Showing posts with label Dattaram. Show all posts
Showing posts with label Dattaram. Show all posts

Sunday, June 14, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જૂન, ૨૦૨૦

દત્તારામ - હમ આપકી મહેફિલમેં ભૂલે સે ચલે આયે
દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭- ની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે સૌથી મોટી ઓળખાણ તેમના તબલં કે ઢોલક પરના આગવા 'દત્તુના ઠેકા' માટે રહી. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં હિદી ફિલ્મ સંગીતને 'સુવર્ણ કાળ' તરીકેની ઓળખ આપવામાં જે વાદ્યવાદકોનો સિંહફાળો રહ્યો છે તેવા એન  દત્તા, જયદેવ, ગુલામ મોહમ્મદ, જી એસ કોહલી જેવા સ્વતંત્ર સંગીતકાર થયા છતાં પણ અપેક્ષિત સફળતા ન વરી એવી સહાયક સંગીતકારોની ક્લબમાં તેમનું સ્થાન પણ ઈતિહાસના પાને કોતરાઈ ગયું છે. બાળપણથી જ ઢોલક વાદક તરીકે તાલીમ પામેલ દત્તારામ, ઢોલક અને તબલા પરની નિપુણતા માટે તો જાણીતા હતા, પણ તેમની મહેનત અને શંકર (જયકિશન)ના તેમના માટેના લગાવને પરિણામે તેઓ એ સંગીત બેલડીનાં તાલ વાદ્ય વિભાગને સંભાળતા થયા. તેમાંથી તેઓ તેમના સહાયક સંગીતકાર પણ બન્યા અને ૧૯૫૭માં સ્વતંત્ર સંગીતકાર પણ બન્યા. તેઓને અન્ય સંગીતકારો પણ ઢોલક કે તબલાં માટે ખાસ બોલાવતા - જેમકે સારી સારી રાત તેરી યાદ સતાયે (કલ્યાણજી આણંદજી - અજી બસ સુક્રિયા (૧૯૫૮)); આજા રે પરદેશી, ઘડી ઘડી મેરા દિલ ધડકે અને સુહાના સફર યે મૌસમ હસીં(બધાં સલીલ ચૌધરી માટે મધુમતી (૧૯૫૮).
મોહમ્મદ રફી (જમણે) સાથે રીહર્સલ કરતા દત્તારામ (ડાબે)
જોકે, આપણી આ લેખમાળાનો ઉદ્દેશ્ય દત્તારામનાં સ્વતંત્ર સંગીતકાર તરીકેનાં કામને યાદ કરવાનો છે. આ સંદર્ભે આપણે જૂન ૨૦૧૮માં તેમણે સંગીતબધ્ધ કરેલી  ૧૯૫૭થી ૧૯૫૯ સુધીની અને જૂન ૨૦૧૯માં ૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષોની ફિલ્મોનાં ઓછાં સાંભળવાં મળતાં ગીતોને યાદ કર્યાં હતાં.  આજે ૧૯૬૨ અને ૧૯૬૩માં રજૂ થયેલી તેમની બે ફિલ્મોનાં બધાં ગીતોને ફરીથી સાંભળીશું. એ ગીતોમાં ઓછાં જાણીતાં ગીતો પણ છે અને ઠીક ઠીક જાણીતાં ગીતો પણ છે, ગીતોમાં ભાવ, ગીતની બાંધણી, પાર્શ્વ ગાયકો જેવાં જૂદાં જૂદાં પાસાંઓમાં દત્તારામની સંગીતપ્રતિભાને ન્યાય મળે એટલું વૈવિધ્ય પણ છે.
નીલી આંખેં (૧૯૬૨)


અજિત અને શકીલાની મુખ્ય ભૂમિકાવળી ફિલ્મ 'નીલી આંખેં' એક 'રહસ્ય' ફિલ્મ હતી. ડબલ રોલમાં અજિતની ભૂમિકા કારણે પ્રેક્ષકોએ ધારી લીધી હોય તેવી ઘટનાઓ સાથે આગળ વધતી વાર્તા, ઠીકઠાક અભિનય, બીનકલ્પનાશીલ દિગ્દર્શન જેવાં પાસાંઓના કોઠા પાર કરીને પ્રેક્ષક સિનેમા હૉલની બહર નીકળે ત્યારે તેને ફિલ્મમાંથી દત્તારામનાં ગીતો યાદ કરવા સિવાય બીજું કશું ઘર સુધી લઈ જવામં રસ ન રહ્યો હોય. આવી ફિલ્મોનેને કારણે અમુક અપવાદો સિવાય, સંગીતકારની મહેનત કે કળા પણ ગીતની આવરદા બહુ લંબાવી નથી શક્તી. તેમાંય સંગીતકાર પણ હજુ અસ્તિત્વ માટેના સંઘર્ષના તબક્કામાં હોય તો તેની કારકીર્દીને પારાવાર નુકસાન પણ થતું હોય છે, જાણે ફિલ્મને સફળતાનો ઊંબરો પાર કરાવવાની જવાબદારી એકલા સંગીતકારની જ કેમ ન હોય ! 
પંછી અબ તુ હૈ જાલ મેં - સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા
હેલન પર ફિલ્માવાયેલું આ ગીત ક્લ્બમાં નૃત્યના પ્રકારોમાં આવતાં ગીતોની પ્રથામાં બન્યું છે. ગીતનો તાલ અને વાદ્ય સંગીત મુડ જમાવવાની કોશીશ કરે છે, પરંતુ ગીત પોતે જામતું નથી.  
નઝરકા ઝુક જાના મોહબ્બત કી નિશાની હૈ - સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા
આ ગીત પણ એક પાર્તી ગીતના પ્રકારનું જ છે. ગીતની લયની ઝડપ પણ ગીતનાં માધુર્યને ઝાંખપ નથૉ લગાવી શક્તી. ગીતમાં પ્રયોજાયેલ કાઉન્ટર મેલૉડીની વાદ્યસજ્જામાં દત્તારામે પિયાનો એક્ર્ડીયનન સુરની સાથે સિતારન ટુકડાને પણ આબાદ રીતે વણી લીધેલ છે. અંતરાનાં વાદ્યસંગીતમાં પણ એ જ પ્રયોગ બેવડાય છે.
દેખીયે ન ઈસ તરહા ઝુમ કે - ગીતા દત્ત - ગીતકાર: ગુલશન બાવરા
હેલન પરનાં આ બીજાં એક ક્લ્બ નૂત્ય ગીતમાં દત્તા રામે સાહજિક માદકતાનો ભાવ રજૂ કરવા માટે ગીતા દત્તના નશીલા સ્વરનો અસરકારક પ્રયોગ કર્યો છે. કોરસ સ્વરોનો વાદ્ય સંગીતની સાથે એકરાગ કરવામાં પણ દત્તારામની સર્જકતાનો સ્પર્શ અનુભવાય છે.

તેરી નઝરોણે ઐસા કાટા - મોહમમ્દ રફી - ગીતકાર: ગુલશન બાવરા
જોહ્ની વૉકરને ફાળે આવતું ગીત તેમની અભિનય શૈલી સાથે સુસંગત હોવું જોઈએ અને તે સાથે દર્શકને સિનેમા હૉલની બહાર 'હવા ખાવા' જવા ન પ્રેરે તેવું પણ હોવું જોઇએ એવી બધી કસોટીઓમાં દત્તારામ પાર ઉતરે છે.
અય મેરી જાન-એ- વફા મૈને દેખા હૈ યે ક્યા ઝુલ્ફ ચહેરે પે ગીરી ચાંદ બદલી મેં છૂપા - મુકેશ - ગીતકાર: ગુલશન બાવરા
ગીતના મુખડાના પ્રારંભના બોલને પરદા પર (ભર બપોરે!) ચાંદનાં વાદળોમાં છ્પાઈ જવાનાં પૂર્વદૃશ્ય દ્વારા રજૂ કરવામા આવે છે. વાદ્યસંગીત તેને વાયોલિનસમુહવાદન સાથે સાથ આપે છે. વાદળોમાંથી સપાટી પર પડતાં ટીપાઓને ગીટારના ટુકડાઓથી સ્વરસજ્જિત કરવામાં આવેલ છે. ધીમે ધીમે કેમેરા હોડીમાં બેસીને માછલી પકડવાનો ખેલ કરતી શકીલા પરથી થઈને  માલની ફેરફેર કરતાં માછીમારોના સમુહ દ્વારા ગુંજારવ થતી લોકધુન તરફ ખસે છે. તે પછી મુકેશના સુરને અનુરૂપ સ્વરરચનામાં ગીત શરૂ થાય છે. અંતરાનાં સંગીતમાં પણ માછીમારોની લોકધુનનો ગુંજારવ પ્રધાન સ્થાને છે. 
યે નશીલી હવા છા રહા હૈ નશા - મન્ના ડે, સુમન કલ્યાણપુર - ગીતકાર: ગુલશન બાવરા
આ યુગલ ગીત ફિલ્મ સંગીતના ચાહકોને બહુ ગમ્યું , બહુ સમય સુધી યાદ પણ કરાતું રહ્યું, પછી ભલેને તેના સર્જક દત્તારામ છે તે યાદ ન પણ હોય ! ગીતનો ઉપાડ વાયોલિન સમુહની સાથે સાથે વણી લેવાયેલ તંતુ વાદ્યોના પૂર્વાલાપ થી થાય છે. મુખડાના બોલમાં 'યે' 'નશીલી' 'હવા'ને મન્ના ડે પાસે કરાવાયેલા બહુ અનોખા તત્કાલ ઉતારચડાવમાં દત્તારામના તાલ વાદ્યોના 'ઠેકા' જોવો જ ચમકારો છે. તે જ રીતે અંતરાના બોલનો ઉપાડ પણ જે રીતે બન્ને ગાયકો પાસે કરાવવામાં આવ્યો છે તે ગીતના મુડને વધારે ઘૂંટે છે. ગીતના અંતમાં ક્યાંતો વાદ્યસમુહ કે ક્યાંતો, અહીં કરવામાં આવ્યું છે તેમ, ગાયન ધીમે ધીમે મંદ પડતું જાય એ પ્રકારના પ્રયોગ શંકર જયકિશનનાં ગીતોમાં મહદ અંશે જોવા મળે. તે સાથે પરદા પરનું દૃશ્ય લોંગ શોટમાં જતું હોય. દત્તારામે પોતાના એ અનુભવને અહીં ગીતના અંતમાં વણી લીધેલ છે. તે સાથે પર્દા પરનું દૃશ્ય સીલ્વેટ ફોટોગ્રાફીમાં ઝીલાય છે.

જબ સે તુમ્હેં દેખા હૈ (૧૯૬૩)

યુવક યુવતી પ્રેમમાં પડે, તેમાં વિલન દ્વારા અવાર નવાર અવરોધો આવતા રહે, થોડાં આનંદનાં, એકાદ બે કરૂણ ભાવનં ગીતો પ્રસંગ અનુસાર વણી લેવાયાં હોય એવી ફોર્મ્યુલા પરથી બનેલ ફિલ્મો મોટા ભાગે ટિકિટબારી પર બહુ બુરી રીતે પીટાતી નહીં. મુખ્ય ભૂમિકામાં પ્રદીપ કુમાર અને ખુબ જ જીવંત અભિનય માટે જાણીતાં ગીતા બાલી છે. દત્તારામનાં સંગીએ સિનેમા હૉલમાં ટિકિટ ખર્ચીને ગયેલાં દર્શકોને જરૂર નિરાશ નહીં કર્યાં હોય. .
તુમ્હેં ઈશ્ક દે કે ખુદાને સિતમગર બનાયા - લતા મંગેશકર, મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે - ગીતકાર:  આનંદ બક્ષી
ઈબાદત માટે દુઆ માંગવાના એક ગેય પ્રકાર, કવ્વાલી,ને હિંદી ફિલ્મોમાં આઈટેમ ગીત તરીકે ચલણી બનાવવામાં મુઘલ-એ-આઝમ (૧૯૫૯) કે બરસાતકી રાત (૧૯૬૦ )જેવી ફિલ્મોમાં પ્રયોજાયેલા આ પ્રકારનાં ગીતોની અદ્‍ભૂત સફ્ળતાનો બહુ મોટો ફાળો છે. 'જબસે તુમ્હે દેખા હૈ'માં પણ આ ગીત પ્રકારને કામે લગાડાયો છે. સ્ત્રી અને પુરુષ એ બન્ને પક્ષો વચ્ચે હરીફાઈ, તબલાંની થાપ અને હાર્મોનિયમના ટહુકાઓ, તાલીઓનો લયબધ્ધ સંગાથ, મુસ્લીમ માહોલ પેદા કરતો પહેરવેશ વગેરે જેવાં 'આવશ્યક પરિબાળો'ની હાજરી અહીં પણ છે.
આટલું  ઓછું લાગ્યું હશે તે કવાલીને શરૂ કરવા માટે પર્દા પર ઓમપ્રકાશ અને ભગવાનને ઉતારવામાં આવ્યા. તેમને પણ નવાઈ લાગ્તી હોય તેમ દેખાડાયું છે તેમ કુમકુમ અને શ્યામાનાં કેમીયો વડે તેમાં નૃત્ય પણ ઉમેરાયું. આટલા મસાલા પણ ઓછા પડતા હશે એટલે શમ્મી કપૂર અને શશી કપૂરની સેવાઓ પણ લેવાઈ.
આટઆટલા મસાલાઓ સાથેની વાનગીને દત્તારામે એકદમ સ્વાદિષ્ટ અંદાજમાં પકાવીને રજૂ કરી છે.


યે દિન દિન દિન હૈ ખુશી કે, આજા રે આજા સાથી મેરી ઝિંદગી કે - મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: શૈલેન્દ્ર
દત્તારામને મન્ના ડે અને સુમન કલ્યાણપુરનાં યુગલ ગીતોની સારી ફાવટ આવી ગઈ છે.  મન્ના ડેનો સાથીને પોકાર કરો આલાપ અને તેના જવાબની રાહ જોતો હોય એવો તંતુવાદ્યોના સ્મુહનો હળવો સાથ અને પછી અપેક્ષા પુરી થતાં વધી જતા ધબકાર જેવો ઝડપથી જોડાતો તાલવાદ્યો અને વાંસળીનો સંગાથ ગીતના પૂર્વાલાપથી જ મૂડની જમાવટ કરે છે. આ જ આલાપનો અંતરાના સંગીતમાં પણ પ્રયોગ કરવાની દત્તારામની ફોર્મ્યુલા પણ અહીં સફળતાથી અજમાવાઈ છે. ગીતના અંતનો આરંભ સુમન કલ્યાણપુરના ધીમા જતા સ્વરમાં કરાયો છે.
આડવાત - પહેલા અંતરામાં વાંસળીના સુરને પર્દા પર જીવંત કરતો નાનો છોકરો ગીતા બાલી અને શમ્મી કપૂરનો પુત્ર આદિત્ય છે. 
મોહમ્મદ શાહ રંગીલે...ગાવત આજ પ્રેમ રોગ - મન્ના ડે – ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીતની ડિજિટલ નકલ ઇન્ટરનેટ પર નથી જોવા મળી.
ચાંદ તલે ઝુમ ઝુમ થિરક રહી ઘૂંઘરવાલીયાં - સુમન કલ્યાણપુર, સુબીર સેન – ગીતકાર: શૈલેન્દ્ર
લોક નૂત્યના ઢાળમાં રચાયેલાં આ સમુહ નૂત્ય ગીતને દત્તારામની તાલની સમજ અને મેલોડીની સૂઝ સુપેરે કર્ણપ્રિય રચના બનાવે છે. કોરસમાં થતા તાળીઓની થાપમાં દત્તુ ઠેકાની છાપ કળાય છે. અહીં સુબીર સેનનો કરાયેલા પ્રયોગ જેવ અન્ય પ્રયોગોને કારણે દત્તારામ પર શંકર જયકિશનની અસરથી બહાર ન નીકળી શક્યાનું આળ ચડતું રહ્યું.
શંકર જયકિશને આ પહેલાં  કઠપુતલી, ૧૯૫૭ (મંઝિલ વહી હૈ પ્યારકી), છોટીબહેન, ૧૯૫૯ (મૈં રંગીલા પ્યાર કા રાહી), આસ કા પંછી, ૧૯૬૧ (દિલ મેરા એક આસ કા પંછી), રૂપ કી રાની ચોરોં કા રાજા, ૧૯૬૨ (આજા રે આજા  આજા પ્રેમ દુવારે) અને પછીથી અપને હુએ પરાયે, ૧૯૬૪ (ગગન કે ચંદા ન પુછ હમ સે ) જેવાં વૈવિધ્યસભર ગીતોમાં સુબીર સેનના સ્વરનો સફળ પ્રયોગ કર્યો છે.

અરે રે દિલ ખો ગયા ઢૂંઢું કહાં અય દિલરૂબા - મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: શૈલેન્દ્ર
કોમેડીઅનને ફાળવવાં પડતં ગીતની 'મસાલા ' ફોર્મ્યુલાને દત્તારામે પાશ્ચાત્ય અને આપણાં તાલ વાદ્યોના  વારાફરતી પ્રયોગ કરતા તાલમાં સજાવી લીધી છે.

હમ આપકી મહેફિલમેં  ભૂલે સે ચલે આયે… હો માફ ખતા અપની ગર્દિશ સે હૈ બહેકાયે - મોહમ્મદ રફી કોઈ પ્રસંગની ઉજવણી હોય ત્યારે, અચાનક જ ફર્માઈશ થાય ત્યારે એક (મોટા ભાગે પુરુષ) પ્રેમી બીજાંને, જમાવીને, ફરિયાદો કરે અને બધાં મહેમાનો એ ગીતને માણતાં બેસી રહે એ પ્રકાર પણ હિંદી ફિલ્મોમ્માં બહુ પ્રચલિત પ્કાર હતો. જોકે, દર્શક/ શ્રોતા તરીકે આપણને પણ મોટા ભાગે એ ગીતો સંભળવાં ગમ્યાં છે. જે ફિલ્મમાં આ ગીત મુકાય તેના સંગીતકારે અન્ય ગીતોની હરીફાઈમા પાછળ ન પડી જવાય એ બાબતે સરખી જહેમત ઉઠાવવી પડતી હશે ! દત્તારામ આ કસોટીમાં પણ બહુ સારી રીતે પાર ઉતરે છે.

આજે આપણી પાસે દત્તારામને કારકીર્દી હવે પછીના વર્ષોમાં કેવા વળાંકોમાંથી પસાર  થઈ તેની પાર્શ્વદૃષ્ટિની જાણનો લાભ છે તેથી જણાય છે કે ગીતના મુખડાના પ્રારંભના બોલ, 'હમ આપકી મહેફિલ મેં ભૂલે સે ચલે આયેટોચની કક્ષાના સંગીતકારોની મહેફિલમાં દત્તારામનાં બેસવા અંગે કેટલા સચોટ નીવડવાના હતા…...
દત્તારામની કારકીર્દી હવે કયા કયા વળાંકોવાળી શેરીઓમાંથી પસાર થવાની છે તેનાં સાક્ષી બનવા માટે આપણે હવે પછીના અંકની રાહ જોવી પડશે.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, June 9, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જૂન, ૨૦૧૯

દત્તારામ - હાલ-એ-દિલ હમારા જાને ના.. યે બેવફા જ઼માના

દત્તારામ (લક્ષ્મણ વાડકર (જન્મ ?-?-૧૯૨૯ / અવસાન ૮-૬-૨૦૦૭)નો સંગીત સાથેનો સંબંધ બાલ્યવયથી બંધાયો હતો. ૧૩ વર્ષની વયે તેઓની પંઢરી નાગેશ્વર પાસે તબલા વાદનની તાલીમની શરૂઆત થઈ. '૪૦ના દાયકાના મધ્યા ભાગની આસપાસ તેઓ મુંબઈ આવી વસ્યા. થોડો સમય તેમણે સજ્જાદ હુસૈનના સહાયક તરીકે કામ કર્યું. વિધિના લેખમાં તેમનો સંકર સાથે મેળાપ હશે, એટલે એવી એક મુલાકાત પછી તેઓ શંક્રર સાથે પૃથ્વી થિયેટર્સની સંગીત ટીમમાંકામે લાગ્યા, નાટકોમાં આવતા વિરામ વખતે નેપથ્યમાંથી સંગીત પીરસતી ત્રિપુટીના તેઓ સક્રિય સભ્ય હતા. બીજા બે સભ્ય હતા - સિતાર પર રામ ગાંગુલી અને શહનાઈ પર રામલાલ.

રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ' ૧૯૪૮માં તેઓ રામ ગાંગુલીના સહાયક હતા. રાજ કપૂરની તે પછીની ફિલ્મ 'બરસાત' (૧૯૪૯)માં તેઓ શંકર જયકિશનના સહાયક બન્યા. શંકર જયકિશન સાથેનો આ સંબંચ ૧૯૭૭ની ફિલ્મ 'ધૂપ છાંવ'સુધી ચાલુ રહ્યો. 'અરસાત' પછીથી ધીમે ધીમે તબલા / ઢોલક વાદનની તેમની આગવી શૈલી 'દત્તુ ઠેકા' તરીકે હિંદી ફિલ્મ જગતમાં મશહૂર થઈ.

૧૯૫૭ની આરકે ફિલ્મ્સની 'અબ દિલ્લી દૂર નહીં' દ્વારા તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂં કર્યું. ૧૯૭૧ સુધીમં તેમણે ૨૧ જેટલી ફિલ્મોમાં જ સંગીત આપ્યું. જેમનાં ઘણાં ગીતો સફળ રહ્યાં હોય, તેમ છતાં જે સંગીતકારોને 'સફળ સંગીતકારો'ની પ્રથમ હરોળમાં ક્યારે પણ સ્થાન નથી મળ્યું એવી હિદી ફિલ્મ સંગીતની આગવી ક્લબના સભ્ય બની રહેવાનું દત્તારામનાં નસીબમાં પણ લખાયું હશે ! તેમની કારકીર્દીની શરૂઆતમાં રાજ કપૂરની મદદ પણ વિધિના લેખ બદલવામાં કામ ન આવી.

૨૦૧૮થી આપણે દત્તારામની યાદ તાજી કર્તી લેખમાળા શરૂ કરી છે. ૨૦૧૮ના અંકમાં આપણે આપણે દત્તારામે રચેલાં ૧૯૫૭થી ૧૯૫૯નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજના અંકમાં આપણે દત્તારામનાં ૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષોનાં બહુ જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતો સાંભળીશું. આ વર્ષોમાં એવાં ગીતો જરૂર છે જે એ સમયે ખાસાં લોકપ્રિય થયં હતાં, પણ ગીતોની એ સફળતા દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકીર્દીને પ્રથમ હરોળના સંગીતકારોની કક્ષામાં સ્થાન અપાવી શકવા જેટલી પ્રબળ ન નીવડી શકી.

કાલા આદમી (૧૯૬૦)

આપણામાંના મોટા ભાગનાંને આ ફિલ્મ વિષે કંઈ જ ખબર નહીં હોય, પણ તેનું આ ગીત - દિલ ઢુંઢતા હૈ સહારે સહારે - લગભગ બધાને યાદ હશે.

આ ફિલ્મનાં બીજાં ગીતો આજે કદાચ યાદ ન હોય તો અહીં સાંભળશો તો જરૂરથી ગમશે.

આંખ મિલાકે વાર કરૂંગી રોકો – ગાયિકા: સુમન કલયણપુર – ગીતકાર: હસરત જયપુરી

'પૂર્ણતઃ' ક્લબ ડાન્સનાં આ ગીતમાં દત્તારામ સુમન કલ્યાણપુરના સ્વરનો બહુ સહજતાપૂર્વક પ્રયોગ કરે છે. ગીત મિનુ મુમતાઝ પર ફિલ્માવાયું છે.

અખીયાં મિલાકે તૂને મુઝકો હી જીત લિયા – ગાયિકા: લતા મંગેશકર – ગીતકાર: હસરત જયપુરી

અહીં સીચ્યુએશન, હિંદી ફિલ્મોનાં ગીતોના એક બહુ પ્રચલિત પ્રકાર, 'પાર્ટી'ની છે. ગીતનું ફિલ્માંકન મુખ્ય અભિનેત્રી શ્યામા પર છે એટલે પાર્શ્વસ્વર લતા મંગેશકરનો છે ! ગીતના પૂર્વાલાપ અને અંતરા વચ્ચેનાં વાદ્યસંગીતની બાંધણીમાં શકર જયકિશનની શૈલીની છાંટ પણ જોવા મળે છે, પરંતુ દત્તુ ઠેક્કાની ધ્યાન ખેંચતી હાજરી ગીતને પૂર્ણ રૂપથી દત્તારામની રચના કરી રહે છે.

શ્રીમાન સત્યવાદી (૧૯૬૦)

દત્તારામ 'પરવરિશ' (૧૯૫૮) પછી ફરી એક વાર રાજ કપૂર અભિનિત ફિલ્મ માટે સંગીત આપી રહ્યા છે.'પરવરિશ'માં તેમણે આંસુ ભરી હૈ જીવનકી રાહેં સિવાયનાં રાજ ક્પૂર દ્વારા પરદા પર ગવાયેલાં ગીતો માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો હતો. ગીતો લોકપ્રિય પણ થયાં હતાં. અહીં હવે રાજ કપૂરનાં બધાં ગીતો મુકેશના સ્વરમાં જ રેકોર્ડ કરાયાં છે, જે પૈકી હાલ-એ-દિલ હમારા જાને ના જાને ના યે જમાના અને અય દિલ દેખે હૈ હમને બડે બડે સંગદિલ તો ખાસાં એવાં લોકપ્રિય પણ થયેલાં.

ૠત અલબેલી મસ્ત સમાં, સાથ હસીં હર બાત જવાં – ગાયક: મુકેશ – ગીતકાર: ગુલઝાર દિન્વી

ગીત ફિલ્માવાયું છે હિંદી ફિલ્મોનાં ગીતો એ સમયના એક પ્રચલિત પ્રકાર - 'ટાંગા / વિક્ટોરિયા' ગીત - તરીકે પણ દત્તારામે એ પ્રકારનાં ગીતોમાં રિધમ માટે ઘોડાના ડાબલાના અવાજનો આભાસ થાય તેવી રિધમનો ઉપયોગ કરવાને બદલે પોતાના આગવા દત્તુ ઠેકાનો અભિનવ રીતે પ્રયોગ કર્યો છે.

એક બાત કહું વલ્લાહ યે હુસ્ન સુભાન અલાહ - ગાયકો: મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, મુકેશ – ગીતકાર: ગુલઝાર દિન્વી

મહેમૂદના પાર્શ્વસ્વર તરીકે દત્તારામે મહેન્દ્ર કપૂરનો બહુ અસરકારકતાપૂર્વક પ્રયોગ કરેલ છે. રૂસણાંમનામણાંના એક વધારે હિંદી ફિલ્મોના ગીતોના પ્રકારને હળવી સીચ્યુએશનમાં પણ દત્તારામ બહુ સાહજિકતાથી ન્યાય આપે છે.

યુટ્યુબ પર એક સ-રસ વિડીયો ક્લિપ - PreSong Dances - જોવા મળે છે જેમાં આ ફિલ્મનાં ગીતોમાં નૃત્ય સંગીતના સ્વરૂપમાં ફિલ્માવાયેલા ટુકડાઓના પૂર્વાલાપ રજૂ કરાયા છે. અહીં દત્તારામની વાદ્યવૃંદ સંયોજન બાબતની સજ્જતા જોવા મળે છે. તેઓએ દરેક ટુકડામાં જૂદાં જૂદાં વાદ્યોને પ્રાધાન્ય આપ્યું છે. 

ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧)

કોઈ પણ સંગીતકાર કે કલાકારને જ્યારે પ્રથમ હરોળની ફિલ્મોમાં કામ ન મળે એટલે પોતાની કારકીર્દીને ટકાવી રાખવા માટે તેને હિંદી ફિલ્મોમાં જેને બી કે સી ગ્રેડની ફિલ્મો કહે છે તેમાં કામ કરવાનું સ્વીકારવું પડતું હોય છે. નસીબ સવળું ચાલે તો હરોળ કુદીને આગળ આવી શકવાની તક મળે, નહીંતર એ બી કે સી ગ્રેડની ફિલ્મોમાં તમારાથી શક્ય એટલું સારૂં કામ કરીને દહાડા વિતાવવા પડે. દત્તારામ પણ હવે આ કળણમાં પગ મૂકવાનું જોખમ ખેડી રહ્યા લાગે છે.

અજબ હૈ યે દુનિયાકે રાઝ, જો ભી મિલે વો મસ્કાબાજ – ગાયિકા: ગીતા દત્ત – ગીતકાર: ગુલશન બાવરા

એક સમય હતો જ્યારે ગીતા દત્તના સ્વરનો સ્પર્શ આ પ્રકારનાં ગીતોમાં નવો જાન રેડી દેતો, પણ હવે કદાચ એ માટે બહુ મોડું થઈ ગયું કહેવાય. ગીતા દત્તને પસંદ કરવા પાછળ બી /સી ગ્રેડની ફિલ્મોનાં બજેટની સંકડામણ, મુખ્ય ધારાનાં ગાયકોનો સમય મેળવવા માટે મોટાં બૅનરની ફિલ્મો સાથેની હરીફાઈ જેવી કડવી વાસ્તવિકતાઓ પણ હોઈ શકે છે. 


ઈતને બડે જહાંમેં અપના ભી કોઈ હોતા – ગાયિકા: સુમન કલ્યાણપુર

એક આનંદનું અને બીજું કરૂણ ભાવનું હોય એવાં સ્ત્રી-સ્વરનાં જોડીયાં ગીતોના પ્રકારનાં આ ગીતને દત્તારામ બધી જ દૃષ્ટિએ સફળતાથી ન્યાય આપે છે. આ બન્ને ગીતો સુમન કલ્યાણપુરનાં શ્રેષ્ઠ ગીતોની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યાં છે.

Version 1 

Version 2
 
ફર્સ્ટ લવ (૧૯૬૧)

દત્તારામ દ્વારા સંગીતબધ્ધ થયેલી એક વધુ ફિલ્મ, જે ખુદ ભલે આજે ગુમનામીની ગર્તામાં ભુલાઈ ગઈ છે, પણ તેનાં ગીતોની યાદ વીસરાઈ નથી.

મુઝે મિલ ગયી હૈ મોહબ્બતકી મંઝિલ, કોઈ પૂછ લે યે મેરે હમસફર સે – ગાયક: મુકેશ – ગીતકાર: ગુલશન બાવરા

દત્તારામ ફરી એક વાર મુકેશના સ્વરમાં એક સફળ ગીતની રચના કરે છે.

માનો યા ના માનો, મેરી ઝીંદગીકી બહાર હો – ગાયકો: મુકેશ, સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા

ગીતની ધુન મુકેશનાં યુગલ ગીતોની એક નિશ્ચિત ફોર્મ્યુલા પર બનાવીને દત્તારામે નવો પ્રયોગ કરવાનું જોખમ ખેડવાનું ટાળ્યું છે. 


આ ફિલ્મમાં મુકેશનાં ઉપર યાદ કરેલ સૉલો જેટલું જ મહત્ત્વનું સ્થાન સુમન કલ્યાણપુરનાં સૉલો - બીતે હુએ દિન કુછ ઐસે હી થે, યાદ આતે હી દિલ મચલ જાએ (ગીતકાર: ગુલશન બાવરા)-નું પણ છે. દત્તારામે સુમન કલ્યાણપુરના સ્વરમાં કરૂણ ભાવને બહુ અસરકારક રીતે ઘૂંટ્યો છે. આ ગીતને પણ સુમન કલ્યાણપુરનાં શ્રેષ્ઠ ગીતોની, વિવેચકો તેમ જ સામાન્ય શ્રોતાઓ એમ બન્ને પ્રકારના દૃષ્ટિકોણથી, અગ્રીમ હરોળમાં સ્થાન મળતું રહ્યું છે.

ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧)

સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાનાં સ્પર્ધાત્મક દબાણ હેઠળ દત્તારામને હવે જેને હિંદી ફિલ્મ જગતમાં બી/સી ગ્રેડની, ઓછાં જાણીતાં નિર્માણ ગૃહો દ્વારા પ્રમાણમાં નવાં કહી શકાય તેવાં મુખ્ય કલાકારોને લઈને બનાવાતી ફિલ્મોમાં કામ કરવાની ફરજ પડવાનું જણાવા લાગ્યું છે, જોકે આ કારણે તેમને જૂદી જૂદી શૈલીના ગીતકારો સાથે કામ કરવાની તક પણ સાપડી.

ફૂલ બગીયામેં ભવરેં આયેં, અકેલી ચમેલી ઘબરાયે – ગાયિકા: મુબારક બેગમ – ગીતકાર: પ્રદીપજી

મુજરાના ગીતના પ્રકારમાં દત્તારામ મુબારક બેગમના સ્વરની ખૂબીઓને પણ સહજતાથી વણી લીધી છે.

કિધર મૈં જાઉં સમજ઼ ના પાઉં,...કભી કિસીકી ખુશિયાં કોઈ લૂટે ના – ગાયક: મુકેશ – ગીતકાર: પ્રદીપજી

ફરી એક વાર દત્તારામે કરૂણ ભાવનાં પુરુષ ગીતમાટે મુકેશનો બહુ જ સફળ પ્રયોગ કર્યો છે. ગીતના પ્રકારની દૃષ્ટિએ આ ગીત 'પિયાનો'ગીતના પ્રકારનું છે, એટલે દત્તારામે વાદ્યવૃદમાં પિયાનોને મુખ્ય વાદ્ય તરીકે સ્થાન આપ્યું છે..

ન જાને કહાં તુમ હો ન જાને કહાં હમ હૈ – ગાયકો: મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: પ્રદીપજી

ખુલ્લાંમાં ગવાતા રોમેન્ટીક ગીતોની સીચ્યુએશન માટે દત્તારામની પસંદ મન્ના ડે તરફ ઢળતી રહી છે. 

આડવાત :
મન્ના ડે અને સુમન કલ્યાણપુરના સ્વરોમાં ગવાયેલું આ ગીત પર્દા પર, અનુક્રમે, રાજેન્દ્ર કુમાર અને મીના કુમારી પર પરદા પર ફિલ્માવાયું છે. એ સમયે મીના કુમારી તો સ્ટાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં. સુમન કલ્યાણપુર અને મન્ના ડેની પોતપોતાની આગવી ક્ષમતા છતાં પાર્શ્વગાયનનાં એ વખતનાં સ્પર્ધાત્મક રાજકારણના પ્રવાહોને કારણે તેઓ પ્રથમ પસંદનાં ગાયકો ન બની શક્યાં, જ્યારે આ બધામાં કદાચ સૌથી વધારે મર્યાદિત ક્ષમતા ધરાવતા રાજેન્દ્ર કુમારને નસીબની એવી મદદ મળી કે તે ફિલ્મ જગતના ઈતિહાસમાં 'જ્યુબિલી-કુમાર' તરીકેના સ્થાનના હકદાર બન્યા.
કટીલે કટીલે નશીલે નશીલે કૈસે જ઼ોંકે આયે, હવાકે જ઼ોકે આયે – ગાયિકા: સુમન કલ્યાણપુર અને સાથીઓ – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતની બાંધણી સલીલ ચૌધરીની અને વાદ્ય સજ્જા શંકર જયકિશનની શૈલીની નજીક જણાય તેવાં આ ગીતની લય એકદમ દ્રુત હોવા છતાં ગીતનાં સ્વાભાવિક માધુર્યને જરા પણ આંચ નથી આવી. 

આપણા દરેક અંકને, તે અંકના વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની આપણી પરંપરા અનુસાર આજે આપણે દત્તારામનાં સંગીત નિદર્શનવાળી જે ફિલ્મોનાં ગીત સાંભળ્યાં તે દરેક ફિલ્મમાંનું મોહમ્મદ રફીનું એકેક ગીત સાંભળીશું. ખાસ નોંધનીય બાબત એ છે આ દરેક ગીત દત્તારામની સંગીત નિપુણતાનાં વૈવિધ્યનો (બોલતો) પુરાવો છે.

બીમા લાઈફ બીમા પોલિસી ! બાબુ ઇન્સ્યોરન્સ કરા લો, મિસ્ટર ઇન્સ્યોરન્સ કરા લો - કાલા આદમી (૧૯૬૦) – ગીતકાર: હસરત જયપુરી

હિંદી ફિલ્મોમાં જ્હોની વૉકરનાં ગીતોની આગવી ઓળખ રહી છે. 

રંગ રંગીલી બોતલ કા દેખો જાદૂ - શ્રીમાન સત્યવાદી (૧૯૬૦) – ગીતકાર: ગુલઝાર દિન્વી

મહેમૂદ પર ફિલ્માવાયેલાં ગીતોનો પણ એક આગવો પ્રકાર છે, જોકે ગીતનું પાર્શ્વગાયન મોહમ્મદ રફીએ કરેલ છે.

મુઝે જગ દી બના દે મલિકા - ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે

દત્તુ ઠેકાના આગવા પ્રયોગથી સજ્જા ભાંગડા નૃત્ય શૈલીનું ગીત. 

ઓ દેખો આયી બહારેં લાયી, વો દેખો આયી મેરી સેનૉરિટા - ફર્સ્ટ લવ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: ગુલશન બાવરા

'૬૦ના દાયકાં બહુ પ્રચલિત એવું 'પિકનિક' ગીત.

મેરા બંદર ચલા હૈ સસુરાલ, દેખો ઝરા લટકા, હોય બેટાજી કે લાલ લાલ ગાલ - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - કમલ બારોટ સાથે – ગીતકાર: પ્રદીપજી

શેરીમાં ગવાતાં ગીતનો પણ હિંદી ફિલ્મોનો એક મહત્ત્વનો પ્રકાર છે. દત્તારામે સ્ત્રી સ્વરમાં કમલ બારોટના સ્વરનો બખૂબી પ્રયોગ કર્યો છે. કમલ બારોટ પણ એક ઓછાં નસીબવાળાં કલાકાર હતાં. તેમના ભાગે આ પ્રકારનાં યુગલ ગાનો ગાવાનું જ નસીબે લખી આપ્યુ!

દત્તારામનાં સંગીત નિદર્શનની આપણી સફર હજૂ આગળ પણ ચાલુ રહેશે.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.










































































Sunday, June 10, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુન,૨૦૧૮


દત્તારામ - અબ દિલ્લી દૂર નહીં??
દત્તારામ (લક્ષ્મણ વાડકર ) -  ?-?-૧૯૨૯ / ૮-૬- ૨૦૦૭ - હિંદી ફિલ્મ સંગીત દુનિયાની જેટલી જાણીતી, તેટલી જ ઓછી દસ્તાવેજિત થયેલ, ગોવાના અરેંજર ક્લબના એક એવા સભ્ય હતા જેમને સ્વતંત્ર સંગીતકાર બનવાની તક મળી, તેમનાં ગીતોને વ્યાપક લોકપસંદગી પણ મળી અને તેમ છતાં જે 'સફળ' સંગીતકારોની ક્લબમા સ્થાન મેળવી ન શક્યા. તેમની વધારે જાણીતી ઓળખાણ કદાચ શંકર-જયકિશનના સહાયક સંગીતકાર તરીકેની જ બની રહી.
૧૯૪૨માં બોમ્બે આવ્યા પછી તેમણે તેમના તબલાં વાદનના પ્રેમને ઉસ્તાદોની દેખરેખ હેઠળ ખૂબ માવજતથી સીંચ્યો. રીયાઝની સાથે શારીરીક કસરતના પણ શોખીન હોવાને નાતે તેઓ એક જિમમાં જતા જ્યાં તેમની ઓળખાણ શંકર સાથે થઇ, જે જીવનપર્યંતના સંબંધમાં પ્રસરી ગઈ. દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે ૧૯ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનાં ગીતો સફળ થતાં હતાં, પણ એટલાં પણ નહીં કે તે  પોતાની અલગ પહેચાન બનાવીને ટકી શકે. એટલે સાથે સાથે તેમણે શંકર જયકિશનના સહાયક તરીકે ૫૦ જેટલી ફિલ્મોમાં કામ પણ કર્યું. શંકર જયકિશન સાથે જોડાતાં પહેલાં તેમણે ત્રણેક મહિના સજ્જાદ હુસેનના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.
દત્તારામની 'રિધમ' બાબતે અનોખી નિપુણતા હતી એટલું જ નહીં પણ બહુ જ આગવી સૂઝ પણ હતી. એટલે જ, હિંદી ફિલ્મના સુજ્ઞ ચાહકો માટે દત્તારામ તેમના 'દત્તારામ ઠેકા' માટે વધારે પ્રખ્યાત છે. તેમના આ આગવા ઠેકાનાં અસંખ્ય ઉદાહરણોમાંથી બેએક ઉદાહરણો તો પ્રતિક્ષિપ્ત ક્રિયાની ઝડપે મનમાં તરી આવે છે - મસ્તી ભરા હૈ સમા (પરવરિશ) - ઢોલક કે મેરા નામ રાજૂ ઘરાના અનામ (જિસ દેશમેં ગંગા બહેતી હૈ) ડફ. હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના 'સફળ' સંગીતકારોની યાદીમાં ભલે દત્તારામના નામને સ્થાન ન મળે પણ સરળ, ગણગણી શકાય તેવી, અને છતાં ખૂબ જ આગવી, ધુનોની રચનાના એ સમયમાં દત્તારામનું યોગદાન અવિસ્મરણીય જરૂર બની રહેશે.
આપણી આ લેખમાળામાં આપણે એક કલાકારનાં વિસરાતાં જતાં યોગદાનોને દરેક વર્ષે, હવે શક્ય હોય ત્યાં સુધી હોય એક પેટાશ્રેણીના સ્વરૂપે, યાદ કરીએ છીએ. દત્તારામપરની આ શ્રેણીમાં આપણે તેમની ફિલ્મોનાં બે એક યાદગાર ગીતોની નોંધ લેવાની સાથે યાદોની ગર્તમાં ખોવાઈ ચૂકેલાં ગીતોને સાંભળીને એ ગીતોની યાદ તાજી કરીશું.
૧૯૫૭ની 'અબ દિલ્લી દૂર નહીં' દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલવહેલી ફિલ્મ હતી. ફિલ્મ હતી આરકે ફિલ્મ્સના બૅનર હેઠળની ફિલ્મ, પરંતુ તેમાં 'માસ' માટેનો કોઈ જ મસાલો નહોતો. ફિલ્મ ખૂબ સંવેદનશીલ ફિલ્મ હતી, અને તેનાં ગીતોની એ સમયે ખૂબ સરાહના પણ થઈ હતી. ચુન ચુન કરકે આઈ ચિડીયા (મોહમ્મદ રફી) અને યે ચમન હમારા અપના હૈ (આશા ભોસલે) તો આજે પણ આપણી જબાન પર છે.
જિયો લાલ તુમ મેરે લખો બરસ - અબ દિલ્લી દૂર નહી (૧૯૫૭) - લતા મંગેશકર - હસરત જયપુરી
દત્તારામની કારકીર્દીનું સૌથી પહેલું રેકોર્ડ થયેલું આ ગીત ભૈરવી રાગમાં જપતાલ પર આધારિત છે. અન્ય જાણકાર બ્લૉગર્સ નોંધે છે કે ગીતનું ફિલ્મીકરણ મીના ફર્નાન્ડીઝ અને માસ્ટર રોમી પર કરાયું છે, ગીતમાં ખૂબ નાની વિજયા ચૌધરી અને મોતીલાલ પણ નજરે ચડે છે. 
માતા ઓ માતા અગર તુમ આજ હોતી - અબ દિલ્લી દૂર નહીં (૧૯૫૭) - સુધા મલ્હોત્રા - શૈલેન્દ્ર
સુધા મલ્હોત્રાની આ ગીત માટેની પસંદગી તેમના સ્વરમાં બાળકના અવાજના ભાવને કારણે કરી હશે.


પરવરિશ (૧૯૫૮)નાં આંસુ ભરી હૈ જીવન કી રાહેં (મુકેશ) અને મસ્તી ભરા હૈ સમા (મન્ના ડે, લતા મંગેશકર) બે ગીતો તો એટલાં લોકપ્રિય થયાં હતાં કે આ ફિલ્મ પછી દત્તારામ 'સફળ' સંગીતકારોની હરોળમાં કેમ સ્થાન ન મેળવી શક્યા એ સવાલ જ આપણને મુંઝવતો રહે છે.

ઝૂમે રે...હો મેરી ગોદમેં તારે ઝૂમે - પરવરિશ (૧૯૫૮) - આશા ભોસલે - હસરત જયપુરી
લલીતા પવારને પ્રેમાળ માતાની ભૂમિકામાં જેટલો લ્હાવો છે એટલો જ લ્હાવો તેમણે ચરિત્ર ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું પછી પરદા પર ગીત ગાતાં સાંભળવામાં પણ છે 

જાને કૈસા જાદૂ કિયા રે બેદર્દી બાલમ - પરવરિશ (૧૯૫૮) - સુધા મલ્હોત્રા, આશા ભોસલે - હસરત જયપુરી
હવે દત્તારામ સુધા મલ્હોત્રા અને આશા ભોસલેના સ્વરોનો પ્રયોગ મુજરાની સાવ અલગ જ પરિસ્થિતિમાં ફિલ્માવાયેલ ગીતમાં કરી બતાવે છે. પરદા પર રાજ કપૂર કેટલી સલુકાઈથી તબલાં પર પોતાનો હાથ અજમાવતા જોવા મળે છે 

બેલીયા બેલીયા બેલીયા બેલીયા ભીગી સી બહારોંમેં, તુમને ઈશારોંમેં, દિલ મેરા લે લિયા, ફેમીયા ફેમીયા ફેમીયા ફેમીયા દેખોજી હજ઼ારોંમેં તુમને ઈશારોંમેં દિલ મેરા દિલ મેરા લે લિયા પરવરિશ (૧૯૫૮) - મન્ના ડે, લતા મંગેશકર - હસરત જયપુરી
આજની આ પૉસ્ટમાં દત્તારામનાં સંગીતબધ્ધ કરેલાં મન્ના ડે-લતા મંગેશકરનાં બધાં જ યુગલ ગીતોમાં કદાચ આ જ એક ગીત એવું છે જેને ચોક્કસપણે કદાચ ખૂબ જાણીતાં ગીતોમાં કે પછી વિસારે પડતાં ગીતોમાં વર્ગીકૃત કરવું સહેલું નથી. પાશ્ચાત્ય, ચુલબુલી, એકદમ દ્રુતલયની ધુન હોવા છતાં ગીતનું માધુર્ય તલભર પણ ઓછું નથી થતું,અને તાલ સાથે વાદ્યસજ્જામાં  દત્તારામનો આગવો ઠેકો પણ ધ્યાન ખેંચે છે.
જે સુજ્ઞ વાચકોને એ સમયનાં ઓછાં જાણીતાં કલાકારોને ઓળખવામાં રસ છે તેવા વાચકોની જાણ સારૂ જણાવવાનું કે, અન્ય જાણકાર બ્લૉગર્સની નોંધ મુજબ, રાજ કપૂર સાથે ડાન્સ ફ્લૉર પર નૃત્ય કરી રહેલ અભિનેત્રી જેનીફર મરે છે 

ક઼ૈદી નં ૯૧૧ (૧૯૫૯)માં પણ કમ સે કમ બે ખૂબ જ લોકપ્રિય ગીતો - મીઠી મીઠી બાતોં સે બચના આનંદનું અને દુઃખના ભાવનું વર્ઝન તેમજ પ્યાર ભરી ઘટાયેં, રાગ મિલન કે સુનાયે (મન્ના ડે, લતા મંગેશકર)- હતાં :
યે ખિલે ખિલે તારે હમારે હૈ ઈશારે...આજા રે આજા...આ ભી જા - ક઼ૈદી નં. ૯૧૧ (૧૯૫૯) - મહેમૂદ, લતા મંગેશકર - હસરત જયપુરી
દત્તારામે લતા મંગેશકરના સ્વરમાં ક્લબ ગીત રજૂ કરેલ છે !
તુને મેરા મૈને તેરા દિલ લે લિયા.. દો નૈન મિલા કે હાયે રે દીવાના બના દીયા - ક઼ૈદી નં. ૯૧૧ (૧૯૫૯) - લતા મંગેશકર - હસરત જયપુરી
હવે દત્તારામે તેમનો હાથ શેરી ગીતોના પ્રકાર પર અજમાવ્યો છે 
૧૯૫૯માં દત્તારામનાં સંગીતમાં એક વધુ ફિલ્મ - સંતાન -માં પણ મન્ના ડે, લતા મંગેશકરનું યુગલ ગીત બોલે યે દિલકા ઈશારા તેમ મુકેશના સ્વરનું આનંદ અને દુઃખના ભાવનું ગીત દિલને ઉસે માન લિયા જિસકા અંદાજ઼ નયા પણ આજે આપણને યાદ છે.
કેહતા હૈ પ્યાર મેરા ઓ  મેરે લાડલે - સંતાન (૧૯૫૯) - હેમંત કુમાર અને લતા મંગેશકરના સ્વરોમાં ગવાયેલું ટ્વીન વર્ઝન - હસરત જયપુરી
બાળકને શાંત રાખવા માટેનું હાલરડા પ્રકારનું ગીત, પણ બન્ને ગીતની ફિલ્મમાં અલગ અલગ પ્રકારની સિચ્યુએશનમાં ગીત ફિલ્માવાયાં છે,
છોટી સી દુલ્હનીયા કી શાદી, પ્યારી સી દુલ્હનીયા કી શાદી - સંતાન (૧૯૫૯) -લતા મંગેશકર - હસરત જયપુરી
ગીતનો મૂળ ભાવ લગ્ન ગીતનો છે પણ તેને ફિલ્માવાયું છે બાળકોની પાર્ટીનાં ગીત સ્વરૂપે. ગીતની શરૂઆતમાં જ હાર્મોનિયમ / એકોર્ડીયનનો એક ટુકડો છે જે ગીતમાં અલગ અલગ અંદાજમાં પણ પ્રયોજાયો છે
હંમેશની જેમ આજના અંકના પણ અંત માટે દત્તારામે સંગીતબધ્ધ કરેલાં ઉપરોક્ત ફિલ્મોમાંનાં જ બે મોહમ્મદ રફીનાં ગીતો  આપણી પાસે છે. મન્ના ડે સાથેનું પહેલું યુગલ ગીત વિસરાતાં ગીતોમાં વર્ગીકૃત થાય કે કેમ તે બહુ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. બન્ને ગીતોને જે સરળતાથી દત્તારામે પેશ કર્યાં છે તેની તો નોંધ લેવી જ પડે.
મામા ઓ મામા...ઘરવાલે ખાયે ચક્કર ઐસા હૈ અપના ચક્કર ઐસે ચક્કરમેં તુમ નહીં આના - પરવરિશ (૧૯૫૮) - મન્ના ડે સાથે - હસરત જયપુરી
અંતરાની શરૂઆતની એક પંક્તિ સિવાય આખું ગીત એકીશ્વાસે ગવાય એવો દ્રુત લય છે ગીતનો, પણ માધુર્યને સહેજ પણ આંચ નથી આવતી. ઉપલબધ માહિતી અનુસાર ૧૯૫૮ની બિનાકા ગીતમાલામાં પ્રસ્તુત ગીત ૨૧મું સ્થાન શોભાવી ચૂક્યું હતું 
.મુરખ બંદે...જીનેવાલે ખુશી કે લિયે જિયે જા, અપને આંસુ તુ હસકે પિયે જા - સંતાન (૧૯૫૯) - હસરત જયપુરી
અહીં ઉપલ્બધ ક્લિપ ભલે ઑડીયો ક્લિપ સમકક્ષ હોય, પણ ગીત 'બેકગ્રાઉન્ડ'માં ગવાતું હશે તે સહેજે કલ્પી શકાય છે. આમ દત્તારામ એ સમયના એક બહુ પ્રચલિત પ્રકારમાં મોહમ્મદ રફીનો જ ઉપયોગ કરીને તેમની બહુમુખી કુશળતાની ઓળખ સિધ્ધ કરે છે.


આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.