Showing posts with label Hasrat Jaipuri with 'other' music directors. Show all posts
Showing posts with label Hasrat Jaipuri with 'other' music directors. Show all posts

Sunday, April 11, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૨૧

 હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૯

હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. હિંદી ફિલ્મનાં ગીતોના મોટા ભાગનાં વાચકોનાં મનમાં વ્યાપક કહી શકાય એવી છાપ એ છે કે હસરત જયપુરીએ શૈલેન્દ્રની સાથે શંકર જયકિશન માટે વધારે ગીતો રચ્યાં છે. પરંતુ હસરત જયપુરીની કારકિર્દી પર ધ્યાનથી કરાતી એક જ નજર દ્વારા જ જણાઈ આવે છે કે તેમણે અન્ય સંગીતકારો સાથે સંખ્યાત્મક અને ગુણાત્મક એમ બન્ને દૃષ્ટિએ, ઘણું કામ કર્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે શંકર જયકિશન જે કોઈ ફિલ્મો લેતા તેનાં ગીતોની શૈલેન્દ્ર અને હસરત વચ્ચે વહેંચણી થઈ જતી. પરિણામે, હસરત જયપુરી પાસે ફાજલ સમય રહે તે સ્વાભાવિક છે. વળી તેઓ મુત્સદી વ્યવહારૂ વ્યક્તિ પણ હતા. એટલે તેમણે અન્ય સંગીતકારો માટે ગીતો લખવામાં જરા પણ છોછ નથી રાખ્યો જણાતો. તેમના વિશે કહેવાય છે કે તેઓ એટલી હદે વ્યવહારૂ હતા કે ગીતલેખનની આવકમાંથી જે કંઈ બચત થતી તે તેમણે આવકના અન્ય સ્રોત ઉભા કરવાં રોકી હતી.    

તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.

૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં, અને,

૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં.

આજે આપણે હસરત જયપુરીએ ૧૯૫૯માં, રોશન, દત્તારામ અને કલ્યાણજી વીરજી શાહ માટે લખેલાં, પરંતુ આપણી યાદમાંથી કદાચ વિસરાતાં ગીતોને યાદ કરીશું. ૧૯૫૯માં દત્તારામ સાથેની બે ફિલ્મો સિવાય અને સંગીતકારો સાથે કરેલી ફિલ્મોમાં હસરત જયપુરી એકમાત્ર, કે મુખ્ય પણ, ગીતકાર નહોતા. તેમણે જે ગીતો લખ્યાં એ સીચ્યુએશન માટે હસરત જયપુરી જ વધારે યોગ્ય લાગ્યા હશે એટલે તેમની પસંદગી થઈ હશે કે અન્ય કોઈ કારણ રહ્યાં હશે તે વિશે કશે વાંચ્યું હોય તેવું યાદ નથી. તે ઉપરાંત અન્ય સંગીતકારો માટે તેમણે જે ગીતો લખ્યાં તે માટે તેમને શંકર જયકિશન સાથે ગીતો લખવા માટે જે વળતર મળતું તેનાથી વધારે (કે ઓછું) વળતર મળ્યું હશે, અને એમ શા માટે (કયા સંજોગોમાં) થયું હશે, એ પણ જાણવું રસપ્રદ બની રહી શકે છે.

રોશન

સીઆઈડી ગર્લ (૧૯૫૯)

આ બે ગીતો સિવાય આ ફિલ્મનાં બાકીનાં બધાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં છે.

ઈક બાત સુન મતવાલે, કહતે હૈ નજ઼ર કે પ્યાલે - આશા ભોસલે

ગીતની ધુન, વાદ્યસજ્જા,  ગીતના બોલ અને ગાયકી એ બધું જ અચુકપણે દર્શાવે છે કે ગીત ક્લ્બમાં ગવાતું નૃત્ય ગીત છે. ગીતના ઉપાડ અને મુખડામાં રોશન પાશ્ચાત્ય વાદ્યો પર હાથ અજમાવે છે પરંતુ અંતરાની શરૂઆત કરતી વખતે તાલ માટે ઢોલક પર આવી જાય છે. અંતરો પુરો થતાં છેલ્લી પંક્તિઓ ફરી પાશ્ચાત્ય વાદ્યો પર આવી જાય છે. એ સમયનાં ક્લબનાં નૃત્ય ગીતોમાં ફિલ્મના મુખ્ય કલાકાર માટે પાછો છુપો સંદેશ પણ હોય ! હસરત જયપુરી એ ગૂઢ સંદેશને પણ ગીતના માદક જણાતા શબ્દોમાં અસાનીથી વણી લે છે.


અખિયોંમેં દિલ ખોયા બતીયોંમેં દિલ ખોયા, મૈં ઈસે ઢૂંઢ લુંગી બાબુ - આશા ભોસલે

આ ગીત પણ છે તો ક્લબ ગીત જ છે પણ વધારે મસ્તીથી લલચાવનારૂં પણ છે.

દત્તારામ

ક઼ૈદી નં ૯૧૧ (૧૯૫૯)

પ્રસ્તુત ફિલ્મમાં હસરત જયપુરી એક માત્ર ગીતકાર છે. ફિલ્મનાં મીઠી મીઠી બાતોંસે બચના જ઼રા (લતા મંગેશકર, ડેઝી ઈરાની) અને પ્યાર ભરી યે ઘટાયેં રાગ મિલન કે સુનાયે (મન્ના ડે, લતા મંગેશકર) ખાસ્સાં જાણીતાં ગીતો છે.

તેરે તીર કો હમને પ્યાર સે દિલમેં રખ લિયા - લતા મંગેશકર, કોરસ

દત્તારામ પણ ક્લબ નૃત્ય ગીત પર સફળતાથી હાથ અજમાવે છે એટલું જ નહીં પણ લતા મંગેશકર પાસે આવું માદક ગીત પણ ગવડાવે છે અને તેમની પાસે 'દત્તુ ઠેકા'નો પ્રયોગ ગાયકીમાં પણ કરાવી લે છે.

તુને મેરા મૈને તેરા દિલ લે લિયા...દો નૈન મિલાકે હાય દિવાના કર દિયા - લતા મંગેશકર

દત્તારામ ફરી એક વાર લતા મંગેશકરનો સ્વર શેરી ગીત માટે પ્રયોજી શક્યા છે. શેરી ગીતની આગવી પહેચાન સ્વરૂપ હાર્મોનિયમના ટુકડા અને ઢોલકની થાપ એ બન્નેમાં દત્તારામ તેમના 'ઠેકા'ને અનોખી અદાથી પેશ કરે છે.

યે ખિલે ખિલે તારે હમારે હૈ ઈશારે... આજા રે આજા - લતા મંગેશકર, મહેમૂદ

આ ક્લબ ગીતમાં છદ્મવેશી 'ખાસ' મહેમાનને માટે કહેવાનો સંદેશો હસરત જયપુરીએ રમતિયાળ શબ્દોમાં વણી લીધેલ છે.

સંતાન (૧૯૫૯)

અહીં પણ હસરત જયપુરી એક માત્ર ગીતકાર છે. કહેતા હૈ પ્યાર મેરા (લતા મંગેશકર તેમ જ હેમંત કુમારના સ્વરનું જોડીયું ગીત), દિલને જિસે માન લિયા (મૂકેશ) અને બોલે યે દિલકા ઈશારા (મન્ના ડે, લતા મંગેશકર) ફિલ્મનાં લોકપ્રિય થયેલાં ગીતો છે.

આડવાત : 'સંતાન' શીર્ષક ધરાવતી બીજી ત્રણ ફિલ્મો પણ છે. ૧૯૪૬ની ફિલ્મમાં સંગીત રામચંદ્ર પાલ અને બોલ અન્જુમ પીલીભીતીના છે. ૧૯૭૬ની ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને બોલ ફરીથી હસરત જયપુરીના છે , જ્યારે ૧૯૯૩ની ફિલ્મમાં સંગીત આ્નંદ મિલિંદ્ અને બોલ સમીરના છે.

છોટી સી દુલ્હનિયાકી શાદી, પ્યારી સી દુલ્હનિયાકી શાદી - લતા મંગેશકર, કોરસ

નાની બાળકીઓની પાર્ટીમાં લગ્ન સમયના પ્રસંગોને વણી લેતું આ પાર્ટી ગીત છે. હસરત જયપુરી આવી સીધી સાદી સીચ્યુએશન માટે એટલા જ સીધા શબ્દો દ્વારા ઊંડી લાગણીઓ વ્યક્ત કરે છે.

છમ છમ નાચું મૈં ઝૂમતી બહાર મેં, જાને કિસ ખયાલમેં બાજે મન કે તાર - લતા મંગેશકર મનમાં ફૂટતી પ્રેમની સરવાણીઓને હસરત જયપુરી બહુ જ સરળ શબ્દોમાં વહેતી મૂકે છે.

જાને ક્યું યે જિયા લહરાયે

રાઝ હી સમઝમેં ન આયે….

હાયે રે શરમ સી લગી હાયે રે ન બોલા જાયે

હાયે રે ન બોલા જાયે, છલકે હૈ પ્યાર હાયે


જીનેવાલે ખુશી સે જિયે જા, અપને આંસુ તુ ખુશી સે પિયે જા - મોહમ્મદ રફી, કોરસ

કરૂણ સંજોગોમાં ફસાયેલ પાત્રને સંજોગોનો સામનો કરવાની પ્રેરણા મળે તેવા ભાવનાં બેકગ્રાઉન્ડ ગીત પણ એ સમયમાં બહુ પ્રચલિત પ્રકાર હતો.

દત્તારામે કોરસનો કાઉન્ટર મેલોડી માટે સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રકારનાં ગીતો માટે મોહમ્મદ રફી પણ તેમની જાણીતી હરકતોને જરા પણ ખુંચ્યા વિના ગીતમાં વણી લે છે.

કલ્યાણજી વીરજી શાહ

ઓ તેરા ક્યા કહેના (૧૯૫૯)

ફિલ્મમાં છ ગીત  માટે પાંચ ગીતકાર - હસરત જયપુરી (બે ગીત) ઉપરાંત ગુલશન બાવરા, ઈન્દીવર, શોર નિયાઝી અને ફારૂક઼ ક઼ૈસર (દરેક એક ગીત)- અને આઠ ગાયક પ્રયોજાયાં છે!

મૈં હું મિસ લાલી દેખો નહીં દેના ઝટકા - સુમન કલ્યાણપુર

ગીતના બોલ અને બાંધણી પરથી આ ગીત પણ ક્લબ ગીત જ જણાય છે. હસરત જયપુરીને આ પ્રકારનાં ગીતો માટે જ બોલાવાયા છે? 

બાબુ ના ઓ બાબુ ના….દિલ માંગે દિલ દે દૂં, જાન માંગે જાન દે દૂં, તેરી અદા પે મૈં ચીન ઔર જાપાન દે દૂં - મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર

ગીતના ઉપાડમાં 'બાબુ ના..'નો પ્રયોગ ગીતની જમાવટને નિખારે છે. તે પછી પુરુષ ગાયકોમાં તો એ સુંદરીને રીઝવવા 'માગે તે હાજર કરૂં'ની હોડ મચી  છે!

સટ્ટા બાઝાર (૧૯૫૯)

ફિલ્મમાં ગુલશન બાવરાએ ત્રણ ગીત લખ્યાં છે, ઈન્દીવરે બે અને શેલેન્દ્રએ એક ગીત લખ્યું છે.  આમ ચાર અલગ મિજ઼ાજ઼ના ગીતકારોને ગીતો લખવાનું સોંપવા પાછળ કઈ ગણતરી હશે તે જાણવા મળે તો કેટલી બધી બાબતોનો ઉકેલ મળી શકે ! અહીં આપણે બીજી એક બાબતની પણ નોંધ લઈએ કે આણંદજીના જોડાયા પછી આ સંગીત બેલડી ખાસ્સી જામી ગઈ હતી, અને તેમની સાથે અમુક ગીતકારોનું હોવું જ સામાન્ય નિયમ બની ગયો હતો, તે પછી પણ હસરત જયપુરીએ જી ચાહતા હૈ (૧૯૬૫; બધાં જ ગીતો), ઘર ઘરકી કહાની (૧૯૭૦, બે ગીત), રખવાલા (૧૯૭૧, એક ગીત), અપરાધ (૧૯૭૨,બે ગીત)માં પણ કલ્યાણજી આણંદજી માટે ગીતો લખ્યાં

આડવાત:  પ્રસ્તુત ફિલ્મ રવિન્દ્ર દવેએ તેમનાં નિર્માણ ગૃહ 'નગીના ફિલ્મ્સ'ના નેજા હેઠળ નિર્માણ કરી હતી. સહાયક તરીકે (માત્ર) લક્ષ્મીકાંત જ હતા. આમ એક સમયની સંગીતકાર અને સહસંગીતકારની જોડીઓ હજુ નિર્માણ નહોતી પામી.

કહેતી હૈ મેરી આંખેં, યે જાદુ ભરી આખેં, હુઆ હૈ તુમ સે પ્યાર….તુમ્હારી યાદ આયે જીયા કો તડપાયે - લતા મંગેશકર

હસરત જયપુરીએ અહીં બહૂ જ ટુંકી કહી શકાય એવી 'સાખી' - કહેતી હૈ મેરી….તુમ સે પ્યાર - લખી જરૂર છે પણ તે મુખડા સાથે જ ગવાય છે. મુખડાના શરૂના બોલને અંતરાના અંતમાં તકિયા કલમ તરીકે 'તુમ્હારી યાદ આયે...' સ્વરૂપે પ્રયોજાતા સાંભળીએ ત્યારે જ આ મુજરા ગીતમાં સાખીની અલગ ઓળખ થાય છે.

ઝરા ઠહેરો જી અબ્દુલ ગફાર, રૂમાલ મેરે લેકે જાના.. ઓ મૈં તો લાયી હું  જામુન સે બહાર, રૂમાલ મેરા લેતે જાના - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

પરદા પર તો ગીત શેરી ગીત સ્વરૂપે ભજવાય છે પણ ગીતની ધુનની બાંધણી સંપુર્ણપણે ગરબાના ઢાળ પર કરવામાં આવી છે.

શેરી ગીત ભજવતાં બે પાત્રો  - સબિતા બેનર્જી અને જોહ્ની વૉકર - વચ્ચેની મીઠી નોકઝોકને હસરત જયપુરીએ ગરબાની ધુનમાં વણી લીધી છે. જૉહ્ની વૉકર તેમની આગવી ગીત ગાવાની શૈલીને પણ ગરબાના ઠુમકાના તાલે ઝુલાવે છે.

આડવાત:  કરૂણ મુદ્રામાં ગીતને સાંભળતા મુખ્ય પાત્રમાં સુરેશ છે જે આપણી યાદમાં સુહાની રાત ઢલ ચુકી (મોહમ્મદ રફી; દુલારી, ૧૯૪૯; સંગીતકાર નૌશાદ; ગીતકાર શકીલ બદાયુની)ને પરદા પર જીવંત કરનાર અભિનેતા તરીકે કંડારાઈ ગયેલ છે.

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો સાથે રચેલાં ગીતોની યાદોની સફર આવતાં વર્ષના મણકામાં ચાલુ જ રહે છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, April 12, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૨૦


હસરત જયપુરી - શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૮
હસરત જયપુરી (મૂળ નામ - ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની  હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. તેમણે હિંદી અને ઉર્દુ પદ્ય / શાયરીઓનાં પણ પુસ્તકો લખ્યાં છે. વિવેચકોએ તેમને સાહિર લુધ્યાનવી કે કૈફી આઝમી જેવા શાયરોની કક્ષાના કે ફિલ્મ સંગીતના ચાહકોએ તેમને કદાચ શૈલેન્દ્ર જેવી કક્ષાના ગીતકાર તરીકે નહિં મૂલવ્યા હોય, પણ તે કારણે હસરત જયપુરીની આગવી રમતિયાળ ઉર્દૂ-મિશ્રિત શૈલી અને તરત જ પસંદ પડી ગાય તેવી જાય તેવી રચનાઓનું મહત્ત્વ જરા પણ ઓછું નહોતું પડ્યું.

તેમનું મોટા ભાગનું કામ શંકર જયકિશન અને શેલેન્દ્રની સાથે થયું છે એ હકીકતને કારણે તેમણે અલગથી એ સિવાય પણ ફિલ્મ સંગીતનાં ગીતોનું જે ખેડાણ કર્યું છે તે પણ એટલું જ નોંધપાત્ર અને શોતાઓને પસંદ રહ્યું છે. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.
હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં
આપણે આપણા આ ઉપક્રમમાં વર્ષવાર આગળ વધી રહ્યં છીએ, એટલે અમુક સંગીતકારો સાથે હસરત જયપુરીએ રચેલાં ગીતો  દરેક હપ્તાઓમાં ફરીથી જોવ અમળશે. આવશે. એક જ સંગીતકાર સાથે અલગ અલગ વર્ષોનાં ગીતો એક સાથે મુકવાને કારણે  એ સંગીતકારની સમયની સાથે કે વિષયની સાથે શૈલીમાં થતા ફેરફારોની સામે હસરત જયપુરીનાં ગીતોમાં કંઈ અસર પડી કે નહીં તેવી શાસ્ત્રીય ચર્ચામાં આપણે નહીં ઉતરીએ. એ આપણો મુળભૂત આશય પણ નથી.  દરેક અંકમાં એક જ સંગીતકાર સાથે હસર્ત જયપુરીએ એકથી વધારે ફિલ્મો કરી હોય તો તે ફિલ્મોને આપણે એક સાથે જરૂર મુકી છે.
સંગીતકાર: વસંત દેસાઈ
વસંત દેસાઈ અને હસરત જયપુરીએ આ પહેલાં વ્હી. શાંતારામની 'ઝનક ઝનક પાયલ બાજે (૯૧૫૭)માં પણ સાથે કામ કર્યું છે.
દો ફૂલ (૧૯૫૮)
'દો ફૂલ' એ એ આર કારદાર દ્વારા એક જુની અને જાણીતી બાળવાર્તા હૈદી (લેખિકા જોહાના સ્પાયરી) પરથી બનાવાયેલી ફિલ્મ છે. ફિલ્મનાં બધાં જ ગીતો હસરત જયપુરીએ લખ્યાં છે. કુલ ૮ ગીતોમાંથી આશા ભોસલે અને લતા મંગેશકરનાં દરેકનાં બબ્બે સૉલો અને એકએક કોરસ ગીતો છે. આપણે સિવાયનાં બે આશા ભોસલે અને લતા મંગેશકરનાં બે યુગલ ગીતો અને એક આરતી મુખ્રજીનું સૉલો ગીત અહીં રજૂ કરેલ છે.
બચપન કા તોરા મોરા પ્યાર -  આશા ભોસલે, લતા મંગેશકર
બે બાલ મિત્રો મોટાંથઈને પણ આ મૈત્રીનું જોડાણ નિભાવશે તેવા એકબીજાંને કોલ આપે છે. પરદા પર આ ગીત બેબી નાઝ અને માસ્ટર રોમી પર ફિલ્માવાયું છે.

રૂઠી જાયે રે ગુઝરિયા - આશા ભોસલે, લતા મંગેશકર
રીસામણાં - મનામણાંનો વિષય હિંદી ફિલ્મોમાં ગીતો માટેનો એક બહુ પ્રચલિત વિષય રહ્યો છે. બાળ મિત્રો વચ્ચે પણ રૂસણાં -મનાવણાં તો થવાનામ જ. ગીતમાં જોવા મળે છે કે બાળકોનાં રૂસણાં લાંબાં ચાલે નહીં એજ ચલણ મોટાંઓના કિસ્સામાં કમસે કમ હિંદી ફિલ્મ ગીતોમાં તો જળવાય છે. અહીં પણ છેલ્લા અંતરામાં બેબી નાઝ મનાવાઈ જઈને હવે તેના મિત્રને મનાવે છે.

મટક મટક નાચું રે  = આરતી મુકર્જી
બાળકોની ફિલ્મમાં મસાલારૂપ મનોરંજન માટે પણ બાળ કલાકાર હોય એ ભાવના પ્રસ્તુત ગીતમાં દૃશ્યમાન છે.

સંગીતકાર: દત્તારામ
સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામની આ બીજી ફિલ્મ છે. તેમની પહેલવહેલી ફિલ્મ આર કે ફિલ્મ્સની 'અબ દિલ્લી દૂર નહીંં' (૧૯૫૭) હતી, જેમાં હસરત જયપુરીએ શૈલેન્દ્રની સાથે ગીતો લખ્યાં હતાં આજની ફિલ્મ 'પરવસ્રિશ'નાં બધાં ગીતો તેમણે એકલાએ લખેલાં છે.
પરવરિશ (૧૯૫૮)
'પરવરિશ' એક સામાજિક વિષય પર બનેલ ફિલ્મ છે. અહીં રાજ કપૂર એક અભિનેતા તરીકે સાથ આપે છે. ફિલ્મનું એક રોમેન્ટીક યુગલ ગીત 'મસ્તી ભરા હૈ સમા' અને એક મસ્તીભર્યું નૃત્ય યુગલ ગીત 'બેલીયા બેલીયા. દેખો જી હજારોંમેં (બન્ને ગીતો - મન્ના ડે અને લતા મંગેશકર), એક હાસ્યપ્રધાન પુરુષ-પુરુષ યુગલ ગીત 'મામા ઓ મામા (મન્ના ડે અને મોહમ્મદ રફી) અને કરૂણ ભાવનું પુરુષ સૉલો ''આંસુ ભરી હૈ' (મુકેશ' તો આજે પણ એટલાં જ યાદ કરાય છે.
આપણે ફિલમના આ સિવાય ઓછાં સાંભળવા મળતાં ત્રણ ગીત અહીં રજૂ કરેલ છે.
જ઼ૂમે રે જ઼ૂમે રે - આશા ભોસલે
ગીતનો પ્રકાર હાલરડાંનો છે. નોંધપાત્ર બાબત એ છે કે પર્દા પર તેને લલિતા પવાર પર ફિલ્માવાયું છે. મોટા ભાગનાં લોકોની સ્મૃતિમાં  લલિતા પવાર કાવાદાવા કરતી સાસુના કિરદારમાં એટલાં જડાઈ ગયાં છે કે તેમણે 'અનાડી' કે 'આનંદ'જેવી ફિલ્મોમાં ભજવેલ સંવેદનશીલ ભૂમિકાઓ હાંસિયામાં ઢંકાઈ જતી અનુભવાય છે. આમ અહીં તેમને એક પ્રેમાળ માનાં સ્વરૂપે, હાલરડું  ગાતાં જોવાં એ બહુ વિરલ ઘટના કહી શકાય.

લુટી ઝિન્દગી ઔર ગ઼મ મુસ્કરાયે - લતા મંગેશકર
હિંદી ફિલ્મોની ફોર્મ્યુલા શૈલીમાં એક કરૂણ સ્ત્રી સ્વરનાં ગીત માટે પણ અચુક સ્થાન હોય જ !

જાને કૈસા જાદુ કિયા - આશા ભોસલે, સુધા મલ્હોત્રા 
ફિલ્મ ફોર્મ્યુલામાં એક 'આઈટેમ સોંગ' પણ હોવું જોઈએ. એ સમયની ફિલ્મોમાં એ પ્રકારનાં ગીતોમાં મુજરાનાં ગીતો બહુ પ્રચલિત હતાં.
દત્તારામને પણ પોતાની બહુમુખી સંગીત પ્રતિભા રજૂ કરવાની તક મળી રહી છે.
ગીતોમાં પર્દા પરનાં પાત્રોને ઓળખવામાં રસ ધરાવતાં મિત્રોને જણાવીએ કે પ્રસ્તુત ગીત પર્દા પર મીના ફર્નાન્ડીઝ (આશા ભોસલેના સ્વર પર) અને શીલા વાઝ (સુધા મલ્હોત્રાના સ્વર પર) ઓળખી શકાશે.

સંગીતકાર : કલ્યાણજી વીરજી શાહ
સફળ સંગીતકાર બેલડીના અન્ય સાથી આણંદજી હજૂ સક્રિય થયા તે પહેલાં  કલ્યાણજીભાઈએ એકલા રહીને જે કામ કર્યું તે તબક્કાની આ ફિલ્મ છે.
સમ્રાટ ચંદ્રગુપ્ત (૧૯૫૮) 
ફિલ્મમાં મુખ્ય ગીતકાર ભરત વ્યાસ (પાંચ ગીત) હતા. તે ઉપરાંત ઈન્દીવરે પણ એક ગીત અને હસરત જયપુરીએ બે ગીત લખ્યાં છે. હસરત જય્પુરીએ  લખેલ યુગલ ગીત 'યે સમા હૈ મેરા દિલ જવાં (મન્ના ડે, લતા મંગેશકર) ઘણું જાણીતું થયું હતું.
દસ્તાવેજીકરણની નોંધપૂર્તિમાટે નોંધ લઈએ કે આ પહેલાં ૧૯૪૫માં આ જ નામની  ફિલ્મ રજૂ થઈ હતી, જેનું સંગીત સી રામચંદ્રએ આપ્યું હતું.
અય દિલબર આ જા આ જા, હાથમેં મેરે લે લે જામ - લતા મંગેશકર, કોરસ
ભારત વર્ષમાં સમ્રાટ ચંદ્રગુપ્તના સમય કાળમાં રાજ્ય દરબારમાં 'દિલબર' કે 'જામ' જેવા ફારસી મૂળના શબ્દો કેટલા પ્રસ્તુત હશે કે તે જ રીતે  મધ્ય-પૂર્વનાં સંગીતની અસર હેઠળનાં નૃત્યો પણ કેટલાં પ્રસ્તુત હશે તે સવાલ જરૂર થાય.

સંગીતકાર  પી રમેશ નાયડુ
મુખ્યત્ત્વે દક્ષિણ ભારતીય ફિલ્મોના સંગીતકાર હોવાને નાતે, પી રમેશ નાયડુ, હિદી ફિલ્મ સંગીત વિશ્વમાં બહુ જાણીતું નામ નથી. જોકે આપણી પ્રસ્તુત શ્રેણીમાં  હસરત જયપુરી સાથેની તેમની ફિલ્મ 'હેમ્લેટ' (૧૯૫૪)નાં ગીતો દ્વારા આપણે કંઈક અંશે તેમનાથી પરિચિત જરૂર છીએ. તેમણે દસ ભાષાઓની ફિલ્મોમાં સંગીત આપ્યું છે (એક સરખામણીઃ સલીલ ચૌધરીએ ૯ ભાષાઓમાં સંગીત આપ્યું છે.)  તેમને 'મેઘ સંદેશમ'નાં સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર પંણ મળેલ છે.
પિયા મિલન (૧૯૫૮) 
હિંદી ફિલ્મ સંગીતના મુખ્ય પ્રવાહના જાણીતા ગીતકાર અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં જ મુખ્ય્ત્ત્વે કામ કરનાર સંગીતકાર વચ્ચે ાટલો સહજ તાલમેલ વિકસે તે ખરેખર બહુ ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય. 'પિયા મિલન'મૂળે તમિળ ભાષામાં મર્મવીરા (૧૯૫૬)ના શીર્ષકથી બની હતી. પ્રસ્તુત હિડી સંસ્કરણમાં ત્રણ ગીતો હર્ષ અને છ ગીતો હસરત જયપુરી દ્વારા લખાયાં છે. કોઈ પણ ગીત આ પહેલાં સાંભળ્યું હોય તેમ યાદ નથી આવતું. એટલે આપણે તેમાંથી પણ એવાં ગીતો પસંદ કર્યાં છે જેનાં ગાયકો પણ ઓછાં સાંભળવા મળતાં હોય.
અહીં પણ દસ્તાવેજીકરણ માટે કરીને નોંધ લઈએ કે આ પહેલાં આ જ નામની ફિલ્મ ૧૯૪૫માં રજૂ થી હતી, જેનું સંગીત ફીરોઝ નિઝામીએ આપેલ હતું.
હો જી તુમ  પ્યારે હમેં - ઉષા મંગેશકર
તવંગર વર્ગના મનોરંજન માટે ભજવાતા નૃત્ય કાર્યક્રમ માટે આ ગીત ફિલ્માવાયું હોય તેમ જણાય છે.

તિલ્લા લંગડી કોયલ - ઓ એમ  વર્મા, ઉષા મંગેશકર 
અહીં પણ શેરી નૃત્યને તવંગર વર્ગનાં મનોરંજન માટે તેમનાં દીવાનખાનાં પ્રસ્તુત કરાતું જણાય છે. ગાયક ઓ એમ વર્મા નામ પણ પહેલી જ વાર સાંભળવા મળે છે.

ઓ સાથી રે તૂ આ ભી જા - લતા મંગેશકર, ઉષા મંગેશકર, જગમોહન બક્ષી, કોરસ
દેખો માને નહીં રૂઠી હસીના ક્યા બાત હૈ (ટેક્ષી ડ્રાઈવર, ૧૯૫૪- આશા ભોસલે સાથે- સંગીતકાર: એસ ડી બર્મન- ગીતકાર: સાહિર)માં જગમોહન બક્ષીને સાંભળ્યા પછી અહીં ફરી વાર તેમના અવાજને સાંભળવા મળશે તેવી અપેક્ષા સાથે આ ગીત સાંભળીએ

સંગીતકાર ઓ પી નય્યર
ઓ પી નય્યર અને હસરત જય્પુરીને આ પહેલાં એક સાથે આપણે જોહ્ની વૉકર (૧૯૫૭)માં સંભળી ચુક્યાં છીએ. એ ફિલ્મનાં ગીતોની સફળતાને કાર્ણે હશે કે કેમ તે તો ચોક્કસપણે નથી કહી શકાતું ,પણ, ૧૯૫૮માં ફરીથી આ બન્ને કસબીઓ ફરી એક વાર જોહ્ની વૉકરની જ મુખ્ય ભૂમિકાવાળી મિ. ક઼ાર્ટૂન એમ એ માં સાથે થયેલ છે. અને કદાચ એ સફળતાનો જ પ્રતાપ હશે કે આ વર્ષે તેઓ અન્ય બે ફિલ્મોમાં પણ સાથે કામ કરી રહ્યા છે.
હાવરા બ્રિજ (૧૯૫૮) 
ફિલ્મમાં મુખ્ય ગીતકારની ભૂમિકામાં આમ તો ક઼મર જલાલાબાદી (૬ ગીતો) કહી શકાય. હસરત જયપુરીએ લખેલ બે ગીત પૈકી  મૈં જાન ગયી તુઝે સૈંયા (મોહમ્મદ રફી, શમશાદ બેગમ) આપણે આ બ્ળોગ પર એક અન્ય સંદર્ભમાં સાંભળી ચૂક્યાં છીએ, એટલે અહીં તેમની બીજી એક રચના રજૂ કરી છે.
યે ક્યા કર ડાલા તૂને દિલ તેરા હો ગયા - આશા ભોસલે
ઘોડાના ડાબલાની 'ટાંગા લય' અંતરામાં ઢોલક અને ડ્રમના તાલની અદલાબદલી, વ્હીસલીંગનો બહુ અનોખો પ્રયોગ, અંતરાનાં સંગીતમાં વાયોલિનના ઓ પી નય્યરની આગવી શૈલીના સૂરો, આમ બધી રીતે આ ગીત માત્ર અને માત્ર ઓ પી નય્યરનું જ છે. તેમાં હસરત જયપુરીના શબ્દો ધ્યાનાકર્ષક બની રહે છે તે બાબતે હસરત જયપુરીને દાદ આપવી  જોઈએ.

કભી અંધેરા કભી ઉજાલા (૧૯૫૮) 
કિશોર કુમાર અને નુતનની મુખ્ય ભૂમિકાઓવાળી આ ફિલ્મમાં પણ હસરત જયપુરીને ફાળે બહુ મર્યાદિત સંખ્યામાં ગીતો આવ્યાં છે.
અજબ હમારી હૈ ઝિંદગાની - આશા ભોસલે
ફિલ્મના શીર્ષકને મુખડાના બોલમાં આવરી લેવા માટે જ હસરત જયપુરીની પસંદગી થઈ હશે?

ઝરા સોને દે બાલમ - આશા ભોસલે
ગીતની બાંધણી તો ઓ પી નય્યરના આગવા ઢોલકના તાલ પર થઈ છે, પણ અંતરાનાં સંગીતની શરૂઆતમાં  વાયોલિનના મોટા સમુહનો પ્રયોગ ધ્યાનાકર્ષક નવીનતા છે. 

મિ. ક઼ાર્ટૂન એમ એ (૧૯૫૮)
અહીં હસરત જયપુરી જ એક માત્ર ગીતકાર છે. ફિલ્મમાં આશા ભોસલેનાં ૩ સૉલો અને આશા-ગીતા દત્તનું એક યુગલ ગીત છે. પરંતુ આપણ દરેક અંકના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો લેવાના રીવાજને અનુસરીને મોહમ્મદ રફી હોય તેવાં ગીતો અહીં પસંદ કર્યાં છે.
મૈં મૈં કાર્ટૂન - મોહમ્મદ રફી, આશા ભોસલે, શમશાદ બેગમ
ફિલ્મનાં સીર્ષકને મુખડામાં વણી લેતું ગીત એક ફેન્ટ્સી નૃત્ય ગીતનાં સ્વરૂપે રજૂ થયું છે. ગીતના તકિયા કલમ મુખડાને મોહમ્મદ રફીએ અલગ અલગ રીતે ગાયું છે.

મેરા દિલ ઘબરાયે, મેરી આંખ શર્માયે કછુ સમઝમેં ન આયે રે- મોહમ્મદ રફી, આશા ભોસલે 
બગીચામાં રાહ જોઈ રહેલ નાયિકાની સાથે જોહ્ની વૉકર કંઈ નવો વેશ પહેરીને કેમ ગીત ગાય છે તે તો આખી ફિલ્મ જોઈએ તો જ સમજાય !

તુને માર દિયા પ્યાર કા બોમ, દિલ કો કર દિયા મોમ = મોહમ્મદ રફી, કોરસ
હસરત જય્પુરીએ અહીં મુખડાં પહેલાં સખીની પંક્તિ ઉમેરીને પોતાની આગવી શૈલીની ઓળખ કરાવી દીધી છે. 

સંગીતકાર બી (બલદેવ) એન (નાથ) બાલી
હિંદી ફિલ્મ સંગીતમાં બી અને સી ગ્રેડની ફિલ્મોસુધી સીમિત રહી જનાર સંગીતકારોની પંગત બહુ મોટી છે. બી એન બાલી એ પંગતમાં પણ પાછલી હરોળના સંગીતકાર રહ્યા છે. તેમણે બધું મળીણે ૨૪ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેવી નોંધ જોવા મળે છે, પણ કોઈ ફિલ્મમાં બહુ નોંધપાત્ર સંગીત આપ્યું હોય તેમ જણાતું નથી.
પેહલા પેહલા પ્યાર (૧૯૫૮) 
હસરત જયપુરીએ લખેલાં ૪ ગીતો ઉપરાંત મદન મોહન (સંગીતકાર તો નહીં જ હોય એમ માનીએ !)ના ફાળે ત્રણ અને આનંદ બક્ષીના ફાળે ૧ ગીત નોંધાયું છે.
રોકે ક઼યામત રૂક જાય પર રોકના દિલકા મુશ્કીલ હૈ
કુછ ભી ન સુજ઼ાઈ દેતા હૈ જિસ વક઼ત મોહબ્બત હોતી હૈ
જબ ઉનકા ખયાલ આ જાતા હૈ - મોહમ્મદ રફી
પુરી બે પંક્તિના શેરની સાખી સાથે હસરત જયપુરી પેશ થાય છે.
ગીતની ધુન એક અન્ય બહુ જાણીતાં ગીત જીન રાતોંમેં નીંદ ઊડ જાતી હૈ (રાતકી રાની, ૧૯૪૯, સંગીતકાર હંસરાજ બહલ)ને મળતી હોય એવું જણાઈ રહ્યું છે ?


આજના અંકની સમાપ્તિ કરતાં આપણે એક બાબતની ખાસ નોંધ લેવી જોઈએ. જે જે સમયે હસરત જયપુરીને શંકર જયકિશન અને શૈલેન્દ્રની ટીમ સાથે ઓછાં ગીતો રચવાના સંજોગો થયા છે તેવા સમયે એ અવકાશ અન્ય સંગીતકારો સાથે કામ કરીને પુરી લીધો હશે એમ માની શકાય. જેમ કે ૧૯૫૮નાં વર્ષમાં શંકર જયકિશનની બે જ ફિલ્મો - યહુદી અને બાગી સિપાહી - આવી હતી. તેમાં પણ 'યહુદી'માં હસરત જયપુરીને ફાળે માત્ર એક અને 'બાગી સિપાહી'માં ત્રણ ગીતો જ આવ્યાં હતાં.
ખેર, આપણા નિસ્બતની આ વાત આમ તો નથી અને આપણે તો ાન્યથા પણ બન્ને હાથમાં લાડુ જ છે… એટલે આપણે તો આપણી આ સફરમાં આગળ વધવા તરફ જ ધ્યાન આપીએ…..
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.