Thursday, May 5, 2016

એકલો જાને રે ....- ડૉ. એચ એલ ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત (નવલકથા) - ડૉ. શરદ ઠાકર

@ ડૉ. શરદ ઠાકરǁ  પ્રથમ આવૃત્તિ ડીસેમ્બર, ૨૦૧૫  ǁ કિંમત રૂ, ૪૫૦ ǁ પૃષ્ઠ +૪૨૪
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરǁ info@navbharatonline.com


લેખક ડૉ. શરદ ઠાકર તેમનાં પ્રાસ્તાવિક નિવેદનમાં (ડૉ. એ એલ ત્રિવેદીની સંઘર્ષ ગાથા વિષે) લખે છે કે "શું આ બધું સાચું હોઈ શકે? ભ્રષ્ટાચાર અને કામચોરીથી ખદબદતા આ દેશમાં કોઈ એક મરદ માણસ આખી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં ચાલીને, આટલો કપરો સંઘર્ષ ખેડીને, પોતાના આદર્શ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ઝનૂનપૂર્વક લડતો રહી શકે ખરો?!? અને અંતે એ સફળ પણ થઈ શકે? અસંભવ!"

આ નિવેદન પછીના ૪૨૪ પાનામાં કોઈ થ્રીલર કથાની અદાથી આપણી સમક્ષ ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનમાં બનતી રહેલી એક એક અવળી,અણધારી, તેમનાં મનોબળની તાકાતની સીમાઓને પડકારતી રહેતી ઘટનાઓ અને તેમાંથી નીકળેલા એટલા જ આશ્ચર્યજનક, સુખદ માર્ગોની તવારીખના પાનાં બદલતાં રહે છે.

આપણી સમક્ષ વાતની શરૂઆત થાય છે આજના સમયથી ચાર-સાડા ચાર દાયકા પહેલાનાં, અને આઝાદીના ત્રણ દાયકા પછી પણ આધુનિકતાથી ચાર ડગલાં પાછળ ચાલી રહેલાં, સુરેન્દ્રનગરની એક સાંજથી. સફેદ ખાદીનો આર કરેલો ઝભ્ભો, ધોતી અને ગાંધી ટોપીથી સજ્જ નખશિખ ગાંધીવાદી વડીલ અને તેમની સાથે માન્ચેસ્ટરનાં વૂલન ફેબ્રિકમાંથી જર્મન બ્રાન્ડેડ ટેલર્સ પાસે સીવડાવેલા સ્યૂટ,દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી નીકળેલ સોનામાંથી બનેલી ટાઈપિન અને ટાઈપિનમાં વચ્ચોવચ્ચ સોલીટેર ડાયમન્ડ, સ્નેક લેધરના બેલ્ટ અને એન્ટીલોપનાં ચામડામાંથી બનેલા મુલાયમ બૂટ જેની પહેચાન હતી, સવારના યુરોપિયન બ્રેકફાસ્ટ, દિવસ દરમ્યાન સુગંધીદાર તમાકુની પાઈપ અને સાંજે ફ્રેંચ વાઈનની સંગતની સંસ્કૃતિમાં પળોટાયેલો એવો યુવાન શહેરની બહાર આવેલી નદીમાં 'ઈવનીંગ વૉક' માટે નીકળી પડ્યા છે. સામેથી ડાઘુઓ એક યુવાનની અંતિમ મંઝિલે પહોંચાડવાની વિધિમાં છે. મૃત્યુ પામેલા યુવાનના 'નખમાંય રોગ જ ન હતો...ખાલી છ મહિનાથી આખા ડીલ પર સોજા હતા'. પાશ્ચાત્ય રંગમાં પળોટાઈ ચૂકેલો આપણો નાયક એ સાંભળીને સ્વગત બબડી ઊઠે છે : ક્રોનિક રીનલ ફેઈલ્યોર. ડાયાલિસીસ જેવી સારવાથી બચી શકી હોત એવી એક જિંદગી...'

ખેલના નિયમ બદલી નાખે તેવી ઘટનાની પાછળ પાછળ જ એવી બીજી એક ઘટના આપણા નાયકને ગૌતમમાંથી બુદ્ધમાં રૂપાંતરિત કરવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે. જો કે આ ઘટનાઓ પછી નાયકની તેની તેની કર્મભૂમિ, હેમિલ્ટન, કેનેડા તરફની સફરનાં વર્ષો સાથે સાથે, પોતાના જન્મથી માંડીને આજ સુધીની ઘટનાઓ કલ્પનાચક્ષુની સામે ખૂલતી જાય છે.

ઈ.સ. ૧૯૩૨ના ઑગસ્ટ મહિનાની એક કાળી અંધકારભરી રાત્રે, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદથી ચારેક કિલોમીટર દૂર આવેલા ચરાડવામાં નાનજીભાઈ ત્રિવેદીના શિક્ષકપુત્ર લક્ષ્મીશંકર ત્રિવેદીનાં પત્ની શારદાને પુત્ર જન્મ્યો. એ પુત્ર તે આપણી કથાના નાયક હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી. તેમના જન્મ સમયે કેસરીની ત્રાડ અને હાથીની ચિંધાડને સમાવતો ગજકેસરીયોગ હતો, જેને કારણે એ છોકરો જ્યાં પણ જાય ત્યાં રાજાની સમકક્ષ બનીને માન, પાન અને સ્થાન પ્રાપ્ત કરતો રહેવાનો હતો.

પણ એચ એલ ત્રિવેદીનાં જીવનમાં તો તકલીફોની કેસરી-ત્રાડ અને વિઘ્નોની હાથી-ચિંધાડ પણ પહેલે પગથિયેથી લખાયેલી જ હશે. પિતાજી બહુ જ આદર્શ શિક્ષક, પણ ૧૯૩૦-૫૦ના સમયના શિક્ષક એટલે જ્ઞાનદાનમાં કુબેર પણ અંગત જીવનમાં આર્થિક સંકડામણો પારાવાર જ હોય. સાત માણસોની ભીડવાળાં કુટુંબની રાતોના દીવાના પીળા ધ્રુજતા પ્રકાશમાં કિશોર હરગોવિંદ પોતાનાં ડૉક્ટર બનવાનાં સ્વપ્નોને કંડારવાના પરિશ્રમમાં ખૂંપી જતો. ૧૬મા વર્ષે માને ધનુર્વાના ચેપમાં ખોયાં. ૧૧મા ધોરણમાં સારા માર્ક્સથી ઉત્તિર્ણ થયા પછી સાયન્સ કૉલેજમાં એડમિશન મેળવવા માટે નાણાં ઊભાં કરવા આખાં કુટુંબે જે યજ્ઞ કર્યો તેમાં કુટુંબના દરેક સભ્યએ પોતપોતાની ઈચ્છાઆકાંક્ષાઓની આહુતિ આપી. કૉલેજની એક નિર્ણાયક પ્રાયોગિક પરીક્ષામાં જે પાવડરનો ગ્રેવીમેટ્રી ટેસ્ટ કરવાનો હતો તે ભરેલું પાત્ર જ પડી ગયું અને પાવડર ઢોળાઈ ગયો. બાયોલોજી વિષયનું જર્નલ જ મૌખિક પરીક્ષાની આગલી રાત્રે ચોરાઈ ગયું. તો પણ બે ફક્કડ પેન્ટ-શર્ટ, કપડાંલતાં વગેરે મૂકવાની પતરાંની રંગીન પેટી અને પહેલે જ દિવસે ફોઈનાં ઘરેથી કૉલેજ ચાલતાં જતાં પડેલાં આંટણને કારણે જે હાથમાં ઉપાડવાનો વારો આવ્યો હતો તેવા ચામડાના સુંદર બૂટની ભૌતિક મૂડીની મદદથી એચ એલ ત્રિવેદી દાક્તરીની વૈતરણી પણ વટથી પાર કરી ગયા. ડૉક્ટર થઈ ગયા પછી તેરમી ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ તેમણે સુનિતાબહેન (મૂળ નામ શારદા) સાથે સંસાર માંડ્યો.

અમેરિકામાં આગળ અભ્યાસ માટે ભણવા જવા ઈચ્છતા વિદેશી ડૉકટરોનું સ્તર ચકાસવા માટેની ઈ.સી.એફ.એમ.જી. કસોટીથી માંડીને ક્લીવલેન્ડની લેઈકવૂડ હોસ્પિટલના પ્રારંભના દિવસોમાં જ ઈ.સી.જી. મશીનનું તેમના હાથે બળી જવું,તેમની સહકાર્યકર નર્સના પિતાને ડી-ફિબ્રિલેટરના પાંચમા આંચકે મોતના મોંમાંથી બચાવી લાવવા, પોતાના હાથ નીચેના જુનિયર ડૉક્ટરની ભૂલને કારણે એક દરદીનું બ્રેઈન હેમરેજને કારણે મૃત્યુ થઈ જવું, કેનેડા જવા માટે અરજી કરેલ તે દસ્તાવેજો જ ઈન્ટરવ્યુના ટાંકણે ટપાલમાં ગેરવલ્લે ચડી જાય એવા તો અનેક નાના મોટા અવળા સવળા પ્રસંગો ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનને કસોટીએ ચડાવતાં રહ્યાં. કેનેડાનાં હેમિલ્ટન શહેરની સેન્ટ જૉસેફ હોસ્પિટલની તેમની કારકીર્દી પણ આવી અનેક તડકી છાંયડીઓમાંથી પસાર થઈ. ગજકેસરીયોગ ફળવાને કારણે, કે ડૉ. ત્રિવેદીની નિષ્ઠા, કુનેહ અને સૂઝને કારણે, સેન્ટ જૉસેફ હૉસ્પિટલમાં આવતાં તેમનાં દર્દીઓ તેમને પૂજતાં.

સફળતા અને શોહરતની ટોચે પહોંચેલા ડૉ. એચ એલ ત્રિવેદીના મનમાં પેલે દિવસે ક્રોનિક રીનલ ફેઈલ્યોરથી મૃત્યુ પામેલો એ યુવાન અને તે સમયે પેલા ગાંધીવાદી વડીલ સાથે થયેલા સંવાદ તો ઘુમરાયા જ કરતા હતા.

અમદાવાદની જ હોસ્પિટલમાં જ તેમનાં દેશબંધુઓની સારવાર કરવાનો યજ્ઞ માંડવા માટેનો એક પૂર્વ પ્રયોગ કરવા માટે તેઓ ત્રણ મહિનાની રજા લઈને કામ કરી ગયા. જતી વખતે તત્કાલીન આરોગ્ય સચિવ શ્રીમતી શિંગલાને મળ્યા. તે પછીથી નિયમિત સમયે કેનેડાથી સ્મૃતિપત્રો લખતા રહ્યા પણ સરકારના જાડી ચામડીના તુમારને તેઓ હજૂ વીંધી નહોતા શક્યા. તેવામાં શ્રીમતી શિંગલાની ઑફિસમાંથી એક તાર દ્વારા તેમને આગળ વિચારણા કરવા માટે તાત્કાલિક ધોરણે બોલાવાયા, એ મુલાકાતમાં પાંચ જ મિનિટમાં તેમને અહીં જોડાવા માટેનો નિર્ણય લેવા જણાવાયું, એ નિર્ણયના હવનમાં જે હાડકાં પડ્યાં તેને શ્રીમતી શિંગલાએ હસેડી ફેંક્યાં. હવે આપણને થાય કે હાશ, ચાલો હવે ડૉ. ત્રિવેદીની કસોટીઓનો કાળ પૂરો થયો. હવે તો તેઓ વિના કોઈ વિઘ્ને તેમનાં સ્વપ્નાને સિદ્ધ કરવા માટેની કેડી કંડારી શકશે.

પણ કોઈ પણ સફળતા પહેલાં ભારોભાર અવળા સંજોગોવડે ડૉ. ત્રિવેદીના જુસ્સાને આકરામાં આકરી કસોટી વડે ચકાસવાનો કુદરતનો (કે તેમના વિઘ્નસંતોષી વિરોધીઓનો) સીલસિલો ચાલુ જ રહેવાનો હતો. પુસ્તકનાં હવે પછીનાં લગભગ ૧૦૦ - ૧૫૦ પાનામાં એક પછી એક વિધ્ન અને વિઘ્નોના સમાધાનની રોમાંચક ઘટનાઓની દિલધડક દાસ્તાનો ભરી પડી છે. રાજકારણીઓ, બાબુશાહી, સહવ્યવસાયીઓ,ભૂતકાળના મિત્રો, નવા સંબંધો એ બધામાં ડૉ. ત્રિવેદીને અતિ કડવા અનુભવો પણ થયા અને બહુ સુખદ અનુભવો થયા. એક સામાન્ય વાચક તરીકે દુનિયા તો આવી નઠારી જ છે એમ માનીને તેમને થયેલા કડવા અનુભવો આપણને કદાચ હચમચાવી ન જાય, કે તેમને થયેલા સુખદ અનુભવો ડૉ.ત્રિવેદીનાં સદ્‍કાર્યોનાં ફળ તો ક્યારેક તો મળે જ તેમ માનવા પ્રેરે. એ ઘટનાઓનો આસ્વાદ તો પુસ્તક વાંચીને જ કરાય.

તેમનાં સ્વપ્નની કિડની ઈન્સ્ટિટ્યૂટ ઈંટ, રેર્તી અને સિમેન્ટથી ચણાયેલ એક હોસ્પિટલમાંથી હવે દર્દીઓ અને ડૉક્ટરોથી ધમધમતું એક મંદિર બની ચૂકી હતી.ઈન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે કૂદકેભુસકે વધતો જતો હતો, પથરી તોડવાના દર્દીઓ હોય કે ડાયાલિસીસ માટે આવતા દર્દીઓ, કિડની પ્રત્યારોપણનાં ક્ષેત્રેના કેસ સ્ટ્ડીઝ હોય, સંસ્થાનું નામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનથી ગાજવા લાગ્યું હતું. પણ ડૉ. એચ એલ ત્રિવેદીની કહાનીએ વિરામ નથી લીધો.

કિડનીનાં પ્રત્યારોપણ માટે બહુ જ મહત્ત્વની જરૂરિયાત છે 'ફુલ હાઉસ મેચિંગ' થાય તેવી વ્યક્તિની પોતાની સાજી કિડનીનું દાન. એ કામ કેટલું મુશ્કેલ હશે તે તો આપણે જ્યારે એ હાલતમાં મુકાઈએ ત્યારે જ ખરા અર્થમાં કદાચ સમજાય. જનસામાન્યની જાગૃતિ પેદા કરવાનું અને ફેલાવવાનું પણ આવું આ મહાકાર્ય આ ૠષિ તેમની આગવી રીતથી કરી રહ્યા છે. એક વાર સફળ પ્રત્યારોપણ થયા પછી દુનિયાભરના તમામ દેશોના તમામ દર્દીઓએ અતિખર્ચાળ દેવાઓ લેતાં રહેવું પડતું હતું. આ માટે ડૉ. ત્રિવેદીએ જે સંશોધન હાથ પર લીધું તે સમગ્ર વિશ્વ માટે ક્રાંતિકારી નીવડ્યું. પ્રત્યારોપણ થયેલી કિડનીનો સ્વીકાર ન કરવાની માનવ શરીરની નૈસર્ગિક પ્રતિક્રિયાને રોકવા તેમણે ૧૯૯૮માં બહુ જ જટિલ એવી 'સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ'નો પ્રારંભ કર્યો. આ કાર્યમાં વધારે સંશોધન શક્ય બનાવાવા માટે તેમણે અત્યાધુનિક 'સ્ટેમ સેલ લેબોરેટરી'ની પણ રચના કરી.મિજેન્કાયમલ સ્ટેમ સેલ્સને માનવ શરીરમાંની ચરબીમાંથી અલગ તારવીને પરંપરાગત સારવારમાં આ નવા સ્ટેમસેલ્સ ઉમેરી દેવાથી હવે કીડની પ્રયારોપણનો ખર્ચ હવે લગભગ અડધો થઈ ગયો. સમગ્ર વિશ્વમાં સારવારની આ પદ્ધતિ આજે 'અમદાવાદ પ્રોટોકોલ' તરીકે ઓળખાય છે.

આ સંશોધન કરતાં કરતાં તેમની ટીમને ઈન્સ્યુલિન પેદા કરતા કોષો પણ મળી આવ્યા. આ નવા કોષોને દર્દીના સાથળમાં આવેલી મોટી રક્તવાહિની (ફીમોરલ આર્ટરી)માં નાખી સી-આર્મ ટેકનિકથી દાખલ કરવાના પ્રયોગ જન્મજાત ડાયબિટીસથી પીડાતાં નાનાં બાળકો પર કરાયા. આ સારવારનું પરિણામ ચમત્કારિક રહ્યું. ડૉ. ત્રિવેદી, તેમની ટીમ અને તેમની સંસ્થાને આજે પણ નડતી રહેતી નાણાંભીડને કારણે આ પ્રયોગો અટકી પડ્યા. ૨૦૦૭ની આ ઘટના ૨૦૧૫માં પણ જગતને સાવ નજીવાં ખર્ચે ડાયાબિટીસ-મુક્ત કરી દેવા માટે ડૉ. ત્રિવેદીના ખંત અને ઉત્સાહને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે જરૂરી ભૌતિક સાધનોની રાહ જોવડાવે છે.

ડૉ. એચ એલ ત્રિવેદીની પોતાના નિશ્ચયની મજબૂત કલમથી ભવિષ્યને લખવાની ગાથામાટેની સ્યાહી તેમનાં સાત રંગોનાં મેઘધનુ્ષી વ્યક્તિત્વએ પૂરી પાડી છે. પ્રથમ રંગ છે તેમનું ઉચ્ચ કક્ષાના નેફ્રોલોજિસ્ટ હોવું.બીજો રંગ છે જાહેર સંચાર માધ્યમોનો સાથ કેળવવાનું કૌશલ્ય, જેને કારણે તેમની સંસ્થાની પ્રવૃત્તિઓ સામાન્ય લોકો સુધી પહોંચે છે. ત્રઓ રંગ છે દાતાઓ પાસે દાન મેળવવાની કળા.ચોથા રંગથી તેઓ દરેક વિચારસરણીના રાજકારણીઓ્નો સમભાવ પ્રાપ્ત કરી શકયા છે. પાંચમા રંગે તેમની ટીમને બનાવી અને ટકાવી છે. તેમનાં વ્યક્તિત્ત્વનો છઠ્ઠો રંગ છે નવાં નવાં સંશોધનો કરતાં જ રહેવાની તેમની ક્ષમતા. અને આ બધા રંગોની મિલાવટને એકસૂત્રતા બક્ષે છે દર્દીઓ સાથે અંતરંગ આત્મીયતા જાળવી રાખતો એ સાતમો રંગ.

આજથી ચોર્યાશી વર્ષ પહેલાં ચરાડવા ગામની એક મેઘલી રાતે શરૂ થયેલી તેમની આ જીવનગાથા અહીં જ અટકતી નથી - અટકશે નહીં. શાળાના ભણતર સમયે મળેલ કાકા-કાકીની હુંફ, સાયન્સ કૉલેજમાં દાખલ થવા માટે કુટુંબના દરેક નાનાંમોટાં સભ્યએ કરેલ પોતાની અંગત અપેક્ષાઓનાં બલિદાન, અમેરિકા જવાના નિર્ણયથી માંડીને જીવનના તબક્કે તેમનાં પત્ની સુનિતાબહેનનો સાથ, અમેરિકાની લેઈકવુડ હોસ્પિટલમાં ડૉ. સેટેલીન કે કેનેડાની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં ડૉ. વિલિયમ ગોલ્ડબર્ગ કે પ્રત્યારોપણ સર્જ્યન ડૉ. પીટર નાઈટની મદદ કે ગુજરાત સરકારનાં શ્રીમતી શિંગલા કે એમ. એસ. દયાલ કે (તત્કાલીન આરોગ્ય મંત્રી)વલ્લભભાઈ પટેલ કે બાળપણના મિત્ર રસિકલાલ દોશીની સહાય કે લિથોટ્રીપ્ટર મશીનનાં ઉદ્‍ઘાટન માટે સ્વયંભૂ આવી ગયેલ પ્રમુખસ્વામી મહારાજની હાજરી કે ડો. વીણા દેસાઇ કે ડૉ. પ્રાંજલ મોદી કે ડૉ. વિરેન ત્રિવેદી કે ડૉ. વિનીત મિશ્રા કે ડૉ. અરુણા વણીકર કે નલીની પટેલ જેવાં તેમનાં સાથીઓનો ટેકો જેવાં અનેક સકારાત્મક પરિબળોએ તેમની સામે મોરચો માંડીને બેઠેલાં અનેકાનેક નકારાત્મક પરિબળો સામે ટકી રહેવાનું બળ ડૉ. એચ એલ ત્રિવેદીને પૂરૂં પાડ્યું હશે કે તેમણે સેવેલ એક નેક સ્વપ્નનાં જોશે આ પરિબળોને તેમની આસપાસ કવચ પૂરૂં પાડ્યું હશે !

ખબર નથી.

આપણે આવા કોઈ પણ એકલવીરને તેની દોડમાં પ્રત્યક્ષ મદદ ન પણ કરી શકીએ તો, કમ સે કમ, જાણ્યે અજાણ્યે તેમના રસ્તામાં આવતું વિઘ્ન તો ન બનીએ !

એટલું તો જરૂર યાદ અને ધ્યાન રાખી જ શકીએ.

ડૉ. એચ એલ ત્રિવેદી અને તેમના જેવા એકલવીર મરજીવાઓનાં કામને આપણે આટલું તો બીરદાવી જ શકીએ.....

ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવન અને તેમના મેડીકલ પ્રયોગો વિષેનાં સાહિત્યની ઉપલબ્ધિ ઘણી પાંખી જણાય છે તેની સખેદ નોંધ લેવી રહી. ડૉ. ત્રિવેદીની આત્મકથા “Tryst with Destiny” નવજીવન ટ્રસ્ટની સાઈટ પરથી ઑનલાઈન ખરીદી શકાય તેમ છે, પણ તેમનો ડૉ. શરદ ઠાકરે કરેલ ગુજરાતીમાં અનુવાદ ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ કે પછી આપણે આજે જે પુસ્તકનો પરિચય કર્યો તેની જ ઉપલ્બધિ પરંપરાગત વેચાણ વ્યવસ્થાને આધીન જણાય છે. એટલે જ ડૉ. એચ એલ ત્રિવેદીનાં કામને તેમના આંતરરાષ્ટ્રીય સહવ્યાવસાયિકો જાણતા હશે તેટલું કદાચ આપણા દેશના આ વ્યવસાયનાં લોકો નહીં જાણતાં હોય. આવા સંજોગોમાં તેમની સાથે સંપર્કમાં આવેલ સામાન્ય પ્રજા સિવાયનાં આપણા સૌની તો વાત કરવાની જ ક્યાં રહે !

જો આ બાબતને આજના સમયને અનુરૂપ યોગ્ય માર્કેટીંગ માવજત મળે તો તેમનું કાર્ય તો આવનારી પેઢીઓ સુધી પહોંચે જ એટલું જ નહીં તેમના જેવા ભાવિ એકલવીરોને પથદર્શક પણ નીવડે અને તેમનાં આસપાસનાં પર્યાવરણ માટે બોધવાચક પણ નીવડી શકે.
Post a Comment