Sunday, May 15, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : મે, ૨૦૧૬



આજના અંકમાં રજૂ કરેલ ગીતો વિષે બે ખાસ વાત આપને કહેવાની છે -
એક તો એ કે આજે અહીં રજૂ કરેલ ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો મેં પણ આજના લેખવિષે શોધખોળ કરતી વખતે પહેલી જ વખત સાંભળ્યાં છે.
બીજું એ કે માત્ર પસંદગીના બે જ સંદર્ભ દ્વારા એટલાં ગીતો મળી ગયાં છે કે આ શ્રેણીમાં જે રીત આપણે સામાન્યપણે જોતાં આવ્યાં છીએ તે રીતને આ અંક પૂરતી મારે બાજૂએ રાખવી પડી છે.
સૌથી  પહેલાં તો (દાદુ) સુમન્તભાઈએ મોકલેલાં  ૧૯૪૦ના દાયકાનાં ગીતો પૈકી ચાર ગીતોને પહેલાં સાંભળીએ
આંખોમેં આ ગયે હો - સસુરાલ (૧૯૪૧) - બ્રીજમાલા - જ્ઞાન દત્ત - ડી એન મધોક
સંગીતકાર અને ગીતકાર જાણીતા, પણ ગાયક સાવ જ અજાણ. એ સમયની આ જ તો ખાસીયત હતી.

હવે પછીનું ગીત એ સ્ત્રી-યુગલ ગીત છે બે જોડીદાર વર્ઝન સવ્રૂપે રચાયેલ.
આજ હંસ હંસ કે દો બાતેં - મૈં ક્યા કરૂં (૧૯૪૫) - સુરૈયા, હમીદા બાનો - નીનુ મજુમદાર - ડી એન મધોક 

આ ગીતનું જોડીદાર વર્ઝન દ્રુત લયમાં છે.


હવે પછીનું ગીત બંગાળની બહુપ્રચલિત બૌલ લોકશૈલીની ધુન પર રચાયેલું છે. પણ તેની ખાસ બાબત એ નથી. નોંધવાલાયક ખાસ વાત તો એ છે કે ચીતળકરે આ ગીત ગાયું છે, પરંતુ સ્વરરચના સચિન દેવ બર્મનની છે.
એક નઈ કલી સસુરાલ ચલી - આઠ દિન (૧૯૪૬) - મીના કપૂર, ચીતળકર - સચિન દેવ બર્મન - જી એસ નેપાલી

ગયે મહિને શમશાદ બેગમની ૯૭મી જન્મતિથિ હતી. આપણે મોટે ભાગે તેમનાં ઓ પી નય્યર કે નૌશાદ કે હંસરાજ બહલ કે સચિન દેવ બર્મનનાં ગીતો આજે પણ યાદ કરીએ છીએ. Shamshad Begum’s songs by OP Nayyarમાં જણાવ્યું છે તેમ આ સંગીતકારોનાં રચેલાં શમશાદ બેગમનાં ગીતો તેમનાં ગીતોનો બહુ જ મોટો હિસ્સો પણ હશે જ. એટલે મને થયું કે ચાલો આપણે આ ચાર સંગીતકાર સિવાયના સંગીતકારોએ શમશાદ બેગમનાં ગીતોને ખોળી કાઢીએ. પહેલે જ પ્રયત્ને જે ગીતો મળ્યાં તે આ રહ્યાં –

એક કલી નાઝોં કી પલી - ખઝાનચી (૧૯૪૧)- ગુલામ હૈદર
હિંદી ફિલ્મનાં સંગીતના ઈતિહાસમાં 'ખઝાનચી'નાં ગીતો તાલનાં પ્રાધાન્યને કારણે સીમાચિહ્ન માનવામાં આવે છે. પ્રસ્તુત ગીતની ખાસ વાત એ છે કે તેને પર્દા પર રજૂ કરનાર કળાકાર મનોરમા છે, જે ૧૯૫૦ પછીના બે દસકમાં નકારાત્મક ભૂમિકાઓમાં ચમકતાં રહ્યાં. ગીત આકાશવાણી (એ સમયનું ઑલ ઈન્ડિયા રેડિયો) પરથી રજૂ થતું બતાવાયું છે. હિંદી ફિલ્મોમાં છેક ૧૯૬૦ના મધ્ય ભાગ સુધી રેડિયો માટે રેકર્ડ થતાં ગીતોના એક મહત્ત્વના પ્રકાર થકી આપણે અનેક યાદગાર ગીતો સાંભળ્યાં છે.

સસુરાલમેં તૂ હોગી અકેલી - મિર્ઝા સાહિબાન (૧૯૫૭) - શાર્દૂલ ક્વાત્રા
પંજાબમાં લગ્નપ્રસંગોએ સાંભળવા મળતી એક બહુપ્રચલિત લોકધુન..પિતાનું ઘર છોડવાનો સમય આવી ચૂક્યો છે એ વિચારે (પરંપરાગત રીતે) કન્યા ગમગીન હોય, ત્યારે સહેલીઓ આ પ્રકારનાં ગીતોથી વાતાવરણને હળવું બનાવવા મથે છે.

ચલી પી કો મિલન બનઠન કે દુલ્હન - ઝીદ્દી (૧૯૪૮)- ખેમચંદ પ્રકાશ
કન્યા વિદાયની વાત યાદ આવે તો પણ લોકોની આંખ ભીની થઈ જતી હોય છે..પછી ભલેને એ પ્રસંગ એક ન્રુત્યગીતમાં આવરી લેવાયો હોય

ઓ દિલવાલો હો દિલ હૈ દીવાના - તિકડમબાઝ (૧૯૫૯) બી એન બાલી
રાજ દરબારમાં મન બહેલાવવા માટે થતાં નૃત્યના મસ્તીભર્યા ભાવ પ્રસ્તુત ગીતમાં છલકે છે

આન મીલો બાલમા - હલચલ (૧૯૫૦) - સજ્જાદ હુસૈન

ગ્રામ્ય નૃત્ય ...વાદ્યવૄંદ રચનાની તાજગી ખાસ ધ્યાન ખેંચે છે

મેરે દિલ મેં આઈયે - ઢોલક (૧૯૫૧) - શ્યામ સુંદર - અઝીઝ કશ્મીરી

પોતાના હજૂ સુધી અનિર્ણિત જણાતા પ્રેમીને પોતાનાં ગીતનાં તીરથી ઢાળી દેવા મથતી નાયિકા... હિંદી ફિલ્મોનાં ગીતો માટે એક બહુ જ પ્રચલિત સીચ્યુએશન
પાપી દુનિયા સે દૂર - રેલ કા ડિબ્બા (૧૯૫) – ગ઼ુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 

ઉઘડતી સવારે દિવસનાં કામકાજની તાજગીભર શરૂઆતમાં નાયિકાને પાપી દુનિયાથી દૂર થવાના આનંદની ખૂશી બેવડાઈ લાગે છે....

દિલ ના લગાના દિલ કા લગાના - મિસ માલા (૧૯૫૪) - ચિત્રગુપ્ત - રાજા મહેંદી અલી ખાન 

શમશાદ બેગમ તેમની ગાયકીની શૈલીથી ગીતના ભાવને ચરિતાર્થ કરવામાં માહેર હતાં... પ્રસ્તુત ગીતમાં પણ નાયિકા વૈજયંતિમાલાની નૃત્યનિપુણતાને કામે લગાડાઈ હશે તે સાવ સહેલાઈ જ સમજી શકાય છે.

ન જાન રે ન જાન રે - બિરાજ બહુ (૧૯૫૪) - સલીલ ચૌધરી - પ્રેમ ધવન

પૂર્ણતઃ બંગાળી પશ્ચાદભૂની કહાનીમાં પણ જ્યારે જમીનદારની અય્યાશીને પેશ કરવી હોય તો મુજરાની અંગત મહેફિલથી વધારે હાથવગું કોઈ સાધન નથી ! પ્રાણને પણ પોતાની ખલનાયકીની અદાઓ દેખાડી દેવા માટે મોકળું મેદાન કરી આપવામાં આવ્યું છે. સિગરેટના ધુમાડાઓની રીંગ ફેંકવાની તેમની અદા તેમના મનમાં ચાલતા ઘોડાને પાર પાડવાના વિશ્વાસનું એક બહુ જ અસરકારક પ્રતિબિંબ બની રહ્યું ...

આડ વાત :

હમ હાલ-એ-દિલ સુનાયેંગે સુનીયે કે ન સુનીયે - મધુમતી (૧૯૫૮) - મુબારક બેગમ - સલીલ ચૌધરી - શૈલેન્દ્ર

જમીનદારની અય્યાશીને પૂરેપુરો ન્યાય આપે તેવું મુજરા નૃત્ય.. પણ ફિલ્મનાં કથાનકમાં આખાં ગીતને મૂકવાનું મહત્ત્વ ઓછું પડ્યું એટલે સંકલન કાતરને હાથે ફિલ્મમાંથી કપાતમાં ગયું. થી ગયું..આવાં ગીતોને મળી લોકચાહના તેનાં ગાયકોને નડી ગઈ ! આ ગાયકોને માથે આ પ્રકારનાં ગીતોની જ લાયકાતની છાપ લાગી ગઈ એટલે મુખ્ય ધારાનાં ગીતો તેમને ફાળે આવતાં જ બંધ થઈ ગયાં

ધડકે રહ રહ કે દિલ બાવરા - નાતા (૧૯૫૫) - એસ બલબીર, મોહમ્મદ રફી અને લતા મંગેશકર સાથે - એસ મોહિન્દર - તન્વીર નક઼્વી

૧૯૫૨નાં 'રેલકા ડિબ્બા'માં જે મુખ્ય નાયિકા મધુબાલા માટે પાર્શ્વગાયન કરતાં હતાં તે હવે નાયિકા સાથેનાં પાત્ર માટે અવાજ આપતાં થઈ ગયાં છે.…
પ્યાર જતા કે લલચાયે - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯) - હેમંત કુમાર- શૈલેન્દ્ર

ગીતના ભાવની પંજાબી છાંટ્ને ઉપસાવવા માટે શમશાદ બેગમ હેમંત કુમાર માટે પણ પહેલી પસંદ જણાય છે

કેહતે હૌ જિસકો ઈશ઼્ક - આજ ઔર કલ (૧૯૬૩)- ઉષા મંગેશકર સાથે - રવિ – સાહિર લુધ્યાનવી

૧૯૬૩ સુધીમાં શમશાદ બેગમનું સ્થાન પહેલી હરોળમાંથી હટી ચૂક્યું છે. જાણીતાં પ્રોડક્શન, જાણીતા સંગીતકાર કે જાણીતા ગીતકારની કવ્વાલી જેવી લોકભોગ્ય રચનાને માટે પાર્શ્વગાયન કરવા માટે તેમને યાદ કરવામાં અવી રહ્યાં છે, તેને પણ ગનીમત જ સમજવી પડે !

આજના અંકનાં સમાપનમાં આપણે હંમેશ મુજબ મોહમ્મદ રફીનાં વિસરાતાં ગીતને યાદ કરીશું.

મેં ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે વિષય પર પણ શોધખોળ શરૂ કરી છે. આજનું મોહમ્મદ રફીનું ગીત એ શોધખોળમાંથી મળેલ એક પુરુષ-પુરુષ યુગલ ગીત છે.

હર ઐશ હૈ, દુનિયામેં અમીરોંકો આરામ નહીં મિલતા - કનીઝ (૧૯૪૯) - શિવ દયાલ (એસ ડી) બાતિશ સાથે - ગુલામ હૈદર

એ સમયમાં અમીર વર્ગની ઠેકડી ઉડાવવાનો મોકો ફિલ્મની સફળતાની એક મહત્ત્વની બારી ગણાતી. પ્રસ્તુત ગીતમાં પણ ગીતકાર હઝરત લાખે હળવા સૂરમાં અમીરો પર હાથ સાફ કરી લીધો છે.

આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: