ગઈ છે.

જાઉં મૈં કહાં યે જમીં યે જહાં છોડ કે, રાહમેં મૂઝે ચલ દિયા કારવાં છોડ કે - મિસ ઈન્ડીયા (૧૯૫૭) - લતા મંગેશકર સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ગીતની શરૂઆત જ મન્ના ડેના મસ્તીમાં ડૂબેલા આલાપથી થાય છે. ક્લબના નૃત્ય મંચ પર  નાયક રંગરેલીયાં મનાવે અને પત્ની ઘરે બેઠી આંસુ સારે એવી વાર્તાઓ એ સમયની હિંદી ફિલ્મોમાં 'સેલેબલ' 'મસાલા ફોર્મ્યુલા' ગણાતી.
પહેલાં અંતરામાં પણ વાદ્ય સંગીતની સાથે મન્ના ડે આલાપ છે ડે છે અને તે પછી  'યે ભીગી ભીગી રાતેં યે ઉમડ ઘુમડ બરસાતેં'ના બોલથી નૃત્ય મંચ પર બીજાંઓને પણ જોડાવા આમંત્રણ પણ આપી દે છે.
ગીત  આ બે પ્રકારનાં દૂશ્યોને વારાફરતી રજૂ કરતું રહે છે.

માલિકને હાથ કાહે દો દો દિયે, તૂ કામ કરે પેટ ભરે જબ તક જિયે - મિસ ઈન્ડીયા (૧૯૫૭) - આશા ભોસલે સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મમાં વાર્તા અવનવા વળાંક લેતી લેતી રહી હશે જેમાં પત્ની હવે એક મજૂરણ બનીને આડે પાટે ચડી ગયેલા પતિને સુધારવાના માર્ગ પર છે. નાયિકા હવે બીજી ભૂમિકામાં છે એટલે પાર્શ્વ ગાયનમાં સ્વર બદલી નાખવામાં આવ્યો લાગે છે (!).
બાબુ,,,,સમજો ઈશારે હોરન પુકારે પમ પમ... યહાં ચલતી કો ગાડી કહતે હૈ પ્યારે પમ પમ - ચલતીકા નામ ગાડી (૧૯૫૮) - કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ફિલ્મ ગીતોનાં બહુ મોટા ભાગનાં લોકો આ ફિલ્મ અને ગીતથી પરિચિત હશે જ ...
ચંદા મામા મેરે દ્વાર આના - લાજવંતી (૧૯૫૮) - આશા ભોસલે સાથે - ગીતકાત મજરૂહ: સુલ્તાનપુરી
આ એક બાળ સમુહ નૃત્ય ગીત છે.જેમાં બાળકો પોતાના ચાંદા મામાને પોતાને ઘરે આવવા આમંત્રે છે, જેનો જવાબ ચાંદામામા પાસે સચિન દેવ બર્મને મન્ના ડેના સ્વરમાં અપાવ્યો છે. પરદા પર મુખ્ય બાળ કલાકારની ભૂમિકામાં એક ફરી વાર બેબી નાઝ છે.
સાંજ઼ ઢલી દિલકી લગી દિલકી લગી થક ચલી પુકાર કે, આ જા આજા આભી જા - કાલા બાજ઼ાર (૧૯૬૦)- આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર
મન્ના ડે પાસે સચિન દેવ બર્મને ગવડાવેલાં ૩૯ ગીતોમાંથી માંડ ૧૧ ગીતો જ ફિલ્મના નાયક માટે પરદા પર રજૂ થયાં છે. સૉલો ગીતોમાં આપણે મન્ના ડેના સ્વરને દેવ આનંદ માટે 'બમ્બઈ કા બાબુ' અને 'મંઝિલ' માટે સાંભળી ચૂક્યાં છીએ. 'બમ્બઈકા બાબુ'ની જેમ 'કાલા બાજ઼ાર'માં પણ દેવ આનંદનાં બીજાં ગીતો મોહમ્મદ રફી પાસે ગવડાવ્યાં છે.

‘મંઝિલ'નું મન્ના ડેના સ્વરમાં ગવાયેલું એક યુગલ ગીત આજના અંકમાં સાંભળવા મળશે.

ધડકે દિલ ધક સે દેખા હૈ જબ સે, મર ગયા હમ તબસે તૌબા તૌબા હો તૌબા તૌબા - બેવકૂફ  (૧૯૬૦)- આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
કિશોર કુમારે 'આરાધના'(૧૯૬૯)માં એક માત્ર પુરુષ પાર્શ્વગાયક તરીકે છવાઈ જતાં પહેલાં પણ પોતાના ગીતો સિવાય દેવ આનંદ અને બીજા ઘણા પુરુષ કલાકારો માટે ગીતો ગાયાં છે. મજાની વાત એ છે કે તે સાથે  તેમના માટે બીજા પુરુષ પાર્શ્વ ગાયકોએ પણ ગીતો ગાયાં છે, જે ખુદ એક અલગ લેખનો વિષય બની શકે છે.
અહીં મન્ના ડે તેમના માટે સ્વર પૂરો પાડે છે.
તૂ તૂ જામ લિયે જા આંખોએ આંખોકા તૂ જામ લિયે જા - બેવકૂફ (૧૯૬૦) - કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
અહીં મન્ના ડે પ્રાણ માટે પાર્શ્વસ્વર પૂરો પાડે છે.

તૂ મિ પિયાસી, સારા હુ હુ હુ ગરસિયા, સલામ લો હમારા હો હો સુકરિયા - બેવક઼ૂફ (૧૯૬૦) - આશા ભોસલે અને કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીતમાં આમ તો કિશોર કુમાર જ પોતાના માટે સ્વર આપે છે. માત્ર અહીં આપેલ વિડીયોમાં @ ૪.૦૦માં આશા ભોસલે સાથેનો જે આલાપનો ટુકડો આબાદ શૈલીમાં થોડો ટુકડો છે તે મન્ના ડે પાસે ગવડાવ્યો છે.

આડવાત:
આવો એક, અકળ, પ્રયોગ માઈકલ હૈ તો સાઈકલ હૈ' યુગલ ગીતમાં પણ કરાયો છે. આમ તો આ ગીત કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં જ છે. પરંતુ @૧.૧૬ પર 'ઉલ્ફતકે....'થી શરૂ કરીને @૧.૩૧ પર પૂરી થતી 'નૈનોમેં મેર આકે ઝૂલ ઝૂલ જાઇએ' પંક્તિઓ અચાનક જ મન્ના ડેના સ્વરમાં હોય તેવું સ્પષ્ટ જણાય છે.
આ વાતની કોઈ અન્ય દસ્તાવેજી સાહેદી નથી મળતી, પણ ફિલ્મ સંગીતના ઘણા જાણકાર ચાહકોએ આ વાતને ક્યાંક ક્યાંક જણાવી છે.

દેખ ઈધર દેખ તેરા ધ્યાન કહાં હૈ, સર પે બુઢાપા હૈ મગર દિલ તો જવાં હૈ -  બેવક઼ૂફ (૧૯૬૦) - આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત આમ જૂઓ તો પૈસાદાર વિધવાનું સ્ત્રી પાત્ર ભજવતા આઈ એસ જોહર માટે આશા ભોસલેનું સૉલો જ કહી શકાય. મન્ના ડે અને કોઈ એક અન્ય અજાણ પુરુષ સ્વરના ભાગે તો મુકરી અને ઉલ્હાસના ભાગે આવતી દેખ ઈધર દેખ તેરા ધ્યાન કહાં હૈ' એક પંક્તિ જ છે. 
અરે હાં.. દિલદાર કમંડો વાલે કા, હર તીર જિગર સે ગુજ઼રે હૈ, ઉડ ઉડ જાયે હોશ હસીનો કે મેરા યાર જહાં સે ગુજરે હૈ - બેવક઼ૂફ (૧૯૬૦) - શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
બનાવટી પાર્શ્વ ગાયન માટે અસલી પાર્શ્વ ગાયનનો બહુ કલ્પનાશીલ પ્રયોગ 
ચાંદ ઔર મૈં ઔર તૂ .. અય કાશ ચલકે મિલ લે તે તીન રાહી દિલ કે - મંઝિલ (૧૯૬૦- આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
'મંઝિલ'માં હેમંત કુમારના સ્વરનો પણ બહુ જ સફળ પ્રયોગ કરવાની સાથે સાથે સચિન દેવ બરમને આ એક બહુ અનોખી બાંધણીવાળી રચનામાં દેવ આનંદ માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો છે. ગીતની બાંધણીની ખાસ નોંધપાત્ર વાત એ છે કે ગીતમાં અંતરાનાં સંગીત જેવો કોઈ વિરામ જ નથી. અંતરાને મુખડાથી અલગ પાડવા માટે યુગલ સ્વરોના આલાપનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આડવાતઃ
સચિન દેવ બર્મને દેવ આનંદ માટે બધું થઈને છ જૂદા જૂદા ગાયકોના સ્વરને પ્રયોજ્યા છે. જેમાંથી કિશોર કુમાર, મોહમ્મદ રફી, કંઈક અંશે હેમંત કુમાર અને તલત મહમૂદ, અને હવે મન્નાડેના સ્વરના પ્રયોગોથી આપણે પરિચિત થઈ ચૂક્યાં છીએ. છઠ્ઠો સ્વર છે જગમોહન બક્ષીનો જે સચિન દેવ બર્મને 'ટેક્ષી ડ્રાઈવર'નાં યુગલ ગીત 'દેખો માને નહીં રૂઠી હસીના ક્યા બાત હૈ' છે.

હો..ઓ..ઓ હો ગઈ શામ દિલ બદનામ લેતા જાયે  તેરા નામ -નૉટી બોય (૧૯૬૨) - આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર
આશા ભોસલે જે મસ્તીથી ગીત ગાયું છે તે સ્વરેસ્વરને અનુરુપ મસ્તીથી મન્ના ડે પણ ગીતમાં સાથ પૂરાવે છે. આ ગીતમાં પણ મન્ના ડેએ કિશોર કુમાર માટે પાર્શ્વ સ્વર પૂરો પાડ્યો છે.
સોચ કે યે ગગન ઝૂમે અભી ચાંદ નીકલ આયેગા - જ્યોતિ (૧૯૬૯) - લતા મંગેશકર સાથે – ગીતકાર: આનંદ બક્ષી
આ યુગલ ગીતમાં ફિલ્મના મુખ્ય કલાકાર સંજીવ કુમાર માટે સચિન દેવ બર્મને મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે. આ વાતનું મહત્ત્વ એટલા માટે ગણી શકાય કે એ જ વર્ષે આવેલ 'આરાધના'માં બર્મન પિતાપુત્રએ કિશોર કુમાર સ્વરને જે રીતે રજૂ કર્યો તેણે તો હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વ ગાયનનો એક નવો યુગ જ શરૂ કરી દીધો હતો.   
તાક઼ત વતનકી તુમસે હૈ, હિંમત વતનકી તુમસે હૈ, ઈઝ્ઝત વતનકી તુમસે હૈ, ઈન્સાન કે હમ રખવાલે - પ્રેમ પુજારી (૧૯૭૦)- મોહમ્મદ રફી અને સાથીઓ સાથે  - ગીતકાર: નીરજ
મન્ના ડે અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતો ખૂદ જ એક અલગ લેખનો વિષય છે.
સચિન દેવ બર્મને મન્નાડેના સ્વરને આમ જૂઓ તો બહુ જ ઓછા પ્રમાણમાં પર્યોજ્યો છે. આ માટેનાં કારણો કદાચ સચિન દેવ બર્મન અને વિધાતા સિવાય કોઈ પણ જાણતું નહીં હોય. પરંતુ, સંખ્યાનો અફસોસ ન કરીએ તો ગીતોનાં વૈવિધ્ય અને મન્ના ડેના સ્વરને ન્યાય આપવાની બાબતમાં સચિન દેવ બર્મન મન્નાડેના ચાકકોને નિરાશ નથી કરતા.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ પાર્શ્વ ગાયકોનાં ગીતોની આપણી આ સફરમાં સચિન દેવ બ બર્મને રચેલાં સચિન દેવ બર્મને જ ગાયેલાં ગીતોથી લેખમાળાની આ શૃંખલા પૂરી કરતં પહેલાં આપણે તેમણે રચેલાં અન્ય ગાયકોના સ્વરનાં ગીતોને હવે પછી યાદ કરીશું.

Sunday, January 28, 2018

સચિન દેવ બર્મન અને મન્ના ડે - સૉલો ગીતો [૨]



સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં ગીતો ૩૯ ગીત પૈકી સૉલો ગીતો આપણે યાદ કરી રહ્યાં છીએ. સંગીતકાર - ગાયક તરીકેનાં આ બન્નેનાં સાયુજ્યના ૧૯૫૦થી થયેલ પ્રારંભથી લઈને ૧૯૬૦ સુધીનાં સૉલો ગીતો આપણે ગયા અંકમાં સાંભળ્યાં. આજે હવે એ સફર આગળ ચલાવીએ.

અત્યાર સુધી સચિન દેવ બર્મને મન્ના ડે પાસે ખાસ તો દેવ આનંદ પર ફિલ્માવાયેલાં ગીતો સિવાય ભીખારી ગીતો કે બેકગ્રાઉન્ડ જેવાં ગીતો જ તેમણે મન્ના ડેના સ્વરમાં રેકોર્ડ કરવાનું મુનાસિબ ગણ્યું હોય એવું જણાય છે. દેવ આનંદ પરનાં ગીતો પણ એક હીરોનાં ફાળે આવે એવાં સીધાસાદાં રોમાન્સનાં ગીતો નહોતાં.
આવી ખાસ પરિસ્થિતિઓમાં મન્ના ડેના સ્વરને વાપરવાનાં સચિન દેવ બર્મનનું અકળ વલણ હવે પછીથી, કોમેડીથી   લઈને શુદ્ધ શાસ્ત્રીયગીતોના વાળાઢાળાવાળી રોલર કૉસ્ટર રાઈડની જેમ ચકરાતું જણાય છે.
ગૈર કા સાથ હૈ ઔર રોજ઼ મુલાક઼ાતે ભી હૈ, પ્યાર ઉસ કે લિયે હમ સે ફકત બાતે હૈ....અરે જાઓ.. હટો..કાહેકો બનાતી જૂઠી બતીયાં  - મંઝિલ (૧૯૬૦) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ગીતની અદાયગી માટે ગાયક, સંગીતકાર, ગીતકાર કે અદાકાર  કોને વધારે શાબાશી આપવી એ જ મુશ્કેલ થઇ પડે એવું અદ્‍ભૂત ગીત.
મન્ના ડે શાસ્ત્રીય રાગ પર આધારિત કોમેડી ગીતમાં ટાઈપકાસ્ટ થયા એ ધારાની શરૂઆત આ ગીતમાં છે એમ કહી શકાય.
ભૈરવી રાગમાં દાદરા અંગમાં  પરંપરાગત શૈલીમાં થતી રજૂઆતને બદલે સચિન દેવ બર્મને મન્ના ડે પાસે કેટલો અદ્‍ભૂત પ્રયોગ કરાવ્યો તે જોવા પૂરતું ગુલામ અલીના સ્વરમાં આ જ મુખડા પરની  એક રજૂઆત સાંભળીએ.

આડવાતઃ
'હટો.. કાહેકો બનાઓ જૂઠી બતિયાં' બંદિશની અન્ય કલાકારોએ પણ અલગ અલગ સ્વરૂપે રજૂઆત કરી છે. જોકે તેને વધારે વિગતે માણવા માટે આ બંદિશનો નીતિનભાઈ વ્યાસની 'બંદિશ એક સ્વરૂપ અનેક'માં તેનો સમાવેશ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈએ.    
કિસને ચિલમન સે મારા નઝારા મુઝે કિસને ચિલમનસે…. - બાત એક રાત કી (૧૯૬૨) -  ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હવે સચિન દેવ બર્મન જ્હોની વોકર માટે મન્ના ડેના સ્વરને પેશ કરે છે. ફિલ્મમાં જ્હોની વોકરની સિગ્નેચર શૈલીમાં ગવાયેલાં બીજાં ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં જ છે. બસ, અહીં ગીતને કવ્વાલીની શૈલીમાં એક નવતર પ્રયોગ સ્વરૂપે ધુનમાં વણી લેવાયેલ ખાસી મુશ્કેલ તાનને મન્ના ડેનો સ્વર જ ન્યાય આપી શકે તેમ સચિનદાને લાગ્યું હશે.

રોલરરકોસ્ટરની રમતની મજા હવે જોવા મળશે.
મત રો માતા લાલ તેરે બહુ તેરે... - બંદીની (૧૯૬૩) - ગીતકાર શૈલેન્દ્ર
રોમ રોમને જાગૃત કરી નાખે તેવી ધુન અને મનની ઊંડાઈઓ સુધી પહોંચે તેવો બુલંદ સ્વર ગીતના શબ્દોને આપણાં ચિત પર કંડારી જવાની અસર કરે છે.
પૂછો ન કૈસે મૈને રૈન બિતાઈ - મેરી સુરત તેરી આંખેં (૧૯૬૩)- ગીતકાર શૈલેન્દ્ર
રોલર કોસ્ટર રાઈડમાં સચિન દેવ બર્મન હવે આહિર ભૈરવ રાગના સ્વરમાં વધારે ઊંચાઈઓ સર કરે છે.
ગીતનું એસ ડી બાતિશ સાથેના યુગલ સ્વરોમાં ગવાયેલું વર્ઝન પણ આપણને સુવિદિત જ છે.
પ્યારકી આગમેં તનબદન જલ ગયા - ઝીદ્દી (૧૯૬૪) - ગીતકાર હસરત જયપુરી
ફરી એક વાર શાસ્ત્રીય ગાયકીને કોમેડીના પ્રયોગમાં રોલર કોસ્ટરની રાઈડ ડુબકી લગાવે છે. ગીત ભલે કોમેડી સીચ્યુએશન માટે હોય, પણ મન્ના ડે તેમના સ્વર કૌશલ્યના બધા જ રંગ ખીલવી દે છે.  
હે રામ હે રામ ...- ગાઈડ (૧૯૬૫) - ગીતકાર શૈલેન્દ્ર
રોલરકોસ્ટરની રાઈડ હવે સમુહ ભજનના સ્વરોમાં મન્ના ડેના સ્વરમાં સમાયેલ દર્દને ઘૂટે છે.
તેરે નૈના તલાશ કરે જિસે વો હૈ તુજી મેં કહીં - તલાશ (૧૯૬૯) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
કહેવાય છે કે ફિલ્મના નિર્માતા ઓ પી રાલ્હન આ ગીતને મૂકેશના સ્વરમાં ગવડાવવાનો આગ્રહ રાખતા હતા, પણ સચિન દેવ બર્મન માટે તો આ ગીત માટે મન્ના ડેનો સ્વર જ નક્કી હતો.
ઓ હમને સુને હૈ લોકોસે યારોં  ઐસે કઈ અફસાને ....માને કોઈ ચાહે ના માને, જાને કોઈ ચાહે ના જાને - ઈશ્ક઼ પર જોર નહી (૧૯૭૦) - ગીતકાર આનંદ બક્ષી
રોલર કોસ્ટર પર ફરી એક વાર કોમેડીનું મોજું સવાર છે. 
આયા મૈ લાયા ચલતા ફિરતા હોટલ - નયા ઝમાના (૧૯૭૧) - ગીતકાર આનંદ બક્ષી
અહીં આપણે જેટલાં કોમેડી ભાવનાં ગીતો સાંભળ્યાં એમાં આ ગીત રોલરકોસ્ટર રાઈડની કોમેડી સવારીને નીચી ગોથ ખવાડાવી દેતું જણાય છે..
અંધી પ્રજા અંધા રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા ...ઝમાને ધત્‍ તેરે કી - તેરે મેરે સપને (૧૯૭૧) - ગીતકાર નીરજ
'તેરે મેરે સપને' એક બહુ સંવેદનશીલ વિષય પર વિજય આનંદે દિગ્દર્શિત કરેલ ફિલ્મ હતી. આ ગીતની સીચ્યુએશન મુજબ પૈસા અને સેવાની ભાવના વચ્ચેના દ્વંદ્વ પર કટાક્ષની વાત લોકો સમક્ષ રજૂ કરવાની છે. ગીતના શબ્દો, ધુન અને ગાયકી એ ભાવને આપણા ચિત્તતંત્ર સુધી પહોંચાડે છે.
રામપ્રસાદ જય જય ...લોકનાથ હાય હાય ...કૌન સચ્ચા હૈ ઔર કૌન જૂઠા હૈ, પહેલે યે જાન લો ફિર વોટ દો  -  ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) - ગીતકાર આનંદ બક્ષી
ચુંટણી પ્રચાર જેવા નિરસ વિષય પર પણ આવું સ-રસ ગીત બની શકે!
મેરા સબ કુછ મેરે ગીત રે ગીત બિના કૌન મેરા મીત રે - ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) - ગીતકાર આનંદ બક્ષી
ગીતની વિડીયો ક્લિપમાં ગીતમાં વણાયેલાં દરદનો સંદર્ભ પણ સમજી શકાય છે.
પિયા મૈને ક્યા કિયા, મુઝે છોડ કે જૈયો ના - ઉસ પાર (૧૯૭૪) - ગીતકાર યોગેશ
મન્ના ડેના અવાજની બુલંદીને પૂરેપૂરી દાદ મળે એવા સુરમાં રચાયેલું એક ગીત સાંભળતાં વેંત આપણને છેલ્લાં થોડાં વર્ષોમાં સચિન દેવ બર્મન અને મન્ના ડેના સંયોજનની રોલરકોસ્ટર રાઈડમાં આ અંતિમ મણકો આપણા ભાવ ચિત્તમાં સંધ્યાના ફેલાતા રંગ જેવી ઘેરી અસર છોડી જાય છે.

સચિન દેવ બર્મને રચેલાં સૉલો ગીતોની આ ખૂબ વૈવિધ્યપૂર્ણ સફર તો આ સાથે પૂરી થાય છે, પરંતુ આપણે હજૂ સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં યુગલ ગીતોને યાદ કરવાનાં રહ્યાં છે, જે હવે પછીના અંકમાં સાંભળીશું.