નવલિકાસ્વરૂપે ઇતિહાસનું અત્તર :‘અદૃશ્ય પાત્રો'
લેખક:હરેશ ધોળકિયા | ઈ-સંપર્ક સરનામું: dholakiahc@gmail.com
પ્રથમ આવૃતિ, ૨૦૧૫ | ISBN : 978-93-5162-168-3 | પૃષ્ઠ: ૧૬+૧૪૪ |કિંમત : રૂ. ૧૨૫/-
પ્રકાશક:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ । ફોન :+૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩| ઈ-સંપર્ક સરનામું: goorjar@yahoo.com
હરેશ ધોળકિયા 'અદૃશ્ય પાત્રો'નાં સર્જનને એક સુખદ અકસ્માત ગણે છે. ૨૦૦૯માં કચ્છનો બૃહદ્ ઇતિહાસ લખવાના એક પ્રકલ્પમાં તેઓ પણ જોડાયા હતા. એ કામ માટેની સામગ્રીનો અભ્યાસ કરતાં કરતાં એ સમયનાં કેટલાંક પ્રધાન પાત્રો અને ઘટનાઓ તરફ તો ધ્યાન ખેંચાય તે તો સ્વાભાવિક ઘટનાક્રમ ગણાય. પરંતુ કેટલાંક તદ્દન ગૌણ કહી શકાય એવાં પાત્રો પણ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરતાં રહ્યાં હતાં. આ પાત્રોનો ઉલ્લેખ ભલે એકાદ લીટીથી વધારે થતો જોવા ન મળે, પણ ભાગ્યે જ કોઈ ઓળખતું હોય કે તેના વિષે જાણતું હોય એવાં આ 'અદૃશ્ય પાત્રો'એ ઇતિહાસની તવારીખને તેમની અદૃશ્ય હાજરીથી એક નિશ્ચિત દિશા આપી છે.
આ પાત્રો તેમના મનમાં ઘુમરાતાં રહ્યાં, 'મારી વાત કરો' - એમ સતત કહેતાં રહ્યાં. તે સમયની ઘટનાઓ સાથેના સંદર્ભો વડે આ પાત્રો ધીમે ધીમે ટૂંકી વાર્તાઓના સ્વરૂપે સાકાર થતાં ગયાં. લેખક કહે છે કે, "જેમ જેમ લખતો ગયો, તેમ તેમ એ દરેક પાત્ર જાણે સામેથી લખાવતું હતું. આવાં દસ પાત્રોની વાતોને વાચા આપતી નવલિકાઓ આ સંગ્રહમાં સમાવી લેવાઈ છે.
પહેલી વાર્તા 'જીકડી' દસમી સદીમાં કચ્છના લાખા ધુરારાના વંશજ જામ સાડના સમયની વાત છે. જામ સાડનો સાળો જ દગાથી રાજાને મારી નાખે છે, તેની સામે થયેલી રાણી પણ ખપી જાય છે. એવા સમયે રાજગાદીના વંશજ ફૂલ કુમારને રાણીની વફાદાર દાસી જીકડી – ફરાક- પોતાના પંડના દીકરાના જીવના ભોગે પણ બચાવી લે છે, યોગ્ય ઉછેર કરે છે અને સમય આવ્યે રાજ્ય પાછું અપાવે છે.
બીજી વાર્તા 'ચોકીદાર'માં અંધ ચોકીદારની આંતરસૂઝ અને પોતાની ફરજ પ્રત્યેની અખૂટ વફાદારીની રોમાંચક કહાની કહેવાઈ છે. સામાન્ય કહી શકાય એવા ચોકીદારની ખુદ્દારી આપણા હૃદયમાં માનભર્યું સ્થાન અપાવી દે છે.
ત્રીજી વાર્તા 'લંઘો' પણ સેવકની શુદ્ધ વફાદારીની ચરમ સીમાની હદયસ્પર્શી વાત છે. જામ રાવળને હંમેશ એવો વહેમ રહ્યો છે કે તેના પિતા લાખાજીનાં ખૂનમાં મહારાવ ખેંગારજી પહેલાના પિતા રાજા હમીરજીના કુટુંબનો હાથ છે. હમીરજીના ઘણું ય સમજાવ્યા છતાં જામ રાવળ માનવા તૈયાર નથી. જામ રાવળ કુળદેવી આશાપુરા માતા સામે છાતી પર હાથ રાખી શપથ લઈને કહે છે કે હવે તેનું વેર નથી અને હમીરજીને હૃદયપૂર્વક પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે છે. રાજા હમીરજી જામ રાવળનાં આમંત્રણથી ભોળવાઈને તેના ગામ, બારા, આવે છે. તેમના વફાદાર અંગરક્ષકોની સાવચેતી છતાં જામ રાવળ દગાથી હમીરજીની હત્યા કરવામાં સફળ થાય છે. લોહીલુહાણ હમીરજીની નજીક પડેલો અને એ ઝપાઝપીમાં મરણતોલ જખ્મી થયેલ વફાદાર નોકર, લંઘો, પોતાના માલિકની જાન તો બચાવી ન શક્યો, પણ રાજવી શુદ્ધતાને અક્ષુણ્ણ રાખવા, બન્નેનાં ભળી જવા લાગેલાં લોહીને પોતાની તલવારથી રોકી લે છે. એક અદના વ્યક્તિમાં પાયાનાં મૂલ્યોનાં મૂળિયાં કેટલાં ઊંડાં હોય છે તે આ વાર્તા આપણને સમજાવી જાય છે.
ચોથી વાર્તા 'સમગ્ર વંશની માતા' એ સાવ અલૌકિક લાગે તેવી ઘટના છે. રાવ ખેંગારજી પહેલા અને તેમના મોટા ભાઈ, જામ રાવળના મારાઓથી બચતા બચતા, અમદાવાદ ભણી નાસતા હોય છે. માર્ગમાં ભીયાં કકલ અને તેમની પત્નીના ઝૂંપડે આશરો લે છે. જામ રાવળના માણસો પગેરૂં દબાવતાં ભીયાં કકલને બારણે પહોંચી આવે છે. ભીયાંને ડરાવીને સાચી માહિતી કઢાવવા માતાપિતાની સામે એક પછી એક એમ છ છ પુત્રોનાં માથાં ધડથી અલગ કરતા જાય છે. તે સમયે ભીયાં અને ખાસ કરીને છ છ પુત્રોની માની બહાદુરીનાં જે દર્શન થાય છે તે આજે પણ આપણાં હૃદયને હચમચાવી નાખે છે. એ કારમી પળે એક માએ પોતાનાં હૃદય પરના ઘા ઝીલીને પણ દાખવેલ બહાદુરી અને વફાદારીને કારણે જ કચ્છમાં જાડેજા વંશ ચાલુ રહી શક્યો. એ નારીની મહાનતા હજી પણ ઘણી ઊંચાઇઓ સર કરે છે - પોતાના જીવનના અંત સુધી તે રાજા પાસેથી પ્રેમ સિવાય કશું જ વળતર નથી જ લેતી.
"ઘુંઘરિયાળો પાળિયો" રાવ લખપતજી સાથે સંકળાયેલી વાર્તા છે. કલાકાર, કવિ, સંગીતકાર, પંડિત, કલ્પનાશીલ, ચતુર અને જ્ઞાની રાવની એક બહુ મોટી નબળાઈ હતી. નવી સુંદર છોકરી જૂએ અને તેમની બાકીની બધી જ વિદ્યાઓ ઓગળી જતી. તેમણે રચેલો અદ્ભૂત આયના મહેલ, નૃત્ય અને કાવ્યો સાથે અનેક તરુણ અને યુવાન નિસાસાઓનો પણ સાક્ષી હતો. લખપતજી મૃત્યુ પામે છે ત્યારે તેમની સોળ રખાતોને ડર છે કે મહારાણી હવે તેમનું જીવતર મૃત્યુથી પણ વધારે અકારૂં કરી નાખશે.એટલે એ બધી રખાતોમાંથી રાવને સહુથી વધારે પ્રિય એવી સામુના નેતૃત્વમાં બધીય રખાતો રાવની સાથે 'સતી' થઈ જાય છે. રાવ લખપતજીની છેલ્લી ઇચ્છા મુજબ તેમના સ્થપતિ સરખા મિત્ર રામસિંહ માલમે રાવના દેહવિલયની જગ્યાએ, ખૂણેખૂણે નક્શીકામના બેનમૂન સૌંદર્યથી છલકાતી, છતરડીનું સર્જન કર્યું. તેમાં રાવના પાળીયા સાથે તેમણે એ સોળ યુવતીઓના પણ પાળિયા પણ એ છતરડીમાં મૂક્યા છે.
(સંપાદકીય નોંધ :૨૦૦૧ના ભૂકંપમાં આ છતરડીઓ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તે પછીથી તેમને પુનઃસ્થાપિત પણ કરાઈ છે. છતરડીનો અહીં મૂકેલો ફાઈલ ફોટો ઇન્ટરનેટ પરથી સાભાર લીધેલ છે.)
"હોલી" એક એવી અજ્ઞાત પત્નીની સત્યઘટના છે જેની ઈર્ષાળુ સાસુ તેને ક્યારેય પણ પોતાના દીકરા સાથે સંસાર જ માંડવા નથી દેતી. એક કાચી પળે પતિ સાથે માણવા મળેla દાંપત્ય સુખના પરિપાક રૂપે તે જ્યારે બેજીવી થાય છે, ત્યારે તેની સાસુ વાટેલો કાચ ભેળવેલ લાડુ ખવડાવી મારી નાખવાનો પેંતરો પણ રચી કાઢે છે. આ બહાદુર અને હિંમતવાન નારી ત્યારે ક્ચ્છના મહારાવ સામે જાહેરમાં જઈને આ કારસ્તાન ઉઘાડું પાડે છે. તેના મૃત્યુ સમયે તેના (માવડીયા, કાયર) પતિને કાંધ દેવાની સ્પષ્ટ મનાઈ તે પોતાના દીકરાને જણાવી ગઈ હોય છે.
"ગાયિકા" મુખોપમુખ જ કહેવાતી રહેલી કહાની છે. સ્વામી વિવેકાનંદ અજ્ઞાત સાધુ તરીકે કચ્છની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફરતાં ફરતાં માંડવી પણ ગયેલા. ત્યાં તેમને જાણવા મળ્યું કે અહીં એક છોકરી ધ્રુપદગાયન જાણે છે. બન્ને જણ મંદિરની નિશ્રામાં ધ્રુપદગાયનની સંગતની અલૌકિક અનુભૂતિને સાક્ષાત કરે છે.
કચ્છના મહાન ક્રાન્તિકારી શ્યામજી કૃષ્ણજી વર્માના જીવનમાં તેમનાં નાનીનો અને પત્ની ભાનુમતીનો જે અબોલ ફાળો રહ્યો છે તેને, અનુક્રમે, "નાની" અને “ભાનુમતી"માં અક્ષરદેહ અપાયો છે. બંને વાર્તાઓમાં તેનાં મુખ્ય પાત્રો 'નાની' અને 'ભાનુમતી'નાં વ્યક્તિત્વોનાં સુક્ષ્મ પાસાંઓ ઝીલી લેવાયાં છે.
"સૂર્યના વારસદાર'માં ૧૯૨૫માં ગાંધીજીના કચ્છના પ્રવાસના સમયની સામાજિક માન્યતાઓનું ચિત્રણ રજૂ થાય છે. એ સમયે જે અનુભવો થયા એ અનુભવો કોઈ બીજા કાચાપોચા યુવાનને તેના આદર્શની શોધના માર્ગમાંથી વિચલિત કરી મૂકે તો નવાઈ ન કહેવાય. પણ આ વાર્તામાં વણી લેવાયેલા ત્રેવીસ જ વર્ષના યુવાન કાંતિપ્રસાદના મનોબળનાં મૂળિયાં વધારે મજબૂત થયાં હોય એમ ફલિત થાય છે.
"સૂર્યના વારસદાર" પર ક્લિક કરવાથી વાર્તા વાંચી શકાશે.
વાસ્તવિક જીવનમાં પણ આ પ્રકારની વ્યક્તિઓની કોઈ જ ખાસ ઓળખ નથી હોતી. પોતાને માથે જે જવાબદારી આવી પડી છે તેને પોતાથી બનવી પૂરી નિષ્ઠાથી નિભાવવી એ તેમની પ્રકૃતિ છે. ક્યારેક તેઓ તેમની વફાદારીની ભાવનાના ઊંડે સુધી વહેતા પ્રવાહો તેને પોતાની શક્તિ બહાર, પરિસ્થિતિ સામે, ઝઝૂમવા પ્રેરે છે. પણ એક વાત તો નક્કી જ છે કે તેઓ જે કંઈ કરે છે તેમાં વર્તમાન કે ભાવિ નામનાની ખેવનાનો તો જરા સરખો પણ અંશ નથી જ. ઇતિહાસનાં પાનાઓમાં ધરબાઈને કહેવાયેલી એકાદ પંક્તિમાં તેઓ અચૂકપણે ધ્યાન આકર્ષી જ લે છે.
આ વાર્તાસંગ્રહની દરેક વાર્તામાં મુખ્ય પાત્ર આ જ રીતે પોતપોતાની વાત આપણાં ચિત્ત પર ચોંટાડી જવામાં સફળ રહે છે. કચ્છના ઇતિહાસ સાથે પરિચિત ન હોય તેવા વાચકને પણ આ દરેક વાર્તા આપમેળે જ ગમે તે રીતે રજૂ કરવામાં આવી છે.
No comments:
Post a Comment