Thursday, October 6, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકરનાં સૉલો ગીતો



અત્યાર સુધીમાં આપણે જેટલાં પણ સ્ત્રી સૉલો ગીતો સાંભળ્યાં, તેમાં રાજકુમારી, સુરૈયા કે શમશાદ બેગમ જેવાં એ સમયે પોતાનું એક ચોક્કસ સ્થાન પ્રસ્થાપિત કરી ચૂકેલ અન્ય સ્ત્રી ગાયકોનાં ખાસ્સાં લોકપ્રિય થયેલાં, અને આજે પણ લોકપ્રિય રહેલાં, સૉલો ગીતો વચ્ચે પણ લતા મંગેશકરનાં સૉલો ગીતો બહુ જ સરળતાથી અલગ જ તરી આવે છે. અને એમાં અમુક ગીતો તો હવે પછીના સમય માટે દીવાદાંડી બની રહે એ કક્ષાનાં પણ બની રહ્યાં.
આમ થવા માટે બીજાં બધાં જ કારણો પૂરતાં ન જણાયાં એટલે એક જ ગુરૂચાવીરૂપ કારણ વપરાતું રહ્યું છે - બસ, હવેના દિવસોમાં લતા મંગેશકરના જ સિક્કાના સંદર્ભમાં બધા વ્યવહારો થશે.
જો એક ફિલ્મમાં લતા મંગેશકરનાં એકથી વધારે પસંદ કરી શકાય એવાં ગીતો હતાં ત્યારે 'ચલણી સિક્કા' જેવાં ગીતો આપણે આ પહેલાંનાં લતા મંગેશકરનાં ૧૯૪૯નાં સૉલો ગીતોની ચર્ચાને એરણે માણ્યાં. એટલે અહીં હવે એ ફિલ્મનું બીજું એવું ગીત પસંદ કર્યું જે વપરાશમાં મૂકવાને બદલે પોતાના ખજાનામાં સંઘરીને વારંવાર, અનેકવાર, સાંભળ્યા જ કરવાનું મન થાય.
ઉઠાયે જા ઉનકે સિતમ, ઔર જિયે જા - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
ચલે જાના નહીં નૈન મિલાકે સૈયાં બેદર્દી - બડી બહેન - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
મુઝે કિસીસે પ્યાર હો ગયા - બરસાત - શંકર જયકિશન - જલાલ મલીહાબાદી
સાજનકી ગલીયાં છોડ ચલે - બાઝાર - શ્યામ સુંદર - ક઼મર જલાલાબાદી 
અય દિલ તુઝે કસમ હૈ હિમ્મત ન હારના તૂ - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની
તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ - લાડલી - અનિલ બિશ્વાસ - બહજાદ લખ઼નવી
બહારેં ફિર ભી આયેંગી મગર હમ તુમ યહાં ન હોગે - લાહોર - શ્યામ સુંદર - રજેન્દ્ર કૃષ્ણ
આયેગા આનેવાલા - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી
આ બધાં ગીતોમાંથી ૧૯૪૯ માટે લતા મંગેશકરનાં શ્રેષ્ઠ ગીત તરીકે આયેગા આનેવાલા (મહલ, ખેમચંદ પ્રકાશ) પર પસંદનો કળશ ઢોળવા માટે મને એક ક્ષણ પણ નથી લાગી.
લતા મંગેશકરના ૮૭મા જન્મદિવસે તેમને શુભેચ્છા ગુચ્છ રૂપે સોંગ્સ ઑફ યોર Best songs of 1949: Wrap Up 3 રજૂ કરે છે. ૧૯૪૯માં વીસ જ વર્ષનાં લતા મંગેશકરનાં ૨૦ ગીતોને લેખક આવનારાં વર્ષોમાં લતાની ગાયકીનાં આગવાંપણાંની આલબેલ સ્વરૂપ કહે છે.

હવે પછીના અંકોમાં આપણે ૧૯૪૯નાં ગીતોની ચર્ચાને એરણે યુગલ ગીતો સાંભળીશું

Sunday, October 2, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૭)

૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૬-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૧૬-૭-૨૦૧૬ અને ૬-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડેનાં અને ૩-૯-૨૦૧૬ ના રોજ મોહમ્મદ રફીના સ્વરમાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા.

એવું કહેવાય છે કે બાળ મોહમ્મદ રફીના ઘર પાસે એક ફકીર દરરોજ આવીને ભિક્ષા માગતા. બાળ મોહમ્મદ તેની પાછળ પાછળ જાય આને પેલા ફકીરનાં ગીત સાંભળે અને પછી ઘરએ આવીને અસલ પેલા ફકીરની હલકમાં જ ગાઈ બતાવે. અને કેવો જોગાનુજોગ કે મોટા થઈને પાર્શ્વગાયક તરીકે હિંદી ફિલ્મોમાં ફકીર/ઓલીયા કે ભિક્ષુકોનાં ગીતોની એક જે બહુ જ આગવી શૈલી કંડારાઈ તેમાં મોહમ્મદ રફી મોખરાના સ્થાને રહ્યા.

ગયા અંકમાં આપણે આ શૈલીમાં શેરીએ શેરી ભિક્ષા માગતા સમૂહનાં કેટલાંક ગીતો અને છેલ્લે ફિલ્મ 'મિર્ઝા ગ઼ાલિબ'નો અંદાજ-એ-બયાં ઔરની દાસ્તાન સાંભળ્યાં હતાં. આજે હજૂ થોડાં બીજાં ગીતો સાંભળીએ -

આના હૈ તો આ રાહમેં કુછ ફેર નહીં હૈ, ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ - નયા દૌર (૧૯૫૭) - ઓ પી નય્યર - સાહિર લુધ્યાનવી

મોહમ્મદ રફીએ આ ગીત જે શૈલીથી ગાયું છે તે આ જ ફિલ્મમાં દિલીપકુમાર માટે ગાયેલાં ગીતથી કેટલું અલગ છે તે જોવા માટે ફિલ્મનાં અન્ય ગીતો જરૂર સાંભળવાં જોઈએ.

આવું જ બીજું એક ગીત, ‘નયા દૌરથી લગભગ ત્રણ વર્ષ પહેલાં આવેલું, 'અમર' (૧૯૫૪)નું છે.

ઈન્સાફકા મન્દિર હૈ યે ભગવાનકા ઘર હૈ - નૌશાદ - શકીલ બદાયુની

ગીત આખું ફિલ્મની વાર્તાવસ્તુનાં કથનની પાર્શ્વભૂમિમાં છે, પણ મોહમ્મદ રફીની આ પ્રકારનાં ગીતો માટે એક આગવી ગાયકી તો સ્પષ્ટપણે અલગ પડી રહે છે.

અને હજૂ તેનાથી પણ ચારેક વર્ષ આગળ જઈએ..

યે જિંદગીકે મેલે દુનિયામેં કમ ન હોંગે, અફસોસ હમ ન હોંગે - મેલા (૧૯૪૮) - નૌશાદ - શકીલ બદાયુની

આ ફિલ્મમાં નયક દિલીપકુમાર માટેનાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં હતાં. પણ આ એક ગીત માટે નૌશાદની પસંદ મોહમ્મદ રફીની આગવી ગાયકી માટેની જ રહી.

મોહમ્મદ રફીની ગાયકીની એક ખાસ વાત એ ગણાતી કે તે જેના માટે પાર્શ્વ ગાયન કરતા હોય તે નાયકની અંગભંગીને પોતાની ગાયકીમાં ઢાળી દેતા. પરંતુ તેમણે એવાં પણ કેટલાંય ગીતો ગાયાં છે જેમાં ગીતને પર્દા પર રજૂ કરનાર કળાકાર નામી ન હોય. આ પ્રકારનાં ગીતો માટે રફી સાહેબને એ ગીતના ભાવને પેશ કરવ માટે ઔર મોકળાશ મળતી. અને એ કારણે, એમનાં આ ગીતો પણ બહુ જ લોકચાહના પામ્યાં.

ઝીંદાબાદ અય મુહબ્બત ઝિંદાબાદ - મુગ઼લ-એ-આઝમ (૧૯૬૦) - સંગીતકાર નૌશાદ ગીતકાર શકીલ બદાયુની

દૌલતની ઝંઝીરોમાં મૌન કેદની અવસ્થામાં સલીમની ભૂમિકા તો જાણે દિલીપ કુમાર માટે જ સર્જાઈ હોય તેવા તેમના અભિનયની સાથે ગીતને પર્દા પર એક શિલ્પકારની જુબાન પર જીવંત કરાયું છે.

લગતા નહીં હૈ દિલ મેરા ઉજ઼ડે દયારમેં - લાલ કિલ્લા (૧૯૬૦) - સંગીતકાર એસ એન ત્રિપાઠી – ગીતકાર : બહાદુર શાફ 'ઝફર' (મુઝ્તાર ખૈર આબાદી - ??)

'લાલ કિલ્લા'ની મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલી બીજી એક રચના - ન કીસીકા આંખકા નૂર હું, ન કીસીકે દિલકા ક઼રાર હું - પણ બહુ જ લોકપ્રિય રહી છે. ફિલ્મમાં આ બંને રચનાઓ મુગલ સલ્તનતના આખરી પડાવ સમા, હૃદયેથી નખશીખ કવિ, એવા બહાદુર શાફ 'ઝફર' ગાય છે.

પોતે શાયર જ હતા એટલે એમ મનાય છે કે આ બંને રચનાઓ તેમની જ છે.  પરંતુ  જાવેદ અખ્તરનું કહેવું છે કે આ નઝ્મો તેમના પિતામહ મુઝ્તાર ખૈર આબાદીએ રચેલી છે. ન કીસીકે આંખ કે નૂર હું ફરહાન અખ્તરના સ્વરમાં

ઓ સબા કહના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ તેરે દિદાર કો - કાબુલીવાલા (૧૯૬૧) – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: પ્રેમધવન

સલીલ ચૌધરી અને મોહમ્મદ રફીનાં સંયોજનની નિપજ હંમેશાં અલગ તરી આવતી જ રહી છે. વતનની યાદને પોતાના વતનના માહૌલમાં જ તાજી રાખવાના પ્રયાસોને ગીતમાં તાદૃશ કરાયેલ છે, જે ગીતની સ્વરબાંધણી, વાદ્ય સજ્જા અને ગાયકીમાં પણ અદ્દલ પ્રતિબિંબીત થયેલ છે.

હૈ કલી કલી કે રૂખ પર તેરે હુસ્નકા ફસાના, તેરે ગુલશિતાં સબ કુછ બસ તેરા મુસ્કરાના - લાલા રૂખ (૧૯૫૮) – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી

ફિલ્મનાં તલત મહમુદ અને આશા ભોસલેનાં યુગલ ગીત પ્યાસ કુછ ઔર ભડકા દી ઝ઼લક દિખલા કે  કે તલત મહમુદનાં સૉલો આના હી પડેગા જેવાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં હોવા છતાં 'લાલા રૂખ' (કમળ જેવા ગાલવાળી [હસીના])નું આ ગીત એટલું લોકચાહના પામ્યું હતું કે ફિલ્મના નાયક તલત મહમુદ હતા એ વાત પણ મોટા ભાગના લોકોને યાદ નથી રહી!

અને હવે એવાં કેટલાંક ગીતો સાંભળીશું જે પર્દા પર પેશ તો ફિલ્મના મુખ્ય પાત્ર દ્વારા જ કરાયેલ છે, પણ એ ગીતની લોકપ્રિયતા કે યાદની લાંબી ઉમર જેવી બાબતો એ કળાકારોની કારકીર્દીને ફળી નહીં.

તૂઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા તેરે સામને મેરા હાલ હૈ, તેરી એક નિગાહકી બાત હૈ, મેરી ઝિંદગીકા સવાલ હૈ - આખરી દાવ (૧૯૫૮) – સંગીતકાર: મદન મોહન -  ગીતકાર: મજરૂહ સુલતાનપુરી

આ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય થયાં હતાં અને આજ સુધી પણ લોકોને હોઠે છે, પરંતુ ફિલ્મના નાયક માટે આ વાત ફળી નહીં.

આડ વાતઃ

હા, લોકોને એ પણ યાદ આવતું  રહ્યું છે કે મદન મોહને આ ગીત માટેની પ્રેરણા (!!) સજ્જાદ હુસૈનની રચના યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પર નિખાર હૈ (સંગદીલ, ૧૯૫૪)  છે.

અગર દિલ કીસી સે લગાયા ન હોતા, જમાનેને હમકો સતાયા નહોતા - બડા આદમી (૧૯૬૧) – સંગીતકાર: ચિત્રગુપ્ત ગીતકાર: પ્રેમ ધવન

આપણે દિલ લગાવીને જે ગીતને અભિનિત કર્યું તે લોકોને યાદ રહે પણ આપણે નહીં એ સિતમ પણ કેમ સહ્યો જાય ?

ઝિંદગી આજ મેરે નામ સે શરમાતી હૈ, અપની હાલાત પે મુઝે ખુદ ભી હસીં આતી હૈ - સન ઑફ ઇન્ડિયા (૧૯૬૨)- સંગીતકાર: નૌશાદ -  ગીતકાર: શકીલ બદાયુની

'મધર ઇન્ડિયા'ના સફળ પ્રયોગ બાદ મહેબુબ ખાને 'સન ઑફ ઇન્ડિયા'માં દેશનાં બાળપણની વાતને રજૂ કરવાનો નાકામ પ્રયોગ કર્યો. ફિલ્મનાં લગભગ બધાં ગીતો સારાં એવાં લોકપ્રિય થવા છતાં  ન તો ફિલ્મ ટિકિટબારી પર સફળ થઈ કે ન તો ફિલ્મનાં કળાકારો.

આ ગીતમાં તો નાયક મુફલીસની દશામાં પેશ થયેલ છે, એટલે પણ તેમની ઓળખાણ  જલદી ન પડે. પરંતુ, આ જ કળાકારની હજૂ એક વધારે ફિલ્મ પણ આવી, એ ફિલ્મનાં ગીતો પણ બેહદ પસંદ થયાં, જેમ કે,

તુમ ચલી જાઓગી પરછાઈયાં રહે જાયેગી - શગૂન (૧૯૬૪) – સંગીતકાર: ખય્યામ ગીતકાર: સાહિર લુધ્યાનવી - પર્દાપર કળાકારો

આ ગીતમાં બંને કળાકારો સાથે જોઈને તેમનો નિજી જિંદગીનો એક ખાસ  સંબંધ યાદ આવે છે?

હા, વહીદા રહેમાન પછીથી કંવલજીત સાથે પરણ્યાં હતાં. નસીબની કેવી બલિહારી છે, કે આ વાત પણ આપણી યાદનાં પડોમાં અશ્મિભૂત થઈ ગયેલ છે!

આડ વાતઃ

સાહિરની આ રચનામાં પ્રયોજાયેલ શબ્દ 'પરછાઈયાં"ને તેમની સાથે ઘણા ગહરા તાલ્લુક છે. 'પરછાઈયાં' તેમનું એક દીર્ઘ કાવ્ય પણ છે અને તેમનાં રહેઠાણનું નામ પણ 'પરછાઈયાં' જ હતું.

તેરી તસવીર તુઝ જૈસી હસીન લગતી હૈ - કિનારે કિનારે (૧૯૬૩) – સંગીતકાર: જયદેવ ગીતકાર:  ન્યાય શર્મા  

અન્યથા જે નામ બહુ જ જાણીતું હોય, બહુ જ સરાહનીય રહ્યું હોય પણ આવા કોઈ ચોક્કસ સંદર્ભમાં એ  વ્યક્તિ હોઈ શકે એ અકલ્પનીય લાગ્યું હોય એટલે એ એ સંદર્ભમાં એ વ્યક્તિ પણ અપરિચિત લાગે !

સંદર્ભ બદલે તો ચહેરો કે ઓળખાણ પણ અપરિચિત લાગે તેનું હજૂ એક ઉદાહરણ

અચ્છા હી હુઆ જો દિલ ટૂટ ગયા, અચ્છા હી કિયા જો તૂને કિયા - મા બહેન ઔર બીવી (૧૯૭૪) – સંગીતકાર: શારદા

આ ગીતને પર્દા પર રજૂ કરનાર કળાકારને આપણે અન્ય ભૂમિકામાં બહુ સારી રીતે પીછાણીએ છીએ. તે જ રીતે ફિલનાં સંગીતકારને પણ ગાયિકા તરીકે તો તરત જ ઓળખી જઈએ .. પરંતુ, આ ચોક્કસ સંદર્ભમાં બંને યાદ નથી રહ્યાં...

આ ગીતનું શારદાએ ગાયેલું વર્ઝન પણ છે.

આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૩-૯-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-

જાન પહચાન હો જીના આસાન હો - ગુમનામ (૧૯૬૫) - સંગીતકાર શંકર જયકિશન – ગીતકાર : શૈલેન્દ્ર - પર્દા પર કળાકાર: હર્મન બેન્જામીન, જે ખુદ એક બહુ અચ્છા વિદેશી નૃત્યોને ભજવવાની સાથે સાથે એક સજ્જ કૉરિયોગ્રાફર પણ હતા. આ ગીત પર નૃત્ય કરી રહેલ સુંદરી તો લક્ષ્મી છાયા છે એ કદાચ જણાવવું નહીં પડે.

નૈયા તેરી મઝધાર...- આવારા (૧૯૫૧) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકાર:  છાયા ચિત્રમાં જે વ્યક્તિનો મુખ્ય નાવિક તરીકે આકાર ઉપસે છે તે પ્રેમનાથ હોવાની શકયતા છે, પરંતુ ખાતરીપૂર્વક કહી શકાય તેવો સંદર્ભ જાણવા નથી મળ્યો

રમૈયા વસ્તાવૈયા મને દિલ તુમકો દિયા - શ્રી ૪૨૦ – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો: રાજ કપૂર સિવાય પર્દા પર ગીતને ગાતું કોઈ અન્ય સાથીદાર તો નથી ઓળખાતું.

તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ - બુટ પૉલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને સાથીઓ સાથે – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો- પહેલી જ હરોળમાં ફિલ્મનો બાળ નાયક રતન કુમાર છે. અનાથાશ્રમના સંચાલક તરીકે જે કાળાકાર ગીત ગાય છે તે હશે તો કોઈ સારા જ કળાકાર, પણ તેમની પહેચાન નથી.

તેકી મૈં જૂઠ બોલીયાં કોઈના ભાઈ કોઇના - જાગતે રહો  (૧૯૫૬) - બલબીર અને સાથી સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: પ્રેમ ધવન - પર્દા પર કળાકારો - રાજ કપૂર સિવાય કોઈ અન્ય સાથીદાર તો નથી ઓળખાતું. કોઈ એક જગ્યાએ ભાંગરા કરતા સરદારજી મનોહર દીપક છે એવું વાંચ્યું હતું.

ચૂન ચૂન કરતી આયી ચિડીયા દાલકા દાન લાઈ ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં (૧૯૫૭) – સંગીતકાર: દત્તારામ ગીતકાર: હસરત જયપુરી - પર્દા પર કળાકાર યાકુબ અને (બાળ કળાકાર)રોમી

હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો: અજ્ઞાત

મહલોં મેં રહનેવાલે હમેં તેરે દરસે ક્યા, નગરી હૈ અપની પ્યારી હમે તેરે દૂજે ઘર સે ક્યા  - શબાબ (૧૯૫૪) - સાથીઓ સાથે – સંગીતકાર: નૌશાદ- ગીતકાર: શકીલ બદાયુની - પરદા પર કળાકાર : ગીતના ગાયક તો ભારત ભૂષણ છે એ તો સમજાઈ જ જાય, પરંતુ તેમના સાથીઓની કોઈ ઓળખ નથી.

હૈ બસ કે હર એક ઈશારેમેં નિશાં ઔર - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - સંગીતકાર ગુલામ મોહમ્મદ - ગ઼ઝલકાર મિર્ઝા ગ઼ાલિબમિર્ઝા ગ઼ાલિબની ભૂમિકામાં ભારત ભૂષણ છે પરંતુ ફકીર કોણ છે તે જાણમાં નથી


હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.