જેમ જેમ 'જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો' વિષય પરનાં ગીતોની શોધખોળમાં ઊંડે જઈએ છીએ તેમ તેમ
ખૂબ જ જાણીતાં, અને
પ્રમાણમાં ઓછાં જાણીતાં પણ બહુ નોંધપાત્ર કહી શકાય તેવાં ગીતો મળતાં જાય છે. આશા
કરૂં છું કે આ શોધખોળ દરમ્યાન જેટલી મજા મને આવી છે એવી જ મજા આ ગીતો સાંભળવામાં
અને તેને પરદા પર રજૂ કરનાર કળાકારો યાદ કરવામાં આપ સૌને પણ આવશે..
તો ચાલો, આપણે
આપણી સફર આગળ ધપાવીએ -
આગે ભી જાને ન તૂ, પીછે
ભી જાને ન તૂ, જો ભી હૈ બસ યહી પલ હૈ - વક્ત (૧૯૬૫) - ગાયક આશા ભોસલે - સંગીતકાર રવિ
ગીતકાર સાહિર લુધ્યાનવી
ફિલ્મનાં શીર્ષક 'વક્ત' સાથે સુસંગત થાય તેવાં ગીતો લખવા માટે સાહિર
લુધ્યાનવીને મોકળું મેદાન મળી રહે તેવી એક વધારે સિચ્યુએશન ફિલ્મના દિગ્દર્શક બી આર ચોપરાએ ગોઠવી આપી.
માણસ ગમે એટલા ધખારા કરે તો પણ સમયની સામે તે કેટલો લાચાર બની રહે તે કેન્દ્રવર્તી
વિચાર સાથે બનેલ ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં તર્જબદ્ધ થયેલ વક્ત સે દિન ઔર રાત, વકત સે કલ ઔર
આજ, વક્તકી
હર સય ગુલામ જેટલું
અર્થપૂર્ણ પ્રસ્તુત ગીત છે.. ગીતના શબ્દો જેટલા ભાવવાહી છે, તેટલી જ તેની તર્જ કર્ણપ્રિય અને સુગેય છે.
પાસ આકર તો ના યૂં
શર્માઈયે - લાડલા (૧૯૬૬) - ગાયક મોહમ્મદ રફી, આશા
ભોસલે - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
આ ગીતને પર્દા પર રજૂ કરનારાં બંને કળાકારો હતાં તો બહુ જ
દમદાર, પણ ટિકિટબારી પર સફળતા તેમને ન મળી.
નાયકનો ચહેરો જરૂર યાદ આવશે...
જો હજૂ ન યાદ આવ્યો હોય તો આ જ ફિલ્મનું બીજું એક ગીત
સાંભળો....
દિલ અય દિલ, તેરી મંઝિલ.... – ગાયક: લતા
મંગેશકર
હજૂ પણ કળાકારો યાદ ન આવ્યાં હોય તો આ ગીતોથી ઘણાં વધારે
જાણીતું થયેલ આ ગીત સાંભળીએ
જાનેવાલો જરા મુડકે દેખો મુઝે, એક ઈન્સાન હું મૈં તુમ્હારી તરહ
આ ગીતમાં માઉથ ઑર્ગનનો જે રીતે ઉપયોગ કરાયો છે તેણે ગીતની
ધૂન અને મોહમ્મદ રફીની ગાયકીને ચાર ચાંદ લગાડી આપ્યા હતા. મને એવું વાંચ્યાનું યાદ
છે કે આ ટુકડાઓ રાહુલ દેવ બર્મને ખુદ વગાડ્યા છે ! ફિલ્મ દોસ્તી (૧૯૬૪)નાં આ ગીત
માટે ગાયક મોહમ્મદ રફી અને ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીને ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા.
ગીતને રજૂ કરી રહેલા આ બે ચહેરાઓએ તમને એ
ફિલ્મનાં લાઈનબંધ ગીતો ને પણ
યાદ કરાવી જ દીધાં હશે..
રાહી મનવા દુઃખકી ચિંતા ક્યોં સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ
ચાહૂંગા મૈં તૂઝે સાંજ સવેરે, ફિર ભી કભી નામકો તેરે આવાજ઼ ન દૂંગા
મેરા તો જો ભી કદમ હૈ, વો તેરી રાહમેં હૈ...
આ સદાબહાર બની રહેલ ગીતોને પરદા પર રજૂ કરનારા બંને કળાકારો
ગુમનામીની ગર્તામાં ખોવાઈ ગયા.
આ ગીતોમાં પર્દા ઉપર માઉથ ઑર્ગન વગાડનાર બીજા કળાકારને ફિલ્મઈતિહાસકાર શિશિર શર્માએ બહુ વર્ષોની મહેનત
પછી ખોળી કાઢ્યા અને તેમનો ઈન્ટરવ્યુ - ‘Dukh To Apna Saathi Hai’ – Sushil Kumar - લીધો હતો, જેમાં એ કળાકારનાં જીવનની તડકી છાંયડીની દાસ્તાન વિષે જાણવા
મળે છે.
'દોસ્તી' એવી
ફિલ્મ હતી જેનાં બધાં જ કલાકારો સાવ નવાં હતાં, તેમને
લોકપ્રિયતા જો મળી તો બહુ પછીથી મળી. જેમ કે -
ગુડિયા હમસે રૂઠી રહોગી (લતા
મંગેશકર)ને રજૂ કરનાર બે કળાકારોમાંથી એક કળાકાર તો આજે પણ ટીવીના પર્દા પર જોવા
મળે છે.
જબ જબ બહાર આયી ઔર ફુલ મુસ્કરાયે, મુઝે તુમ યાદ આયે - તક઼દીર
(૧૯૬૮) - હેમલતા, મહેન્દ્ર કપૂર, કૃષ્ણા
કલ્લે - સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ - ગીતકાર : આનંદ
બક્ષી
અ ગીતમાં 'દોસ્તી'ના [માઉથ
ઓર્ગન વગાડતા] બીજા
કળાકાર અને હવે યુવાન થઈ ગયેલ 'ગુડીયા' ઓળખાય છે ને?
૧૯૬૪માં રજૂ થયેલ લૉ-બજેટ 'દોસ્તી'ની
અપ્રતિમ સફળતા પહેલાં સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલની
બેલડી તેમની પહેલી જ, સી-ગ્રેડની, ફિલ્મનાં ગીતોમાં
પારસમણિના સ્પર્શની સફળતા અનુભવી ચૂક્યા હતા. ફિલ્મનાં મુખ્ય કળાકારો - મહિપાલ અને અનિતા ગુહા - ફિલ્મ જગતમાં સાવ
જાણીતાં ન હતાં એમ તો નહોતું , પણ અણબનાવથી અલગ ચાલી રહેલાં રફી- લતાને વો જબ યાદ આયે બહોત યાદ આયે જેવાં
યુગલ ગીતમાં સાવ જ અલગ અલગ ગવડાવ્યાં, છતાં ગીત સફળ તો રહ્યું જ!
હસતા હુઆ નૂરાની ચહેરા કાલી ઝૂલ્ફેં રંગ સુનહરા, મેરી જવાની તૌબા રે તૌબા દિલરૂબા દિલરૂબા -
પારસમણિ (૧૯૬૩) - સંગીતકાર લક્ષ્મીકાંત
પ્યારેલાલ
આ નૃત્ય ગીતની સફળતાએ તો બધા જ્ રેકર્ડ તોડી કાઢ્યા હતા, પરંતુ
તેને પરદા પર ભજવનાર બંને નૃત્યાંગનાઓને કોઈ જ ઓળખતું નથી.
લક્ષ્મીકાંત-પ્યારેલાલની સી-ગ્રેડની ફિલ્મોથી શરૂ થયેલ સફર એ ફિલ્મોનાં
ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોને બહુ ન ફળી,
પણ આ સંગીતકાર જોડીને તો બહુ જ ફળી.
લક્ષ્મી-પ્યારેની સફરથી ફરી એક વાર જરા દૂર ખસીને બીજાં
ગીતો પર નજર કરીએ એક
એવાં ગીત પર જેને પર્દા પર રજૂ કરનાર કળાકાર 'દોસ્તી'ના નેત્રવિહિન મિત્રના હમનામ છે..
મુઝે રાત દિન યે ખયાલ હૈ કે નઝર સે વો મુઝકો ગીરા ન
દે - ઉમર ક઼ૈદ (૧૯૬૧) - ગાયક: મુકેશ સંગીતકાર: ઈક઼બાલ ક઼ુરેશી
પહેલી ફિલ્મમાં ઠીક ઠીક નામ કમાવા છતાં લાબે ગાળાની સફળતાની
બાબતમાં પણ બંને હમ(કમ)નસીબ જ રહ્યા ! ફર્ક માત્ર એટલો કે આ ગીતને ભજવાનારા
કળાકારને બીજી હરોળના ચરિત્ર અભિનેતાના નાના, પણ મહત્ત્વના કહી શકાય તેવા, રોલ મળતા રહ્યા..
હજૂ પણ થોડાં પાછલાં વર્ષોમાં જઈએ અને બહુખ્યાત ગીતોને
સાંભળીએ.
આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે -
પ્યાસા (૧૯૫૭) - ગાયકઃ ગીતા દત્ત – સંગીતકાર: સચિન દેવ બર્મન - ગીતકાર સાહિર લુધ્યાનવી
આ ગીત આમ તો ગુલાબો (વહીદા રહેમાન)ના મનના ભાવોને વ્યક્ત
કરે છે - ફિલ્મનો નાયક, વિજય (ગુરુ દત્ત) એક ક્રાંતિકારી કવિ છે. ગુલાબો તેને
કવિ તરીકે બેહદ પસંદ કરે છે. આજે સંજોગવશાન તે કવિ પોતાની નજર સામે છે..ગુલાબો
તેને બોલાવવા માગે છે.. પોતાને ગળે લગાડી લેવા કહે છે...
ગીતમાં જેમના વિષે વાત છે તે વહીદા રહેમાન, ગુરુ
દત્ત એ બધાં પાત્રો તો ઓળખાઈ જ જાય છે, પણ તેમને સંદેશો આપનાર
જોગનનું પાત્ર ભજવનાર કળાકાર અજ્ઞાત જ રહે છે....
લેકે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખોમેં ખુમાર, જાદૂ નગરી સે આયા હૈ કોઈ જાદૂગર - સી
આઈ ડી (૧૯૫૬) – ગાયક : શમશાદ
બેગમ, મોહમ્મદ રફી – સંગીતકાર : ઓ પી નય્યર
કોઇની લાગણીઓને કોઈ વ્યક્ત કરે તેમાં જેમ કોઈ બીજું ભજન ગાય
તેના દ્વારા જેમ ભાવ વ્યક્ત થતા હોય એ મારગ બહુ પ્રચલિત હતો તેમ રસ્તા પર કોઈ
કળાકારો પોતાની અજીવિકા રળવા ગીત ગાતાં હોય, પણ ભાવ
તો મૂળ નાયક - નાયિકાના જ હોય એ માર્ગ પણ દિગ્દર્શકોને બહુ પસંદ પડતો હશે એમ લાગે
છે.
આ ગીત
પર્દા પર ગાનારાં કળાકારો એટલાં બધાં અજાણ્યાં તો જો કે નહોતાં, પણ
ગીતની લોકપ્રિયતાએ એ તેમની
કારકીર્દીને જરા પણ મદદ ન કરી એ પણ હકીકત છે.
આ ગીતનું એક બીજું કરૂણ વર્ઝન (@૦.૨૩- ૩.૦૨સુધી) પણ છે, જે માત્ર ફિલ્મમાં જ
વપરાયેલ છે. તે રેકર્ડના સ્વરૂપે બહાર નહીં પડ્યું હોય. આ ગીતને આશા ભોસલે એ ગાયું છે, પરદા પર તેને અદા શકીલાએ કરેલ છે. આ
વર્ઝનના દરેક અંતરામાં શકીલાને મૂળ ગીત સંભળાતું હોય તેમ લાગે છે, જેની સાથેની તેની યાદો તેના પોતાના સ્વરમાં અંતરામાં
ફૂટતા રહે છે. @૩.૦૭
પછીનું ગીત આપણે બધાં એ અનેક વાર જોયું છે અને માણ્યું છે.
આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૧૬-૪-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે
કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-
હો કે મજબૂર હમેં ઉસને ભૂલાયા હોગા - પર્દા પર કળાકાર - મુખડાની શરૂઆત અને પહેલા અંતરામાં ભુપિન્દરના પોતાના જ અવાજને પર્દા પર ભુપિન્દરે રજૂ કરેલ છે. મોહમ્મદ રફી, તલત મહમૂદ અને મન્ના ડેના સ્વરમાં ગવાયેલ અંતરાના કળાકારો ઓળખાયા નથી.એક સે ભલે દો દો સે ભલે ચાર, મંઝિલ અપની દૂર હૈ રસ્તા કરના પાર - પર્દા પર કળાકાર - સતીશ વ્યાસ, તેની બાજૂમાં છે એ સમયે પણ ખ્યાતિ મેળવી ચૂકેલ ડેઝી ઈરાની છે. બસમાં સામેની પાટલી એ જગદીપ (મૂળ નામ - સયીદ જવાહર અલી જાફરી) અને મોહન ચોટી(મૂળ નામ - મોહન આત્મારામ દેશમુખ) છે જે મોટા થતા જાણીતા કળાકાર થયા.
હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં
ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.
આ લેખમાળા માટે
પ્રેરણા Ten of
my favourite ‘Who’s that lip-synching?’ songs પરથી મળેલ છે, તેની પણ ફરી એક વાર સાભાર નોંધ લઈશું.
No comments:
Post a Comment