Thursday, November 9, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : રાજકુમારી



૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોમાં આપણે સુરૈયા, ગીતા રોય અને શમશાદ બેગમનાં
સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના આ અંકમાં આપણે રાજકુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.. રાજકુમારીનો બહુ સક્રિય કાળ મહદ અંશે વીન્ટેજ એરામાં વધારે રહ્યો હતો. તેમ છતાં વીન્ટેજ એરાથી સુવર્ણ કાળના સંક્રાંતિ કાળનાં વર્ષો દરમ્યાન પણ તેમની હાજરી નોંધપાત્ર રહી છે.
આપણે હજૂ સુધી સાંભળી ચૂકેલ સ્ત્રી પાર્શ્વગાયકોની સરખામણીમાં ૧૯૪૮નાં વર્ષ દરમ્યાન રાજકુમારીનાં ગીતો સંખ્યાની દૃષ્ટિએ ઓછાં જરૂર કહી શકાય, પરંતુ વીન્ટેજ એરા તેમ જ સુવર્ણ કાળ એમ બન્ને સમયગાળાનાં હિંદી ફિલ્મનાં ચાહકોને આજના અંકનાં ગીતો સંભાળવાનું ગમશે જરૂર તેટલું તો ચોક્કસપણે કહી શકાય.
વો પૂછતે રહે હમ હાલ-એ-દિલ બતા ન શકે - આપ બીતી - હરિ ભાઈ - જી.એસ. નેપાલી 
મોપે ડારો ના તીરછી નજ઼રિયા, મોરે અંગના આઓ પરદેસીયા - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ચાર દિનો કા મેલા સાજન જરા બાલમ જરા મેલા દેખ લો - હુઆ સવેરા  - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
દીવાના બના ડાલા હો દીવાના બના ડાલા - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી 
મૈં હો ગયી દીવાની તેરી યાદ મેં - સત્યનારાયણ - હંસરાજ બહલ - સેવક
મન મેં લાગી આગ સજનવા મન મેં લાગી આગ - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
દુખ કે દર્દ કે મારોં કા કૌન સૂને ફસાના -  ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
છોટા સા મન્દિર હૈ કહીં ભૂલ ના જાના - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
ન કીસીકી આંખ કા નૂર હૂં - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - મુઝ્તર ખૈરાબાદી 
આટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં જોવા મળ્યાં, પણ તેની સૉફ્ટ લિંક નથી મળી શકી
જુગ જુગ જિયે હો લલ્લા હમારા - આપ બીતી - હરિ ભાઈ - હસરત લખનવી
છાયી વૃંદાવનમેં ભોર ઊઠા કે ઘૂંઘટ શ્યામ નિશા કા - અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ. એ.
પ્રેમી કી નિશાની રાતોં કો નીંદ ન આયે - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી મૈં ઝૂલુંગી ઝૂલા સખીયોં બોલો કૌન ઝૂલાયે હો - સત્યનારાયણ - હંસરાજ બહલ – સેવક
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં સુરીન્દર કૌરનાં  સૉલો ગીતો સાંભળીશું.

Sunday, November 5, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૭ - પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૧]



'એકગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
ઘણી વાર એક જ ગીતનું આ બે પ્રકારનું બીજું ઉપરાંત ત્રીજું વર્ઝન પણ હોય છે. દરેક અલગ વર્ઝન રજૂ કરવા માટે એક ખાસ સીચ્યુએસન હોય છે જેનું મૂળ સૌથી પહેલાં ગીત સાથે સંકળાતું હોય.
આજે હવે સૉલો કે યુગલ ગીતનાં ત્રણ સૉલો કે યુગલ કે કોરસ વર્ઝન એક જ ફિલ્મમાં હોય એવાં કેટલાંક ગીતો સાંભળીશું.

છોડ બાબુલ કા ઘર - બાબુલ (૧૯૫૦)- સંગીતકાર નૌશાદ ગીતકાર શકીલ બદાયુની

મોટા ભાગના લગ્ન પ્રસંગમાં કન્યા વિદાય સમયે બેન્ડવાળા આ ગીતની ધૂન જ વગાડે એવી જબરદસ્ત લોકપ્રિયતા આ કન્યાવિદાય ગીતની હતી.

'બાબુલ' ટાઈટલ પણ ગીતના શબ્દોમાં વણી લઈને ગીતને ફિલ્મમાં થીમ સોંગની જેમ રજૂ કરાતું રહ્યું છે.અહીં ક્લિપમાં પહેલાં આપણે ગીતને જે સ્વરૂપે સૌથી વધારે ઓળખીયે છીએ તે સ્વરૂપે ટાઈટલ્સમાં આવે છે. પછી દિલીપકુમાર નરગીસને પરિણયમાં લગનની મીઠાશ ભળે તો કેવું લાગશે તે કહે છે. એ પછીનાં વર્ઝનમાં નરગીસ અને તેની સહેલીઓ લગ્નની કલ્પનામાં મહાલવા ગરબા શૈલીનાં નૂત્યમાં આ ગીતને જ યાદ કરે છે. હજૂ પણ આગળ જતાં આ જ ગીતને લગ્નગીત તરીકે પણ ગવાયું છે. તે પછી કન્યાની ઘરમાંથી વિદાય સમયે ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. એ પછી પ્રેમીઓ પોતાના વિચારપ્રદેશમાં કોવાઈ ગયેલ છે ત્યારે એક્દમ મંદમંદ લયમાં તલત મહમૂદના સ્વરમાં ગીત ગવાયું છે. અને છેલ્લે ફિલ્મના અંતમાં  બહુજ આગવા અંદાજમાં રફીના બુલંદ સ્વરમાં ગીત ફરી એકવાર રજૂ થાય છે -

બચપન કે દિન ભૂલા ન દેના - દીદાર (૧૯૫૧) – સંગીતકાર: નૌશાદગીતકાર: શકીલ બદાયુની
રેકર્ડ ઉપર જે ગીત સાંભળવા મળે છે તે આપણે બધાંએ ખૂબ જ સાંભળેલુંં લતા મંગેશકર અને શમશાદ બેગમનું યુગલ ગીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો નોકરના દીકરા દિલીપ કુમાર અને રઈસ બાપની બેટી નરગીસનાં સામાજિક સ્તરની અસમાનતા વચ્ચે બાલ્યપણમાં પાંગરેલી મિત્રતાને યાદ રાખવાની દુહાઈ ગીતના શબ્દોમાં વણી લેવાઈ છે. ગીત પૂરૂં થતાંમાં તો અકસ્માત થાય છે અને ફિલ્મની વાર્તા રંગ પકડવા લાગે છે.
બન્ને જણાં મોટાં થવા લાગ્યાં છે. સમયના આ પ્રવાહને ફિલ્મને પરદે બદલતી ઋતુઓ અને ફરતા જતા ઘડિયાળના કાંટા દ્વારા રજૂ કરાય છે. તે સાથે નાના દિલીપકુમારના સ્વરમાં શમશાદ બેગમમાંથી યુવાન દિલીપકુમારના સ્વરમાં મોહમ્મદ રફી બચપનના દિનને યાદ કરે છે.
+
એ પછી ફિલ્મની વાર્તામાં અનેક વળાંકો આવે છે. એક વળાંકમાં આંખનું ઑપરેશન કરીને દેખતો થયેલો દિલીપકુમાર બગીમાં પાછળ બેઠો છે. બાજૂમાંથી કોઈકને ઘોડા પર સવારી કરતું જૂએ છે અને તેની યાદ તડપી ઊઠે છે. ગીતનું આ સ્વરૂપમાં દિલીપકુમારના પલટાતા ભાવને મોહમ્મદ રફીએ પોતાના સ્વરની નજ઼ાકત વડે પણ જીવંત કરેલ છે. 

અય મેરે દિલ કહીં ઔર ચલ, ગ઼મકી દુનિયા સે દિલ ભર ગયા - દાગ (૧૯૫૨) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર
ફિલ્મમાં આ ગીત ત્રણ વર્ઝનમાં સાંભળવા મળે છે અને ત્રણે ત્રણ વર્ઝન રેકર્ડ્સ પર પણ ઉપલ્બધ રહ્યાં છે. પહેલાં બન્ને વર્ઝન તલત મહમૂદનાં સૉલો ગીતો સ્વરૂપે છે.
પહેલું વર્ઝન છે ખુશીનું. દિલીપકુમાર ઉતાવળી ચાલે પોતાના ગામ ભણી આવી રહ્યો છે અને તેના સ્વરમાંથી નીકળી પડતાં ગીતમાં પણ જ્યાં હવે ગ઼મ ન હોય એવી જગ્યાએ જવાનો આનંદ છલકે છે.
હિંદી ફિલ્મમાં આનંદના સમયની પાછળ દુઃખ પણ આવીને જ ઊભું હોય. એ સમયની ફિલ્મોમાં એ દુઃખ ભુલાવવા નાયક શરાબનો સહારો લે અને પછી એ નશામાં એક કરૂણ ગીત છેડે. અહીં આપણે જે ગીતની વાત કરી રહ્યાં છીએ તે ફરીથી મુકાયું છે. ગીતના શબ્દોની પરદા પર દિલીપકુમાર જે રીતે રજૂઆત કરે છે તેમાં તેની નિરાશામાં પણ ઊંડે ઊંડે ક્યાંક ગ઼મની દુનિયાથી દૂર જઈ શકવાનો આશાવાદ છે.
ત્રીજાં વર્ઝનમાં દીકરાનો વિરહ અને ગરીબીએ સર્જેલી શારીરીક બીમારીની પથારીમાં પણ માને દીકરો જે ગીત ગાતો તે સાંભળવું છે. દીકરાની પ્રેમિકા ખૂબ આનાકાની માની એ ઈચ્છા પૂરી કરે છે. આમ ત્રીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સૉલો ગીત છે.
રાહી મતવાલે તૂ છેડ એક બાર મન કા સિતાર - વારીસ (૧૯૫૪) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ક઼મર જલાલાબાદી
એક યુગલ ને બે સૉલો વર્ઝનમાં રચાયેલું આ ગીત જૂદી જૂદી સીચ્યુએશનને પ્રતિબિંબીત કરે છે.
પહેલાં, યુગલ, વર્ઝનમાં તલત મહમૂદ અને સુરૈયા અકસ્માત ટ્રેનના ડબ્બામાં ભેગાં થઈ જાય છે અને ટ્રેનની ગતિની લય તલત મહમૂદને આ આનંદનું ગીત છેડવા પ્રેરે છે. સુરૈયા પણ ગીતની મસ્તીમાં ઝૂમવા લાગે છે. આવા સંજોગોમાં જ્યારે નૈનો સે નૈના હો ચારનું તારામૈત્રક થાય એવા શબ્દો તલતના હોઠો પરથી નીકળે છે તો સુરૈયા પણ તેમાં સાથ પૂરાવવા લાગી જાય છે. દિથી દિલ મળી જાય છે અને ગીતના અંતમાં યુગલ સ્વરો એકસ્વર બની રહે છે.
ફિલ્મની કહાનીએ લીધેલ કરવટમાં સુરૈયા તેના પુત્ર સાથે હવે એકલી પડી ગઈ છે. પુત્રને આ ગીત યાદ છે.તેની એ યાદ સુરૈયાના હોઠ પર હવે છેડ એક બાર મનકા સિતારને બદલે સૂની હૈ સિતાર તૂ આ જા એક બારના કરૂણ સ્વરમાં વહી રહે છે.

આ કરૂણ વર્ઝન પર રવિન્દ્ર સંગીતમાં રચાયેલા મૂળ બંગાળી ગીત ઓરે ગૃહોબાસી (શ્રબોની સેન)ની સામ્યતા છતી થાય છે.
બંગાળી ગીત તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે.
દેવતા હો તુમ મેરા સહારા - દાયરા (૧૯૫૩) - સંગીતકાર જમાલ સેન ગીતકાર કૈફ ભોપાલી
મુબારક બેગમ, મોહમ્મ્દ રફી અને સાથીઓના સ્વરમાં આ ગીત ફિલ્મમાં જૂદા જૂદા સંદર્ભમાં રજૂ થતું રહ્યું છે. ગીતની સીચ્યુએશન પ્રમાણે ગીતના શબ્દોમાં નાના ફેરફાર પણ કરાયા છે. દરેક વર્ઝનને બન્ને ગાયકોએ બહુ સૂક્ષ્મપણે અલગ અલગ અંદાજમાં રજૂ પણ કર્યું છે. ગીતનાં ત્રીજાં વર્ઝનમાં જ્યારે મુબારક બેગમ ફરી ફરીને કહે છે કે યે વચન દો કે મૈં હૂં તુમ્હારા ત્યારે પ્રતિભાવમાં રફી માત્ર મૈં હૂ તુમારા જે ભાવથી કહે છે એ તો આ ગીતની જ નહીં પણ ગાયકીની શૈલીની પણ ચરમસીમા જ કહી શકાય.

કમાલ અમરોહી નિર્મિત 'દાયરા'નું આ ગીત એ સમયનાં ફિલ્મી ગીતોના દિલી ચાહકોને રૂંવાડાં ઊભાં કરી દેતું. આજે પણ આંખ બંધ કરીને આ ગીત સાંભળીએ છીએ ત્યારે મંત્રમુગ્ધ અવસ્થામાં સરી પડાય છે. (અને એટલે જ આજના અંકને આ ગીત સાથે આજના અંકને સમાપ્ત પણ કરીએ છીએ)

હવે પછીના અંકમાં એક ગીતનાં અનેક સ્વરૂપમાં બેથી વધારે  વર્ઝનમાં રજૂ થયેલાં ગીતોની યાદી પૂરી કરીશું.

Wednesday, November 1, 2017

'સાર્થક - જલસો: ૯: ઓક્ટોબર, ૨૦૧૭



'સાર્થક જલસો'એ આજકાલ કરતાં પાંચ દીવાળીઓ જોઈ કાઢી અને હવે તેનો નવમો અંક આપણા હાથમાં છે.
બે પૂંઠા્ની વચ્ચે 'જલસો-૯'નો રસથાળ શું શું વાનગી પીરસે છે તેનો પરિચય કરી લઈએ.
'જલસો-૯'અંકની શરૂઆત જ બે રસપ્રદ લેખોથી થાય છે. પહેલો છે હસમુખ પટેલનો લેખ 'કટોકટીમાં જેલવાસનાં સંભારણાં' અને બીજો લેખ છેમૂળ અંગ્રેજીમાં લખાયેલ રામચંદ્ર ગુહાનો 'લોકશાહી ભારતમાં પહેલી ચૂંટણી'.બન્ને લેખ આમ તો દેશની બહુ દૂરના નહીં એવા ભૂતકાળ પર નજર કરે છે, પણ જૂદા દૃષ્ટિકોણથી.
'કટોકટીમાં જેલવાસનાં સંભારણા'માં હસમુખભાઇએ કટોકટીની બહુચર્ચિત રાજકારણી ચર્ચાઓ કે જેલવાસમાં રખાયેલ ખાસ કટોકટી-રાજકીય-કેદીઓ'સાથે કરવામાં આવેલ વર્તાવના 'રૂંવાડાં ઉભાઃ કરી દે તેવાં' વર્ણનોની કેડી નથી પકડી. આ જેલવાસનાં પ્રસંગોનાં વર્ણનની રજૂઆત માટે તેમણે હાસ્ય રસનું માધ્યમ પસંદ કર્યું છે. ઘટનાનાં વર્ણનો અને રહેવાસીઓની વર્તણૂકની હળવાશમય રજૂઆતની સાથે એ સર્વે જેલવાસીઓની રાજકીય વિચારસરણીની સચોટ રજૂઆત કરવામાં હસમુખભાઈએ કચાશ નથી છોડી. એ જેલવાસ દરમ્યાન, રોચક સંજોગોમાં, હસમુખભાઈનું મંદાબહેન સાથેનાં થયેલ લગ્નનું સંભારણું આપણા માટે 'જલસો-૯'ની એક મધુરી યાદ બની રહે તેમ છે.
'લોકશાહી ભારતની પહેલી ચૂંટણી'માં ૨૧ કે તેથી વધુ વયના ૧૭.૬ કરોડ મતદરોમાં ૮૫ ટકા નિરક્ષર,સંસદની ૫૦૦ અને પ્રાંતીય ધારાસભાઓની બીજી ૪૦૦૦ જેટલી બેઠકો માટે ૨.૨૪,૦૦૦ મતદાન કેન્દ્રો, મતદાર પેટીઓ બનાવવામાં વપરાયેલ ૮,૨૦૦ ટન સ્ટીલ, કે મતદારયાદીઓ છાપવા માટે ૩,૮૦,૦૦૦ રિમ કાગળના વપરાશ જેવી (શુષ્ક) ભૌતિક બાબતો આ ચૂંટણીની કવાયતની 'ગંજાવર સમસ્યા'નાં સ્વરૂપને તાદૃશ કરે છે. તે સાથે તે સમયની વૈશ્વિક સાંદર્ભિક પરિસ્થિતિ, દેશમાં રાજકીય પક્ષોની સ્થિતિ અને મનોદશા, ચૂંટણી પ્રચારનું માહોલ અને પ્રચારની ભાતભાતની પધ્ધતિઓ જેવી જીવંત રજૂઆત આપણી લોકશાહીને પ્રાણવાન બનાવવામાં ચૂંટણીના યોગદાનનું એક મહત્ત્વનું પાસું આપણી સમક્ષ મૂકે છે.
આરતી નાયરનો સવાલ 'શું તમારો ખભો ભરોસાપાત્ર છે?' એ સૌ લોકો માટે છે જેના પર તેમની કોઈ નજદીકની વ્યક્તિ પોતાના પ્રશ્નો બાબતે સમજણ જેવી સૂક્ષ્મ બાબતે ભરોસો રાખીને પોતાની, કહેવાય નહીં અને સહેવાય નહીં એવી, નાજૂક સમસ્યા માટે આધાર રાખતી હોય. તેમાં પણ એ  બાબત જો તે વ્યક્તિ સમલૈંગિક હોવાને લગતી હોય. તો પણ તમારો ખભો એને રાજીખુશીથી ટેકો કરતો રહેશે ખરો?  જો કે આજે હવે દરેક સમજુ સમાજ આસપાસનાં લોકોની વર્તણૂક તેમની અંદર રહેલ જન્મજાત, પ્રાકૃતિક વલણોને કારણે છે એ (ભલે ધીમે ધીમે, પણ) સ્વીકારતો થવા લાગ્યો છે. આને કારણે 'અરસાથી ધરબાયેલી પડી હતી...એ (વાતો) ધીમે ધીમે છતી થઈ રહી છે.
ઝવેરચંદ મેઘાણીની પહેલવહેલી મૌલિક નવલકથા 'પ્રકૃતિ અને વિકૃતિના મુદ્દે મેઘાણીની અહાલેક : 'નિરંજન'  સમલૈગિકતા એ આજના સમયની વાત છે એવું માનનારાં લોકોની સમજના બંધ દરવાજાના તાળાં ખોલી નાખે એવી ચાવીરૂપ છે. 'નિરંજન' ૧૯૩૬માં લખાયેલી છે. અહીં રજૂ કરેલ એ નવલકથાનાં બે પ્રકરણમાં મેઘાણીની વૈચારિક સ્પષ્ટતા અને મૌલિકતા આજે આઠ દાયકા પછી પણ એટલી તાજગીસભર અને પ્રસ્તુત અનુભવાય છે.
'અન્ય અને અન્યાય'માં દીપક સોલિયા આપણા જેવી, આપણા જૂથની, આપણા સરખી જ અભિરુચિઓ ધરાવતી, આપણા ક્લોન સમી - અન્ય - વ્યક્તિ માટેની આપણી સંકુચિતતાને સમજાવવા 'મેટ્રિક્સ' શ્રેણીના વિલન, સ્મિથ,નાં દૃષ્ટાંતને આપણી સમક્ષ રજૂ કરે છે. અન્યનાં અન્યપણાનાં વૈવિધ્યને ન સમજવામાં અને તેમાંથી જન્મતા અસ્વીકારમાં સમસ્યાનું મૂળ રહેલ છે. આ સમસ્યાને 'વ્યાપક હિત'ના વાઘા પહેરાવવાની ભાગેડુવૃતિ પણ નજરે પડતી હોય છે. તો ક્યારેક 'દુનિયામાં જે પરિવર્તન ઈચ્છો છો તે પોતાની જાતથી શરૂ કરો' જેવી માન્યતાનો અમલ  પોતાનાથી શરૂ કરતી ગાંધીજી જેવી વ્યક્તિઓ પણ દૃષ્ટિગોચર થતી રહે છે. દીપક સોલિયાનું કહેવું છે કે અન્યને સમજવાનું અને સ્વીકારવાનું કામ એટલું બધું અઘરું નથી. 'અન્ય'માં જ્યારે આપણને કંઈ અજૂગતું દેખાય, ત્યારે તેની જગ્યાએ આપણી જાતને મૂકવાથી, વાંધાવચકાની તીવ્રતાની માત્રા ઘટી શકે છે. બીજાં પાસેથી જે વર્તનની અપેક્ષા છે તેવું વર્તન આપણે બીજાં સાથે કરીશું તો સમસ્યા અડધી તો થઈ શકે !
બાળપણની નિર્દોષ જણાતી યાદની સાથે સંકળાયેલી લાગણીઓની ઝીણી કસક મોટાં, સમજદાર, યુવાન થયા પછી પણ કેવી તીવ્ર બેચેની જગાવી જાય છે તેનું ધૈવત ત્રિવેદીએ 'મારા ભત્રીજા...મારા ભાઈના લાખેણા વસ્તાર, મને મહુવા લય જાને...'માં કરેલું આત્મકથાનક વર્ણન, આપણાં હૃદયને પણ આળું કરી મૂકે છે.
ભોપાલના પાંચેક મહિનાના મુકામ દરમ્યાન ચેતન પગીના વિવિધ અનુભવોએ 'ગુજરાતી કમ હિંદીભાષી' કેમ કરી મૂક્યાની 'મૈં કે રિયા હૂં' અદામાં રજૂ કરેલી દાસ્તાન  વાંચતાં વાંચતાં આપણે પણ 'ભોપાલ - બૈઠકર જીનેકી ઉત્તમ વ્યવસ્થા'ની લુત્ફ માણવા અધીર બની જઈએ છીએ.
મહેસાણામાં જન્મેલ અને ઉછરેલ મમ્મીના પુત્રી પુનિતાબેન (અરુણ હર્ણે) 'ફીણીને ખીચડી ખાવાની અને દૂધ સબડકા સાથે પીવાનું અને પોળનાં અડી અડીને ઊભેલાં ઘરોની ત્રીજા માળની બારીમાંથી ઘરનાં બાળકોને પોતાને ઘરે રમાડવા લઈ લેતાં પાડોશીઓની અમદાવાદની પોળની મિશ્ર સંસ્કૃતિમાં ઉછર્યાં. આગલી સાંજે વધેલી ખીચડી અને બટાકાના શાકમાંથી રૂપાંતરીત થતી મુગડી માએ રોપેલા સંસ્કારનું પ્રતિક બની. મૂળ મરાઠી પણ અમદાવાદમાં સ્થાયી થયેલ સાસરામાં આઈ (સાસુ) પાસે વધેલી રોટલીના હાથથી કરેલ બારીક ભૂકામાં ડુંગળી, ગાજર, સુતરફેણી જેમ લાંબી કાપેલ કોબી, લીલાં મરચાં વગેરેમાંથી બનતી 'શીપોકુ'ના સ્વરૂપે એ સંસ્કાર ઊગ્યા, ટક્યા અને વિસ્તર્યા છે. 'મુગડી કે શીપોકુ ચાખ્યાં છે કદી?'માં સંસ્કૃતિનાં આવાં આગવાં મિશ્રણ સમાં વ્યક્તિત્વવાળાં લેખિકા સાથે વાચક તરીકે પરિચય કરવાની અને આ બન્ને વાનગીઓને શબ્દાર્થ ચાખવાની તક મળે છે - સાચે સાચ આ વાનગીઓ આસ્વાદ કરવા મળે તેવી ભૂખ પ્રદિપ્ત થવાના વધારાના નફા સાથે. 
'વડોદરાની વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ'નું "'આઉટસાઈડર' દ્વારા અંદરનું દર્શન"ને બીરેન કોઠારીની કલમનાં શબ્દ રેખાચિત્ર સ્વરૂપમાં માણવાનો જલસો ખૂબ મજા પડે એવો છે. લેખમાંની વિગતોને ખાસ ધ્યાનપૂર્વક વાંચવાથી તેનો રસ વધારે ઝરશે.
શિક્ષણની મૂળ મુદ્દે શું જરૂરિયાત છે ત્યાંથી શરૂ કરીને  એ શિક્ષણ કેવી રીતે મળે, હાલની પરિસ્થિતિમાં શિક્ષણ એટલે શું રહી ગયું છે જેવા પાયાના મુદ્દાઓની વાત કાર્તિકેય ભટ્ટ 'બંધાયેલા શિક્ષણમાંથી જ્ઞાનની સુવાસ ક્યાંથી પ્રગટે?"માં કરે છે. પછીથી સારા શિક્ષણ માટે શું હોવું જોઈએ એ અંગે ટુંકાણમા અંગુલિનિર્દેશ કરે છે. જેમકે, શિક્ષણ માટેનો આશય જો જ્ઞાનપ્રાપ્તિ હોય તો સારો શિક્ષક જોઈએ, જે 'હું દરેક દિશામાંથી જ્ઞાન મેળવીશ અને મને કોઈનાય પ્રમાણપત્રની જરૂર નથી'એ ભાવનાને સાર્થક કરે. તેઓ આગળ વધતાં નોંધે છે કે આપણે ત્યાં શિક્ષણનું ખાનગીકરણ થયું જ નથી. શું ભણવું?, કેવી રીતે ભણવું ? આ બધું તો આજે પણ સરકાર નક્કી કરે છે; 'કોણ ભણાવશે' એટલું જ માત્ર ખાનગીકરણ થયું છે. એટલે 'શિક્ષણ'ને સારાં મકાનો, સારાં પ્લેસમેન્ટનાં જેવાં આકર્ષક પેકેજીંગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં બ્રાન્ડીગ રાષ્ટ્રીય કક્ષાના રેન્કીગના સ્કોર જેવાં કરીને મોઘું એ જ સારૂં એ રણનીતિથી વેંચવાનું શરૂ કરાયું છે. શિક્ષણ સંસ્થા સ્થાપનાર સાહસિકનાં ખીસ્સાં ઊંડાં હોય અને પહોંચ સારી એવી ફેલાયેલી હોય તો તે વિદ્યાર્થી અને શિક્ષક બન્ને પાસેથી ધાર્યું કરવી લઈ શકે છે. શું કરવું જોઇએ એ અંગે બહુ સ્પષ્ટ ખયાલો કાર્તિકેયભાઈએ રજૂ કર્યા છે. આશા કરીએ કે આવી ચર્ચાઓ હવે  જમીન પરનાં 'કેમ કરવું'નાં નક્કર પગલાં સ્વરૂપે આવનારાં વર્ષોમાં અમલ થતી જોવા મળે.
(સારી) નોકરી કે કારકીર્દી જેવા હેતુઓથી શિક્ષણ તરફની દોડ વિદ્યાર્થીઓમાં - અને કેટલેક અંશે માબાપમાં પણ - પરીક્ષામાં સારા ગુણ લાવવાની સ્પર્ધા હવે અનહદ તાણ પેદા કરે છે. પરિણામે, વિદ્યાર્થી ક્યાં તો સ્વીકૃત નીતિરીતિની બહારની પધ્ધતિઓ અપનાવવા તરફ લલચાય છે અથવા તો ઘર છોડી ભાગી જવું કે આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં લઈ બેસે છે. સૂક્ષ્મજીવશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક તરીકેની દીર્ઘકાલીન સેવાઓ આપી ચૂકેલા પીયૂષ એમ પંડ્યા પણ તેમનાં એફ વાય બી એસ સીનાં વર્ષની પ્રિલિમનરી પરીક્ષા સમયે આ તાણમાં તપોભંગ થઇ ચૂક્યા હતા.  એ સ્વાનુભાવનાં વર્ણનથી શરૂ થતા લેખ 'ચોરી તો નહીં કી હૈ'માં લેખક (પરીક્ષાના સંદર્ભમાં) ચોરી અને ગેરરીતિ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખાને સ્પષ્ટ કરે છે. અત્યારે જે પ્રકારનાં પગલાંઓ લેવાતાં જોવા મળે છે તેની સામે ખરેખર કેવાં પગલાં લેવાં જોઇએ તે પણ તેમણે જણાવ્યું છે. તેમણે સૂચવેલાં પગલાઓ લેવાની કેટલી સારી અસર પડી શકે છે તેનું એક સ્વાનુભવનું ઉદાહરણ પણ લેખમાં ટાંકવામાં આવ્યું છે.
ઉત્ક્રાંતિના અલગ અલગ તબક્કામાં વિકાસ પામતો માનવી આધુનિક બને છે? મોડર્ન કે ફોરવર્ડ ગણાવું સારૂં કે 'ડાહ્યા' ગણાવા માટે રીતરસમોને અનુરૂપ થવું સારૂં ? વેપારધંધાના હિસાબો રાખવાનાં કમ્યુટર સાથે ચોપડાપૂજનનાં મૂહુર્તમાં શુકન તરીકે લાલ પૂંઠાવાળો રોજમેળ પણ રાખવો? શહેરી આયોજન જેવા સ્થાપત્યના વિષયના અધ્યાપક ઋત્તુલ જોષીના લેખનું શીર્ષક "'મોડર્ન છતાં ડાહી માતા' અને આધુનિકતાની સામેની લડાઈઓ" આવા અઘરા સવાલોના સરળ જવાબ ખોળવાની દિશામાંના પ્રયાસનું ઉપયુક્ત સૂચક પરવડે છે.લેખના છેલ્લાં વાક્યમાં તેમનો જવાબ પણ બહુ સ્પષ્ટ છેઃ 'મારા પૂર્વજોએ જે કર્યું તે જ, આંખ મીચીને મારે કરવું જરૂરી છે? જો જવાબ 'ના' હોય તો નવો ચીલો ચાતરવા મંડી પડવું જોઈએ.'
'અબ તુમ્હારે હવાલે નમન સાથિયો'માં દીપક સોલિયા 'ડરપોક ગુજરાતીઓને ફોજ સાથે લેવાદેવા નથી', 'ફોજીઓને માનવતા અને કરુણા ન પાલવે', 'દેશની સુરક્ષામાં પૈસાદારોની ભૂમિકા નથી', 'ફોજીનો દુશ્મન એક જ છે: સામેનો ફોજી' જેવી ફોજ, ફોજીઓ અને દેશાભિમાન જેવી બાબતોની ગેરસમજ વિષે થોડી વાતો માંડે છે. અને લેખના અંતમાં બેયોનેટની ધાર જેવા બે તીક્ષ્ણ સવાલ આપણી સમક્ષ મૂકે છે -

૧) જગતનાં તમામ યુદ્ધો અને તમામ શહીદીઓ સરવાળે યુદ્ધનો ઈલાજ શોધવામાં શાસકોને મળેલી નિષ્ફળતાનું પરિણામ ગણી શકાય કે નહીં?
૨) ભારતને ધિક્કારતો એક પાકિસ્તાની, કે પાકિસ્તાનને ધીક્કારતો એક ભારતીય, છેવટે બન્ને દેશો વચ્ચેની તંગદિલી વધારવા બદલ, યુદ્ધની (અને પરિણામે બન્ને દેશોના જવાનોની શહીદીની) સંભાવના વધારવા બદલ, સાવ થોડા જ અંશે ભલે, પણ જવાબદાર ખરો કે નહીં?

'સાર્થક જલસો'ના નિયમિત વાચકો ચંદુભાઈ મહેરિયાની (શબ્દાર્થ તેમ જ ભાવ્યાર્થ) સૂક્ષ્મ વિગતોને જરૂરી હોય એટલા જ શબ્દોમાં કહેવાની તેમની સરળ શૈલીથી પરિચિત છે. 'આ બધી ઘરની ધોરાજી નો''માં ૧૫ જૂન, ૨૦૧૫થી તેમની નિવૃતિ સુધીના 'ધોરાજીમાં બે વર્ષ'ના વસવાટ દરમ્યાન તેમણે જોયેલ જાણેલ અને અનુભવેલ 'ધોરાજીના સ્વર્ગ'નું સર્વગ્રાહી ચિત્રણ તેમણે તેમની આ જ આગવી શૈલીમાં કર્યું છે.
'..તેરા સાથ ના છોડેંગે' એ તુમુલ બૂચ રચિત 'હિમાલયના પહાડોમાં પ્રિય શ્વાનના વિરહ અને મિલનની પ્રેમકથા'છે. વાર્તાના નાયક અનિકેતને  અકસ્માતે જ એ શ્વાન મળી ગયો હતો, પણ અનિકેતના ઉછેરને કારણે રખડુ કૂતરામાંથી તે એટલી હદે શાલીન 'અઝોગ' બની ગયો કે અનિકેતનો પ્રવાસપ્રેમ અને સાહસિકતા પણ તેનામાં ઉતરી આવ્યાં હતાં. સંજોગો અનિકેત અને અઝોગને મનાલી સુધી લઈ જાય છે. અહીં અઝોગ ક્યાંક જતો રહે છે અને છ મહિનાને અંતે બીજે ક્યાંકથી પાછો મળી આવે છે. વાત અને ઘટનાઓ સાવ સાદાં લાગે,પણ લેખકની રજૂઆત તેને પૂરેપૂરી રીતે રસાળ બનવવામાં સફળ રહે છે.
હિંદી ફિલ્મની માર્મિક બાબતોના ચાહકો માટે હરીશભાઈ રઘુવંશીએ તેમના અખૂટ ખજાનામાં 'અભરાઈ પર ચડેલી* ફિલ્મોનું આલ્બમ'ના રૂપમાં સંગ્રહ કરવા લાયક રત્નોનું નજરાણું પેશ કર્યું છે. '*જાહેર થયા પછી ન બનેલી, શરૂ થયા પછી અધૂરી રહેલી, બન્યા પછી રજૂ ન થયેલી કે બદલાયેલા કલાકારો સાથે રજૂ થયેલી' ફિલ્મો વિષેની અસલ જાહેરખબરો જેવી દુર્લભ માહિતી તો અસલ લેખ જોયે જ માણી શકાય. આચમની માટે એક નમૂનો અહીં મૂક્યો છે –

ખૂબ સંઘર્ષ કરીને પોતાને મનગમતા શોખને સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કરી શક્યા એવા દાખલા જૂજ હશે, પણ આજે હવે એ સંઘર્ષનું દસ્તાવેજીકરણ પ્રબળ બનતું થયું છે એ બાબતે કોઈ વિવાદ નહીં હોય. પણ પોતાના શોખને જીવનમાં આગળ જતાં મનોવાંછિતપણે (પૂર્ણસમયના) વ્યવસાય તરીકે ન બનાવી શક્યાં હોય એવાં કેટલાંય લોકોની કહાની તો ગુમનામીમાં જ ખોવાઈ જતી હશે. એવા એક મહેન્દ્રસિંહ પરમારે આ બધાં વતી પોતાની 'ખિલ્લાવાળાં મોજાં અને મારી (નિષ્ફળ) ક્રિકેટ કારકીર્દી'ને ખેલદીલીપૂર્વક રજૂ કરી છે.
જાણીતા કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે કાર્ટૂન-સેલ્ફીના તેમના અનોખા પ્રયોગની ઝલક રજૂ કરી છે -
ઉર્વીશ કોઠારી 'જલસો-૯'માં લેખક - પત્રકાર તરીકે તેમનાં સંશોધન પ્રેમનાં પાસાંને આપણી સમક્ષ રજૂ કરવાના મૂડમાં બરાબર ખીલ્યા છે. આ માટે તેમણે પસંદ કરેલ છે 'ભારતની જાદુગરીમાં શિરમોર ગણાતી "'ઈન્ડિયન રોપ ટ્રિક'નું રહસ્ય". અંગેજોના શાશન કાળથી હિંદુસ્તાનને ગારૂડીની બીન પર નર્તન કરતા નાગ, ગુરુત્વાકર્ષણના નિયમનું ખંડન કરતી ઈન્દિયન રોપ ટ્રિક અને નાગા બાવાઓના દેશની છેક ગઈ સુધી ટકી રહેલી છાપ પશ્ચિમનાં લોકોનાં દિલોદિમાગમાં ઘર કરી ગઈ હતી. પ્રસ્તુત લેખમાં ઉર્વીશભાઈ આ વ્યાપક પ્રસારના ઈતિહાસને આલેખે છે. લેખના અંતમાં તેમણે રહસ્ય પણ છતું કર્યું છે. પણ એ જો અહીં કહી નાખીએ તો જલસો-૯ હવે પછી વાચનાર વાચકની ઉત્કંઠાને ઠેસ પહોંચે ને!
બસ એ રહસ્યોદ્ઘાટન સાથે 'જલસો-૯'ના આ ખેલનો પર્દો પણ પડે છે.
'સાર્થક -જલસો - ૯' નિયમિત લેખકો પાસેથી નવી રજૂઆતની સાથે,  મોટા ભાગના તો પરંપરાગત અર્થમાં લેખક પણ નથી એવાં, નવા લેખકોને પ્રસ્તુત કરવાની રણનીતિનું એક આગળ વધતું સફળ સોપાન છે. એ રણનીતિની સફળતાને કારણે પ્રકાશકો જરુર અભિનંદનને પાત્ર છે.'જલસો'નો મોટા ભાગનો પ્રસાર વાચકોના મોઢામોઢ પ્રચારથી થતો રહ્યો છે. પ્રકાશકોના ખાતામાં એ પણ મહત્ત્વની મુડી જમા થઈ રહી છે. જોકે પ્રયોગાત્મક સ્ટાર્ટ-અપના તબક્કામાંથી હવે નવી કેડી કંડારનાર પૂરેપૂરાં વ્યાવસાયિક ઉપક્રમમાં 'જલસો'ને સાર્થક કરવાનો સમય પણ હવે પાકી ગયો ગણાય. 'જલસો'ના વર્તમાન વાચકો ઉપરાંત દરેક સંભવિત વાચક સુધી તેની (મુદ્રિત કે પછી ડિજિટલ) નકલ વધારે સરળતાથી પહોંચતી થાય એવી શુભેચ્છા પણ પાઠવીએ.
/\/\/\/\/\/\
સાર્થક જલસોપ્રાપ્તિ સ્રોત:
બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ । www.gujaratibookshelf.com),
અથવા
કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796 ઈ-મેલ : spguj2013@gmail.com  
પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)

પાદ નોંધઃ આ લખ્યા સુધી સાર્થક પ્રકાશનની ઉપર જણાવેલી સાઈટ પર 'જલસો-૯'  ઈ-સંસ્કરણમાં ઉપલબ્ધ થયેલ નથી જણાતું.