આની પહેલાંના અંકમાં આપણે વિરામ લીધો ત્યારે જોયું હતું કે 'કાલા બાઝાર'માં પણ બર્મનદાએ દેવ આનંદ માટે એક યુગલ ગીતમાં મન્નાડેનો સ્વર જરૂર વાપર્યો હતો, પણ મોહમ્મદ રફીનાં ગીતોની સફળતાએ લટકાવેલાં 'હાઉસફુલ'નાં પાટિયાંઓમાં એ 'કાળા બાઝારી' કરામત શ્રોતાઓએ સાંભળી નસાંભળી કરી નાખી એમ જણાય છે.
આ અદ્ભૂત સંયોજનમાંથી નીપજેલ આગળ ઉપરનાં મોતીઓનાં ઝળાંહળાં પ્રકાશને આપણે આજે અનુભવીએ.
બાત એક રાત કી (૧૯૬૨) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
અકેલા હૂં મૈં ઈસ દુનિયા મેં સચીન દેવ બર્મનની હલકી ફુલકી ધૂનને આડી અવળી ઊંચી નીચી ચડાવ ઉતરાવથી મધુર ગતિમય બક્ષવામાં મોહમ્મદ રફીની ગાયકીની હરકતો કામયાબ રહે છે.
આ ફિલ્મમાં સચીન દેવ બર્મને મોહમ્મદ રફીના અવાજને નાયક તેમ જ કોમેડીયન એમ બંનેનાં પાર્શ્વગાયનમાં આગવી અસરકારકતાથી કામે લીધેલ છે, જેને આપણે જૂદા લેખમાં જોઇશું.
આ ફિલ્મમાં પણ જેને દેવ આનંદનું સિગ્નેચર ગીત કહી શકાય તેવું ગીત - ન તુમ હમે જાનો, ન હમ તુમ જાને - ફરી એક વાર હેમંત કુમારના સ્વરમાં વણી લેવાયું છે. ફિલ્મમાં બીજાં યુગલ ગીતોમાં આશા ભોસલેના સ્વરના ઉપયોગ કરાયો છે, પણ આ ગીતનાં જોડીદાર ગીતમાં સુમન કલ્યાણપુરના સ્વરનો પ્રયોગ કરાયો છે.
તેરે ઘર કે સામને (૧૯૬૩) - ગીતકાર : હસરત જયપુરી
દિલકા ભંવર કરે પુકાર, પ્યારકા રાગ સુ…નો રે કુતુબ મિનારની સીડીઓ પર દિલનો ભ્રમર તો પ્રેમિકાને પ્રેમાલાપની ગુંજારવ જ સંભળાવતો રહે છે...
તુ કહાં યે બતા ઈસ નશીલી રાતમેં
મોહમ્મદ રફીના નશીલા અવાજની પુકાર શેરીએ શેરીએ ગૂંજે તો ઠંડી રાતનાં ધુમ્મસની ગમે એટલી જાડી દિવાલમાંથી એકલી પ્રેમિકા જ નહીં પણ ગામની દરેક વ્યક્તિ બારી ખોલીને ગીત સાંભળવા કાન તો માંડી જ દે....
સૂન લે તુ દિલકી સદા, પ્યાર સે પ્યાર સજા
ગીતનાં પહેલાં સ્વરૂપમાં પ્રેમિકાને પ્રેમના સંદેશની સદા પહોંચાડવાની રોમાંચક કસ્મકશને ઉજાગર કરાઇ છે, તો બીજાં સ્વરૂપમાં બે વડીલોની જીદને પ્રેમની સદાથી ઓગાળવાની અરજ છે.
ગાઈડ (૧૯૬૫) - ગીતકાર : શૈલેન્દ્ર
તેરે મેરે સપને એક રંગ હૈ પ્રેમીના દિલની ઊંડાઇમાંથી ઉઠતા અવાજની સહૃદયતાને મોહમ્મદ રફી બહુ જ સહજતાથી રજૂ કરી રહ્યા છે.
દિન ઢલ જાયે હાયે રાત ન જાય
‘ઐસી હી રિમઝીમ ઐસી ફૂહારે, ઐસી હી થી બરસાત’ની યાદોમાં સાથે સાથે હોવા છતાં આટઆટલાં અંતર પડી જાય એવા દિવસ તો કાઢી કઢાય, પણ રાતની એકલતાને કેમ સહન કરવી... આ દર્દની ઘુટનની તડપને મોહમ્મદ રફીનો સ્વર ઘૂંટતો જ રહે છે….
ક્યા સે ક્યા હો ગયા, બેવફા તેરે પ્યારમેં
પ્રેમમાં મળેલી બેવફાઈની શિકાયતમાં ફરિયાદના આક્રોશને પ્રેમની મજબુરીની આહટમાં ગુંજતી કરવાનું દર્દ જે સંગીતકારે કલ્પ્યું હશે તેને મોહમ્મદ રફી સિવાય આટલું વધારે જીવંત કોણ કરી આપી શકે??
તીન દેવિયાં (૧૯૬૫) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાયે કામિની નજરના નશામાં હમણાં જ કોઇ ખુબસુરત ખતા થઇ બેસશે તેવી ઉત્કટતાની શાયરાના અંદાઝમાં પેશકશ
કહીં બેખયાલ હો કર કહી છૂ લિયા કિસીને
કોઇની બેખયાલી જ્યારે સ્પર્શી જાય ત્યારે કેવાં કેવાં ખ્વાબ આંખોની સામે તરી ઊઠે...
ગૅમ્બલર (૧૯૭૧) - ગીતકાર : નીરજ
મેરા મન તેરા પ્યાસા સચીન દેવ બર્મન - મોહમ્મદ રફી - દેવ આનંદનાં ત્રિકોણીય સંયોજનનું આખરી સોલો ગીત આપણને પણ તરસ્યા મૂકી દે છે………………………
સચીન દેવ બર્મને મોહમ્મદ રફીના અવાજનો દેવ આનંદ માટેનાં યુગલ ગીતોમાટે, અને અન્ય અભિનેતાઓ માટે, કેવો અને કેટલો ઉપયોગ કર્યો તે હવે પછી...
No comments:
Post a Comment