Sunday, October 2, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : જેનું વાસ્તવમાં મહત્ત્વ મોડેથી સમજાયું

 

એન્જિનિયરિંગ અભ્યાસ દરમ્યાન પ્રેક્ટિકલ્સ સાથે રહેલા મારા સંબંધો  પર આજે જ્યારે વિચાર કરૂં  છું ત્યારે પણ એ વિશે મારી સામે કોઈ સ્પષ્ટ ચિત્ર ઉભરતું નથી જણાતું. રસ ન હતો, કે અભિરૂચિનો અભાવ હતો, કે કૌશલ્યની જ કમી હતી, કે પછી એક વ્યાવસાયિક એન્જિનિયરનાં જીવનમાં પ્રેક્ટિકલ્સનાં મહત્ત્વ વિશે પુરી સમજ નહોતી - એવાં કૉઇ પણ કારણો હશે, પણ પ્રેક્ટિકલ્સ સાથેના મારા સંબંધન વિશે  હું વધારેમાં વધારે એટલું કહી શકું કે બીજા વિષયો - થિયરી કે પ્રેક્ટિકલ - સાથે જેટલો એક વિદ્યાર્થી તરીકે જેવો મનોભાવ હોવો જોઈએ તેનાથી વધારે સંબંધ  મારે પ્રેક્ટિકલ્સ સાથે  વિકસ્યો જ નહીં.

એ સમયનાં મોટા ભાગનાં મધ્યમ અને ઉચ્ચ વર્ગના કુટુંબોમાં એવી માન્યતા પ્રવર્તતી કે સંતાન જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે તેણે જે કંઈ શ્રેષ્ઠ સગવડો શક્ય હોય તે મુજબનું શિક્ષણ મેળવવું જ જોઈએ. એમ કરતાં કેટલું ભણ્યાં, તેનો માપદંડ મોટા ભાગે પરીક્ષામાં બધા જ વિષયો મળીને કુલ કેટલા ગુણ મળ્યા એ જ રહેતો. એ સમયકાળમાં સંતાન માટે ભણવા પર એટલો બધો ભાર મુકાતો કે તેનામાં ભણવા સિવાય અન્ય શિક્ષણેતર કૌશલ્ય વિકસે એવાં  ઘરગૃહસ્થીનાં બીજાં કામો પણ ભાગ્યે જ સોંપાતાં. સંતાન શક્ય એટલું શ્રેષ્ઠ ભણતર મેળવે એ વિશે જે પણ કરી શકાય તે કરવું એ એ સમયનાં માબાપોનું એ પ્રાથમિક કર્તવ્ય ગણાતું. તે જ રીતે સંતાન પણ પોતાની બધી જ શક્તિઓને કામે લગાડીને વિદ્યાથીકાળમાં જેટલું વધારે ભણી શકે તે તેણે ભણવું એ સંતાનની પ્રાથમિક ફરજ બની રહેતી. કુટુંબના સંજોગો અનુસાર સંતાન જ્યારે કમાવાની વયનું બને ત્યારે તેણે એ ભણતરને અનુરૂપ જે સારામાં સારી કારકિર્દી મળે તે અપનાવી ને પછી તેમાં પોતાનો મહત્તમ વિકાસ સાધવો એ જ સહજ જીવનચક્રનો અપેક્ષિત ક્રમ ગણાતો. 

મારાં આઠમાં અને નવમા ધોરણનાં અભ્યાસનાં વર્ષો દરમ્યાન મે જોયું હતું કે કાપડની મિલોથી ધમધમતા પૂર્વ અમદાવાદના  રહેઠાણ વિસ્તાર -ગોમતીપુર -માં આવેલ અમારી ડેમોક્રેટિક હાઈસ્કૂલમાં જે સહવિદ્યાર્થીઓ શ્રમજીવી વર્ગમાંથી આવતા હતા  તેઓ ભણવા ઉપરાંત કુટુંબોપયોગી અન્ય પ્રવૃતિઓ પણ કરતા રહેતા. તેની સામે સમાજના ભદ્ર વર્ગના - જે પિરામિડના અમે પણ તળિયાંના સ્તરમાં હતા - કિશોર વયના વિદ્યાર્થીઓને વ્યાવહારિક કૌશલ્ય વધે એવી કૌટુંબિક વૃતિઓમાં ખાસ ન જોતરાતા. થોડા હળવા સુરમાં કહીએ તો એમ કહી શકાય કે તેમને વ્યાવહારિક અનુભવો મળે તેવી પ્રવૃત્તિઓ તો શાળાની પિકનિક કે વેકેશન ટુર જ રહેતી, જેમાં તેમણે પોતાની જાતે પોતાની સંભાળ રાખવી પડતી!

માત્ર થિયરી  પર જ ભાર મુકતા અભ્યાસક્રમો ધરાવતી શાળાઓ ઐતિહાસિક પરંપરાથી વિકસી હતી  અને એ જ એ સમયની શિક્ષણ પદ્ધતિનું કાર્યકરી મૉડેલ હતું. હસ્તકળાના હુન્નર વિકસે એવી પ્રવૃત્તિઓ જેના અભ્યાસક્રમોમાં હોય એવી પ્રબુદ્ધ' શાળાઓ કહેવાતી જ 'પ્રયોગિક' શાળાઓ અને તેમની સખ્યા તો વળી સાવ જુજ જ  હતી. 

આ રીતે શાળાકીય ઘડતર પામેલા વિદ્યાથીઓનો 'પ્રયોગશાળા' સાથે પહેલ વહેલો પરિચય તેઓ જ્યારે (વિજ્ઞાન શાખાની) કોલેજમાં દાખલ થતા ત્યારે જ થતો. જોકે એ તબક્કે પણ 'પ્રયોગો' હવે અભ્યાસક્રમમાં થિયરી સાથે ઉમેરાયેલા, અને માટે ભણાવવાના  અને ભણવાના, વિષયો જ હતા. ત્યાં જે કંઈ શીખવાનું બની શકે તેમ હતું તેને થિયરીના વર્ગોમાં શીખવાતા અભ્યાસક્રમ સાથે શું જોડાણ છે અને શ માટે છે તે 'જ્ઞાન' મળે તેવા સભાન પ્રયાસો થતા હોય એવું મને યાદ નથી આવતું.

એ સમયની પરીક્ષા પદ્ધતિના માપદંડ અનુસાર હું સરેરાશ કરતાં થોડો સારો ગણાઉં એવો વિદ્યાર્થી હોવા છતાં મારૂ હાર્દ તો 'થિયરી-પ્રાધ્યાન્ય' શિક્ષણ પદ્ધતિનાં બીબાંમાં જ ઢળાયું હતું. એ સમયની ચળાવાની પ્રક્રિયામાં હું એન્જિનિયરિંગના  સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ સુધી પહોંચનારો એક ભાગ્યશાળી વિદ્યાર્થી જરૂર હતો, પણ તેથી મારી સ્વાભાવિક અભિરૂચિ એ અભ્યાસક્રમ માટે હોય એવું તો નહોતું જ. એથી મારા માટે હવે એન્જિનિયરિંગમાં 'પ્રેક્ટિકલ્સ'નાં મહત્ત્વને અને તે સાથે હું હવે પછી જે કંઈ શીખવાનો છું તેને ખરા અર્થમાં સમજવા માટે મારે મારી સહજ અભિરૂચિઓમાં ફેરેફારો માટે સભાનપણે પ્રયાસો કરવા પડશે એ વિષે હું હજુ સભાન નહોતો થયો.

એટલે જ  એ સમય દરમ્યાન આ બાબતે અભિરૂચિ, કે આવડત કે સમજણની જે કમી તૃટીઓ નજર સમક્ષ આવતી તેને પણ દૂર કરવાના પ્રયાસો કરવાને બદલે એ સ્થિતિનો સ્વીકાર કરી લેવાની વૃત્તિ સહજ જ હતી.

આજે જ્યારે હવે અભ્યાસક્રમના  એ તબક્કા  તરફ દૃષ્ટિ કરૂં છું ત્યારે સમજાય છે કે એન્જિનિયર તરીકેના વ્યવસાયમાં, અને રોજબરોજનાં જીવનમાં પણ, હસ્તકળાના હુન્નર સિવાયનું બૌદ્ધિક કૌશલ્ય કેટલું અધુરૂં હતું !

હવે પછી પ્રેક્ટિકલ્સ વિષેની મારી યાદો અને અનુભવોને અહીં ગ્રંથસ્થ કરીશ ત્યારે તેમાં પ્રેક્ટિકલ્સ પ્રત્યે આ પ્રકારનો આજે અભિગમ વ્યાપકપણે દેખાતો રહેશે તેને યોગ્ય ઠરાવવાનો નહીં, પણ જે પશ્ચાદદર્શનમાં જે કમી દેખાઈ રહી છે તેના પરિપ્રેક્ષ્યને રજૂ કરવાનો એક પ્રયાસ છે

હવે પછીના 'પ્રેક્ટિકલ્સ' વિશેના મણકામાં 'ઇલેક્ટ્રીકલ લેબ સાથે મનના તારનાં ઉપરચોટિયાં જોડાણ' ની યાદો તાજી કરીશું.  

No comments: