Tuesday, May 10, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પ્રવેશક



સોંગ્સ ઑફ યૉર પર દર વર્ષે કોઈ એક વર્ષનાં ગીતોની વિગતે ચર્ચા કરવી એ હવે બહુ આતુરતાપૂર્વક રાહ જોવાતી પ્રણાલિકા સ્થપાઈ ચૂકી છે. આ પહેલા ૧૯૫૫, ૧૯૫૩, ૧૯૫૧ અને ૧૯૫૦નાં વર્ષોનાં ગીતોની ચર્ચામાં આપણે સક્રિયપણે ભાગ લઈ એ વર્ષનાં ગીતોને ફરી એક વાર, નવા નવા અંદાજથી, માણી ચૂક્યાં છીએ. હવે આપણી સમક્ષ રજૂ થાય છે ૧૯૪૯નાં ગીતો. દર વર્ષની જેમ  ચર્ચાને એક ચોક્કસ દિશા અપવા માટે બહુ-સંશોધિત વિચારપ્રેરક, વિહંગાલોકન સમો લેખ - Best songs of 1949: And the winners are?    - પ્રકાશિત થઈ ચૂક્યો છે.
ચર્ચાની શરૂઆત કરતાં જ પહેલાં હું મારી મર્યાદા રજૂ કરી દેવાનું ઉચિત સમજીશ. આ વર્ષનાં ઘણાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતામ અને તે પછીથી પણ લોકચાહના બનાવી પણ રહ્યાં છે. એટલા પૂરતું એ ગીતોનો પરિચય હોવો સ્વાભાવિક છે. અમારા એન્જિનીયરીંગનાં અભ્યાસનાં કૉલેજકાળનાં વર્ષોમાં - ૧૯૬૬થી ૧૯૭૧- આમાંની ઘણી ફિલ્મો અમે  આ ગીતોને કારણે અમદાવાદનાં આ પ્રકારની જ ફિલ્મો રજૂ કરવા માટે ખ્યાત સેન્ટ્રલ, કલ્પના કે પ્રતાપ જેવાં થિયેટરોમાં, કોઇ કોઈ એકથી વધારે વાર પણ, જોઈ છે. પરંતુ એ પછી એ ફિલ્મો સાથે એવો સીધો સંપર્ક નથી રહ્યો. ફિલ્મનાં ગીતોની રેકર્ડ્સ (કે તે પછીથી ઑડીયો કેસેટ્શ કે સીડી)ખરીદવાના શોખનાં વર્ષોમાં પણ એ ૧૯૫૫ પહેલાંની બધી જ લોકપ્રિય ફિલ્મો પર ધ્યાન આપવાનું નહોતું બનતું. આજે હવે ઇન્ટરનેટ પર લગભગ બધાં જ ગીતો ઉપલ્બધ થવા લાગ્યાં છે ત્યારે એ વર્ષનાં ઘણાં ગીતોનો કોઈ સંદર્ભ નીકળે ત્યારે જ સાંભળવાનું બને છે. આ કારણથી આ વર્ષોનાં બહુ પ્રચલિત ન થયેલ  મોટા ભાગનાં ગીતો સાથે સાવ ઓછો કહી શકાય એવો જ પરિચય છે. આ કારણથી હવે પછી વધારે વિગતની જે પૉસ્ટ કરીશું તેમાં સૌ પ્રથમ તો આવાં, બહુ પ્રચલિત ન હોય એવાં ગીતોની ઑડીયો કે વિડીયો લિંક ખોળીને તેને સાચવી લેવાનો અને એ ગીતોને સાંભળવાનો જ મુખ્ય આશય રહેશે.
૧૯૪૯નાં ગીતોને લગતી ચર્ચાની ભૂમિકા બાંધતી પોસ્ટ, Best songs of 1949: And the winners are?, ચર્ચાનાં ઉદ્દીપક તરીકે આપણી સમક્ષ એક સર્વગ્રાહી ચિત્ર રજૂ કરે છે
૧૯૪૯નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks) - શંકર જયકિશનની સિલ્મસંગીતનાં ક્ષેત્રે પદાર્પણની 'બરસાત', કે  નૌશાદની અંદાઝ,ચાંદની રાત, દિલ્લગી, દુલારી કે હુસ્નલાલ ભગતરામની બડી બહન કે ખેમચંદ પ્રકાશની મહલ કે સી રામચંદ્રની પતંગાનાં ગીતો આજે પણ હજૂ એટલાં જ તરોતાજા અનુભવાય છે.
આ ઉપરાંતનાં પણ અન્ય ગીતો (Other important musical compositions )પણ પોતાનો જાદૂ બરકરાર રાખી રહ્યાં છે, જેમ કે  -
ખેમચંદ પ્રકાશ :
શ્યામ સુંદર :
હંસરાજ બહલ :
વિનોદ:
જ્ઞાન દત્ત :
ગ઼ુલામ મોહમ્મદ :

પદાર્પણ (Debut)
કિદાર શર્માની ફિલ્મ 'નેકી ઔર બદી'થી રોશન, આરકેની 'બરસાતથી શંકર જયકિશન, હસરત જયપુરી, શૈલેન્દ્ર, નિમ્મી (મૂળ નામ - નવાબ બાનુ), રામાનંદ સાગર, 'પર્દામાં શર્માજી તરીકે ખય્યામ, 'આખરી પૈગામ'નાં ગીત 'ચલ રહા સ્વરાજ કા ઝઘડા'માં સુધા મલ્હોત્રા વગેરે આ વર્ષનાં નોંધપાત્ર પદર્પણ રહ્યાં.
'આઈયે'નાં મોહે આને લગી અંગડાઈ મુબારક બેગમનું અભિનિત, અને ગાયેલું, સર્વ પ્રથમ ગીત પણ આ વર્ષને અંકે છે. 
આ ઉપરાંત 'દુનિયા'માં અસદ ભોપાલી, 'લાડલી'માં શમશુલ હક (એસ એચ) બીહારી અને 'શૌકીન'માં અન્જુમ જયપુરી એ પણ ગીતકાર તરીકે તેમનાં ખાતાં ખોલ્યાં.

આ વર્ષની કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Fact file and Trivia )માં રજૂ કરાયેલ વાતો પણ આ વર્ષનાં ગીતો માટેના રસને ઘૂંટવામાં પોતાનો ફાળો નોંધાવે છે.

યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs )માં ૧૫૭ ગીતો સમાવાયાં છે. હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર વર્ષ દરમ્યાન ૧૫૬ ફિલ્મો રજૂ થઈ હતી, એટલે આશરે ૯૦૦થી ૧૦૦૦ જેટલાં ગીતો આ વર્ષે રેકર્ડ થયાં હશે. આટલાં ગીતોમાંથી જાણીતાં ગીતો કે સંગીતકારો કે ફિલ્મો ઉપરાંતનાં થોડાં ઓછાં જાણીતાં પણ પ્રસ્તુત ચર્ચા માટે મહત્ત્વનાં એવાં ૧૫૭ ગીતોને ચુંટી કાઢવાની કામગીરી કપરી તો છે જ. આ યાદીનાં ગીતો યુટ્યુબની લિંક્સ સાથે જોડીને ફરીથી Best Songs of 1949 તરીકે રજૂ કરેલ છે. હિંદી ફિલ્મ ગીત કોષનો અભ્યાસ કરતાં આ ઉપરાંત અન્ય પણ કેટલાંક ગીતોની નોંધ કરી છે, જેને આપણે હવે પછીની વિગતવાર પૉસ્ટસમાં સાંભળીશું.

દર વર્ષની જેમ, આ વર્ષે પણ પરંપરાગત દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાય એવી યાદીમાં કદાચ બંધ ન પણ બેસે એવાં ખાસ ગીતો (Special songs )ને પણ અલગથી તારવાયાં છે. એ ગીતોની ખાસીયતો વિષે વાંચવા માટે તો મૂળ લેખ જ વાંચવો રહ્યો. પણ આપણી વિગતવાર ચર્ચામાં સરળતાથી સંદર્ભ મળી રહે એ માટે આ ગીતોને પણ Best Songs of 1949માં અલગથી નોંધેલ છે.

ગત વર્ષે આપણે સૉન્ગ્સ ઑફ યૉરપરની ૧૯૫૦નાં વર્ષનાં ગીતોને વિગતે ચર્ચાની એરણે લીધાં હતાં. એ પહેલાં ૧૯૫૧નાં વર્ષનાં ગીતોની વાત પણ આપણે કરી હતી. આ વર્ષે એ જ રીતે ૧૯૪૯નાં ગીતોને સાંભળીશું. મૂળ લેખમાં રજૂ કરાયેલ ૧૫૭ ગીતોમાંથી જે ગીતો આજે પણ લોક જીભે જ છે એવાં ગીતોને આપણે આ વિગતે ચર્ચાનાં એરણે લેવાને બદલે જૂદા પરિપ્રેક્ષ્ય મુજબની સમીક્ષા કરતી વખતે આવરી લઈશું.
દર વર્ષની જેમ આ સમીક્ષાના આયામો  રહેશે.
શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયક
શ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા
અન્ય પાર્શ્વગાયિકાઓનાં યાદગાર ગીતો
લતા મંગેશકરનાં યાદગાર ગીતો
શ્રેષ્ઠ યુગલ ગીત, અને
શ્રેષ્ઠ સંગીતકાર
તો આવો , ચાલીએ ૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર .....

Saturday, May 7, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૨)



આપણે ૧૬-૪-૨૦૧૬ના મણકામાં આપણે પ્રસ્તુત વિષયનો પરિચય કર્યો હતો.
જેમ જેમ 'જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો' વિષય પરનાં ગીતોની શોધખોળમાં ઊંડે જઈએ છીએ તેમ તેમ ખૂબ જ જાણીતાં, અને પ્રમાણમાં ઓછાં જાણીતાં પણ બહુ નોંધપાત્ર કહી શકાય તેવાં ગીતો મળતાં જાય છે. આશા કરૂં છું કે આ શોધખોળ દરમ્યાન જેટલી મજા મને આવી છે એવી જ મજા આ ગીતો સાંભળવામાં અને તેને પરદા પર રજૂ કરનાર કળાકારો યાદ કરવામાં આપ સૌને પણ આવશે..
તો ચાલો, આપણે આપણી સફર આગળ ધપાવીએ -
આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને ન તૂ, જો ભી હૈ બસ યહી પલ હૈ - વક્ત (૧૯૬૫) - ગાયક આશા ભોસલે - સંગીતકાર રવિ ગીતકાર સાહિર લુધ્યાનવી
ફિલ્મનાં શીર્ષક 'વક્ત' સાથે સુસંગત થાય તેવાં ગીતો લખવા માટે સાહિર લુધ્યાનવીને મોકળું મેદાન મળી રહે તેવી એક વધારે સિચ્યુએશન ફિલ્મના દિગ્દર્શક બી આર ચોપરાએ ગોઠવી આપી. માણસ ગમે એટલા ધખારા કરે તો પણ સમયની સામે તે કેટલો લાચાર બની રહે તે કેન્દ્રવર્તી વિચાર સાથે બનેલ ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં તર્જબદ્ધ થયેલ વક્ત સે દિન ઔર રાત, વકત સે કલ ઔર આજ, વક્તકી હર સય ગુલામ જેટલું અર્થપૂર્ણ પ્રસ્તુત ગીત છે.. ગીતના શબ્દો જેટલા ભાવવાહી છે, તેટલી જ તેની તર્જ કર્ણપ્રિય અને સુગેય છે.
પાસ આકર તો ના યૂં  શર્માઈયે - લાડલા (૧૯૬૬) - ગાયક મોહમ્મદ રફી, આશા ભોસલે - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
આ ગીતને પર્દા પર રજૂ કરનારાં બંને કળાકારો હતાં તો બહુ જ દમદાર, પણ ટિકિટબારી પર સફળતા તેમને ન મળી.
નાયકનો ચહેરો જરૂર યાદ આવશે...
જો હજૂ ન યાદ આવ્યો હોય તો આ જ ફિલ્મનું બીજું એક ગીત સાંભળો....
દિલ અય દિલ, તેરી મંઝિલ.... ગાયક: લતા મંગેશકર
હજૂ પણ કળાકારો યાદ ન આવ્યાં હોય તો આ ગીતોથી ઘણાં વધારે જાણીતું થયેલ આ ગીત સાંભળીએ
જાનેવાલો જરા મુડકે દેખો મુઝે, એક ઈન્સાન હું મૈં તુમ્હારી તરહ
આ ગીતમાં માઉથ ઑર્ગનનો જે રીતે ઉપયોગ કરાયો છે તેણે ગીતની ધૂન અને મોહમ્મદ રફીની ગાયકીને ચાર ચાંદ લગાડી આપ્યા હતા. મને એવું વાંચ્યાનું યાદ છે કે આ ટુકડાઓ રાહુલ દેવ બર્મને ખુદ વગાડ્યા છે ! ફિલ્મ દોસ્તી (૧૯૬૪)નાં આ ગીત માટે ગાયક મોહમ્મદ રફી અને ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીને ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા.
ગીતને રજૂ કરી રહેલા આ બે ચહેરાઓએ તમને એ ફિલ્મનાં લાઈનબંધ ગીતો ને પણ યાદ કરાવી જ દીધાં હશે..
રાહી મનવા દુઃખકી ચિંતા ક્યોં સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ
ચાહૂંગા મૈં તૂઝે સાંજ સવેરે, ફિર ભી કભી નામકો તેરે આવાજ઼ ન દૂંગા
મેરા તો જો ભી કદમ હૈ, વો તેરી રાહમેં હૈ...
આ સદાબહાર બની રહેલ ગીતોને પરદા પર રજૂ કરનારા બંને કળાકારો ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગયા.
આ ગીતોમાં પર્દા ઉપર માઉથ ઑર્ગન વગાડનાર બીજા કળાકારને  ફિલ્મઈતિહાસકાર શિશિર શર્માએ બહુ વર્ષોની મહેનત પછી ખોળી કાઢ્યા અને તેમનો ઈન્ટરવ્યુ - ‘Dukh To Apna Saathi Hai’ – Sushil Kumar  -  લીધો હતો, જેમાં એ કળાકારનાં જીવનની તડકી છાંયડીની દાસ્તાન વિષે જાણવા મળે છે.
'દોસ્તી' એવી ફિલ્મ હતી જેનાં બધાં જ કલાકારો સાવ નવાં હતાં, તેમને લોકપ્રિયતા જો મળી તો બહુ પછીથી મળી. જેમ કે -
ગુડિયા હમસે રૂઠી રહોગી (લતા મંગેશકર)ને રજૂ કરનાર બે કળાકારોમાંથી એક કળાકાર તો આજે પણ ટીવીના પર્દા પર જોવા મળે છે.
જબ જબ બહાર આયી ઔર ફુલ મુસ્કરાયે, મુઝે તુમ યાદ આયે - તક઼દીર (૧૯૬૮) - હેમલતા, મહેન્દ્ર કપૂર, કૃષ્ણા કલ્લે -  સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર : આનંદ બક્ષી
અ ગીતમાં 'દોસ્તી'ના [માઉથ ઓર્ગન વગાડતા] બીજા કળાકાર અને હવે યુવાન થઈ ગયેલ 'ગુડીયા' ઓળખાય છે ને?
૧૯૬૪માં રજૂ થયેલ લૉ-બજેટ 'દોસ્તી'ની અપ્રતિમ સફળતા પહેલાં સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલની બેલડી તેમની પહેલી જ, સી-ગ્રેડની, ફિલ્મનાં ગીતોમાં પારસમણિના સ્પર્શની સફળતા અનુભવી ચૂક્યા હતા. ફિલ્મનાં મુખ્ય કળાકારો  - મહિપાલ અને અનિતા ગુહા - ફિલ્મ જગતમાં સાવ જાણીતાં ન હતાં એમ તો નહોતું , પણ અણબનાવથી અલગ ચાલી રહેલાં રફી- લતાને વો જબ યાદ આયે બહોત યાદ આયે જેવાં યુગલ ગીતમાં સાવ જ અલગ અલગ ગવડાવ્યાં, છતાં ગીત સફળ તો રહ્યું જ!
હસતા હુઆ નૂરાની ચહેરા કાલી ઝૂલ્ફેં રંગ સુનહરા, મેરી જવાની તૌબા રે તૌબા દિલરૂબા દિલરૂબા - પારસમણિ (૧૯૬૩) -  સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ 
આ નૃત્ય ગીતની સફળતાએ તો બધા જ્ રેકર્ડ તોડી કાઢ્યા હતા, પરંતુ તેને પરદા પર ભજવનાર બંને નૃત્યાંગનાઓને કોઈ જ ઓળખતું નથી.
લક્ષ્મીકાંત-પ્યારેલાલની સી-ગ્રેડની ફિલ્મોથી શરૂ થયેલ સફર એ ફિલ્મોનાં ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોને બહુ ન ફળી, પણ આ સંગીતકાર જોડીને તો બહુ જ ફળી.
લક્ષ્મી-પ્યારેની સફરથી ફરી એક વાર જરા દૂર ખસીને બીજાં ગીતો પર નજર કરીએ એક એવાં ગીત પર જેને પર્દા પર રજૂ કરનાર કળાકાર 'દોસ્તી'ના નેત્રવિહિન મિત્રના હમનામ છે..
મુઝે રાત દિન યે ખયાલ હૈ કે નઝર સે વો મુઝકો ગીરા ન દે - ઉમર ક઼ૈદ (૧૯૬૧) - ગાયક: મુકેશ સંગીતકાર: ઈક઼બાલ ક઼ુરેશી
પહેલી ફિલ્મમાં ઠીક ઠીક નામ કમાવા છતાં લાબે ગાળાની સફળતાની બાબતમાં પણ બંને હમ(કમ)નસીબ જ રહ્યા ! ફર્ક માત્ર એટલો કે આ ગીતને ભજવાનારા કળાકારને બીજી હરોળના ચરિત્ર અભિનેતાના નાના, પણ મહત્ત્વના કહી શકાય તેવા, રોલ મળતા રહ્યા..
હજૂ પણ થોડાં પાછલાં વર્ષોમાં જઈએ અને બહુખ્યાત ગીતોને સાંભળીએ.
આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે - પ્યાસા (૧૯૫૭) - ગાયકઃ ગીતા દત્ત – સંગીતકાર: સચિન દેવ બર્મન - ગીતકાર સાહિર લુધ્યાનવી
આ ગીત આમ તો ગુલાબો (વહીદા રહેમાન)ના મનના ભાવોને વ્યક્ત કરે છે - ફિલ્મનો નાયક, વિજય (ગુરુ દત્ત) એક ક્રાંતિકારી કવિ છે. ગુલાબો તેને કવિ તરીકે બેહદ પસંદ કરે છે. આજે સંજોગવશાન તે કવિ પોતાની નજર સામે છે..ગુલાબો તેને બોલાવવા માગે છે.. પોતાને ગળે લગાડી લેવા કહે છે...
ગીતમાં જેમના વિષે વાત છે તે વહીદા રહેમાન, ગુરુ દત્ત એ બધાં પાત્રો તો ઓળખાઈ જ જાય છે, પણ તેમને સંદેશો આપનાર જોગનનું પાત્ર ભજવનાર કળાકાર અજ્ઞાત જ રહે છે....
લેકે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખોમેં ખુમાર, જાદૂ નગરી સે આયા હૈ કોઈ જાદૂગર - સી આઈ ડી (૧૯૫૬) – ગાયક : શમશાદ બેગમ, મોહમ્મદ રફી – સંગીતકાર : ઓ પી નય્યર
કોઇની લાગણીઓને કોઈ વ્યક્ત કરે તેમાં જેમ કોઈ બીજું ભજન ગાય તેના દ્વારા જેમ ભાવ વ્યક્ત થતા હોય એ મારગ બહુ પ્રચલિત હતો તેમ રસ્તા પર કોઈ કળાકારો પોતાની અજીવિકા રળવા ગીત ગાતાં હોય, પણ ભાવ તો મૂળ નાયક - નાયિકાના જ હોય એ માર્ગ પણ દિગ્દર્શકોને બહુ પસંદ પડતો હશે એમ લાગે છે.
ગીત પર્દા પર ગાનારાં કળાકારો એટલાં બધાં અજાણ્યાં તો જો કે નહોતાં, પણ ગીતની લોકપ્રિયતાએ એ તેમની કારકીર્દીને જરા પણ મદદ ન કરી એ પણ હકીકત છે.
આ ગીતનું એક બીજું કરૂણ વર્ઝન (@૦.૨૩- ૩.૦૨સુધી) પણ છે, જે માત્ર ફિલ્મમાં જ વપરાયેલ છે. તે રેકર્ડના સ્વરૂપે બહાર નહીં પડ્યું હોય. આ ગીતને આશા ભોસલે એ ગાયું છે, પરદા પર તેને અદા શકીલાએ કરેલ છે. આ વર્ઝનના દરેક અંતરામાં શકીલાને મૂળ ગીત સંભળાતું હોય તેમ લાગે છે, જેની સાથેની તેની યાદો તેના પોતાના સ્વરમાં અંતરામાં ફૂટતા રહે છે. @૩.૦૭ પછીનું ગીત આપણે બધાં એ અનેક વાર જોયું છે અને માણ્યું છે.

આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૧૬-૪-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-

ઓ બાબુ ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે  - વચન (૧૯૫૫) - પર્દા પર કળાકાર – અજાણ
'જ્વેલ થીફ'નું કેબરે નૃત્ય   - પર્દા પર કળાકાર - ફરિયાલ.
હો કે મજબૂર હમેં ઉસને ભૂલાયા હોગા - પર્દા પર કળાકાર - મુખડાની શરૂઆત અને પહેલા અંતરામાં ભુપિન્દરના પોતાના જ અવાજને પર્દા પર ભુપિન્દરે રજૂ કરેલ છે. મોહમ્મદ રફી, તલત મહમૂદ અને મન્ના ડેના સ્વરમાં ગવાયેલ અંતરાના કળાકારો ઓળખાયા નથી.
કહે બાહર બાહર તોહે ક્યા સમઝાયે પાયલકી ઝંકાર.. - સાખીને પર્દા પર રજૂ કરનાર કળાકારો – અજાણ
બચપન કે દિલ ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના - પર્દા પર કળાકાર - શબનમ અને પરિક્ષિત સાહની
એક સે ભલે દો દો સે ભલે ચાર, મંઝિલ અપની દૂર હૈ રસ્તા કરના પાર -  પર્દા પર કળાકાર - સતીશ વ્યાસ, તેની બાજૂમાં છે એ સમયે પણ ખ્યાતિ મેળવી ચૂકેલ ડેઝી ઈરાની છે. બસમાં સામેની પાટલી એ જગદીપ (મૂળ નામ - સયીદ જવાહર અલી જાફરી) અને મોહન ચોટી(મૂળ નામ - મોહન આત્મારામ દેશમુખ) છે જે મોટા થતા જાણીતા કળાકાર થયા.
આયે થે હઝૂર બન ઠન કે પર્દા પર કળાકાર : એ વી એમ રાજન; બીજું વર્ઝન ; પુષ્પલતા
અય મેરે પ્યારે વતન તૂઝસે પે દિલ કુરબાં -  પર્દા પર કળાકાર - ડબલ્યુ એમ ખાન

હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.
આ લેખમાળા માટે પ્રેરણા Ten of my favourite ‘Who’s that lip-synching?’ songs  પરથી મળેલ છે, તેની પણ ફરી એક વાર સાભાર નોંધ લઈશું.