Showing posts with label The Practical(s). Show all posts
Showing posts with label The Practical(s). Show all posts

Sunday, December 4, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : પ્રાયોગિક ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ સાથે સાક્ષાત્કાર

 

આજનો આ લેખ લખવાનો શરૂ કરતાં પહેલાં હું એ આંતરિક મનોવિચારમાં ઉતરી પડ્યો હતો કે જો ખરેખર જ મારે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણવું પડ્યું હોત અને તે પછી એ ક્ષેત્રમાં જ કારકિર્દી ઘડવાની આવી હોત તો શું શું થયું હોત!?

જોકે એ વાતનો તો સૌ પહેલાં જ સ્વીકાર કરી લઉં કે મનોવિચાર કરવાની શરૂઆત એ તબક્કાથી આગળ વધી જ ન શકી. એક કારણ તો કદાચ એ કે સાથે સાથે એ વિચાર પણ ચાલતો હતો કે અત્યારે તો હું એલ ડીનાં પાંચ વર્ષોના અભ્યાસની શિક્ષણેતેર ઘટનાઓ અને અનુભવોની યાદો લખવાનો ઉપક્રમ લઈને બેઠો છું, એટલે મેં કેવોક અભ્યાસ કર્યો કે કરવો જોઈતો હતો એ વિષય પર ચર્ચા કરવાની જરૂર નથી. બીજો એક વિચાર એવો પણ સાથે સાથે ચાલી રહ્યો હતો કે ઈલેકટ્રિકલ એન્જિનિયરિંગ મને ત્યાર પુરતો જ નહીં પછી વ્યાવહારિક કારકિર્દી દરમ્યાન પણ અમૂર્ત જ લાગ્યા કર્યો છે, પણ એ અનુભૂતિને હવે આજે તાર્કિક રીતે સમજવાનું કે સમજાવવાનું હવે ક્યાં પ્રસ્તુત રહ્યું છે.

એટલે મૂળ વિષયથી આડાઅવળા ભટકી જવાને બદલે, વિષયની મૂળ કેડી પર પાછા આવીને યાદોની ખાટીમીઠી સફરની મજા જ માણીએ . . . .

ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રેક્ટિકલ્સની યાદોને વાગોળવાનું શરૂ કરતાં વેંત જ જે વાત મને સૌ પહેલાં ઘેરી વળે છે તે એ છે કે જ્યારે જ્યારે ઇલેક્ટ્રિકલ લેબમાં દાખલ થવાનું થતું ત્યારે તેની વિશાળતા કોઈક અકળ કારણોસર મનને અભિભૂત કરી જતી હતી. પહેલાં વર્ષના બહુ જ થોડા સમયમાં મારી શાળાઓના મકાનો અને સંકુલોના અનુભવો કરતાં એલ ડીનાં અનેક ગણાં વિશાળ સંકુલ, શાળાઓ કરતાં અનેક ગણા મોટા વર્ગ ખંડો, વિશાળ પુસ્તકાલય વગેરે તો મનના વ્યાપની એ મર્યાદિત ક્ષિતિજમાં સમાઈ ચુક્યાં હતાં, એટલે  ઇલેક્ટ્રિકલ લેબ સંદર્ભિત અનુભૂતી કેમ થતી હશેતે સમજવા કે સમજાવી શકવા માટે મારી પાસે આજે પણ કોઈ તાર્કિક ખુલાસો નથી.

દિલીપ વ્યાસે પણ ઈલેક્ટ્રિકલ લેબ વિશે પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે, પહેલાં તે વાંચીએ -

"ઇલેક્ટ્રિકલ લેબ મારા માટે કંઈ ગૂઢ અને કંઈ અંશે ડરામણી જગ્યા રહી. વીજળી સાથે મારો પહેલો યાદગાર સાક્ષાત્કાર હું જ્યારે સાત વર્ષનો હતો ત્યારે થયેલો. મારા મામાનાં રાજકોટમાં નવાં બધાયેલાં ઘરની ગૃહશાંતિ-વાસ્તુ પૂજા હતી. કોઇક લાઈટ કે પંખો ચાલુ કરવા માટે કોઇક સંબંધીએ સ્વિચને હાથ અડકાડ્યો અને તે સાથે જ ફર્શ પર ફેંકાઈ ગયા. બધાં દોડી આવ્યાં. જાણકારોએ હાશકારા સાથે કહ્યું કે રમણિક્ભાઈ નસીબદાર તો ખરા હોં! રાજકોટમાં થોડા જ સમય પહેલાં ડીસીમાંથી એસી પાવર થઈ ગયો છે, નહીંતર આજે આ ભાઈ સ્વિચની સાથે ચોંટી જ રહ્યા હોત અને જે શૉક લાગત તેનાં પરિણામમાં મૃત્યુ સહિત કંઈ પણ ખતરનાક ઈજા નીપજી શકત !

"બાળપણની એ માનસિક આઘાતજનક ઘટનાની ધાક અને ધાસ્તીના ઓથાર હેઠળ એલ ડી સંકુલના પૂર્વ ભાગમાં આવેલી ઇલેક્ટ્રિકલ લેબમાં પહેલું કદમ માંડ્યું હતું. જોકે નસીબ એટલાં સારાં હતાં કે ક્યાં તો અમારા તાલીમ શિક્ષકો પણ અમારા આ ભય અને બીનઅનુભવથી વાકેફ હતા કે પછી કદાચ એ લોકો પણ એટલા જ ભયમાં હતા કે કોઈ અડભણ નૌશિખીયો - હા, એ સમયે બધાજ નૌશીખીયા જ રહેતા, નૌશીખીયણો હજુ એન્જિનિયરીંગ અભ્યાસક્રમમાં પ્રવેશ નહોતી લેતી ! - જ્યાં ત્યાં અડી બેસશે અને ક્યાં તો પોતાને કે ક્યાં તો મશીન બાળીવાળી બેસશે. એટલે તેમની કડક સુચના રહેતી કે કંઈ પણ ચાલુ કરતાં પહેલાં અમે લોકોએ જે કંઈ તૈયાર કર્યું હોય તેને સ્ટાફના કોઈ પણ અધિકૃત સભ્ય દ્વારા બરાબર ચકાસણીની લીલી ઝંડી લઈ જ લેવી. અને તેમ છતાં સ્વિચ પાડવાનું કે બંધ કરવાનો વિશેષાધિકાર તો તેમનો જ રહેતો ! બીજાં બધાંની તો ખબર નથી, પણ મને તો આ વ્યવસ્થા બરાબર માફક આવતી હતી.

આટલું કહેવા પછી એ પણ જરૂર જ નોંધ પર લેવું પડશે કે ઇલેક્ટ્રિકલ લેબમાં આડુઅંવળું પણ નહોતું થયું.

જોકે એન્જિનિયરીંગની સૌથી અગ્રતા ક્ર્મની શાખા - મિકેનીકલ-માં પ્રવેશ મેળવનારા અમે સૌથી વધારે 'શ્રેષ્ઠ યોગ્યતા' ધરાવતા વિદ્યાર્થીઓ હોવાનો નશો કે (કોઈ અકળ જ ) કારણસર કે પછી એક વર્ષ બાદ આ વિષયો ક્યાં ભણવાના છે એવી ખોટી માન્યતાને સિવિલ કે ઇલેક્ટ્રિકલ વિષયો માટે રસ નહોતો રહેતો કે થોડો ઉપેક્ષા ભાવ પણ રહેતો હશે! જોકે નોંધવાલાયક બાબત એ હતી કે એ વર્ષોમાં સરકાર દ્વારા હાથ ધરાતા મોટા મોટા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સને કારણે સૌથી સહેલાઈથી સરકારી નોકરીઓ સિવિલમાં જ મળતી હતી.

"બીજો એક તફાવત પણ આ તબક્કે યાદ આવે છે - મિકેનીકલની પ્રયોગશાળાઓના તાલિમ શિક્ષકો તેમ જ અન્ય સ્ટાફ સભ્યો પણ ઇલેક્ટ્રિકલના સ્ટાફ કરતાં વધારે ‘મજા' કરાવતા (ઓછા કડક હતા?!) અને પોતે પણ મજામાં રહેતા !"

+                                 +                                 +

ઇલેક્ટ્રિકલ લેબના પ્રયોગો સાથે અમે 'સમાંતર' અને સિરીઝ' સર્કિટ, મોટર, ટ્રાંસફોર્મર જેવાં ઉપકરણો  જેવા પાયાના સૈદ્ધાંતિક પાઠ પણ શીખી રહ્યા હતા. અને એ પણ હકીકત છે કે આ પહેલાં 'ઇલેક્ટ્રિકલ' સાથેનો મારો સંબંધ ઘરે લાઈટ ચાલુ કરવા કે બંધ કરવાથી આગળ નહોતો વધ્યો.  ત્યારે પણ સ્વિચ ચાલુ કરતાં વીજળી પ્રવાહ વહે છે અને બલ્બ તેને અવરોધ કરે છે એટલે એ અવરોધની ઉર્જા પ્રકાશમાં પરિવર્તન પામે છે એવો ન તો ક્યારેય વિચાર આવ્યો હતો કે ન તો એટલી સમજ પડી હતી. ઘરની ટાંકીમાંથી પાણી ભરવાનો પંપ કે ઇલેક્ટ્રિક્લ ગીઝર તો હજુ બહુ વર્ષો પછી જોવાનાં હતાં !

જોકે અન્ય એન્જિનિયરિંગ વિષયો પણ જેમ પહેલવહેલી વાર ભણતા હતા અને જેમ જેમ જે કંઈ થોડી ઘણી સમજણ પડતી હતી એવી અને એટલી સમજણ તો ઇલેક્ટ્રિક્લ થિયરીમાં પણ પડવા તો લગી હતી. ઇલેક્ટ્રિક્લ એન્જિનિયરિંગમાં માહિતી આદાનપ્રધાન કરવા માટે 'સર્કિટ ડાયાગ્રમ' એક મહત્વનું સાધન છે અને તેમાં રેસિસ્ટર કે ઇન્ડક્ટર  કે મોટર માટે કયાં કયાં પ્રતિકો વાપરવામાં આવે છે એવી પ્રાથમિક સમજ તો આવવા લાગી હતી, પણ 'સર્કિટમાં વીજળી પ્રવાહ વહે' કે 'વોલ્ટેજ  અપાય' જેવા વ્યાવહારિક સિદ્ધાંતો હજુ પણ અમૂર્ત જ રહ્યા હતા!

પણ એ જ બધાં સાધનોનાં વાસ્તવિક કદ ઇલેક્ટ્રિકલ લેબમાં સાવ જ કલ્પના બહારનાં નજરે પડતાં હતાં. પરિણામે થિયરીમાં જે અમૂર્ત લાગતું હતું તે તો અહીં વધારે ગૂઢ થતું જ લાગતું હતું.

અહીં તો ઠેર ઠેર મોટી પેટીઓ દેખાતી હતી, જેની નજદીક જઈને જોતાં તેમાં ગોળકારે કરેલ કાણાંઓવાળી પટ્ટીઓમાં અલગ અલગ વૉટના કેટલાક ગોળાઓ ભરાવેલ હતા. તેની પર જે લખાણ હતું તેની મદદથી એટલી સમજ પડી કે દરેક બોક્ષ અમુક ચોક્કસ વૉટ ધરાવતું ઉપકરણ છે. અમને સમજાવવામાં પણ આવ્યું કે આ  'રેસિસ્ટર' કહેવાય.

એજ રીતે બીજી એક બાજુ તાંબાના તાર વિંટાળેલ કેટલાક નળાકારો જેવાં સાધનો હતાં જેની ઓળખ 'કૉઇલ' તરીકે  હતી. અમને કહેવામાં આવ્યું કે આ 'ઇન્ડ્ક્ટર' છે. આજ એવિચાર કરતાં સમજાય છે કે એ  સમયે હું કેટલો અપરિપક્વ હઈશ કે એ કોઇલ જોયા પછી એટલી સમજ ન પડી કે તાંબાના તારની એ કોઇલમાં વીજળી પ્રવાહ ચાલુ કરવાથી ચુંબકીય ક્ષેત્ર 'ઇન્ડ્યુસ' થાય છે! એ જ્ઞાનની બત્તીનો પ્રકાશ મને ક્યારે થયો તે તો ચોક્કસપણે યાદ નથી પણ એ સમયે એટલું પણ નહોતું સમજાયું કે પ્રયોગો એ માત્ર જ્ઞાનના વ્યવહારિક અમલ માટે જ નહીં પણ થિયરીની સાથે શીખવા માટેનું પધ્ધતિસરનું એક મહત્વનું અને આવશ્યક પૂરક માધ્યમ પણ છે.

આટલી ઓળખવિધિ પુરી થયા પછી મૂળ પ્રયોગ શરૂ થયો એ તો વળી સાવ જ આંખ ઉઘાડી નાખનારો અનુભવ બની રહ્યો.નોટબુકનાં ચોથા ભાગનાં પાનામાં સમાઈ ગઈ હોય એવી સીધી સાદી એક સર્કિટ હવે વાસ્તવમાં જોડવાની હતી. સર્કિટ ડાયાગ્રામમાં જે નાની લીટીઓ હતી તે અહીં લાંબા લાંબા તાર હતા, નાનું સરખું 'રેસિસ્ટર'નં ચિહ્ન અહીં બલ્બવાળાં બેએક બોક્ષ બનવાનાં હતાં,'ઇન્ડક્ટર' પણ બીજાં એક ટેબલ બીજી એકાદ બે કોઈલ હતાં અને સ્વિચ તો મસ મોટાં હેન્ડલ સાથેનું એક લોખંડનું બોક્ષ હતી,જેને 'પાડવા'ની ભૂલ અમારે ભૂલેચુકે પણ નથી કરવાની એવી સ્પષ્ટ ('કડક') સુચના અમને વારંવાર જણાવાતી હતી.

આ સંજોગોમાં 'સ્ક્વીરલ કેજ' અને 'સ્લિપ રિંગ' મોટરના તફાવતની ખુબીઓ તો નોકરીએ જોડાયા પછી, થોડા ઘણા ધક્કા ખાધા પછી, ખરેખર સમજાઈ એ વિશે આમ તો કોઈ આશ્ચર્ય ન લાગે. પણ મને આજે પણ સમજાતું નથી કે 'વર્કશોપ'ના 'પ્રેક્ટિકલ' દરમ્યાન તો જુદાં જુદાં મશીનો આવી મોટરોથી જ ચાલતાં જોવા મળતાં હોવા છતાં મોટર વિશે જે કંઈ શીખવા મળ્યું હતું તેને ત્યારે જ ચકાસી લેવાનું મને ત્યારે જ કેમ નહી સૂઝ્યું હોય?!

આવા બીજા થોડા પ્રયોગો કરતાં કરતાં સુધી તો મને એમ લાગવા માંડ્યું હતું કે થિયરીમાં જે કંઈ સમજાતું હતું તે અહીં 'પ્રેક્ટિકલ'માં બાષ્પીભવન થઈ જાય છે!

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા આખલાનાં મૂર્ત-અમૂર્ત બાબતો સ્વરૂપ શિંગડાં ઝાલીને એ સિદ્ધાંતોને ખરેખર સમજાવાની બાથ ભીડવાનો તબક્કો ખરેખર જ આવે ત્યાં સુધીમાં નિયતિને મારા પર કંઈ દયાભાવ ઉપજ્યો હશે એટલે પહેલાં વર્ષનાં અંત પહેલાં જ એક નોટિસ પ્રસિદ્ધ થઈ, જેના અનુસાર પહેલાં વર્ષ પછી જે કોઈને અન્ય શાખામાં જવું હોય તેઓએ અમુક તારીખ સુધીમાં અરજી કરી દેવાની હતી.

ઈલેક્ટ્રિકલનાં આ અમૂર્ત વમળોમાંથી જો બચી જવાનો આનાથી વધારે સારો મોકો નહીં મળે એ વિચારે, મિકેનીકલમાં જવાની મારી અરજી  મેં તો ફટાફટ જમા કરી દીધી. આ 'બ્લાઇન્ડ' દાવ સફળ થવાનો હશે એટલે પહેલાં વર્ષમાં કુલ માર્ક્સ કંઈક સન્માનજનક કક્ષાના આવ્યા, એટલે બીજાં વર્ષનાં એકાદ મહિનામાં જ મારી અરજી મંજૂર થયાની વધામણી મળી ગઈ!

આજે જ્યારે હવે પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે મારી એ છૂટકારાની લાગણી કેટલી જોરદાર હશે કે શું કરૂં તો સારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થવાય એ વિચારવા માટે બે ઘડી પણ વિચાર મેં ત્યારે કર્યો ન હતો. એટલું જ નહીં પણ ઇલેક્ટ્રિકલના તવામાંથી કુદકો મારીને હું મિકેનીકલના અગ્નિમાં કુદી પડી રહ્યો છું કે નહીં એટલું પણ વિચાર કરવાની મને ત્યારે જરૂર નહોતી જણાઈ!

અને સાચું કહું તો આજે હવે એ બાબતે મારે પોતાની જાતનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર નથી એ કારણે ખરેખર નિરાંત અનુભવાય છે.

હવે પછીના મણકામાં સિવિલના ચેન-લિંક માપણી અને થિયોડોલાઈટ સર્વેના  પ્રેક્ટિકલની ખટમીઠી યાદો તાજી કરીશું. 

Sunday, October 2, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : જેનું વાસ્તવમાં મહત્ત્વ મોડેથી સમજાયું

 

એન્જિનિયરિંગ અભ્યાસ દરમ્યાન પ્રેક્ટિકલ્સ સાથે રહેલા મારા સંબંધો  પર આજે જ્યારે વિચાર કરૂં  છું ત્યારે પણ એ વિશે મારી સામે કોઈ સ્પષ્ટ ચિત્ર ઉભરતું નથી જણાતું. રસ ન હતો, કે અભિરૂચિનો અભાવ હતો, કે કૌશલ્યની જ કમી હતી, કે પછી એક વ્યાવસાયિક એન્જિનિયરનાં જીવનમાં પ્રેક્ટિકલ્સનાં મહત્ત્વ વિશે પુરી સમજ નહોતી - એવાં કૉઇ પણ કારણો હશે, પણ પ્રેક્ટિકલ્સ સાથેના મારા સંબંધન વિશે  હું વધારેમાં વધારે એટલું કહી શકું કે બીજા વિષયો - થિયરી કે પ્રેક્ટિકલ - સાથે જેટલો એક વિદ્યાર્થી તરીકે જેવો મનોભાવ હોવો જોઈએ તેનાથી વધારે સંબંધ  મારે પ્રેક્ટિકલ્સ સાથે  વિકસ્યો જ નહીં.

એ સમયનાં મોટા ભાગનાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના કુટુંબોમાં એવી માન્યતા પ્રવર્તતી કે સંતાન જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે તેણે જે કંઈ શ્રેષ્ઠ સગવડો શક્ય હોય તે મુજબનું શિક્ષણ મેળવવું જ જોઈએ. એમ કરતાં કેટલું ભણ્યાં, તેનો માપદંડ મોટા ભાગે પરીક્ષામાં બધા જ વિષયો મળીને કુલ કેટલા ગુણ મળ્યા એ જ રહેતો. એ સમયકાળમાં સંતાન માટે ભણવા પર એટલો બધો ભાર મુકાતો કે તેનામાં ભણવા સિવાય અન્ય શિક્ષણેતર કૌશલ્ય વિકસે એવાં  ઘરગૃહસ્થીનાં બીજાં કામો પણ ભાગ્યે જ સોંપાતાં. સંતાન શક્ય એટલું શ્રેષ્ઠ ભણતર મેળવે એ વિશે જે પણ કરી શકાય તે કરવું એ એ સમયનાં માબાપોનું એ પ્રાથમિક કર્તવ્ય ગણાતું. તે જ રીતે સંતાન પણ પોતાની બધી જ શક્તિઓને કામે લગાડીને વિદ્યાથીકાળમાં જેટલું વધારે ભણી શકે તે તેણે ભણવું એ સંતાનની પ્રાથમિક ફરજ બની રહેતી. કુટુંબના સંજોગો અનુસાર સંતાન જ્યારે કમાવાની વયનું બને ત્યારે તેણે એ ભણતરને અનુરૂપ જે સારામાં સારી કારકિર્દી મળે તે અપનાવી ને પછી તેમાં પોતાનો મહત્તમ વિકાસ સાધવો એ જ સહજ જીવનચક્રનો અપેક્ષિત ક્રમ ગણાતો. 

મારાં આઠમાં અને નવમા ધોરણનાં અભ્યાસનાં વર્ષો દરમ્યાન મે જોયું હતું કે કાપડની મિલોથી ધમધમતા પૂર્વ અમદાવાદના  રહેઠાણ વિસ્તાર -ગોમતીપુર -માં આવેલ અમારી ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં જે સહવિદ્યાર્થીઓ શ્રમજીવી વર્ગમાંથી આવતા હતા  તેઓ ભણવા ઉપરાંત કુટુંબોપયોગી અન્ય પ્રવૃતિઓ પણ કરતા રહેતા. તેની સામે સમાજના ભદ્ર વર્ગના - જે પિરામિડના અમે પણ તળિયાંના સ્તરમાં હતા - કિશોર વયના વિદ્યાર્થીઓને વ્યાવહારિક કૌશલ્ય વધે એવી કૌટુંબિક વૃતિઓમાં ખાસ ન જોતરાતા. થોડા હળવા સુરમાં કહીએ તો એમ કહી શકાય કે તેમને વ્યાવહારિક અનુભવો મળે તેવી પ્રવૃત્તિઓ તો શાળાની પિકનિક કે વેકેશન ટુર જ રહેતી, જેમાં તેમણે પોતાની જાતે પોતાની સંભાળ રાખવી પડતી!

માત્ર થિયરી  પર જ ભાર મુકતા અભ્યાસક્રમો ધરાવતી શાળાઓ ઐતિહાસિક પરંપરાથી વિકસી હતી  અને એ જ એ સમયની શિક્ષણ પદ્ધતિનું કાર્યકરી મૉડેલ હતું. હસ્તકળાના હુન્નર વિકસે એવી પ્રવૃત્તિઓ જેના અભ્યાસક્રમોમાં હોય એવી પ્રબુદ્ધ' શાળાઓ કહેવાતી જ 'પ્રયોગિક' શાળાઓ અને તેમની સખ્યા તો વળી સાવ જુજ જ  હતી. 

આ રીતે શાળાકીય ઘડતર પામેલા વિદ્યાથીઓનો 'પ્રયોગશાળા' સાથે પહેલ વહેલો પરિચય તેઓ જ્યારે (વિજ્ઞાન શાખાની) કોલેજમાં દાખલ થતા ત્યારે જ થતો. જોકે એ તબક્કે પણ 'પ્રયોગો' હવે અભ્યાસક્રમમાં થિયરી સાથે ઉમેરાયેલા, અને માટે ભણાવવાના  અને ભણવાના, વિષયો જ હતા. ત્યાં જે કંઈ શીખવાનું બની શકે તેમ હતું તેને થિયરીના વર્ગોમાં શીખવાતા અભ્યાસક્રમ સાથે શું જોડાણ છે અને શ માટે છે તે 'જ્ઞાન' મળે તેવા સભાન પ્રયાસો થતા હોય એવું મને યાદ નથી આવતું.

એ સમયની પરીક્ષા પદ્ધતિના માપદંડ અનુસાર હું સરેરાશ કરતાં થોડો સારો ગણાઉં એવો વિદ્યાર્થી હોવા છતાં મારૂ હાર્દ તો 'થિયરી-પ્રાધ્યાન્ય' શિક્ષણ પદ્ધતિનાં બીબાંમાં જ ઢળાયું હતું. એ સમયની ચળાવાની પ્રક્રિયામાં હું એન્જિનિયરિંગના  સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી પહોંચનારો એક ભાગ્યશાળી વિદ્યાર્થી જરૂર હતો, પણ તેથી મારી સ્વાભાવિક અભિરૂચિ એ અભ્યાસક્રમ માટે હોય એવું તો નહોતું જ. એથી મારા માટે હવે એન્જિનિયરિંગમાં 'પ્રેક્ટિકલ્સ'નાં મહત્ત્વને અને તે સાથે હું હવે પછી જે કંઈ શીખવાનો છું તેને ખરા અર્થમાં સમજવા માટે મારે મારી સહજ અભિરૂચિઓમાં ફેરેફારો માટે સભાનપણે પ્રયાસો કરવા પડશે એ વિષે હું હજુ સભાન નહોતો થયો.

એટલે જ  એ સમય દરમ્યાન આ બાબતે અભિરૂચિ, કે આવડત કે સમજણની જે કમી તૃટીઓ નજર સમક્ષ આવતી તેને પણ દૂર કરવાના પ્રયાસો કરવાને બદલે એ સ્થિતિનો સ્વીકાર કરી લેવાની વૃત્તિ સહજ જ હતી.

આજે જ્યારે હવે અભ્યાસક્રમના  એ તબક્કા  તરફ દૃષ્ટિ કરૂં છું ત્યારે સમજાય છે કે એન્જિનિયર તરીકેના વ્યવસાયમાં, અને રોજબરોજનાં જીવનમાં પણ, હસ્તકળાના હુન્નર સિવાયનું બૌદ્ધિક કૌશલ્ય કેટલું અધુરૂં હતું !

હવે પછી પ્રેક્ટિકલ્સ વિષેની મારી યાદો અને અનુભવોને અહીં ગ્રંથસ્થ કરીશ ત્યારે તેમાં પ્રેક્ટિકલ્સ પ્રત્યે આ પ્રકારનો આજે અભિગમ વ્યાપકપણે દેખાતો રહેશે તેને યોગ્ય ઠરાવવાનો નહીં, પણ જે પશ્ચાદદર્શનમાં જે કમી દેખાઈ રહી છે તેના પરિપ્રેક્ષ્યને રજૂ કરવાનો એક પ્રયાસ છે

હવે પછીના 'પ્રેક્ટિકલ્સ' વિશેના મણકામાં 'ઇલેક્ટ્રીકલ લેબ સાથે મનના તારનાં ઉપરચોટિયાં જોડાણ' ની યાદો તાજી કરીશું.