Tuesday, May 10, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પ્રવેશક



સોંગ્સ ઑફ યૉર પર દર વર્ષે કોઈ એક વર્ષનાં ગીતોની વિગતે ચર્ચા કરવી એ હવે બહુ આતુરતાપૂર્વક રાહ જોવાતી પ્રણાલિકા સ્થપાઈ ચૂકી છે. આ પહેલા ૧૯૫૫, ૧૯૫૩, ૧૯૫૧ અને ૧૯૫૦નાં વર્ષોનાં ગીતોની ચર્ચામાં આપણે સક્રિયપણે ભાગ લઈ એ વર્ષનાં ગીતોને ફરી એક વાર, નવા નવા અંદાજથી, માણી ચૂક્યાં છીએ. હવે આપણી સમક્ષ રજૂ થાય છે ૧૯૪૯નાં ગીતો. દર વર્ષની જેમ  ચર્ચાને એક ચોક્કસ દિશા અપવા માટે બહુ-સંશોધિત વિચારપ્રેરક, વિહંગાલોકન સમો લેખ - Best songs of 1949: And the winners are?    - પ્રકાશિત થઈ ચૂક્યો છે.
ચર્ચાની શરૂઆત કરતાં જ પહેલાં હું મારી મર્યાદા રજૂ કરી દેવાનું ઉચિત સમજીશ. આ વર્ષનાં ઘણાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતામ અને તે પછીથી પણ લોકચાહના બનાવી પણ રહ્યાં છે. એટલા પૂરતું એ ગીતોનો પરિચય હોવો સ્વાભાવિક છે. અમારા એન્જિનીયરીંગનાં અભ્યાસનાં કૉલેજકાળનાં વર્ષોમાં - ૧૯૬૬થી ૧૯૭૧- આમાંની ઘણી ફિલ્મો અમે  આ ગીતોને કારણે અમદાવાદનાં આ પ્રકારની જ ફિલ્મો રજૂ કરવા માટે ખ્યાત સેન્ટ્રલ, કલ્પના કે પ્રતાપ જેવાં થિયેટરોમાં, કોઇ કોઈ એકથી વધારે વાર પણ, જોઈ છે. પરંતુ એ પછી એ ફિલ્મો સાથે એવો સીધો સંપર્ક નથી રહ્યો. ફિલ્મનાં ગીતોની રેકર્ડ્સ (કે તે પછીથી ઑડીયો કેસેટ્શ કે સીડી)ખરીદવાના શોખનાં વર્ષોમાં પણ એ ૧૯૫૫ પહેલાંની બધી જ લોકપ્રિય ફિલ્મો પર ધ્યાન આપવાનું નહોતું બનતું. આજે હવે ઇન્ટરનેટ પર લગભગ બધાં જ ગીતો ઉપલ્બધ થવા લાગ્યાં છે ત્યારે એ વર્ષનાં ઘણાં ગીતોનો કોઈ સંદર્ભ નીકળે ત્યારે જ સાંભળવાનું બને છે. આ કારણથી આ વર્ષોનાં બહુ પ્રચલિત ન થયેલ  મોટા ભાગનાં ગીતો સાથે સાવ ઓછો કહી શકાય એવો જ પરિચય છે. આ કારણથી હવે પછી વધારે વિગતની જે પૉસ્ટ કરીશું તેમાં સૌ પ્રથમ તો આવાં, બહુ પ્રચલિત ન હોય એવાં ગીતોની ઑડીયો કે વિડીયો લિંક ખોળીને તેને સાચવી લેવાનો અને એ ગીતોને સાંભળવાનો જ મુખ્ય આશય રહેશે.
૧૯૪૯નાં ગીતોને લગતી ચર્ચાની ભૂમિકા બાંધતી પોસ્ટ, Best songs of 1949: And the winners are?, ચર્ચાનાં ઉદ્દીપક તરીકે આપણી સમક્ષ એક સર્વગ્રાહી ચિત્ર રજૂ કરે છે
૧૯૪૯નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks) - શંકર જયકિશનની સિલ્મસંગીતનાં ક્ષેત્રે પદાર્પણની 'બરસાત', કે  નૌશાદની અંદાઝ,ચાંદની રાત, દિલ્લગી, દુલારી કે હુસ્નલાલ ભગતરામની બડી બહન કે ખેમચંદ પ્રકાશની મહલ કે સી રામચંદ્રની પતંગાનાં ગીતો આજે પણ હજૂ એટલાં જ તરોતાજા અનુભવાય છે.
આ ઉપરાંતનાં પણ અન્ય ગીતો (Other important musical compositions )પણ પોતાનો જાદૂ બરકરાર રાખી રહ્યાં છે, જેમ કે  -
ખેમચંદ પ્રકાશ :
શ્યામ સુંદર :
હંસરાજ બહલ :
વિનોદ:
જ્ઞાન દત્ત :
ગ઼ુલામ મોહમ્મદ :

પદાર્પણ (Debut)
કિદાર શર્માની ફિલ્મ 'નેકી ઔર બદી'થી રોશન, આરકેની 'બરસાતથી શંકર જયકિશન, હસરત જયપુરી, શૈલેન્દ્ર, નિમ્મી (મૂળ નામ - નવાબ બાનુ), રામાનંદ સાગર, 'પર્દામાં શર્માજી તરીકે ખય્યામ, 'આખરી પૈગામ'નાં ગીત 'ચલ રહા સ્વરાજ કા ઝઘડા'માં સુધા મલ્હોત્રા વગેરે આ વર્ષનાં નોંધપાત્ર પદર્પણ રહ્યાં.
'આઈયે'નાં મોહે આને લગી અંગડાઈ મુબારક બેગમનું અભિનિત, અને ગાયેલું, સર્વ પ્રથમ ગીત પણ આ વર્ષને અંકે છે. 
આ ઉપરાંત 'દુનિયા'માં અસદ ભોપાલી, 'લાડલી'માં શમશુલ હક (એસ એચ) બીહારી અને 'શૌકીન'માં અન્જુમ જયપુરી એ પણ ગીતકાર તરીકે તેમનાં ખાતાં ખોલ્યાં.

આ વર્ષની કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Fact file and Trivia )માં રજૂ કરાયેલ વાતો પણ આ વર્ષનાં ગીતો માટેના રસને ઘૂંટવામાં પોતાનો ફાળો નોંધાવે છે.

યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs )માં ૧૫૭ ગીતો સમાવાયાં છે. હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર વર્ષ દરમ્યાન ૧૫૬ ફિલ્મો રજૂ થઈ હતી, એટલે આશરે ૯૦૦થી ૧૦૦૦ જેટલાં ગીતો આ વર્ષે રેકર્ડ થયાં હશે. આટલાં ગીતોમાંથી જાણીતાં ગીતો કે સંગીતકારો કે ફિલ્મો ઉપરાંતનાં થોડાં ઓછાં જાણીતાં પણ પ્રસ્તુત ચર્ચા માટે મહત્ત્વનાં એવાં ૧૫૭ ગીતોને ચુંટી કાઢવાની કામગીરી કપરી તો છે જ. આ યાદીનાં ગીતો યુટ્યુબની લિંક્સ સાથે જોડીને ફરીથી Best Songs of 1949 તરીકે રજૂ કરેલ છે. હિંદી ફિલ્મ ગીત કોષનો અભ્યાસ કરતાં આ ઉપરાંત અન્ય પણ કેટલાંક ગીતોની નોંધ કરી છે, જેને આપણે હવે પછીની વિગતવાર પૉસ્ટસમાં સાંભળીશું.

દર વર્ષની જેમ, આ વર્ષે પણ પરંપરાગત દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાય એવી યાદીમાં કદાચ બંધ ન પણ બેસે એવાં ખાસ ગીતો (Special songs )ને પણ અલગથી તારવાયાં છે. એ ગીતોની ખાસીયતો વિષે વાંચવા માટે તો મૂળ લેખ જ વાંચવો રહ્યો. પણ આપણી વિગતવાર ચર્ચામાં સરળતાથી સંદર્ભ મળી રહે એ માટે આ ગીતોને પણ Best Songs of 1949માં અલગથી નોંધેલ છે.

ગત વર્ષે આપણે સૉન્ગ્સ ઑફ યૉરપરની ૧૯૫૦નાં વર્ષનાં ગીતોને વિગતે ચર્ચાની એરણે લીધાં હતાં. એ પહેલાં ૧૯૫૧નાં વર્ષનાં ગીતોની વાત પણ આપણે કરી હતી. આ વર્ષે એ જ રીતે ૧૯૪૯નાં ગીતોને સાંભળીશું. મૂળ લેખમાં રજૂ કરાયેલ ૧૫૭ ગીતોમાંથી જે ગીતો આજે પણ લોક જીભે જ છે એવાં ગીતોને આપણે આ વિગતે ચર્ચાનાં એરણે લેવાને બદલે જૂદા પરિપ્રેક્ષ્ય મુજબની સમીક્ષા કરતી વખતે આવરી લઈશું.
દર વર્ષની જેમ આ સમીક્ષાના આયામો  રહેશે.
શ્રેષ્ઠ પુરુષ-પાર્શ્વગાયક
શ્રેષ્ઠ સ્રી-પાર્શ્વગાયિકા
અન્ય પાર્શ્વગાયિકાઓનાં યાદગાર ગીતો
લતા મંગેશકરનાં યાદગાર ગીતો
શ્રેષ્ઠ યુગલ ગીત, અને
શ્રેષ્ઠ સંગીતકાર
તો આવો , ચાલીએ ૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર .....

No comments: