લગભગ દોઢ કે બે વર્ષ પહેલાં મારી ઈ-મેલ પેટીમાં આવેલા એક ઈ-મેલમાં એલ ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની ૧૯૭૧ની મિકેનીકલ એન્જિનિયરિંગ બેચ (LDCE71M) ના સહપાઠીઓ સાથે વ્હૉટ્સએપ્પ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. કૉલેજનાં એ પાચ વર્ષો દરમ્યાન અમે છએક જણા તો એટલા ખાસ્સા ગાઢ મિત્રો હતા કે અમે એકબીજાને ઘરે, ગમે ત્યારે, આવતા જતા અને હક્કથી નાસ્તાપાણી પણ માણી આવતા. અને બીજા બાર-અઢારેક જણાનું એક એવું "ગ્રુપ” હતું જેની વચ્ચે, અન્ય એવાં કેટલાંક 'ગ્રુપ્સ'ની જેમ, પાઠ્યપુસ્તકો, નોટ્સ, જર્નલ્સ, મૌખિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોની છૂટથી આપલે કરવાનો વાટકી વ્યવહાર હતો. પરંતુ, લગભગ ૫૦ વર્ષ પહેલાં છૂટા પડ્યા પછી નવાં વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જેટલો આછોપાતળો એક માત્ર ઈ-મેલ સંપર્ક જ જળવાયો હતો માત્ર અશોક ઠક્કર સાથે. અશોક ઠક્કરના અચાનક જ આવી પડેલા ઈ-મેલનાં માધ્યમથી જીવનના એ સુવર્ણ કાળના મિત્રો સાથે, અર્ધી સદી પછી, ફરીથી જોડાવાની તકનો વિચાર જ રૂવાડાં ઊભાં કરી દેવા માટે પુરતો હતો.
એ પછીથી આ ગ્રુપના બેએક રચનાત્મક સ્તરે સક્રિય મિત્રોએ વ્હોટ્સએપ્પ
ગ્રુપમાં જોડાયેલા મિત્રોનાં ઈ-મેલ, તાજેતરના ફોટોગ્રાફ્સ જેવા પ્રાથમિક મૂળભૂત સંપર્કસુત્રોને
એક બહુ જ ઉપયોગી નીવડે એવાં સ્પ્રેડશીટમાં ગોઠવીને બધાંને પહોંચતાં કર્યા. પરિણામે, વ્હૉટ્સએપ્પ
ગ્રુપમાં જે માત્ર ફોન નંબર હતાં તેને હવે મારી મોબાઈલ ફોનની ફોનબુકમાં નામ મળ્યાં
અને મેલ પેટીને એક નવું સંપર્ક ગ્રુપ સાંપડ્યું. એ સ્પ્રેડશીટના ફોટોગ્રાફોએ ૫૦
વર્ષોના પહેલાંની એ ચહેરાઓની સુષુપ્ત થઈ ગયેલ યાદોને ફરીથી જીવંત કરીને આજના ફોટાઓ
સાથે જોડી આપી.
વિડીયો કૉલ દ્વારા જીવંત મુલાકાતો ગોઠવવાનાં તે પછીનાં
સ્વાભાવિક તાર્કિક પગલાંઓ તો તે પછી તરત જ વાસ્તવિકતા બન્યાં. એવી એક વિડીયો કૉલ
મિટિંગમાં ૧૯૭૧ની બેચના મિત્રોનાં છૂટા પડ્યા પછીનાં ૫૦ વર્ષોની જીવન સફર સાથે
એકબીજાંને અવગત કરવાના વિચારનું બીજ રોપાયું. થોડી વિચારણાઓ, અભિપ્રાયોની આપલે
પછી LDCE71M બૅચના સહપાઠીઓની ૫૦ વર્ષોની જીવન સફરને
પદવી મળ્યાની અર્ધી શતાબ્દી પુરા થવાને એક સ્મરણિકા સ્વરૂપે પ્રકાશિત કરીને ઉજવવી
એવો સર્વમાન્ય નિર્ણય થયો.
આ વિચારને એક પરિયોજના સ્વરૂપે વ્હૉટ્સગ્રુપ અને ઈ-મેલ
સંદેશા વડે આખાં ગ્રુપ સાથે વહેચતાંની સાથે
ટુંક સમયમાં જ દસ-બાર જેટલી જીવન સફરની યાદનોંધો તો અમારી પાસે આવી પણ ગઈ.
પરંતુ (એ સમયની સંખ્યા મુજબ) ૩૨ જેટલા સભ્યોનાં ગ્રુપમાં દસ બાર જીવન સફરની સંખ્યા
સાથેની સ્મરણિકા પ્રકાશિત કરવા માટે મન નહોતું માનતું. જોકે બધાએ મળીને ફેરવિચાર
કરતાં એ દરેક જીવન સફર નોંધમાં જે ઉત્કટ આત્મીય લાગણી છલકતી દેખાતી હતી તે
લાગણીનાં જોશે પુસ્તિકાને મૂર્તિમંત તો કરવી જ એ નિર્ણયની નક્કર પુષ્ટિ કરી. ફરી
એક વાર બધાએ જે લોકો બાકી હતા તેમને ફોન અને ઈ-મેલ કર્યા. બે એક મહિનાના સામુહિક
પ્રયત્નોએ પેદા કરેલી ઉર્જાએ બીજી છ જીવન સફર નોંધને મેળવી આપી.
આંકડાની જ દૃષ્ટિએ ૧૨૦ની સંખ્યા ધરાવતી મૂળ બેચમાંથી ૩૮
સભ્યોનો જ સંપર્ક સ્થાપી શકાયો હોય અને તેમાંથી પણ ૧૮ જ મિત્રોની જીવન સફરને,
પદવી મેળવવાની અર્ધી શતાબ્દીની ઉજવણી રૂપે, પ્રકાશિત કરવું
તો કદાચ ઉચિત ન પણ ગણાય. પરંતુ આ જીવન સફરનોંધને મૂર્તિમંત કરવા પાછળ દરેકે લીધેલ
ઉત્કટ ઉત્સાહની સાથે, પરિયોજનાને હવે એ તબક્કે પડતી મુકવાની, નાઇન્સાફી કરવી એ પણ મુદ્દલ
વ્યાજબી નહોતું જણાતું.
ઘીનાં ઠામમાં આખરે ઘી ઢળ્યું અને LDCE71M બૅચને તેમની પદવી મળ્યાની અર્ધશતાબ્દીની ભેટ સ્વરૂપે,
“_Selected Life Stories-LDCE Class of 1971-Mechanical”
ના રૂપમાં, સ્મરણિકાનું પ્રકાશન આપી શકાયું તેનો આનંદ છે. અને બોનસમાં મળ્યો પુસ્તકનાં સંકલનની પ્રક્રિયા દરમ્યાન આ બધા મિત્રો સાથે ૫૦+ વર્ષો પછી વાત કરવાનો અનેરો આનંદ. એ આનંદમાં વધારે મિઠાશ તો ભળી એ વાતની કે આટલાં વર્ષ પછી પણ એ મિત્રતા આજે પણ એટલી જ અનૌપચારીક અને એટલી જ તાજી હતી.
મારામાં ઊંડે ઊંડે રહેલ ઑલિવર ટ્વિસ્ટ પણ 'મને હજુ વધારે જોઈએ છે'ની માગણી કરતો
સંભળાય છે - મનમાં સળવળતી એ માગણી છે પદવી મેળવ્યા પહેલાનાં એલ ડી નાં પાંચ વર્ષો - ૧૯૬૬થી ૧૯૭૧ -ને ફરીથી
તાજી કરીને આ જ રીતે દસ્તાવેજ કરી લેવાની ! એ પાંચ વર્ષો કેવી બેફીકરાઈમાં
વીતાવ્યાં હતા, નાની નાની વાતો કે
ઘટનાઓમાંથી કેવી કેવી નિર્દોષ મજાઓ માણતા અને છેલ્લે વર્ષે આંખોમાં વણકહ્યાં
સ્વપ્નો કેવાં આકાર લઈ રહ્યાં હતા….
મને લાગે છે કે યાદોની એ ગલીગુંચીઓમાં ભમવા નીકળી પડવાનું
પણ બનશે, કેમ કે આ તો હજુ
અર્ધવિરામ છે…… યાદોનો આ ખેલ હજુ ક્યાં પુરો થયો છે !!
No comments:
Post a Comment