Showing posts with label Memoirs. Show all posts
Showing posts with label Memoirs. Show all posts

Sunday, December 4, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : પ્રાયોગિક ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ સાથે સાક્ષાત્કાર

 

આજનો આ લેખ લખવાનો શરૂ કરતાં પહેલાં હું એ આંતરિક મનોવિચારમાં ઉતરી પડ્યો હતો કે જો ખરેખર જ મારે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણવું પડ્યું હોત અને તે પછી એ ક્ષેત્રમાં જ કારકિર્દી ઘડવાની આવી હોત તો શું શું થયું હોત!?

જોકે એ વાતનો તો સૌ પહેલાં જ સ્વીકાર કરી લઉં કે મનોવિચાર કરવાની શરૂઆત એ તબક્કાથી આગળ વધી જ ન શકી. એક કારણ તો કદાચ એ કે સાથે સાથે એ વિચાર પણ ચાલતો હતો કે અત્યારે તો હું એલ ડીનાં પાંચ વર્ષોના અભ્યાસની શિક્ષણેતેર ઘટનાઓ અને અનુભવોની યાદો લખવાનો ઉપક્રમ લઈને બેઠો છું, એટલે મેં કેવોક અભ્યાસ કર્યો કે કરવો જોઈતો હતો એ વિષય પર ચર્ચા કરવાની જરૂર નથી. બીજો એક વિચાર એવો પણ સાથે સાથે ચાલી રહ્યો હતો કે ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગ મને ત્યાર પુરતો જ નહીં પછી વ્યાવહારિક કારકિર્દી દરમ્યાન પણ અમૂર્ત જ લાગ્યા કર્યો છે, પણ એ અનુભૂતિને હવે આજે તાર્કિક રીતે સમજવાનું કે સમજાવવાનું હવે ક્યાં પ્રસ્તુત રહ્યું છે.

એટલે મૂળ વિષયથી આડાઅવળા ભટકી જવાને બદલે, વિષયની મૂળ કેડી પર પાછા આવીને યાદોની ખાટીમીઠી સફરની મજા જ માણીએ . . . .

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રેક્ટિકલ્સની યાદોને વાગોળવાનું શરૂ કરતાં વેંત જ જે વાત મને સૌ પહેલાં ઘેરી વળે છે તે એ છે કે જ્યારે જ્યારે ઇલેક્ટ્રિકલ લેબમાં દાખલ થવાનું થતું ત્યારે તેની વિશાળતા કોઈક અકળ કારણોસર મનને અભિભૂત કરી જતી હતી. પહેલાં વર્ષના બહુ જ થોડા સમયમાં મારી શાળાઓના મકાનો અને સંકુલોના અનુભવો કરતાં એલ ડીનાં અનેક ગણાં વિશાળ સંકુલ, શાળાઓ કરતાં અનેક ગણા મોટા વર્ગ ખંડો, વિશાળ પુસ્તકાલય વગેરે તો મનના વ્યાપની એ મર્યાદિત ક્ષિતિજમાં સમાઈ ચુક્યાં હતાં, એટલે  ઇલેક્ટ્રિકલ લેબ સંદર્ભિત અનુભૂતી કેમ થતી હશેતે સમજવા કે સમજાવી શકવા માટે મારી પાસે આજે પણ કોઈ તાર્કિક ખુલાસો નથી.

દિલીપ વ્યાસે પણ ઈલેક્ટ્રિકલ લેબ વિશે પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે, પહેલાં તે વાંચીએ -

"ઇલેક્ટ્રિકલ લેબ મારા માટે કંઈ ગૂઢ અને કંઈ અંશે ડરામણી જગ્યા રહી. વીજળી સાથે મારો પહેલો યાદગાર સાક્ષાત્કાર હું જ્યારે સાત વર્ષનો હતો ત્યારે થયેલો. મારા મામાનાં રાજકોટમાં નવાં બધાયેલાં ઘરની ગૃહશાંતિ-વાસ્તુ પૂજા હતી. કોઇક લાઈટ કે પંખો ચાલુ કરવા માટે કોઇક સંબંધીએ સ્વિચને હાથ અડકાડ્યો અને તે સાથે જ ફર્શ પર ફેંકાઈ ગયા. બધાં દોડી આવ્યાં. જાણકારોએ હાશકારા સાથે કહ્યું કે રમણિક્ભાઈ નસીબદાર તો ખરા હોં! રાજકોટમાં થોડા જ સમય પહેલાં ડીસીમાંથી એસી પાવર થઈ ગયો છે, નહીંતર આજે આ ભાઈ સ્વિચની સાથે ચોંટી જ રહ્યા હોત અને જે શૉક લાગત તેનાં પરિણામમાં મૃત્યુ સહિત કંઈ પણ ખતરનાક ઈજા નીપજી શકત !

"બાળપણની એ માનસિક આઘાતજનક ઘટનાની ધાક અને ધાસ્તીના ઓથાર હેઠળ એલ ડી સંકુલના પૂર્વ ભાગમાં આવેલી ઇલેક્ટ્રિકલ લેબમાં પહેલું કદમ માંડ્યું હતું. જોકે નસીબ એટલાં સારાં હતાં કે ક્યાં તો અમારા તાલીમ શિક્ષકો પણ અમારા આ ભય અને બીનઅનુભવથી વાકેફ હતા કે પછી કદાચ એ લોકો પણ એટલા જ ભયમાં હતા કે કોઈ અડભણ નૌશિખીયો - હા, એ સમયે બધાજ નૌશીખીયા જ રહેતા, નૌશીખીયણો હજુ એન્જિનિયરીંગ અભ્યાસક્રમમાં પ્રવેશ નહોતી લેતી ! - જ્યાં ત્યાં અડી બેસશે અને ક્યાં તો પોતાને કે ક્યાં તો મશીન બાળીવાળી બેસશે. એટલે તેમની કડક સુચના રહેતી કે કંઈ પણ ચાલુ કરતાં પહેલાં અમે લોકોએ જે કંઈ તૈયાર કર્યું હોય તેને સ્ટાફના કોઈ પણ અધિકૃત સભ્ય દ્વારા બરાબર ચકાસણીની લીલી ઝંડી લઈ જ લેવી. અને તેમ છતાં સ્વિચ પાડવાનું કે બંધ કરવાનો વિશેષાધિકાર તો તેમનો જ રહેતો ! બીજાં બધાંની તો ખબર નથી, પણ મને તો આ વ્યવસ્થા બરાબર માફક આવતી હતી.

આટલું કહેવા પછી એ પણ જરૂર જ નોંધ પર લેવું પડશે કે ઇલેક્ટ્રિકલ લેબમાં આડુઅંવળું પણ નહોતું થયું.

જોકે એન્જિનિયરીંગની સૌથી અગ્રતા ક્ર્મની શાખા - મિકેનીકલ-માં પ્રવેશ મેળવનારા અમે સૌથી વધારે 'શ્રેષ્ઠ યોગ્યતા' ધરાવતા વિદ્યાર્થીઓ હોવાનો નશો કે (કોઈ અકળ જ ) કારણસર કે પછી એક વર્ષ બાદ આ વિષયો ક્યાં ભણવાના છે એવી ખોટી માન્યતાને સિવિલ કે ઇલેક્ટ્રિકલ વિષયો માટે રસ નહોતો રહેતો કે થોડો ઉપેક્ષા ભાવ પણ રહેતો હશે! જોકે નોંધવાલાયક બાબત એ હતી કે એ વર્ષોમાં સરકાર દ્વારા હાથ ધરાતા મોટા મોટા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સને કારણે સૌથી સહેલાઈથી સરકારી નોકરીઓ સિવિલમાં જ મળતી હતી.

"બીજો એક તફાવત પણ આ તબક્કે યાદ આવે છે - મિકેનીકલની પ્રયોગશાળાઓના તાલિમ શિક્ષકો તેમ જ અન્ય સ્ટાફ સભ્યો પણ ઇલેક્ટ્રિકલના સ્ટાફ કરતાં વધારે ‘મજા' કરાવતા (ઓછા કડક હતા?!) અને પોતે પણ મજામાં રહેતા !"

+                                 +                                 +

ઇલેક્ટ્રિકલ લેબના પ્રયોગો સાથે અમે 'સમાંતર' અને સિરીઝ' સર્કિટ, મોટર, ટ્રાંસફોર્મર જેવાં ઉપકરણો  જેવા પાયાના સૈદ્ધાંતિક પાઠ પણ શીખી રહ્યા હતા. અને એ પણ હકીકત છે કે આ પહેલાં 'ઇલેક્ટ્રિકલ' સાથેનો મારો સંબંધ ઘરે લાઈટ ચાલુ કરવા કે બંધ કરવાથી આગળ નહોતો વધ્યો.  ત્યારે પણ સ્વિચ ચાલુ કરતાં વીજળી પ્રવાહ વહે છે અને બલ્બ તેને અવરોધ કરે છે એટલે એ અવરોધની ઉર્જા પ્રકાશમાં પરિવર્તન પામે છે એવો ન તો ક્યારેય વિચાર આવ્યો હતો કે ન તો એટલી સમજ પડી હતી. ઘરની ટાંકીમાંથી પાણી ભરવાનો પંપ કે ઇલેક્ટ્રિક્લ ગીઝર તો હજુ બહુ વર્ષો પછી જોવાનાં હતાં !

જોકે અન્ય એન્જિનિયરિંગ વિષયો પણ જેમ પહેલવહેલી વાર ભણતા હતા અને જેમ જેમ જે કંઈ થોડી ઘણી સમજણ પડતી હતી એવી અને એટલી સમજણ તો ઇલેક્ટ્રિક્લ થિયરીમાં પણ પડવા તો લગી હતી. ઇલેક્ટ્રિક્લ એન્જિનિયરિંગમાં માહિતી આદાનપ્રધાન કરવા માટે 'સર્કિટ ડાયાગ્રમ' એક મહત્વનું સાધન છે અને તેમાં રેસિસ્ટર કે ઇન્ડક્ટર  કે મોટર માટે કયાં કયાં પ્રતિકો વાપરવામાં આવે છે એવી પ્રાથમિક સમજ તો આવવા લાગી હતી, પણ 'સર્કિટમાં વીજળી પ્રવાહ વહે' કે 'વોલ્ટેજ  અપાય' જેવા વ્યાવહારિક સિદ્ધાંતો હજુ પણ અમૂર્ત જ રહ્યા હતા!

પણ એ જ બધાં સાધનોનાં વાસ્તવિક કદ ઇલેક્ટ્રિકલ લેબમાં સાવ જ કલ્પના બહારનાં નજરે પડતાં હતાં. પરિણામે થિયરીમાં જે અમૂર્ત લાગતું હતું તે તો અહીં વધારે ગૂઢ થતું જ લાગતું હતું.

અહીં તો ઠેર ઠેર મોટી પેટીઓ દેખાતી હતી, જેની નજદીક જઈને જોતાં તેમાં ગોળકારે કરેલ કાણાંઓવાળી પટ્ટીઓમાં અલગ અલગ વૉટના કેટલાક ગોળાઓ ભરાવેલ હતા. તેની પર જે લખાણ હતું તેની મદદથી એટલી સમજ પડી કે દરેક બોક્ષ અમુક ચોક્કસ વૉટ ધરાવતું ઉપકરણ છે. અમને સમજાવવામાં પણ આવ્યું કે આ  'રેસિસ્ટર' કહેવાય.

એજ રીતે બીજી એક બાજુ તાંબાના તાર વિંટાળેલ કેટલાક નળાકારો જેવાં સાધનો હતાં જેની ઓળખ 'કૉઇલ' તરીકે  હતી. અમને કહેવામાં આવ્યું કે આ 'ઇન્ડ્ક્ટર' છે. આજ એવિચાર કરતાં સમજાય છે કે એ  સમયે હું કેટલો અપરિપક્વ હઈશ કે એ કોઇલ જોયા પછી એટલી સમજ ન પડી કે તાંબાના તારની એ કોઇલમાં વીજળી પ્રવાહ ચાલુ કરવાથી ચુંબકીય ક્ષેત્ર 'ઇન્ડ્યુસ' થાય છે! એ જ્ઞાનની બત્તીનો પ્રકાશ મને ક્યારે થયો તે તો ચોક્કસપણે યાદ નથી પણ એ સમયે એટલું પણ નહોતું સમજાયું કે પ્રયોગો એ માત્ર જ્ઞાનના વ્યવહારિક અમલ માટે જ નહીં પણ થિયરીની સાથે શીખવા માટેનું પધ્ધતિસરનું એક મહત્વનું અને આવશ્યક પૂરક માધ્યમ પણ છે.

આટલી ઓળખવિધિ પુરી થયા પછી મૂળ પ્રયોગ શરૂ થયો એ તો વળી સાવ જ આંખ ઉઘાડી નાખનારો અનુભવ બની રહ્યો.નોટબુકનાં ચોથા ભાગનાં પાનામાં સમાઈ ગઈ હોય એવી સીધી સાદી એક સર્કિટ હવે વાસ્તવમાં જોડવાની હતી. સર્કિટ ડાયાગ્રામમાં જે નાની લીટીઓ હતી તે અહીં લાંબા લાંબા તાર હતા, નાનું સરખું 'રેસિસ્ટર'નં ચિહ્ન અહીં બલ્બવાળાં બેએક બોક્ષ બનવાનાં હતાં,'ઇન્ડક્ટર' પણ બીજાં એક ટેબલ બીજી એકાદ બે કોઈલ હતાં અને સ્વિચ તો મસ મોટાં હેન્ડલ સાથેનું એક લોખંડનું બોક્ષ હતી,જેને 'પાડવા'ની ભૂલ અમારે ભૂલેચુકે પણ નથી કરવાની એવી સ્પષ્ટ ('કડક') સુચના અમને વારંવાર જણાવાતી હતી.

આ સંજોગોમાં 'સ્ક્વીરલ કેજ' અને 'સ્લિપ રિંગ' મોટરના તફાવતની ખુબીઓ તો નોકરીએ જોડાયા પછી, થોડા ઘણા ધક્કા ખાધા પછી, ખરેખર સમજાઈ એ વિશે આમ તો કોઈ આશ્ચર્ય ન લાગે. પણ મને આજે પણ સમજાતું નથી કે 'વર્કશોપ'ના 'પ્રેક્ટિકલ' દરમ્યાન તો જુદાં જુદાં મશીનો આવી મોટરોથી જ ચાલતાં જોવા મળતાં હોવા છતાં મોટર વિશે જે કંઈ શીખવા મળ્યું હતું તેને ત્યારે જ ચકાસી લેવાનું મને ત્યારે જ કેમ નહી સૂઝ્યું હોય?!

આવા બીજા થોડા પ્રયોગો કરતાં કરતાં સુધી તો મને એમ લાગવા માંડ્યું હતું કે થિયરીમાં જે કંઈ સમજાતું હતું તે અહીં 'પ્રેક્ટિકલ'માં બાષ્પીભવન થઈ જાય છે!

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા આખલાનાં મૂર્ત-અમૂર્ત બાબતો સ્વરૂપ શિંગડાં ઝાલીને એ સિદ્ધાંતોને ખરેખર સમજાવાની બાથ ભીડવાનો તબક્કો ખરેખર જ આવે ત્યાં સુધીમાં નિયતિને મારા પર કંઈ દયાભાવ ઉપજ્યો હશે એટલે પહેલાં વર્ષનાં અંત પહેલાં જ એક નોટિસ પ્રસિદ્ધ થઈ, જેના અનુસાર પહેલાં વર્ષ પછી જે કોઈને અન્ય શાખામાં જવું હોય તેઓએ અમુક તારીખ સુધીમાં અરજી કરી દેવાની હતી.

ઈલેક્ટ્રિકલનાં આ અમૂર્ત વમળોમાંથી જો બચી જવાનો આનાથી વધારે સારો મોકો નહીં મળે એ વિચારે, મિકેનીકલમાં જવાની મારી અરજી  મેં તો ફટાફટ જમા કરી દીધી. આ 'બ્લાઇન્ડ' દાવ સફળ થવાનો હશે એટલે પહેલાં વર્ષમાં કુલ માર્ક્સ કંઈક સન્માનજનક કક્ષાના આવ્યા, એટલે બીજાં વર્ષનાં એકાદ મહિનામાં જ મારી અરજી મંજૂર થયાની વધામણી મળી ગઈ!

આજે જ્યારે હવે પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે મારી એ છૂટકારાની લાગણી કેટલી જોરદાર હશે કે શું કરૂં તો સારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થવાય એ વિચારવા માટે બે ઘડી પણ વિચાર મેં ત્યારે કર્યો ન હતો. એટલું જ નહીં પણ ઇલેક્ટ્રિકલના તવામાંથી કુદકો મારીને હું મિકેનીકલના અગ્નિમાં કુદી પડી રહ્યો છું કે નહીં એટલું પણ વિચાર કરવાની મને ત્યારે જરૂર નહોતી જણાઈ!

અને સાચું કહું તો આજે હવે એ બાબતે મારે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર નથી એ કારણે ખરેખર નિરાંત અનુભવાય છે.

હવે પછીના મણકામાં સિવિલના ચેન-લિંક માપણી અને થિયોડોલાઈટ સર્વેના  પ્રેક્ટિકલની ખટમીઠી યાદો તાજી કરીશું. 

Sunday, November 6, 2022

સુધીર જી દંડનાયક - હંમેશાં બાજુમાં જ છે

સાવ ટુંકમાં જ સુધીર દંડનાયકની મારે ઓળખાણ આપવી હોય તો આટલું જ પુરતું બની રહે.  દેખીતી રીતે,

સહકર્મી તરીકે અમારો સંબંધ કદાચ ઔપચારિક સ્તરની સપાટીથી વધારે ઊંડો ગયો હોય એમ ન કહી શકાય. પરંતુ એક વ્યક્તિ તરીકે મારે જ્યારે જ્યારે તેમની મદદની જરૂર પડી હશે ત્યારે ત્યારે ત્યારે, ભૌતિક રીતે સાથે હોય કે ન હોય, પણ સુધીર હંમેશાં મારી પાસે જ રહ્યા છે.

સુધીર અને મેં અમારી કારકિર્દીઓ લગભગ સાથે જ શરૂ કરી હતી. નિકાસ પ્રબંધનના અનુસ્નાતક અભ્યાસક્રમ પછી સુધીર ગુજરાત સ્ટીલ ટુબ્સ લિ., અમદાવાદ,ના નિકાસ વિભાગમાં જોડાયા. તે સમયે મારી ભૂમિકા ત્યાં કંપનીના વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યુબ્સનાં ઉત્પાદન માટેના એકડાથી શરૂઆત થતા હોય એવા સર્વ પ્રથમ પ્રકલ્પને સાકાર કરવાની હતી. આમ એક જ ઑફિસમાં કામ કરતાં હોવા છતાં અમારો પરિચય વધે તેવા દેખીતા કોઈ સંજોગો જ નહોતા. જોકે પ્રંબધનનાં પદ્ધતિસરનાં ઔપચારિક શિક્ષણ ધરાવતા બે નવશિખાઉ વ્યાવસાયિકો વચ્ચે જે પ્રકારની સાહજિક 'બંધુત્વ' ભાવના વિકસે એ અમારા વચ્ચે જરૂર વિકસી શકી હતી.

બેએક વર્ષ પછી 'વ્યાપાર નિકાસ ગૃહ' તરીકેનો દરજ્જો મેળવવા માટે કંપનીએ પોતાનાં ઉત્પાદનો સિવાય અન્ય કંપનીઓના અન્ય ઉત્પાદનોને નિકાસ કરવા નક્કી કર્યુ> એ માટેના પુરવઠાકારો વિકસાવવાનું કામ મને સોંપાયું, અને સુધીરને એ નિકાસ વિકસાવવાની ભૂમિકા મળી. કંપનીએ આ પહેલને આગળ ન વધારવી એમ નક્કી થયું એ પહેલાંના કેટલાક મહિનાઓમાં અમને બન્નેને સાથે રહીને કામ કરવાની તક મળી. એટલા ટુંકા ગાળામાં પણ સુધીરનાં વ્યક્તિત્વનાં અનોઃખાં પાસાંને કારણે માત્ર એક જ સ્થળે કામ કરતા બે નવશિખાઉઓ કરતાં અમારો સંબંધમાં અનૌપચારિકતાની વણકહી વણદેખાતી કળી વિકસી ચુકી હતી.

એકાદ દાયકા પછી, નિયતિએ અમને બન્નેને ફરીથી એક જ કંપની - રત્નમણિ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.,માં સાથે કામ કરવાની તક પુરી પડી આપી સુધીરની ભૂમિકા અંહીં પણ સ્ટેનલીસ સ્ટીલ પાઈપ્સ અને ટ્યુબ્સનાં નિકાસનો વિકાસ કરવાની હતી. અને ત્યારે મારી કાર્યભૂમિકા કંપનીની અન્ય ઉત્પાદન શ્રેણીનાં પ્રબંધનની હતી. જોકે નિયતિ અમને સાથે કામ કરાવવા જ માગતી હશે એટલે મને સ્ટેનલેસ સ્ટીલ વિભાગની ઉત્પાદન કામગીરીનું પ્રબંધન કરવાનું સોંપાયું.

એ સમયગાળામાં મને સુધીરનાં જે પાસાંની મારી કાયમની ઓળખ છે તે નજદીકથી અનુભવવાની મને તક મળી. પરંપરાગત કાર્યશૈલીઓની સંસ્કૃતિના પ્રતાપે જે પ્રકારની પેદાશો માટે તેમને નિકાસનાં બજાર વિકસાવવા હતાં તે માટે આવશ્યક સોનીની બારીક દૃષ્ટિની મનોભાવનાને સાથે સાથે પાગરવા જેવી  ઉત્પાદન ટીમની અમારી જાડી નજરની લુહારી મનોભાવનામાં જગ્યા બની જ નહીં. તેમનો અને અમારો દૃષ્ટિકોણ આમનેસામને વહી રહેલા એક જ નદીમાંના બે પ્રવાહો જેવા જ રહ્યા. પરિણામે, બહુ ઘણા પ્રસંગોએ અમે તેમની અપેક્ષાએ નહોતા જ પહોંચી શકતા. આવા મૂળમાંથી અલગ પડતા બે સહકર્મીઓ વચ્ચે અનૌપચારિકતાની ઉષ્મા માટે કોઈ અવકાશ તો ન જ હોય પણ મોટા ભાગે કાયમ માટેનું અમુક અંતર પડી જાય એવું જ બનતું રહ્યું છે. પરંતુ અમારા સંબંધમાં એવું આંતર ક્યારે પણ ન પડ્યું એ માટેનું શ્રેય માત્ર અને માત્ર ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ સ્વસ્થ રહી શકવાનાં સુધીરનાં વ્યક્તિત્વનાં અનોખાં પાસાંને જ આપવું ઘટે.

મારા અંગત કિસ્સામાં તો એવા કેટલાય પ્રસંગો બન્યા કે જેમાં વિષમ સંજોગો એમને બરાબરનો જક્ડી લીધો હોય. એવી પરિસ્થિતિઓમાં એમને સીધી રીતે કંઈ જ લાગે વળગે તેમ ન હોવા છતાં તેમનો ક્યારેક અપ્રત્યક્ષ તો ક્યારેક સીધો જ  એવો સધિયારો મને મળી રહેતો કે એ પરિસ્થિતિ વચ્ચે, ગહન શાંતિ અને નવા જ ઉમંગ સાથે ધીરજ પૂર્વક નવી દિશા શોધવાની તાકાત મને મળી જતી.

રત્નમણિ છોડ્યા બાદ વ્યાવસાયિક કે અંગત કક્ષાએ અમે બહુ મળી નથી શકયા. પરંતુ જ્યારે જ્યારે ગુંચવણ પેદા કરતી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવ્યો હતો ત્યારે તેમની વિચારસરણીની યાદ દ્વારા મને એ તોફાનોને પાર કરી જવાની હામ મળી જ રહેતી.

સાવ યોગાનુયોગ તો જ નહીં હોય કે તેમની અવસાનનોંધમાં મુકાયેલી તેમની તસ્વીર- જે આ લેખની શરૂઆતમાં મેં મુકી છે -માં તેમના કપાળ પર જવાબદારીઓની જે સળોનો આભાસ થાય છે તેની સાથે તેમનાં હોઠ પર આશા, સ્વસ્થતા અને શાંતિને ઉજાગર કરતાં સ્મિતની હળવી રેખાઓ અછાની નથી રહેતી.

જે રીતે વણમાગ્યા સુધીર આપણી આસપાસ જ છે એવી અનુભૂતિ અનુભવતા આપણા જેવા સુધીર દંડનાયકના સંબંધોનાં બાહ્ય વર્તુળના 'મિત્રો'ને તો એવી એ વિચારે કદાચ ધરપત મળી રહે કે તેમને આ જન્મ તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને મનની શાંતિ, સ્વસ્થતા અને પોતાના વિચારો માટેની નિષ્ઠા કેળવવાની શક્તિ મળે એ કામ કરવા માટે જ મળ્યો હતો અને સમય થતાં  તેમની એ ભુમિકાને 'પેલા અદૃષ્ય દિગ્દર્શકે' સંકેલી લીધી. પરંતુ એ જ વ્યક્તિત્વના આમ અચાનક જ અવિનાશની સફરે જતાં રહેવાને કારણે તેમનાં અંગત કુટુંબીજનો માટે  જે અવકાશ સરજાયો હશે તે પુરવો તો કદાચ અસંભવ જ ગણી શકાય. કે પછી કદાચ તેમની અપ્રત્યક્ષ હાજરી વડે બીજાંઓમાં આશા અને હામ પુરી કરી શકવાની અનોખી લાક્ષણિકતા કદાચ એ અશક્યને સમયની સાથે શક્ય બનાવી પણ આપે ! મારી તો એ જ નમ્ર અને હાર્દિક પ્રાર્થના છે…….