Showing posts with label Haresh Dholakia. Show all posts
Showing posts with label Haresh Dholakia. Show all posts

Tuesday, December 6, 2016

કચ્છ: એક જીવંત મ્યુઝિયમ - પ્રો. ડૉ. મહેશ ઠક્કર



શ્રી કાન્તિપ્રસાદ અંતાણી કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે..... પાંચથીય વધારે દાયકાથી તેમનો કચ્છ સાથે જીવંત, સીધો જ સંબંધ રહ્યો હતો.....   તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા હતા ! સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને સ્વાતંત્ર્યોત્તર કચ્છની પ્રગતિમાં તેમનું પ્રદાન અનેક રીતે મહત્ત્વનું રહ્યું છે.
તેમની સ્મૃતિમાં 'કાન્તિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાન માળા' શરૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજાશે. આ વ્યાખ્યાનમાળાનાં બીજાં પ્રવચન - કચ્છ: એક જીવંત મ્યુઝિયમ[i] © ડૉ. મહેશ ઠક્કર -માં પ્રો. ડૉ.મહેશ ઠક્કર  કચ્છની ઘણી જાણીતી-ઓછીજાણીતી બાબતોને કચ્છના ભૌગોલિક ઈતિહાસના અભ્યાસ દ્વારા આલેખે છે.
પ્રો.ડૉ.મહેશ ઠક્કર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભૂસ્તર શાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા છે. ડો. મહેશ ઠક્કરના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : mgthakkar@gmail.com | mgthakkar68@yahoo.co.in
ઉપગ્રહોથી લેવાયેલ તસ્વીરોમાં કચ્છની ભૂ-આકૃતિ કચ્છના અખાતમાં ઊંધી પડેલ કાચબાની ઢાલ
તરતી હોય એવી દેખાય છે. વાગડનો ઉચ્ચ પ્રદેશ કાચબાની બહાર નીકળેલી ડોક અને માથાનો ભાગ તેમ જ પચ્છમ, ખડીર, બેલા અને ચોચર જેવા ખડકાળ દ્વીપ સમૂહો કાચબાના પગ જેવા જણાય છે.આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે 'આભીર' તરીકે ઓળખાતા પ્રાન્તનું નામકરણ 'ક્ચ્છ' તરીકે પ્રસ્થાપિત થયાનું ઈતિહાસવિદો માને છે.
જોકે કચ્છના ધોળાવીરામાં મળી આવેલા સિંધુ ખીણના અવશેષો ૫૫૦૦ વર્ષ પહેલાનાં ઈતિહાસની ગવાહી પૂરે છે.હરપ્પાની લિપિ હજૂ પણ વણઉકાયેલ રહી હોવાને કારણે કચ્છ વિશેના ઘણા ખ્યાલ થવા જોઈએ તેટલા સ્પષ્ટ નથી થઈ શક્યા.  ધોળાવીરા સિવાય કાનમેર, કુરન, ખીરસરા જેવાં નાનાથી મધ્યમ કક્ષાનાં નગરોના અવશેષો આજે પણ વણઉકેલ્યું રહસ્ય જ રહ્યાં છે.
પાંચથી છ હજાર વર્ષના ઈતિહાસથી આગળ વધતાં નિયોલિથીક તથા પાષાણ યુગ વિશેપણ જો સંશોધન કરવામાં આવે તો કચ્છમાં સેંકડો જગ્યાઓ મળી આવે તેમ છે.પાંચ હજારથી એક લાખ વર્ષના વિવિધ વાતાવરણીય ફેરફારોની સાથે થયેલ આદિમાનવના ઈતિહાસનાં સોપાનોનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટેની પણ અઢળક શક્યતાઓ કચ્છમાં રહેલ છે.
કચ્છના ભૂભૌગોલિક જીવંત મ્યુઝિયમનો બીજો મહત્ત્વનો તબક્કો છે ૬૫ કરોડથી એક લાખ વર્ષના સમયગાળામાં બનેલા જળકૃત ખડકો (sedimentary rocks). ભૂસ્તરીય સમયસારણિ પ્રમાણે તેને તૃતીય મહાયુગ (Tertiary Age)ના નામથી ઓળખાય છે. આ જ સમયમાં ભારતની હિમાલય પર્વતમાળા પણ સમદ્રમાંથી ઉત્થાન પામી રહી હતી. આજે લિગ્નાઈટ તરીકે ઓળખાતાં ખનીજના નિર્માણમાં ખંડીય છાજલી વિસ્તારોમાં એ સમયે વિચરતાં અગણિત અપૃષ્ઠવંશી [Invertebrate] પ્રાણીઓનું ઈયોસીન યુગના વિશાળ કાર્બનેસીયસ શેલ ખડકોમાં થયેલું રૂપાંતરણ છે. તે જ રીતે ફોરામીનીફેર તરીકે ઓળખાતાં સૂક્ષ્મ પ્રકારના અપૃષ્ઠવંશી પ્રાણીઓના ખર્વોની સંખ્યામાં જમા થયેલ અવશેષો કાળક્રમે ક્ચ્છના ચૂના ખડકોના વિશાળ વિસ્તારમાં રૂપાંતર થયા.
કચ્છના ખડકો અને તેમાં આવેલ ખનીજો અને અશ્મિઓના અભ્યાસથી ભૂસ્તરશાસ્ત્રીઓ ૧૮ કરોડ વર્ષના ભૂસ્તરીય, ભૂકંપીય અને પર્યારવણીય ઈતિહાસ નોંધી અને ઉકેલી શક્યા છે.આ  સમયમાં કચ્છ વિસ્તાર આફ્રિકા ખંડથી છૂટો પડી પૂર્વ તરફ ખસી રહ્યો હતો એવાં તારણો નીકળે છે. ક્ચ્છના ખડકોમાં એ યુગની સમગ્ર ભારતીય ખંડની પ્લેટની મહત્ત્વની હલનચલનની જાણકારી જોવા મળે છે.કચ્છની ડુંગરમાળાઓ, ટેકરીઓ,નદીઓની ઊભી ભેખડો જ્યુરાસિકથી ટર્શીયરી યુગનો ઈતિહાસ સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 
રૂંવાડાં ઊભા કરી દેતા કચ્છના આ પૃષ્ઠવંશી ઈતિહાસ જેટલો અનેરો ઇતિહાસ પૃષ્ઠવંશી [Vertebrate]  પ્રાણીઓનો જ્યુરાસિક અને ટર્શિયરી ઇતિહાસ પણ છે. એ સમયે જ્યારે ડાયનોસોર જમીન પર અસ્તિત્ત્વમાં હતાં ત્યારે કચ્છના પત્થરો મહ્દ્‍અંશે દરિયાઈ વાતાવરણ સૂચવે છે. એટલે કચ્છમાં ખડીરની ઉત્તરે ચેરિયા બેટ કે ખાવડાની ઉત્તરે આવેલા કુંવારબેટ જેવા જૂજ પ્રદેશોમાં ઘસડાઈને આવેલાં ડાયનોસોર જેવાં પાણીઓનાં કંકાલોના અવશેષો મળી આવે છે. સમગ્ર એશિયામાં મહત્વનું સાબિત થયેલું આવું એક ઈકથીયોસોરસ નામે જાણીતાં ડોલ્ફીન જેવાં દેખાતાં પ્રાણીનું સંપૂર્ણ કંકાલ કચ્છ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીઓની એક ટીમને પ્રો. મહેશ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ કરાયેલ એક સંશોધન દરમ્યાન મળી આવેલ છે.
જેમ કચ્છના જળકૃત ખડકો કરોડો વર્ષ પુરાણા છે અને જેમ એ સમયે થયેલા વાતાવરણના ફેરફારો સૂચવે છે, તે જ રીતે, કચ્છના રણના અને ખડકીય ઉચ્ચ પ્રેદેશો વચ્ચે આવેલા માટીયુકત વિશાળ વિસ્તારો  'ક્વાર્ટનરી ભૂસ્તરશાસ્ત્ર'તરીકે ઓળખાતા છેલા ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ વર્ષના સમયકાળના ભૂસ્તરીય, ભૂકંપીય અને વાતાવરણના ફેરફારોના અભ્યાસ માટેની જીવંત પ્રયોગશાળા નીવડેલ છે. આ ઉપરાંત કચ્છના રણમાં આવેલ અલ્લાહ બંધનો વિસ્તાર છેલ્લા બસ્સો વર્ષના ભૂકંપીય હલનચલનથી બનતી ધરાકૃતિના અભ્યાસનું ઉત્તમ સ્થાન છે.  

અલ્લાહ બંધ અને સિંદરી સરોવરનું સ્થાન બતાવતી સેટલાઈટ તસવીર

ભૂસ્તરશાસ્ત્રની આ અઢળક ખૂબીઓ ઉપરાંત કચ્છને પક્ષી પ્રેમીઓ માટેનું પણ સ્વર્ગ માનવામાં આવે છે. ખડકાળ ડુંગરાળ પ્રદેશના,બન્નીના ઘાસીયા મેદાનોના, મીઠાયુકત વિશાળ રણ પ્રદેશના, વિવિધ દરિયાકાંઠાના પ્રદેશો અને વેટલેન્ડ વિસ્તારોમાં અનેકવિધ પક્ષીઓ જોવા મળે છે. વળી આ વિસ્તારોમાં આવતાં યાયાવરી પ્રકારનાં સાઈબિરીયાથી આવતાં સુરખાબ જેવાં પક્ષીઓ તો કચ્છની આગવી ઓળખ બની રહ્યાં છે.
પક્ષીઓની જેમ પ્રાણીઓમાં મહદ્‍ અંશે કચ્છના નાના રણમાં જોવા મળતા વિશ્વની અજોડ પ્રજાતિ સમ જંગલી ગધેડા (ઘુડખર)ની જેમ જ નીલગાય કે કચ્છી વાઈલ્ડ બોર જેવાં પ્રાણીઓ પણ હવે કચ્છના જીવંત ઇતિહાસની એક અલગ તવારીખનાં પૃષ્ઠો છે.
  
રણ પરિસર વિજ્ઞાન, કાંઠાળ પ્રદેશ પરિસર વિજ્ઞાન, જળપ્લાવિત જમીન પરિસર વિજ્ઞાન, પર્વતીય પરિસર વિજ્ઞાન કે દરિયાઈ પરિસર વિજ્ઞાન જેવા વિષયો માટે કચ્છ એક આદર્શ પ્રયોગશાળા છે. ૨૧મી સદીના ઔદ્યોગિક 'વિકાસ'ને કારણે દરિયાઈ પ્રદેશોના પરિસરનાં એક મહત્ત્વના અંગ સમાં ચેરીયાંના જંગલો હાલે નાશના જોખમના ઉંબરે ઊભાં છે.
કચ્છનાં માનવ જીવનની મૂળભૂત શૈલીઓ, ભાતીગળ સંસ્કૃતિઓ અને તેની સાથે જોડાયેલ કચ્છી ભરતકામ, કાપડ પરનાં રંગકામ, શાલ-ધાબળી જેવાં ગરમ વસ્ત્રોનું વણાટકામ કે પશુપાલન જેવા આજિવિકા પૂરા પાડતા વ્યવસાયો કે ભૂંગા જેવાં ઘરો, ઘરોની ભીતો પરનાં વિશિષ્ટ ચિત્રકામ કે ઘર સજાવટમાં વપરાતાં હાથગુંથણકામ જેવાં અનેકા પાસાંઓનો પણ અધાર આ વિવિધ પ્રકારનાં પરિસર છે. ઉદાહરણ તરીકે,૫૦૦-૭૦૦ વર્ષો પૂર્વે આવીને સ્થાયી થયેલ બન્ની પ્રદેશના જત લોકો અહીંના રબારી-ભરવાડ લોકથી ઘણી રીતે જૂદા છે. એ જ રીતે ક્ચ્છનાં સમગ્ર પરિસરમાં ઘાટાં અને તેજસ્વી રંગો ધરાવતાં ફૂલો કે વનસ્પતિઓનો અભાવ છે. આ ભાવની પૂર્તતા કરવા માટે અહીંનાં ભરતકામ અને રંગકામમાં ઘાટા અને ભડકીલા રંગોનું પ્રભુત્વ વધારે જોવા મળશે.
કચ્છના ગામડે ગામડે ગામનાં નામો, પાળિયાઓ, લોક સંસ્કૃતિ, લોકબોલી, લોકકલા, લોકમેળાઓમાં કચ્છનો ઇતિહાસ ધરબયેલો પડ્યો છે. અહીંના ગ્રામ્યજનોની ગાથાઓ અને લોકકથાઓના અરીસામાં અહીંના રાજવી કુટુંબ અને તેના અત્યાચારી કાયદાઓ અને કડક શાસનનાં પ્રતિબિંબ પડે છે.
આમ કચ્છની જીવંત પ્રયોગશાળા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂકંપશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, જીવાવશેષશાસ્ત્રીઓ, પરિસર વિજ્ઞાનીઓ, પુરાતત્ત્વવિદો, ભૂગોળશાસ્ત્રીરસાયણ વિજ્ઞાનીઓ, સમુદ્રકીય જીવશાસ્ત્રીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, પક્ષીવિદો, પ્રાણીવિદો, સમાજ શાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, અર્થશાસ્ત્રીઓ, વ્યવસ્થાપનવિદો, પર્યાવરણવિદો જેવા તજજ્ઞો માટે ગહન અભ્યાસ અને સંશોધન માટે અફાટ ખજાનો પૂરો પાડે છે.


સંકલનકારની નોંધઃ
૧. અહીં મૂકેલ અલ્લાહ બંધની તેમ જ ઘુડખર અને નીલગાયની તેમ જ અન્ય તસવીરો  વિકીપીડિયા પરથી લેખના વિષયની સાથે સંકળાતી હોવાથી પૂરક માહિતી અર્થે સાભાર લીધેલ છે.
૨. વિશ્વવિખ્યાત પક્ષીવિદ્યાનિષ્ણાત સલીમ અલીનું પુસ્તક 'The Birds of Kutch' (1945)  એક સિમાચિહ્નરૂપ સંદર્ભગ્રંથ છે.


[i]  આ પ્રવચનનું  પુસ્તિકા રૂપે પ્રકાશન હરેશ ધોળકિયાએ [સંપર્ક સરનામું ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ) ૩૭૦ ૦૦૧] કરેલ છે.

Wednesday, June 24, 2015

અદૃશ્ય પાત્રો

નવલિકાસ્વરૂપે ઇતિહાસનું અત્તર :‘અદૃશ્ય પાત્રો'

લેખક:હરેશ ધોળકિયા | ઈ-સંપર્ક સરનામું: dholakiahc@gmail.com
પ્રથમ આવૃતિ, ૨૦૧૫ | ISBN : 978-93-5162-168-3 | પૃષ્ઠ: ૧૬+૧૪૪ |કિંમત : રૂ. ૧૨૫/-
પ્રકાશક:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ । ફોન :+૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩| ઈ-સંપર્ક સરનામું: goorjar@yahoo.com


 હરેશ ધોળકિયા 'અદૃશ્ય પાત્રો'નાં સર્જનને એક સુખદ અકસ્માત ગણે છે. ૨૦૦૯માં કચ્છનો બૃહદ્‍ ઇતિહાસ લખવાના એક પ્રકલ્પમાં તેઓ પણ જોડાયા હતા. એ કામ માટેની સામગ્રીનો અભ્યાસ કરતાં કરતાં એ સમયનાં કેટલાંક પ્રધાન પાત્રો અને ઘટનાઓ તરફ તો ધ્યાન ખેંચાય તે તો સ્વાભાવિક ઘટનાક્રમ ગણાય. પરંતુ કેટલાંક તદ્દન ગૌણ કહી શકાય એવાં પાત્રો પણ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરતાં રહ્યાં હતાં. આ પાત્રોનો ઉલ્લેખ ભલે એકાદ લીટીથી વધારે થતો જોવા ન મળે, પણ ભાગ્યે જ કોઈ ઓળખતું હોય કે તેના વિષે જાણતું હોય એવાં આ 'અદૃશ્ય પાત્રો'એ ઇતિહાસની તવારીખને તેમની અદૃશ્ય હાજરીથી એક નિશ્ચિત દિશા આપી છે.

આ પાત્રો તેમના મનમાં ઘુમરાતાં રહ્યાં, 'મારી વાત કરો' - એમ સતત કહેતાં રહ્યાં. તે સમયની ઘટનાઓ સાથેના સંદર્ભો વડે આ પાત્રો ધીમે ધીમે ટૂંકી વાર્તાઓના સ્વરૂપે સાકાર થતાં ગયાં. લેખક કહે છે કે, "જેમ જેમ લખતો ગયો, તેમ તેમ એ દરેક પાત્ર જાણે સામેથી લખાવતું હતું. આવાં દસ પાત્રોની વાતોને વાચા આપતી નવલિકાઓ આ સંગ્રહમાં સમાવી લેવાઈ છે.

પહેલી વાર્તા 'જીકડી' દસમી સદીમાં કચ્છના લાખા ધુરારાના વંશજ જામ સાડના સમયની વાત છે. જામ સાડનો સાળો જ દગાથી રાજાને મારી નાખે છે, તેની સામે થયેલી રાણી પણ ખપી જાય છે. એવા સમયે રાજગાદીના વંશજ ફૂલ કુમારને રાણીની વફાદાર દાસી જીકડી – ફરાક- પોતાના પંડના દીકરાના જીવના ભોગે પણ બચાવી લે છે, યોગ્ય ઉછેર કરે છે અને સમય આવ્યે રાજ્ય પાછું અપાવે છે.

બીજી વાર્તા 'ચોકીદાર'માં અંધ ચોકીદારની આંતરસૂઝ અને પોતાની ફરજ પ્રત્યેની અખૂટ વફાદારીની રોમાંચક કહાની કહેવાઈ છે. સામાન્ય કહી શકાય એવા ચોકીદારની ખુદ્દારી આપણા હૃદયમાં માનભર્યું સ્થાન અપાવી દે છે.

ત્રીજી વાર્તા 'લંઘો' પણ સેવકની શુદ્ધ વફાદારીની ચરમ સીમાની હદયસ્પર્શી વાત છે. જામ રાવળને હંમેશ એવો વહેમ રહ્યો છે કે તેના પિતા લાખાજીનાં ખૂનમાં મહારાવ ખેંગારજી પહેલાના પિતા રાજા હમીરજીના કુટુંબનો હાથ છે. હમીરજીના ઘણું ય સમજાવ્યા છતાં જામ રાવળ માનવા તૈયાર નથી. જામ રાવળ કુળદેવી આશાપુરા માતા સામે છાતી પર હાથ રાખી શપથ લઈને કહે છે કે હવે તેનું વેર નથી અને હમીરજીને હૃદયપૂર્વક પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે છે. રાજા હમીરજી જામ રાવળનાં આમંત્રણથી ભોળવાઈને તેના ગામ, બારા, આવે છે. તેમના વફાદાર અંગરક્ષકોની સાવચેતી છતાં જામ રાવળ દગાથી હમીરજીની હત્યા કરવામાં સફળ થાય છે. લોહીલુહાણ હમીરજીની નજીક પડેલો અને એ ઝપાઝપીમાં મરણતોલ જખ્મી થયેલ વફાદાર નોકર, લંઘો, પોતાના માલિકની જાન તો બચાવી ન શક્યો, પણ રાજવી શુદ્ધતાને અક્ષુણ્ણ રાખવા, બન્નેનાં ભળી જવા લાગેલાં લોહીને પોતાની તલવારથી રોકી લે છે. એક અદના વ્યક્તિમાં પાયાનાં મૂલ્યોનાં મૂળિયાં કેટલાં ઊંડાં હોય છે તે આ વાર્તા આપણને સમજાવી જાય છે.

ચોથી વાર્તા 'સમગ્ર વંશની માતા' એ સાવ અલૌકિક લાગે તેવી ઘટના છે. રાવ ખેંગારજી પહેલા અને તેમના મોટા ભાઈ, જામ રાવળના મારાઓથી બચતા બચતા, અમદાવાદ ભણી નાસતા હોય છે. માર્ગમાં ભીયાં કકલ અને તેમની પત્નીના ઝૂંપડે આશરો લે છે. જામ રાવળના માણસો પગેરૂં દબાવતાં ભીયાં કકલને બારણે પહોંચી આવે છે. ભીયાંને ડરાવીને સાચી માહિતી કઢાવવા માતાપિતાની સામે એક પછી એક એમ છ છ પુત્રોનાં માથાં ધડથી અલગ કરતા જાય છે. તે સમયે ભીયાં અને ખાસ કરીને છ છ પુત્રોની માની બહાદુરીનાં જે દર્શન થાય છે તે આજે પણ આપણાં હૃદયને હચમચાવી નાખે છે. એ કારમી પળે એક માએ પોતાનાં હૃદય પરના ઘા ઝીલીને પણ દાખવેલ બહાદુરી અને વફાદારીને કારણે જ કચ્છમાં જાડેજા વંશ ચાલુ રહી શક્યો. એ નારીની મહાનતા હજી પણ ઘણી ઊંચાઇઓ સર કરે છે - પોતાના જીવનના અંત સુધી તે રાજા પાસેથી પ્રેમ સિવાય કશું જ વળતર નથી જ લેતી.

"ઘુંઘરિયાળો પાળિયો" રાવ લખપતજી સાથે સંકળાયેલી વાર્તા છે. કલાકાર, કવિ, સંગીતકાર, પંડિત, કલ્પનાશીલ, ચતુર અને જ્ઞાની રાવની એક બહુ મોટી નબળાઈ હતી. નવી સુંદર છોકરી જૂએ અને તેમની બાકીની બધી જ વિદ્યાઓ ઓગળી જતી. તેમણે રચેલો અદ્‍ભૂત આયના મહેલ, નૃત્ય અને કાવ્યો સાથે અનેક તરુણ અને યુવાન નિસાસાઓનો પણ સાક્ષી હતો. લખપતજી મૃત્યુ પામે છે ત્યારે તેમની સોળ રખાતોને ડર છે કે મહારાણી હવે તેમનું જીવતર મૃત્યુથી પણ વધારે અકારૂં કરી નાખશે.એટલે એ બધી રખાતોમાંથી રાવને સહુથી વધારે પ્રિય એવી સામુના નેતૃત્વમાં બધીય રખાતો રાવની સાથે 'સતી' થઈ જાય છે. રાવ લખપતજીની છેલ્લી ઇચ્છા મુજબ તેમના સ્થપતિ સરખા મિત્ર રામસિંહ માલમે રાવના દેહવિલયની જગ્યાએ, ખૂણેખૂણે નક્શીકામના બેનમૂન સૌંદર્યથી છલકાતી, છતરડીનું સર્જન કર્યું. તેમાં રાવના પાળીયા સાથે તેમણે એ સોળ યુવતીઓના પણ પાળિયા પણ એ છતરડીમાં મૂક્યા છે.

(સંપાદકીય નોંધ :૨૦૦૧ના ભૂકંપમાં આ છતરડીઓ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તે પછીથી તેમને પુનઃસ્થાપિત પણ કરાઈ છે. છતરડીનો અહીં મૂકેલો ફાઈલ ફોટો ઇન્ટરનેટ પરથી સાભાર લીધેલ છે.)

"હોલી" એક એવી અજ્ઞાત પત્નીની સત્યઘટના છે જેની ઈર્ષાળુ સાસુ તેને ક્યારેય પણ પોતાના દીકરા સાથે સંસાર જ માંડવા નથી દેતી. એક કાચી પળે પતિ સાથે માણવા મળેla દાંપત્ય સુખના પરિપાક રૂપે તે જ્યારે બેજીવી થાય છે, ત્યારે તેની સાસુ વાટેલો કાચ ભેળવેલ લાડુ ખવડાવી મારી નાખવાનો પેંતરો પણ રચી કાઢે છે. આ બહાદુર અને હિંમતવાન નારી ત્યારે ક્ચ્છના મહારાવ સામે જાહેરમાં જઈને આ કારસ્તાન ઉઘાડું પાડે છે. તેના મૃત્યુ સમયે તેના (માવડીયા, કાયર) પતિને કાંધ દેવાની સ્પષ્ટ મનાઈ તે પોતાના દીકરાને જણાવી ગઈ હોય છે.

"ગાયિકા" મુખોપમુખ જ કહેવાતી રહેલી કહાની છે. સ્વામી વિવેકાનંદ અજ્ઞાત સાધુ તરીકે કચ્છની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફરતાં ફરતાં માંડવી પણ ગયેલા. ત્યાં તેમને જાણવા મળ્યું કે અહીં એક છોકરી ધ્રુપદગાયન જાણે છે. બન્ને જણ મંદિરની નિશ્રામાં ધ્રુપદગાયનની સંગતની અલૌકિક અનુભૂતિને સાક્ષાત કરે છે.

કચ્છના મહાન ક્રાન્તિકારી શ્યામજી કૃષ્ણજી વર્માના જીવનમાં તેમનાં નાનીનો અને પત્ની ભાનુમતીનો જે અબોલ ફાળો રહ્યો છે તેને, અનુક્રમે, "નાની" અને “ભાનુમતી"માં અક્ષરદેહ અપાયો છે. બંને વાર્તાઓમાં તેનાં મુખ્ય પાત્રો 'નાની' અને 'ભાનુમતી'નાં વ્યક્તિત્વોનાં સુક્ષ્મ પાસાંઓ ઝીલી લેવાયાં છે.

"સૂર્યના વારસદાર'માં ૧૯૨૫માં ગાંધીજીના કચ્છના પ્રવાસના સમયની સામાજિક માન્યતાઓનું ચિત્રણ રજૂ થાય છે. એ સમયે જે અનુભવો થયા એ અનુભવો કોઈ બીજા કાચાપોચા યુવાનને તેના આદર્શની શોધના માર્ગમાંથી વિચલિત કરી મૂકે તો નવાઈ ન કહેવાય. પણ આ વાર્તામાં વણી લેવાયેલા ત્રેવીસ જ વર્ષના યુવાન કાંતિપ્રસાદના મનોબળનાં મૂળિયાં વધારે મજબૂત થયાં હોય એમ ફલિત થાય છે.

"સૂર્યના વારસદાર" પર ક્લિક કરવાથી વાર્તા વાંચી શકાશે.


વાસ્તવિક જીવનમાં પણ આ પ્રકારની વ્યક્તિઓની કોઈ જ ખાસ ઓળખ નથી હોતી. પોતાને માથે જે જવાબદારી આવી પડી છે તેને પોતાથી બનવી પૂરી નિષ્ઠાથી નિભાવવી એ તેમની પ્રકૃતિ છે. ક્યારેક તેઓ તેમની વફાદારીની ભાવનાના ઊંડે સુધી વહેતા પ્રવાહો તેને પોતાની શક્તિ બહાર, પરિસ્થિતિ સામે, ઝઝૂમવા પ્રેરે છે. પણ એક વાત તો નક્કી જ છે કે તેઓ જે કંઈ કરે છે તેમાં વર્તમાન કે ભાવિ નામનાની ખેવનાનો તો જરા સરખો પણ અંશ નથી જ. ઇતિહાસનાં પાનાઓમાં ધરબાઈને કહેવાયેલી એકાદ પંક્તિમાં તેઓ અચૂકપણે ધ્યાન આકર્ષી જ લે છે.

આ વાર્તાસંગ્રહની દરેક વાર્તામાં મુખ્ય પાત્ર આ જ રીતે પોતપોતાની વાત આપણાં ચિત્ત પર ચોંટાડી જવામાં સફળ રહે છે. કચ્છના ઇતિહાસ સાથે પરિચિત ન હોય તેવા વાચકને પણ આ દરેક વાર્તા આપમેળે જ ગમે તે રીતે રજૂ કરવામાં આવી છે.

Sunday, September 29, 2013

"નિયતિનું સંતાન" - હરેશ ધોળકિયાની શ્રી કાંતિપ્રસાદ અંતાણી વિશેની ચરિત્રાત્મક નવલકથાનું વિમોચન

વડીલ શ્રી કાંતિભાઈ "પાસે બેસવું અદ્‍ભૂત લહાવો હતો. કલ્પ્નાતીત અને અગણિત અનુભવો હતા તેમની પાસે. કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે, પાંચથીય વધારે દાયકાથી..... તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા! બધી જ માહિતિ કંઠસ્થ! ઉત્તમ નોંધો."
'નિયતિનું સંતાન' એક ચરિત્રાત્મક નવલકથાનાં સ્વરૂપમાં "વીસમી સદીના કચ્છના સ્વાતંત્ર્યસંગ્રામના અને પર્યાવરણના ઇતિહાસનુ દસ્તાવેજીકરણ છે.

અત્યાર સુધી ક્ચ્છ જિલ્લના નવ તાલુકાઓ અને ત્રણ અન્ય એમ બાર પુસ્તિકાઓ, શ્રી કાંતિપ્રસાદ અંતાણીનું જીવનચરિત્ર અને ગાંધીજીના પ્રભાવથી કચ્છમાં રાજા સામે જ ચળવળ થઇ તેનો નજરે જોનાર સાક્ષી તરીકેનો અહેવાલ એમ ૧૪ પુસ્તકોમાં શ્રી કાંતિપ્રસાદભાઈ પાસેની કચ્છના ઇતિહાસ અને તત્કાલીન સમાજની અમૂલ્ય માહિતિનું દસ્તાવેજીકરણ તો થયું જ છે.


"પરંતુ વિચારોના સ્વરૂપે જે સાહિત્ય રજૂ થાય તેનો એક બહુ નિશ્ચિત, અને કંઇક અંશે મર્યાદીત, વાચક વર્ગ હોય છે. વધુ લોકો સુધી આ ચરિત્ર અને માહિતી પહોંચી શકે તેવા આશયથી હરેશભાઇ ધોળકિયાએ આ ચરિત્રને નવલકથાનાં સ્વરૂપે મૂકવાના પ્રયોગનું ખેડાણ કરેલ છે.

આજે, તા. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ ભૂજ (કચ્છ) મુકામે આયોજાયો છે.

પુસ્તકનો વિગતે પરિચય આપણે અહીં થોડા સમય બાદ કરીશું.

"નિયતિનું સંતાન" - ISBN : 978 – 81- 8480 -919 -0
લેખક - હરેશ ધોળકિયા
ન્યૂ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભૂજ કચ્છ ૩૭૦૦૦૧, ભારત
ફોનઃ +૯૧ ૨૮૩૨ ૨૨૭૯૪૬
ઇ-પત્રવ્યહારઃ dholakiahc@gmail.com
પ્રકાશકઃ  ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧, ભારત
વેબઃ http://www.gurjar.biz/
ઇ-પત્રવ્યવહારઃ goorjar@yahoo.com

Saturday, October 8, 2011

તમે ‘ફર્સ્ટ રેટર’ છો કે ‘સેકન્ડ રેટર’? - you are first rater ya second rater - www.divyabhaskar.co.in

તમે ‘ફર્સ્ટ રેટર’ છો કે ‘સેકન્ડ રેટર’? - you are first rater ya second rater - www.divyabhaskar.co.in:

'via Blog this'

It is indeed very heartening to see someone dedicating a full column in a column of a popular vernacular daily newspaper. Of course, the fact that it is printed is a even a bigger surprise.

જે વાચક મિત્રો મુળ અંગ્રેજી પુસ્તકોસુધી પહોંચી ન શકે તેમણે શ્રી હરેશ ધોળકિયાની 'અંગદનો પગ'[પૃષ્ઠ ૮+૧૮૪, કિંમત રૂ. ૭૫/- ; વિતરકઃ અક્ષરભારતી, ૫, રાજગુલાબ, વાણિયાવાડ, ભુજ-કચ્છ ૩૭૦૦૦૧] વાંચે તો ઘર બેઠા ગંગાનો ઘાટ ઉતારી શકે.

Tuesday, September 27, 2011

કચ્છઃ વિહંગાવલોકન -- અવલોકન


 પહેલી આવૃત્તિ ઃ જુલાઇ ૨૦૧૧
લેખકઃ હરેશ ધોળકિયા                       hareshdholakia@yahoo.com
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય     goorjar@yahoo.com
ISBN 987 -81-8480-596-3


શ્રી હરેશ ધોળકિયાએ કચ્છવિશે ભુતકાળમાં પણ ઘણાં પુસ્તકો અને લેખો લખ્યા તેમજ પ્રકાશિત કરેલ છે. એ દ્રષ્ટિએ 'કચ્છઃ વિહંગાવલોકન'એ તેમની લેખન અને સંપાદનની અવિરત પ્રક્રિયાનું અનુસંધાન કહી શકાય.

આથી ૨૧ નોંધ-પ્રકરણોની મદદથી આ પુસ્તક કચ્છનાં ઘણાં પાસાંઓ, જેવાં કે  ભૂ-સાંસ્કૃતિક ઇતિહાસ તેમ જ રીપોર્ટ્સ; રાજકારણસાથે સંકળાયેઅલ ઘટનાઓ; તત્કાલિન ઘટનાઓ પર પ્રભાવ પાડી શકેલ અથવા તો ન પાડી શકેલ કચ્છી વ્યક્તિત્વો; કચ્છમાં શિક્ષણની તવારીખ તેમજ ૨૦૦૧ના ધરતીકંપ પછીનાં સાંપ્રત કચ્છનું વિશ્લેષણ વિ.ને આવરી લે છે.

આમ લેખકે વ્યાપક વિષયોને આવરી લેવા છતાં પુસ્તક અંગે તેમના બે મુખ્ય ઉદ્દેશ્યને પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહી દીધા છેઃ કચ્છ અંગેની ભુતકાળની તેમ જ વર્તમાન ઘટનાઓને ગ્રંથસ્થ કરવી અને ભવિષ્યનાં સંશોધનોને મદદરૂપ થવું.

'કચ્છઃ વિહંગાવલોકન’,એ લેખકની 'કચ્છમિત્ર'માટેની નિયમિત કટારમાટેના સમયાંતરે લખાયેલ લેખોનું સંપાદન હોવા છતાં, તેના બંન્ને ઉદ્દેશ્યોની કસોટીએ ખરૂં નીવડે છે.

પુસ્તકના ૧૧મા પ્રકરણ - કચ્છના ઇતિહાસના લેખન સંદર્ભે - [પૃષ્ઠ૬૯]માં લેખકે કચ્છના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં રહેલી અડચણો સમજાવી છે. તેથી આપણે લેખકના આ પુસ્તક ના વિહંગાવલોકનના દ્રષ્ટિકોણનેપણ સમજી શકીએ છીએ.

સમગ્રપણે, પુસ્તક સાચી દિશામાં યોગ્ય પ્રયાસ છે, તેમજ લેખકના કચ્છપ્રત્યેના રાગ અને પ્રેમને પ્રતિબિંબીત કરે છે.
કચ્છસાથે કોઇપણરીતે સંકળાયેલ વ્યક્તિમાટે આ પુસ્તક વાંચવું તેમ જ વસાવવું આવશ્યક ગણાય.૨૦૦૧ના ધરતીકંપબાદ કચ્છનો વ્યાપ જે રીતે કચ્છી અને ગુજરાતી સીમાડા પાર કરી ગયેલ છે તે દ્રષ્ટિએ આ પુસ્તકનો અંગ્રેજીમાં પણ અનુવાદ થવો જોઇએ.

      -- અશોક વૈશ્નવ, અમદાવાદ, સપ્ટેમ્બર ૨૬, ૨૦૧૧