Saturday, June 27, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૪ :વર્ષ ૧૯૫૧ - આરામ, બડી બહુ, દો સિતારે, તરાના
 
  ૧૯૫૧નાં વર્ષમાં અનિલ બિશ્વાસનાં સંગીત નિદર્શનવાળી ૪ ફિલ્મો રજૂ થઇ હતી.

આરામ (દેવ આનંદ, મધુબાલા, પ્રેમનાથ),
બડી બહુ (શેખર, નિમ્મી, સુલોચના ચેટર્જી)
દો સિતારે (દેવ આનંદ, સુરૈયા, પ્રેમનાથ), અને 
દિલીપ કુમાર, મધુબાલાની સીમાચિહ્ન રુપ ફિલ્મ 'તરાના'.

આ ચાર ફિલ્મો મળીને પુરૂષ પાર્શ્વગાયકો સાથે ચાર અને સ્ત્રી પાર્શ્વગાયિકા સાથે બે એમ છ યુગલ ગીતો તેમ જ ૧૪ સોલો ગીતો લતા મંગેશકરને અંકે રહ્યાં.
આરામ (૧૯૫૧)
મનમેં કિસીકી પ્રીત બસા લે, ઓ મતવાલે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
લતા મંગેશકરનાં સદાબહાર ગીતોમાં અગ્રસ્થાન મેળવતું રહેલ ગીત. ગીતના આરંભમાં કે અંતરા સમયે પિયાનો પર વગાડાયેલી ધૂન કર્ણપ્રિય તો છે જ, પણ સાથે સાથે સંગીતકારની એ વાદ્ય પરની હથોટીને પણ દાદ આપે છે.
મિલ મિલ કે બીછડ ગયે નૈન - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
આ ફિલ્મનાં અન્ય ગીતોની લોકપ્રિયતામાં આ ગીતની આંટીઘૂંટીઓ કદાચ ખોવાઇ જતી હોય તેવું જણાય.
 રુઠા હૈ ચંદા રુઠી હૈ ચાંદની, તુમ્હીં કહો કૌન મનાયે જી - ગીતકાર પ્રેમ ધવન
બહુ જ રમતિયાળ ભાવને હળવાશથી રજૂ કરતું ગીત
બલમવા નાદાન .. બલમા જા જા રે - ગીતકાર પ્રેમ ધવન
મુખડાની શરૂઆતમાં 'બલમવા નાદાન' ગવાય ત્યારે પરદા પર નર્તકીની મરોડની અંગભંગી ને ચરિતાર્થ કર્યા પછીથી ગીત વાણિજ્યિક નૂત્યની લય પકડી લે છે.
 બીગડ બીગડ કે બની  - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
મુખડામાં આલાપ નાયિકાનાં મનની કરૂણાને વ્યકત કરે છે.

બડી બહુ (૧૯૫૧)

મુન્શી ડોગરા હાંજી, અરજી એક લીખો - ચંદન બાળા સાથે - ગીતકાર - સફદર આહ સીતાપુરી
ચિતચોરનું નામ લખાવવું પડે તેવી અરજી લખાવવા જતાં દિલની ધડકનો કંપી ઉઠે તે સ્પંદનોને વાચા આપતું એક હળવું યુગલ ગીત
સીતારોં ચાંદ સે કહ દો - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
દરેક અંતરાના અંતમાં ચાંદસે કહ દો કહ દો કહ દો એમ 'કહ દો' ને બેવડાવીને નાયિકા પોતાનો સંદેશ ભૂલાઇ ન જાય તેની ભારપૂર્વકની યાદ સિતારાઓને કરાવી દે છે.
બદલી તેરી નજર તો નઝારે બદલ ગયે - ગીતકાર પ્રેમ ધવન
કુદરતનાં દરેક અંગની નજર પ્રિયતમની નજર બદલતાંની સાથે જ બદલી ગઇ છે, તેવી શિકાયતના સૂરને ઘુંટતું ગીત..
મુકેશ સાથેનાં યુગલ ગીતો - કાહે નજરોંમેં કજરા ભરે (પ્રેમ ધવન) અને પ્યારકી રાહમેં ભટકનેકા ડર (પી એન રંગીન) - આપણે મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૫૦ના દાયકાનાં ગીતો માં સાંભળી ચૂક્યાં છીએ.
દો સિતારે (૧૯૫૧)
ફિલ્મમાં સુરૈયા નાયિકાની ભૂમિકામાં છે એટલે વધારે ગીતો તેને ફાળે જ ગયાં હોય એ  સ્વાભાવિક છે. (એ ગીતો અહીં સાંભળી શકાશે : દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં  સુરૈયાનાં અનેરાં ગીતો - ઉત્તરાર્ધ)
ઇધર ખો ગયા યા ઉધર ખો ગયા - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
નવપલ્લવિત પ્રેમમાં દિલ ખોઈ ચૂકેલી મુગ્ધાની ભાવનાની ઉછળકૂદને ઢોલકની થાપ, વાંસળીના સૂર અને વાયોલીનની લયમાં ઝીલતું ગીત
મેરી આસમાની ઘોડી - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
ઘોડીની રવાલ ચાલના ટપ્પા અને તેની સાથે વહેતા પવનની સેરનો આભાસ કરાવતું સંગીત.

તરાના (૧૯૫૧)

બોલ પપીહે બોલ - સંધ્યા મુખર્જી સાથે -
એક નાયિકા મુક્ત વાતાવરણમાં પપીહાના બોલ સાઅથે તાલ મેળવે છે તો બીજી નાયિકા શહેરનાં વાતાવરણમાં એ લાગણીઓને અનુભવે છે. સ્ત્રી-યુગલ ગીતોમાં આજે પણ અગ્રસ્થાને આ ગીત રહ્યું છે, અને આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.
મોસે રુઠ ગયો મેરા સાંવરીયા કિસકી લગી હાય હાય કિસકી લગી જૂલ્મી નજરીયાં - ગીતકાર ડી એન મધોક
મુખડામાંના શબ્દો - કિસકી લગી હાય હાય કિસકી લગી જૂલ્મી નજરીયાં -ને ફેરવી ફેરવીને નાયિકાનાં મનની તડપને વ્યકત કરી છે.
યું છૂપ છૂપ કે સબ સે છૂપ છપ કે મેરા આના - ગીતકાર ડી એન મધોક
છૂટાં પડતાં પહેલાં પ્રેમિકા પ્રિયતમને યાદ કરાવે છે કે તે જ્યાં પણ જશે ત્યાં આમ છૂપાઈ છૂપાઈને મળવા આવું ભૂલાય નહીં...
બેઈમાન તોરે નૈનવા નિંદીયા ન આયે - ગીતકાર ડી એન મધોક
પ્રેમિકા તેના પ્રિયતમને એક ઝલપભર નીંદર ખેંચી  લેવા માટે 'હાલરડું' ગાઇ રહી છે. લતા મંગેશકરનાં શિરમોર ગીતોમાંનાં સિમાચિહ્ન ગીતો પૈકીનું ગીત . ગીતની શરુઆતમાં અને અંતમાં  વાદ્યવૄંદમાં વાંસળીનો બહુ જ અનોખી રીતે પ્રયોગ કરાયો છે.
વો દિન ગયે કહાં બતા – ગીતકાર ડી એન મધોક
દિલનાં ઊંડાણોમાંથી વિરહની પીડાને મૂર્ત કરતું ગીત
વાપસ લે લે યે જવાની - ગીતકાર કૈફ ઈરાની
સ્વાભાવિકપણે વિકસતી પ્રેમની  કુંપળોને જે જવાનીમાં ફૂલવા ફાલવાની જગ્યા ન હોય તેવી જવાની તો પાછી જ લઇ લે તો શું ખોટું......
તલત મહમૂદ સાથેનાં બે યુગલ ગીતો - નૈન મિલે નૈન હુએ બાવરે અને સીનેમેં સુલગતે હૈ અરમાં - હિંદી ફિલ્મોનાં સમગ્ર યુગલ ગીતોમાં અગ્ર સ્થાન મેળવતાં રહ્યાં છે. આ બંને ગીતો આપણે અનિલ બિશ્વાસ અને તલત મહમુદ - એક અનોખું સંયોજન - સોંગ્સ ઑફ યૉરમાં પણ સાંભળી ચૂક્યાં છીએ.


હવે પછીના ૨૬ સપ્ટેમ્બર,૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......
Post a Comment