Showing posts with label N Venkatraman. Show all posts
Showing posts with label N Venkatraman. Show all posts

Sunday, March 7, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક - ૮ : હેમંત કુમારની બંગાળી સિનેમા કારકિર્દીનું પલડું હવે ભારી થવા લાગ્યું

એન. વેન્કટરામન
અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ

ગીતાંજલિ પિક્ચર્સ માટે હેમંત કુમારના પુત્ર જયંત મુખર્જી દ્વારા નિર્મિત અને હૃષિકેશ મુખર્જી દ્વારા દિગ્દર્શીત, દુરદર્શન પર, ૧૯૯૨માં, પ્રકાશિત થયેલ શ્રેણી, 'તલાશ'નાં  ટાઈટલ ગીતમાં ગીતકાર યોગેશે કહ્યું છે કે -

જીવન એક પ્યાસ હૈ,

સભી કો કુછ તલાશ હૈ,

જીવન એક પ્યાસ હૈ

જિનકી હમ તલાશમેં ઉમ્ર ભર ચલેં       

કોઈ જાનતા નહી વો કહાં મિલે

ફિર ભી ટૂટી નહીં યે જો આશ હૈ

સભી કો કુછ તલાશ હૈ

જીવન એક પ્યાસ હૈ

સભી કો કુછ તલાશ હૈ

નિયતિના ખેલમાં આવી શોધ માટે નીકળી પડેલ વ્યક્તિ જો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર હોય તો, લોકો જેને 'અણધારી' કહે છે એવી, તક તેને હાથ આવી પડે છે. એ તકનો એ કેટલો લાભ ઊઠાવી શકશે તે જેટલી તેના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ અને તેની આવડત પર આધાર રાખે છે એટલો જ આધાર તેનાં નસીબ પર પણ રહેતો હોય છે.

'૫૦ના દાયકામાં 'આનંદમઠ' દ્વારા સાંપડેલી તકનો પુરેપુરો લાભ ઊથાવી શકવામાં હેમંત કુમારને તેમની આવડત અને તેમનાં નસીબે પુરો સાથ આપ્યો. હા, તેમનો દૃષ્ટિકોણ વાણિજ્યિક દુનિયાના દૃષ્ટિકોણ સાથે બહુ મેળ નહોતો ખાતો એટલે તેમને ગાયક અને સંગીતકાર તરીકે જેટલું માન મળ્યું તેટલી વાણિજ્યિક સફળતા હિંદી ફિલ્મોમાં ન મળી. તેમણે જે ફિલ્મો માટે ગીત ગાયાં એ ફિલ્મો ટિકિટ બારીએ બહુ ઉકાળી ન શકી એટલે તેમનાં યાદગાર ગીતો પણ લોકોની સ્મૃતિમાંથી જલદી વિસરાઈ જતાં જણાયાં.

'૫૦ના દશકમાં હેમંત કુમારે મુંબઈને પોતાની પ્રાથમિક કર્મભૂમિ બનાવી ત્યારે પણ તેમની કલકત્તામાં આછી પાતળી હાજરી રહેતી. એ વર્ષોમાં બંગાળી સિનેમામાં પણ આમુલ પરિવર્તનોનો પવન ફુંકાઈ રહ્યો હતો. સામાન્ય પેક્ષકને ગમે એવી 'મુખ્ય ધારા'ની ફિલ્મો ગજું કાઢતી હતી તેની સાથે પૂર્ણતઃ આર્ટ ફિલ્મો અને બન્ને વચ્ચેના સંધિકાળ જેવી ફિલ્મોને પણ પુરતો દર્શક વર્ગ મળી રહેવા લાગ્યો હતો. નિર્મળ ડે, અજય  કાર, સુધીર મુખર્જી જેવા દિગ્દર્શકોએ જનસામાન્ય માટેની ફિલ્મોને ઘડી રહ્યા હતા તો સત્યજિત રાય,મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સંમાંતર સિનેમાની ધુરા સંભાળી રહ્યા હતા અને સિનેમાના આ બે પ્રવાહોને જોડતા પુલ જેવી પોતાની આગવી છાપવાળી ફિલ્મો તપન સિંહા કે તરૂણ મજુમદાર બનાવી રહ્યા હતા, ઉત્તમ કુમાર અને સુચિત્રા સેન જેવાં નવાં તારકો સિનેમા જગતમાં આકર્ષણ જમાવી રહ્યા હતા તેની સાથે સૌમિત્ર ચેટર્જી, કાલી બેનર્જી, સુપ્રિયા દેવી કે શર્મિલા ટાગોર સમાંતર સિનેમાની જ્યોત વડે  પ્રકાશ ફેલાવી રહ્યાં હતાં. હેમંત મુખોપાધ્યાય, નચિકેત ઘોષ, સુધિન દાસગુપ્તા અને શ્યામલ મિત્ર જેવાં સંગીતકારો અને ગૌરીપ્રસન્ન મજુમદાર, પુલક બંદોપાધ્યાય, મુકુલ દત્ત જેવા ગીતકારો જનસામાન્ય સિનેમાનાં ગીતસંગીતમાં પ્રાણ ફૂંકી રહયા હતા તો સમાંતર સિનેમામાં પંડિત રવિશંક્રર, ઉસ્તાદ અલી અકબર ખાન કે ઉસ્તાદ વિલાયત ખાનને નવા પ્રયોગો વડે ઝંકૃત કરી રહ્યા હતા.

આવાં નવસર્જનના સમયમાં, ૧૯૫૨થી ૧૯૫૪ સુધીમાં હેમંત કુમારને હિંદી ફિલ્મોમાં મળેલ સફળતાએ બંગાળી સિનેમામાં પણ નવી નવી તકો લાવી આપી. દશકાના મધ્ય ભાગ પછી તેમને બંગાળમાંથી વધારે ને વધારે આમંત્રણો મળવા લાગ્યાં. હેમંત કુમારનો તો હવે એક પગ મુંબઈમાં તો બીજો કલકતામાં જ રહેવા લાગ્યો. એક બાજુ હિંદી ફિલ્મોમાં તેમની ભૂમિકાનો વ્યાપ તેની સીમાએ પહોંચવા લાગ્યો, તો બંગાળી સિનેમામાં, પછીના ત્રણેક દાયકા સુધી, તેમની કારકિર્દીનો સૂર્ય ઝળહળતો રહ્યો.

૧૯૫૫થી ૧૯૬૦ દરમ્યાન હેમંત કુમારે સંગીતબધ્ધ કરેલી બંગાળી ફિલ્મોનું આંકડાવાર ચિત્ર તેમના કારકિર્દીના ઉપર જતા આલેખનો ચિતાર આપે છે –

૧૯૫૫

૨ ફિલ્મો 

શાપમોચન, સૂર્યમુખી

૧૯૫૬

કંઈ નહીં

 

૧૯૫૭

૩ ફિલ્મો

શેષ પરિચય, તાસેર ઘર, હરણો સુર

૧૯૫૮

૪ ફિલ્મો 

લુકોચુરી, શિકાર, જૌલુક, સૂર્યાતોરણ

૧૯૫૯

૬ ફિલ્મો

નીલ આકાશેર નીચે, મારૂતિર્થ હિંગળાજ, દીપ જ્વેલે જાય, ખેલાઘર, સોનાર હરિણ, ક્ષનિકેર અતિથિ

૧૯૬૦

૫ ફિલ્મો

કુહક, ખોકાબાબુર પ્રત્યાબર્તન, બૈશે શ્રબન, ગરીબેર મેયે, શેષ પ્રજંતા 

આ ૨૦ ફિલ્મોમાં તેમણે ૮૧ જેટલાં ગીતો સ્વરબધ્ધ કર્યાં જેમાથી તેમનાં સૉલો ગીતોની સંખ્યા ૪૩ જેટલી હતી. આ જ વર્ષોમાં તેમણે અન્ય સંગીતકારો માટે ૪૩ ફિલ્મોમાં ૭૦ જેટલાં ગીતો ગાયાં.

૧૯૬૦ પછી હેમંત કુમારે રચેલાં બંગાળી ફિલ્મોનાં ગીતો અને ગૈર-ફિલ્મી ગીતોના આંકડાઓનું વિહંગાવલોકન પણ તેમણે સિધ્ધ કરેલ તેમનાં સ્થાનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરેછે -

૧૯૬૧-૭૦ - ૫૧ ફિલ્મો  - ૨૩૧ ગીતો - તેમણે ગાયેલાં ૧૨૨ ગીતોમાંથી ૮૯ સૉલો ગીતો

૧૯૭૧-૮૦ - ૩૯ ફિલ્મો  - ૧૯૫ ગીતો - તેમણે ગાયેલાં ૮૦ ગીતોમાંથી ૬૨ સૉલો ગીતો

૧૯૮૧-૮૮ - ૨૬ ફિલ્મો  - ૧૬૪ ગીતો - તેમણે ગાયેલાં ૪૩ ગીતોમાંથી ૨૬ સૉલો ગીતો

હેમંત કુમારે ૧૯૮૯માં બાંગ્લાદેશમાં નિર્મિત બંગાળી ફિલ્મ 'ન્યાય બિચાર' માટે પણ સંગીત આપ્યું.

૧૯૬૦ પછી અન્ય સંગીતકારો માટે હેમંત કુમારે ગાયેલાં બંગાળી ફિલ્મોનાં ગીતોની સંખ્યા પણ એટલી જ માતબર છે -

૧૯૬૧-૭૦ - લગભગ ૬૯ ફિલ્મોમાં ૧૧૭ જેટલાં ગીતો

૧૯૭૧-૮૦ - લગભગ ૮૦ ફિલ્મોમાં ૧૧૭ જેટલાં ગીતો

૧૯૮૧-૯૦ - લગભગ ૫૦ ફિલ્મોમાં ૬૬ જેટલાં ગીતો

આટલા વિશાળ ફલક પર ફેલાયેલાં આ બધાં ગીતો વિશે એક લેખમાં કંઈ પણ વાત કરી શકાય એટલી ખાસ કોઈ જણકારી મરી નથી. એટલે નેટ પર મળતા સંદર્ભોમાંથી તેમનાં યોગદાનનાં વૈવિધ્યનો આછો પરિચય મળે એવાં કેટલાંક ગીતો અહીં રજૂ કર્યાં છે

કંદો કેને મોન્રે - અસંમપત્તા (૧૯૫૬) – સંગીતકાર: નચિકેત ઘોષ – ગીતકાર: ગૌરી મજુમદાર


સુન્ને દાના મેલે - તાસેર ઘર (૧૯૫૭) – સંગીતકાર:  હેમંત કુમાર


ભાગાબાન એઈ દુનિયાઈ - બારો મા (૧૯૫૭) – સંગીતકાર: પબિત્ર ચેટર્જી  - ગીતકાર: પ્રનબ રોય


નીલ આકાશેર નીચે કી પ્રિથીબી - નીલ આકાશેર નીચે (૧૯૫૮) – સંગીતકાર: હેમંત કુમાર


આઓ લાટે તુમી મધુર  - રાતેર અંધકાર (૧૯૫૯)- સંગીતકાર: વી બલસારા – ગીતકાર: પુલક બેનર્જી


અમારે હોરીદાસેર બુલબુલ ભાજા = બારી ઠેકે પલિયે (૧૯૫૯) - સંગીતકાર અને ગીતકાર: સલિલ ચૌધરી


સિમાહીન પાથે  - દુઈ બારી (૧૯૬૩)- સંગીતકાર: કાલિપદ સેન – ગીતકાર: ગૌરી મજુમદાર


તોમાદેર સ્વર્ગ સે તો - તૃષ્ણા (૧૯૬૫) - શ્યામલ મિત્ર સાથે – સંગીતકાર: શ્યામલ મિત્ર – ગીતકાર: ગૌરી મજુમદાર




ઓ રાધે થોમકે ગલી કેનો  - બાઘિની (૧૯૬૮) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: મુકુલ દત્ત


આમી સુનીતે રૈની - નિશી મૃગયા (૧૯૭૫) – સંગીતકાર: હેમંત કુમાર



મોન બોલે આમી - હાર્મોનિયમ (૧૯૭૬) - અરૂંધતી દેવી સાથે - સંગીતકાર અને ગીતકાર: તપન સિંહા


સુધુ બથાર આઘાત બારે બારે - પ્રોતિશોધ (૧૯૮૧) – સંગીતકાર: અજોય દાસ – ગીતકાર: પુલક બંદોપાધ્યાય


આમી જોડી મુચી - અમર ગીતી (૧૯૮૩) - અરૂધતી દેવી સાથે – સંગીતકાર : હેમંત કુમાર

આ ઉપરાંત રવિન્દ્ર સંગીત સહિતનાં ગૈર-ફિલ્મી ગીતોનાં સ્વરચિત ૫૦થી વધુ ગીતો સહિત ૩૭૦થી વધારે ગીતોનું પણ બહુ મહત્વનું યોગદાન તેમણે કર્યું. તેમણે ૮ રવિન્દ્ર ગીતીનાટ્ય સહિત ૧૨ ગીતીનાટ્યમાં પણ ગાયન કર્યું હતું.

ના જેઓ ના – સંગીતકાર : હેમંત કુમાર – ગીતકાર: પુલક બંદોપાધ્યાય


દિન ચોલે હય સોબી બોદલે – સંગીતકાર : હેમંત કુમાર – ગીતકાર: અવિજિત બેનર્જી


દેકો ના અમારે દેકો ના – સંગીતકાર : હેમંત કુમાર


તેમના અવસાનના ત્રણ દિવસ પહેલાં તેમણે વિશ્વજીતે નિર્માણ કરેલ દ્વિભાષી ફિલ્મ 'ભાલો બસર રાત' માટે તેમણે પોતાની કારકિર્દીનું છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું.

હેમંત કુમારની કારકિર્દીમાં સંબંધોનું મહત્ત્વ પણ ઘણું રહ્યું, જેના વિશે હવે પછીના અંકોમાં વાત કરીશું.

+        +        +

Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

+                   +                   +

શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી  એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com

સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/

Sunday, January 17, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક - ૭ :: હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો : [૨] ૧૯૫૩ / ૧૯૫૪ - કારકિર્દીનાં પુષ્પનો મઘમધતો ઉઘાડ

 ૧૯૫૧માં સઝાનાં સંધ્યા મુખર્જી સાથેનાં એસ ડી બર્મને રચેલાં યુગલ ગીત 'આ ગુપચુપ પ્યાર કરે'ની સફળતાની પાછળ પાછળ જ હેમંત કુમાર ૧૯૫૨માં 'આનંદ મઠ' સાથે સંગીત કુમાર તરીકે પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. પોતાનાં સંગીતમાં હેમંત કુમારે, ૧૯૫૪થી લઈને ૧૯૭૯ સુધીમાં  બધું મળીને લગભગ ૯૦ જેટલાં ગીતો ગાયાં છે જેમાંથી ૩૬ ગીતો સૉલો હતાં. તેની સરખામણીમાં ૧૯૪૨થી લઈને લગભગ ૧૯૮૦ સુધીમાં અન્ય સંગીતકારો માટે ૨૦૦ જેટલાં ગીતો ગાયાં, જેમાંથી લગભગ અર્ધો અર્ધ ગીતો સૉલો ગીતો છે.



અમુક અપવાદોને બાદ કરતાં બહુ ઉપરછલ્લી રીતે જ કહીએ તો અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતો કદાચ વધારે યાદ થતાં હશે. આ બધાં જ ચિરકાલીન યુગલ ગીતો આ ૧૯૫૨થી ૧૯૬૨ -૬૪ સુધીના સમયમાં જ આવ્યાં.

૧૯૫૩

૧૯૫૩માં 'અનારકલી' માટે હેમંત કુમારે સી રામચંદ્ર માટે ગાયેલું, લતા મંગેશકર સાથેનું યુગલ ગીત જાગ દર્દ-એ-ઈશ્ક઼ જાગ માત્ર હેમંત કુમારનાં, કે સી રામચંદ્ર નાં, જ ગીતો માટે નહીં, પણ હિંદી ફિલ્મોનાં સમગ્ર ગીતો માટે એક સીમાચિહ્ન ગીત બની ગયું. આ ગીત વિશે આપણે વિગતે વાત અગાઉ અંક ૩ માં વાત કરી હતી એટલે અહીં એ વિશે પુનરાવર્તન ટાળ્યું છે. સી રામચંદ્ર માટે હેમંત કુમારનાં ગીતોની સંખ્યા એસ ડી બર્મન માટે તેમનાં ગીતો પછી બીજા સ્થાને આવે એટલી છે. એ વિશે વિગતે વાત કોઈ બીજા ઉપયુક્ત સમયે કરીશું, જેથી સી રામચંદ્ર માટે ગયેલાં હેમંત કુમારનાં બીજાં એક યુગલ ગીતથી અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોની પુર્ણાહતિ કરવાની તક મળે.

એટલે, આજના મણકા માટેનાં અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોની શરૂઆત ૧૯૫૩ની ફિલ્મ 'આગોશ'થી કરીશું.

મિલજુલ કે બાંટો રે ગરીબી કે ફંડે - આગોશ (૧૯૫૩) ઈન્દિરા માનચંદાની અને કોરસ સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: શૈલેન્દ્ર

આ જ ફિલ્મનાં હેમંત કુમાર અને લતા મંગેશકરે ગાયેલાં યુગલ ગીત, ધીરે ધીરે ચઢ ગયા નદીમેં પાની, માં શેલેન્દ્રએ પ્રેમના રોમાંચને જેટલી સહજતાથી વણી લીધેલ છે એટલી જ સહજતાથી પ્રસ્તુત ગીતમાં તેમણે પોતાની સમાજવાદી સમાજરચનાની વિચારસરણીને વણી  લીધી છે.

૧૯૬૦ પછી રોશનની જે સંગીત શૈલીથી આપણે વધારે પરિચિત છીએ તેના કરતાં આ બન્ને ગીતમાં રોશન બિલકુલ અલગ જ સ્વરૂપે સાંભળવા મળે છે. તેમાં પણ @૧.૪૩ પર જે રીતે હેમંત કુમાર સારા જહાંમાં અંત થતી પંક્તિમાં 'હાં...' પર જે રીતે તાન લહેરાવે છે તે તો બહુ જ અભિનવ પ્રયોગ છે.

આ ગીતમાં સહગાયિકા ઈન્દિરા માનચંદાની વિશે બહુ માહિતી નથી મળી શકી.

ગીતની એક અન્ય ખુબી પણ નોંધપાત્ર છે - ટાઈટલ્સની સાથે સાથે શરૂ થતું ગીત ટાઈટલ્સ પૂરૂં થયા પછી એક સ્વતંત્ર ગીત તરીકે ચાલુ રહે છે.

નોંધ - ૧૯૬૦ પછીથી રોશનનાં ગીતોમાં માધુર્યની આગવી હાજરી વર્તાતી, જેનું સર્વકાલીન શ્રેષ્ઠ કહી શકાય તેવું ઉદાહરણ તેમણે રચેલ 'મમતા' (૧૯૬૪)નું હેમંત કુમાર લતા મંગેશકરનું, રાગ યમનમાં સ્વરબધ્ધ થયેલ, યુગલ ગીત - છુપા લો યું દિલમેં પ્યાર મેરા - કહી શકાય. અન્યોન્ય માટેના પ્રેમની આટલી અલૌકિક અભિવ્યક્તિ તો વાસ્તવિક જીવનમાં પણ કોઈ કદાચ કરી શકે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે !

હમ પ્યાર કરેંગે… હમ લડ કે ઝગડ કે ભી પ્યાર કરેંગે - ધુન (૧૯૫૩) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ભરત વ્યાસ

રાજ કપુર માટે હેમંત કુમારનો સ્વર પ્રયોજાયો હોય એ જેટલી વિરલ લાગે તેવી ઘટનાની સાથે સાથે ભરત વ્યાસ પાસેથી આવા મસ્તીખોર શબ્દો સાંભળવાનો અહીં થયેલો યોગ પણ એટલો જ વિશિષ્ટ કહી શકાય.

જોકે ગીતનાં ફિલ્માંકનમાં આ મસ્તી જરા પણ નથી અનુભવાતી.


યાદ કિયા દિલને કહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ - પતિતા (૧૯૫૩) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

શંકર જયકિશને પોતાની કારકિર્દીનાં શરૂનાં વર્ષોમાં એક તરફ દેવ આનંદ માટે પરંપરાગત રૂપે હેમંત કુમારનો સ્વર આ યુગલ ગીતમાં વાપરીને બીજી તરફ અલગ અલગ ગાયકો સાથે તેમને પુરેપુરી ફાવટ રહી શકે છે તે બતાવી આપ્યું હતું.

એકોર્ડીયનના સુરથી શરૂ થતા પૂર્વાલાપને 'યાદ કિયા દિલને કહાં હો તુમ'થી  ઊપડતાં મુખડામાં હેમંત કુમારના ખરજ સ્વરની સાથે, 'પ્યાર સે પુકાર લો જહાં હો તુમ'ને સાંકળી લઈને લતા મંગેશકરના નારી સ્વરની સહજ મિઠાશને શકર જયકિશને અદ્‍ભુત રીતે વણી લીધેલ છે.


એક કલી દો પતિયાં…. જાને હમારી સબ બતિયાં - રાહી (૧૯૫૩) - લતા મંગેશકર, મીના કપુર અને અન્ય પારખી ન શકાતા પુરુષ અને સ્ત્રી સ્વર તેમ જ કોરસ – સંગીતકાર: અનિલ બિશ્વાસ ગીતકાર: પ્રેમ ધવન

ગીત તત્ત્વતઃ પૂર્વ ભારતમાં ચાના બગીચાઓમાં કામ કરતાં મજુરોના મનની ભાવનાઓને વાચા આપે છે. અનિલ બિશ્વાસે મજુરોનાં પાછાં ફરવાના સમય, કામ કરતી વખતનો સમય, મેનેજરોની  કામ લેવાની જુલમગારી રીત સમે અવાજ ઉઠાવવાની ઘટના જેવી અલગ અલગ પરિસ્થિતિઓને ત્યાંનાં લોકગીતોની પ્રસ્તુત શૈલીમાં વણી લીધેલ છે.


સૌ બરસ પર પ્રીતમ ઘર આયે - રામી ધોબન (૧૯૫૩) - ગીતા દત્ત સાથે – સંગીતકાર
: હિરેન બોઝ – ગીતકાર: રામ મૂર્તિ ચતુર્વેદી

હિરેન બોઝ બંગાળી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ખુબ સન્માનીય નામ હતું . અહીં તેમણે બાઉલ લોક સંગીતની લોકધુનને પ્રયોજી છે. અંતરાની પંક્તિઓની અલગ લયમાં બાંધણીને ફિલ્મની સીચ્યુએશન સાથે કંઈક સંબંધ હશે, પરંતુ આટલી ભુલી ચુકાયેલી ફિલ્મ વિશે વિશેષ માહિતી નથી મળી શકી.


જાદુગર ભગવાન, અનોખા જાદુગર ભગવા - શોલે (૧૯૫૩) - અમીરબાઈ કર્ણાટકી, મીના કપૂર અને પ્રેમલતા – સંગીતકાર: ધનીરામ – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

અશોક કુમાર, બીનારાય અને તેમનાં સંતાનો બેબી નાઝ અને માસ્ટર રોમી પર ફિલ્માવાયેલું આ ગીત તેમની આનંદની પળોનો સમય છે.


હિંદી ફિલ્મોમાં થતું આવ્યું છે તેમ સમયનું ચક્ર ફરે છે અને હવે બે બાળકો ભગવાન પાસે એ જ ગીત એક પ્રાર્થના રૂપે ગાય છે.

મેરે  રાજા કે નયનોમેં રાની સમાયી, પ્યારકી જવાની સે હો ગયી સગાઈ - લેહરેં (૧૯૫૩)- શમશાદ બેગમ સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

શમશાદ બેગમ સાથે હેમંત કુમારનાં યુગલ ગીતોની સંખ્યા બહુ જ જૂજ છે એ કારણસર આ ગીતને અહીં સમવાવાનો બીજો એક આડપેદાશ જેવો લાભ ગીતની સ્વરરચના વિશે વાત કરવાનો મળતો મોકો છે.

સી રામંચંદ્રએ ગુજરાતી ગરબાની ધુનના બહુ અવનવા પ્રયોગો પોતાનાં ગીતોમાં કરેલ છે. આ ગીતમાં તેમનાં જ અતિપ્રસિધ્ધ ગીત ભોલી સુરત દિલ કે ખોટે (અલબેલા, ૧૯૫૧)ની સીધે સીધી ઝલક તો જોવા મળે છે, પરંતુ પૂર્વાલાપમાં નગારાની થાપથી થતા ઉપાડમાં ગરબાની શૈલીની અસરનો પ્રભાવ પણ એટલો જ પણ સહજપણે વર્તાય છે. 



૧૯૫૪

બાદલકી પાલકી પર હો કે સવાર આજ આનેવાલી હૈ બરસાત - ચક્રધારી (૧૯૫૪) - આશા ભોસલે સાથે - સંગીતકાર અવિનાશ વ્યાસ - ગીતકાર પ્રદીપજી

વરસાદની રાહ જોતાં ખેડૂત પતિ-પત્નીના અન્યોન્યના પ્રેમ ભાવનાં ગીતમાં ફરી એક વાર ડાંડિયા રાસની ધુનનો પ્રયોગ કરાયો છે.

આડ વાત

આ જ ધુનનો ઉપયોગ બિલ્કુલ અલગ સીચ્યુએશનમાં સી રામંચંદ્ર એ નાસ્તિક (૧૯૫૪)માં કરેલ છે.

૧૯૫રમાં હેમંત કુમારે નૌશાદનાં ગીતોનાં વર્ઝન ગીતો - મોહબ્બત ચૂમે જિનકે હાથ અને ટકરા ગયા તુમસે વો દિલ હી તો હૈ -ગાયાં હતાં તે વાતનો ઉલ્લેખ આપણે આ શ્રેણીના ત્રીજા અંકમાં કરેલો. ૧૯૫૪માં એ જ નૌશાદ તેમણે નૌશાદની તેમજ  પોતાની કારકિર્દીની તેમજ હિંદી ફિલ્મનાં યુગલ ગીતોની પ્રથમ હરોળનું યુગલ ગીત શબાબ (૧૯૫૪)માં ગાયું.

ચંદન કા પલના રેશમકી ડોરી - શબાબ (૧૯૫૪) - લતા મંગેશકર સાથે - સંગીતકાર નૌશાદ - ગીતકાર શકીલ બદાયુની

ફિલ્મમાં આ ગીત સૌ પ્રથમ હેમંત કુમારના સૉલો સ્વરમાં છે તે પછી કોરસ સાથેનાં રૂપમાં શરૂ થઈને યુગલ ગીત સ્વરૂપે ફિલ્માવાયું છે.


ગીતનું એક ત્રીજું વર્ઝન પણ છે જે  ફિલ્મના અંતમાં મુકાયું છે

ઋત હૈ સુહાની, રાત જવાન હૈ, દિલમેં મોહબ્બત, હોઠોં પે આહેં - મનોહર (૧૯૫૪) - એસ વી વેન્કટરામન - ગીતકાર વિશ્વામિત્ર આદિલ

તમિળ ભાષામં બનેલી મૂળ કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મનું આ હિંદી સંસ્કરણ છે. આ ગીત તો સામાન્યપણે રચાયેલાં ગીતો જેવું જ છે. પરંતુ, વધારે નોંદપાત્ર બબત એ છે કે તમિળ સંસ્કરણની પટકથા અને સંવાદ એમ કરૂણાનિધિએ લખેલ છે, જે આગળ જતાં તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા.


આજના મણકાની શરૂઆત પણ હેમંત કુમાર અને સંધ્યા મુખર્જીના યુગલ ગીતના ઉલ્લેખથી જ થય છે એ સૌખદ યોગાનુયોગ સાથે હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલ યુગલ ગીતોનો ત્રીજો, અને અંતિમ મણકો હવે પછી….

+ + +

સંદર્ભ સ્વીકૃતિ :

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975

2.Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999

3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015 Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

4.List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

શ્રી એન વેન્કટરામનના સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત મૂળ લેખ, Hemantayan – Part 2નો આંશિક અનુવાદ

શ્રી એન વેન્ક્ટરામનનું વિજાણુ સંપર્ક સરનામું : venkatssa18@gmail.com
સોંગ્સ ઑફ યોર : https://www.songsofyore.com/