Sunday, August 29, 2021

LDCE71Mના સહપાઠીઓ એન્જિનિયરિંગની પદવી મેળવ્યાની અર્ધશતાબ્દી ઉજવે છે

 લગભગ દોઢ કે બે વર્ષ પહેલાં મારી ઈ-મેલ પેટીમાં આવેલા એક ઈ-મેલમાં એલ ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની ૧૯૭૧ની મિકેનીકલ એન્જિનિયરિંગ બેચ (LDCE71M) ના સહપાઠીઓ સાથે વ્હૉટ્સએપ્પ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. કૉલેજનાં એ પાચ વર્ષો દરમ્યાન અમે છએક જણા તો એટલા ખાસ્સા ગાઢ મિત્રો હતા કે અમે એકબીજાને ઘરે, ગમે ત્યારે, આવતા જતા અને હક્કથી નાસ્તાપાણી પણ માણી આવતા. અને બીજા બાર-અઢારેક જણાનું એક એવું "ગ્રુપ હતું જેની વચ્ચે, અન્ય એવાં કેટલાંક 'ગ્રુપ્સ'ની જેમ, પાઠ્યપુસ્તકો, નોટ્સ, જર્નલ્સ, મૌખિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોની છૂટથી આપલે કરવાનો વાટકી વ્યવહાર હતો. પરંતુ, લગભગ ૫૦ વર્ષ પહેલાં છૂટા પડ્યા પછી નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જેટલો આછોપાતળો એક માત્ર ઈ-મેલ સંપર્ક જ જળવાયો હતો માત્ર અશોક ઠક્કર સાથે. અશોક ઠક્કરના અચાનક જ આવી પડેલા ઈ-મેલનાં માધ્યમથી જીવનના એ સુવર્ણ કાળના મિત્રો સાથે, અર્ધી સદી પછી, ફરીથી જોડાવાની તકનો વિચાર જ રૂવાડાં ઊભાં કરી દેવા માટે પુરતો હતો. 

એ પછીથી આ ગ્રુપના બેએક રચનાત્મક સ્તરે સક્રિય મિત્રોએ વ્હોટ્સએપ્પ ગ્રુપમાં જોડાયેલા મિત્રોનાં ઈ-મેલ, તાજેતરના ફોટોગ્રાફ્સ જેવા પ્રાથમિક મૂળભૂત સંપર્કસુત્રોને એક બહુ જ ઉપયોગી નીવડે એવાં સ્પ્રેડશીટમાં ગોઠવીને બધાંને પહોંચતાં કર્યા. પરિણામે, વ્હૉટ્સએપ્પ ગ્રુપમાં જે માત્ર ફોન નંબર હતાં તેને હવે મારી મોબાઈલ ફોનની ફોનબુકમાં નામ મળ્યાં અને મેલ પેટીને એક નવું સંપર્ક ગ્રુપ સાંપડ્યું. એ સ્પ્રેડશીટના ફોટોગ્રાફોએ ૫૦ વર્ષોના પહેલાંની એ ચહેરાઓની સુષુપ્ત થઈ ગયેલ યાદોને ફરીથી જીવંત કરીને આજના ફોટાઓ સાથે જોડી આપી.

વિડીયો કૉલ દ્વારા જીવંત મુલાકાતો ગોઠવવાનાં તે પછીનાં સ્વાભાવિક તાર્કિક પગલાંઓ તો તે પછી તરત જ વાસ્તવિકતા બન્યાં. એવી એક વિડીયો કૉલ મિટિંગમાં ૧૯૭૧ની બેચના મિત્રોનાં છૂટા પડ્યા પછીનાં ૫૦ વર્ષોની જીવન સફર સાથે એકબીજાંને અવગત કરવાના વિચારનું બીજ રોપાયું. થોડી વિચારણાઓ, અભિપ્રાયોની આપલે પછી  LDCE71M બૅચના સહપાઠીઓની ૫૦ વર્ષોની જીવન સફરને પદવી મળ્યાની અર્ધી શતાબ્દી પુરા થવાને એક સ્મરણિકા સ્વરૂપે પ્રકાશિત કરીને ઉજવવી એવો સર્વમાન્ય નિર્ણય થયો.

આ વિચારને એક પરિયોજના સ્વરૂપે વ્હૉટ્સગ્રુપ અને ઈ-મેલ સંદેશા વડે આખાં ગ્રુપ સાથે વહેચતાંની સાથે  ટુંક સમયમાં જ દસ-બાર જેટલી જીવન સફરની યાદનોંધો તો અમારી પાસે આવી પણ ગઈ. પરંતુ (એ સમયની સંખ્યા મુજબ) ૩૨ જેટલા સભ્યોનાં ગ્રુપમાં દસ બાર જીવન સફરની સંખ્યા સાથેની સ્મરણિકા પ્રકાશિત કરવા માટે મન નહોતું માનતું. જોકે બધાએ મળીને ફેરવિચાર કરતાં એ દરેક જીવન સફર નોંધમાં જે ઉત્કટ આત્મીય લાગણી છલકતી દેખાતી હતી તે લાગણીનાં જોશે પુસ્તિકાને મૂર્તિમંત તો કરવી જ એ નિર્ણયની નક્કર પુષ્ટિ કરી. ફરી એક વાર બધાએ જે લોકો બાકી હતા તેમને ફોન અને ઈ-મેલ કર્યા. બે એક મહિનાના સામુહિક પ્રયત્નોએ પેદા કરેલી ઉર્જાએ બીજી છ જીવન સફર નોંધને મેળવી આપી.

આંકડાની જ દૃષ્ટિએ ૧૨૦ની સંખ્યા ધરાવતી મૂળ બેચમાંથી ૩૮ સભ્યોનો જ સંપર્ક સ્થાપી શકાયો હોય અને તેમાંથી પણ ૧૮ જ મિત્રોની જીવન સફરને, પદવી મેળવવાની અર્ધી શતાબ્દીની ઉજવણી રૂપે, પ્રકાશિત કરવું તો કદાચ ઉચિત ન પણ ગણાય. પરંતુ આ જીવન સફરનોંધને મૂર્તિમંત કરવા પાછળ દરેકે લીધેલ ઉત્કટ ઉત્સાહની સાથે, પરિયોજનાને હવે એ તબક્કે પડતી મુકવાની, નાઇન્સાફી કરવી  એ પણ મુદ્દલ વ્યાજબી નહોતું  જણાતું.

ઘીનાં ઠામમાં આખરે ઘી ઢળ્યું અને LDCE71M  બૅચને તેમની પદવી મળ્યાની અર્ધશતાબ્દીની ભેટ સ્વરૂપે,

_Selected Life Stories-LDCE Class of 1971-Mechanical

ના રૂપમાં, સ્મરણિકાનું પ્રકાશન આપી શકાયું તેનો આનંદ છે. અને બોનસમાં મળ્યો પુસ્તકનાં સંકલનની પ્રક્રિયા દરમ્યાન આ બધા મિત્રો સાથે ૫૦+ વર્ષો પછી વાત કરવાનો અનેરો આનંદ. એ આનંદમાં વધારે મિઠાશ તો ભળી એ વાતની કે આટલાં વર્ષ પછી પણ એ મિત્રતા આજે પણ એટલી જ અનૌપચારીક અને એટલી જ તાજી હતી.

મારામાં ઊંડે ઊંડે રહેલ ઑલિવર ટ્વિસ્ટ પણ 'મને હજુ વધારે જોઈએ છે'ની માગણી કરતો સંભળાય છે - મનમાં સળવળતી એ માગણી છે પદવી મેળવ્યા પહેલાનાં  એલ ડી નાં પાંચ વર્ષો - ૧૯૬૬થી ૧૯૭૧ -ને ફરીથી તાજી કરીને આ જ રીતે દસ્તાવેજ કરી લેવાની ! એ પાંચ વર્ષો કેવી બેફીકરાઈમાં વીતાવ્યાં હતા, નાની નાની વાતો કે ઘટનાઓમાંથી કેવી કેવી નિર્દોષ મજાઓ માણતા અને છેલ્લે વર્ષે આંખોમાં વણકહ્યાં સ્વપ્નો કેવાં આકાર લઈ રહ્યાં હતા….

મને લાગે છે કે યાદોની એ ગલીગુંચીઓમાં ભમવા નીકળી પડવાનું પણ બનશે, કેમ કે આ તો હજુ અર્ધવિરામ છે…… યાદોનો આ ખેલ હજુ ક્યાં પુરો થયો છે !!

Friday, August 27, 2021

મુકેશ - ગૈર-ફિલ્મી ગીતો અને ગ઼ઝલો : આજ ભી ઉનકી મોહબ્બતકા તસ્સવુર હૈ વોહી

ગાઈને રજુ થતાં પદ્ય સ્વરૂપની પરંપરા ભારતીય સંસ્કૃતિમાટે બહુ જુની છે. પ્રાચીન ભારતના સમયમાં તો જ્ઞાનનું હસ્તાંતર મૌખિક રીતે જ થતું, એટલે ગેય સ્વરૂપનું મહત્ત્વ જ ઘણું હતું. તેમાં પણ સહેલાઈથી સમજી શકાય અને સહેલાઈથી યાદ રહી શકે તે સારૂ કરીને કથાઓ તો બહુધા લોકભોગ્ય ગેય સ્વરૂપમાં જ રજુ થતી.

પ્રાચીન કવિઓએ ભક્તિભાવને વ્યક્ત કરવા પણ ગેય સ્વરૂપ જ પસંદ કર્યું. તેની સાથે સાથે લગ્ન, મરણ, જન્મ જેવા સામાજિક પ્રસંગો કે વાવણી, લણણી જેવા જાહેર વ્યાવસાયિક પ્રસંગો અને જુદા જુદા પ્રકારના ઉત્સવોની ઉજવણી માટે થતા મેળાઓ જેવા મનોરંજનના પ્રસંગો માટે પ્રાદેશિક સંસ્કૃતિની છાંટ સાથેનાં લોકગીતોનું પણ આગવું સ્થાન રહ્યું. રામલીલા જેવાં તળપદી થિયેટરોએ અલગ જ પ્રકારનાં ગીતોની પ્રાણાલિકા આપી જે આગળ જતાં રંગમંચ પર ભજવતાં નાટકોનું સૌથી વધારે આકર્ષક અંગ બની રહી. એક એક ગીત વારંવાર થતા 'વન્સ મોર'ને કારણે આખી આખી રાત ચાલે તે તો સાવ સામાન્ય બીના ગણાતી.

સમાંતરે શાસ્ત્રીય સંગીતની ગાયકીમાં પણ ઓછા સમયમાં રજુ થઈ શકે તેવાં સ્વરૂપની જરૂર અનુભવાઇ, જેને પરિણામે દાદરા, દ્રુપદ, ઠુમરી જેવાં અર્ધશાસ્ત્રીય ગીતોની એક આખી અલગ જ શાખા વિકસી. ગાયકીના આ અંગને પણ શબ્દદેહ આપવા લોકપ્રિય લોકરચનાઓનો આધાર લેવાયો. 

પરિણામે જ્યારે ફિલ્મો સવાક બની ત્યારે ગીતોનું સ્થાન ફિલ્મ નિર્માણમાં મહત્ત્વનું જ બન્યું તે વાતે જરા પણ આશ્ચર્ય ન થાય. ફિલ્મોનાં ગીતોની વધતી ચાલેલી લોકપ્રિયતાએ એ સમયની રેકોર્ડીંગ કંપનીઓ માટે એક બહુ જ રળી આપે તેવું બજાર આપ્યું. એ બજારને વધારે વિકસાવવા રેકોર્ડ કંપનીઓએ નવા નવા સંગીતકારો અને ગાયકોને લઈને ઓછાં ખર્ચમાં બની એવી ગૈર-ફિલ્મો ગીતોનો એક અલગ જ પ્રકાર  સર્જ્યો. રેડીયો પ્રસારણ નો પ્રસાર વધવાની સાથે આ પ્રકારનાં સુગમ સંગીતની શૈલીનાં ગીતોનું ચલણ વધારે વ્યાપક બન્યું. સમય જવાની સાથે ગૈર-ફિલ્મી ગીતોની  સંગીત બાંધણી, ગાયકી અને પદ્ય રચનાઓની આગવી શૈલી અને આગવો સંગીતકાર, ગાયક અને ચાહક વર્ગ પણ પ્રસ્થાપિત થયાં.

'૪૦ના દાયકાના અંત સુધીમાં ફિલ્મોમાં સંગીતકારોની નવી પેઢી પ્રવેશી ચુકી હતી, જેમણે ગીતની બાંધણી અને વાદ્યસજ્જા ને સાવ નવું, આધુનિક, સ્વરૂપ બક્ષ્યું. '૪૦ અને ૫૦ના દાયકા અને તે પછી પેઢીઓનો ફિલ્મ સંગીતનો રસ આ શૈલીનાં ગીતોથી જ ઘડાયો અને કેળવાયો. ગીતોના પૂર્વાલાપ કે અંતરા વચ્ચ્ચેનાં મધ્યાલાપનાં વાદ્યસંગીત સજાવટ વડે સંગીતકારની સંગીત શૈલીની ઓળખ ઊભી થવા લાગી.

અમારી પેઢીએ '૬૦ના દાયકાથી રેડીયોનાં માધ્યમથી ફિલ્મી ગીતો સાંભળવાં શરૂ કર્યાં ત્યારે જે ગીતમાં વાદ્યસંગીતનું પ્રમાણ 'વધારે' હોય તે ફિલ્મી ગીતો તરીકે અને જેમાં એ પ્રમાણ 'ઓછું' હોય તે ગૈર -ફિલ્મી ગીતો  હોય એવી સમજણથી ગીતોની ઓળખ કરી લેતી. રેડીયો પર ફિલ્મી ગીતો જેટલાં ગૈર-ફિલ્મી ગીતો સાંભળવા મળતાં. એ ગીતોમાંથી વાદ્યસજ્જાની કસોટી દ્વારા જ તલત મહમૂદ, મુકેશ કે હેમંત કુમારનાં ગૈર-ફિલ્મી ગીતો અલગ પડી રહેતાં.

ગીતો સાંભળવાનો મારો શોખ '૬૦ના દાયકામાં રેડીયો સાંભળીને કેળવાયો તો પરિપક્વ થયો '૭૦ના દાયકામાં મારી આવકમાંથી રેકોર્ડ્સ ખરીદવાની પસંદગી કરતી વખતે. એ સમયે બીજા ગાયકોની તો અલગ એલ.પી. રેકોર્ડ્સ ખરીદતો પણ મુકેશનાં ગીતો તો આખીને આખી ફિલ્મનાં ગીતો દ્વારા જ એકઠાં થયાં. મુકેશનાં ગૈર-ફિલ્મી ગુજરાતી ગીતોની એકાદ રેકોર્ડ ખરીદી હતી, તે  સિવાયનાં મુકેશનાં હિંદી ગૈર-ફિલ્મી ગીતો તો ત્યારે પણ રેડીયો પર જ સાંભળવાનું બનતું રહ્યું.

+                      +                      +                      +

આજ ભી ઉનકી મોહબ્બતકા તસ્સવુર હૈ વોહી

એ પછીથી જુદાં જુદાં માધ્યમો પર મુકેશનાં ફિલ્મી અને ગૈર-ફિલ્મી ગીતો સાંભળવાનું તો ચાલુ રહ્યું. ૨૦૨૦માં શ્રી હરીશ રઘુવંશીએ તેમના 'મુકેશ ગીતકોશ'નું નવું પ્રકાશિત થયેલ સંસ્કરણ[1] મોકલ્યું. તેમાં મુકેશનાં ગીતોને જે ચીવટથી અને વિગતથી સંગ્રહિત કરાયાં છે તેને કારણે મુકેશ ગીતકોશને ગંભીરપણે અભ્યાસની દૃષ્ટિએ જોવાનું શરૂ થયું. મુકેશનાં ઘણાં ગીતો હવે અલગ અલગ પ્રકારનાં સ્વરૂપમાં જોઈ શકાવા લાગ્યાં. એમાંનો એક પ્રકાર છે મુકેશનાં ગૈર-ફિલ્મી ગીતોનો.

મુકેશ ગીતકોશમાં મુકેશનાં હિંદી અને અન્ય ભાષાઓનાં ગૈરફિલ્મી ગીતોને અલગ જ ખંડમાં સમાવાયાં છે. દરેક ગીતના ગીતકાર, સંગીતકાર અને આખાંને આખાં ગીતના શબ્દો જેવી વિગતો તો અલગથી નોંધાયેલી  જ છે, પણ તે સાથે જ્યાં પણ માહિતી ઉપલ્બધ છે ત્યાં એ ગીતના રેકોર્ડના નંબર પણ દર્શાવાયેલ છે. 


મુકેશની ૪૫મી પુણ્યતિથિ - જન્મ: ૨૨ જુલાઈ ૧૯૨૩| અવસાન: ૨૭ ઓગસ્ટ, ૧૯૭૬ -ની યાદમાં આજે મુકેશ ગીતકોશની મદદથી પસંદ કરેલાં મુકેશનાં ગૈરફિલ્મી ગીતો અને ગ઼ઝલોને અહીં યાદ કરેલ છે. એક ગીતકાર-સંગીતકાર ની એક જ રચના અહીં લીધેલ છે, જેને સાંભળવા માટે યુટ્યુબ પરની ક્લિપ્સની મદદ લીધી છે.

મુકેશ ગીતકોશમાં ગીતો ગ઼ઝલો, ભક્તિ ગીતો, દેશપ્રેમનાં ગીતો વગેરે મળીને  મુકેશનાં કુલ ૭૮ હિંદી ગૈર-ફિલ્મી ગીતો નોંધાયેલાં છે. મુકેશનાં હિંદી ગૈર-ફિલ્મી ગીતોના ખંડના પ્રારંભની નોંધ અનુસાર મુકેશની ગાયન કારકિર્દીની શરૂઆત જ ગૈર-ફિલ્મી ગીતોથી થઈ હતી. જુલાઈ-ઓગસ્ટ ૧૯૪૦ના સમયમાં બહાર પડેલ એ રેકોર્ડ નંબર N16396 પર આ બે ગીતો અંકિત થયાં છે.

¾    ગોકુલ નગરી જાના ….સાંવરીયા સંગ નહીં મનકો બહલાના 

¾    મેરી અંધેરી કુટીયામેં વો આયે ઉજાલા હી હોગા

મારી પસંદનાં મુકેશનાં ગૈર-ફિલ્મી ગીતો અને ગ઼ઝલોને અહીં મુકેશ ગીતકોશમાં નોંધાયેલ ક્રમ અનુસાર જ રજુ કરેલ છે.

અશઆર યું તો મેરે જ઼માનેકે લિયે હૈ – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર – સંગીત: ખય્યામ [રેકોર્ડ નં. ECSD 2723]

હિંદી ફિલ્મોના સંગીતકારોમાંથી '૬૦ના દાયકામાં ખય્યામે ગૈર-ફિલ્મી ગીતો અને ગ઼ઝલોને પોતાના આગવા અંદાજ઼માં રજુ કર્યા. એ સમયનાં ઝડપી લયનાં ગીતોની સામે તેમની શૈલી હજુ પણ પ્રસ્તુત છે તેમ બતાડી આપવાનો એ પ્રયાસ હોય તો પણ ખય્યામની એ બધી જ રેકોર્ડ્સ વાણિજ્યિક સ્વરૂપે પણ બહુ જ સફળ રહી હતી. 



આંખોમેં બસકે દિલમેં સમા કર ચલે ગયે – ગીતકાર: જિગર મુરાદાબાદી – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ [રેકોર્ડ નં.N 88324]

પ્રતિભાશાળી, પણ બીનવ્યાવસાયિક સંગીતકારોની મદદથી જાણીતા કવિઓ/ શાયરોની જાણીતી / ઓછી જાણીતી રચનાઓને ગૈર-ફિલ્મી ગીતોની રેકોર્ડ તરીકે પ્રકાશિત કરવાનું ચલણ બહુ પ્રચલિત હતું. આમાંનાં ઘણાં ગીતો તો એ ગાયકનાં સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં પણ સ્થાન પામતાં.



આજ ગગનસે ચંદા ઉતરા આ ગયા મેરી બાહોંમેં – ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીત: જે પી કૌશિક [રેકોર્ડ નં. N 88375]

ગૈર-ફિલ્મી ગીતોની બાંધણીમાં ઓછાં વાદ્યોનો ઉપયોગ કરાતો પણ પ્રયોગશીલ સંગીતકારો એટલાં જ વાદ્યોની પસંદ એ રીતે કરતા કે તે પૈકી અમુક વાદ્યોને કાઉન્ટર મેલડીનાં સંગીતમાં પ્રયોજીને ગીત ખુબ સમૃદ્ધ પણ કરી લેતા.



આજ ભી ઉનકી મોહબ્બતકા તસ્સવુર હૈ વોહી – ગીતકાર: જાં નિસ્સાર અખ્તર – સંગીત: વિપિન મેહરા [રેકોર્ડ નં. N 88323]

જાં નિસ્સાર અખ્તર જેવા શાયરોને હિંદી ફિલ્મોનાં ગીતો દ્વારા એક નવો જ ચાહક વર્ગ સાંપડ્યો હતો. એમની જ અન્ય રચનાઓને ગૈર-ફિલ્મી રચનાઓ દ્વારા વધુને વધુ શ્રોતાઓ સુધી પહોંચવાની તક મળવા લાગી.



આબાદ રહો મેરે દિલકો જલાનેવાલો – ગીતકાર: મધુકર રાજસ્થાની – સંગીત: વી બલસારા [રેકોર્ડ નં. N 35740]

વી બલસારાએ  એક સમયે રેકોર્ડ કંપનીનાં સંગીત વિભાગને પણ સંભાળવ્બાનું કામ કરેલ. એ સમયે તેમણે કેટલીક અદભુત રેકોર્ડ્સ કરી છે. તેમાં પણ મુકેશનાં માહતાબ સમ મધુરો દિલકશ દિદાર તારો કે હોઠ પર હોય ખામોશી જબાં નહીં એક શબ્દ કહેતી (બન્ને ગીતના ગીતકાર: દારા એમ પ્રિન્ટર) જેવાં ગુજરાતી ગૈર-ફિલ્મી ગીતોએ વી બલસારાનાં અલગ જ શૈલીનાં સંગીતને કારણે સાવ આનોખી કેડી કંડારી હતી.



ક્યું ફેરી નજ઼ર ક્યું ફેરી નજ઼ર દેખો તો ઈધર – ગીતકાર: અંજુમ પીલીભીતી – સંગીત: નૌશાદ [રેકોર્ડ નં. N 88034]

મુકેશ ગીતકોશ નોંધે છે કે મૂળ તો આ ગીત ફિલ્મ 'અનોખી અદા' (૧૯૪૮) માટે રેકોર્ડ કરાયું હતું, પણ પછી ફિલ્મમાં ન સમાવાયું એટલે હવે ગૈર-ફિલ્મી ગીત તરીકે સમાવાયું છે.

ગીતમાં વાદ્યસજ્જાનાં પ્રમાણની કસોટીએ આ ગીત ફિલ્મ માટે જ સર્જાયું છે તે કેટલું સહેલાઈથી સ્પષ્ટ થઈ રહે છે! અને હજુ આ ગીત તો એ સમયનું છે જ્યારે ફિલ્મી ગીતોમાં એક મર્યાદામાં જ વાદ્યો જ વપરાતાં !



કિસી કો દે કે દિલ કોઈ નવા_સંજ-એ-ફુગાં ક્યોં હો - તલત મહમુદ સાથે – ગીતકાર:  મિર્ઝા ગાલિબ + દાગ દહેલવી – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ [રેકોર્ડ નં. N 88300]

અહીં વળી એક સાવ અનોખો પ્રયોગ અજમાવાયો છે. યુગલ ગીતમાં એક ગાયક એક શાયરની અને બીજો ગાયક બીજા શાયરની રચના ગાય છે.

તલત મહમુદના સ્વરમાં ગવાતી રચના મિર્ઝા ગાલિબની છે તો 'જો દિલ જો ક઼ાબુમેં તો કોઈ રુસ્વા-એ-જહાન ક્યોં કરે'થી શરૂ થતી મુકેશ દ્વારા ગવાયેલી રચના દાગ દહેલવીની છે.

મુકેશ ગીતકોશમાં મુરલી મનોહર સ્વરૂપ દ્વારા જ રેકોર્ડ કરાયેલ આ પ્રકારની અન્ય રચનાઓ પણ જોવા મળે છે. જોકે એ દરેકના રેકોર્ડ નંબર અલગ અલગ છે, જેના પરથી એમ માની શકાય કે એક વાર આ પ્રયોગ સફળ રહ્યો હશે એટલે તે પછીની રેકોર્ડ્સને પણ સફળ કરવા આ પ્રકારનું એક એક ગીત દરેકમાં સમાવાયું હશે.



ગઈ યક-બ-યક જો હવા પલટ નહીં દિલકો મેરે ક઼રાર હૈ – ગીતકાર: બહાદુરશાહ ઝફર – સંગીત: મુકેશ [રેકોર્ડ નં. P: 45-N 88420]

મુકેશે એક સમયે ફિલ્મોમાં અભિનય કરવાનો શોખ તો કર્યો જ હતો અને એટલું ઓછું હોય તેમ ફિલ્મ નિર્માણ પર અને સંગીત નિદર્શન (અનુરાગ , ૧૯૫૬) પર પણ હાથ અજમાવેલો.

મુકેશ ગીતકોશમાં એક ૪૫ આર પી એમની એક્ષટેન્ડેડ પ્લે રેકોર્ડ પર અને એક ૭૮ આર પી એમની રેકોર્ડ પર મુકેશે સંગીતબધ્ધ કરેલ પાંચ ગીતો  નોંધાયાં છે. પ્રસ્તુત રેકોર્ડની એ જ બાજુ પર જે બીજું ગીત છે તે દીયા અપની ખુદી કો હમને મિટા  છે.



જિયેંગે મગર મુસ્કરા ન સકેંગે – ગીતકાર: કૈફ ઇર્ફાની – સંગીત: મુકેશ [રેકોર્ડ નં. N 88042]

મુકેશનાં બહુ જ જાણીતાં (ગૈર-ફિલ્મી ગીતો પૈકીનું આ એક ગીત છે. જોકે તેની સ્વરરચના પણ મુકેશે જ કરી છે તે ખબર (કમસે કમ મને) તો મુકેશ ગીતકોશમાં આપેલી વિગતોને કારણે જ પડી છે !

આ રેકોર્ડની બીજી બાજુએ જે ગીત - દો જ઼ુલ્મી નૈના હમ પે જ઼ુલ્મ કરે - છે તે પણ ખુબ જ જાણીતું (ગૈર- ફિલ્મી) ગીત છે. 



જ઼ેહાલ-એ-મિસ્કિન મકુન તગ઼ાફુલ દુરાયે નૈના બનાએ બતીયાં – સુધા મલ્હોત્રા સાથે – ગીતકાર: અમીર ખુસ્રો – સંગીત: મુરલી મનોહર સ્વરૂપ રેકોર્ડ નં. LP: S/3AEX 13004]

મુરલી મનોહર સ્વરૂપે ફરી એક વાર ગૈર-ફિલ્મી યુગલ ગીતની રચનાનો અનોખો પ્રયોગ કર્યો છે..

ફારસી અને હિંદુસ્તાની ભાષાઓના સહપ્રયોગમાં રચાયેલ આ કૃતિ આમ તો સુફી ભક્તિ ગીત છે. પરંતુ કેટલાક ગાયકોએ તેને ગ઼ઝલ ગાયકીના અંદાજ઼માં તો બીજા કેટલાક ગાયકોએ તેને સુફી ભક્તિરસનાં સ્વરૂપ, કવ્વાલી,ના અંદાજ઼માં પણ રજુ કરેલ છે.



તેરે લબોંકે મુક઼ાબીલ ગુલાબ ક્યા હોગા – ગીતકાર: શિવ કુમાર 'સરોજ' – સંગીત: કિશોર દેસાઈ [રેકોર્ડ નં. ECP 2468]

એક સમયે રેડીયો સિલોનના શ્રોતાઓ માટે શિવ કુમાર 'સરોજ'નું નામ એક અભિનવ ઉદ્‍ઘોષક તરીકે બહુ જાણીતું હતું, પરંતુ તેઓ એક બહુ સારા કવિ પણ છે તેની ખબર મોટા ભાગનાને નહીં હોય. એમની અમુક પદ્ય રચનાઓને હિંદી ફિલ્મોમાં ગીતો તરીકે પણ રજુ કરાઇ છે, જે પૈકી ખામોશ ઝિંદગીકો ક્યોં આવાજ઼ દે રહે હો (ન્યાય મંદિર, ૧૯૬૬ - ગાયક મોહમ્મદ રફી - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ) તો બહુ જાણીતું પણ થયેલ છે.

કિશોર દેસાઈની ખ્યાતિ એક નિપુણ સરોદ અને મેન્ડોલીન વાદક તરીકેની રહી છે. યુ ટ્યુબ પર તેમની વાદ્યરચનાઓની ઘણી ક્લિપ્સ પણ જોવા મળી શકે છે. તુમ બિન જાઉં કહાં (પ્યારકા મૌસમ, ૧૯૬૯- ગાયક મોહમ્મદ રફી - સંગીતકાર આર ડી બર્મન)માં તેમણે વગાડેલ મેન્ડોલીન આવાં અનેક ઉદાહરણો પૈકી એક પ્રતિનિધિસ્વરૂપ ઉદાહરણ છે.

  

હુઈ ગર મેરે મરને સે તસલ્લી ન સહી – ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ – સંગીત: ખય્યામ [રેકોર્ડ નં. N 88362]

ગૈર-ફિલ્મી ગીતની એક બહુ જ નોંધપાત્ર, અને રસપ્રદ, લાક્ષણિકતા ગાયકોના સ્વરની બહુ જવલ્લેજ સાંભળવા મળતી સુરોની રંગતની છે.



મૈં ચકોરી તુમ ગગનકે ચંદ્રમા - અજાણ સ્ત્રી ગાયિકા સાથે - ગીતકાર ? - સંગીત કલ્યાણજી આણંદજી [રેકોર્ડ નં.: ?]

વાદ્યસજ્જાના પ્રમાણની કસોટીને ફરી એક વાર પ્રમાણિત આ ગીતમાં પણ થતી જોવા મળે છે.

મુકેશ ગીતકોશ નોંધે છે કે આ યુગલ ગીત 'પુર્ણિમા' માટે રેકોર્ડ કરાયું હતું, પરંતુ પછીથી ફિલ્મમાં સમાવાયું નથી.



મુકેશનાં ગૈરફિલ્મી ગીત અને ગ઼ઝલોના આજના અંકની સમાપ્તિ એક બહુ જ અનોખી રચનાથી કરીશું -

સિગારેટોંમેં સબસે આલા, પબ્લીક જાને કાલા પાકિટવાલા - ગીતકાર અને સંગીત ? [રેકોર્ડ નં . QC1550 (Matrix No. – QJE 13689TI)

સિગારેટની જાહેરાત માટે રેકોર્ડ કરાયેલ આ જિંગલ માટે પણ કેટલી મહેનત લેવાઈ છે !

અને હા, મુકેશ ગીતકોશ તો વળી નોંધે છે કે આ ગીતની રચના રાગ બહાર પર આધારીત છે! છે ને કમાલ !



મુકેશનાં ગીતોને હવે પછી તક મળ્યે મુકેશ ગીતકોશની મદદથી બીજા પણ અલગ અલગ રંગોમાં જોઈશું.



[1] મુકેશ ગીતકોશ, દ્વિતીય સંસ્કરણ, ૨૦૨૦ - હરીશ રઘુવંશી પ્રકાશકઃ શ્રીમતી સતિન્દર કૌર, એચ આઈ જી - ૫૪૫, રતન લાલ નગર - કાનપુર ૨૦૮ ૦૨૨, ભારત   ઈ-મેલઃ: hamraaz18@yahoo.com

Thursday, August 26, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - સુશીલા રાની + ખુર્શીદ

 સુશીલા રાનીનાં  સૉલો ગીતો

સુશીલા રાની 'દ્રૌપદી' (દિગ્દર્શક બાબુરાવ પટેલ) ફિલ્મનાં મુખ્ય અભિનેત્રી  છે, એટલે સ્વાભાવિકપણે તેમનાં ગીતો જ સૌથી વધારે હોય. ફિલ્મમાં તેમનાં ૯ ગીતો છે, જેમાંથી ૬ ગીત યુટ્યુબ પર મળે છે. બાકીનાં ત્રણ ગીતો કૌન બગીયાસે મેરે ફૂલ ચુરાને આયા, મા કિસને દિયા બુઝાયા  સુનો અય શ્યામ બિહારી ક્યોં બીગડી મેરી ની ઓડીઓ ક્લિપ્સ એપલ મ્યુઝિક ફોર્મેટ પર સાંભળી શકાય છે.

શીતલ ચાંદની ખીલી, મોહે સુહાની રાત મિલી - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ભૈયા…. આઓ…. મોહન ભૈયા - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ચમકતા હૈ અંગ સાંવલે સુરંગ સંગ - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

બાંધ કે રખુંગી તોહે નૈનોમેં કાન્હા - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

સુહાગન કાહે આંસુ ડાલે …. લેખ ટલેના ટાલે - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ગોપાલા મેરી રે કરૂણા ક્યોં નહીં આવે - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ખુર્શીદનાં  સૉલો ગીતો

Memorable Songs of 1944માં ખુર્શીદનાં જો હમપે ગુજ઼રતી હૈ (મુમતાઝ મહલ) અને મોહબ્બતમેં સારા જહાન જલ રહા હૈ (શહેનશાહ બાબર) એમ ગીતો છે. ન ભુલેંગે તુઝકો ભુલાનેવાલે, મેરી હસરતોંકો મિટા દેનેવાલે (શહેનશાહ બાબર) નેટ પર નથી મળી શક્યું.

હિંદી ફિલ્મ ગીતકોશ અને યુ ટ્યુબ પર તે સિવાય જે ગીતો સાંભળવામાં મળ્યાં તેને અહીં ચર્ચાની એરણે મુક્યાં છે -

દિલકી ધડકન બના લિયા ઉનકો - મુમતાઝ મહલ - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

જલી પતંગ તો …. ઇસમેં ક઼સુર કિસકા હૈ - મુમતાઝ મહલ - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

ઉદાસ શામ કી આહેં….સલામ કહેતી હૈ - મુમતાઝ મહલ - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

ઉલ્ફત કે ફસાને, બચપનકે જમાને….હોઠોં પે તરાને, ન વો ભુલે ન હમ - મુમતાઝ મહલ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગીતકારનાં નામનો ઉલેખ નથી.

દિલ લગાનેમેં કુછ મજ઼ા નહીં - શહેનશાહ બાબર - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

બુલબુલ આ તુ ભી ગા…. પ્યાર કે ગાને મૈં ગાઉં - શહેનશાહ બાબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ